સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભવિષ્યવાણીઓ ખ્રિસ્ત તરફ ધ્યાન દોરે છે

ભવિષ્યવાણીઓ ખ્રિસ્ત તરફ ધ્યાન દોરે છે

ભવિષ્યવાણીઓ ખ્રિસ્ત તરફ ધ્યાન દોરે છે

“ઈસુ વિષેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.”—પ્રકટીકરણ ૧૯:૧૦.

૧, ૨. (ક) ઈસવીસન ૨૯ની સાલમાં ઈસ્રાએલમાં કઈ વાત ફેલાઈ રહી હતી? (ખ) આ લેખમાં આપણે શું શીખીશું?

 ઈસવીસન ૨૯નું વર્ષમાં આખા ઈસ્રાએલમાં ફક્ત એક જ વાત ફેલાઈ રહી છે. વચન મુજબના મસીહ કોણ છે? * યોહાન બાપ્તિસ્મકના પ્રચાર કામથી લોકો વિચારે છે કે હવે તો મસીહ આવવા જ જોઈએ. (લુક ૩:૧૫) લોકો યોહાનને પૂછવા લાગે છે, ‘શું તમે મસીહ છો?’ જવાબમાં તે નાઝારેથના ઈસુ સામે આંગળી ચીંધીને કહે છે: “મેં જોયું છે, અને શાહેદી આપી છે કે એ જ દેવનો દીકરો છે.” (યોહાન ૧:૨૦, ૩૪) લોકો તરત જ સત્ય શીખવા ને સાજા થવા માટે ઈસુ પાસે દોડી જાય છે.

અનેક મહિનાઓ સુધી ઈસુ યહોવાહની શક્તિ દ્વારા ઘણા ચમત્કારો કરે છે. કોઈ શંકા નથી કે તે ઈશ્વર યહોવાહનો પુત્ર છે. (યોહાન ૬:૬૦-૬૯) તેમના વિષે વાંચીને આપણી શ્રદ્ધા ખૂબ મજબૂત થાય છે. પણ જો આપણે એ જમાનામાં જીવી રહ્યા હોત, તો શું માન્યું હોત કે ઈસુ મસીહ છે? શું આપણે તેમના પગલે ચાલ્યા હોત? ઘણા લોકોએ તેમની વાત માની નહિ. અરે, અમુકે તો ઈસુ પર આરોપ મૂક્યો કે તે પાપી છે કેમ કે તે સાબ્બાથ નિયમ પાળતા નથી. ઈસુ કઈ રીતે તેઓને સાબિતી આપી શક્યા કે તે ખરેખર મસીહ છે? પછી તેમણે શિષ્યોનો વિશ્વાસ દૃઢ કરવા બીજી કઈ બે સાબિતી આપી? ચાલો આપણે એ વિષે વધુ જોઈએ.

ઈસુ જોરદાર સાબિતી આપે છે

૩. ઈસુ કયા સંજોગમાં તેમની ખરી ઓળખ વિષે સાબિતી આપે છે?

ઈસુના દુશ્મનોએ શા માટે તેમના પર ખોટો આરોપ મૂક્યો હતો? એ જાણવા માટે ચાલો આપણે એક બનાવ તપાસીએ જે ૩૧ની સાલમાં પાસ્ખાપર્વની ઉજવણી દરમિયાન બન્યો હતો. ત્યારે ઈસુ યરૂશાલેમમાં જાય છે. સાબ્બાથના દિવસે ઈસુ એક માણસને સાજો કરે છે જે ૩૮ વર્ષથી ખૂબ બીમાર હતો. આ જોઈને અમુક યહુદીઓ લાલ-પીળા થઈને પોકારે છે કે ઈસુએ સાબ્બાથનો નિયમ તોડ્યો છે. વધુમાં, તે ઈશ્વરની નિંદા કરે છે કેમ કે તે તેમનો પુત્ર હોવાનો દાવો કરે છે! નફરતને લીધે આ ગુરુઓ ઈસુને મારી નાખવા ચાહે છે. (યોહાન ૫:૧-૯, ૧૬-૧૮) ઈસુએ શું કર્યું? તેમણે હિંમતથી સર્વને ત્રણ સાબિતી આપી કે તે ખરેખર મસીહ છે. અરે, એ સાબિતી એટલી જોરદાર હતી કે નમ્ર હૃદયના યહુદીઓ તરત જ તેમને મસીહ માની લે છે.

૪, ૫. યોહાન કોના વિષે પ્રચાર કરતા હતા, અને તેમની સાક્ષી કેટલી જોરદાર હતી?

પ્રથમ સાબિતી આપતા, ઈસુ યોહાન બાપ્તિસ્મકનો ઉલ્લેખ કરે છે. તે કહે છે: “તમે યોહાન પાસે માણસ મોકલ્યા, તમને તેણે સત્ય વિષે શાહેદી આપી છે. તે સળગતો તથા પ્રકાશતો દીવો હતો; તેના અજવાળામાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા.”—યોહાન ૫:૩૩, ૩૫.

યોહાન બાપ્તિસ્મક જેલમાં ગયા પહેલાં, એક “સળગતો તથા પ્રકાશતો દીવો હતો.” એક દીવાના જેમ તેમણે અંધારી દુનિયામાં મસીહ વિષે પ્રકાશ ફેલાવ્યો હતો. યોહાન કહ્યું: ‘ઇસ્રાએલની આગળ મસીહ પ્રગટ થાય, એ માટે હું પાણીથી બાપ્તિસ્મા કરતો આવ્યો છું. આત્માને કબૂતરની પેઠે આકાશથી ઊતરતો મેં દીઠો; તે તેના પર રહ્યો. મેં તેને ઓળખ્યો ન હતો; પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો, તેણે જ મને કહ્યું, કે જેના પર તું આત્માને ઊતરતો તથા રહેતો જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. મેં જોયું છે, અને શાહેદી આપી છે કે એ જ દેવનો દીકરો છે.’ * (યોહાન ૧:૨૬-૩૭) યોહાન પૂરી ખાતરીથી કહી શક્યા કે શાસ્ત્ર મુજબ ઈસુ મસીહ હતા. યોહાનનો પુરાવો ખૂબ જોરદાર હતો. તેમના મરણના આઠ મહિના બાદ, અમુક યહુદીઓએ કબૂલ્યું: “યોહાને એને વિષે જે જે કહ્યું, તે બધું ખરૂં હતું.”—યોહાન ૧૦:૪૧, ૪૨.

૬. ઈસુએ બીજી કઈ સાબિતી આપી કે તે મસીહ છે?

ઈસુ બીજી સાબિતી આપતા કહે છે કે તે ઈશ્વરની શક્તિ વગર એક પણ ચમત્કાર કરી શકતા નથી. ઈસુએ કહ્યું: “યોહાનની શાહેદી કરતાં મારી પાસે મોટી શાહેદી છે; કેમ કે જે કામો બાપે મને પૂરાં કરવાને આપ્યાં છે, એટલે જે કામો હું કરૂં છું, તે જ મારે વિષે શાહેદી આપે છે કે બાપે મને મોકલ્યો છે.” (યોહાન ૫:૩૬) ઈસુનો એક પણ દુશ્મન આ સાબિતીનો ઇનકાર કરી શક્યો નહિ. અમુકે પૂછ્યું: “આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણા ચમત્કારો કરે છે.” (યોહાન ૧૧:૪૭) આ સાબિતી સાંભળીને અમુક લોકોએ કહ્યું: “ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કાર કર્યા છે તે કરતાં શું તે વધારે કરશે?” (યોહાન ૭:૩૧) ના, તેઓ જાણતા હતા કે ઈસુ બાપ જેવા બેટા હતા. તેમના જેવી બીજી કોઈ વ્યક્તિ આવવાની ન હતી.—યોહાન ૧૪:૯.

૭. હેબ્રી શાસ્ત્ર મસીહ વિષે કઈ સાબિતી આપે છે?

ત્રીજી સાબિતી આપતા, ઈસુ શાસ્ત્રમાં સનાતન સત્યનો ઉલ્લેખ કરે છે. તે કહે છે: ‘શાસ્ત્ર મારે વિષે શાહેદી આપનાર તે એ જ છે. જો તમે મુસા પર વિશ્વાસ કર્યો હોત, તો તમે મારા પર પણ વિશ્વાસ કરત; કેમ કે તેણે મારે વિષે લખેલું છે.’ (યોહાન ૫:૩૯, ૪૬) ફક્ત મુસા જ નહિ, પણ અનેક ઈશ્વરભક્તોએ મસીહ વિષે ભવિષ્યવાણી લખી હતી. અરે, તેઓએ એ પણ લખ્યું હતું કે મસીહ કોના પરિવારમાંથી આવશે. (લુક ૩:૨૩-૩૮; ૨૪:૪૪-૪૬; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૩) મુસાને આપેલો નિયમ પણ મસીહ પર ધ્યાન દોરતો હતો. એ વિષે પાઊલે કહ્યું: “આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારૂ નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું.” (ગલાતી ૩:૨૪) આ બધી ભવિષ્યવાણીઓ શા માટે આપવામાં આવી? જેથી તેઓ ફક્ત “ઈસુ વિષેની સાક્ષી” આપે.—પ્રકટીકરણ ૧૯:૧૦.

૮. શા માટે ઘણા યહુદીઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકી નહિ?

ઈસુએ યોહાનની સાક્ષી, તેમના ચમત્કારો અને શાસ્ત્ર દ્વારા બતાવ્યું કે તે ખરેખર મસીહ છે. આના સિવાય લોકોને બીજી કઈ સાબિતી જોઈએ? જેઓ ઈશ્વર અને તેમના શાસ્ત્ર પર શ્રદ્ધા મૂકતા હતા, તેઓએ તરત જ આ હકીકત માની લીધી. પણ મોટા ભાગના લોકો શ્રદ્ધા વગરના હતા. ઈસુએ તેમના એ વિરોધીઓને કહ્યું: “હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી.” (યોહાન ૫:૪૨) તેઓ ‘એકબીજાથી માન પામતા હતા, પણ જે માન એકલા દેવથી છે તે તેઓ શોધતા ન હતા.’ આ ગુરુઓ ઈસુને ખૂબ ધિક્કારતા હતા. કેમ? કારણ કે તેમણે પુરાવો આપ્યો કે ઈશ્વરની નજરમાં તેઓનાં કામો ઢોંગી ને દુષ્ટ હતા.—યોહાન ૫:૪૩, ૪૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૨૧-૨૩.

ભાવિ વિષેના દર્શનમાંથી ઉત્તેજન

૯, ૧૦. (ક) ઈસુના ઘણા શિષ્યો કેમ સત્ય છોડી દે છે ને ઈસુ શું કરે છે? (ખ) ઈસુ અમુક શિષ્યોને કયું વચન આપે છે?

ઈસવીસન ૩૨ના પાસ્ખાપર્વની ઉજવણી પછી એક વર્ષ વીતી જાય છે. ઘણા લોકો હવે ઈસુને છોડી દે છે. શા માટે? અમુક સતાવણી, ધનદોલતની લાલસા કે દુન્યવી ચિંતાઓને લીધે સત્યને છોડી દે છે. ઈસુએ રાજા બનવાનો ઇનકાર કર્યો એ બીજાઓને ગમ્યું નહિ. બીજાઓ સમજી જ ન શક્યા કે ઈસુએ શા માટે સ્વર્ગમાંથી ચિહ્‍ન કરીને યહુદી ગુરુઓને ચૂપ ન કર્યા. (માત્થી ૧૨:૩૮, ૩૯) અરે, ઈસુના શિષ્યો પણ અમુક રીતે હિંમત હારી જતા હતા. કેમ? કારણ કે ઈસુએ તેઓને કહ્યું હતું કે, ‘હું યરૂશાલેમમાં જઈશ, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠીશ, ને માર્યો જઈશ.’—માત્થી ૧૬:૨૧-૨૩.

૧૦ આ શબ્દો બોલ્યા પછી ઈસુ બીજા નવ-દસ મહિનામાં ‘આ જગતને છોડીને બાપની પાસે જવાના’ હતા. (યોહાન ૧૩:૧) થોડા ઘણા નિરાશ થઈ ગયેલા શિષ્યોને જોઈને ઈસુને ખૂબ ચિંતા થાય છે. તેઓને ઉત્તેજન આપવા તે કહે છે કે અમુક જણને સ્વર્ગમાંથી એક દર્શન મળશે. એના વિષે ઈસુ કહે છે: “હું તમને ખચીત કહું છું, કે અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાએક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.” (માત્થી ૧૬:૨૮) જોકે, ઈસુ અહીંયા એમ કહેતા નથી કે તેમનું રાજ્ય ૧૯૧૪માં શરૂ થાય ત્યાં સુધી અમુક શિષ્યો જીવતા રહેશે. તે એમ કહેતા હતા કે તેમના ત્રણ દિલોજાન શિષ્યો ભાવિ વિષેનું એક મહત્ત્વનું દર્શન જોશે. આ ઉત્તેજન આપતા દર્શનમાં તેઓ ઈસુને એક મહાન રાજા તરીકે જોવાના હતા. આ દર્શન, ઈસુનું રૂપાંતર કહેવાય છે.

૧૧. ઈસુના રૂપાંતર વખતે શું થાય છે?

૧૧ આ વચન આપ્યાના છ દિવસ પછી, ઈસુ તેમના શિષ્યો પીતર, યાકૂબ ને યોહાનને સાંજના વખતે એક પર્વત પર લઈ જાય છે. કદાચ આ હેર્મોન પર્વત છે. ત્યાં ઈસુનું રૂપાંતર થાય છે. “તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું, ને તેનાં લૂગડાં અજવાળાના જેવાં ઊજળાં થયાં.” (માત્થી ૧૭:૧-૬) પછી ત્યાં મુસા અને એલીયાહ દેખાય છે ને ઈસુ સાથે વાતચીત કરે છે. આ દર્શન એટલું તો સાચું લાગે છે કે ઈસુ, મુસા અને એલીયાહ માટે પીતર ત્રણ તંબૂ બાંધવા માગે છે. પીતર હજી તો બોલી જ રહ્યા છે ત્યાં એક ચમકતું વાદળ તેઓને ઢાંકી દે છે. એમાંથી યહોવાહ કહે છે: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું, તેનું સાંભળો.”—માત્થી ૧૭:૧-૬.

૧૨, ૧૩. ઈસુનું રૂપાંતર જોઈને ત્રણ શિષ્યો પર કેવી અસર થાય છે? શું બતાવે છે કે તેઓ એ દર્શનને ભૂલ્યા જ નહિ?

૧૨ જોકે આ બનાવ પહેલાં, પીતરને કોઈ શંકા ન હતી કે ઈસુ “મસીહ, જીવતા દેવનો દીકરો છે.” (માત્થી ૧૬:૧૬) પણ વિચાર કરો કે ઈશ્વરનો સાદ સાંભળીને તેમને કેવું લાગ્યું હશે? પીતર, યાકૂબ ને યોહાનની શ્રદ્ધા કેટલી મજબૂત બની હશે! આવું ઉત્તેજન મેળવીને તેઓ હવે ભાવિના કામ માટે વધારે તૈયાર થાય છે.

૧૩ આ ત્રણ શિષ્યો એ દર્શનને કદી ભૂલ્યા નહિ. ત્રીસેક વર્ષ પછી પીતરે લખ્યું: “જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે [ઈસુ] સંબંધી એવી વાણી થઈ, કે એ મારો વહાલો પુત્ર છે, એના પર હું બહુ પ્રસન્‍ન છું; ત્યારે દેવ બાપ તરફથી તે [ઈસુ] માન તથા મહિમા પામ્યો. જ્યારે અમે તેની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે તે આકાશવાણી સાંભળી હતી.” (૨ પીતર ૧:૧૭, ૧૮) આ દર્શનના લગભગ ૬૦ વર્ષ પછી, યોહાને યાદ કરતા લખ્યું: “બાપના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો.” (યોહાન ૧:૧૪) ઈસુના ત્રણ શિષ્યોને ફક્ત એક જ દર્શન મળ્યું નહિ. તેઓને અને ઈસુના બીજા શિષ્યોને પણ ભાવિ વિષેના અનેક દર્શનો મળે છે.

ઈશ્વરભક્તોને રાજ્ય વિષે વધુ સમજણ મળે છે

૧૪, ૧૫. યોહાન કયા અર્થમાં ઈસુ આવે ‘ત્યાં સુધી’ રહેવાના હતા?

૧૪ મરણ પછી સજીવન થઈને ઈસુ શિષ્યોને ગાલીલના દરિયા કાંઠે મળવા જાય છે. વાત-વાતમાં તે પીતરને કહે છે: “હું આવું ત્યાં સુધી તે [યોહાન] રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું?” (યોહાન ૨૧:૧, ૨૦-૨૨, ૨૪) અહીં ઈસુ એમ કહેતા હતા કે તેમના શિષ્યોમાંથી યોહાન સૌથી લાંબું જીવશે. આ બનાવ પછી યોહાન બીજા ૭૦ વર્ષ યહોવાહની ભક્તિ કરતા રહ્યા. પણ શું ઈસુ ફક્ત યોહાનની ઉંમર વિષે જ વાત કરતા હતા? ના, તેમના એમ કહેવા પાછળ એક બીજો મહત્ત્વનો અર્થ રહેલો હતો.

૧૫ તો પછી, “હું આવું ત્યાં સુધી” યોહાન જીવતો રહેશે એમ કહીને ઈસુ શું જણાવવા માગતા હતા? એ જ કે યોહાનને બીજું એક મહત્ત્વનું દર્શન મળશે. આ દર્શનમાં યોહાન “માણસના દીકરાને [એટલે ઈસુને] તેના રાજ્યમાં આવતો દેખશે.” (માત્થી ૧૬:૨૮) શું આ સાચું બન્યું? હા, યોહાનને મરણ પહેલાં પાત્મસ ટાપુ પર એક ભવ્ય દર્શન મળ્યું. એમાં તેમને ભાવિ વિષે અને ખાસ કરીને ‘પ્રભુના દહાડા’ વિષે પ્રકટીકરણ મળ્યું. યોહાનને આ દર્શન એટલું સાચું લાગ્યું કે તે ઈસુને કહે છે: “આમેન; હે પ્રભુ ઈસુ, આવ.”—પ્રકટીકરણ ૧:૧, ૧૦; ૨૨:૨૦.

૧૬. આપણે શા માટે હમણાંથી આપણી શ્રદ્ધાને મજબૂત કરવી જોઈએ?

૧૬ પ્રથમ સદીમાં, નમ્ર દિલવાળા લોકોએ ઈસુ પર શ્રદ્ધા મૂકી હતી. પણ તેમને પગલે ચાલવું સહેલું ન હતું. આસપાસના લોકો ધર્મને નામે ધતિંગ કરતા હતા. તેઓ ખ્રિસ્તીઓને સતાવતા હતા. પ્રચાર કરવો ખૂબ હિંમત માગી લેતું. આ શિષ્યોને ઉત્તેજન આપવા માટે, ઈસુ ઘણી સાબિતી આપે છે કે તે જ મસીહ છે. શિષ્યોની શ્રદ્ધા મજબૂત કરવા, ઈસુએ દર્શનો પણ આપ્યા. આજે, આપણે ઘણાં વર્ષોથી ‘પ્રભુના દહાડામાં’ જીવી રહ્યા છીએ. નજીકમાં ઈસુ, શેતાન અને તેના દુષ્ટ જગતનો વિનાશ કરશે પણ ઈશ્વરભક્તોને બચાવશે. આ દિવસ આવે એ પહેલાં, એ ખૂબ મહત્ત્વનું છે કે આપણે યહોવાહના સર્વ શિક્ષણો હૃદયમાં ઉતારીએ. જો એમ કરીશું તો આપણી શ્રદ્ધા મજબૂત રહેશે.

અંધારી દુનિયામાં ઈશ્વરભક્તોને પ્રકાશ મળે છે

૧૭, ૧૮. પહેલી સદીમાં ઈસુના શિષ્યો અને દુનિયાના લોકો વચ્ચે કેવો તફાવત હતો? એનું શું પરિણામ આવ્યું?

૧૭ ઈસુ પાછા સ્વર્ગમાં ગયા ત્યારે શિષ્યો હિંમતથી રાજ્યની ખુશખબરી ફેલાવતા રહ્યા. તેઓએ “યરૂશાલેમમાં, આખા યહુદાહમાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી” પ્રચાર કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) ભલે તેઓને બહુ જ સતાવણી સહેવી પડી, પણ તેઓ પ્રચાર કરતા રહ્યા. યહોવાહે પ્રથમ સદીના ફૂલ જેવા કોમળ મંડળ પર ખૂબ આશીર્વાદ વરસાવ્યા. પરિણામે, મંડળમાં નવા નવા લોકો આવતા ગયા ને સર્વને સત્ય વિષે વધુ સમજણ મળી.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૭; ૪:૧-૩૧; ૮:૧-૮.

૧૮ દુનિયા અંધકારમાં હતી, પણ મંડળમાં સત્યનો પ્રકાશ ફેલાતો જ ગયો. જેઓએ સત્ય સ્વીકાર્યું નહિ, તેઓ વિષે નીતિવચનો ૪:૧૯ જણાવે છે: “દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે; તેઓ શાથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.” પછી ૬૬ની સાલમાં રૂમી સૈનિકો યરૂશાલેમનો કબજો લેવા આવ્યા ત્યારે યહુદી લોકો પર ખૂબ ‘અંધકાર’ આવી પડ્યો. પણ કોઈ કારણ વગર સૈનિકો પાછા ચાલ્યા ગયા. તરત જ ખ્રિસ્તીઓ ઈસુની ચેતવણી સાંભળીને શહેરમાંથી ભાગી છૂટ્યા. (લુક ૨૧:૨૦-૨૨) રૂમી સૈનિકો ફરી ૭૦ની સાલમાં પાછા આવ્યા. આ વખતે, તેઓએ આખા શહેરનો વિનાશ કરી દીધો. યહુદી ઇતિહાસકાર જોસેફસે કહ્યું કે આ કત્લેઆમમાં ૧૦ લાખથી વધારે યહુદીઓ માર્યા ગયા.

૧૯, ૨૦. (ક) આ જગતનો અંત આવે ત્યારે આપણે શા માટે ગભરાવું ન જોઈએ? (ખ) વર્ષ ૧૯૧૪ પહેલાં, યહોવાહે તેમના ભક્તોને ઈસુના રાજ્ય વિષે કેવી સમજણ આપી હતી?

૧૯ આ બનાવ અને આપણા દિવસો વચ્ચે બહુ ફરક નથી. જેમ યરૂશાલેમનો નાશ થયો, તેમ જ નજીકમાં શેતાનના દુષ્ટ જગતનો નાશ થશે. પણ યહોવાહના લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી કેમ કે ઈસુએ કહ્યું: “જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માત્થી ૨૮:૨૦) પ્રથમ સદીમાં, શિષ્યોની શ્રદ્ધાને મજબૂત કરવા ઈસુએ રાજ્ય વિષે દર્શનો આપ્યાં. એ દર્શનો ૧૯૧૪માં ઈસુ રાજ કરવા લાગ્યા ત્યારે સાચા પડ્યા. આ રાજ્યને લીધે આપણે સત્ય અને ભવિષ્યવાણીઓ વિષે હવે ખૂબ સમજીએ છીએ. અરે, એ રાજ્ય આપણને સુખી જીવનની આશા પણ આપે છે. ઈસુના રાજ્યને લીધે આપણને કેટલી હિંમત ને ઉત્તેજન મળે છે! ભલે આ દુનિયા હજી અંધારામાં છે, “સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહ્‍ન [બપોર] થતાં સુધી વધતો ને વધતો જાય છે.”—નીતિવચનો ૪:૧૮.

૨૦ વર્ષ ૧૯૧૪ પહેલાં પણ, અભિષિક્ત ખ્રિસ્તીઓ ઈસુના રાજ વિષે થોડું-ઘણું જાણતા હતા. તેઓને પૂરી ખાતરી હતી કે ‘ઈસુ પાછા આવશે,’ એટલે સ્વર્ગમાં રાજ કરશે. તેઓને કઈ રીતે આ ખબર હતી? કેમ કે ૩૩મી સાલમાં, જ્યારે ઈસુ વાદળમાં સ્વર્ગ પાછા જાય છે ત્યારે, બે સ્વર્ગદૂતો શિષ્યોને કહે છે: “એ જ ઈસુ, જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે તે, જેમ તમે તેને આકાશમાં જતાં જોયો તેમ જ પાછો આવશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧:૯-૧૧.

૨૧. હવે પછીના લેખમાં આપણે શું શીખીશું?

૨૧ ઈસુના રૂપાંતર વખતે, કોઈ ભપકાદાર દેખાવ ન હતો. તે સ્વર્ગમાં ગયા ત્યારે પણ, ફક્ત તેમના શિષ્યો જ એ પ્રસંગ માટે હાજર હતા. દુનિયાના લોકોને એ વિષે કંઈ ખબર ન હતી. ઈસુ ૧૯૧૪માં રાજ કરવા લાગ્યા ત્યારે પણ એમ જ થયું. (યોહાન ૧૪:૧૯) ફક્ત ઈસુના ખરા શિષ્યોને જ ખબર હતી કે સ્વર્ગમાં શું થઈ રહ્યું છે. પણ એ સમજણ મેળવીને ખ્રિસ્તીઓને કેવું લાગ્યું? તેઓએ શું કર્યું? મંડળો કઈ રીતે જગતભરમાં ફેલાઈ ગયાં? હવે પછીનો લેખ આ પ્રશ્નોના જવાબો આપશે. —પ્રકટીકરણ ૭:૯, ૧૪.

[ફુટનોટ્‌સ]

^ ‘મસીહ’ હેબ્રુ શબ્દ છે અને ‘ખ્રિસ્ત’ ગ્રીક શબ્દ છે. પણ બંનેનો અર્થ સરખો છે. એ શબ્દોનો અર્થ થાય છે, ઈશ્વરનો પસંદ કરેલો કે અભિષિક્ત, જે માણસજાતને પાપમાંથી મુક્ત કરશે.

^ આપણે ધારી શકીએ કે ઈસુના બાપ્તિસ્મા વખતે ફક્ત યોહાને જ ઈશ્વરનો સાદ સાંભળ્યો હતો. ઈસુ મંદિરમાં જે યહુદીઓ સાથે વાત કરતા હતા તેઓએ “કદી તેની [ઈશ્વરની] વાણી નથી સાંભળી, અને તેનું રૂપ પણ દીઠું નથી.”—યોહાન ૫:૩૭.

તમને યાદ છે?

• ખોટા આરોપ સામે ઈસુએ કઈ સાબિતી આપી કે તે જ મસીહ છે?

• ઈસુનું રૂપાંતર જોઈને શિષ્યોને કેવું ઉત્તેજન મળ્યું?

• એનો શું અર્થ થાય છે કે ‘ઈસુ આવે ત્યાં સુધી યોહાન જીવતો રહેશે’?

• વર્ષ ૧૯૧૪માં કયું દર્શન સાચું પડ્યું?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર ચિત્ર]

ઈસુએ ઘણી સાબિતીઓ આપી કે તે જ મસીહ છે

[પાન ૧૨ પર ચિત્ર]

ઈસુનું રૂપાંતર જોઈને શિષ્યોની શ્રદ્ધા ખૂબ મજબૂત બની

[પાન ૧૩ પર ચિત્ર]

ઈસુ ‘આવ્યા’ ત્યાં સુધી યોહાન જીવતા રહ્યા