સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જોજો, કોઈ છેતરી ન જાય!

જોજો, કોઈ છેતરી ન જાય!

જોજો, કોઈ છેતરી ન જાય!

“નકામી છેતરપિંડીથી તમને કોઈ ગુલામ ન બનાવી દે એનો ખ્યાલ રાખજો.” —કોલોસી ૨:૮, પ્રેમસંદેશ.

 થોડાં વર્ષો પહેલાં કાયદા-કાનૂનના એક પ્રોફેસરે સર્વે કર્યો હતો. એમાં તેમણે વકીલોને પૂછ્યું: “તમારામાં કોઈ એવું છે ખરું, જેને અસીલ કે મદદ લેનાર વ્યક્તિ જૂઠું ન બોલી હોય?” એ પ્રોફેસર સમજાવે છે: “હજારો વકીલોમાંથી ફક્ત એક જ વકીલ એવો નીકળ્યો. આ વકીલ હજુ નવો નવો જ હતો, એટલે તેણે કોઈ અસીલ સાથે વાત કરી ન હતી.” આ એક કડવું સત્ય જણાવે છે: આજની દુનિયામાં જૂઠું બોલીને છેતરવું કંઈ નવાઈની વાત નથી!

આજે જ્યાં જુઓ ત્યાં લોકોને છેતરવામાં આવે છે. સમાચારોમાં એનો કોઈ પાર નથી, નેતાઓ વાત-વાતમાં જૂઠું બોલે છે, એકાઉન્ટન્ટ હિસાબ-કિતાબમાં ગોટાળા કરે છે. તો વળી, વકીલો પણ ક્યાં જાય એવા છે. મોટી મોટી કંપની જાહેરાતોથી લોકોને છેતરે છે, જ્યારે કે લોકો પોતે પણ સાચું-ખોટું કરીને વીમા કંપનીનું દેવાળું કાઢી નાખે છે. ધર્મોનો વિચાર કરો. ધર્મગુરુઓ પણ લોકોને ખરું-ખોટું શીખવીને છેતરતા આવ્યા છે. જેમ કે, પાદરીઓ લોકોને અમર જીવ, નરક અને ત્રૈક્ય જેવું જૂઠું શિક્ષણ આપે છે.—૨ તીમોથી ૪:૩, ૪.

શું આપણે આ બધાથી નવાઈ પામવું જોઈએ? જરાય નહિ. બાઇબલ ચેતવણી આપે છે: “છેલ્લા સમયમાં . . . દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે.” (૨ તીમોથી ૩:૧, ૧૩) એટલે જ આપણે ચેતતા રહેવાની જરૂર છે, જેથી આપણને કોઈ છેતરી ન જાય. આ બે સવાલ વિચારવા જેવા છે: શા માટે આજે લોકો એકબીજાને છેતરે છે અને આપણે છેતરાવું ન હોય તો, શું કરવું જોઈએ?

શા માટે લોકો એકબીજાને છેતરે છે?

૪. બાઇબલ જણાવે છે તેમ લોકો શા માટે વાત-વાતમાં જૂઠું બોલે છે?

બાઇબલ સમજાવે છે કે લોકો કેમ આટલું બધું જૂઠું બોલે છે. ઈશ્વર ભક્ત યોહાને લખ્યું કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) ‘તે દુષ્ટ’ એટલે શેતાન. તેના વિષે ઈસુએ કહ્યું: “તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ. જ્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે; કેમકે તે જૂઠો, અને જૂઠાનો બાપ છે.” તો પછી, એમાં કોઈ નવાઈ નથી કે આખું જગત પોતાના માલિક શેતાનને પગલે ચાલે છે.—યોહાન ૮:૪૪; ૧૪:૩૦; એફેસી ૨:૧-૩.

૫. કઈ રીતે રાત-દિવસ શેતાન દુષ્ટ કામો કરી રહ્યો છે, અને ખાસ કરીને તેને કોનો નાશ કરવો છે?

આ જગતના અંતના છેલ્લા સમયમાં શેતાન ગમે એ કરવા તૈયાર છે. શેતાનને સ્વર્ગમાંથી ધરતી પર ફેંકી દેવામાં આવ્યો છે. તેને ખબર છે કે તેની ઘડીઓ ગણાઈ રહી છે, એટલે “તે ઘણો કોપાયમાન થયો છે.” વળી, તે “આખા જગતને ભમાવે છે,” જેથી શક્ય એટલા લોકોનો પોતાની સાથે નાશ થાય. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૨) શેતાન કોઈ કોઈ વાર જ એમ કરે છે એવું નથી. તે રાત-દહાડો જગતને ભમાવે છે. * લોકોને છેતરવા શેતાન પોતાની પાસેનાં બધા જ સાધનો વાપરે છે, જેમાં બનાવટ અને બેવફાઈ પણ છે. આમ, તે લોકોનાં મન આંધળા કરીને તેઓને પરમેશ્વરથી દૂર દૂર લઈ જાય છે. (૨ કોરીંથી ૪:૪) બનાવટનો આ ઉસ્તાદ ખાસ કરીને એ લોકોનો નાશ કરવા ચાહે છે, જેઓ ‘ખરા દિલથી અને સચ્ચાઈથી પરમેશ્વરનું ભજન કરે’ છે. (યોહાન ૪:૨૪, પ્રેમસંદેશ; ૧ પીતર ૫:૮) આમ તો શેતાને દાવો માંડ્યો છે કે ‘હું ધારું એને પરમેશ્વરથી દૂર કરી શકું છું.’ (અયૂબ ૧:૯-૧૨) ચાલો શેતાનની અમુક ‘દુષ્ટ ચાલાકીઓ’ વિષે જાણીએ અને એની સામે કઈ રીતે ટક્કર ઝીલી શકાય એ વિષે પણ શીખીએ.—એફેસી ૬:૧૧, પ્રેમસંદેશ.

યહોવાહનો માર્ગ છોડી જનારાથી ચેતો

૬, ૭. (ક) ઘણા ધર્મ વિરોધીઓ કેવો દાવો માંડે છે? (ખ) એવા ઠગભગતોના ઇરાદા વિષે બાઇબલ શું જણાવે છે?

યહોવાહને છોડી જનારા બેવફા લોકોનો શેતાને ભરપૂર ઉપયોગ કર્યો છે. જેથી, યહોવાહના બીજા ભક્તોને પણ તે ભમાવી શકે. (માત્થી ૧૩:૩૬-૩૯) યહોવાહ સાથે બેવફાઈ કરનારા હજુ પણ તેમને ભજવાનો અને બાઇબલમાં માનતા હોવાનો દાવો કરી શકે. પરંતુ, તેઓ યહોવાહના સંગઠનના માર્ગદર્શનનો સખત વિરોધ કરે છે. અરે, ઘણા તો જૂઠા ધર્મોના ‘મહાન બાબેલોનની’ એવી માન્યતાઓ માને છે, જે યહોવાહનું અપમાન કરે છે. (પ્રકટીકરણ ૧૭:૫; ૨ પીતર ૨:૧૯-૨૨) યહોવાહે બાઇબલના લેખકોને પ્રેરણા આપી, જેથી તેઓ કડક શબ્દોથી એવા લોકોને ખુલ્લા પાડે.

એવા ધર્મ વિરોધીઓ શું ચાહે છે? પોતે જેને સાચો ધર્મ માનતા હતા, એને તેઓ હવે છોડી દે છે. પરંતુ તેઓ એટલાથી રાજી નથી. તેઓ તો બીજાઓને પણ પોતાની સાથે ખેંચી જવા માંગે છે. તેઓ પોતે મહેનત કરીને પોતાના શિષ્યો બનાવતા નથી. પરંતુ, ઈસુ ખ્રિસ્તના “શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા” ચાહે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦) એવા ઠગભગતો વિષે પાઊલે ચેતવણી આપી: “નકામી છેતરપિંડીથી તમને કોઈ ગુલામ ન બનાવી દે એનો ખ્યાલ રાખજો.” (કોલોસી ૨:૮, પ્રેમસંદેશ) યહોવાહને બેવફા બનનારા ધર્મ વિરોધીઓ બરાબર એવું જ કરે છે. અપહરણ કરનારાઓ પોતાના શિકારને ખબર ન પડે, એ રીતે કુટુંબથી છૂટા પાડી દે છે. એવી જ રીતે આ ધર્મ વિરોધીઓ પણ મીઠું મીઠું બોલીને, ખબર ન પડે એમ આપણને યહોવાહના કુટુંબથી છૂટા પાડી દેવા માંગે છે.

૮. ધર્મ વિરોધીઓ કઈ રીતોથી પોતાનો ઇરાદો પૂરો કરી રહ્યા છે?

એ ધર્મ વિરોધીઓ કઈ રીતે પોતાનો ઇરાદો પૂરો કરે છે? મોટા ભાગે તેઓ થોડું મરચું-મીઠું ઉમેરીને વાત બનાવે છે, અથવા સાવ જ જૂઠું બોલે છે. ઈસુએ અગાઉથી કહ્યું કે પોતાના વહાલા શિષ્યો વિષે જાત-જાતની ‘ભૂંડી વાત અસત્યતાથી કહેવામાં આવશે.’ (માત્થી ૫:૧૧) આવા કટ્ટર દુશ્મનો બીજાઓને ભમાવવા ખોટી વાતો ફેલાવે છે. પીતરે ચેતવણી આપી કે એવા ઠગભગતો ‘ગમે તેવી વાતો કહેશે,’ ‘નીતિમાન હોવાનો ઢોંગ કરશે’ અને પોતાનો જ નાશ લાવવા ‘શાસ્ત્રવચનોનો મારી-મચડીને અવળો અર્થ કરશે.’ (બીજો પિતર ૨:૩, ૧૩; ૩:૧૬, IBSI) દુઃખની વાત છે કે આજે પણ તેઓ “કેટલાકની શ્રદ્ધા ડગાવી રહ્યા છે.”—૨ તિમોથી ૨:૧૮, સંપૂર્ણ બાઇબલ.

૯, ૧૦. (ક) ધર્મ વિરોધીઓથી છેતરાઈ ન જવા આપણે શું કરવું જોઈએ? (ખ) આપણી સમજણમાં ફેરફાર થાય ત્યારે આપણે કેમ ગભરાઈ જતા નથી?

આપણે તેઓની મીઠી મીઠી વાતોમાં ન આવી જઈએ એ માટે શું કરવું જોઈએ? આપણે બાઇબલની આ સલાહ માનીએ: “જે બોધ તમને મળ્યો છે તેથી વિરૂદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે ને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો.” (રૂમીઓને પત્ર ૧૬:૧૭) આપણે કઈ રીતે ‘તેઓથી દૂર રહી’ શકીએ? ભલે કોઈ વ્યક્તિ, પુસ્તક, કે ઇન્ટરનેટ દ્વારા આપણને સત્ય વિરુદ્ધ માહિતી મળે તો, આપણે એને અડીએ પણ નહિ. શા માટે નહિ? એક કારણ એ કે બાઇબલ એમ જણાવે છે. વળી, યહોવાહ આપણને જે સલાહ આપે એ આપણા ભલા માટે જ છે.—યશાયાહ ૪૮:૧૭, ૧૮.

૧૦ બીજું કે આપણે યહોવાહના સંગઠનને દિલોજાનથી ચાહીએ છીએ. એ જ સંગઠને આપણને મહાન બાબેલોનથી મુક્તિ અપાવી છે અને આપણા જીવનમાં કીમતી સત્યનો પ્રકાશ ફેલાવ્યો છે. જોકે, યહોવાહ વિષે આપણને બધું જ જ્ઞાન નથી. એટલે સમય જશે તેમ આપણી સમજણમાં ફેરફારો ચોક્કસ થશે. પણ આપણે તો યહોવાહની જ રાહ જોઈશું, જે પોતાના સમયે આપણને વધારે પ્રકાશ આપશે. (નીતિવચનો ૪:૧૮) ત્યાં સુધી ગમે તે થાય, આપણે યહોવાહના સંગઠનને જ વળગી રહીશું. આપણે જોઈએ છીએ કે યહોવાહ ફક્ત આ જ સંગઠનનો ઉપયોગ કરે છે અને એને જ આશીર્વાદ આપે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૬:૭; ૧ કોરીંથી ૩:૬.

પોતે જ પોતાથી છેતરાશો નહિ!

૧૧. શા માટે આપણે પાપી મનુષ્યો પોતાને જ છેતરીએ છીએ?

૧૧ પાપી મનુષ્યોની એક નબળાઈનો શેતાન ભરપૂર લાભ ઉઠાવે છે. યિર્મેયાહ ૧૭:૯કહે છે: “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે?” વળી, ઈશ્વરભક્ત યાકૂબ કહે છે: દરેક “માણસ પોતાની ભૂંડી વાસનાઓથી લલચાઈને પાપમાં પડે છે.” (યાકોબ ૧:૧૪, પ્રેમસંદેશ) જો આપણું હૃદય લલચાય, તો એ પોતે આપણને ફસાવવા માટે પાપને સજાવી-ધજાવીને સુંદર બનાવીને આપણી સામે મૂકશે. એ તો મોહમાયાની જાળ છે, જે આખરે આપણને મોતના મોંમાં ધકેલે છે.—રૂમીઓને પત્ર ૮:૬.

૧૨. આપણે કઈ રીતે પોતાને છેતરીને ફાંદામાં ફસાઈ શકીએ?

૧૨ આપણે પોતાની જાતને સહેલાઈથી છેતરી શકીએ છીએ. આપણું કપટી હૃદય ખોટી આદતો, અરે આપણા પાપને પણ બહાના કાઢીને ઢાંકી દઈ શકે. (૧ શમૂએલ ૧૫:૧૩-૧૫, ૨૦, ૨૧) આપણે વાવ્યું હોય એ લણવાને બદલે, આપણું કપટી હૃદય બહાના શોધશે. મોજશોખનો દાખલો લો. અમુક મનોરંજનથી મજા આવે છે અને આરામ પણ મળે છે. પરંતુ, આજે મોટા ભાગે ફિલ્મોમાં, ટીવીમાં કે ઇન્ટરનેટ પર શેતાનનું જગત શું ઑફર કરે છે? એવા પ્રોગ્રામ અને ફિલ્મો, જે કોઈ લાજ-શરમ વિનાના ગંદા સીન કે દૃશ્યોથી ઊભરાતા હોય. આપણું હૃદય છેતરી શકે કે એની કોઈ અસર નહિ થાય. કોઈ વળી બહાના કાઢશે, કે “જ્યારે મારું હૃદય ડંખતું નથી તો પછી વાંધો શું છે?” જો આપણું દિલ એમ કહેતું હોય, તો આપણે “પોતાને છેતરી” રહ્યા છીએ.—યાકૂબ ૧:૨૨.

૧૩, ૧૪. (ક) બાઇબલનું કયું ઉદાહરણ બતાવે છે કે આપણું દિલ હંમેશાં ખરું નથી હોતું? (ખ) આપણું દિલ છેતરતું હોય તો આપણે શું કરવું જોઈએ?

૧૩ આપણું દિલ છેતરે નહિ એ માટે શું કરવું જોઈએ? પહેલા તો આપણે યાદ રાખીએ કે આપણે પાપી છીએ. પ્રેષિત પાઊલનો વિચાર કરો. તેમણે પહેલાં ઈસુના શિષ્યો પર ખૂબ જુલમ કર્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૧, ૨) એ સમયે પાઊલનું દિલ જરાય ડંખ્યું નહિ હોય, કેમ કે એ ખરાને ખોટું અને ખોટાને ખરું માનતું હતું. પાઊલ કહે છે કે “વિશ્વાસ નહિ હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું.” (૧ તીમોથી ૧:૧૩) તેથી, જો અમુક મોજશોખ કે મનોરંજનથી આપણું દિલ ન ડંખે, તો એનો અર્થ એવો નથી કે એ બરાબર છે. પરંતુ, આપણે પોતાનું દિલ બાઇબલ પ્રમાણે એવી રીતે કેળવીએ, જે આપણને સાચી દોરવણી આપે.

૧૪ આપણા દિલને મન ફાવે એ કરવા દેવાને બદલે, આપણે આ સલાહ લાગુ પાડીએ. પ્રાર્થના કરો અને પોતાનું દિલ તપાસો. (ગીતશાસ્ત્ર ૨૬:૨; ૨ કોરીંથી ૧૩:૫) આમ કરવાથી, આપણે જોઈ શકીશું કે ક્યાં સુધારો કરવાની જરૂર છે. બીજાની સલાહ ધ્યાનથી સાંભળો. (યાકૂબ ૧:૧૯) આપણે પોતાની ભૂલો સહેલાઈથી જોઈ શકતા નથી. તેથી, આપણે કોઈ અનુભવી ભાઈ-બહેનની સલાહ ધ્યાનથી સાંભળીએ. જો કોઈ અનુભવી મિત્ર જણાવે કે આપણે જે કરીએ છીએ એ બરાબર નથી લાગતું, તો શું કરીશું? વિચારો કે ‘શું મેં મારા હૃદયને બરાબર કેળવ્યું છે? કે પછી એ મને છેતરે છે?’ બાઇબલ અને એને લગતા આપણાં પુસ્તકો વાંચતા રહો. (ગીતશાસ્ત્ર ૧:૨) આમ આપણા વિચારો, વર્તન અને લાગણી યહોવાહના જ્ઞાન પ્રમાણે જ હશે.

શેતાનથી છેતરાશો નહિ

૧૫, ૧૬. (ક) આપણને છેતરવા માટે શેતાન કેવાં જૂઠાણાં વાપરે છે? (ખ) આપણે કઈ રીતે તેણે પાથરેલી જાળથી દૂર રહી શકીએ?

૧૫ શેતાન આપણને છેતરવા માટે જાત-જાતનાં જૂઠાણાં વાપરે છે. તે આપણને એમ મનાવવા ચાહે છે કે વધારે ધન-દોલત હોય તો જ, સુખ-શાંતિ મળે છે. પણ અનુભવો એને સાવ ખોટું સાબિત કરે છે. (સભાશિક્ષક ૫:૧૦-૧૨) તે આપણને એમ કહીને પણ છેતરવા માંગે છે કે આ જગતનો કદી અંત આવવાનો નથી. પરંતુ, નિશાનીઓ બતાવે છે કે આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧-૫) શેતાન લોકોના દિલમાં ભરે છે, કે તમે પરણેલા હોય કે કુંવારા હોય, શરીરની વાસના સંતોષવા મન ફાવે એ કરો. પરંતુ, અનુભવો બતાવે છે કે એના પરિણામ કડવા ઝેર જેવા હોય છે. (ગલાતી ૬:૭) આપણે આવાં જૂઠાણાંનો કઈ રીતે વિરોધ કરી શકીએ?

૧૬ બાઇબલના અનુભવો પરથી શીખો. અમુકને કઈ રીતે શેતાને પોતાની જાળમાં ફસાવ્યા, એ બાઇબલ જણાવે છે. અમુકને ધન-દોલત બહુ જ વહાલી હતી. અમુક સમય પારખીને જીવ્યા નહિ. તો વળી અમુક શરીરની વાસના સંતોષવા વ્યભિચારમાં પડ્યા. આ બધા કિસ્સામાં બહુ જ ખરાબ પરિણામો આવ્યાં. (માત્થી ૧૯:૧૬-૨૨; ૨૪:૩૬-૪૨; લુક ૧૬:૧૪; ૧ કોરીંથી ૧૦:૮-૧૧) આજના અનુભવો પરથી શીખો. જોકે દુઃખની વાત છે કે આજે પણ અમુક ભાઈ-બહેનો સમય પારખતા નથી. એટલે તેઓ માને છે કે શેતાનના જગતમાં એવું કંઈક છે, જે પોતે ચૂકી જાય છે. તેઓ યહોવાહનો માર્ગ છોડીને દુનિયાના મોજ-શોખમાં ડૂબી જાય છે. પરંતુ, તેઓ તો “લપસણી જગામાં” ઊભા રહે છે. તેઓએ જે વાવ્યું છે, એ આજે કે કાલે લણવું તો પડશે જ. (ગીતશાસ્ત્ર ૭૩:૧૮, ૧૯) કેમ નહિ કે આપણે બીજાની ભૂલોમાંથી જ શીખીને ચેતી જઈએ!—નીતિવચનો ૨૨:૩.

૧૭. શેતાન શા માટે આપણને કહે છે કે યહોવાહ આપણને ચાહતા નથી અને તેમને આપણી કંઈ પડી નથી?

૧૭ શેતાન દિન-રાત એક બીજું જૂઠાણું આપણી આગળ ધરે છે. તે કહે છે કે યહોવાહને ખરેખર આપણા પર પ્રેમ નથી અને તેમને આપણી જરાય પડી નથી. શેતાનની નજર આપણા દરેક પર છે. તે જાણે છે કે નિરાશાથી આપણો ઉત્સાહ ભાંગી પડશે. (નીતિવચનો ૨૪:૧૦) શેતાન એમ પણ જાણે છે કે આપણે જો વારંવાર ‘નીચે પટકાઈએ’ તો માનવા લાગીશું કે ખરેખર યહોવાહ આપણી સંભાળ રાખતા નથી. પછી, આપણે ચોક્કસ યહોવાહની ભક્તિ છોડી દઈશું. (૨ કોરીંથી ૪:૯) શેતાન, જૂઠાણાંનો સરદાર એમ જ ચાહે છે! તો પછી આપણે શેતાનના આવાં જૂઠાણાંની સામે કઈ રીતે જીતી શકીએ?

૧૮. આપણા પર યહોવાહનો પ્રેમ કઈ રીતે દેખાય આવે છે?

૧૮ યહોવાહ આપણને કેટલા ચાહે છે એના પર મનન કરો. બાઇબલ જણાવે છે કે યહોવાહને આપણા દરેક માટે કેટલો પ્રેમ છે. વિચારો કે યહોવાહ તમારાં આંસુઓ પોતાની “કુપ્પીમાં” રાખે છે, એનો અર્થ શું થાય. યહોવાહની ભક્તિ માટે તમે જે દુઃખ સહો છો, તમને જે આંસુ આવે છે, એ દરેક યહોવાહ યાદ રાખે છે. (ગીતશાસ્ત્ર ૫૬:૮) આપણે ‘આશાભંગ થઈએ’ કે નિરાશામાં ડૂબી જઈએ ત્યારે, ભલે બધા આપણને છોડી દે, પણ યહોવાહ સાથ આપે છે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૮) યહોવાહ આપણી રગેરગ જાણે છે, અરે આપણા માથાના કેટલા વાળ છે, એ પણ જાણે છે. (માત્થી ૧૦:૨૯-૩૧) વળી, શું આપણા પરના પ્રેમને કારણે જ તેમણે ‘પોતાનો એકનો એક દીકરો આપ્યો’ નથી? (યોહાન ૩:૧૬; ગલાતી ૨:૨૦) કોઈ વાર આવા શાસ્ત્રવચનો આપણે પોતાને લાગુ પાડતા નથી, પણ એમ કરવું જોઈએ. પછી જ આપણે જોઈ શકીશું કે યહોવાહ આપણને દરેકને, હા દરેકને કેટલું બધું ચાહે છે.

૧૯, ૨૦. (ક) યહોવાહ આપણને ચાહતા નથી, એવું શેતાનનું જૂઠાણું પારખીને એનો સામનો કરવાની શા માટે જરૂર છે? (ખ) એક સરકીટ ઓવરસીયરે કઈ રીતે ભાઈ-બહેનોને મદદ કરી છે?

૧૯ જૂઠાણું પારખી લો અને ચોખ્ખી ના પાડો. જો તમને પહેલેથી ખબર હોય કે સામેવાળી વ્યક્તિ ખોટું બોલે છે, તો તમે છેતરાશો નહિ. એ જ રીતે, આપણે પહેલેથી જાણીએ છીએ કે શેતાન એ જૂઠાણું ઠસાવવા માંગે છે કે યહોવાહ આપણને જરાય ચાહતા નથી. આ હકીકત આપણને ઘણી મદદ કરી શકે. શેતાનની કપટી ચાલાકીઓ વિષે ચોકીબુરજમાં એક લેખ હતો. એ વાંચીને એક બહેને કહ્યું: “મેં કદી એમ વિચાર્યું ન હતું કે શેતાન મારી જ લાગણીથી મને નિરાશ કરશે. એ જાણીને હવે મને એની સામે લડત આપવા બમણી હિંમત મળી છે.”

૨૦ દક્ષિણ અમેરિકાના એક દેશમાંથી એક સરકીટ ઓવરસીયર પોતાનો અનુભવ જણાવે છે. તે સત્યમાં ઠંડા પડી ગયેલા ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા જાય છે, ત્યારે તેઓને પૂછે છે: ‘શું તમે ત્રૈક્યમાં માનો છો?’ પેલા ભાઈ કે બહેન જાણે છે કે એ શેતાનનું જૂઠાણું છે, એટલે કહેશે: ‘ચોક્કસ નહિ.’ પછી સરકીટ ઓવરસીયર પૂછે છે: ‘તમે નરકમાં માનો છો?’ ફરીથી જવાબ હોય છે: ‘જરાય નહિ!’ પછી, સરકીટ ઓવરસીયર તેમને સમજાવે છે કે એ જ રીતે શેતાન બીજું એક જૂઠાણું ધરે છે, જે સહેલાઈથી પારખી શકાય એવું નથી. પછી તે યહોવાહ કે કરીબ આઓ * પુસ્તકના પાન ૨૪૯ પર ફકરો ૨૧ બતાવે છે. ત્યાં એ જૂઠાણું ખુલ્લું પાડવામાં આવ્યું છે કે યહોવાહ આપણને ચાહતા નથી. એ સરકીટ ઓવરસીયરે જણાવે છે કે સત્યમાં ઠંડા પડી ગયેલા ભાઈ-બહેનોને આ રીતે ઘણી મદદ મળી છે. ભાઈ-બહેનો પોતે જ શેતાનનું જૂઠાણું પારખીને, એવી લાગણી પર જીત મેળવી શક્યા છે.

જરાય છેતરાશો નહિ

૨૧, ૨૨. આપણે શેતાનની દુષ્ટ ચાલાકીઓ વિષે કેમ અંધારામાં નથી? આપણે કેવો પાક્કો નિર્ણય કરવો જોઈએ?

૨૧ આ અંતના છેલ્લા સમયમાં, આપણે જાણીએ છીએ કે શેતાન જૂઠાણાં અને કપટનો મારો ચલાવશે. જોકે, યહોવાહે આપણને એ વિષે અંધારામાં રાખ્યા નથી. બાઇબલ અને એને લગતા પ્રકાશનો દ્વારા, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” આપણને શેતાનની દુષ્ટ ચાલાકીઓ વિષે જણાવે છે. (માત્થી ૨૪:૪૫) જેથી આપણે પાણી પહેલાં જ પાળ બાંધી શકીએ.—૨ કોરીંથી ૨:૧૧.

૨૨ ચાલો આપણે ઠગભગતોની મીઠી મીઠી વાતોમાં ફસાઈએ નહિ. આપણે પોતાના દિલ પર પૂરો ભરોસો રાખીને પણ છેતરાઈએ નહિ. વળી, શેતાનના જૂઠાણાં પારખીએ અને એનો સામનો કરીએ. આમ, આપણે કપટ, છેતરપિંડી, અને જૂઠને ધિક્કારનાર, “સત્યના દેવ” યહોવાહ સાથે પાક્કી દોસ્તી જાળવી રાખીશું.—ગીતશાસ્ત્ર ૩૧:૫; નીતિવચનો ૩:૩૨.

[ફુટનોટ્‌સ]

^ મૂળ ભાષામાં પ્રકટીકરણ ૧૨:૯માં “ભમાવે છે” માટેના ક્રિયાપદ વિષે, એક પુસ્તક કહે છે કે એ ‘ચાલુ ક્રિયા બતાવે છે. જે કરવાની વ્યક્તિને આદત પડી ગઈ હોય.’

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક.

આપણે શું શીખ્યા?

• આજે દુનિયામાં કેમ લોકો એકબીજાને છેતરે છે?

• ઠગભગતો આપણને છેતરી ન જાય, એ માટે શું કરવું જોઈએ?

• આપણે પોતાથી છેતરાઈ ન જઈએ એ માટે શું કરવું જોઈએ?

• શેતાનના જૂઠાણાંમાં ન ફસાવા આપણે શું કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

૧-૩. (ક) કયાં ઉદાહરણો બતાવે છે કે બધી બાજુ લોકો એકબીજાને છેતરે છે? (ખ) આપણે શા માટે નવાઈ પામવું ન જોઈએ?

[પાન ૧૭ પર ચિત્ર]

મનોરંજનની પસંદગીમાં છેતરાશો નહિ

[પાન ૧૮ પર ચિત્ર]

આપણે પોતાને ન છેતરીએ, એ માટે પ્રાર્થના કરો અને પોતાનું દિલ તપાસો, અનુભવીનું ધ્યાનથી સાંભળો અને બાઇબલની સલાહ દિલમાં ઉતારો