તમારું જીવન કેટલું કિંમતી છે?
તમારું જીવન કેટલું કિંમતી છે?
વર્ષ ૧૯૧૬માં યુરોપમાં પહેલું વિશ્વયુદ્ધ ભભૂકી રહ્યું હતું. એમાં અગણિત લોકો હોમાઈ ગયા હતા. એ જ સમયે અર્નેશ્ટ શેકલ્ટન નામનો સંશોધક તેના સાથીઓને બચાવવા આકાશ-પાતાળ એક કરી રહ્યો હતો. તે એંગ્લો-આઇરીશ હતો. શેકલ્ટન નવી નવી જગ્યાઓની શોધખોળ કરતો હતો. પણ તે અને તેના ૨૭ સાથીદારો દક્ષિણ ધ્રુવપ્રદેશ (ઍન્ટાર્કટિકા) પહોંચ્યા ત્યારે સમુદ્રમાં તરતા પર્વત જેવા મોટા બરફથી તેમનું એન્ડ્યોરન્સ નામનું વહાણ ભાંગી પડ્યું. તેઓ ભાંગેલા વહાણમાંથી એક હોડી જ બચાવી શક્યા. એમાં બેસીને તેઓ ધ્રુવપ્રદેશના એલિફંટ ટાપુ પર આવી પહોંચ્યા. જોકે, તેઓનું જીવન હજુ પણ ખતરામાં જ હતું!
શેકલ્ટને જોયું કે તેઓ માટે બચવાનો એક જ ઇલાજ છે: મદદ માટે તેઓ ઍન્ટાર્કટિકામાં આવેલા દક્ષિણ જ્યોર્જિયા ટાપુ પર પહોંચે. જેથી વહેલ માછલી પકડવા આવતા લોકો પાસેથી તેઓને મદદ મળી શકે. એમ કરવું તેઓ માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું. એલિફંટ ટાપુથી જ્યોર્જિયા ટાપુથી ૧,૧૦૦ કિલોમીટર દૂર હતો! ત્યાં જવા માટે તેઓ પાસે ફક્ત ૬.૭ મીટર લાંબી હોડી જ હતી. તેઓનું ભાવિ અંધકારમય હતું.
તોપણ ૧૭ દિવસ ભારે સંઘર્ષ કરીને શેકલ્ટન અને તેના પાંચ સાથીઓ, મે ૧૦, ૧૯૧૬ના રોજ હોડીમાં દક્ષિણ જ્યોર્જિયા ટાપુએ પહોંચ્યા. પણ દરિયો ભારે તોફાની હોવાથી તેઓએ ટાપુની બીજી બાજુએ ઊતરવું પડ્યું. તેઓએ મદદ માટે કકડતી ઠંડીમાં બરફથી છવાયેલા પર્વતો ચઢીને હજી બીજા ૩૦ કિલોમીટર મુસાફરી કરવાની હતી. સાધનો પણ અપૂરતા હતા. તોપણ શેકલ્ટન અને તેના સાથીઓ છેવટે દક્ષિણ ટાપુના ખરા મુકામે આવી પહોંચ્યા. ત્યાંથી વહેલ માછલી પકડવા આવતા લોકોની મદદ લઈને શેકલ્ટને તેના બધા સાથીઓને ઉગારી લીધા. શા માટે ‘શેકલ્ટને જીવનું જોખમ હોવા છતાં આવો સંઘર્ષ કર્યો?’ એ વિષે ઇતિહાસકાર રોલૅડ હંટફૉડે લખ્યું: “શેકલ્ટન એટલું જ ઇચ્છતો હતો કે કોઈ પણ હિસાબે તેના બધા જ માણસોને બચાવી લેવા જોઈએ.”
“નામ લઈને બોલાવે છે”
શેકલ્ટનના સાથીદારોને ઉજ્જડ અને બરફથી છવાયેલા પર્વતો પરથી ૩૦ કિલોમીટર જોખમી મુસાફરી કરવાની હિંમત ક્યાંથી મળી? તેઓને તેમના આગેવાન શેકલ્ટનના વચન પર પૂરો ભરોસો હતો, કે તે જરૂર તેઓને બચાવશે.
આજે સર્વ માણસજાતની હાલત પણ એલિફંટ ટાપુ પરના શેકલ્ટન અને તેના સાથીદારો જેવી જ છે. રોજીરોટી મેળવવા ઘણા લોકોને કાળી મજૂરી કરવી પડે છે. તેમ છતાં તેઓને ઈશ્વરમાં અતૂટ ભરોસો છે કે તે નિરાધાર લોકોને વિપત્તિ ને જુલમમાંથી બચાવશે. (અયૂબ ૩૬:૧૫) ભૂલશો નહિ કે ઈશ્વરને મન દરેક જીવન અમૂલ્ય છે. તે કહે છે: “સંકટને સમયે મને વિનંતી કર; હું તને છોડાવીશ.”—ગીતશાસ્ત્ર ૫૦:૧૫.
તમને કદાચ લાગશે, ‘પૃથ્વી પર આજે અબજો લોકો છે. ત્યાં ઈશ્વરની નજરમાં મારી શું કિંમત?’ તમને જો પોતાના વિષે એવું લાગતું હોય તો, ૨,૭૬૪ વર્ષ પહેલાં ઈશ્વરભક્ત યશાયાહે વિશ્વના અબજો ને અબજો તારામંડળો વિષે જે લખ્યું એનો વિચાર કરો: “તમારી દૃષ્ટિ ઊંચી કરીને જુઓ, એ બધા તારા કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.”—યશાયાહ ૪૦:૨૬.
એનો શું અર્થ થાય? ખાલી આપણા તારામંડળમાં જ એકસો અબજ કરતાં વધારે તારાઓ છે. એ ભૂલશો નહિ! સૂર્યમંડળ તો એ તારામંડળનો એક નાનકડો ભાગ જ છે. એ સિવાય બીજા કેટલા તારામંડળો હશે એ કોઈ ચોક્કસ કહી શકતું નથી. અંદાજો પ્રમાણે બ્રહ્માંડમાં લગભગ ૧૨૫ અબજ તારામંડળો હશે. કેટલો મોટો આંકડો! તેમ છતાં બાઇબલ જણાવે છે કે સૃષ્ટિનો સર્જનહાર તારાઓને નામથી બોલાવે છે.
‘માથાના વાળ ગણેલા છે’
કોઈ કદાચ કહેશે કે ‘અબજો તારાઓનાં કે લોકોનાં નામ જાણતા હોઈએ તો એનો અર્થ એમ નથી કે આપણને એ બધા વહાલા છે.’ આજે એવા ઘણા કૉમ્પ્યુટર છે, જે અબજો ને અબજો લોકોનાં નામ યાદ રાખી શકે છે. એટલે શું કૉમ્પ્યુટરને અબજો લોકો અતિપ્રિય છે? શું એવું કદી કઈ શકે? પણ બાઇબલ જણાવે છે કે યહોવાહ પરમેશ્વર અબજો ને અબજો લોકોને નામથી ઓળખે છે. એટલું જ નહિ, પણ તેમને દરેકની ખૂબ જ ચિંતા રહે છે. એના વિષે પ્રેષિત પીતરે લખ્યું: “તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીતર ૫:૭.
ઈસુએ કહ્યું હતું: “પૈસાની બે ચલ્લી વેચાતી નથી શું? તોપણ તમારા બાપની ઇચ્છા વગર તેમાંથી એકે ભોંય પર પડનાર નથી. અને તમારા માથાના નિમાળા પણ બધા ગણેલા છે. તે માટે બીહો મા; ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો.” (માત્થી ૧૦:૨૯-૩૧) નોંધ કરો, ઈસુએ ફક્ત એમ ન કહ્યું કે, ‘ચલ્લીઓ અને મનુષ્ય પર જે વીતે છે તે ઈશ્વર જાણે છે.’ પણ તેમણે કહ્યું: “ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો.” ચલ્લીઓ કરતાં આપણે કેમ મૂલ્યવાન છીએ? કેમ કે ઈશ્વરે માણસમાં પોતાના જેવા ગુણો મૂક્યા છે. તેથી આપણે દરેક જણ ઈશ્વરના જેવા ગુણો અને બુદ્ધિ કેળવી શકીએ છીએ!—ઉત્પત્તિ ૧:૨૬, ૨૭.
‘બુદ્ધિશાળી વ્યક્તિએ કરેલી રચના’
આજે ઘણા લોકોનું માનવું છે કે ઈશ્વર જેવું કંઈ નથી. તેઓનું સાંભળીને તમે ગેરમાર્ગે દોરાશો નહિ. તેઓનું માનવું છે કે ઈશ્વરે નહિ પણ કોઈ શક્તિથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. તેઓ એમ પણ માને છે કે પ્રાણીઓ અને ઇન્સાન વચ્ચે કોઈ ફરક નથી.
પૃથ્વી પર જીવન પોતાની મેળે આવી ગયું, એમ માનવું શું વાજબી છે? જીવવિજ્ઞાની માઈકલ જે. બિહી કહે છે, ‘કોશોને કેવી રીતે બનાવવામાં આવ્યા છે એ મનુષ્યની સમજશક્તિની બહાર છે.’ તેમના કહેવા મુજબ, જીવવિજ્ઞાન પુરાવો આપે છે કે ‘પૃથ્વી પર જીવનની રચના પાછળ બુદ્ધિશાળી વ્યક્તિનો હાથ છે.’— ડાર્વિન્સ બ્લેક બૉક્સ—ધ બાયોકૅમિકલ ચેલેંજ ટુ ઇવોલ્યુશન.
બાઇબલ કહે છે કે યહોવાહ પરમેશ્વરે સૃષ્ટિ રચીને પૃથ્વી પર સઘળી વસ્તુઓ ઉત્પન્ન કરી છે. તેમના જેવું બુદ્ધિમાન કોઈ નથી.—ગીતશાસ્ત્ર ૩૬:૯; પ્રકટીકરણ ૪:૧૧.
આજે આપણને અનેક પ્રકારના દુઃખ-તકલીફો સહેવા પડે છે. એનો અર્થ એ નથી કે ઈશ્વર છે જ નહિ. આપણે બે મહત્ત્વની બાબતો કદી ભૂલવી ન જોઈએ. એક કે ઈશ્વરે ઇન્સાનને દુઃખની ચક્કીમાં પીસાવા બનાવ્યો નથી. બીજું કે ઈશ્વર આ દુઃખોને થોડા સમય માટે ચાલવા દે છે. એની પાછળ ખાસ કારણો છે. યહોવાહ કેમ દુષ્ટતા ચાલવા દે છે, એ વિષે આ મૅગેઝિનમાં ઘણી વાર ચર્ચા કરવામાં આવી છે. તે દુષ્ટતાને કાયમ ચાલવા દેશે નહિ. ઈશ્વરે આપણા પ્રથમ મા-બાપ એટલે આદમ અને હવાને બનાવ્યાં હતા. થોડા સમય પછી તેઓએ ઈશ્વરને તજી દીધા. એમ કરવાથી મોટો સવાલ ઊભો થયો કે ‘ઈશ્વર વિશ્વમાં રાજ કરવા લાયક છે કે કેમ?’ એ થોડા જ સમયમાં પુરવાર થશે ત્યારે દુઃખ અને દુષ્ટતાનો કાયમ માટે અંત આવશે. *—ઉત્પત્તિ ૩:૧-૭; પુનર્નિયમ ૩૨:૪, ૫; સભાશિક્ષક ૭:૨૯; ૨ પીતર ૩:૮, ૯.
‘તે નિરાધારનો પોકાર સાંભળીને તેઓનો ઉદ્ધાર કરશે’
ખરું કે આજે ચારેકોર પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. તેથી ઘણાને અનેક પ્રકારનું દુઃખ પડે છે. તોપણ, ખરું કહીએ તો, જીવન ખરેખર ઈશ્વર તરફથી એક સુંદર ભેટ છે! આપણે પહેલા જોઈ ગયા કે શેકલ્ટન અને તેના સાથીદારોએ જીવ બચાવવા એલિફંટ ટાપુ પર કેવો સંઘર્ષ કરવો પડ્યો. પરંતુ ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર આવશે ત્યારે કોઈને તેઓની જેમ કદી દુઃખ સહેવું નહિ પડે. એ ઈશ્વરનું વરદાન છે. ઈશ્વર થોડા જ સમયમાં આપણને સર્વ દુઃખ-તકલીફોમાંથી બચાવશે. જેથી આપણે ઈશ્વરના પ્રથમ હેતુ પ્રમાણે કાયમ જીવી શકીએ!—૧ તીમોથી ૬:૧૯.
આપણે સર્વ ઈશ્વરની નજરમાં અમૂલ્ય હોવાથી તે આપણા માટે એવું કરશે જ. ઈશ્વર જલદી જ આપણામાંથી ઘડપણ, બીમારી અને મરણ જેવા દુઃખો કાયમ માટે કાઢી નાખશે. પણ આ દુઃખોની શરૂઆત ક્યાંથી થઈ? આપણે જોયું તેમ એની શરૂઆત આપણા પ્રથમ મા-બાપ, આદમ અને હવાથી થઈ. ઈશ્વરે તેઓને બનાવ્યા પછી તેઓએ ઈશ્વર તરફથી પીઠ ફેરવી લીધી ને પાપમાં પડ્યા. ત્યારથી બધા દુઃખોની શરૂઆત થઈ. આમ આપણને પણ તેઓ પાસેથી વારસામાં એ જ મળ્યું છે. પણ યહોવાહ ઈશ્વરે એમાંથી આપણને છોડાવવા માટે પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. તેમણે આપણા માટે પોતાની કુરબાની આપી. (માત્થી ૨૦:૨૮) ઈસુ ખ્રિસ્તે કહ્યું, “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.”—યોહાન ૩:૧૬.
આજે જેઓ દુઃખ અને જુલમની ચક્કીમાં પિસાય છે, તેઓ માટે ઈશ્વર શું કરશે? પવિત્ર શાસ્ત્ર કહે છે: “દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઇ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે. જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે.” શા માટે યહોવાહ એમ કરશે? એનું કારણ છે કે, “તેની દૃષ્ટિમાં તેઓનું રક્ત [તેઓ] મૂલ્યવાન છે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪.
સદીઓથી આપણે રાત-દિવસ પાપની અસરથી આવતા દુઃખ-તકલીફો સહીને ‘નિસાસા નાખીએ’ છીએ. ઈશ્વર એને લાંબો સમય ચાલવા દેશે નહિ! એમાંથી આપણને છોડાવવાનું ઈશ્વરે વચન આપ્યું છે. (રૂમી ૮:૧૮-૨૨) જલદી જ યહોવાહે નીમેલા રાજા ઈસુ ખ્રિસ્ત બધા દુઃખ-દર્દ, જુલમ ને બીમારીનો કાયમ માટે અંત લાવશે. ત્યારે ખરેખર જીવન જીવવા જેવું હશે!—પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૧; માત્થી ૬:૯, ૧૦.
આપણા વહાલાઓ જેઓ રિબાઈ રિબાઈને મરણ પામ્યા છે તેઓ વિષે શું? યહોવાહ તેઓને ભૂલી જશે નહિ. તેઓને સજીવન કરવામાં આવશે! (યોહાન ૫:૨૮, ૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) જલદી જ તેઓને કાયમનું જીવન આપવામાં આવશે. એમાં કોઈ દુઃખ, તકલીફ, બીમારી કે મરણ પણ નહિ હોય! (યોહાન ૧૦:૧૦; પ્રકટીકરણ ૨૧:૩-૫) યહોવાહના આશીર્વાદથી આપણે બધા સુખી જીવનનો આનંદ માણી શકીશું. આપણે યહોવાહ જેવા સુંદર ગુણો કેળવીને તેમનું નામ સંપૂર્ણ રીતે રોશન કરી શકીશું.
ઈશ્વરે આવા આશીર્વાદોનું વચન આપ્યું છે. એ કોને નહિ ગમે? પણ તમને થશે કે ‘એ આશીર્વાદો મને કઈ રીતે મળે?’ ઈશ્વરે જે ગોઠવણ કરી છે એનો લાભ લેવો જોઈએ. એ તમારા હાથમાં છે! આ મૅગેઝિનના પ્રકાશકો તમને મદદ કરવા તૈયાર છે.
[ફુટનોટ]
^ “શા માટે દેવ યાતનાને પરવાનગી આપે છે?” એ વિષય વધારે જાણવા જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનું પ્રકરણ ૮ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[પાન ૪, ૫ પર ચિત્ર]
શેકલ્ટનના સાથીઓને ભરોસોહતો કે તે તેઓને જરૂર બચાવશે
[ક્રેડીટ લાઈન]
© CORBIS
[પાન ૬ પર ચિત્ર]
‘તમે ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો’