વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
જળપ્રલય પછી નુહે એક કબૂતરને વહાણની બહાર મોકલ્યું. એ ‘ચાંચમાં જૈતવૃક્ષનું એક પાંદડું’ લઈને પાછું આવ્યું. એ પાંદડું ક્યાંથી લાવ્યું હશે?
બાઇબલ જણાવે છે કે “પૃથ્વી પર પાણી ઘણું ચઢ્યું; અને આખા આકાશ તળેના સર્વ ઊંચા પર્વત ઢંકાઇ ગયા.” (ઉત્પત્તિ ૭:૧૯) પરંતુ, પાણી ઓસરતું ગયું તેમ, નુહે ત્રણ અઠવાડિયામાં ત્રણ વાર કબૂતરને બહાર મોકલ્યું. કબૂતરને બીજી વાર મોકલ્યું ત્યારે, ‘તેની ચાંચમાં જૈતવૃક્ષનું તોડેલું એક પાંદડું હતું; તેથી નુહે જાણ્યું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે.’—ઉત્પત્તિ ૮:૭-૧૧.
આપણને ખબર નથી કે કેટલો સમય સુધી પૃથ્વીના અમુક ભાગ પાણીમાં ડૂબી રહ્યા હતા, કારણ કે પ્રલય પછી દેશોની સીમાઓ ચોક્કસ બદલાઈ હશે. આપણને ખાતરી છે કે મોટા ભાગની જમીન અને વૃક્ષો પાણી નીચે ડૂબી ગયા હતા. આથી ઘણાં વૃક્ષો પાણીમાં સડી ગયા હશે. પરંતુ, અમુક વૃક્ષો જીવતા રહ્યા અને પાણી ઓસરી ગયા, ત્યારે એ ફરીથી ખીલી ઊઠ્યા.
જૈતુન વૃક્ષ વિષે ધ ન્યૂ બાઇબલ ડિક્ષનરી કહે છે કે ‘વૃક્ષને કાપી નાખો તો પણ એના થડમાંથી લગભગ પાંચ નવા થડ ઊગવા માંડે છે. ભલે વૃક્ષ મરવાની અણી પર હોય, તોપણ એમાંથી નવો છોડ ઊગે છે.’ એક ધાર્મિક કોશ કહે છે: ‘એમ લાગે છે કે આ વૃક્ષ મરતું જ નથી.’ આપણને ખબર નથી કે જળપ્રલયનું પાણી કેટલું ઠંડું અને કેટલું ખારું હતું. તેથી, આપણે કહી શકતા નથી કે એ પાણીની જૈતુન વૃક્ષો અને બીજાં ઝાડ-પાન પર કેવી અસર થઈ હશે.
પરંતુ, અમુક જંગલી જૈતુન ઝાડ બહુ ઠંડીમાં મરી જાય છે. તેથી, તેઓ ઊંચા પહાડો પર ઊગતા નથી. આ વૃક્ષો ઓછામાં ઓછું ૧૦ ડિગ્રી સેલ્સિયસ હવામાન હોય, ત્યાં ઊગે છે. તેથી, જળપ્રલય (અંગ્રેજી) પુસ્તક કહે છે: ‘કબૂતરની ચાંચમાં જૈતુન વૃક્ષનું પાંદડું જોઈને નુહને ખાતરી થઈ હશે કે અમુક ખીણ સૂકાઈ ગઈ છે.’ નુહે ત્રીજે અઠવાડિયે કબૂતરને બહાર મોકલ્યું ત્યારે, એ પાછું આવ્યું નહિ. તેથી, નુહને ખબર પડી હશે કે કબૂતરને આરામ કરવાની અને માળો બાંધવાની જગ્યા મળી ગઈ હશે.—ઉત્પત્તિ ૮:૧૨.