‘વિશ્વાસુ ચાકર’ કસોટીમાં પાસ થાય છે!
‘વિશ્વાસુ ચાકર’ કસોટીમાં પાસ થાય છે!
“ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે અને પ્રથમ ઈશ્વરના લોકોનો જ ન્યાય થશે.” —૧ પીતર ૪:૧૭, પ્રેમસંદેશ.
૧. ઈસુએ ‘ચાકરની’ કસોટી કરી ત્યારે શું જોવા મળ્યું?
ઈસવી સન ૩૩ના પચાસમાને દિવસે, ઈસુએ પોતાના “ઘરનાંને” વખતસર ઈશ્વરનું જ્ઞાન આપવા માટે ‘ચાકરની’ પસંદગી કરી હતી. ઈસુ ૧૯૧૪માં યહોવાહના રાજ્યના રાજા બન્યા અને જલદી જ ‘ચાકરની’ કસોટીનો સમય થયો. ઈસુએ જોયું કે મોટા ભાગે ‘ચાકર’ ગ્રૂપ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન” પુરવાર થયા હતા. તેથી તેમણે ચાકરને “પોતાની બધી સંપત્તિનો કારભારી” ઠરાવ્યો. (માત્થી ૨૪:૪૫-૪૭) પરંતુ, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન” ચાકરના ગ્રૂપમાં અમુક દુષ્ટ ચાકર જેવા પણ હતા.
‘દુષ્ટ ચાકર’
૨, ૩. ‘દુષ્ટ ચાકર’ ક્યાંથી આવ્યો અને આમ કેવી રીતે બન્યું?
૨ ઈસુએ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વિષે કહ્યા પછી, તરત જ દુષ્ટ ચાકરની વાત કરી. તેમણે કહ્યું: “પણ જો તે ચાકર દુષ્ટ હોય તો તે પોતાના મનમાં કહેશે, ‘મારા માલિકને આવવાની વાર છે;’ પછી તે પોતાના સાથી ચાકરોને સતાવવા લાગશે. તે પોતે ખાવાપીવા અને મોજમજા કરવા લાગશે. પણ તે ચાકરનો માલિક ઓચિંતો આવી પહોંચશે. જે દિવસ અને ઘડીની તેણે આશા નહિ રાખી હોય એવા સમયે તે આવશે, અને એ ચાકરને કાપી નાખશે, ને તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, જ્યાં તે રડશે અને દાંત પીસશે.” (માથ્થી ૨૪:૪૮-૫૧, IBSI) ઈસુએ “તે ચાકર દુષ્ટ હોય” એમ કહ્યું, એ પહેલાં જ તેમણે વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરની વાત કરી હતી. હા, આ ‘દુષ્ટ ચાકર’ પહેલાં વિશ્વાસુ ચાકરના ગ્રૂપમાં હતો. * તો પછી એ કઈ રીતે દુષ્ટ બન્યો?
૩ વિશ્વાસુ ચાકરમાંના ઘણા ૧૯૧૪ પહેલાં માનતા હતા કે એ વર્ષે તેઓ સ્વર્ગમાં વરરાજા સાથે જતા રહેશે. પરંતુ, એવું કંઈ બન્યું નહિ. આ અને બીજાં કારણોને લીધે તેઓ ઘણા નિરાશ થઈ ગયા, ને તેઓના મનમાં ઝેર ભરાઈ ગયું. તેઓમાંના કેટલાકે પોતાના ભાઈ-બહેનો પર કડવા વેણનો મારો ચલાવ્યો. તેમ જ, તેઓએ “છાક્ટાઓ’ એટલે કે ખ્રિસ્તી ચર્ચો સાથે હાથ મિલાવ્યો.—યશાયાહ ૨૮:૧-૩; ૩૨:૬.
૪. ઈસુએ ‘દુષ્ટ ચાકર’ અને તેના જેવા બીજાઓને શું કર્યું?
૪ પહેલાં જેઓ ખ્રિસ્તીઓ હતા, તેઓ ‘દુષ્ટ ચાકર’ સાબિત થયા અને ઈસુએ તેઓને આકરી સજા કરી. કઈ રીતે? ઈસુએ તેઓને નાપસંદ કર્યા, એટલે તેઓ સ્વર્ગમાં જવાની આશા ગુમાવી બેઠા. જોકે તેઓનો એ જ ઘડીએ નાશ કરવામાં ન આવ્યો. પહેલા તો તેઓને ખ્રિસ્તી મંડળમાંથી ‘બહાર અંધારામાં’ ફેંકી દેવામાં આવ્યા, જ્યાં તેઓ રડશે અને દાંત પીસશે. (માત્થી ૮:૧૨) એ સમયથી આજ સુધી, પસંદ થયેલા અમુક બીજાઓએ એવું જ વલણ બતાવ્યું અને ‘દુષ્ટ ચાકર’ સાબિત થયા છે. ‘બીજાં ઘેટાંના’ અમુક જણા પણ તેઓની જેમ બેવફા નીકળ્યા છે. (યોહાન ૧૦:૧૬) ખ્રિસ્તના આવા સર્વ દુશ્મનોને ‘દુષ્ટ ચાકરની’ જેમ ‘બહાર અંધારામાં’ ફેંકી દેવામાં આવશે.
૫. ‘દુષ્ટ ચાકરની’ સરખામણીમાં ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ શું કર્યું?
૫ જોકે, ‘દુષ્ટ ચાકરની’ જેમ જ ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરની’ પણ કસોટી થઈ. પરંતુ, તેઓએ મનમાં કડવાશ ભરવાને બદલે પોતાના વિચારોમાં ફેરફારો કર્યા. (૨ કોરીંથી ૧૩:૧૧) યહોવાહ અને ભાઈ-બહેનો માટેનો તેઓનો પ્રેમ પહેલા કરતાં પણ વધ્યો. તેથી, આ “છેલ્લા સમયમાં” તેઓ તો ‘સત્યનો સ્તંભ તથા પાયો બન્યા છે.—૧ તીમોથી ૩:૧૫; ૨ તીમોથી ૩:૧.
બુદ્ધિમાન અને મૂર્ખ કુમારિકાઓ
૬. (ક) ઈસુએ પોતાનો વિશ્વાસુ ચાકર બુદ્ધિમાન હતો એની કઈ રીતે સમજણ આપી? (ખ) અભિષિક્ત ખ્રિસ્તીઓ ૧૯૧૪ પહેલાં શાનો પ્રચાર કરતા હતા?
૬ ‘તે દુષ્ટ ચાકર’ વિષે વાત કર્યા પછી, ઈસુએ બે ઉદાહરણો આપ્યાં. એના દ્વારા તેમણે સમજાવ્યું કે પસંદ થયેલામાંથી અમુક કેમ વિશ્વાસુ તથા બુદ્ધિમાન સાબિત થશે અને અમુક નહિ થાય. * બુદ્ધિમાન હોવાનો શું અર્થ થાય, એ સમજાવવા તેમણે કહ્યું: “આકાશના [સ્વર્ગના] રાજ્યને દશ કુમારિકાઓની ઉપમા અપાશે, કે જેઓ પોતપોતાની મશાલો લઈને વરને મળવા સારૂ બહાર નીકળી. અને તેઓમાંની પાંચ મૂર્ખ હતી ને પાંચ બુદ્ધિમાન હતી કેમકે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ. પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે પોતાની કુપ્પીમાં તેલ લીધું.” (માત્થી ૨૫:૧-૪) દસ કુમારિકાઓ આપણને ૧૯૧૪ પહેલાંના અભિષિક્ત ભાઈ-બહેનોની યાદ અપાવે છે. તેઓએ ગણતરી કરી હતી કે વરરાજા એટલે ઈસુ ખ્રિસ્ત હવે આવવા જ જોઈએ. તેથી, તેઓ તેમને ‘મળવા સારું બહાર નીકળ્યા.’ તેઓ પૂરા જુસ્સાથી પ્રચાર કરવા લાગ્યા કે ૧૯૧૪માં “વિદેશીઓના સમયો પૂરા” થશે.—લુક ૨૧:૨૪.
૭. અભિષિક્ત ખ્રિસ્તીઓ ક્યારે ‘ઊંઘી ગયા’ હતા અને શા માટે?
૭ તેઓ એકદમ સાચા હતા. વિદેશીઓનો સમય ૧૯૧૪માં પૂરો થયો અને ઈસુ ખ્રિસ્ત યહોવાહના રાજ્યના રાજા બન્યા. પરંતુ એ તો સ્વર્ગમાં બન્યું હતું. પરંતુ પૃથ્વી પર તો મનુષ્યો માટે “અફસોસ” શરૂ થયો. (પ્રકટીકરણ ૧૨:૧૦, ૧૨) હવે કસોટીનો સમય શરૂ થયો. અભિષિક્ત ખ્રિસ્તીઓ બધું જ બરાબર સમજતા ન હોવાથી, તેઓને થયું કે ‘વરને આવતાં વાર લાગે છે.’ એ કારણથી તેઓ મૂંઝાઈ ગયા. બીજી બાજુ દુનિયા તેઓનો સખત વિરોધ કરતી હોવાથી, તેઓમાંના ઘણા ઠંડા પડી ગયા અને પ્રચાર કાર્ય લગભગ ઠપ થઈ ગયું. ઈસુના ઉદાહરણની કુમારિકાઓની જેમ, તેઓ પણ જાણે કે ‘ઝોકાં ખાઈને ઊંઘી ગયા.’ ઈસુના પ્રેષિતો ગુજરી ગયા પછી, બેવફા ખ્રિસ્તીઓએ પણ એમ જ કર્યું હતું.—માત્થી ૨૫:૫; પ્રકટીકરણ ૧૧:૭, ૮; ૧૨:૧૭.
૮. “વર આવ્યો” એ પોકાર પહેલાં શું થયું અને અભિષિક્ત ખ્રિસ્તીઓએ શું કરવાનો એ સમય હતો?
૮ પછી ૧૯૧૯માં કંઈક અણધાર્યું બન્યું. આપણે વાંચીએ છીએ: “મધરાતે બૂમ પડી, કે જુઓ, વર આવ્યો! તેને મળવાને નીકળો. ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતપોતાની મશાલો તૈયાર કરી.” (માત્થી ૨૫:૬, ૭) બધે જ ધાર્મિક અંધકાર છવાઈ ગયો હતો ત્યારે, ઉત્સાહથી પ્રચાર કરવાનો પોકાર સંભળાયો! ઈસુ ખ્રિસ્ત, ‘કરારના દૂત’ ૧૯૧૮માં યહોવાહના મંદિર કે મંડળની કસોટી કરવા અને એને શુદ્ધ કરવા આવ્યા. (માલાખી ૩:૧) હવે અભિષિક્ત ખ્રિસ્તીઓએ પૃથ્વી પર, મંદિરના આંગણામાં ઈસુને મળવા જવાની જરૂર હતી. તેઓએ હવે પ્રકાશી ઊઠવાનો સમય આવ્યો હતો.—યશાયાહ ૬૦:૧; ફિલિપી ૨:૧૪, ૧૫.
૯, ૧૦. શા માટે ૧૯૧૯માં અમુક ખ્રિસ્તીઓ ‘બુદ્ધિમાન’ અને અમુક ‘મૂર્ખ’ હતા?
૯ પછી શું થયું? આ ઉદાહરણમાંની અમુક કુમારિકાઓને મુશ્કેલી હતી. ઈસુએ કહ્યું: “મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું, કે તમારા તેલમાંથી અમને આપો, કેમકે અમારી મશાલો હોલવાઈ જાય છે.” (માત્થી ૨૫:૮) તેલ વગર મશાલો કે દીવાઓ પ્રકાશ કેમ આપે? તેથી, તેલ આપણને બાઇબલ અને પરમેશ્વરના પવિત્ર આત્મા કે શક્તિની યાદ અપાવે છે. એનાથી ઈશ્વર ભક્તોને પ્રચાર કરીને પ્રકાશ ફેલાવવા મદદ મળે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૦; દાનીયેલ ૫:૧૪) ભલે વિશ્વાસમાં ઠંડા પડી ગયા છતાં, ચાકર ગ્રૂપમાંના બુદ્ધિમાન ભાઈ-બહેનોએ ૧૯૧૯ પહેલાં, પોતાના માટેની પરમેશ્વરની ઇચ્છા જાણવા શોધ-ખોળ કરી હતી. તેથી, જ્યારે પ્રકાશ ફેલાવવાનો પોકાર સંભળાયો ત્યારે તેઓ તૈયાર હતા.—૨ તીમોથી ૪:૨; હેબ્રી ૧૦:૨૪, ૨૫.
૧૦ જોકે, અમુક અભિષિક્ત ખ્રિસ્તીઓને વરરાજા સાથે રહેવાની તમન્ના તો હતી. પરંતુ તેઓ કંઈ જતું કરવા કે ફેરફારો કરવા તૈયાર ન હતા. તેથી, જ્યારે ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવાનો સમય આવ્યો, ત્યારે તેઓ તૈયાર ન હતા. (માત્થી ૨૪:૧૪) તેઓએ પોતાના ઉત્સાહી ભાઈ-બહેનોને પણ ઠંડા પાડવાનો પ્રયત્ન કર્યો. તેથી, ઈસુના ઉદાહરણમાંની બુદ્ધિમાન કુમારિકાઓએ શું કર્યું? તેઓએ કહ્યું: “‘ના, આપણા બધાને પૂરતુ થઈ રહે તેટલું તેલ નથી. બજારમાં જાઓ અને તમારે માટે ખરીદી લાવો.’” (માથ્થી ૨૫:૯, પ્રેમસંદેશ) એવી જ રીતે, ૧૯૧૯માં અભિષિક્ત ખ્રિસ્તીઓએ એવું કંઈ પણ કરવાની ના પાડી, જેનાથી તેઓનો પોતાનો પ્રકાશ ઝાંખો પડી જાય. તેથી, તેઓ કસોટીમાં પાસ થયા.
૧૧. મૂર્ખ કુમારિકાઓનું શું થયું?
૧૧ ઈસુએ અંતે કહ્યું: “તેઓ [મૂર્ખ કુમારિકાઓ] વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો, ને જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્નજમણમાં ગઈ; અને બારણું બંધ કરવામાં આવ્યું. પછી તે બીજી કુમારિકાઓએ આવીને કહ્યું, કે ઓ સ્વામી, સ્વામી, અમારે સારૂ ઉઘાડ. પણ તેણે ઉત્તર દીધો, હું તમને ખચીત કહું છું કે હું તમને ઓળખતો નથી.” (માત્થી ૨૫:૧૦-૧૨) હા, અમુક વરરાજાનું સ્વાગત કરવા તૈયાર ન હતી. તેથી, તેઓ કસોટીમાં પાસ ન થઈ અને સ્વર્ગમાંના લગ્ન-જમણમાં જવાની તક ગુમાવી. એ કેટલા અફસોસની વાત કહેવાય!
તાલંતનું ઉદાહરણ
૧૨. (ક) ઈસુએ વિશ્વાસુ હોવાનો અર્થ સમજાવવા કયું ઉદાહરણ આપ્યું? (ખ) “પરદેશ” જનાર માણસ કોણ હતા?
૧૨ બુદ્ધિમાન હોવાનો અર્થ સમજાવ્યા પછી, ઈસુએ સમજાવ્યું કે વિશ્વાસુ હોવાનો શું અર્થ થાય. એ વિષે બીજું ઉદાહરણ આપતા તેમણે કહ્યું: ‘એક માણસે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. એકને તેણે પાંચ તાલંત, ને બીજાને બે, ને ત્રીજાને એક, એમ હરેકને પોતપોતાની શક્તિ પ્રમાણે આપ્યું; અને તે પરદેશ ગયો.’ (માત્થી ૨૫:૧૪, ૧૫) આ ઉદાહરણના માણસ ઈસુ ખ્રિસ્ત પોતે છે. તે ૩૩ની સાલમાં “પરદેશ” એટલે સ્વર્ગમાં ગયા. પરંતુ સ્વર્ગમાં જતા પહેલાં, તેમણે “પોતાની સંપત્તિ” પોતાના વિશ્વાસુ શિષ્યોને આપી. કઈ રીતે?
૧૩. ઈસુએ કઈ રીતે મોટા કામની તૈયારી કરી અને પોતાના ‘ચાકરોને’ તેમણે શું કરવાની આજ્ઞા આપી?
૧૩ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે આખા ઈસ્રાએલમાં ઈશ્વરના રાજ્ય વિષે પ્રચાર કરીને, દુનિયાભરમાં થનારા પ્રચારની તૈયારી કરી. (માત્થી ૯:૩૫-૩૮) “પરદેશ” જતા પહેલાં તેમણે પોતાના વિશ્વાસુ શિષ્યોને એ કામ સોંપતા આમ કહ્યું: “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૮-૨૦) આ શબ્દોથી ઈસુએ જાણે કે પોતાના ‘ચાકરોને’ આજ્ઞા આપી કે તેઓ ‘હરેક પોતપોતાની શક્તિ પ્રમાણે’ ‘વેપાર’ કરે.
૧૪. શા માટે બધા જ એકસરખું પ્રચાર કાર્ય કરે એવી આશા રાખવામાં આવી ન હતી?
૧૪ “હરેક પોતપોતાની શક્તિ પ્રમાણે,” આ શબ્દો બતાવે છે કે પ્રથમ સદીમાં પણ બધાને એકસરખા સંજોગો ન હતા કે તક મળી ન હતી. અમુકના સંજોગો પાઊલ અને તીમોથી જેવા હતા, જેથી તેઓ પ્રચાર અને શિક્ષણનું કામ વધારે કરી શક્યા હતા. કદાચ બીજાઓ માટે એમ કરવું ઘણું મુશ્કેલ હશે. દાખલા તરીકે, અમુક ખ્રિસ્તીઓ દાસ હતા, બીજા બીમાર હતા, તો વળી અમુકને ઘડપણ સતાવતું હતું. તેમ જ, અમુકને પરિવારની જવાબદારી હતી. જ્યારે કે મંડળની જવાબદારી બધા માટે ન હતી. અભિષિક્ત બહેનો અને અમુક અભિષિક્ત ભાઈઓ પણ મંડળમાં શીખવતા ન હતા. (૧ કોરીંથી ૧૪:૩૪; ૧ તીમોથી ૩:૧; યાકૂબ ૩:૧) પરંતુ, ભલેને ગમે તે સંજોગો હોય છતાં, દરેક અભિષિક્ત ભાઈ-બહેનોને પ્રચાર અથવા ‘વેપાર’ કરવાનો હતો. એટલે કે તેઓએ સંજોગો પ્રમાણે પ્રચાર કરવાની તકોનો લાભ લેવાનો હતો. આજે પણ સાચા ખ્રિસ્તીઓ એમ જ કરે છે.
કસોટીની શરૂઆત!
૧૫, ૧૬. (ક) હિસાબ લેવાનો સમય ક્યારે આવ્યો? (ખ) વિશ્વાસુ ચાકરોને ‘વેપાર’ કરવાની કઈ નવી તક મળવાની હતી?
૧૫ ઉદાહરણમાં ઈસુ આગળ કહે છે: “લાંબી મુદ્ત પછી તે ચાકરોનો ધણી આવે છે, ને તેઓ પાસેથી હિસાબ લે છે.” (માત્થી ૨૫:૧૯) ઈસવી સન ૩૩ પછી લાંબા સમય બાદ, ૧૯૧૪માં રાજા ઈસુ ખ્રિસ્તની હાજરીની શરૂઆત થઈ. એના સાડા ત્રણ વર્ષ પછી, ૧૯૧૮માં ઈસુ યહોવાહના આત્મિક મંદિરમાં આવ્યા અને પીતરના શબ્દો પૂરા કર્યા: “ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે અને પ્રથમ ઈશ્વરના લોકોનો જ ન્યાય થશે.” (૧ પીતર ૪:૧૭, પ્રેમસંદેશ; માલાખી ૩:૧) એ હિસાબ લેવાનો સમય હતો.
૧૬ ઈસુના અભિષિક્ત ભાઈઓએ એટલે ચાકરોએ ‘તાલંતનું’ શું કર્યું હતું? ઈસવી સન ૩૩થી ૧૯૧૪ સુધી ઘણાએ ઈસુના ‘વેપારમાં’ બહુ જ મહેનત કરી હતી. (માત્થી ૨૫:૧૬) એટલે સુધી કે પહેલા વિશ્વ-યુદ્ધમાં પણ તેઓને માલિકની સેવા કરવાની ખૂબ જ ઇચ્છા હતી. હવે સમય આવ્યો હતો કે વિશ્વાસુ ચાકરોને “વેપાર” કરવાની નવી તક આપવામાં આવે. આ દુષ્ટ જગતનો અંત હવે બહુ જ નજીક હોવાથી, આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યનો પ્રચાર થવો જ જોઈએ. “પૃથ્વીની ફસલ” કપાવી જ જોઈએ. (પ્રકટીકરણ ૧૪:૬, ૭, ૧૪-૧૬) ઘઉં જેવા સારા ભક્તોના આખરી સભ્યો ભેગા કરવાના હતા. વળી, ‘મોટી સભાના’ બીજાં ઘેટાંને પણ શોધી કાઢવાના હતા.—પ્રકટીકરણ ૭:૯; માત્થી ૧૩:૨૪-૩૦.
૧૭. વિશ્વાસુ અભિષિક્ત ખ્રિસ્તીઓ કઈ રીતે “માલિકના આનંદમાં ભાગીદાર” થાય છે?
૧૭ કાપણીના સમયમાં બધે જ આનંદ હોય છે. (ગીતશાસ્ત્ર ૧૨૬:૬) તેથી, ઈસુએ ૧૯૧૯માં પોતાના અભિષિક્ત ભાઈઓને વધારે જવાબદારી સોંપી ત્યારે આનંદનો સમય હતો. તેમણે કહ્યું: ‘તું આ નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે, તેથી હું તને મોટી જવાબદારી સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’ (માથ્થી ૨૫:૨૧, ૨૩, IBSI) એ ઉપરાંત, માલિકને પરમેશ્વરના રાજ્યના રાજા બનવાનો જે આનંદ મળ્યો છે, એની તો આપણે કલ્પના પણ કરી શકતા નથી. (ગીતશાસ્ત્ર ૪૫:૧, ૨, ૬, ૭) વિશ્વાસુ ચાકરનું ગ્રૂપ રાજાને રજૂ કરીને અને પૃથ્વી પર તેમની સંપત્તિમાં વધારો કરીને તેમના આનંદમાં સહભાગી થાય છે. (૨ કોરીંથી ૫:૨૦) તેઓની ખુશી યશાયાહ ૬૧:૧૦ના શબ્દોમાં જોવા મળે છે: ‘હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા દેવમાં હરખાશે. તેણે મને તારણનાં વસ્ત્ર પહેરાવ્યાં છે.’
૧૮. શા માટે અમુક કસોટી પાસ ન થયા અને શું પરિણામ આવ્યું?
૧૮ અફસોસની વાત છે કે અમુક અભિષિક્તો કસોટીમાં પાસ ન થયા. આપણે વાંચીએ છીએ: “એક તાલંત મળ્યો હતો, તેણે પણ પાસે આવીને કહ્યું, કે પ્રભુ જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર, ને જ્યાં તેં નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે, એવો કરડો માણસ મેં તને જાણ્યો. માટે હું બીધો, ને જઈને તારો તાલંત મેં ભોંયમાં દાટી મૂક્યો; જો, તને તારૂં પહોંચ્યું છે.” (માત્થી ૨૫:૨૪, ૨૫) એવી જ રીતે, અમુક અભિષિક્ત ખ્રિસ્તીઓએ પણ ‘વેપાર’ કર્યો નહિ. તેઓએ ૧૯૧૪ પહેલાં જોર-શોરથી બીજાઓને પ્રચાર કર્યો નહિ. તેમ જ, ૧૯૧૯માં પણ તેઓએ એમ શરૂ કરવાની હોંશ બતાવી નહિ. જાણીજોઈને આવું વલણ બતાવનારાને ઈસુએ શું કર્યું? ઈસુએ તેઓના સર્વ આશીર્વાદો લઈ લીધા. તેઓને ‘બહાર અંધકારમાં કાઢી મૂક્યા. ત્યાં રડવાનું અને દાંત પીસવાનું થશે.’—માત્થી ૨૫:૨૮, ૩૦.
કસોટી હજુ ચાલુ છે
૧૯. કઈ રીતે કસોટી હજુ ચાલુ છે અને સર્વ અભિષિક્તોએ શું કરવાનો નિર્ણય લીધો છે?
૧૯ જોકે, ઈસુએ ૧૯૧૮માં કસોટી કરવાની શરૂઆત કરી ત્યારે, ચાકર ગ્રૂપના ઘણા અભિષિક્ત ભાઈ-બહેનો હજુ યહોવાહની સેવા કરતા ન હતા. શું તેઓની પણ કસોટી થશે? હા, કેમ કે ૧૯૧૮/૧૯માં તો કસોટીની શરૂઆત જ થઈ હતી, જેમાં વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર ગ્રૂપ તરીકે પાસ થયા. દરેક પસંદ થયેલા અભિષિક્તો પર કાયમી સીલ ન લાગે ત્યાં સુધી કસોટી ચાલુ જ રહેશે. (પ્રકટીકરણ ૭:૧-૩) એટલે ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓએ પાક્કો નિર્ણય કર્યો છે કે પોતે વિશ્વાસુ રીતે ‘વેપાર’ કરતા જ રહેશે. તેઓ પોતાની પાસે ભરપૂર તેલ રાખે છે, જેથી દરેક રીતે બુદ્ધિમાન સાબિત થઈને અજવાળું ફેલાવતા જ રહે. તેઓ જાણે છે કે પોતે અંત સુધી વિશ્વાસુ રહેશે તો, ઈસુ તેઓને પોતાની સાથે રહેવા આવકાર આપશે.—માત્થી ૨૪:૧૩; યોહાન ૧૪:૨-૪; ૧ કોરીંથી ૧૫:૫૦, ૫૧.
૨૦. (ક) મોટી સભાના ભાઈ-બહેનોએ શું કરવાનો નિર્ણય લીધો છે? (ખ) અભિષિક્ત ખ્રિસ્તીઓ શું જાણે છે?
૨૦ બીજાં ઘેટાંની મોટી સભા પણ પોતાના અભિષિક્ત ભાઈઓને પગલે પગલે ચાલવાનો નિર્ણય લીધો છે. તેઓ જાણે છે કે પરમેશ્વરના હેતુઓ જાણીને બેસી નથી રહેવાનું, પણ એની સાથે પોતાના પર જવાબદારી પણ છે. (હઝકીએલ ૩:૧૭-૨૧) તેથી, તેઓ પણ પોતાની પાસે પુષ્કળ તેલ રાખવા, બાઇબલ અને પવિત્ર આત્માની મદદ લે છે, તથા મિટિંગોમાં ભાઈ-બહેનોની સંગતનો આનંદ માણે છે. તેમ જ, તેઓ પ્રચાર કરીને શિક્ષણ આપે છે, જેથી પોતાનો પ્રકાશ ફેલાવી શકે. આમ તેઓ પોતાના અભિષિક્ત ભાઈઓ સાથે ‘વેપારમાં’ ભાગ લે છે. જોકે, અભિષિક્ત ખ્રિસ્તીઓ જાણે છે કે તાલંત તેઓને આપવામાં આવ્યા હતા. તેથી, પૃથ્વી પરની પ્રભુની સંપત્તિની વધ-ઘટનો હિસાબ તેઓની પાસેથી લેવામાં આવશે. તેથી, તેઓની સંખ્યા ઓછી છે છતાં, તેઓ પોતાની બધી જવાબદારી મોટા ટોળાને માથે નાખી દેતા નથી. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” રાજાના વેપારમાં પોતે આગેવાની લે છે. તેમ જ, મોટી સભાના જે ભાઈ-બહેનો પૂરા દિલથી તેઓને મદદ કરે છે, એની કદર કરે છે. મોટી સભાના ભાઈ-બહેનો એ જાણે છે, એટલે પોતાના અભિષિક્ત ભાઈઓની દેખરેખ નીચે કામ કરવાને મોટો આશીર્વાદ ગણે છે.
૨૧. કઈ સલાહ દરેક ખ્રિસ્તીને લાગુ પડે છે?
૨૧ ખરું કે આપણે જોઈ ગયા એ બંન્ને ઉદાહરણો ૧૯૧૯ની આસપાસના બનાવો પર પ્રકાશ ફેંકે છે. પરંતુ, એમાં બતાવેલા સિદ્ધાંતો છેલ્લા દિવસોમાંના દરેક ખ્રિસ્તીઓને લાગુ પડે છે. આમ, ભલે ઈસુએ દસ કુમારિકાના ઉદાહરણને અંતે આપેલી સલાહ ૧૯૧૯ પહેલાંના અભિષિક્તો માટે હતી. પણ એ સિદ્ધાંત આજે આપણને દરેકને લાગુ પડે છે. તેથી, ચાલો આપણે સર્વ ઈસુના આ શબ્દો દિલ પર લખી લઈએ: “જાગતા રહો, કેમકે તે દહાડો અથવા તે ઘડી તમે જાણતા નથી.”—માત્થી ૨૫:૧૩.
[ફુટનોટ્સ]
^ એવી જ રીતે પ્રેષિતો ગુજરી ગયા પછી, “ક્રુર વરુઓ” અભિષિક્ત વડીલોમાંથી જ આવ્યા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦.
^ આ ઉદાહરણોની વધારે સમજણ માટે કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ પુસ્તકમાં એકસો અગિયારમું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
તમે સમજાવશો?
• ઈસુએ ક્યારે પોતાના શિષ્યોની કસોટી કરી અને તેમને શું જોવા મળ્યું?
• શા માટે અમુક અભિષિક્તો ‘દુષ્ટ ચાકર’ જેવા બન્યા?
• આપણે યહોવાહની સેવામાં કઈ રીતે બુદ્ધિમાન સાબિત થઈ શકીએ?
• ઈસુના વિશ્વાસુ અભિષિક્તોને પગલે ચાલીને આપણે કઈ રીતે ‘વેપાર’ કરતા રહી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૬ પર બોક્સ]
ઈસુ ક્યારે આવે છે?
માત્થી ૨૪ અને ૨૫માં, ઈસુએ અલગ અલગ રીતે ‘આવવાની’ વાત કરી છે. ઈસુએ પૃથ્વી પર ફરીથી માણસ બનીને ‘આવવાની’ જરૂર નથી. પણ તે આખા જગતનો કે પોતાના શિષ્યોનો ન્યાય કરવા ‘આવે છે,’ એટલે કે પોતાનું ધ્યાન એ તરફ દોરે છે. આમ, ૧૯૧૪માં તે યહોવાહના રાજા તરીકે ‘આવ્યા’ ત્યારે, તેમની હાજરીની શરૂઆત થઈ હતી. (માત્થી ૧૬:૨૮; ૧૭:૧; પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૧) કરારના દૂત તરીકે ઈસુ ૧૯૧૮માં ‘આવ્યા’ અને યહોવાહની સેવા કરવાનો દાવો કરનારાની કસોટી કરી. (માલાખી ૩:૧-૩; ૧ પીતર ૪:૧૭) આર્માગેદનમાં તે યહોવાહના દુશ્મનોનો નાશ કરવા ‘આવશે.’—પ્રકટીકરણ ૧૯:૧૧-૧૬.
માત્થી ૨૪:૨૯-૪૪ અને ૨૫:૩૧-૪૬માં ઘણી વાર આવવું કે આવશે એવું કહે છે, એ “મોટી વિપત્તિ” વિષે વાત કરે છે. (પ્રકટીકરણ ૭:૧૪) જ્યારે કે માત્થી ૨૪:૪૫-૨૫:૩૦માં આવવા વિષે ઘણી વાર વાત થઈ છે, એ ૧૯૧૮થી શિષ્યો હોવાનો દાવો કરનારાનો ઈસુ ન્યાય કરે છે એને લાગુ પડે છે. એટલે બધું સાથે મૂકીને એમ તો ન કહેવાય કે વિશ્વાસુ ચાકરને ઇનામ આપવા, મૂર્ખ કુમારિકાઓને દંડ આપવા, અને માલિકનો તાલંત સંતાડી દેનાર દાસને સજા આપવા, ઈસુ મોટી વિપત્તિમાં ‘આવશે.’ એનો તો એવો અર્થ થાય કે એ સમયે અમુક અભિષિક્તો બેવફા સાબિત થશે, જેમની જગ્યાએ બીજાને પસંદ કરવા પડશે. પરંતુ, પ્રકટીકરણ ૭:૩ બતાવે છે કે મોટી વિપત્તિ આવશે ત્યારે તો ઈસુના સર્વ અભિષિક્ત ભાઈઓ પર કાયમી સીલ લાગી ગયું હશે.
[પાન ૧૪ પર ચિત્ર]
‘દુષ્ટ ચાકરને’ ૧૯૧૯માં કોઈ આશીર્વાદ મળ્યા નહિ
[પાન ૧૫ પર ચિત્ર]
વરરાજા આવ્યા ત્યારે બુદ્ધિમાન કુમારિકાઓ તૈયાર હતી
[પાન ૧૭ પર ચિત્ર]
વિશ્વાસુ ચાકરે પૂરા દિલથી ‘વેપાર’ કર્યો હતો
[પાન ૧૭ પર ચિત્ર]
નકામા ચાકરે એમ ન કર્યું
[પાન ૧૮ પર ચિત્ર]
અભિષિક્તો અને ‘મોટી સભા’ પોતાનો પ્રકાશ ફેલાવી રહ્યા છે