યહોવાહના માર્ગે ચાલવાથી તે પુષ્કળ આશીર્વાદ આપે છે
મારો અનુભવ
યહોવાહના માર્ગે ચાલવાથી તે પુષ્કળ આશીર્વાદ આપે છે
રોમુઅલ્ડ સ્ટાસ્કિના જણાવ્યા પ્રમાણે
સપ્ટેમ્બર, ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. ત્યારે ઉત્તર પોલૅન્ડ યુદ્ધનું ખાસ નિશાન બન્યું હતું. એ સમયે, હું ફક્ત નવ વર્ષનો હતો. તોપણ યુદ્ધ વિષે જાણવાની મને ખૂબ તાલાવેલી હતી. તેથી, હું નજીકના વિસ્તારમાં લડાઈ જોવા ગયો. ત્યાં શું જોયું? જમીન પર લાશોનો ઢગલો પડેલો હતો. એ જોતા જ, મારા પગ ઢીલા પડી ગયા. ચારેબાજું શ્વાસ રૂંધાઈ જાય એટલો ધુમાડો હતો. હું તો ગભરાઈ ગયો, ‘હવે ઘરે કેવી રીતે પહોંચીશ?’ પછી તો હું માંડમાંડ ઘરે પહોંચ્યો. એ સાથે મનમાં અનેક સવાલો થવા લાગ્યા: “શા માટે ઈશ્વર આમ ચાલવા દે છે? આ યુદ્ધમાં ઈશ્વર કોના પક્ષે હશે?”
યુદ્ધ બંધ થવાની તૈયારીમાં જ હતું ત્યારે, યુવાનોને જર્મનીની ફોજ માટે બળજબરીથી ભરતી કરવામાં આવતા. જો કોઈ ના પાડે તો, તેને ઝાડ પર કે પુલ પર ટાંગીને તેની છાતી પર ‘દેશદ્રોહી’ લેબલ ચોંટાડવામાં આવતું. અમારું ગામ ગિદનિઆ એવી જગ્યાએ હતું, જ્યાં બે દુશ્મન દેશોના લશ્કરો વચ્ચે લડાઈ ચાલતી રહેતી. એક વાર અમે પાણી લેવા અમારા ગામથી બહાર ગયા. ત્યાં તો ધાણીની જેમ બંદૂકની ગોળીઓ ફૂટવા લાગી, બૉમ્બમારો ચાલુ થઈ ગયો. મારો બીચારો નાનો ભાઈ, હેન્રિક એમાં માર્યો ગયો. હાલત એટલી ભયંકર હતી, કે મારી મમ્મીએ અમને ચારેય બાળકોને રક્ષણ માટે ભોંયરામાં સંતાડી દીધા. ત્યાં મારો બે વર્ષનો ભાઈ, ઈજીનીસઝ ચેપી રોગમાં પટકાયો. તેને ગળાનો સોજો આવ્યો. એમાં તે પણ મરી ગયો.
એ સમયે ફરી મને થયું: “ઈશ્વર ક્યાં છે? શા માટે તે દુઃખ પર દુઃખ આવવા દે છે?” હું ચુસ્ત કેથલિક હતો. નિયમિત ચર્ચમાં પણ જતો. પરંતુ મારા પ્રશ્નોના જવાબ ક્યાંય મળ્યા નહિ.
બાઇબલ સત્ય મળ્યું
એક દિવસ અચાનક મને મારા પ્રશ્નોના જવાબ મળી ગયા. એ પણ એવા લોકો પાસેથી જે મેં સપનેય વિચાર્યું ન
હતું. યુદ્ધ ૧૯૪૫માં પૂરું થઈ ગયું હતું. વર્ષ ૧૯૪૭ની શરૂઆતમાં યહોવાહની એક સાક્ષી બહેન ગિદનિઆમાં અમારા ઘરે આવી. મારી મમ્મીએ તે બહેન સાથે વાત કરી. મેં પણ તેઓની થોડીક વાતો સાંભળી. અમને એ બરાબર લાગ્યું. અમે તેઓની સભાઓમાં જવા રાજી થઈ ગયા. હું બાઇબલનું સત્ય બહુ જાણતો ન હતો છતાં મહિના પછી હું ત્યાંના સાક્ષીઓ સાથે પ્રચાર કરવા લાગ્યો. હું બીજા લોકોને યુદ્ધ વિનાના જગત વિષે જણાવતો ત્યારે મને ઘણી ખુશી થતી.સપ્ટેમ્બર, ૧૯૪૭માં મેં સોપોટના સરકીટ સંમેલનમાં બાપ્તિસ્મા લીધું. પછી ૧૯૪૮ના મે મહિનામાં નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું. મોટા ભાગનો સમય હું બીજાઓને બાઇબલ સંદેશો જણાવવામાં જ કાઢતો. ત્યાંના પાદરીએ અમારો વિરોધ કર્યો અને અમારી ખૂબ સતાવણી કરી. એકવાર ગુસ્સે ભરાયેલા ટોળાએ અમારા પર પથ્થરમારો કર્યો. અમને ખૂબ માર્યા. પછી બીજા એક પ્રસંગે ત્યાંની નન્સ અને પાદરીએ એક ટોળાને અમારા પર હુમલો કરવા મોકલ્યા. અમે રક્ષણ માટે પોલીસ સ્ટેશને ગયા. એ ટોળાએ પોલીસ સ્ટેશનને પણ ઘેરી લીધું અને અમને મારવાની ધમકી આપી. આખરે વધારે પોલીસો આવ્યા અને અમને ત્યાંથી બીજે ક્યાંક લઈ ગયા.
એ સમયે અમારા વિસ્તારમાં એક પણ મંડળ ન હતું. ઘણી વાર અમે રાતે જંગલમાં ખુલ્લા આકાશ નીચે સૂઈ જતા. આવા સંજોગોમાં પણ અમે પ્રચાર ચાલુ રાખી શક્યા એ માટે બહુ ખુશ હતા. આજે આ વિસ્તારમાં ઘણા મંડળો છે.
બેથેલ સેવા અને મારી ધરપકડ
મને ૧૯૪૯માં લાવ્સ શહેરના બેથેલમાં બોલાવવામાં આવ્યો. બેથેલમાં કામ કરવું કેવો મોટો લહાવો! પણ દુઃખની વાત છે કે હું અહીં વધારે રહી શક્યો નહિ. જૂન, ૧૯૫૦માં બેથેલના બીજા ભાઈઓ સાથે મને પણ ગિરફતાર કરવામાં આવ્યો. એના એક મહિના પછી સાક્ષીઓ પર કાયદાકીય પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મને જેલમાં પૂરવામાં આવ્યો. ત્યાં મારી આકરી પૂછપરછ થઈ.
મારા પપ્પા ન્યૂ યૉર્ક જતા-આવતા વહાણમાં કામ કરતા હતા. તેથી, અધિકારીઓએ મારી પાસે એવું કબૂલ કરાવવાનો પ્રયત્ન કર્યો કે તે અમેરિકાના કોઈ જાસૂસ છે. તેઓએ રિબાવી રિબાવીને મારી પૂછપરછ કરી. ભાઈ વીલહેમ શાઈડર એ વખતે પોલૅન્ડમાં આપણા કામની દેખરેખ કરતા હતા. તેથી, ચાર અધિકારીઓએ તેમના વિરોધમાં કંઈક કહેવા મારા પર બળજબરી કરી. મેં એમ પણ ન કર્યું. એ કારણે તેઓએ મને પગની એડીમાં જાડી લાકડીથી ઢોર માર માર્યો. હું જમીન પર પડ્યો હતો. લોહી વહેતું હતું. મને લાગ્યું કે હવે હું વધારે સહન નહિ કરી શકું. તેથી મેં જોરથી રડીને કહ્યું: “યહોવાહ, મારી મદદ કરો!” મને મારતા હતા તેઓને નવાઈ લાગી અને અચાનક તેઓએ મારપીટ બંધ કરી. થોડી વારમાં તેઓ સૂઈ ગયા. તેથી મને રાહત થઈ અને થોડી શક્તિ મળી. એનાથી મને પાક્કી ખાતરી થઈ કે યહોવાહ પોતાના સેવકોને જરૂર પડ્યે ચોક્કસ મદદ કરે છે. મારો વિશ્વાસ મજબૂત થયો અને હું યહોવાહ પર પૂરો ભરોસો રાખવાનું શીખ્યો.
પૂછપરછના છેલ્લા રિપૉર્ટમાં મેં જૂઠી સાક્ષી આપી હોય એમ લખવામાં આવ્યું. મેં એનો વિરોધ કર્યો ત્યારે અધિકારીઓએ કહ્યું કે, “તું કૉર્ટમાં એ સમજાવજે!” મારી સાથેનો બીજો એક કેદી બહુ ભલો હતો. તેણે મને કહ્યું, ‘ચિંતા ન કરીશ. છેલ્લો રિપૉર્ટ ફોજના વકીલ તપાસશે. એ વખતે તું જણાવજે કે આ સાક્ષી તેં નથી આપી.’ તેણે કહ્યું હતું એમ જ થયું.
સરકીટ કામ અને ફરી જેલમાં
હું જાન્યુઆરી, ૧૯૫૧માં જેલમાંથી મુક્ત થયો. એના એક મહિના પછી હું સરકીટ ઑવરસીયર તરીકે સેવા આપવા લાગ્યો. પ્રતિબંધ હોવા છતાં હું ભાઈઓ સાથે મળીને મંડળને મજબૂત કરતો. તેમ જ મંડળથી વિખેરાઈ ગયેલા ભાઈબહેનોને ઉત્તેજન આપતો. અમે ભાઈબહેનોને પ્રચારકાર્ય ચાલુ રાખવા ઉત્તેજન આપતા. પછીના વર્ષોમાં, આ ભાઈબહેનોએ પ્રવાસી નિરીક્ષકોને હિંમતથી મદદ કરી. તેમ જ, છાની-છૂપીથી બાઇબલ સાહિત્ય છાપવાનું અને લોકોને આપવાનું કામ પણ કર્યું.
એપ્રિલ, ૧૯૫૧માં એક દિવસ હું મંડળની સભા પછી ઘરે જતો હતો. ત્યારે પોલીસે મને ગિરફતાર કર્યો. તેઓ કેટલાય સમયથી મારા પર ધ્યાન રાખતા હતા. મેં તેઓના કોઈ પ્રશ્નોના જવાબ આપ્યા નહિ એટલે તેઓ મને બીડગોશ શહેરની જેલમાં લઈ ગયા. એ જ રાત્રે તેઓએ મારી પૂછપરછ શરૂ કરી. પોલીસે મને છ રાત ને દિવસ એક દીવાલ આગળ ઊભો રાખ્યો. એટલા દિવસ મને ખોરાક કે પાણી વગર રાખ્યો. વધુમાં તેઓ સિગારેટ પી પીને મારી કોટડીમાં ધુમાડો ઓકતા. તેઓએ મને લાકડીથી માર માર્યો. સિગારેટના ડામ આપ્યા. હું બેભાન થવા લાગતો ત્યારે તેઓ મારા પર પાણી રેડતા અને ફરીથી પ્રશ્નોનો મારો ચલાવતા. મેં યહોવાહને પ્રાર્થના કરી કે આ સહન કરવા શક્તિ આપે. તેમણે મને ચોક્કસ મદદ આપી.
બીડગોશની જેલમાં રહેવાથી એક ફાયદો થયો. ત્યાં હું એવા લોકોને બાઇબલ વિષે જણાવી શક્યો જેઓને કદી બાઇબલ સત્ય સાંભળવાની તક મળી ન હોત. ત્યાં પ્રચાર કરવાની મને ઘણી તકો મળી. જેલના કેદીઓને કોઈ આશા ન હોવાથી તેઓ ધ્યાનથી રાજ્યનો સંદેશો સાંભળતા.
બે મહત્ત્વના ફેરફાર
હું ૧૯૫૨માં જેલમાંથી છૂટ્યો. પછી નેલાને મળ્યો. તે બહુ ઉત્સાહી પાયોનિયર હતી. તેણે થોડો સમય દક્ષિણ પોલૅન્ડમાં પાયોનિયરીંગ કર્યું હતું. પછી તે “બેકરી” નામની જગ્યાએ કામ કરતી હતી. આ જગ્યાએ છૂપી રીતે આપણું સાહિત્ય છપાતું. ત્યાં કામ કરવું બહુ મુશ્કેલ હતું. હંમેશાં સજાગ રહેવું પડતું અને અનેક ભોગ આપવા પડતા. અમે ૧૯૫૪માં લગ્ન કર્યા. અમારી દીકરી લિડીયાનો જન્મ થયો ત્યાં સુધી અમે પૂરો સમય સેવા આપતા હતા. હું પ્રવાસી નિરીક્ષકનું કામ કરી શકું એ માટે નેલાએ પાયોનિયરીંગ બંધ કર્યું. તેણે ઘરે રહીને અમારી દીકરીની કાળજી રાખી.
એ જ વર્ષે અમારે બીજો એક મહત્ત્વનો નિર્ણય લેવો પડ્યો. મને ડિસ્ટ્રીક્ટ ઑવરસીયરની સોંપણી મળી. મારે પોલૅન્ડના ત્રીજા ભાગના વિસ્તાર પર દેખરેખ રાખવાની હતી. અમે એ માટે ખૂબ પ્રાર્થના કરી. હું જાણતો હતો કે પ્રતિબંધ હેઠળ ભાઈબહેનોને મજબૂત કરવા કેટલું મહત્ત્વનું છે. એ સમયગાળામાં ઘણા ભાઈબહેનોને ગિરફતાર કરવામાં આવ્યા. તેથી, સર્વને ઉત્તેજનની બહુ જરૂર હતી. નેલાની મદદથી હું આ સોંપણી સ્વીકારી શક્યો. યહોવાહે મને ઘણી મદદ કરી જેથી હું ડિસ્ટ્રીક્ટ ઑવરસીયર તરીકે ૩૮ વર્ષ સેવા આપી શક્યો.
‘બેકરીની’ જવાબદારી
એ દિવસોમાં ડિસ્ટ્રીક્ટ ઑવરસીયર ‘બેકરીની’ સંભાળ રાખતા હતા. પોલીસ વારંવાર અમારી પાછળ પાછળ આવતી. તેઓએ અમને શોધવાની અને અમારું છાપકામ બંધ કરાવવાની ઘણી કોશિશ કરી. અમુક વાર તેઓ સફળ થયા. તેમ છતાં, અમને હંમેશાં પરમેશ્વરનું સત્ય મળતું રહ્યું. એનાથી દેખાઈ આવતું કે યહોવાહ અમારી કાળજી રાખતા હતા.
સાહિત્ય છાપવાનું કામ બહુ અઘરું હતું. એક તો એ માટે વ્યક્તિ વિશ્વાસુ જોઈએ. તેણે હંમેશા સાવધ રહેવું પડે, કોઈ પણ ભોગ આપવા તૈયાર રહેવું પડે. ભાઈ-બહેનોના આવા ગુણોને કારણે “બેકરી” સલામત રીતે નિયમિત સાહિત્ય છાપતી રહી. છાની-છૂપી રીતે છાપકામ કરવા સારી જગ્યા શોધવી બહુ મુશ્કેલ હતી. અમુક જગ્યા સલામત હોય તો, ત્યાંના ભાઈઓ એટલા સમજદાર અને સાવધ ન હતા. જ્યારે અમુક જગ્યા સલામત ન હતી તો, ત્યાંના ભાઈઓ ખૂબ સમજદાર ને સાવધ હતા. તેઓ ગમે તે ભોગ આપવા તૈયાર હતા. એ સમયે જે ભાઈબહેનો સાથે કામ કરવાનો મોકો મળ્યો તેઓનો હું બહુ અહેસાન માનું છું.
પ્રચાર કામ માટે અમે કેસ લડ્યા
એ વર્ષોમાં પ્રચારકામને લીધે અમારા પર અનેક ખોટા આરોપો મૂકવામાં આવતા. અમે જાણે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં જોડાયા હોય એમ, અમને વારંવાર કૉર્ટમાં લઈ જવામાં આવતા. બીજી મુશ્કેલી એ હતી કે અમારા માટે કેસ લડે એવો કોઈ વકીલ ન હતો. અમુક વકીલોને અમારા પર દયા આવતી. પરંતુ, તેઓ અધિકારીઓને નાખુશ કરવા ચાહતા ન હતા. વળી તેઓ પબ્લીસીટીથી પણ ડરતા હતા. તોપણ, યહોવાહ અમારી જરૂરિયાતો જાણતા હતા. તેમણે તેમના સમયે બાબતો થાળે પાડી.
ભાઈ અલોઝા પ્રોસ્ટેક, ક્રાકૉવ શહેરમાં પ્રવાસી નિરીક્ષકનું કામ કરતા હતા. તેમને ગિરફતાર કરવામાં આવ્યા અને પૂછપરછ કરતા એટલા માર માર્યા કે જેલની હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા. આટલી સતાવણી છતાં તે અડગ રહ્યાં હોવાથી હૉસ્પિટલના બીજા કેદીઓ તેમના વખાણ કરતા. એમાં એક કેદી વીટોલ્ડ લેસ-ઓલશ્વેસ્કી હતા. તે વકીલ હતા અને ભાઈ પ્રોસ્ટેકની હિંમતથી બહુ પ્રભાવિત હતા. આ વકીલ ઘણી વાર પ્રોસ્ટેકભાઈને મળ્યા હતા. તેમણે ભાઈને વચન આપ્યું કે, “હું આ જેલમાંથી છૂટીને ફરી કામ કરી શકીશ ત્યારે હું જરૂર યહોવાહના સાક્ષીઓ માટે લડીશ.” તેમણે જે કહ્યું એ કરી પણ બતાવ્યું.
ઓલશ્વેસ્કીએ વકીલોની પોતાની એક ટીમ બનાવી જેઓએ તેમને મદદ કરી. બહુ સતાવણીના સમય દરમિયાન તેમણે ભાઈઓ માટે મહિનામાં ત્રીસેક કેસ લડ્યા. એટલે રોજ એક મુકદ્દમો! ઓલશ્વેસ્કીને આપણા બધા જ કેસની બરાબર માહિતીની જરૂર હોવાથી મને તેમની સાથે રહેવાનું કહેવામાં આવ્યું હતું. તેથી, મેં ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં સાત વર્ષ સુધી તેમની સાથે કામ કર્યું.
હું એ દિવસોમાં કાયદા વિષે ઘણું શીખ્યો. મુકદ્દમો ચાલતો ત્યારે હું ઘણી વાર ત્યાં જતો. વકીલોની સારી-નરસી ટીકા સાંભળતો, કેસ લડવાની રીત જોતો. તેમ જ, ભાઈબહેનો પર લગાવેલા આરોપોના પુરાવા પણ હું સાંભળતો હતો. આમ, હું ભાઈબહેનોને મદદ કરી શક્યો કે તેઓને કૉર્ટમાં સાક્ષી આપવાની હોય ત્યારે શું કહેવું અને શું ન કહેવું.
મુકદ્દમો ચાલતો હોય ત્યારે ઓલશ્વેસ્કી હંમેશા યહોવાહના સાક્ષીઓના ઘરે રહેતા. એમ ન હતું કે તે હૉટલનું ભાડું આપી શકતા ન હતા. પણ એક વાર તેમણે કહ્યું: “મુકદ્દમા પહેલાં હું તમારા જેવું વલણ કેળવવા ચાહું છું.” તેમની મદદને લીધે અમે ઘણા મુકદ્દમા જીતી શક્યા. તેમણે મારા માટે પણ ઘણી વાર મુકદ્દમા લડ્યા. મારી પાસેથી એક પૈસો પણ લીધો નહિ. એક વાર તો તે ત્રીસેક કેસ લડ્યા પણ એનો એકેય પૈસો લીધો નહિ. શા માટે? તેમણે કહ્યું: “હું તમારા લોકોના કામમાં મારો નાનો ફાળો આપવા ચાહું છું.” તેમણે અમારા માટે પાણીની જેમ પૈસા વાપર્યા. શ્રીમાન ઓલશ્વેસ્કીની ટીમે અમને મદદ કરી એ અધિકારીઓને કાંટાની જેમ ખૂંચતું હતું. પણ એ ટીમ આપણા ભાઈબહેનોને સતત મદદ કરતી રહી.
મુકદ્દમા દરમિયાન આપણા ભાઈબહેનોએ જે સારી સાક્ષી આપી, એનું હું શબ્દોમાં વર્ણન કરી શકતો નથી. જે ભાઈબહેનો પર આરોપ મૂકવામાં આવ્યો હતો, તેઓને ટેકો આપવા માટે ઘણાં ભાઈબહેનો કોર્ટમાં આવીને મુકદ્દમો સાંભળતા. મુકદ્દમા ચાલતા હતા ત્યારે વર્ષમાં ૩૦,૦૦૦ જેટલા ભાઈબહેનો ટેકો આપવા કોર્ટમાં આવ્યા હતા. ખરેખર એ મોટું ટોળું હતું!
નવી સોંપણી
વર્ષ ૧૯૮૯માં આપણા કામ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો. ભાઈઓએ ત્રણ વર્ષ પછી ત્યાં નવી બ્રાંચ ઑફિસ બાંધીને એનું સમર્પણ કર્યું. મને ત્યાં હૉસ્પિટલ ઈન્ફૉર્મેશન સર્વિસમાં કામ કરવા માટે બોલાવવામાં આવ્યો. મેં ખુશી ખુશી આ કામ સ્વીકાર્યું. એમાં અમે ત્રણ જણ કામ કરતા. ભાઈબહેનોને લોહી ન પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૯.
લેવાથી કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે અમે તેઓને તેમના નિર્ણયમાં અડગ રહેવા માટે મદદ કરતા.—મને અને મારી પત્નીને યહોવાહની સેવા કરવાનો અને પ્રચાર કરવાનો જે લહાવો મળ્યો એની અમે કદર કરીએ છીએ. નેલાએ હંમેશા મારી પડખે રહીને મને ઘણું ઉત્તેજન આપ્યું છે. હું પરમેશ્વરની સેવામાં કોઈ કામને લીધે વ્યસ્ત હતો કે જેલમાં હતો તોપણ, તેણે ક્યારેય મારી સામે ફરિયાદ કરી નથી. મુશ્કેલીના સમયે તે પોતે નિરાશ થઈ જવાને બદલે બીજાઓને દિલાસો આપતી.
દાખલા તરીકે, ૧૯૭૪માં મને બીજા પ્રવાસી નિરીક્ષકો સાથે ગિરફતાર કરવામાં આવ્યો હતો. ભાઈઓ આ વિષે મારી પત્નીને જણાવવા ગયા. તેઓએ તેને કહ્યું: “નેલાબહેન, તમારા માટે માઠા સમાચાર છે.” પહેલાં તો નેલા બહુ જ ડરી ગઈ. તેને લાગ્યું કે હું મરી ગયો હોઈશ. પણ તેને ખબર પડી કે હું જેલમાં છું ત્યારે, તેણે કહ્યું: “તે હજુ જીવે છે એ જ મારા માટે મહત્ત્વનું છે. તેમને પહેલાં પણ જેલની સજા થઈ હતી.” ભાઈઓએ પછીથી આવીને મને કહ્યું કે નેલાના વલણની તેઓ પર બહુ સારી અસર પડી હતી.
ભલે અમને બહુ માઠા અનુભવો થયા હતા પણ યહોવાહે અમને હંમેશાં આશીર્વાદ આપ્યો છે. મારી દીકરી લિડીયા અને તેના પતિ, આલફ્રેડ ડીરૂશાએ યહોવાહની સેવામાં સારો દાખલો બેસાડ્યો છે. એ જોઈને અમને બહુ ખુશી થાય છે. તેઓના દીકરા, ક્રિસ્ટોફર અને જોનાથાન પણ બાપ્તિસ્મા લઈને યહોવાહના સેવકો બન્યા, એ જોઈને અમારી ખુશીનો પાર ન રહ્યો. મારો નાનો ભાઈ રીશાર્ડ અને મારી નાની બહેન ઊર્સિલા પણ ઘણાં વર્ષોથી યહોવાહની સેવા કરી રહ્યાં છે.
યહોવાહે અમને ક્યારેય છોડી દીધા નથી. અમે પૂરા દિલથી તેમની સેવા કરવા ચાહીએ છીએ. અમે ગીતશાસ્ત્ર ૩૭:૩૪ના શબ્દો ખરેખર અમારા જીવનમાં અનુભવ્યા છે: “યહોવાહની વાટ જો, તેને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે.” અમે દેશનો વારસો પામવા માટે પૂરા દિલથી અને આતુરતાથી રાહ જોઈ રહ્યાં છીએ.
[પાન ૧૭ પર ચિત્ર]
જુલાઈ ૧૯૬૪માં ક્રાકોવમાં એક ભાઈના બગીચામાં સંમેલન રાખ્યું હતું ત્યારે
[પાન ૧૮ પર ચિત્ર]
વર્ષ ૧૯૬૮માં મારી પત્ની નેલા અને દીકરી લિડીયા સાથે
[પાન ૨૦ પર ચિત્ર]
સાક્ષી બાળક સાથે, જેના પર પછી લોહી આપ્યા વગર હૃદયનું ઑપરેશન થયું
[પાન ૨૦ પર ચિત્ર]
ડૉ. વાઈટીશ સાથે, કાટૉવીસ હૉસ્પિટલમાં બાળકોને લોહી આપ્યા વિના હૃદયનું ઑપરેશન કરવામાં મુખ્ય સર્જન છે
[પાન ૨૦ પર ચિત્ર]
વર્ષ ૨૦૦૨માં નેલા સાથે