ચમત્કારો—હકીકત કે કલ્પના?
ચમત્કારો—હકીકત કે કલ્પના?
એક માણસની નજર રસ્તા પર જતી એક કાર પર પડી. એના પર લખ્યું હતું: “ચમત્કારો થાય છે—વિશ્વાસ ન હોય તો, સ્વર્ગદૂતોને પૂછો.” આ માણસ ધાર્મિક હતો. પણ તેને આ શબ્દોનો અર્થ સમજાયો નહિ. શું એ કારચાલક ખરેખર ચમત્કારમાં માનતો હતો? કે પછી મજાકમાં કહી રહ્યો હતો કે ચમત્કારો અને સ્વર્ગદૂતો જેવું કંઈ નથી?
ચમત્કાર વિષે જર્મનીના લેખક માનફ્રેડ બારટલે જે કહ્યું એની નોંધ લો: “ચમત્કાર એવો શબ્દ છે જે વાચકોમાં તરત જ ભાગલા પાડી દે છે.” ચમત્કારમાં માનનારા પૂરી ખાતરીથી કહે છે કે ચમત્કાર થાય છે અને વારંવાર થાય છે. * દાખલા તરીકે, ગ્રીસમાં એક રિપૉર્ટ મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી, ઘણા ધાર્મિક લોકો કહે છે કે દર મહિને ચમત્કાર થાય છે. તેથી, ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચના એક બિશપે લોકોને ચેતવ્યા કે, “ચમત્કારમાં માનનારા લોકો એવું માને છે કે ઈશ્વર, મરિયમ અને સંતો મનુષ્ય જેવા જ છે. તેઓએ યાદ રાખવું જોઈએ કે નાની વાતને મોટી ન બનાવે.”
અમુક દેશોમાં લોકો ચમત્કારમાં માનતા નથી. વર્ષ ૨૦૦૨માં જર્મનીની આલન્સબાખ નામની સંસ્થાએ સર્વે કર્યો. એ સર્વે મુજબ ૭૧ ટકા લોકો ચમત્કારને એક કલ્પના તરીકે માને છે. લગભગ ત્રીસ ટકા લોકો ચમત્કારમાં વિશ્વાસ કરે છે. એમાંની ત્રણ સ્ત્રીઓએ તો ત્યાં સુધી કહ્યું કે કુંવારી મરિયમ પાસેથી તેમને સંદેશો મળ્યો છે. તેઓનું કહેવું છે કે મરિયમે તેઓને દર્શન આપ્યું ત્યારે તેઓ સાથે સ્વર્ગદૂતો ને કબૂતર પણ હતા. અમુક મહિના પછી, જર્મનીના વેસ્તફાલંડપોસત ન્યૂઝ પેપરે જણાવ્યું કે: “આશરે ૫૦,૦૦૦ શ્રદ્ધાળુઓએ આ સ્ત્રીઓને મળેલા દર્શનમાં શ્રદ્ધા બતાવી છે. તેઓમાંના અમુક બીમારીથી સાજા થવા ચાહે છે અને બીજા આમાં કેટલું સત્ય છે એ જાણવા માંગે છે.” એ ઉપરાંત, અનુમાન છે કે ૧૦,૦૦૦ લોકોની ભીડ આ ગામમાં આવશે જેથી મરિયમ ફરી વાર દર્શન આપે તો તેઓ પણ જોઈ શકે. કહેવામાં આવે છે કે ૧૮૫૮માં ફ્રાન્સના લુર્ડસ વિસ્તારમાં અને ૧૯૭૧માં પોર્ટુગલ, ફાતિમા વિસ્તારમાં કુંવારી મરિયમે આવું જ દર્શન આપ્યું હતું.
શું બીજા ધર્મો પણ ચમત્કારમાં માને છે?
મોટા ભાગે બધા ધર્મના લોકો ચમત્કારમાં વિશ્વાસ કરે છે. ધ એન્સાઈક્લોપેડિયા ઑફ રિલિજ્યન જણાવે છે કે જેઓએ બુદ્ધ, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મની સ્થાપના કરી, તેઓ ચમત્કાર વિષે અલગ અલગ માનતા હતા. પરંતુ, એ એન્સાઈક્લોપેડિયામાં લખ્યું છે: “આ ધર્મોના ઇતિહાસ બતાવે છે કે ચમત્કાર અને એની વાર્તાઓ માણસના ધાર્મિક જીવનનો એક ભાગ છે.” આ પુસ્તક એમ પણ જણાવે છે: “બુદ્ધ ક્યારેક પોતે ચમત્કાર કરતા હતા. પછી ચીનમાં બુદ્ધ મિશનરીઓ પણ પોતાનો ધર્મ ફેલાવવા માટે ચમત્કારિક શક્તિઓનો ઉપયોગ કરતા હતા.”
આવા ચમત્કારોની બધી વાર્તાઓનો ઉલ્લેખ કર્યા પછી, એન્સાઈક્લોપેડિયા આખરે કહે છે: “ધર્મશાસ્ત્રીઓએ આ ચમત્કારોની જે વાર્તાઓ લખી છે એને કદાચ લોકો સાચી માનવા તૈયાર ન પણ હોય. પરંતુ, આ વાર્તાઓ બુદ્ધને મહિમા આપવા માટે લખવામાં આવી
હતી. એ વાર્તાઓ પરથી એવું લાગે છે કે, બુદ્ધે પોતાના શિષ્યોને ચમત્કારિક શક્તિ આપી હશે.” આ એન્સાઈક્લોપેડિયા મુસ્લિમ ધર્મ વિષે કહે છે: “મુસ્લિમો આજે પણ ચમત્કારમાં માને છે. પયગંબર મહમ્મદ વિષે હદીસમાં કહેવાય છે કે તેમણે ઘણા પ્રસંગોએ જાહેરમાં ચમત્કાર કર્યા હતા. . . . માનવામાં આવે છે કે પયગંબરોના મરણ પછી તેઓની દરગાહ પર ચમત્કારો થાય છે. એટલું જ નહિ, લોકો પણ ઇમાનદારીથી પયગંબરોની કબરોએ જઈને મદદની ભીખ માંગે છે.”ખ્રિસ્તી ધર્મમાં ચમત્કાર વિષે શું?
ખ્રિસ્તી ધર્મમાં ઘણા લોકો ચમત્કારમાં માને છે અને ઘણા માનતા નથી. દાખલા તરીકે, બાઇબલ આપણને જણાવે છે કે ઈસુ ખ્રિસ્તે અને બીજા ઈશ્વરભક્તોએ ચમત્કારો કર્યા. ઘણા તે અહેવાલોને સાચા માને છે. પણ બીજા લોકો ધર્મ સુધારક માર્ટિન લ્યુથરની જેમ વિચારે છે. ધ એન્સાઈક્લોપેડિયા ઑફ રિલિજ્યન આ વિષે કહે છે: “લ્યુથર અને કેલ્વિન બંનેએ લખ્યું કે ચમત્કારોનો યુગ જતો રહ્યો છે. તેથી, હવે આપણે એની આશા રાખવી જોઈએ નહિ.” વધુમાં આ એન્સાઈક્લોપેડિયા જણાવે છે કે, કૅથલિક ચર્ચ આજે પણ માને છે કે ચમત્કાર થાય છે. પરંતુ, ‘તેઓએ ક્યારેય એ સમજવાનો પ્રયત્ન કર્યો નથી કે ચમત્કાર કેવી રીતે થાય છે. પ્રોટેસ્ટંટ સમાજના ભણેલા-ગણેલા લોકોનું માનવું છે કે ખ્રિસ્તને પગલે ચાલવાનો અર્થ સારા માણસ તરીકે જીવવું થાય છે. માણસોના રોજિંદા જીવનમાં પરમેશ્વર કે દૂતોનો કોઈ હાથ હોય એમ કહેવું ખોટું છે.’
અમુક ખ્રિસ્તીઓ અને પાદરીઓ બાઇબલમાં જણાવેલા ચમત્કારો પર વિશ્વાસ કરતા નથી. દાખલા તરીકે, નિર્ગમન ૩:૧-૫માં ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળાનો જ વિચાર કરો. ખરેખર બાઇબલ શું કહે છે (અંગ્રેજી) પુસ્તક સમજાવે છે કે જર્મનીના મોટાભાગના ધર્મશાસ્ત્રીઓ એને સાચે જ એક ચમત્કાર નથી માનતા. એને બદલે, તેઓ એનો એવો અર્થ સમજે છે કે, “મુસા પોતાની લાગણીઓ સાથે લડી રહ્યો હતો. તેનું અંતઃકરણ તેને કાંટાની જેમ ખૂંચતું હતું ને જાણે તેને ભસ્મ કરી રહ્યું હતું.” આ પુસ્તક આગળ કહે છે: “આગની જ્વાળાને આ રીતે સમજી શકાય છે કે જાણે ઈશ્વરના તેજની રોશનીથી ઝાડવા પર ફૂલો ખીલી ઊઠ્યા હોય.”
તમને કદાચ આ સમજણ ગળે ન ઊતરે. તો તમારે કોનું માનવું જોઈએ? શું પહેલાંના જમાનામાં સાચે જ ચમત્કારો થયા હતા? આજે થઈ રહેલા ચમત્કારો વિષે શું? આપણે સ્વર્ગદૂતોને પૂછી શકતા નથી તો, કોને પૂછવું જોઈએ?
બાઇબલ શું કહે છે?
બાઇબલ જૂના જમાનામાં બનેલી ઘણી અદ્ભુત ઘટનાઓ વિષે જણાવે છે. એમાં ક્યારેક ખુદ પરમેશ્વરે મનુષ્યોને એવી રીતે મદદ કરી હતી જે માણસોની દૃષ્ટિએ અશક્ય છે. આ હકીકતનો કોઈ નકાર કરી શકતું નથી. એ પરમેશ્વર વિષે આપણને વાંચવા મળે છે: “ચિહ્નોથી, ચમત્કારોથી, બળવાન હાથથી તથા લાંબા કરેલા ભુજથી મોટું ભય બતાવીને તું તારા લોક ઈસ્રાએલને મિસર દેશમાંથી કાઢી લાવ્યો.” (યિર્મેયાહ ૩૨:૨૧) જરા વિચાર કરો, એક સમયના સૌથી શક્તિશાળી દેશ પર પરમેશ્વરે દસ વિપત્તિઓ લાવીને તેઓનું ઘમંડ તોડી નાખ્યું હતું. એમાંની એક વિપત્તિએ તો તેઓના ઘરના પ્રથમજનિતને મોતની નીંદરમાં સુવડાવી દીધા હતા. આ વિપત્તિઓ ખરેખર ચમત્કાર હતી!—નિર્ગમન ૭થી ૧૪ અધ્યાયો.
એ ઘટનાની સદીઓ પછી માત્થી, માર્ક, લુક અને યોહાન પુસ્તકોના લેખકોએ ઈસુના લગભગ ૩૫ ચમત્કારોનું વર્ણન કર્યું. તેઓના લખાણથી તો એવું લાગે છે કે ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા હતા, જેના વિષે કંઈ લખવામાં આવ્યું નથી. આ અહેવાલો હકીકત છે કે કલ્પના? *—માત્થી ૯:૩૫; લુક ૯:૧૧.
જો બાઇબલ પરમેશ્વરની પ્રેરણાથી લખાયું હોય તો, એના બધા અહેવાલો સત્ય હોવા જ જોઈએ. એમ હોય તો, એમાં જણાવેલા ચમત્કારો પર તમે પૂરો ભરોસો રાખી શકો. બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે પહેલાંના સમયમાં ચમત્કારો થતા હતા. જેમ કે, બીમાર લોકોને સાજા કરવા અને મૂએલાઓને સજીવન કરવા વગેરે. પરંતુ, બાઇબલ એ પણ સ્પષ્ટ કહે છે કે હવે એવા ચમત્કારો થતા નથી. (“આજે કેવા ચમત્કારો નથી થતા?” પાન ૪ પરનો બૉક્સ જુઓ.) તો શું એનો અર્થ એમ થાય કે જેઓ બાઇબલમાં માને છે તેઓ આજે થનારા ચમત્કારોમાં માનતા નથી? એ જાણવા હવે પછીનો લેખ જુઓ.
[ફુટનોટ્સ]
^ એક બાઇબલ શબ્દકોશમાં “ચમત્કાર” શબ્દનો અર્થ આમ લેવાયો છે: “દુનિયામાં થતી એવી ઘટનાઓ કે જેને આપણે કુદરતી નિયમોથી સમજી શકતા નથી, જેમાં કોઈ દૈવી શક્તિનો હાથ હોય છે.”
^ બાઇબલ ભરોસાપાત્ર પુસ્તક છે એના પુરાવાઓ પર તમે વિચાર કરી શકો. એ પુરાવાઓ તમને ધ બાઇબલ—ગૉડ્સ વર્ડ ઓર મૅન્સ? પુસ્તકમાંથી મળશે. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[પાન ૪ પર બોક્સ]
આજે કેવા ચમત્કારો નથી થતા?
બાઇબલમાં ઘણા પ્રકારના ચમત્કારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (નિર્ગમન ૭:૧૯-૨૧; ૧ રાજાઓ ૧૭:૧-૭; ૧૮:૨૨-૩૮; ૨ રાજાઓ ૫:૧-૧૪; માત્થી ૮:૨૪-૨૭; લુક ૧૭:૧૧-૧૯; યોહાન ૨:૧-૧૧; ૯:૧-૭) ઘણા ચમત્કારોને લીધે ઈસુ મસીહા તરીકે ઓળખાયા. વળી, એ પરમેશ્વરના આશીર્વાદની સાબિતી પણ હતી. ઈસુના શિષ્યો પાસે પણ ચમત્કાર કરવાની અદ્ભુત ભેટ હતી. જેમ કે કોઈની પાસે અન્ય ભાષાઓ બોલવાની ભેટ હતી તો, કોઈને ભાષાનું અર્થઘટન કરવાની ભેટ હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૫-૧૨; ૧ કોરીંથી ૧૨:૨૮-૩૧) આ ચમત્કારિક શક્તિ ખ્રિસ્તી મંડળની સ્થાપનાની શરૂઆતમાં બહુ ઉપયોગી હતી. શા માટે?
કેમ કે, એ વખતે શાસ્ત્રવચનોની પ્રતો બહુ ઓછી હતી. ખાસ કરીને ફક્ત ધનવાન લોકો પાસે એ ઓળિયા કે પુસ્તકો હતા. વિધર્મી દેશોમાં બાઇબલ કે એના કર્તા યહોવાહ વિષે કોઈ જાણતું ન હતું. યહોવાહનું શિક્ષણ યાદશક્તિથી મોઢે આપવામાં આવતું હતું. ખ્રિસ્તી મંડળમાં જે ચમત્કારો થતા, એણે બતાવ્યું કે પરમેશ્વરનો આશીર્વાદ આ મંડળ પર હતો.
પરંતુ, પાઊલે સમજાવ્યું કે એક દિવસે તેઓને આ ચમત્કારિક શક્તિની જરૂર નહિ હોય અને એ જતી રહેશે. “ભવિષ્ય ભાખવાનું દાન હોય તો તે લોપ થશે; ભાષાઓ હોય, તો તેઓનો અંત આવશે; વિદ્યા હોય તો તે જતી રહેશે. કેમ કે આપણું જ્ઞાન અપૂર્ણ છે, અને આપણે અપૂર્ણ પ્રબોધ કરીએ છીએ; પણ જ્યારે સંપૂર્ણતા આવશે, ત્યારે અપૂર્ણતા જતી રહેશે.”—૧ કોરીંથી ૧૩:૮-૧૦.
આજે લોકો પાસે બાઇબલ, અને એન્સાયક્લોપેડિયા જેવાં પુસ્તકો પણ છે. બીજું કે, લગભગ સાઠ લાખ લોકો બીજાઓને પરમેશ્વરનું જ્ઞાન, જે બાઇબલમાંથી મળે છે, એની સમજણ આપે છે. તેથી આજે ચમત્કાર કરીને પરમેશ્વરે એ બતાવવાની જરૂર નથી કે તેમણે ઈસુ ખ્રિસ્તને આપણને છોડાવવા નિયુક્ત કર્યા છે. અથવા એ સાબિતી આપવાની પણ જરૂર નથી કે યહોવાહનો આશીર્વાદ તેમના સેવકો પર છે.