સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મારા દિલની ઇચ્છાઓ પૂરી થઈ

મારા દિલની ઇચ્છાઓ પૂરી થઈ

મારો અનુભવ

મારા દિલની ઇચ્છાઓ પૂરી થઈ

ડૉમીનિક માર્ગોના જણાવ્યા પ્રમાણે

ડિસેમ્બર ૧૯૯૮માં હું આફ્રિકા આવી પહોંચી! નાનપણનું મારું સપનું આખરે પૂરું થયું. આફ્રિકાનાં ખુલ્લાં મેદાનો અને જાતજાતનાં પ્રાણીઓને જોવાની મારી દિલની તમન્‍ના હતી. આખરે હું ત્યાં પહોંચી ગઈ હતી! આ જ સમયે મારું બીજું સપનું પણ પૂરું થયું. હું પરદેશમાં પાયોનિયર બની. ઘણા લોકોને એ અશક્ય લાગી શકે, કેમ કે હું બરાબર જોઈ શકતી ન હતી. હું આફ્રિકાના ગામડાના ધૂળિયા રસ્તાઓ પર આંધળા લોકો માટેના, ગાઈડ ડોગની મદદથી જતી હતી. એ ગાઈડ ડોગને યુરોપના શહેરોના રસ્તાઓની તાલીમ અપાઈ હતી. ચાલો તમને જણાવું કે હું આફ્રિકામાં સેવા આપવા કઈ રીતે આવી શકી. યહોવાહે કઈ રીતે મારા “હૃદયની ઇચ્છાઓ પૂરી” કરી.—ગીતશાસ્ત્ર ૩૭:૪.

હું જૂન ૯, ૧૯૬૬માં દક્ષિણ ફ્રાંસમાં જન્મી હતી. અમે પાંચ બહેનો અને બે ભાઈ. કુલ સાત ભાઈ-બહેનો. એમાં હું સૌથી નાની હતી. મારાં પ્રેમાળ માબાપે અમારા સર્વની સારી સંભાળ રાખી હતી. તોપણ, મારા જીવનમાં એક દુઃખદ ઘટના ઘટી. મારા નાનીમા, મમ્મી અને મારી એક બહેનની જેમ, મને પણ વારસામાં બીમારી થઈ. એના કારણે મારી આંખોનું તેજ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું હતું. આખરે, એક દિવસ હું સાવ આંધળી થઈ જવાની હતી.

સમાજમાં નાત-જાતનો ભેદભાવ હતો, ઢોંગ હતો. એના કારણે મેં નાની ઉંમરે જ ઘણું સહન કર્યું હતું. આવા મુશ્કેલીઓના સમયમાં અમે હેરુલ્ટ શહેરમાં રહેવા ગયા. ત્યાં એક સરસ બનાવ બન્યો.

એક દિવસે સવારે યહોવાહની બે સાક્ષી બહેનો અમારા ઘરે આવી. મારી મમ્મી તેઓને જાણતી હોવાથી ઘરમાં બોલાવ્યા. એક બહેને મમ્મીને યાદ કરાવ્યું કે એક દિવસે તેણે બાઇબલ સ્ટડી કરવાનું વચન આપ્યું હતું. મમ્મીને યાદ આવ્યું, એટલે કહ્યું કે “ક્યારે શરૂ કરીએ?” પછી તેઓએ રવિવારે સવારે મળવાનું નક્કી કર્યું. આમ, મમ્મીએ “શુભસંદેશના સત્ય” વિષે શીખવાનું શરૂ કર્યું.—ગલાતી ૨:૧૪, પ્રેમસંદેશ.

સમજણ મેળવી

મારી મમ્મી જે શીખતી એને સમજવા અને યાદ રાખવાની કોશિશ કરતી. અંધ હોવાથી તેણે બધું યાદ રાખવું પડતું. બાઇબલ શીખવવા આવતી એ બહેનો પણ તેની સાથે બહુ ધીરજ રાખતી. એ બહેનો આવતી ત્યારે હું મારા રૂમમાં સંતાઈ જતી. તેઓના ગયા પછી હું રૂમમાંથી બહાર આવતી. તોપણ, એક બપોરે યુજીન નામની બહેન મને મળી. મારી સાથે વાત કરી. તેમણે કહ્યું કે પરમેશ્વર આ દુનિયામાંથી નાત-જાતનો ભેદભાવ અને ઢોંગ કાઢી નાખશે. વળી તેમણે કહ્યું, “ફક્ત પરમેશ્વર આવી મુશ્કેલીઓનો અંત લાવી શકે છે.” પછી મને પૂછ્યું, કે આ વિષે હું વધારે જાણવા ચાહું છું કે કેમ. બીજા જ દિવસથી મેં પણ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું.

હું જે શીખતી હતી એ મારા માટે એકદમ નવું હતું. હવે હું સમજી કે શા માટે પરમેશ્વર થોડો સમય પૃથ્વી પર મુશ્કેલીઓ ચાલવા દે છે. (ઉત્પત્તિ ૩:૧૫; યોહાન ૩:૧૬; રૂમી ૯:૧૭) હું શીખી કે યહોવાહે આપણને એક આશા આપી છે. તેમનું વચન છે કે આપણે સુંદર પૃથ્વી પર સદા માટે સુખ-શાંતિમાં જીવીશું. (ગીતશાસ્ત્ર ૩૭:૨૯; ૯૬:૧૧, ૧૨; યશાયાહ ૩૫:૧, ૨; ૪૫:૧૮) એ સમયે હું મારી આંખોનું તેજ પાછું મેળવીશ, જે હું ધીરે ધીરે ગુમાવી રહી હતી.—યશાયાહ ૩૫:૫.

પાયોનિયર સેવા

ડિસેમ્બર ૧૨, ૧૯૮૫માં મેં યહોવાહને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું. મારી બહેન મરિ-ક્લેરે મારા પહેલાં બાપ્તિસ્મા લીધું હતું. મારો ભાઈ જોન-પીએર અને મારી મમ્મી, મારા પછી થોડા સમયમાં જ બાપ્તિસ્મા પામ્યા.

હું જે મંડળમાં જતી ત્યાં, કેટલાક નિયમિત પાયોનિયરો અથવા મોટા ભાગનો સમય પ્રચાર કરનારા હતા. પ્રચાર કાર્યમાં તેઓની હોંશ અને ખુશી જોઈને, મને ઘણું ઉત્તેજન મળ્યું. મારી બહેન મરિ-કલેરને પણ આંખે ઓછું દેખાતું હતું. તેને પગમાં ખોડ હોવાથી ચાલતી વખતે પગને ટેકો આપવા પટ્ટો પહેરવો પડતો. તોપણ તે પાયોનિયર બની. ત્યારથી મને યહોવાહની સેવામાં ઘણું ઉત્તેજન મળ્યું. મંડળમાં અને પરિવારમાં પાયોનિયરો હોવાથી મને પણ પાયોનિયર બનવાની બહુ ઇચ્છા હતી. નવેમ્બર ૧૯૯૦માં બેઈઝિર શહેરમાં, મેં પાયોનિયરીંગ શરૂ કર્યું.—ગીતશાસ્ત્ર ૯૪:૧૭-૧૯.

નિરાશા સામે લડવું

પ્રચાર કાર્યમાં મને બીજા પાયોનિયરો મદદ કરતા. તોપણ, અમુક સમયે હું નિરાશ થઈ જતી, કેમ કે હું વધારે કરવા માંગતી હતી પણ કરી શકતી ન હતી. યહોવાહે એ નિરાશાના સમયમાં મારી કાળજી રાખી. મેં વૉચટાવર પબ્લિકેશન ઇંડેક્ષની મદદ લીધી. હું એવા પાયોનિયરોના અનુભવ શોધતી, જેઓને મારી જેમ ઝાંખું દેખાતું હતું. મને નવાઈ લાગી કે મારી જેવા ઘણા ભાઈ-બહેનો હતા! આ અનુભવોથી મને શીખવા મળ્યું કે હું જેટલું કરી શકું એનાથી મારે ખુશ રહેવું જોઈએ.

બે પૈસા મેળવીને હું મારી જાતે રોજી કમાવા ચાહતી હતી. એટલે હું બીજા પાયોનિયરો સાથે દુકાનોની સાફસફાઈનું કામ કરવા લાગી. એક દિવસ મેં જોયું કે હું જ્યાં સાફ કરીને આવી હતી, ત્યાં મારી સાથે કામ કરનારા ફરીથી સફાઈ કરતા હતા. એટલે કે હું બરાબર જોઈ શકતી ન હોવાથી, ઘણું રહી જતું હતું. હું અમારી સફાઈ ટીમની દેખરેખ રાખનાર પાયોનિયર બહેન વેલરીને મળી. મેં તેમને સાચેસાચું જણાવવાનું કહ્યું કે શું મારા કામથી બધાને વધારે કરવું પડે છે કે કેમ. તેમણે મને પ્રેમથી સમજાવી કે મારાથી થાય એટલું કરું. પણ મને ખબર પડી કે હું એ કામ બરાબર કરી શકતી ન હતી. એટલે માર્ચ ૧૯૯૪માં એ કામ મેં છોડી દીધું.

ફરીથી હું બહુ નિરાશ થઈ ગઈ. હું કંઈ કામની નથી એવું મને લાગવા માંડ્યું. મેં યહોવાહની આગળ મારું હૈયું ઠાલવી દીધું. મને ખબર હતી કે તે મારી વિનંતીઓ સાંભળે છે. મને બાઇબલ અને આપણાં પુસ્તકોમાંથી ઘણી મદદ મળી. મારી આંખોનું તેજ ઘટતું હતું. તોપણ યહોવાહની સેવા કરવાની મારી ઇચ્છા વધતી ને વધતી જતી હતી. મને ખબર ન હતી કે હું શું કરું.

વેઈટીંગ લીસ્ટ, પછી તરત નિર્ણય લેવો પડ્યો

મેં નિમ્સ શહેરની એક અંધશાળામાં તાલીમ લેવા માટે અરજી કરી, જેથી હું એકદમ આંધળી થઈ જાઉં તોપણ, મારી પોતાની સંભાળ રાખી શકું. મને ત્રણ મહિનાની મંજૂરી મળી. હું ત્યાં જે શીખી એ બહુ ઉપયોગી હતું. મને મારી મર્યાદા સમજવા મદદ મળી. એટલે હું એ પ્રમાણે જીવતા શીખી. જાતજાતની બીમારી સહેતા લોકો સાથે રહીને, મને ઘણી મદદ મળી. મને સમજાયું કે મારી પાસે ભવિષ્યની જે આશા છે, એ કેટલી કીમતી છે. મારા જીવનમાં તો આશા હતી અને હું કંઈક સારું કરી શકતી હતી. હું ફ્રેંચ અંધલિપિ કે બ્રેઈલ પણ શીખી.

હું ઘરે ગઈ ત્યારે મારા પરિવારે જોયું કે અંધશાળામાં રહીને મારામાં કેટલો સુધારો થયો હતો. ત્યાંથી મને એક સફેદ લાકડી આપવામાં આવી હતી, જે અંધ લોકો માટે હોય છે. મને એ લાકડી જરાય ગમતી ન હતી. પરંતુ, એની મદદ લીધા વિના છૂટકો ન હતો. મને થતું કે લાકડીને બદલે બીજું કંઈ હોય તો વધારે સારું, જેમ કે આંધળા લોકોને દોરતો કૂતરો, એટલે કે ગાઈડ ડોગ.

મેં ગાઈડ ડોગ માટે એક અરજી ભરી. પણ એના માટે લાંબું વેઈટીંગ લિસ્ટ હતું. એ એજન્સી કંઈ આમ જ ગાઈડ ડોગ આપી દેતી ન હતી. પહેલાં તો બધી તપાસ કરતી. પણ એવામાં મને એક સ્ત્રી મળી, જે આંધળાને મદદ કરતી સંસ્થામાં કામ કરતી હતી. તેણે મને કહ્યું કે અહીંની ટેનિસ ક્લબ આપણા વિસ્તારમાં રહેતી કોઈ પણ આંધળી વ્યક્તિને ગાઈડ ડોગ આપવા માંગે છે. એ સ્ત્રીએ મને પૂછ્યું કે શું મને ગાઈડ ડોગ જોઈએ છે? મેં તરત જ આ ઑફર સ્વીકારી લીધી. હું જોઈ શકતી હતી કે યહોવાહે મારી પ્રાર્થના સાંભળી છે. ખરું કે મારે ગાઈડ ડોગ માટે રાહ જોવી પડી.

હજુ પણ આફ્રિકા જવાનો વિચાર

હું ગાઈડ ડોગની રાહ જોતી હતી ત્યારે, મેં મારું ધ્યાન બીજી બાબતોમાં પરોવ્યું. અગાઉ જણાવ્યા પ્રમાણે નાનપણથી મારી ઇચ્છા આફ્રિકા જવાની હતી. મારી આંખોનું તેજ ઓછું થયું હતું તોપણ, આફ્રિકા જવાની મને બહુ જ ઇચ્છા હતી. મેં સાંભળ્યું હતું કે આફ્રિકામાં ઘણા લોકોને બાઇબલમાં રસ છે. તેઓને યહોવાહ વિષે જાણવાનું બહુ જ ગમે છે. થોડા વખત પહેલાં, મેં વેલરીને આમ જ જણાવ્યું હતું કે મને આફ્રિકા ફરવા જવાનું બહુ મન થાય છે. તમારે મારી સાથે આવવું છે કે કેમ. તે મારી સાથે આવવા રાજી થઈ ગયા. અમે આફ્રિકામાં જ્યાં ફ્રેંચ ભાષા બોલાતી હોય એવી યહોવાહના સાક્ષીઓની કેટલીક બ્રાંચ ઑફિસને લખ્યું.

ટોગોમાંથી અમને પત્ર મળ્યો. મારી ખુશીનો કોઈ પાર ન હતો. મેં વેલરીને એ પત્ર વાંચવાનું કહ્યું. પત્ર વાંચીને તરત વેલરીએ કહ્યું: “આપણે આફ્રિકા જવું જોઈએ.” પછી મેં બ્રાંચને એ જણાવ્યું. ભાઈઓએ મને સાંડ્રાની ઓળખાણ કરાવી. સાંડ્રા ટોગોની રાજધાની લોમેમાં પાયોનિયર હતી. ડિસેમ્બર ૧, ૧૯૯૮નો દિવસ અમે આફ્રિકા જવા માટે નક્કી કર્યો.

લોમે ફ્રાંસથી ઘણું જુદું હતું, પણ મને બહુ ગમ્યું! અમે પ્લેનમાંથી બહાર નીકળ્યા તો, એટલી બધી ગરમી હતી કે ન પૂછો વાત. સાંડ્રા અમને એરપોર્ટમાં મળી. અમે એકબીજાને ક્યારેય મળ્યા ન હતા. પણ જાણે અમે ઘણાં વર્ષોથી બહેનપણીઓ હોઈએ એવું લાગ્યું. અમે આવ્યા એના થોડા સમય પહેલાં જ, સાંડ્રા અને તેની સાથે પાયોનિયરીંગ કરતી ક્રિસ્ટીનને ટાબ્લિગૉ નામના ગામમાં ખાસ પાયોનિયર તરીકે મોકલવામાં આવ્યા હતા. અમને તેઓની સાથે પ્રચાર કરવાની મજા આવી. અમે ત્યાં બે મહિના રહીને ફ્રાંસ પાછા ફર્યા. પણ અહીં ફરી આવવાની મારી બહુ જ ઇચ્છા હતી.

હું ખુશીથી પાછી ગઈ

ફ્રાંસમાં આવ્યા પછી હું બીજી વાર ટોગો જવાની તૈયારીઓ કરવા લાગી. મારા પરિવારની મદદથી હું છ મહિના રહી શકું, એવી ગોઠવણ કરી શકી. સપ્ટેમ્બર ૧૯૯૯માં હું ફરી ટોગો ગઈ. આ વખતે હું એકલી હતી. મને ઓછું દેખાતું હતું અને હું એકલી જતી હોવાથી મારા પરિવારમાં બધા બહુ ચિંતા કરતા હતા! જોકે ચિંતા કરવા જેવું ન હતું. મેં મારાં માબાપને ખાતરી આપી કે મારા મિત્રો બહુ જ સારા છે. તેઓ લોમેમાં મારી રાહ જોઈ રહ્યા છે.

જ્યાં ઘણા લોકોને બાઇબલ વિષે જાણવું હોય, ત્યાં પાછા જવાની કેવી મજા! અહીં લોકોને બાઇબલ વાંચતા જુઓ તો કોઈ નવાઈ નહિ. ટાબ્લિગૉમાં લોકો બાઇબલમાંથી શીખવા માટે સામેથી બોલાવતા. મને પેલી બે ખાસ પાયોનિયર બહેનો સાથે ફરીથી રહેવાની મજા આવી! હું અહીંના ભાઈ-બહેનો વિષે ઘણું શીખી શકી. એક તો એ કે આફ્રિકાના ભાઈબહેનોના જીવનમાં સૌથી પહેલા યહોવાહ હતા, પછી બીજું બધું. દાખલા તરીકે, ભાઈબહેનો દૂર દૂરથી ચાલીને પણ દરેક મિટિંગમાં આવતા હતા. બીજું કે તેઓ બહુ જ પ્રેમાળ હતા અને તેઓના ઘરે મહેમાનો આવે એ તેઓને બહુ જ ગમતું.

એક વાર પ્રચારમાંથી પાછા ફરતા મેં સાંડ્રાને કહ્યું કે મને ફ્રાંસ પાછા જવાનો બહુ ડર લાગે છે. મારી આંખોનું તેજ હજુ થોડું ઓછું થઈ ગયું હતું. ફ્રાંસના બેઈઝિર શહેરનું જીવન મારા માટે દિવસે દિવસે મુશ્કેલ બનતું જતું હતું. ત્યાં રસ્તા પર બહુ ભીડ રહેતી. ઘોંઘાટનો પાર નહિ. મોટી મોટી બિલ્ડિંગના પગથિયાં ચઢવા-ઊતરવાની તકલીફ. જ્યારે કે ટાબ્લિગૉના રસ્તાઓ પર બહુ ભીડ નથી. વધારે ટ્રાફિક પણ નથી. હું ટાબ્લિગૉથી એટલી ટેવાઈ ગઈ હતી કે ફ્રાંસમાં કઈ રીતે રહીશ.

બે દિવસ પછી મારી મમ્મીનો ફોન આવ્યો. તેમણે મને જણાવ્યું કે ગાઈડ ડોગ માટેની સ્કૂલ મારી રાહ જુએ છે. ઑસીન નામની ગાઈડ ડોગ મારી “આંખો” બનવા માટે તૈયાર હતી. ફરી વાર મેં જોયું કે યહોવાહે મારી પ્રાર્થના સાંભળી છે. મારી ચિંતા ગાયબ થઈ ગઈ. ટાબ્લિગૉમાં ખુશીથી છ મહિના પસાર કર્યા પછી, હું ઑસીનને મળવા ફ્રાંસ પાછી ગઈ.

અમુક મહિનાઓની તાલીમ પછી, ઑસીનને મારા હાથમાં સોંપવામાં આવી. શરૂઆતમાં થોડું મુશ્કેલ હતું. અમારે બંનેએ એકબીજાથી ટેવાવાની જરૂર હતી. ધીરે ધીરે મને સમજાયું કે ઑસીન વિના મારું જીવન કેટલું મુશ્કેલ બની જાત! બેઈઝિરમાં હું ઑસીન સાથે પ્રચાર કરતી ત્યારે, ત્યાંના લોકોને કેવું લાગતું હતું? મારા જેવા લાચાર લોકોને ઘરે આવેલા જોઈને પહેલા લોકો અચકાઈ જતા. પણ હવે મારી સાથે ઑસીન હોવાથી, હું લોકો સાથે સારી રીતે વાત કરી શકું છું. તે બધાની “માનીતી” બની ગઈ છે. એટલે લોકો શાંતિથી મારું સાંભળતા હતા. લોકો મારી સાથે પ્રેમથી વાત કરતા. ખરેખર, ઑસીનને કારણે મને વાતચીત શરૂ કરવાનો મોકો મળતો હતો.

ઑસીન સાથે આફ્રિકામાં

હું આફ્રિકા ભૂલી ન હતી. હવે મેં ત્રીજી વાર આફ્રિકા જવાની તૈયારી શરૂ કરી. આ વખતે મારી સાથે ઑસીન હતી. તેમ જ, એક યુવાન પતિ-પત્ની, એન્ટની અને ઓરોરે તથા મારી બેનપણી કેરોલીન પણ હતી. તેઓ સર્વ પાયોનિયર હતા. સપ્ટેમ્બર ૧૦, ૨૦૦૦માં અમે લોમે આવી પહોંચ્યા.

શરૂઆતમાં ઘણા લોકો ઑસીનને જોઈને ડરી જતા. લોમેમાં ભાગ્યે જ કોઈએ આવો મોટો કૂતરો જોયો હશે, કેમ કે ત્યાં નાનાં નાનાં કૂતરાં હતાં. તેઓ ઑસીનને પટ્ટો પહેરાવેલો જોતા ત્યારે, તેઓને લાગતું કે આ કૂતરું કરડી લેશે તો? તેને છૂટું ફરવા દેવું ન જોઈએ. જ્યારે કે ઑસીનને મારી ચિંતા. તેને કોઈ મુશ્કેલીની જરાય ગંધ આવે તો, તે મારું રક્ષણ કરવા તૈયાર થઈ જતી. તે નવી જગ્યાએ ત્યાંની રીત-ભાતથી જલદી ટેવાઈ ગઈ. તેને પટ્ટો પહેરાવું એટલે ખબર પડી જતી કે મારી સાથે બહાર જવાનું છે. પછી તે એકદમ ડાહી-ડમરી થઈને મારી બાજુમાં ચાલતી. તેના ગળામાંથી પટ્ટો કાઢીએ, એટલે તે રમવા લાગતી, તોફાન-મસ્તી કરતી. અમે સાથે ઘણી મસ્તી કરતા.

ટાબ્લિગૉમાં અમને સર્વને સાંડ્રા અને ક્રિસ્ટીનને ત્યાં રહેવાનું આમંત્રણ મળ્યું. ત્યાંના ભાઈબહેનો ઑસીન સાથે હળે-મળે, એ માટે અમે તેઓને ઘરે બોલાવ્યા. તેઓને સમજાવ્યું કે ઑસીનની મને કેટલી જરૂર છે. તેઓએ ઑસીન સાથે કેવી રીતે રહેવું જોઈએ. ઑસીનને હું કિંગ્ડમ હૉલમાં લઈ જઈ શકું, એ માટે વડીલો સાથે વાત કરી. જોકે ટોગોમાં આવી રીતે કોઈ આવતું ન હોવાથી, વડીલોએ મંડળને એ વિષે સમજાવ્યું. પ્રચાર કરતી વખતે ઑસીનને હું સાથે લઈ ન જતી. પણ ફરી મુલાકાત કરવા કે કોઈ સાથે બાઇબલ સ્ટડી કરવા જતી ત્યારે, તે મારી સાથે આવતી, કેમ કે તેઓ ઑસીનને જાણતા હતા.

અહીં પ્રચાર કરવાની મને બહુ જ મજા આવતી હતી. અહીંના લોકો બહુ જ ભલા હતા. હું જાઉં કે તરત તેઓ મને બેસવા માટે ખુરશી આપતા. તેઓ બહુ જ સમજુ ને પ્રેમાળ હતા. ઑક્ટોબર ૨૦૦૧માં હું ચોથી વાર ટોગો આવી ત્યારે, મારી મમ્મી સાથે આવી. તે મારી સાથે ત્રણ અઠવાડિયાં રહી. તેને ખાતરી થઈ કે હું અહીં ખુશ છું. પછી તે ફ્રાંસ પાછી ગઈ.

હું ટોગોમાં લોકોને બાઇબલ શીખવી શકી, એ ખરેખર યહોવાહનો આશીર્વાદ જ હતો. મને પૂરી ખાતરી છે કે હું આ રીતે યહોવાહની સેવા કરતી રહીશ તો, તે મારા ‘હૃદયની ઇચ્છાઓ જરૂર પૂરી’ કરશે. *

[ફુટનોટ]

^ બહેન માર્ગો ફ્રાંસ પાછા આવ્યા અને પાંચમી વાર ટોગો ગયા. એ સમયે ઑક્ટોબર ૬, ૨૦૦૩થી ફેબ્રુઆરી ૬, ૨૦૦૪ સુધી ત્યાં રહ્યા. દુઃખની વાત છે કે તેમની તબિયતને લીધે, ટોગોમાં આ તેમની છેલ્લી મુલાકાત હતી. જોકે તેમની પૂરા દિલની ઇચ્છા યહોવાહને ભજતા રહેવાની છે.

[પાન ૧૦ પર ચિત્ર]

આફ્રિકાનાં ખુલ્લાં મેદાનો અને જાત-જાતનાં પ્રાણીઓના વિચારથી જ મને ઘણી ખુશી થતી હતી

[પાન ૧૦ પર ચિત્ર]

ફરી મુલાકાત કરતી વખતે ઑસીન મારી સાથે આવતી

[પાન ૧૧ પર ચિત્ર]

ઑસીનને મિટિંગમાં લાવવાની વડીલોએ રજા આપી