‘ખરા દેવ’ કોણ છે? અને ‘અનંતજીવન’ એટલે શું?
‘ખરા દેવ’ કોણ છે? અને ‘અનંતજીવન’ એટલે શું?
નિયમિત બાઇબલ વાંચનારા અને એમાં માનનારા આ પ્રશ્નનો જવાબ કેવો આપે છે? તેઓ માને છે કે, ઈસુ ખ્રિસ્તના પિતા, યહોવાહ જ સાચા પરમેશ્વર છે. તે આપણા ઉત્પન્નકર્તા છે. તેમને પ્રેમ કરનારાઓને તે અનંતજીવન આપે છે. ઈસુએ પોતે કહ્યું હતું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.
તોપણ, ચર્ચના લોકો આ કલમની જુદી સમજણ આપે છે. ઉપર શીર્ષકના શબ્દો, ૧ યોહાન ૫:૨૦માંથી લેવામાં આવ્યા છે. એ કલમનો છેલ્લો ભાગ આમ વંચાય છે: “તેનો પુત્ર ઈસુ ખ્રિસ્ત, એનામાં આપણે છીએ. એ જ ખરો દેવ છે, તથા અનંતજીવન છે.”
ત્રૈક્યમાં માનનારા દાવો કરે છે કે સર્વનામ “એ જ” (હૉઉતોસ) ઈસુ ખ્રિસ્તને લાગુ પડે છે. તેઓ માને છે કે ઈસુ જ ‘ખરા દેવ તથા અનંતજીવન’ છે. પણ આવી સમજણ ખોટી છે, કેમ કે એ બાકીની કલમોની સમજણની વિરુદ્ધમાં જાય છે. બાઇબલના ઘણા નિષ્ણાતો ત્રૈક્યમાં માનનારા લોકો સાથે સહમત થતા નથી. કૅમ્બ્રિજ યુનિવર્સિટીના નિષ્ણાત બી. એફ. વેસ્ટકોટેના જણાવ્યા પ્રમાણે એ માનવું વધારે યોગ્ય લાગે છે કે, ‘સાચા પરમેશ્વર અને અનંતજીવન એ શબ્દો ઈસુ ખ્રિસ્ત માટે નહિ પરંતુ તેમના પિતા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા છે.’ આથી, એમાં કોઈ શંકા નથી કે પ્રેરિત યોહાન પણ એમ જ કહેવા માંગતા હતા. જર્મનીના ધર્મશાસ્ત્રી એરિક હોપ્ટે લખ્યું: ‘સર્વનામ “એ જ” હૉઉતોસ ઈસુને બતાવે છે કે પરમેશ્વરને, એ નક્કી કરવામાં ૨૧મી કલમ મદદ કરે છે. એમાં મૂર્તિપૂજા વિરુદ્ધ ચેતવણી આપેલી છે. આ ચેતવણીને ધ્યાનમાં રાખીને એ માનવું વધારે સાચું છે કે, ૨૦મી કલમ એક સાચા પરમેશ્વર વિષે જ બતાવે છે. એનાથી એ સાબિત થતું નથી કે ખ્રિસ્ત જ પરમેશ્વર છે.’
રોમની પોન્ટીફીકલ બિબ્લીકલ ઇન્સ્ટિટ્યૂટે બહાર પાડેલ અ ગ્રામેટિકલ એનાલિસીસ ઑફ ધ ગ્રીક ન્યૂ ટેસ્ટામેન્ટ બતાવે છે: ‘હૉઉતોસ: છેલ્લી ૧૮-૨૦ કલમો એક જ સાચા પરમેશ્વરનો ઉલ્લેખ કરે છે, (૨૧મી કલમમાં) બતાવેલી મૂર્તિપૂજાનો નહિ.’
સામાન્ય રીતે, હૉઉતોસનું “આ” અથવા “એ જ” તરીકે ભાષાંતર કરવામાં આવે છે. પરંતુ, એ સર્વનામ એની પહેલા આવેલી વસ્તુ કે વ્યક્તિને નહિ પણ એ તો શરૂઆતમાં બતાવેલી વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ કરે છે. બીજી કલમો પણ આને સ્પષ્ટ કરે છે. જેમ કે, એ જ પ્રેષિત યોહાને ૨ યોહાન ૭માં લખ્યું: “કેમ કે જગતમાં ઘણા ભમાવનારા ઊભા થયા છે; તેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્યદેહમાં આવવું કબૂલ કરતા નથી. તે જ [હૉઉતોસ] ભમાવનાર તથા ખ્રિસ્તવિરોધી છે.” અહીં “તે જ” સર્વનામ સૌથી નજીકના નામ, ઈસુનો ઉલ્લેખ કરતું નથી. દેખીતી રીતે જ, “તે જ” ઈસુનો નકાર કરનારાઓને લાગુ પડે છે. તેઓ ભેગા મળીને “ભમાવનારા તથા ખ્રિસ્તવિરોધી” છે.
પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૦, ૧૧માં લેખક લુકે પણ એવા જ અર્થમાં એ સર્વનામનો ઉપયોગ કર્યો છે. “ઈસુ ખ્રિસ્ત નાઝારી, જેને તમે વધસ્તંભ પર મારી નાખ્યો, અને જેને દેવે મૂએલાંમાંથી ઉઠાડ્યો, તેના નામથી આ માણસ સાજો થઇને અહીં તમારી આગળ ઊભો રહ્યો છે. જે પથ્થર તમો બાંધનારાઓએ બાતલ કર્યો હતો તે એ જ [હૉઉતોસ] છે, તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.” અહીંયા “તે એ જ” સર્વનામ સાજા થયેલા માણસ તરફ ઇશારો નથી કરતું. એ તો કલમની શરૂઆતમાં ઉલ્લેખ કરેલા નાઝરેથના ઈસુને બતાવે છે, કે જે “મુખ્ય પથ્થર” પર ખ્રિસ્તી મંડળ ઊભું છે.—એફેસી ૨:૨૦; ૧ પીતર ૨:૪-૮.
પ્રેરિતોનાં કૃત્યો ૭:૧૮, ૧૯ પણ આ મુદ્દો બતાવે છે: ‘મિસરમાં એક બીજો રાજા થયો, જે યુસફને ઓળખતો નહોતો. તેણે [હૉઉતોસ] આપણી કોમની સાથે કપટ કર્યું.’ અહીંયા યહુદીઓ પર જુલમ કરનાર “તેણે” કોને બતાવે છે? એ યુસફ નહિ પરંતુ મિસરનો રાજા ફારૂન હતો.
આમ, ઉપરના પુરાવાઓ ગ્રીક નિષ્ણાત દાનીએલ વોલેસે કરેલા અભ્યાસને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે ગ્રીક સર્વનામનો ઉપયોગ કર્યો હોય ત્યારે, ‘લેખકના મનમાં સૌથી નજીકનું નામ કે સંદર્ભ ન પણ હોય.’
“એ જ ખરો”
પ્રેષિત યોહાને લખ્યું તેમ, “એ જ ખરો” પરમેશ્વર યહોવાહ, ઈસુ ખ્રિસ્તના પિતા છે. ફક્ત તે જ આપણા ઉત્પન્નકર્તા છે. પ્રેષિત પાઊલે પણ સ્વીકાર્યું: “આપણો તો એક જ દેવ એટલે બાપ છે, જેનાથી સર્વ છે.” (૧ કોરીંથી ૮:૬; યશાયાહ ૪૨:૮) યહોવાહ “એ જ ખરો” છે એનું બીજું કારણ બતાવતા ૧ યોહાન ૫:૨૦ કહે છે કે તે સત્યના ઉદ્ભવ છે. ગીતકર્તા યહોવાહને “સત્યના દેવ” કહે છે. તે જે કંઈ કરે છે એમાં તે વિશ્વાસુ છે અને તે કદી પણ જૂઠું બોલતા નથી. (ગીતશાસ્ત્ર ૩૧:૫; નિર્ગમન ૩૪:૬; તીતસ ૧:૨) પોતાના સ્વર્ગના પિતાનો ઉલ્લેખ કરતા ઈસુએ કહ્યું: “તારૂં વચન સત્ય છે.” ઈસુએ પોતાના શિક્ષણ વિષે પણ કહ્યું: “મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેણે મને મોકલ્યો તેનો છે.”—યોહાન ૭:૧૬; ૧૭:૧૭.
યહોવાહ ‘અનંતજીવનના’ પરમેશ્વર છે. તે જીવન આપનાર છે, તે ઈસુ ખ્રિસ્ત દ્વારા કૃપાદાન આપે છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯; રૂમી ૬:૨૩) આથી જ, પ્રેષિત પાઊલે કહ્યું કે “જેઓ ખંતથી તેને [પરમેશ્વરને] શોધે છે તેઓને તે ફળ આપે છે.” (હેબ્રી ૧૧:૬) પરમેશ્વરે પોતાના પુત્રને મરણમાંથી પાછા ઉઠાડીને ફળ આપ્યું. જેઓ પરમેશ્વરને હૃદયથી ભજે છે તેઓને પણ તે અનંતજીવનનું ફળ આપશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૩; ૨ કોરીંથી ૧:૯.
તેથી, આપણે કયા નિર્ણય પર આવવું જોઈએ? ફક્ત યહોવાહ ‘ખરા પરમેશ્વર’ તથા તે જ અનંતજીવન આપી શકે છે. તેમણે ઉત્પન્ન કરેલાઓ પાસેથી ભક્તિ મેળવવાને તે જ એકલા યોગ્ય છે.—પ્રકટીકરણ ૪:૧૧.