જીવન—કિંમતી કે નકામું?
જીવન—કિંમતી કે નકામું?
‘ઈશ્વરે માણસને બનાવ્યો ત્યારે પોતાના જેવા ગુણો તેનામાં મૂક્યા હતા. તેથી, માણસ માણસને મારી નાખે છે ત્યારે, તે દુનિયાની સૌથી પવિત્ર અને અમૂલ્ય વસ્તુનો નાશ કરે છે.’—વિલિયમ બાર્કલે સર્વ પુરુષો માટે માર્ગદર્શન (અંગ્રેજી) પુસ્તક.
‘જીવન દુનિયાની સૌથી અમૂલ્ય વસ્તુ છે.’ શું તમે પણ એ જ માનો છો? દુનિયાના લોકો વિષે શું? દુઃખની વાત છે કે ઘણા લોકો બાર્કલેની જેમ જીવનને પવિત્ર કે અમૂલ્ય ગણતા નથી. તેઓના કાર્યો પરથી એ દેખાઈ આવે છે. આજે પોતાના સ્વાર્થને લીધે માણસો ક્રૂર બનીને હજારો લોકોનો જીવ લેતા જરાય અચકાતા નથી. તેઓ માટે જાણે બીજાઓનું જીવન પગની ધૂળ સમાન છે.—સભાશિક્ષક ૮:૯.
વાપરીને ફેંકી દો
પહેલું વિશ્વયુદ્ધ એનો સારો પુરાવો આપે છે. ઍલન જૉન ટૅલર નામના ઇતિહાસકાર કહે છે, ‘યુદ્ધોમાં વારંવાર એવું જ બને છે. અનેક લોકો યુદ્ધોમાં વગર કારણે પોતાના જીવનનું બલિદાન આપે છે.’ લશ્કરના સેનાપતિ પોતાની વાહ વાહ અને નામના મેળવવા સૈનિકોનો એવી રીતે ઉપયોગ કરે છે કે તેઓને વાપરીને કચરાની જેમ ફેંકી દેવામાં આવે. દાખલા તરીકે, પહેલા વિશ્વયુદ્ધમાં ફ્રાંસ અને જર્મની વચ્ચે ફ્રાંસના વર્ડન મેદાનમાં ઘમસાણ લડાઈ ચાલી હતી. એમાં પાંચ લાખથી પણ વધારે લોકોએ પોતાના જાન ગુમાવ્યા. એ વિષે ઍલન ટૅલરે લખ્યું, “એ યુદ્ધમાં હાર કે જીત માટે તેઓને [યુદ્ધની કોઈ ખાસ આવડત માટે] કોઈ ઇનામ મળવાનું ન હતું. ફક્ત લાશો પાડીને તેઓએ વાહ વાહ મેળવી.”—પ્રથમ વિશ્વયુદ્ધ (અંગ્રેજી) પુસ્તક.
આજે પણ ઘણા લોકો માટે બીજાના જીવનની કોઈ કિંમત જ નથી. લંડનની રોહામ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર કૅવિન બૅઇલ આપણા સમય વિષે કહે છે, ‘વધતી જતી વસ્તીને લીધે દુનિયામાં અસંખ્ય લોકો ગરીબ અને બેકાર છે. આથી, જીવનનું કોઈ મૂલ્ય નથી.’ તેઓએ રોજીરોટી મેળવવા ફાંફાં મારવા પડે છે. તેઓનું શોષણ કરનારા વિષે પ્રોફેસર બૅઇલ કહે છે કે, “તેઓ સાથે ગુલામ જેવો વ્યવહાર કરવામાં આવે છે. ‘પૈસા બનાવવા તેઓને કોઈ સાધનની જેમ વાપરીને કચરાની જેમ ફેંકી દેવામાં આવે છે.’”—વાપરીને ફેંકી દો (અંગ્રેજી) પુસ્તક.
“પવનમાં બાચકા મારવા જેવું છે”
આજે અનેક કારણોસર ઘણા લોકો અનુભવે છે કે તેઓ સાવ જ નકામા છે. તેઓ સાવ લાચાર છે. તેઓ જીવે કે મરે એની કોઈને પડી નથી. યુદ્ધ અને અન્યાય, દુકાળ, ભૂખમરો, બીમારી, પ્રિયજનનું મોત અને એવા બીજા અગણિત દુઃખો બધાએ જ સહેવા પડે છે. તેથી ઘણાને થાય છે કે ‘શું આ જ જીવન છે?’—સભાશિક્ષક ૧:૮, ૧૪.
ખરું કે બધાને કંઈ એવા ક્રૂર અનુભવો થતા નથી. તેમ જ બધા એટલી ગરીબીમાં જીવતા નથી. તેમ છતાં, જેઓને જીવનમાં કડવો અનુભવ થયો નથી તેઓ પણ ઘણી વાર સુલેમાન રાજાની જેમ વિચારે છે: “પોતાનું સર્વ કામ કરવામાં તથા પોતાના અંતઃકરણનું મથન કરવામાં માણસ પૃથ્વી ઉપર શ્રમ ઉઠાવે છે તેથી તેને શું ફળ મળે છે?” ઊંડો વિચાર કર્યા પછી ઘણાને પોતે જે કંઈ કર્યું હોય એ “વ્યર્થ તથા પવનમાં બાચકા મારવા” જેવું લાગ્યું છે.—સભાશિક્ષક ૨:૨૨, ૨૬.
જીવનમાં જે કંઈ કર્યું હોય એનો વિચાર કરીને ઘણા પોતાને પૂછે છે, “શું આ જીવન કહેવાય?” આજથી લગભગ ચાર હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા ઈશ્વરભક્ત ઈબ્રાહીમ મરણ પામ્યા ત્યારે તે પોતાના જીવનથી સંતુષ્ટ હતા. (ઉત્પત્તિ ૨૫:૮) પરંતુ આજે જેઓ ગુજરી જાય છે, તેઓ શું પોતાના જીવનથી સંતુષ્ટ હોય છે? આજે મોટે ભાગે બધા જ એવું અનુભવે છે કે તેઓ સાવ નકામા છે. પરંતુ એવું કોઈએ અનુભવવું ન જોઈએ. ઈશ્વરની નજરમાં દરેક ઇન્સાનનું જીવન મૂલ્યવાન છે. તે ચાહે છે કે આપણે દરેક જીવનનો ખરો આનંદ કાયમ માણતા રહીએ. પરંતુ, એવું ક્યારે બનશે? એનો જવાબ મેળવવા બીજો લેખ વાંચો.