તેઓએ પોતાનાં માબાપને આનંદ પહોંચાડ્યો
તેઓએ પોતાનાં માબાપને આનંદ પહોંચાડ્યો
“મારા દીકરા, જો તારૂં હૃદય જ્ઞાની થશે, તો મારૂં હૃદય હરખાશે.” (નીતિવચનો ૨૩:૧૫) આપણાં બાળકો ઈશ્વરનું જ્ઞાન દિલમાં ઉતારીને તેમના માર્ગમાં ચાલે છે ત્યારે એ જોઈને આપણને ખૂબ જ આનંદ થાય છે! સપ્ટેમ્બર ૧૦, ૨૦૦૫ના રોજ વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના ૧૧૯મા ક્લાસનું ગ્રેજ્યુએશન હતું. એ પ્રસંગમાં જુદી જુદી જગ્યાએથી બધા મળીને ૬,૮૫૯ ભાઈ-બહેનો આવ્યા હતા. આ ક્લાસમાં ૫૬ વિદ્યાર્થીઓ હતા. તેઓને જોઈને બધાની છાતી ગજગજ ફૂલી ગઈ હતી. ખાસ કરીને તો તેઓનાં મા-બાપની.
અમેરિકામાં આવેલ યહોવાહના સાક્ષીઓના બેથેલમાં ડેવિડ વૉકર ઘણાં વર્ષોથી સેવા આપે છે. ગ્રેજ્યુએશન પ્રોગ્રામ શરૂ કરતાં પહેલાં તેમણે દિલ ખોલીને યહોવાહ પરમેશ્વરને પ્રાર્થના કરી. એ પ્રોગ્રામના ચેરમેન ડેવિડ સ્પ્લેન હતા. તે યહોવાહના સાક્ષીઓની ગવર્નિંગ બોડી કે કમિટીના એક મેમ્બર છે. જેઓ ગ્રેજ્યુએટ થવાના હતા તેઓના માબાપને તેમણે શરૂઆતમાં જ કહ્યું કે “તમે તમારાં બાળકોના દિલમાં સારા ગુણો સિંચ્યા છે. એટલે તેઓ મિશનરિ બનવા તૈયાર થયા છે. એ માટે અમે તમને શાબાશી આપીએ છીએ.” થોડા જ સમયમાં તેઓનાં બાળકો દૂર દેશોમાં મિશનરિ સેવા આપવા જવાના હતા. એ કારણથી કદાચ માબાપને થોડી ચિંતા થઈ હોઈ શકે. તેઓને દિલાસો આપતા ભાઈ સ્પ્લેને કહ્યું: ‘તમારાં બાળકોની ખોટી ચિંતા ન કરશો. તમે તેઓની સંભાળ રાખી શકો એનાં કરતાં પણ યહોવાહ સારી રીતે સંભાળ રાખશે. તમારા દીકરા-દીકરીઓ બીજા દેશોમાં જઈને દુખિયારાઓની આંતરડીને યહોવાહના સત્યથી ઠારશે. ઘણા તો પહેલી વાર જ યહોવાહ વિષે સાંભળતા હશે. યહોવાહ વિષે શીખવવાથી તેઓને જે ફાયદો થશે એનો વિચાર કરો!’
લોકોના દિલમાં કેવી રીતે આનંદ ફેલાવી શકીએ?
પછી ભાઈ સ્પ્લેને જણાવ્યું કે હવે ચાર ભાઈઓ પ્રવચન આપશે. પ્રથમ અમેરિકાની બ્રાંચ કમિટીના મેમ્બર, રાલ્ફ વૉલ્સ ટૉક આપશે: ‘જાગતા રહેજો.’ તેમણે ભાર આપતા જણાવ્યું કે આપણે આંધળા હોઈએ એ અલગ વાત છે. પણ યહોવાહના સત્યથી અંધકારમાં રહીશું તો એ બહુ જ ખરાબ કહેવાય. પહેલી સદીમાં લાઓદીકિયાનું મંડળ યહોવાહના પ્રકાશમાંથી અંધકારમાં ચાલ્યું ગયું હતું. એ મંડળના ભાઈ-બહેનોને તો યહોવાહના પ્રકાશમાં પાછા આવવા મદદ આપવામાં આવી હતી. તેઓની જેમ આપણે અંધકારમાં ન પડીએ એ માટે પહેલેથી જ સાવચેત રહીએ તો કેટલું સારું! (પ્રકટીકરણ ૩:૧૪-૧૮) પછી તેમણે કહ્યું કે ‘તમે જે પણ મંડળમાં સેવા આપો ત્યાં જવાબદારી ઉપાડતા ભાઈઓને યહોવાહની નજરથી જોજો. એ મંડળમાં જો કોઈ મુશ્કેલી હોય તો વધુ પડતી ચિંતા ન કરશો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધું જ જોઈ શકે છે. સમય જતાં તે પોતે એ મુશ્કેલીઓ દૂર કરશે.’
પછી ગવર્નિંગ બોડીના ભાઈ સેમ્યુએલ હર્ડે ‘શું તમે તૈયાર છો?’ પ્રશ્ન પર પ્રવચન આપીને એનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ગ્રેજ્યુએટ થયા પછી તમે ખ્રિસ્ત જેવા ગુણો કેળવીને પોતાને શણગારતા રહેજો. ઈસુની જેમ બીજાઓને દયા બતાવતા રહેજો. એક કોઢિયાએ ઈસુને કહ્યું કે “જો તારી ઇચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે.” ઈસુએ કહ્યું કે “મારી ઇચ્છા છે; તું શુદ્ધ થા.” (માર્ક ૧:૪૦-૪૨) પછી ભાઈ હર્ડે કહ્યું કે “તમે જો સાચે જ બીજાઓને મદદ કરવા ચાહશો તો તેઓને મદદ કરવાની તમે અનેક રીતો શોધી શકશો.” ફિલિપી ૨:૩ આપણને કહે છે કે “દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.” ભાઈ હર્ડે કહ્યું કે ‘જ્ઞાન હોવું જ પૂરતું નથી. એના કરતાં નમ્ર સ્વભાવ કેળવવો અતિ મહત્ત્વનું છે. તમે પ્રચારમાં હો કે ભાઈ-બહેનો સાથે વાત કરતા હો ત્યારે નમ્રભાવે તેઓ સાથે વર્તશો તો જ તેઓને તમારા જ્ઞાનથી ફાયદો થશે. જો તમે ખ્રિસ્ત જેવા ગુણો કેળવવા તૈયાર હો તો, ખુશીથી તમને સોંપેલા દેશમાં જઈને પ્રચાર કરો. તમને એમાં ચોક્કસ ઘણા આશીર્વાદો મળશે.’ એમ કહીને ભાઈ હર્ડે પ્રવચન પૂરું કર્યું.—કોલોસી ૩:૧૪.
માર્ક નુમેર પોતે ગિલયડ સ્કૂલના એક શિક્ષક છે. તેમણે પ્રવચન આપ્યું કે “શું તમે તમારી સોંપણીની કદર કરતા રહેશો?” યહોવાહે આપણને જે ભલાઈ બતાવી છે એના વિષે તેમણે એ પ્રવચન આપ્યું. ગીતશાસ્ત્ર ૧૦૩:૨ કહે છે કે ‘હું યહોવાહની સ્તુતિ કરીશ, તેમના સર્વ કૃત્યો હું ભૂલીશ નહિ.’ યહોવાહે ઈસ્રાએલીઓને ચમત્કારિક રીતે માન્ના ખાવા આપ્યું. તેઓને એની કદર ન હતી. તેઓએ કહ્યું કે ‘આ હલકા અન્નથી અમે કંટાળી’ ગયા છીએ. (ગણના ૨૧:૫) સમય પસાર થતો ગયો તેમ એ માન્નાની કિંમત ઘટી ન હતી. પણ ઈસ્રાએલીઓની નજરમાં એની કોઈ કદર ન હતી. પછી નુમેરભાઈએ કહ્યું કે ‘બીજા દેશમાં પહોંચ્યા પછી પોતાને મળેલી સોંપણીની કદર નહિ કરો તો, યહોવાહે આપેલી સોંપણીમાં તમારું મન નહિ લાગે.’ ગીતશાસ્ત્ર ૧૦૩:૪ કહે છે કે યહોવાહ તમને “કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે.”
ભાઈ લોરેન્સ બોએન પણ ગિલયડ સ્કૂલના એક શિક્ષક છે. તેમણે પ્રવચન આપ્યું, “શું તમે યહોવાહના આશીર્વાદ પામવા લાયક બનશો?” એમાં તેમણે કહ્યું કે ગિલયડના ૧૧૯મા ક્લાસમાં સારા મિશનરિ બનવા ભાઈ-બહેનોએ સખત ટ્રેનિંગ લીધી છે. પણ હવે તેઓએ યહોવાહને અને તેઓને મળેલી સોંપણીને વળગી રહેવાની જરૂર છે. પ્રકટીકરણ ૧૪:૧-૪, ૧,૪૪,૦૦૦ વિષે આમ કહે છે, ‘હલવાન જ્યાં જાય છે તેની પાછળ તેઓ પણ જાય છે.’ તેઓ પર ગમે એ કસોટી આવે તોપણ તેઓ યહોવાહ અને ઈસુને વળગી રહે છે. જેથી પોતાને સોંપેલું કામ તેઓ પૂરું કરી શકે. પછી બોએનભાઈએ કહ્યું કે “આપણે પણ એ જ રીતે યહોવાહને વફાદાર રહેવું જોઈએ.” ગ્રેજ્યુએટ થએલા ભાઈ-બહેનો પણ એમ કરતા રહેશે તો તેઓ ચોક્કસ યહોવાહના આશીર્વાદો અનુભવશે.—પુનર્નિયમ ૨૮:૨.
તેઓને પ્રચારમાં થયેલા સારા અનુભવો
આ કોર્સ શરૂ કર્યા પછી દરેક વિદ્યાર્થી દર શનિ-રવિ પ્રચારમાં ભાગ લેતા હતા. ભાઈ વૉલેસ લીવરેન્સ ગિલયડ સ્કૂલના રજિસ્ટ્રાર છે. તેમણે જે રીતે પ્રવચન આપ્યું એનાથી દેખાઈ આવતું હતું કે આ ક્લાસના દરેક વિદ્યાર્થીઓ સારી રીતે પ્રચાર કામ કરી શકે છે. તેઓએ દસેક ભાષામાં યહોવાહના રાજ્ય વિષે વાત કરી હતી. તેઓમાંથી થોડા લોકો બાઇબલ સ્ટડી કરવા લાગ્યા છે. એ ક્લાસના એક યુગલે ચીની માણસ સાથે બાઇબલ સ્ટડી શરૂ કરી. તેને ત્રીજી વાર મળ્યા ત્યારે તેઓએ પૂછ્યું, ‘યહોવાહ વિષે શીખવાથી તમને કેવું લાગે છે?’ તેણે પોતાના બાઇબલમાં યોહાન ૧૭:૩ ખોલીને એ યુગલને વાંચવાનું કહ્યું. તેને લાગતું હતું કે અનંતજીવન તરફ દોરી જતા માર્ગ પર તે હવે ચાલી રહ્યો છે.
ઍન્થોની મોરીસ પણ ગવર્નિંગ બોડીના એક સભ્ય છે. તેમણે ત્રણ ભાઈઓના ઇન્ટરવ્યૂં લીધાં. એ ભાઈઓ ઇક્વેડોર, કોટ ડીવાંર, અને ડોમિનીકન રિપબ્લિકમાંથી આવ્યા હતા. તેઓ એ દેશોમાં બ્રાન્ચ કમિટીના સભ્યો છે. આ ક્લાસમાં ગ્રેજ્યુએટ થએલા વિદ્યાર્થીઓને તેઓએ ઉત્તેજન આપ્યું કે અમારા દેશની બ્રાન્ચ કમિટી તમારી કાગને ડોળે રાહ જોઈ રહી છે. તમે આવશો એટલે તમને સેટલ કરવા અમારાથી બનતું બધું જ કરીશું.
પછી યુનાઈટેડ સ્ટેટ્સના યહોવાહના સાક્ષીઓના બેથેલમાં સેવા આપતા લેનાર્ડ પિયરશને કૉંગો લોકશાહી પ્રજાસત્તાક, પાપુઆ ન્યૂ ગિની અને યુગાન્ડા દેશોમાંથી આવતા બ્રાન્ચ કમિટીના સભ્યોના ઇન્ટરવ્યૂં લીધા. તેઓએ ગ્રેજ્યુએટ થયેલા ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું કે તમને જ્યાં પણ મોકલવામાં આવે ત્યાં જઈને પ્રચારમાં મશગૂલ થઈ જજો. એક મિશનરિ યુગલે એકવીસેક વર્ષથી ઉપર કોંગોમાં મિશનરિ સેવા આપી છે. તેઓએ ૬૦ લોકોને યહોવાહના ભક્તો બનવા મદદ કરી છે. એ યુગલ આજે ૩૦ લોકોને બાઇબલમાંથી શીખવી રહ્યું છે. એમાંના ૨૨ જણ મંડળની દરેક સભાઓમાં જાય છે. હવે મિશનરિ તરીકે લોકોને મદદ કરવા જેવું બીજું કોઈ કામ નથી.
લોકો ખતરામાં હોવાથી પ્રચારમાં મંડ્યા રહીએ
પછી ગવર્નિંગ બોડીના એક સભ્ય ગેરીટ લૉશે છેલ્લું પ્રવચન આપ્યું: “ઈશ્વર વિષે લોકોને જણાવો અને ઈસુ પ્રભુ હોવાથી તેમના ન્યાયના દિવસની સાક્ષી આપો.” પ્રકટીકરણ પુસ્તકમાં સાક્ષી માટે, શાહેદ, શાહેદી, શાહેદો જેવા શબ્દો ૧૯ વાર મળી આવે છે. યહોવાહે તેમના ભક્તોને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તેઓએ કેવું કામ કરવાનું છે. યહોવાહ અને ઈસુ વિષે આપણે ક્યારે સાક્ષી આપવી જોઈએ? ઈશ્વરભક્ત યોહાને એના વિષે પ્રકટીકરણ ૧:૯, ૧૦માં કહ્યું: “પ્રભુને દહાડે.” એ દિવસની શરૂઆત ૧૯૧૪માં થઈ છે અને આવતા દિવસોમાં એ સમાપ્ત થશે. પ્રકટીકરણ ૧૪:૬-૭ પ્રમાણે યહોવાહનો પ્રચાર કરવા સ્વર્ગદૂતો પણ આપણને સાથ આપે છે. પ્રકટીકરણ ૨૨:૧૭ પ્રમાણે આખી દુનિયામાં ઈસુનો પ્રચાર કરવાની જવાબદારી કોની છે? પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્ત ખ્રિસ્તીઓની. તેમ છતાં આપણે દરેક એમાં પૂરો સાથ આપી શકીએ છીએ. પ્રકટીકરણ ૨૨:૨૦માં ઈસુ કહે છે કે “હું થોડી વારમાં આવું છું.” પછી ગ્રેજ્યુએશનમાં આવેલા સર્વ ભાઈ-બહેનોને ઉત્તેજન આપતા લૉશભાઈએ કહ્યું, “સર્વ લોકોને કહો કે ‘આવો ને જીવનનું પાણી મફત પીઓ.’ ઈસુ હવે જલદી જ આવશે. શું આપણે તેમને આવકારવા તૈયાર છીએ?”
ફ્રેડ રસ્ક ભાઈ જે ગિલયડ સ્કૂલમાં ૧૧ વર્ષથી શિક્ષક હતા, તેમણે પ્રોગ્રામ પૂરો કરતા દિલ ખોલીને યહોવાહને પ્રાર્થના કરી. તેમની પ્રાર્થના સાંભળીને બધાની આંખો ભરાઈ આવી. એ પ્રોગ્રામને અંતે ખુશીથી બધાનાં હૈયાં હરખાતાં હતાં.
[પાન ૧૩ પર બોક્સ]
ક્લાસની વિગત
કેટલા દેશોમાંથી આવ્યા? ૧૦
કેટલા દેશોમાં જશે? ૨૫
વિદ્યાર્થીઓની સંખ્યા: ૫૬
વિદ્યાર્થીઓની ઉંમર: સરેરાશ ૩૨.૫
સત્યમાં વર્ષો: સરેરાશ ૧૬.૪
ફૂલ-ટાઈમ સેવાનાં વર્ષો: સરેરાશ ૧૨.૧
[પાન ૧૫ પર ચિત્ર]
વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડનો ૧૧૯મો ક્લાસ
નીચે આપેલાં નામો આગળથી પાછળની લાઈનમાં અને દરેક લાઈનમાં ડાબેથી જમણે જાય છે.
(૧) હેલ્ગાસેન, એસ.; દાઉગાર, એચ.; પીએરલુસી, એ.; જોસેફ, આઈ.; રેકેનેલી, સી. (૨) બાર્જ, ટી.; બટલર, ડી.; ફ્રેડલન, જે.; નન્યસ, કે.; પાવાઝો, સી.; ડોમેન, ટી. (૩) કામાચો, ઓ.; લીન્ડ્કવીસ્ત, એલ.; બ્રૂમર, એ.; વેસેલ્સ, ઈ.; બર્ટન, જે.; વૂડહાઉસ, ઓ.; ડોમેન, એ.; (૪) તીરીઓન, એ.; કોનેલી, એલ.; ફર્નિયા, સી.; જીલ, એ.; યોન્સન; કે.; હેમિલ્ટન, એલ.; (૫) બ્યાર્ડ, ડી.; સ્ક્રીબ્નર, આઈ.; કામાચો, બી.; લાશીન્સ્કે, એચ.; હેલીહેન, એમ.; લેબુડા, ઓ. (૬) જોસેફ, એ.; લીન્ડ્કવીસ્ત, એમ.; હેલ્ગાસેન, સી.; નન્યસ, ડી.; સ્ક્રીબ્નર, એસ.; ફર્નિયા, જે. (૭) પીએરલુસી, એફ.; પાવાઝો, ટી.; બ્રૂમર, સી.; રેકેનેલી, પી.; બટલર, ટી.; વૂડહાઉસ, એમ.; લેબુડા, જે. (૮) લાશીન્સ્કે, એમ.; ફ્રીડલન, એસ.; બર્ટન, ઈ.; તીરીઓન, એમ.; બ્યાર્ડ, એમ.; બાર્જ, જે. (૯) વેસેલ્સ, ટી.; હેલીહેન, ડી.; કોનેલી, એસ.; જીલ, ડી.; દાઉગાર, પી.; હેમિલ્ટન, એસ.; યોન્સન, ટી.