વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
નિર્ગમન ૪:૨૪-૨૬ના અહેવાલમાં શું થયું અને કોનું જીવન જોખમમાં હતું?
મુસા પોતાની પત્ની સિપ્પોરાહ, અને તેમના દીકરા ગેર્શોમ તથા અલીએઝેરને મિસર લઈ જતા હતા. ત્યારે, “માર્ગમાં ઉતારાની જગાએ એમ બન્યું કે યહોવાહે તેને મળીને મારી નાખવાનું ધાર્યું. ત્યારે સિપ્પોરાહે ચકમકનો એક પથ્થર લઈને પોતાના પુત્રની સુનત કરી, ને પેલી ચામડી તેણે તેના પગ પાસે નાખીને કહ્યું, કે નિશ્ચે તું તો મારે સારૂ રક્તનો વર છે. માટે તેણે તેને છોડ્યો. ત્યારે તેણે કહ્યું, કે સુનતના કારણથી તું તો મારે સારૂ રક્તનો વર છે.” (નિર્ગમન ૪:૨૪-૨૬) આ કલમો સમજવી થોડી અઘરી છે. વળી, આપણે પૂરી ખાતરીથી કહી શકતા નથી કે એનો આખો અર્થ શું થાય છે. પરંતુ, આપણે એમાંથી થોડું-ઘણું સમજી શકીએ કેમ કે અમુક બીજી કલમો આ બનાવ પર પ્રકાશ ફેંકે છે.
આ કલમો સીધેસીધી જણાવતી નથી કે કોનું જીવન જોખમમાં હતું. પરંતુ, આપણે ખાતરી રાખી શકીએ કે મુસાનો જીવ જોખમમાં ન હતો. શા માટે? થોડા સમય પહેલાં જ યહોવાહે મુસાને ઈસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઈ જવાનું કામ સોંપ્યું હતું. (નિર્ગમન ૩:૧૦) તેથી, યહોવાહનો દૂત મુસાને મારી નાખવા નીકળ્યો ન હતો. તો પછી, એમ લાગે છે કે મુસાના બે દીકરાઓમાંથી કોઈ એકનો જીવ જોખમમાં હતો. પરંતુ શા માટે? યહોવાહે ઈબ્રાહીમને સુનત વિષે આ ન્યાય આપ્યો હતો: “સુનત વગરનો પુરુષ જેની ચામડીની સુનત કરવામાં આવી નહિ હોય, તે માણસ પોતાના લોકોમાંથી કપાઈ જશે; તેણે મારો કરાર તોડ્યો છે.” (ઉત્પત્તિ ૧૭:૧૪) એમ લાગે છે કે મુસા તેમના એક દીકરાની સુનત કરવાનું ભૂલી ગયા હતા. તેથી, આ દૂત તેમના છોકરાને મારી નાખવા આવે છે.
પરંતુ, સિપ્પોરાહ તરત જ બાળકની સુનત કરે છે. પણ તે કોના પગ આગળ ચામડી મૂકે છે? તે યહોવાહના દૂત આગળ મૂકે છે. એમ કરીને તે દૂતને બતાવતી હતી કે તેણે યહોવાહનો નિયમ પાળ્યો હતો, અને તેથી તેના બાળકને મરવું પડશે નહિ.
સિપ્પોરાહ પછી કહે છે કે “તું તો મારે સારૂ રક્તનો વર છે.” અહીંયા તે શું કહેવા માંગતી હતી? સુનતનો નિયમ પાળવાથી તે જાણે યહોવાહ સાથે એક કરારમાં આવી ગઈ હતી. વર્ષો બાદ યહોવાહે ઈસ્રાએલીઓને નિયમ કરાર આપ્યો હતો. શાસ્ત્રવચન કહે છે કે એ કરાર પ્રમાણે યહોવાહ જાણે એક પતિ છે અને ઈસ્રાએલીઓ જાણે તેમની પત્ની છે. (યિર્મેયાહ ૩૧:૩૨) તેથી, જ્યારે સિપ્પોરાહે દૂતને કહ્યું કે “તું તો મારે સારૂ રક્તનો વર છે,” તો તે ખરેખર યહોવાહને કહેતી હતી. જેમ એક પત્ની તેના પતિને આધીન રહે છે તેમ સિપ્પોરાહ બાળકની સુનત કરીને બતાવતી હતી કે તે યહોવાહ અને તેમના નિયમને આધીન હતી. આ બનાવમાંથી આપણે એક બાબત ચોક્કસ કહી શકીએ. સુનત કરવાનો યહોવાહનો નિયમ પાળીને સિપ્પોરાહે તેના બાળકનો જાન બચાવ્યો.