વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
શા માટે યહોવાહના સાક્ષીઓ પ્રકટીકરણના પુસ્તકમાં ઉલ્લેખ કરેલા ૧,૪૪,૦૦૦ના આંકડાને અસલ સંખ્યા ગણે છે?
પ્રેષિત યોહાને લખ્યું: ‘મુદ્રિત થએલાની સંખ્યા મેં સાંભળી; એક લાખ ચુમ્માળીસ હજાર મુદ્રિત થયા.’ (પ્રકટીકરણ ૭:૪) બાઇબલ પ્રમાણે ‘મુદ્રિત થયેલાઓ’ સ્વર્ગમાં ઈસુની સાથે રાજ કરવા માટે માણસજાતમાંથી જ પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ભવિષ્યમાં સ્વર્ગમાંથી ઈસુની સાથે સુંદર પૃથ્વી પર રાજ કરશે. (૨ કોરીંથી ૧:૨૧, ૨૨; પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૨૦:૬) આ ૧,૪૪,૦૦૦નો આંકડો સાચેસાચ લેવામાં આવે છે. એનું એક કારણ, પ્રકટીકરણ ૭:૪ની આસપાસની કલમો જણાવે છે.
યોહાને સપનામાં ૧,૪૪,૦૦૦ના સમૂહને જોયા પછી, બીજા એક સમૂહને પણ જોયો. યોહાન એનું વર્ણન આમ કરે છે: “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા!” આ મોટો સમૂહ એવા લોકોને દર્શાવે છે જેઓ “મોટી વિપત્તિમાંથી” બચી જશે. પણ એ મહાન વિપત્તિમાં દુષ્ટ જગતનો નાશ થશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૪.
હવે પ્રકટીકરણના સાતમા અધ્યાયની ચોથી અને નવમી કલમમાં યોહાન જે તફાવત બતાવે છે એની નોંધ લો. તે લખે છે કે ‘મુદ્રિત થયેલા’ સમૂહની ચોક્કસ સંખ્યા છે. જ્યારે બીજો સમૂહ કે “મોટી સભા” અસંખ્ય છે. એને ધ્યાનમાં રાખીને પણ ૧,૪૪,૦૦૦ના આંકડાને સાચેસાચ ગણવામાં આવે છે. પરંતુ, જો ૧,૪૪,૦૦૦ના આંકડાને બીજા કોઈ અર્થમાં લેવામાં આવે, અને એને ચોક્કસ સંખ્યામાં ન લેતા અસંખ્ય લોકોના સમૂહ તરીકે ગણવામાં આવે તો, બંને કલમ વચ્ચે કોઈ તફાવત રહેશે નહિ. આમ, આપણે જોઈએ છીએ કે ૧,૪૪,૦૦૦નો આંકડો સાચેસાચ એક સંખ્યા તરીકે ગણવો જોઈએ.
ઘણા બાઇબલ પંડિતો પણ આ જ નિષ્કર્ષ પર આવ્યા છે કે એ આંકડો ચોક્કસ સંખ્યાને બતાવે છે. દાખલા તરીકે, લગભગ સો વર્ષ પહેલાં, બ્રિટનના એક બાઇબલ પંડિત, ડૉ. એથલબર્ટ ડબલ્યુ. બુલીનજરે પ્રકટીકરણ ૭:૪, ૯ વિષે આમ કહ્યું: “આ હકીકત છે કે આ અધ્યાયમાં ચોક્કસ અને અચોક્કસ આંકડા વચ્ચે સાફ તફાવત જોવા મળે છે.” (પ્રકટીકરણ કે “પ્રભુનો દીવસ,” પાન ૨૮૨ [અંગ્રેજી]) હાલમાં જ અમેરિકામાં ગ્રીક શાસ્ત્રવચનોના એક પ્રોફેસરે લખ્યું: ‘૧,૪૪,૦૦૦ના આંકડાને બીજા કોઈ અર્થમાં લેવાનું કોઈ કારણ નથી. વળી પ્રકટીકરણ ૭:૪માં આપેલો ચોક્કસ આંકડો અને ૭:૯માં આપેલા અચોક્કસ આંકડા વચ્ચે ચોખ્ખો તફાવત જોવા મળે છે. જો ૧,૪૪,૦૦૦ના આંકડાને કોઈ બીજા અર્થમાં લેવામાં આવે તો, પ્રકટીકરણમાં આપેલા એક પણ આંકડાને સાચેસાચ લઈ શકાય નહિ.’—પ્રકટીકરણ: ટીકા અને કોમેન્ટરી, (અંગ્રેજી) વોલ્યુમ ૧, પાન ૪૭૪.
અમુક લોકો દલીલ કરે છે કે પ્રકટીકરણના પુસ્તકમાં મોટા ભાગે એવી ભાષા વાપરવામાં આવી છે જેનો કોઈ બીજો અર્થ નીકળતો હોય. તેથી એ પુસ્તકમાં આપેલા બધા જ આંકડાની જેમ ૧,૪૪,૦૦૦નો આંકડો પણ કોઈ બીજા અર્થમાં આપેલો છે. (પ્રકટીકરણ ૧:૧, ૪; ૨:૧૦) જોકે એમ માનવું ખોટું છે. ખરું કે પ્રકટીકરણમાં ઘણા આંકડાઓ બીજા અર્થમાં આપ્યા છે. પરંતુ અમુક આંકડા અસલ સંખ્યામાં પણ આપેલા છે. દાખલા તરીકે, યોહાન કહે છે, “તેમના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ હતાં.” (પ્રકટીકરણ ૨૧:૧૪) અહીં ઉલ્લેખ કરેલી ૧૨ સંખ્યા કોઈ બીજા અર્થમાં નહિ, પણ અસલ સંખ્યા છે. એ ઉપરાંત, યોહાન ખ્રિસ્તના શાસનના “હજાર વર્ષ” વિષે લખે છે. બાઇબલનો ધ્યાનથી અભ્યાસ કરવાથી જાણવા મળે છે કે આ આંકડો પણ અસલ સંખ્યા છે. * (પ્રકટીકરણ ૨૦:૩, ૫-૭) તેથી, કલમની આજુબાજુની કલમ અને એને લગતી માહિતીને આધારે કહી શકાય કે પ્રકટીકરણમાં આપેલા આંકડા અસલ સંખ્યા છે કે બીજા કોઈ અર્થમાં આપેલા છે.
નિષ્કર્ષ એ જ છે કે ૧,૪૪,૦૦૦ એ અસલ સંખ્યા છે. ‘મોટા ટોળાની’ સરખામણીમાં એ એક નાનો સમૂહ જ છે. વળી, એ બાઇબલના બીજા ભાગોની સુમેળમાં પણ જાય છે. દાખલા તરીકે, પછીથી પ્રેષિત યોહાન દર્શનમાં જુએ છે કે, ૧,૪૪,૦૦૦ને ‘પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા.’ (પ્રકટીકરણ ૧૪:૧, ૪) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પોતાની સાથે સ્વર્ગના રાજ્યમાં રાજ કરનારાઓ વિષે વાત કરી હતી. તેમણે તેઓને “નાની ટોળી” કહ્યા. (લુક ૧૨:૩૨; ૨૨:૨૯) આવનાર સુંદર પૃથ્વી પર રહેનારાની સરખામણીમાં, તેઓ પર સ્વર્ગમાંથી રાજ કરનારાની સંખ્યા ઓછી હશે.
પ્રકટીકરણ ૭:૪ અને બાઇબલના બીજા લખાણોથી ખાતરી થાય છે કે ૧,૪૪,૦૦૦નો આંકડો અસલ સંખ્યા છે. એ એવા લોકોને લાગુ પડે છે જેઓ ખ્રિસ્તની સાથે સ્વર્ગમાંથી પૃથ્વી પર રાજ કરશે. એ પૃથ્વી યહોવાહ પરમેશ્વરની સેવા કરનારા અસંખ્ય આનંદી લોકોથી ભરાઈ જશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
[ફુટનોટ]
^ ખ્રિસ્તના શાસનના હજાર વર્ષ વિષેની વધારે માહિતી માટે પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકના પાન ૨૮૯-૯૦ પર જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[પાન ૩૧ પર બ્લર્બ]
સ્વર્ગમાં વારસો મેળવનારા ફક્ત ૧,૪૪,૦૦૦ છે
[પાન ૩૧ પર ચિત્ર]
“મોટું ટોળું” અસંખ્ય લોકોનું છે
[પાન ૩૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
તારાઓ: Courtesy of Anglo-Australian Observatory, photograph by David Malin