શાળામાં યહોવાહને મહિમા આપવો
શાળામાં યહોવાહને મહિમા આપવો
આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓના યુવાનો શાળામાં અલગ અલગ રીતે યહોવાહને મહિમા આપે છે. એમાં વાણી-વર્તનનો પણ સમાવેશ થાય છે. ચાલો આપણે તેઓના અમુક અનુભવો જોઈએ. એમાંથી આપણને તેઓનો યહોવાહ માટેનો પ્રેમ જોવા મળશે.
ગ્રીસમાં એક બહેનના ટીચરે તેને પ્રદૂષણ વિષે નિબંધ લખવાનું કહ્યું. તેણે એની માટે ક્યાંથી માહિતી મેળવી? તેણે વોચ ટાવર પબ્લિકેશન ઇન્ડેક્ષનો ઉપયોગ કર્યો. એમાંથી તેને સજાગ બનો!માં પ્રદૂષણ વિષે માહિતીનો રેફરન્સ મળ્યો. એમાંથી તેણે નિબંધ લખ્યો. એના અંતમાં તેણે જણાવ્યું કે એ માહિતી ક્યાંથી લીધી છે. તેની ટીચરે કહ્યું, ‘આવો સરસ નિબંધ મેં કદીયે વાંચ્યો નથી.’ એ ટીચરે આ માહિતીનો પછી એક સેમિનારમાં ઉપયોગ કર્યો. એ સેમિનારમાં બધાને એ માહિતી ખૂબ જ ગમી. તેથી આ બહેને મનમાં નક્કી કર્યું કે હું સજાગ બનો!ની વધારે કૉપી ટીચરને આપીશ. એમાં “શિક્ષકો વિના કેમ ચાલે?” લેખ હતો. ટીચરે ક્લાસમાં આ મૅગેઝિનના ઘણા વખાણ કર્યા. તેથી, બીજા વિદ્યાર્થીઓ પણ એ મૅગેઝિન માગવાં લાગ્યાં. આ બહેને તેઓને પણ મૅગેઝિન આપ્યાં.
આફ્રિકાના બેનીન દેશમાં લગભગ ૧૫ વર્ષની એક બહેન છે. તેને અમુક દબાણનો સામનો કરવો પડ્યો. શું બન્યું? તેના અને તેની ક્લાસમાં ભણતા બાળકોનાં માબાપે ટ્યુશન માટે એક ટીચર રાખી. જેથી બાળકો અઘરા વિષયમાં પણ સારા માર્ક્સ લાવે. એ ટીચરે નક્કી કર્યું કે બાળકોને શનિવારે સવારે ટ્યુશન આપશે. તેથી, આપણી બહેને કહ્યું: “શનિવાર સવારે તો હું મંડળ સાથે પ્રચાર માટે જાઉં છું. મારા માટે આ આખા અઠવાડિયાંનો સૌથી મઝાનો દિવસ છે. એટલે એ દિવસે હું ટ્યુશનમાં જઈ નહિ શકું.” આ બહેનના પપ્પા પણ તેની સાથે સહમત થયા. તેમણે બીજા માબાપ સાથે વાત કરી કે ટ્યુશનનો દિવસ બદલીએ તો સારું થાય. પણ બધાએ ના પાડી દીધી. તેથી આ બહેને ટ્યુશન લીધું નહિ. એને બદલે તે દિવસે મંડળ સાથે પ્રચારમાં જતી. એમ કરવાથી તેની સાથે ભણતા વિદ્યાર્થીઓ તેની મઝાક ઉડાવતા. તેઓ તેને કહેતા: ‘પરમેશ્વરને ભજવાનું અને તેમનો પ્રચાર કરવાનું છોડી દે.’ પણ આ બહેને એમ ન કર્યું. વિદ્યાર્થીઓને થયું કે તે નાપાસ થશે. પણ ટ્યુશન લેતા હતા એમાંના કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થયા. જ્યારે આ બહેન પાસ થઈ. આખરે તેની મઝાક ઉડાવવાનું બંધ થયું. હવે વિદ્યાર્થીઓ તેને કહે છે, “તું પરમેશ્વરને ભજવાનું છોડીશ નહિ.”
ચૅક પ્રજાસત્તાકમાં બાર વર્ષની છોકરીને કોઈ એક પુસ્તક પર ટૉક આપવાનું કહેવામાં આવ્યું. તેની મમ્મીએ તેને કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ પુસ્તકનો ઉપયોગ કરવાનું ઉત્તેજન આપ્યું. તેણે મમ્મીની વાત માનીને એના પર ટૉક તૈયાર કરી. એની શરૂઆતમાં તેણે પ્રશ્નો પૂછ્યા: “સૌથી મહાન માણસ કોણ હતા?” પછી તેણે એના જવાબમાં સમજાવ્યું કે ઈસુ કેમ સૌથી મહાન માણસ હતા. તેમણે કેવું શિક્ષણ આપ્યું હતું. ત્યાર પછી “માફી આપવા વિષે બોધપાઠ” પ્રકરણમાંથી ચર્ચા કરી. એ સાંભળીને તેના ટીચરે કહ્યું, “મેં કદી આવી સરસ ટૉક સાંભળી નથી!” ત્યાર પછી એ ટીચર અને બીજા વિદ્યાર્થીઓએ આ પુસ્તક મંગાવ્યું. આમ તેણે બીજા દિવસે ૧૮ પુસ્તકો વહેંચ્યા.
આવા યુવાનો શાળામાં આનંદથી યહોવાહને મહિમા આપે છે. ચાલો આપણે પણ તેઓની જેમ પૂરા જોશથી યહોવાહને મહિમા આપીએ.