ઈસુના ચમત્કારો તમે એમાંથી શું શીખી શકો?
ઈસુના ચમત્કારો તમે એમાંથી શું શીખી શકો?
બાઇબલમાં અમુક સમયે ગ્રીક શબ્દ (થીનાસીસ્)નું ભાષાંતર “ચમત્કાર” કરવામાં આવ્યું છે કે જેનો અર્થ “શક્તિ” થાય છે. (લુક ૮:૪૬, સંપૂર્ણ બાઇબલ) એ જ શબ્દનું “આવડત” અથવા “પરાક્રમી કામો” પણ ભાષાંતર થઈ શકે છે. (માથ્થી ૧૧:૨૦; ૨૫:૧૫, પ્રેમસંદેશ) એક નિષ્ણાતના કહ્યા પ્રમાણે, આ ગ્રીક શબ્દ “પરાક્રમી કાર્ય અને ખાસ કરીને જે શક્તિથી કરવામાં આવ્યાં એના પર ભાર આપે છે. બનાવ બતાવે છે કે પરમેશ્વરની શક્તિથી એ ચમત્કાર કર્યા છે.”
બીજા એક ગ્રીક શબ્દ (ટીરાસ)નું “અદ્ભુત કામ” તરીકે ભાષાંતર કરવામાં આવ્યું છે. (યોહાન ૪:૪૮; પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૯) આ શબ્દ બતાવે છે કે ઈસુનાં અદ્ભુત કામો જોનારા પર એની કેવી અસર થતી હતી. ઘણી વાર, ટોળું અને શિષ્યો ઈસુના શક્તિશાળી કાર્યો જોઈને મોંમાં આંગળા નાખી જતા હતા.—માર્ક ૨:૧૨; ૪:૪૧; ૬:૫૧; લુક ૯:૪૩.
ત્રીજો ગ્રીક શબ્દ (સીમિઑન) બતાવે છે કે ઈસુએ ‘પરમેશ્વરની સત્તાથી’ ચમત્કારો કર્યા. રોબર્ટ ડેફિનબાઉ નામના નિષ્ણાત કહે છે કે એ શબ્દ “ચમત્કારોના ઊંડા અર્થને બતાવે છે. ચમત્કારનું ચિહ્ન આપણા પ્રભુ ઈસુ વિષેનું સત્ય બતાવે છે.”
શું એ ખરેખર પરમેશ્વરની શક્તિ હતી?
ઈસુના ચમત્કારો લોકોના મનોરંજન માટે ન હતા. ઈસુએ એક ભૂત વળગેલા છોકરાને સાજો કર્યો ત્યારે “દેવના આવા મહા પરાક્રમથી” લોકોને આશ્ચર્ય થયું. (લુક ૯:૩૭-૪૩) શું આવાં કાર્યો પરમેશ્વર માટે અશક્ય છે, જેમની પાસે ‘અતિ ઘણું સામર્થ્ય અને મહાન શક્તિ’ છે? (યશાયા ૪૦:૨૬, IBSI) ના, જરાય નહિ!
માત્થી, માર્ક, લુક અને યોહાનનાં પુસ્તકો ઈસુના લગભગ ૩૫ ચમત્કારો વિષે જણાવે છે. ઈસુએ કુલ કેટલા ચમત્કારો કર્યા હતા એ જણાવવામાં આવ્યું નથી. દાખલા તરીકે, માત્થી ૧૪:૧૪ બતાવે છે: “[ઈસુએ] નીકળીને ઘણા લોકોને દીઠા, ત્યારે તેઓ પર તેને દયા આવી; અને તેણે તેઓમાંનાં માંદાંઓને સાજાં કર્યાં.” અહીંયા એ જણાવવામાં આવ્યું નથી કે એ બનાવમાં ઈસુએ કેટલા લોકોને સાજા કર્યા હતા.
ઈસુના આવાં કાર્યોએ પુરવાર કર્યું કે તે પરમેશ્વરના દીકરા અને મસીહ હતા. બાઇબલ જણાવે છે કે પરમેશ્વરે આપેલી શક્તિને લીધે ઈસુ ચમત્કારો કરી શકતા હતા. પ્રેષિત પાઊલે ઈસુ વિષે કહ્યું: “જેની મારફતે દેવે તમારામાં જે પરાક્રમો તથા આશ્ચર્યો તથા ચમત્કારો કરાવ્યાં, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે માણસ દેવને પસંદ પડેલો છે, એવું તમારી આગળ સાબિત થયું.” (પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૨) પીતરે કહ્યું: “જેને દેવે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યો; તે ભલું કરતો તથા શેતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વેને સાજા કરતો ફર્યો; કેમકે દેવ તેની સાથે હતો.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૭, ૩૮.
માર્ક ૧:૨૧-૨૭ જણાવે છે કે ઈસુના શિક્ષણ અને તેમના ચમત્કારો જોઈને લોકોએ શું કર્યું. માર્ક ૧:૨૨ કહે છે કે લોકો “તેના ઉપદેશથી અચરત થયા.” કલમ ૨૭ બતાવે છે કે તેમણે ભૂત વળગેલા માણસને સાજો કર્યો ત્યારે પણ લોકો “અચરત” થયા. ઈસુનાં શક્તિશાળી કાર્યો અને તેમના સંદેશાએ પુરાવો આપ્યો કે તે ખરેખર મસીહ હતા.
ઈસુના ચમત્કારો તેમના સંદેશા સાથે જ જોડાયેલા હતા.ઈસુ ફક્ત એવું સ્વીકારીને બેસી રહ્યા નહિ કે પોતે મસીહ છે. તેમણે વાણી અને વર્તનથી પણ બતાવ્યું કે પોતે મસીહ હતા અને પરમેશ્વરે તેમને શક્તિ આપી હતી. ઈસુની ભૂમિકા અને કાર્યો વિષે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે જવાબ આપ્યો: “યોહાન [બાપ્તિસ્મક]ની શાહેદી કરતાં મારી પાસે મોટી શાહેદી છે; કેમકે જે કામો બાપે મને પૂરાં કરવાને આપ્યાં છે, એટલે જે કામો હું કરૂં છું, તેજ મારે વિષે શાહેદી આપે છે કે બાપે મને મોકલ્યો છે.”—યોહાન ૫:૩૬.
ઈસુના ચમત્કારોની ચોકસાઈ
શા માટે એ સાચું છે કે ઈસુએ ચમત્કારો કર્યા હતા? ચોકસાઈના કેટલાક ચિહ્નોનો વિચાર કરો.
ઈસુએ ચમત્કારો કર્યા ત્યારે તેમણે ક્યારેય લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું નહિ. તેમણે પરમેશ્વરને જ મહિમા અને યશ આપ્યો. દાખલા તરીકે, આંધળા માણસને દેખતો કરતા પહેલાં, ઈસુએ ભારપૂર્વક કહ્યું કે, “દેવનાં કામ તેનામાં પ્રગટ થાય માટે” તેને સાજો કરવામાં આવશે.—યોહાન ૯:૧-૩; ૧૧:૧-૪.
ઈસુએ ક્યારેય જાદુ કે જંતર-મંતર જેવી મેલીવિદ્યાનો સહારો લીધો ન હતો. તેમણે લોકોને છેતર્યા પણ ન હતા કે ધર્મને નામે પણ સાજા કર્યા ન હતા. તેમણે જે રીતે બે આંધળા માણસોને સાજા કર્યા એનો વિચાર કરો. અહેવાલ બતાવે છે કે, “ઈસુને દયા આવી, ને તે તેઓની આંખોને અડક્યો, ને તરત તેઓ દેખતા થયા.” (માત્થી ૨૦:૨૯-૩૪) એમાં કોઈ વિધિ કે તમાશો કર્યો ન હતો. ઈસુએ ખાનગીમાં નહિ પરંતુ ઘણા લોકોની સામે ચમત્કારો કર્યા. તેમણે કોઈ ખાસ પ્રકારનું પ્રદર્શન કર્યું ન હતું. પરંતુ આજ-કાલ લોકો ચમત્કારો કઈ રીતે કરે છે એ વાતને છુપાવી રાખે છે અને સમજાવતા નથી.—માર્ક ૫:૨૪-૨૯; લુક ૭:૧૧-૧૫.
ઈસુના ચમત્કારોમાંથી વિશ્વાસ કરનારાઓએ લાભ ઉઠાવ્યો. પરંતુ, જેઓમાં વિશ્વાસની ખામી હતી તેઓને પણ ઈસુએ સાજા કર્યા. તે ગાલીલના કાપરનાહુમમાં ગયા ત્યારે, લોકો “ઘણા ભૂતવળગેલાઓને તેની પાસે લાવ્યા, ને તેણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા, ને સઘળાં માંદાંઓને સાજાં કર્યાં.”—માત્થી ૮:૧૬.
ઈસુએ કોઈની જિજ્ઞાસા સંતોષવા નહિ પણ લોકોની જરૂરિયાતો પૂરી કરવા ચમત્કારો કર્યા. (માર્ક ૧૦:૪૬-૫૨; લુક ૨૩:૮) વળી, ઈસુએ પોતાના લાભ માટે તો કદી કોઈ ચમત્કાર કર્યો ન હતો.—માત્થી ૪:૨-૪; ૧૦:૮.
શું સુવાર્તાના અહેવાલો સાચા છે?
ઈસુના ચમત્કારો વિષે આપણને માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકમાંથી જાણવા મળે છે. ઈસુએ ખરેખર ચમત્કારો કર્યા હતા કે નહિ, એ જોવા શું આ અહેવાલો પર આપણે ભરોસો રાખી શકીએ? હા, જરૂર.
એક તો ઈસુએ ઘણા લોકોની સામે જાહેરમાં ચમત્કારો કર્યા હતા. બીજું કે ઈસુના ચમત્કારો જોનારાઓ જીવતા હતા એ સમયમાં જ એ લખવામાં આવ્યા. સુવાર્તાના લેખકોની સચ્ચાઈ વિષે ચમત્કારો અને પુનરુત્થાન નામના અંગ્રેજી પુસ્તકના લેખક કહે છે: ‘ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે ચમત્કારો ખોટે ખોટા લખાયા ન હતા. એ ચમત્કારો ખરેખર થયા હતા.’
ખ્રિસ્તી ધર્મનો વિરોધ કરનાર, યહુદીઓએ પણ ઈસુના ચમત્કારો વિષે શંકા ઉઠાવી ન હતી. તેઓએ ઈસુ કઈ શક્તિથી ચમત્કારો કરે છે એ વિષે શંકા ઉઠાવી હતી. (માર્ક ૩:૨૨-૨૬) પછી ટીકાકારો પણ ઈસુના ચમત્કારો વિરુદ્ધ આંગળી ઉઠાવી શક્યા નહિ. પહેલી અને બીજી સદીમાં, ઇતિહાસકારોએ પણ ઈસુના ચમત્કારોનો ઉલ્લેખ કર્યો હતો. આપણે સુવાર્તાના અહેવાલમાં ચોક્કસ ભરોસો કરી શકીએ.
ઈસુ કોણ હતા?
ઈસુએ કરેલા ચમત્કારોને આપણે ઉપરછલ્લી રીતે જ ન જોવા જોઈએ. ઈસુ કેવા હતા એ ખાસ કરીને જાણવું જોઈએ. સુવાર્તામાં ઈસુનાં શક્તિશાળી કાર્યો વિષે જ વર્ણન કર્યું નથી. એમાં એ પણ બતાવ્યું છે કે, તે લાગણીશીલ અને દયાળુ હતા. મનુષ્યોની ભલાઈમાં તેમને ઊંડો રસ હતો.
ઈસુ પાસે આવેલા કોઢિયાનો વિચાર કરો. તેણે આજીજી કરતા ઈસુને કહ્યું: “જો તારી ઇચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે. અને ઈસુને દયા આવી, ને હાથ લાંબો કરીને તે તેને અડક્યો, ને તેને કહે છે, કે મારી ઈચ્છા છે; તું શુદ્ધ થા. અને તરત તેનો કોઢ ગયો, ને તે શુદ્ધ થયો.” (માર્ક ૧:૪૦-૪૨) આમ, ઈસુને દયા આવી અને પરમેશ્વરની શક્તિથી ચમત્કાર કરીને તેને સાજો કર્યો.
હવે બીજા એક કિસ્સાનો વિચાર કરો. નાઈન શહેરની બહાર મૂએલા માણસને લોકો લઈ જતા હતા. એ જોઈને ઈસુએ શું કર્યું? આ મૂએલો યુવાન વિધવા માતાનો એકનો એક દીકરો હતો. ઈસુને એ સ્ત્રી પર “કરુણા આવી.” ઈસુએ તેની પાસે આવીને કહ્યું: “રડ મા.” પછી તેમણે તેના દીકરાને સજીવન કર્યો.—લુક ૭:૧૧-૧૫.
ઈસુને લોકો પર દયા આવી અને તેઓને મદદ કરવા તેમણે ચમત્કારો કર્યા. એમાંથી આપણે ઘણો દિલાસો મેળવી શકીએ. હેબ્રી ૧૩:૮ કહે છે, “ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજે તથા સદાકાળ એવો ને એવો જ છે.” તે હવે યહોવાહના રાજ્યના રાજા છે. તેમણે પૃથ્વી પર પરમેશ્વરની શક્તિથી ઘણા ચમત્કારો કર્યા હતા. હવે તે એનાથી પણ મોટા ચમત્કારો કરશે. બહુ જલદી જ, ઈસુ ખ્રિસ્ત આજ્ઞાધીન માણસજાતને સાજા કરવા એનો ઉપયોગ કરશે. યહોવાહના સાક્ષીઓ તમને આ ઉજ્જવળ ભવિષ્ય વિષે શીખવા મદદ કરશે.
[પાન ૪, ૫ પર ચિત્રો]
ઈસુએ કરેલા ચમત્કારો ‘પરમેશ્વરના મહા પરાક્રમ’ બતાવતા હતા
[પાન ૭ પર ચિત્ર]
ઈસુના દિલમાં લોકો માટે પુષ્કળ લાગણી હતી