સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ અને વિજ્ઞાન—એકબીજાના દુશ્મન?

બાઇબલ અને વિજ્ઞાન—એકબીજાના દુશ્મન?

બાઇબલ અને વિજ્ઞાન—એકબીજાના દુશ્મન?

ગેલિલિયો અને કૅથલિક ચર્ચ વચ્ચે ઝગડાનું બી અગાઉથી વાવવામાં આવ્યું હતું. આ તકરાર ગેલિલિયો અને કોપરનિક્સના જન્મ પહેલાં શરૂ થઈ હતી. પ્રાચીન સમયમાં ગ્રીક લોકોએ એમ માની લીધું હતું કે પૃથ્વી વિશ્વના કેન્દ્રમાં છે. એ વિચારને તત્ત્વજ્ઞાની એરિસ્ટોટલ (ઈ.સ. પૂર્વે ૩૪૮-૩૨૨) અને ખગોળશાસ્ત્રી તથા જ્યોતિષશાસ્ત્રી ટોલેમીએ (બીજી સદી) આગળ ફેલાવ્યો. *

એરિસ્ટોટલ પાસે વિશ્વ વિષેના જે વિચારો હતા એ તેમને ક્યાંથી મળ્યા? ગ્રીક ગણિતશાસ્ત્રી અને ફિલોસોફર પાયથાગોરસ (ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદી) પાસેથી. પાયથાગોરસ માનતા હતા કે બધા ગ્રહો સંપૂર્ણ ગોળાકાર આકારમાં છે. એરિસ્ટોટલે તેમના આ વિચારને અપનાવીને કહ્યું કે આકાશ અનેક નાના મોટા વર્તુળનું બનેલું છે. ડુંગળીમાં એક પર એક અનેક ગોળ પડ હોય છે તેમ, આકાશી પદાર્થોનું પણ એવું જ છે. એનું દરેક પડ આરપાર જોઈ શકાતા સ્ફટિકનું બનેલું છે અને એના કેન્દ્રમાં પૃથ્વી છે. એ દરેક ગોળાકાર વર્તુળમાં તારાઓ ગતિ કરતા રહે છે. એ કોઈ અલૌકિક શક્તિથી ગતિ કરતા રહે છે. એરિસ્ટોટલ એમ પણ માનતા કે સૂર્ય અને બીજા આકાશી ગ્રહો સંપૂર્ણ ગોળાકાર અને બેડાઘ છે. વળી એ ક્યારેય બદલાતા નથી.

એરિસ્ટોટલનું આ અનુમાન વિજ્ઞાન પર નહીં પણ તત્ત્વજ્ઞાનને આધારે હતું. તેમનું માનવું હતું કે કોઈ પણ સમજદાર વ્યક્તિ એમ નહિ માને કે પૃથ્વી ફરે છે. તેમણે એ માન્યતાને પણ નકારી કે અંતરિક્ષ ખાલી જગ્યા છે. તે માનતા કે ગતિ કરતી પૃથ્વીને ઘર્ષણની જરૂર અસર થાય ને એ સતત બહારની શક્તિ વગર ધીરે ધીરે ફરવાનું બંધ કરી દે. એ સમયે લોકોનું જ્ઞાન બહુ મર્યાદિત હતું. એટલે બધાને એરિસ્ટોટલની વાત બરાબર લાગી. તેથી, લગભગ બે હજાર વર્ષ સુધી એરિસ્ટોટલના આ સિદ્ધાંતો લોકો પર રાજ કરતા રહ્યા. એટલે સુધી કે ૧૬મી સદીમાં ફ્રાંસના પ્રખ્યાત ફિલોસોફર જીઅન બોડાને એરિસ્ટોટલના સિદ્ધાંતને પૂરો ટેકો જાહેર કરતા કહ્યું: ‘સમજદાર વ્યક્તિ અથવા જેને ભૌતિક વિજ્ઞાનનું થોડું પણ જ્ઞાન હોય, એ ક્યારેય એમ નહીં વિચારશે કે પૃથ્વી પોતાની ધરી પર અને સૂર્યની આસપાસ ફરે છે. જો પૃથ્વી થોડી પણ હલે તો, આખાને આખા શહેરો, કિલ્લાઓ અને પહાડો ધૂળમાં મળી જાય.’

ચર્ચ એરિસ્ટોટલની ફિલોસોફી સ્વીકારે છે

ચર્ચ અને ગેલિલિયો વચ્ચે ઝગડાના બી, થોમસ એકવીનાસએ વાવ્યા હતા. એક્વીનાસ તેરમી સદીમાં કૅથલિક ચર્ચનો મોટો ધર્મગુરુ હતો. (૧૨૨૫-૭૪) એક્વીનાસના દિલમાં એરિસ્ટોટલ માટે ઊંડી શ્રદ્ધા હતી. તે તેને બહુ મોટો ફિલોસોફર ગણતો. એક્વીનાસે પાંચ વર્ષ સખત કોશિશ કરીને આખરે એરિસ્ટોટલની ફિલોસોફીને ચર્ચના શિક્ષણ સાથે ભેળવી દીધી. વૅડ રોલેન્ડ પોતાના પુસ્તક ગેલિલિયોની ભૂલોમાં (અંગ્રેજી) કહે છે: ગેલિલિયોના જમાનામાં, ‘એરિસ્ટોટલનું શિક્ષણ ચર્ચના શિક્ષણનો ભાગ બની ગયું. અરે, એ તો રોમન ચર્ચનું ખાસ શિક્ષણ બની ચૂક્યું હતું.’ વધુમાં, એ દિવસોમાં વિજ્ઞાનીઓનું કોઈ સંગઠન પણ ન હતું. શિક્ષણનું સંચાલન મોટા ભાગે ચર્ચ કરતું હતું. ધર્મ અને વિજ્ઞાનની સંચાર દોરી ફક્ત ચર્ચના હાથમાં હતી.

આ રીતે ચર્ચ અને ગેલિલિયો વચ્ચે યુદ્ધનું મેદાન તૈયાર થયું હતું. ખગોળ વિજ્ઞાનમાં રસ લેતા પહેલાં ગેલિલિયોએ ગતિ પર એક લેખ લખ્યો હતો. એમાં તેમણે એરિસ્ટોટલના અમુક સિદ્ધાંતો પર પ્રશ્ન ઊભો કર્યો હતો. ગેલિલિયોએ પૂરા જોશથી એ સાબિત કરવા કોશિશ કરી કે સૂર્ય જ વિશ્વનું કેન્દ્ર છે. તેમણે એ પણ દાવો કર્યો કે એ બાઇબલની સુમેળમાં છે. તેથી કૅથલિક ચર્ચ ૧૬૩૩માં તેમને કોર્ટમાં ઢસડી ગયું.

ગેલિલિયોએ પોતાનો બચાવ કરતા ખુલ્લેઆમ કબૂલ્યું કે તેમને બાઇબલમાં પૂરી શ્રદ્ધા છે. એ પરમેશ્વર તરફથી આવ્યું છે. તેમણે એ પણ દલીલ કરી કે બાઇબલ સામાન્ય માણસો માટે લખવામાં આવ્યું છે. બાઇબલમાં સૂર્યની ગતિ વિષે જે ઉલ્લેખ થયો છે એને આપણે શાબ્દિક રીતે માની લેવું ન જોઈએ. તેમની દલીલોની કોઈ અસર ન પડી. કેમ કે ગેલિલિયોએ ગ્રીક ફિલોસોફીનો આધાર લઈને બાઇબલને સમજવાનો નકાર કર્યો હતો! તેથી તેમને આરોપી ઠરાવવામાં આવ્યા. છેક ૧૯૯૨માં તેમને એ આરોપોથી મુક્ત કરવામાં આવ્યા. એ વર્ષે કૅથલિક ચર્ચે સર્વની સામે સ્વીકાર્યું કે ગેલિલિયો સાથે નાઇન્સાફી થઈ છે.

આપણે શું શીખી શકીએ

આ કિસ્સાઓમાંથી આપણે શું શીખી શકીએ? એક તો, ગેલિલિયોને બાઇબલ માટે કોઈ શંકા ન હતી. તેમણે તો ચર્ચના શિક્ષણ સામે આંગળી ચીંધી હતી. ધર્મના એક લેખકે કહ્યું: ‘ગેલિલિયોમાંથી આપણે શીખીએ છીએ કે ચર્ચ બાઇબલની સચ્ચાઈને વળગી રહ્યું ન હતું. એ સચ્ચાઈને વળગી રહેવા એણે કોઈ પગલાં ભર્યાં ન હતાં.’ બાઇબલના શિક્ષણને ચુસ્તપણે વળગી રહેવાને બદલે ચર્ચએ પોતાના ધર્મ-સિદ્ધાંતોમાં ગ્રીક ફિલસૂફીની ભેળસેળ કરી. આમ તેઓ માણસોની પરંપરા આગળ નમી ગયા.

આ આપણને બાઇબલની ચેતવણીની યાદ અપાવે છે: “સાવધાન રહો, રખેને ફિલસુફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતનાં તત્ત્વો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે.”—કોલોસી ૨:૮.

આજે પણ ચર્ચના ઘણા લોકો એવા સિદ્ધાંતો અને ફિલસૂફીમાં માને છે જે બાઇબલની તદ્‍ન વિરુદ્ધમાં છે. દાખલા તરીકે, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. તેઓ બાઇબલના ઉત્પત્તિના અહેવાલને માનવાને બદલે ઉત્ક્રાંતિવાદમાં માને છે. ચર્ચે જાણે ડાર્વિનને આપણા જમાનાનો એરિસ્ટોટલ બનાવી દીધો છે. તેઓએ ઉત્ક્રાંતિવાદને જાણે ધર્મનો જ એક સિદ્ધાંત બનાવી દીધો છે. *

વિજ્ઞાન બાઇબલની સચ્ચાઈને કબૂલ કરે છે

શરૂઆતમાં આપણે જે જોઈ ગયા એનાથી વિજ્ઞાનમાં આપણો રસ બિલકુલ ઓછો ન થવો જોઈએ. બાઇબલ વાંચીને આપણને ઉત્તેજન મળે છે કે આપણે પરમેશ્વરના સરજનમાંથી કંઈક શીખીએ. બીજું કે સૃષ્ટિમાંથી આપણે પરમેશ્વરના અદ્‍ભુત ગુણોને સમજીએ. (યશાયાહ ૪૦:૨૬; રૂમી ૧:૨૦) ખરું કે બાઇબલ વિજ્ઞાન શીખવતું નથી. એ તો પરમેશ્વરના ધોરણો, તેમનું વ્યક્તિત્વ અને મનુષ્યો માટે પરમેશ્વરનો ઉદ્દેશ્ય જણાવે છે. કેમ કે ખાલી સૃષ્ટિને નિહાળીને આપણે કંઈ પરમેશ્વર વિષે શીખી શકતા નથી. (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧; ૨ તીમોથી ૩:૧૬) પરંતુ, બાઇબલ જ્યારે પણ કુદરતના કરિશ્માની વાત કરે છે ત્યારે એ બિલકુલ વિજ્ઞાનની સુમેળમાં જોવા મળે છે. ગેલિલિયોએ પોતે કહ્યું હતું: ‘બાઇબલ અને વિશ્વની સૃષ્ટિ ખુદ પરમેશ્વર તરફથી આવ્યા છે. તેથી, તેઓ બંને એકબીજાની વિરુદ્ધ તો હોય જ ન શકે.’ ચાલો એ સમજવા નીચેના અમુક દાખલાઓ પર ધ્યાન આપીએ.

બ્રહ્માંડમાં તારાઓ અને ગ્રહો ગતિ કરતા રહે છે. પણ એની પાછળ કયું પરિબળ કામ કરે છે? એ કુદરતના નિયમો છે જેના ઇશારે આખા વિશ્વનું સંચાલન થાય છે. જેમ કે, ગુરુત્વાકર્ષણનો નિયમ. બાઇબલના લેખકો સિવાય, પાયથાગોરસ એવી પહેલી વ્યક્તિ હતી જેમણે ભૌતિક નિયમો વિષે જણાવ્યું. તે માનતા હતા કે વિશ્વમાં જોવા મળતા પિંડો કે પદાર્થોની ગતિને ગણિતથી સમજી શકાય છે. બે હજાર વર્ષ પછી, ગેલિલિયો, કેપ્લર અને ન્યૂટને સાબિત કર્યું કે વિશ્વના બધા પદાર્થોનું ચોક્કસ નિયમોથી સંચાલન થાય છે.

બાઇબલમાં કુદરતી નિયમો વિષેનો ઉલ્લેખ સૌ પ્રથમ અયૂબના પુસ્તકમાં જોવા મળે છે. લગભગ ઈ.સ. પૂર્વે ૧,૬૦૦માં પરમેશ્વરે અયૂબને પૂછ્યું હતું: “શું તું આકાશના નિયમો જાણે છે?” (અયૂબ ૩૮:૩૩) ઈ.સ. પૂર્વે સાતમી સદીમાં યિર્મેયાહે પણ યહોવાહનો સરજનહાર તરીકે સ્વીકાર કરીને જણાવ્યું કે તેમણે જ ‘ચંદ્રની તથા તારાઓની ગતિના નિયમો ઠરાવ્યા’ અને “આકાશ તથા પૃથ્વીના નિયમો ઠરાવ્યા.” (યિર્મેયાહ ૩૧:૩૫; ૩૩:૨૫) બાઇબલના આ વિધાનને ધ્યાનમાં રાખીને બાઇબલના એક સમાલોચક જી. રોલિનસન કહે છે: ‘આજે વિજ્ઞાનને ભૌતિક નિયમો પર જેટલો વિશ્વાસ છે, એટલો જ પાક્કો વિશ્વાસ બાઇબલના લેખકોને પણ હતો.’

જરા વિચાર કરો, પાયથાગોરસે જણાવ્યું હતું કે વિશ્વનું સંચાલન ભૌતિક નિયમોથી થાય છે. પણ એ જ વિધાન અયૂબે પાયથાગોરસના હજારો વર્ષો પહેલાં કર્યું હતું! આનાથી શું શીખવા મળે છે? બાઇબલ ભૌતિક દુનિયાની સચ્ચાઈ જાહેર કરે છે. તેમ જ એ સાબિતી આપે છે કે યહોવાહ સર્વ વસ્તુઓના સરજનહાર છે. તે ભૌતિક નિયમોને પણ ઠરાવી શકે છે.અયૂબ ૩૮:૪, ૧૨; ૪૨:૧, ૨.

હવે જળચક્રનો વિચાર કરો. સાદા શબ્દોમાં કહીએ તો, સમુદ્રનું પાણી વરાળ બને છે, એના વાદળો થાય છે. પછી એ વરસાદ કે કરા સ્વરૂપે ધરતી પર વરસે છે. ને એ જ પાણી પાછું સમુદ્રમાં મળી જાય છે. બાઇબલ સિવાય, જળચક્રના જેટલા પણ અહેવાલો છે એ બધા ઈ.સ. પૂર્વે ચોથી સદીથી છે. પરંતુ, બાઇબલમાં તો એનીયે સદીઓ પહેલાં જળચક્ર વિષે જણાવવામાં આવ્યું હતું. દાખલા તરીકે, ઈ.સ. પૂર્વે અગિયારમી સદીમાં ઈસ્રાએલના રાજા સુલેમાને લખ્યું: “સર્વ નદીઓ વહીને સમુદ્રમાં પડે છે, તોપણ સમુદ્ર ભરાઈ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.”—સભાશિક્ષક ૧:૭.

એ જ રીતે, લગભગ ઈ.સ. પૂર્વે ૮૦૦માં પરમેશ્વરના સેવક આમોસે પણ લખ્યું કે યહોવાહ “સમુદ્રનાં પાણીને હાંક મારે છે, ને તેઓને પૃથ્વીની સપાટી પર રેડી દે છે.” (આમોસ ૫:૮) આમોસ તો સામાન્ય ભરવાડ અને ખેતીવાડી કરનાર હતો. ગમે એ હોય, પણ સુલેમાન ને આમોસે સરળ ભાષામાં જળચક્રનું ચોક્કસ વર્ણન કર્યું. ફક્ત તેઓની સમજાવવાની રીત અલગ હતી.

બાઇબલ એમ પણ જણાવે છે કે “ઈશ્વરે અવકાશમાં આકાશને વિસ્તાર્યું છે અને પૃથ્વીને અવકાશમાં અધ્ધર લટકાવી છે.” (યોબ [અયૂબ] ૨૬:૭, IBSI) ઈ.સ. પૂર્વે ૧,૬૦૦માં આ શબ્દો લખાયા ત્યારે માણસોનું જ્ઞાન બહુ જ સિમિત હતું. એ સમયે કોઈ એમ કહે કે ઠોસ વસ્તુ કોઈ પણ ટેકા વિના આકાશમાં લટકે છે તો એને બધા ગાંડો જ ગણી લે. જેમ આપણે જોઈ ગયા, ખુદ એરિસ્ટોટલે એ માનવાનો નકાર કર્યો હતો કે અવકાશમાં ખાલી જગ્યા છે. એ પણ અયૂબે ઉપર મુજબ લખ્યું એના ૧,૨૦૦ વર્ષ પછી!

આપણે જોઈ ગયા તેમ, બાઇબલ વૈજ્ઞાનિક સચ્ચાઈનું સચોટપણે વર્ણન કરે છે. શું એનાથી તમને નવાઈ નથી લાગતી? એ લખાયું ત્યારે તો વિજ્ઞાન વિષે લોકોના વિચાર બાઇબલથી સાવ વિરુદ્ધમાં હતા. શું હવે તમે બાઇબલની સચ્ચાઈ પર વિશ્વાસ કરશો? બાઇબલની ચોકસાઈ પર વિચાર કર્યા પછી, આપણને આ બીજો પુરાવો મળે છે કે બાઇબલ ખરેખર પરમેશ્વરનું વચન છે. તેથી, બાઇબલની વિરુદ્ધમાં હોય એવા કોઈ સિદ્ધાંત કે શિક્ષણનો નકાર કરીએ ત્યારે આપણે સાચે જ અક્કલનું કામ કરીએ છીએ. ઇતિહાસથી પણ ઘણી વાર સાબિત થયું છે કે માણસોની ફિલસુફી ચાર દિવસની ચાંદની છે, પછી ભલે માણસ કેટલોય બુદ્ધિમાન કેમ ન હોય. જ્યારે કે યહોવાહનું “વચન સદાકાળ રહે છે.”—૧ પીતર ૧:૨૫.

[ફુટનોટ્‌સ]

^ ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં સામોસના ગ્રીક આરીસ્તાર્ખસે પોતાનો તર્ક રજૂ કર્યો હતો કે સૂર્ય વિશ્વના કેન્દ્રમાં છે. પરંતુ, એરિસ્ટોટલનો એટલો પ્રભાવ હતો કે આરીસ્તાર્ખસનું કોઈએ માન્યું નહિ.

^ આ વિષય પર વધારે જાણકારી માટે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલા, લાઈફ—હાઉ ડીડ ઈટ ગેટ હીઅર? બાય ઈવોલ્યુશન ઓર બાય ક્રિએશન? પુસ્તકનું પંદરમુ પ્રકરણ જુઓ.

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

પ્રોટેસ્ટંટ લોકોનું વલણ

પ્રોટેસ્ટંટ ધર્મના પાયા નાખનાર ધર્મગુરુઓ પણ એ માન્યતાનો વિરોધ કરતા કે સૂર્ય વિશ્વનું કેન્દ્ર છે. એમાં માર્ટિન લ્યૂથર (૧૪૮૩-૧૫૪૬), ફિલીપ મેલાનક્થોન (૧૪૯૭-૧૫૬૦) અને જોન કૅલ્વીન (૧૫૦૯-૬૪) જેવા ધર્મગુરુઓનો સમાવેશ થાય છે. લ્યૂથરે તો કોપરનિક્સ વિષે કહ્યું: ‘આ મૂર્ખ ચાહે છે કે આખા ખગોળશાસ્ત્રની સમજણ બદલાવી નાખે.’

આ સુધારાવાદીઓ બાઇબલની અમુક કલમોને શાબ્દિક અર્થમાં જ માનીને દલીલ કરતા હતા. જેમ કે, યહોશુઆનો દસમો અધ્યાય જણાવે છે કે સૂર્ય અને ચંદ્ર ‘સ્થિર રહ્યાં.’ * પરંતુ શા માટે આ સુધારાવાદીઓ ચુસ્તપણે એમ માનતા હતા? ગેલિલિયોની ભૂલો (અંગ્રેજી) પુસ્તક જણાવે છે કે પ્રોટેસ્ટંટ સુધારાવાદીઓએ કૅથલિક ચર્ચ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. પરંતુ તેઓ એરિસ્ટોટલ અને થોમસ એક્વીનાસના શિક્ષણથી મુક્ત થયા ન હતા. ‘કૅથલિક સાથે પ્રોટેસ્ટંટે પણ વિશ્વ વિષેના તેઓના વિચારોને સ્વીકારી લીધા હતા.’

[ફુટનોટ]

^ “સૂર્ય ઊગે” અને “સૂર્ય આથમે,” વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવા જઈએ તો આ બે શબ્દ ખોટા છે. પણ રોજબરોજની ભાષામાં આ શબ્દો વાપરવા કંઈ ખોટું નથી. કેમ કે આપણે પૃથ્વી પર રહીએ છીએ અને આપણી દૃષ્ટિએ એમ કહીએ છીએ. એવી જ રીતે, યહોશુઆ પણ કંઈ ખગોળશાસ્ત્રના વિષય પર કહેતા ન હતા. તેમણે તો પોતે જે જોયું એ જ કહ્યું.

[ચિત્ર]

લ્યૂથર

કૅલ્વીન

[ક્રેડીટ લાઈન]

From the book Servetus and Calvin, 1877

[પાન ૪ પર ચિત્ર]

એરિસ્ટોટલ

[ક્રેડીટ લાઈન]

From the book A General History for Colleges and High Schools, 1900

[પાન ૫ પર ચિત્ર]

થોમસ એક્વીનાસ

[ક્રેડીટ લાઈન]

From the book Encyclopedia of Religious Knowledge, 1855

[પાન ૬ પર ચિત્ર]

આઈઝેક ન્યુટન

[પાન ૭ પર ચિત્ર]

લગભગ ૩,૦૦૦ વર્ષ પહેલાં બાઇબલે ધરતી પરના જળચક્રનું વર્ણન કર્યું હતું