“જાગતા રહો”
“જાગતા રહો”
પ્રાચીન સમયમાં ઘણી જ જગ્યાએ ચોકીદાર રાખવામાં આવતા. જેમ કે શહેર, મંદિર, અરે ઘણી વાર તો ઘરની ચોકી કરવા પણ દરવાજા પાસે ચોકીદાર રાખવામાં આવતા હતા. શહેરનું રક્ષણ કરવા રાતના એના દરવાજા બંધ કરવાની અને કોઈ ખતરો દેખાય તો લોકોને એની જાણ કરવાની તેની જવાબદારી હતી. એ ભારે જવાબદારી હતી. જો એમ કરવામાં ન આવે તો શહેરમાં રહેતા લોકો માર્યા જતા!
ઈસુ ખ્રિસ્ત પણ ચોકીદારની જવાબદારી વિષે જાણતા હતા. આથી જ તેમણે પોતાના શિષ્યોને ચોકીદાર સાથે સરખાવ્યા. ઈસુ જાણતા હતા કે યહૂદી વ્યવસ્થાનો અંત આવશે. તેથી, તેમણે પોતાના શિષ્યોને જાગતા રહેવાનું ઉત્તેજન આપતા કહ્યું: “સાવધ અને જાગતા રહેજો. કારણ, એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. એ તો આવું છે: ‘એક માણસ પોતાના ઘરેથી મુસાફરીએ જાય, ત્યારે નોકરોને વહીવટ સોંપી જાય છે. . . . અને ચોકીદારને જાગતા રહેવાનું કહીને જાય છે. તેથી તમે જાગતા રહેજો; કારણ, ઘરનો માલિક ક્યારે આવશે તેની તમને ખબર નથી.’”—માર્ક ૧૩:૩૩-૩૫; પ્રેમસંદેશ.
એવી જ રીતે આજે આ મૅગેઝિન ૧૨૫ કરતાં વધારે વર્ષોથી ઈસુના કહ્યા પ્રમાણે સર્વને ‘જાગતા રહેવાનું’ ઉત્તેજન આપી રહ્યું છે. કેવી રીતે? આ મૅગેઝિનના પાન બે પર બતાવવામાં આવ્યું છે કે, ‘બાઇબલની ભવિષ્યવાણીઓ આજે કઈ રીતે પૂરી થઈ રહી છે એ જણાવે છે. એ સર્વ લોકોને ખુશખબરી આપે છે કે, પરમેશ્વરનું રાજ્ય થોડા જ સમયમાં ખરાબ લોકોનો નાશ કરશે. પછી એ રાજ્ય આ દુનિયાને સુંદર બનાવી દેશે જેમાં સુખચેનનો કોઈ પાર નહિ રહે.’ આ ચોકીબુરજ આજે ૧૫૦થી વધારે ભાષાઓમાં છપાય છે. દરેક અંકની કુલ ૨,૬૦,૦૦,૦૦૦ કોપી બહાર પડે છે. આખા જગતમાં આટલી ભાષાઓમાં બીજા કોઈ ધાર્મિક સાહિત્યનું વિતરણ થતું જોવા મળતું નથી. પ્રાચીન સમયના ચોકીદારોની જેમ આજે યહોવાહના સાક્ષીઓ સર્વ લોકોને ધાર્મિક રીતે “જાગતા રહેવા” ઉત્તેજન આપી રહ્યા છે. કારણ કે હવે બહું જ જલદીથી ઈશ્વરના કહેવાથી ઈસુ ખ્રિસ્ત દુનિયાના રાજ્યનો ઇન્સાફ કરીને તેઓનો નાશ કરશે.—માર્ક ૧૩:૨૬, ૩૭.