રૂથ પુસ્તકના મુખ્ય વિચારો
યહોવાહનો શબ્દ જીવંત છે
રૂથ પુસ્તકના મુખ્ય વિચારો
રૂથ નામનું પુસ્તક સાસુ-વહુના સંબંધની ગાંઠ વિષે છે. યહોવાહના પ્રેમ વિષે છે. ઈશ્વર પર ભરોસો મૂકવાના આશીર્વાદો વિષે છે. આ પુસ્તક ઈસુ કયા કુળમાંથી આવશે એ વિષે છે. કુટુંબમાં આવતા સુખ-દુઃખના મોજાં વિષે છે. આ ઉપરાંત, બીજું ઘણું રૂથના પુસ્તકમાં શીખવા જેવું છે.
રૂથમાં ૧૧ વર્ષનો ઇતિહાસ લખાયેલો છે. એ વખતે ઈસ્રાએલમાં “ન્યાયાધીશો ન્યાય કરતા હતા.” (રૂથ ૧:૧) ન્યાયાધીશોએ ન્યાય કરવાનું શરૂ જ કર્યું ત્યારે આ ઘટના બની હશે. કેમ કે બોઆઝ યહોશુઆના જમાનાની રાહાબનો દીકરો હતો. (યહોશુઆ ૨:૧, ૨; રૂથ ૨:૧; માત્થી ૧:૫) પ્રબોધક શમુએલે આ ઘટનાઓ લગભગ ઇસવીસન પૂર્વે ૧૦૯૦માં લખી હશે. રૂથ ઈસ્રાએલ જાતિની ન હતી. આમ, બાઇબલમાં આ એક જ પુસ્તક છે જે બીજી જાતિની રૂથના નામ પર છે. પણ એમાં જે સંદેશો છે એ “જીવંત, સમર્થ” છે.—હેબ્રી ૪:૧૨.
“તું જઈશ ત્યાં હું પણ જઈશ”
નાઓમી અને રૂથ બેથલેહેમ પહોંચ્યા, ત્યારે દરેકનું ધ્યાન તેમના પર હતું. નાઓમી સામે આંગળી ચીંધીને સ્ત્રીઓ કહે છે: “શું આ નાઓમી છે?” નાઓમી કહે છે કે, “મને નાઓમી એટલે મીઠી ન કહો, મને તો મારા એટલે કડવી કહો; કેમ કે સર્વસમર્થે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે. અહીંથી હું ભરપૂરપણે નીકળી હતી, પણ યહોવાહ મને ખાલી સ્વદેશમાં પાછી લાવ્યો છે.”—રૂથ ૧:૧૯-૨૧.
ઈસ્રાએલમાં દુકાળ પડ્યો ત્યારે નાઓમી અને તેનું કુટુંબ બેથલેહેમથી મોઆબ રહેવા ગયું હતું. એ વખતે નાઓમી ‘ભરપૂર’ હતી એટલે કે તે વિધવા ન હતી, અને તેને બે દીકરા પણ હતા. તેઓ મોઆબ રહ્યા એના થોડા વખત પછી તેનો પતિ, અલીમેલેખ મરણ પામે છે. નાઓમીના બે દીકરા મોઆબી સ્ત્રીઓ સાથે પરણે છે. એકનું નામ ઓર્પાહ ને બીજીનું નામ રૂથ. દસેક વર્ષ પછી કુટુંબનો માળો વીખરાય જાય છે. બંને વહુઓ વિધવા થઈ જાય છે. ઉપરથી બંનેની કૂખ પણ કોરી, એકેય સંતાન નહિ. હવે કુટુંબમાં ફક્ત સાસુને બે વહુઓનું સૂમસામ જીવન. નાઓમીને યહુદા રવાના થવું છે. બંનેય વહુઓ સાથ આપે છે. પણ નાઓમી બંનેયને પિયર ચાલ્યા જવાનું અને પાછા લગ્ન કરી લેવાનું કહે છે. ઓર્પાહ માની ગઈ પણ રૂથ તો સાસુજીનો સાથ છોડતી નથી. તે કહે છે: “તું જાય છે ત્યાં જ હું જવાની; અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની; તારા લોક તે મારા લોક, ને તારો દેવ તે મારો દેવ થશે.”—રૂથ ૧:૧૬.
નાઓમી અને રૂથ બેથલેહેમ પહોંચ્યાં ત્યારે જવની કાપણીની મોસમ શરૂ થઈ હતી. ઈશ્વરના નિયમ મુજબ વિધવાઓ માટે એક જોગવાઈ હતી. એનો લાભ લઈને રૂથ કણસલા વીણવા તેના સસરાના સગાના ખેતરમાં ગઈ. એ ખેતર બોઆઝનું હતું. તેમણે રૂથ પર કૃપા બતાવીને તેને “જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી” કણસલા વીણવા દીધા.—રૂથ ૨:૨૩.
સવાલ-જવાબ:
૧:૮–શા માટે નાઓમી તેની બે વહુઓને એમ કહે છે કે “તમે પોતપોતાને પિયર પાછી જાઓ”? આર્પાહના પિતા જીવતા હતા કે નહિ એની ખબર નથી પણ રૂથના પિતા જીવતા હતા. (રૂથ ૨:૧૧) તેથી નાઓમીએ તેઓને પિયર પાછા જવાનું કહ્યું જ્યાં તેઓને દિલાસો મળી શકે. બંને વહુઓ દુઃખમાં ડૂબેલી, ને વધુમાં પ્રેમાળ સાસુથી વિખૂટી પડવાની હતી. એમાં આવા શબ્દોથી તેઓને આશ્વાસન મળ્યું હશે. એ શબ્દોમાંથી એ પણ જોઈ શકીએ છીએ કે બંને વહુઓના પિયરમાં સુખસગવડ હશે. જે નાઓમી હવે તેઓને આપી શકે એમ ન હતી.
૧:૧૩, ૨૧–શું યહોવાહે નાઓમીનું જીવન કડવું કર્યું હતું? ના. નાઓમીએ ઈશ્વરને કંઈ દોષ આપ્યો ન હતો. તેના જીવનમાં જે કંઈ બન્યું એનાથી તેને એમ લાગ્યું કે યહોવાહ તેનાથી નારાજ થઈ ગયા છે. તે દુઃખી થઈ ગઈ ને હવે શું કરવું એની તેને ખબર પડતી ન હતી. એ જમાનામાં માની કૂખ કોરી રહે તો એને શાપ ગણતા. ખોળે બાળકો રમે એને આશીર્વાદ ગણવામાં આવતા હતા. નાઓમીની બંને વહુની કૂખ કોરી હતી. બંને દીકરા પણ મોતની સોડમાં સૂઈ ગયા હતા. આ દાઝ્યા પર ડામ નહિ તો બીજું શું! તેથી નાઓમીને થયું કે યહોવાહે તેની સામું જોયું નથી!
૨:૧૨–યહોવાહે રૂથને કેવો “પૂરો બદલો” આપ્યો? રૂથને પેટે દીકરો થયો અને તેના વંશમાં તો ઈસુનો જન્મ થયો ઈસુનો! એ સૌથી મોટો આશીર્વાદ હતો.—રૂથ ૪:૧૩-૧૭; માત્થી ૧:૫, ૧૬.
આપણે શું શીખી શકીએ?
૧:૮; ૨:૨૦. નાઓમીના જીવનમાં ઘણાં દુઃખો આવ્યા છતાં તેની શ્રદ્ધા ડગી નહિ. આપણા પર દુઃખો તૂટી પડે ત્યારે આપણે પણ યહોવાહને વળગી રહેવું જોઈએ.
૧:૯. ઘર કંઈ હૉટેલ નથી. ઘર તો ઘર છે. ત્યાં શાંતિથી બધાએ હળીમળીને રહેવું જોઈએ.
૧:૧૪-૧૬. ઓર્પાહને તો પોતાની જ પડી હતી તેથી તે “પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઇ.” પણ રૂથ ન ગઈ. તેણે પિયરનું સુખ જતું કર્યું ને યહોવાહને વળગી રહી. આપણે યહોવાહને વળગી રહીશું અને યહોવાહ માટે જતું કરવા તૈયાર રહીશું તો, એ આપણને સ્વાર્થની ખાઈમાં ડૂબી જતા અટકાવશે, જેથી આપણો ‘પાછા હઠીને નાશ’ ન થાય.—હેબ્રી ૧૦:૩૯.
૨:૨. પરદેશીઓ અને ગરીબો માટે કાપણી લણવાની જોગવાઈ હતી જેનો લાભ લઈને રૂથ લણવા ગઈ. તે નમ્ર હતી. આપણે તંગીમાં હોઈએ અને ભાઈબહેનો મદદ કરે તો એ મદદ સ્વીકારવી જોઈએ. અથવા સરકાર કંઈક મદદ કરે તો એ પણ સ્વીકારવી જોઈએ.
૨:૭. રૂથને કાપણીમાંથી લણવાનો હક્ક હતો છતાં તેણે પૂછ્યા વગર લણણી કરી નહિ. (લેવીય ૧૯:૯, ૧૦) તેનું દિલ નમ્ર હતું. આપણે પણ “નમ્રતા” કેળવવી જોઈએ કેમ કે “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”— સફાન્યાહ ૨:૩; ગીતશાસ્ત્ર ૩૭:૧૧.
૨:૧૧. રૂથ અને નાઓમીને મા દીકરી કરતાંયે વધારે બનતું. તેઓને એકબીજા માટે સાચો પ્રેમ હતો. નીતિવચનો ૧૭:૧૭) દયા હતી. એકબીજા માટે કંઈ પણ ભોગ દેવા તૈયાર હતા. સૌથી મહત્ત્વનું તો, તેઓ બંનેય યહોવાહની ભક્તિ દિલથી કરતાં હતાં. યહોવાહના લોકો સાથે હળીમળીને રહેતા. આપણે પણ યહોવાહના સેવકો સાથે હળીમળીને રહેવું જોઈએ.
(૨:૧૫-૧૭. ભલે બોઆઝે રૂથનું કામ સહેલું કર્યું છતાં તે “સાંજ સુધી ખેતરમાં” કામ કરતી હતી. રૂથ મહેનતુ હતી. આપણી છાપ પણ એવી જ હોવી જોઈએ.
૨:૧૯-૨૨. રૂથ અને નાઓમી સાંજે એકબીજા સાથે ખુલ્લા દિલથી વાતો કરવાની મજા માણતા. મોટેરાંઓ યુવાનોમાં રસ લે છે ત્યારે બંને એકબીજા સાથે ખુલ્લે દિલે વાતો કરી શકે છે. શું આપણા કુટુંબમાં પણ એવું જ ન હોવું જોઈએ?
૨:૨૨, ૨૩. યાકૂબની દીકરી દીનાહ ખોટી સોબતને રવાડે ચઢી ગઈ હતી. પણ રૂથ ખોટી સોબતથી દૂર રહી. આપણા માટે કેવો સરસ દાખલો છે!—ઉત્પત્તિ ૩૪:૧, ૨; ૧ કોરીંથી ૧૫:૩૩.
નાઓમી “ભરપૂર” બને છે
આ ઉંમરે તો નાઓમીની કૂખે બાળકો જન્મી ન શકે. તેથી વંશવેલો ચાલુ રાખવા નાઓમી રૂથને સમજાવે છે કે નજીકના સગામાં કેવી રીતે લગ્ન કરવા. નાઓમીના કહ્યા પ્રમાણે રૂથ બોઆઝને લગ્ન કરવાનું પૂછે છે. બોઆઝ તૈયાર થઈ જાય છે. પરંતુ, બોઆઝ કરતાં પણ વધારે નજીકના સગાંને લગ્ન કરવાની પહેલી તક આપવામાં આવી.
બોઆઝ તરત જ ગોઠવણ કરે છે. બીજે જ દિવસે સવારે તેમણે બેથલેહેમમાં પંચાયત ભેગી કરી. દસ વડીલો સામે બોઆઝ એ નજીકના સગાંને પૂછે છે કે શું તે રૂથ સાથે પરણવા તૈયાર છે? પણ એ પુરુષ ના પાડે છે. તેથી, બોઆઝ રૂથ સાથે લગ્ન કરે છે. લગ્ન પછી તેમના ઘરે દીકરાનો જન્મ થાય છે. એનું નામ ઓબેદ પાડવામાં આવ્યું. છેવટે એના વંશમાં જ રાજા દાઊદનો જન્મ થાય છે. બેથલેહેમની સ્ત્રીઓ નાઓમીને કહે છે: “યહોવાહને ધન્ય હો. . . . તે તારા જીવને તાજગી આપનાર તથા તારા ઘડપણમાં તારી ચાકરી કરનાર થશે; કેમ કે તારા પુત્રની વહુ જે તારા પર પ્રીતિ રાખે છે, જે તને સાત દીકરા કરતાં પણ વધારે છે, તેણે તેને જન્મ આપ્યો છે.” (રૂથ ૪:૧૪, ૧૫) આ રીતે નાઓમી બેથલેહેમમાં “ખાલી” હાથે આવી હતી પણ હવે તે આશીર્વાદોથી “ભરપૂર” થઈ!—રૂથ ૧:૨૧.
સવાલ-જવાબ:
૩:૧૧–શા માટે રૂથ એક “સદ્ગુણી સ્ત્રી” તરીકે જાણીતી હતી? તેનો શણગાર બહારનો એટલે કે “ગૂંથેલી વેણીનો તથા સોનાનાં ઘરેણાંનો અથવા જાતજાતનાં વસ્ત્ર પહેરવાનો એવો” ન હતો. પણ રૂથ તો નમ્ર સ્વભાવની હતી. મહેનતુ હતી. પ્રેમાળ હતી. એને લીધે તે એક સદ્ગુણી સ્ત્રી તરીકે ઓળખાઈ. ઈશ્વરનો ડર રાખનાર બહેનોએ રૂથ જેવા ગુણો કેળવવા જોઈએ.—૧ પીતર ૩:૩, ૪; નીતિવચનો ૩૧:૨૮-૩૧.
૩:૧૪–રૂથ અને બોઆઝ શા માટે પ્રભાત ફૂટે એ પહેલાં ઊઠી ગયા? તેઓએ રાત્રે કંઈ આડો સંબંધ રાખવા જેવું પાપ કર્યું ન હતું. એ જમાનામાં પતિના નજીકના રૂથ ૩:૨-૧૩) આથી, રૂથ અને બોઆઝ વહેલા ઊઠી ગયા જેથી કોઈને ખોટી અફવા ફેલાવવાનો મોકો ન મળે.
સગાં સાથે લગ્ન કરવાનો જે રિવાજ હતો એ પ્રમાણે રૂથ વર્તી. નાઓમીએ કહ્યું એ જ પ્રમાણે તેણે કર્યું. બોઆઝે જે રીતે પગલાં લીધાં એ જ બતાવે છે કે રૂથે જે કંઈ કર્યું એમાં તેમને કંઈ ખોટું લાગ્યું ન હતું. (૩:૧૫–બોઆઝે રૂથને છ માપ જવ આપ્યા એનો શું અર્થ થતો હતો? છ દિવસ કામ કર્યા પછી સાતમો દિવસ આરામનો હોય છે. રૂથને છ માપ જવ આપીને બોઆઝ એવું કહેવા માંગતા હશે કે તારો આરામનો દિવસ નજીક છે. બોઆઝ એવી ગોઠવણો કરવાના હતા કે રૂથ તેના “ધણીના ઘરમાં” સુખેથી જીવી શકે. (રૂથ ૧:૯; ૩:૧) એનો એવો અર્થ પણ થઈ શકે કે રૂથ છ માપથી વધારે જવ માથે ઊંચકી શકતી નહિ હોય.
૩:૧૬–મૂળ હેબ્રી લખાણ પ્રમાણે, નાઓમીએ રૂથને શા માટે પૂછ્યું: ‘તું કોણ છે?’ શું નાઓમી તેની વહુને ઓળખી ન શકી? રૂથ નાઓમી પાસે પાછી આવી ત્યારે હજુ અંધારું જ હોય શકે. એનો એવો અર્થ પણ થઈ શકે કે રૂથના લગ્ન નક્કી થયા કે નહિ એટલે કે નાઓમી એમ પૂછવા માંગતી હશે કે રૂથને નવી ઓળખ મળી છે કે નહિ?
૪:૬–કઈ રીતે નજીકનો સગો જમીન ખરીદવાથી પોતાના વતનને “ખલેલ” અથવા ખોટ પહોંચાડી શકે? ગરીબાઈને લીધે જો કોઈને પોતાની જમીન વેચી દેવી પડી હોય તો નજીકના સગાંએ એને પાછી ખરીદવી પડે. એ યહોવાહે આપેલા નિયમ પ્રમાણે ભાવ આપીને ખરીદવી પડે. એ ભાવની ગણતરી કઈ રીતે કરવી એને લગતો નિયમ યહોવાહે આપ્યો હતો. (લેવીય ૨૫:૨૫-૨૭) આમ કરવાથી ખરીદનાર ખોટમાં જાય. તેમ જ, જો તે રૂથ સાથે લગ્ન કરે ને ઘરે દીકરો જનમે તો એ જમીન ખરીદનારના સગાંવહાલાંને નામે નહિ પણ તેના દીકરાને નામે થઈ જાય.
આપણે શું શીખી શકીએ?
૩:૧૨; ૪:૧-૬. બોઆઝ યહોવાહના માર્ગદર્શન પ્રમાણે જ ચાલ્યા. શું આપણે પણ બધું યહોવાહના માર્ગદર્શન પ્રમાણે કરીએ છીએ?—૧ કોરીંથી ૧૪:૪૦.
૩:૧૮. નાઓમીને બોઆઝમાં ભરોસો હતો. આપણે પણ આપણા ભાઈબહેનો પર ભરોસો રાખવો જોઈએ. રૂથ જે માણસને ઓળખતી પણ ન હતી એની સાથે લગ્ન કરવા તૈયાર હતી. તેનું નામ પણ બાઇબલમાં જણાવવામાં આવ્યું નથી. (રૂથ ૪:૧) શા માટે રૂથ તેની સાથે પરણવા તૈયાર હતી? તેને ઈશ્વરમાં ભરોસો હતો. શું આપણે એવી શ્રદ્ધા રાખીએ છીએ? દાખલા તરીકે, બાઇબલ જણાવે છે કે આપણે ફક્ત “પ્રભુમાં” લગ્ન કરવા જોઈએ તો શું એ સલાહને વળગી રહીએ છીએ?—૧ કોરીંથી ૭:૩૯.
૪:૧૩-૧૬. રૂથ ભલે મોઆબની સ્ત્રી હતી. અને યહોવાહને ઓળખતા પહેલાં તે કીમોશ નામના દેવમાં માનતી હતી. તોપણ યહોવાહે રૂથને આશીર્વાદ આપ્યા. આ બતાવે છે કે “ઇચ્છનારથી નહિ, અને દોડનારથી નહિ, પણ દયા કરનાર દેવથી” આશીર્વાદો મળે છે.—રૂમી ૯:૧૬.
ઈશ્વર તમને આશીર્વાદ આપશે
રૂથનું પુસ્તક બતાવે છે કે યહોવાહ કૃપાળુ અને પ્રેમાળ છે. પોતાના ભક્તોને તજતા નથી. (૨ કાળવૃત્તાંત ૧૬:૯) યહોવાહે રૂથને આશીર્વાદો આપ્યા એના પર વિચાર કરીને આપણે શીખી શકીએ છીએ કે યહોવાહમાં પૂરેપૂરી શ્રદ્ધા મૂકવી જોઈએ. તેમ જ, પૂરા દિલથી માનવું જોઈએ કે “જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે.”—હેબ્રી ૧૧:૬.
રૂથ, નાઓમી અને બોઆઝે યહોવાહની ગોઠવણોમાં પૂરેપૂરી શ્રદ્ધા મૂકી. તેઓને આશીર્વાદો મળ્યા. એ જ રીતે, આજે પણ “જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાએલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે.” (રૂમી ૮:૨૮) તેથી ચાલો આપણે ઈશ્વરભક્ત પીતરની સલાહને આપણા દિલમાં ઉતારીએ. તેમણે કહ્યું કે, ઈશ્વરના “હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીતર ૫:૬, ૭.
[પાન ૨૬ પર ચિત્ર]
તમને ખબર છે શા માટે રૂથ નાઓમીને વળગી રહી?
[પાન ૨૭ પર ચિત્ર]
શા માટે રૂથ એક “સદ્ગુણી સ્ત્રી” કહેવાતી હતી?
[પાન ૨૮ પર ચિત્ર]
યહોવાહે રૂથને કેવો “પૂરો બદલો” આપ્યો?