સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ જેવી ધીરજ બતાવો

યહોવાહ જેવી ધીરજ બતાવો

યહોવાહ જેવી ધીરજ બતાવો

‘ઈશ્વર પોતે આપેલું વચન પૂર્ણ કરવામાં ઢીલ કરતા નથી. એને બદલે તે ધીરજ રાખે છે.’—૨ પીતર ૩:૯, પ્રેમસંદેશ.

૧. યહોવાહે આપણને કેવી ભેટની ઑફર કરી છે?

 યહોવાહ પરમેશ્વરે આપણને એક એવી ભેટ આપી છે, જે બીજું કોઈ આપી શકતું નથી. આ ભેટ બહુ મૂલ્યવાન છે. એ પૈસાથી ખરીદી શકાતી નથી કે મહેનતથી કમાઈ શકાતી નથી. એ ભેટ છે, હંમેશ માટેનું જીવન, અમર જીવન! આપણામાંના મોટા ભાગના માટે સુંદર પૃથ્વી પર સદા માટેનું જીવન. દુઃખ-દર્દમાં નહિ, પણ સુખ-શાંતિમાં! (યોહાન ૩:૧૬) એ જીવન કેટલું સરસ હશે! ત્યારે લડાઈ, હિંસા, ગરીબી, અપરાધ, બીમારી અને મરણને જડમૂળથી મિટાવી દેવામાં આવશે. એના લીધે તો માણસ પર દુઃખોનો પહાડ તૂટી પડે છે. પણ યહોવાહના રાજમાં બધા લોકો શાંતિમાં અને સંપથી રહેશે. આપણે આવું જીવન પામવા કેટલા બેતાબ છીએ!—યશાયાહ ૯:૬, ૭; પ્રકટીકરણ ૨૧:૪, ૫.

૨. શા માટે યહોવાહે શેતાનની આ દુનિયાનો હજુ નાશ કર્યો નથી?

પૃથ્વી પર સુખ-શાંતિ આવે એવી દુનિયા લાવવા યહોવાહ પણ ખૂબ આતુર છે. આખરે યહોવાહ પણ ઇન્સાફના ચાહક છે. જે ખરું છે એ જ ચાહે છે. (ગીતશાસ્ત્ર ૩૩:૫) આજે દુનિયામાં લોકોને ક્યાં ઈશ્વરનો ડર છે? અરે, લોકો તો ઈશ્વરની સામા થાય છે અને તેના લોકોને હેરાન-પરેશાન કરે છે. પોતાના ઇન્સાફને ઊંધો વળી ગયેલો જોઈને, યહોવાહને કંઈ મજા આવતી નથી. આ બધું જોઈને પણ તેમણે શેતાનની દુનિયાનો નાશ નથી કર્યો, એ માટે સારાં કારણો પણ છે. શેતાને યહોવાહની સત્તા સામે પડકાર ફેંક્યો છે. તેમને રાજ કરવાનો કોઈ હક્ક નથી અને માણસને તેમના રાજની કોઈ જરૂર નથી, એવું શેતાનનું માનવું છે. હવે એ સાબિત થવું જોઈએ કે વિશ્વના માલિક કોણ છે. એમ કરતી વખતે યહોવાહનો બીજો એક મોતી જેવો ગુણ ચમકી ઊઠે છે, જે આપણને હજુ પણ તેમના તરફ વધારે ખેંચે છે. આ ગુણ મોટા ભાગના લોકોમાં આજે જોવા મળતો નથી. એ ધીરજ છે.

૩. (ક) બાઇબલમાં “ધીરજ” ભાષાંતર થયેલા મૂળ ગ્રીક અને હિબ્રૂ શબ્દનો અર્થ શું છે? (ખ) હવે આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

ધીરજ માટેના ગ્રીક શબ્દનું અમુક વાર બાઇબલમાં “સહનશીલતા” ભાષાંતર કરવામાં આવે છે. “ધીરજ” માટેના મૂળ ગ્રીક અને હિબ્રૂ શબ્દનો અર્થ સરખો જ છે: સહન કરવું અને જલદી ગુસ્સે ન થવું. યહોવાહની ધીરજથી આપણને કઈ રીતે લાભ થાય છે? યહોવાહ અને તેમના ભક્તોની ધીરજમાંથી આપણે શું શીખી શકીએ? આપણે કઈ રીતે જાણી શકીએ કે યહોવાહની ધીરજની પણ એક હદ છે? ચાલો આપણે આ સવાલોની ચર્ચા કરીએ.

યહોવાહની ધીરજનો વિચાર કરો

૪. યહોવાહની ધીરજ વિષે પીતરે શું કહ્યું?

યહોવાહની ધીરજ વિષે ઈશ્વર ભક્ત પીતરે લખ્યું: “વહાલાઓ, આ એક વાત તમે ભૂલી ન જાઓ, કે પ્રભુની નજરમાં એક દિવસ હજાર વર્ષોના જેવો, અને હજાર વરસો એક દિવસના જેવાં છે. વિલંબનો જેવો અર્થ કેટલાએક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી; પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.” (૨ પીતર ૩:૮, ૯) યહોવાહની ધીરજ સારી રીતે સમજવા, અહીં આપેલાં બે કારણો પર ધ્યાન આપો.

૫. યહોવાહ પર સમયનું કોઈ બંધન નથી, આ હકીકતની તે જે કંઈ કરે છે એના પર કેવી અસર પડે છે?

યહોવાહ આપણી જેમ સમયની ગણતરી કરતા નથી. યહોવાહ હંમેશા જીવે છે. તેથી તેમના માટે એક હજાર વર્ષ એક દિવસ જેવાં છે. તેમના પર સમયનું કોઈ બંધન નથી. એનો અર્થ એવો પણ નથી કે યહોવાહ પોતાનું વચન પાળવામાં મોડું કરે. યહોવાહ જેવી સૂઝ-સમજ કોની પાસે છે! તે જાણે છે કે પોતાનું કયું વચન ક્યારે પાળવું જોઈએ. અને એનો સૌથી સારો સમય કયો છે, જેનાથી બધાને લાભ થાય. પછી ધીરજથી યહોવાહ એ સમયની રાહ જુએ છે. એ દરમિયાન આપણા પર મુશ્કેલીઓ આવે તો, આપણે એમ ન વિચારવું કે યહોવાહ કઠોર છે, પથ્થરદિલ છે. બસ તે ચૂપચાપ જોયા કરે છે. ના. યહોવાહ તો ‘દયાના’ સાગર છે અને તે પોતે પ્રેમ છે. (લુક ૧:૭૮; ૧ યોહાન ૪:૮) પરમેશ્વર જે દુઃખ તકલીફો થોડો સમય ચાલવા દે છે, એમાં આપણને થયેલા નુકસાન વિષે શું? યહોવાહ એના કોઈ પણ નિશાન હંમેશ માટે મિટાવી દઈ શકે છે અને તે એમ જ કરશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦.

૬. આપણે પરમેશ્વર વિષે શું વિચારવું ન જોઈએ અને શા માટે?

જેના વિષે આપણને બહુ ઇંતેજારી હોય, એની રાહ જોવી બહુ અઘરું છે. (નીતિવચનો ૧૩:૧૨) લોકો વચન આપે પણ જલદીથી પાળે નહિ, ત્યારે બીજાઓને લાગી શકે કે એ કંઈ કરવાના નથી. પરંતુ યહોવાહ વિષે એવું વિચારી જ કેમ શકાય! આપણે પરમેશ્વરની ધીરજને એવું સમજીએ કે તે બહુ મોડું કરે છે તો શું થઈ શકે? સમય જતા આપણા મનમાં શંકા ઊભી થઈ શકે. આપણે નિરાશ થઈ શકીએ. આપણે પરમેશ્વરની ભક્તિમાં ઠંડા પડી શકીએ. અરે, આપણે પણ મશ્કરી કરનારા બનીને સત્યથી મોં ફેરવી લઈશું. પીતરે એવા લોકો વિષે ચેતવણી આપી હતી, જેઓ કહે છે: “ઈસુએ પાછા આવવાનું વચન આપેલું તેનું શું થયું? તે આવ્યા કે નહિ? કેમ કે દુનિયાના આરંભથી જે હતું તે બધું આજે પણ તેવું ને તેવું જ છે.”—બીજો પિતર ૩:૪, IBSI.

૭. યહોવાહ ધીરજ રાખીને કઈ રીતે બતાવે છે કે લોકો સુધરે એવું તે ચાહે છે?

પીતરના શબ્દોમાં આપણને યહોવાહની ધીરજનું બીજું કારણ જોવા મળે છે: યહોવાહ ચાહે છે કે બધા લોકો પસ્તાવો કરીને ખોટા માર્ગોથી પાછા ફરે. જેઓ જાણીજોઈને ખરાબ માર્ગોમાં ચાલતા રહે છે, તેઓ યહોવાહને હાથે માર્યા જશે. પણ યહોવાહને તો કોઈ દુષ્ટ માર્યો જાય, એમાં પણ ખુશી થતી નથી. એને બદલે લોકો પસ્તાવો કરે, ખોટા માર્ગો છોડી દે, જીવતા રહે, એનાથી યહોવાહ બહુ ખુશ થાય છે. (હઝકીએલ ૩૩:૧૧) એટલે યહોવાહ ધીરજ ધરે છે. પોતાના ભક્તો દ્વારા આખી દુનિયામાં શુભસંદેશો જણાવે છે. જેથી લોકોને કાયમ માટે, હા, કાયમ માટે જીવવાનો મોકો મળે.

૮. ઈસ્રાએલીઓ સાથેના વ્યવહારથી આપણે યહોવાહની ધીરજ વિષે શું શીખી શકીએ?

પ્રાચીન ઈસ્રાએલ જાતિ સાથેના વ્યવહારથી પણ આપણને પરમેશ્વરની ધીરજ જોવા મળે છે. સદીઓ સુધી ઈસ્રાએલીઓ યહોવાહની આજ્ઞા વારંવાર તોડતા રહ્યા. યહોવાહે એ સહન કર્યું. યહોવાહે વારંવાર પોતાના પ્રબોધકો દ્વારા તેમને વિનંતી કરી: ‘તમે તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, અને જે સર્વ નિયમશાસ્ત્ર મેં તમારા બાપદાદાઓને ફરમાવ્યું હતું, ને જે મેં મારા સેવક પ્રબોધકો દ્વારા તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ તમે પાળો.’ ઈસ્રાએલીઓએ શું કર્યું? અફસોસ કે ‘તેઓએ સાંભળ્યું નહિ.’—૨ રાજાઓ ૧૭:૧૩, ૧૪.

૯. ઈસુએ પોતાના પિતા જેવી ધીરજ કેવી રીતે બતાવી?

આખરે યહોવાહે પોતાના પુત્રને મોકલ્યો. ઈસુએ યહુદીઓને વારંવાર અરજ કરી કે પરમેશ્વરનું સાંભળો. ઈસુએ પોતાના પિતાની જેમ જ ધીરજ બતાવી. ઈસુ જાણતા હતા કે તેમને થોડા સમયમાં મારી નાખવામાં આવશે. તેથી તેમણે કહ્યું: “ઓ યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ.” (માત્થી ૨૩:૩૭) કંઈ સજા કરવાના ઈરાદે બોલેલા, પથ્થરદિલ ન્યાયાધીશના શબ્દો નથી. પરંતુ, એક ધીરજવાન પ્રેમાળ મિત્રના શબ્દો છે. ઈસુ પોતાના પિતાની જેમ જ ચાહતા હતા કે લોકો પસ્તાવો કરે અને આવનાર વિનાશથી બચી જાય. અમુક યહુદીઓએ ઈસુની ચેતવણી માની. તેથી તેઓ ૭૦ની સાલમાં યરૂશાલેમ પર આવેલા ભયાનક વિનાશથી બચી ગયા.—લુક ૨૧:૨૦-૨૨.

૧૦. પરમેશ્વરની ધીરજથી આપણને શું લાભ થયો છે?

૧૦ ખરેખર, યહોવાહની ધીરજનો કોઈ પાર નથી. મનુષ્યો એક પછી એક ઈશ્વરની આજ્ઞાઓ તોડીને, ઈશ્વર ધિક્કારે છે એવાં કામોમાં ડૂબતા જાય છે. તોપણ યહોવાહ ધીરજ રાખે છે. તે આપણને બધાને મોકો આપે છે કે તેમને સારી રીતે ઓળખીએ. જેથી, આપણો ઉદ્ધાર થાય. પીતરે પોતાના સાથી ભાઈબહેનોને લખ્યું: “આપણા પ્રભુની ધીરજને ઉદ્ધારની તક માનો.” (૨ પીતર ૩:૧૫, પ્રેમસંદેશ) યહોવાહનો કેટલો મોટો ઉપકાર કે તેમણે ધીરજ રાખી, જેથી આપણા ઉદ્ધારનો માર્ગ ખૂલ્યો છે. યહોવાહને દિલથી પ્રાર્થના કરીએ છીએ કે આપણે તેમની સેવા કરીએ તેમ તે હજુ પણ આપણી સાથે ધીરજથી વર્તે.—માત્થી ૬:૧૨.

૧૧. યહોવાહ કેમ ધીરજ રાખે છે, એ સમજવાથી આપણે શું કરીશું?

૧૧ યહોવાહ કેમ ધીરજ રાખે છે, એ આપણે સમજ્યા. હવે આપણે ધીરજથી એ સમયની રાહ જોઈ શકીએ, જ્યારે યહોવાહ આપણો ઉદ્ધાર કરશે. સાથે સાથે કદીયે એમ શંકા નહિ કરીએ કે યહોવાહ પોતાનાં વચનો પાળશે કે નહિ. (યિર્મેયાહનો વિલાપ ૩:૨૬) આપણે પ્રાર્થના કરીએ છીએ કે યહોવાહનું રાજ્ય આવે. પછી પૂરો ભરોસો રાખીશું કે એનો ક્યારે જવાબ આપવો, એ યહોવાહ જાણે છે. મંડળના ભાઈ-બહેનોને અને પ્રચારમાં લોકોને પણ આપણે યહોવાહ જેવી ધીરજ બતાવીશું. આપણે નથી ચાહતા કે કોઈનો નાશ થાય. પરંતુ, લોકો પસ્તાવો કરે અને તેઓ પણ હંમેશા જીવે, એવું આપણે ચાહીએ છીએ.—૧ તીમોથી ૨:૩, ૪.

ઈશ્વરભક્તોની ધીરજનો વિચાર કરો

૧૨, ૧૩. યાકૂબ ૫:૧૦ પ્રમાણે યશાયાહ કઈ રીતે ધીરજ બતાવીને સફળ થયા?

૧૨ યહોવાહની ધીરજ વિષે જાણીને, આપણે એની કદર કરીએ છીએ. સાથે સાથે આપણે પણ ધીરજ રાખતા શીખીએ છીએ. ખરું કે આપણે માણસ માત્ર, ભૂલને પાત્ર છીએ. એટલે ધીરજ રાખવાનું આપણને અઘરું લાગે છે. પરંતુ આપણે ધીરજ કેળવી શકીએ છીએ. કઈ રીતે? જૂના જમાનાના ઈશ્વરભક્તોના દાખલા પરથી શીખીને. ઈશ્વરભક્ત યાકૂબે લખ્યું: “મારા ભાઈઓ, દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા, તેઓનો દાખલો લો.” (યાકૂબ ૫:૧૦) બીજાઓ આપણા જેવી જ મુશ્કેલીઓ સહેતા હતા. છતાંય તેઓ પોતાના કામમાં સફળ થયા, એ જાણીને કેટલો દિલાસો મળે છે, કેટલું ઉત્તેજન મળે છે.

૧૩ ઈશ્વરભક્ત યશાયાહનો વિચાર કરો. તેમના કામમાં ખૂબ ધીરજની જરૂર હતી. યહોવાહે તો એમ પણ કહ્યું હતું: “જા, ને આ લોકને કહે, કે સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો. આ લોકના મન જડ કર, ને તેમના કાન ભારે કર, ને તેમની આંખો મીંચાવ; રખેને તેઓ આંખોથી જુએ, કાનથી સાંભળે, અને મનથી સમજે, અને પાછા ફરીને સાજા કરાય.” (યશાયાહ ૬:૯, ૧૦) લોકોએ યશાયાહના સંદેશા તરફ આંખ આડા કાન કર્યા. તોપણ યશાયાહે ધીરજ રાખીને લગભગ ૪૬ વર્ષ સુધી, યહોવાહની ચેતવણીનો સંદેશો લોકોને સંભળાવ્યો. એવી જ રીતે, ધીરજ રાખીને, આપણે પણ રાજ્યનો શુભસંદેશ જણાવતા રહીશું. પછી ભલે લોકો સાંભળે કે ન સાંભળે.

૧૪, ૧૫. સતાવણી સહેવા અને નિરાશામાં પણ ખુશ રહેવા યિર્મેયાહને ક્યાંથી મદદ મળી?

૧૪ લોકોએ ઈશ્વરભક્તોનો સંદેશો તો ન સાંભળ્યો, ઉપરથી તેઓની સતાવણી પણ કરી. જેમ કે ઈશ્વરભક્ત યિર્મેયાહના પગ લાકડાની હેડમાં ઠોક્યા હતા. એક ‘ઘરમાં કેદી’ પણ બનાવી દેવાયા હતા. કાદવના ટાંકાંમાં પણ ફેંકી દેવાયા હતા. (યિર્મેયાહ ૨૦:૨; ૩૭:૧૫; ૩૮:૬) યિર્મેયાહ મદદ કરવા ચાહતા હતા એ લોકોએ જ તેમની સતાવણી કરી. તોપણ, યિર્મેયાહે કોઈ કડવાશ ન રાખી કે બદલો ન લીધો. એના બદલે યિર્મેયાહે વર્ષો સુધી ધીરજ બતાવી.

૧૫ સતાવણી કે ઠઠ્ઠા-મશ્કરીથી યિર્મેયાહનું મોં બંધ થયું નહિ અને આપણે પણ ચૂપ બેસી રહીશું નહિ. ખરું કે આપણે પણ અમુક સંજોગોમાં યિર્મેયાહની જેમ નિરાશ થઈ શકીએ. તેમણે લખ્યું: ‘યહોવાહનું વચન બોલ્યાને લીધે આખો દિવસ મારી નિંદા તથા તિરસ્કાર થાય છે. તેને વિષે હું વાત કરીશ નહિ, ને તેને નામે ફરી બોલીશ નહિ.’ પણ શું થયું? શું યિર્મેયાહે પ્રચાર કરવાનું બંધ કરી દીધું? તે આગળ કહે છે: “મારા હાડકાંમાં બળતો અગ્‍નિ સમાએલો હોય, એવી મારા હૃદયમાં [પરમેશ્વરના વચનને લીધે] પીડા થાય છે, અને મુંગા રહેતાં મને કંટાળો આવે છે: હું બોલ્યા વગર રહી શકતો નથી.” (યિર્મેયાહ ૨૦:૮, ૯) જ્યારે મશ્કરી કરનારાઓનો વિચાર કર્યો, ત્યારે યિર્મેયાહની ખુશી છીનવાઈ ગઈ. પણ યહોવાહનો સંદેશો કેટલો મહત્ત્વનો છે એનો વિચાર કરીને, તેમની ખુશી બમણી થઈ ગઈ. વળી યહોવાહ ‘પરાક્રમી અને ભયાનક વીરની’ જેમ યિર્મેયાહની સાથે હતા. તેમણે યિર્મેયાહને શક્તિ આપી કે તે પૂરા જોશ અને હિંમતથી પરમેશ્વરનો સંદેશ જાહેર કરે.—યિર્મેયાહ ૨૦:૧૧.

૧૬. રાજ્યનો સંદેશો જણાવવામાં આપણે કઈ રીતે ખુશ રહી શકીએ?

૧૬ શું ઈશ્વરભક્ત યિર્મેયાહ પોતાના કામથી ખુશ હતા? ચોક્કસ! તેમણે યહોવાહને કહ્યું: ‘તારાં વચનો મને મળ્યાં ને મેં તેઓને ખાધાં; અને તારાં વચનોથી મારા હૃદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્‍ન થયો; કેમ કે, હે યહોવાહ, તારા નામથી હું ઓળખાઉં છું.’ (યિર્મેયાહ ૧૫:૧૬) યિર્મેયાહ સાચા પરમેશ્વરના ભક્ત તરીકે ઓળખાયા. તેમનો સંદેશો જાહેર કર્યો. એનાથી તે બહુ ખુશ હતા. આપણને પણ એવી જ ખુશી થાય છે. દુનિયામાં ઘણા લોકો રાજ્યનો સંદેશો માને છે. પસ્તાવો કરે છે અને હંમેશ માટે સુખી જીવનના માર્ગે ચાલે છે. એનાથી સ્વર્ગદૂતોની જેમ આપણને પણ કેટલી ખુશી મળે છે!—લુક ૧૫:૧૦.

‘અયૂબની સહનશક્તિ’

૧૭, ૧૮. અયૂબે કઈ રીતે સહન કર્યું અને એનાથી તેમને શું લાભ થયો?

૧૭ અગાઉના ઈશ્વરભક્તો વિષે જણાવ્યા પછી, યાકૂબે લખ્યું: “તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે, અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે, કે પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.” (યાકૂબ ૫:૧૧) આ કલમમાં “સહનતા” ભાષાંતર થયું છે. જ્યારે યાકૂબ ૫:૧૦માં “ધીરજ.” આ બંને શબ્દોના મૂળ ગ્રીક શબ્દો થોડા અલગ છે. કઈ રીતે? એ વિષે એક વિદ્વાન કહે છે: “લોકો જ્યારે આપણી સાથે ખરાબ વર્તન કરે, ત્યારે આપણે ધીરજથી સહન કરીએ છીએ. બીજું કે જ્યારે આપણે મુશ્કેલીમાં પણ હિંમત ન હારીએ, ત્યારે આપણે ધીરજથી સહન કરીએ છીએ.”

૧૮ અયૂબે પહાડ જેવી મુશ્કેલીઓ સહન કરી હતી. તેમની માલ-મિલકત લૂંટાઈ ગઈ, બધાં બાળકો માર્યાં ગયાં. તે પોતે પણ ખૂબ પીડા આપે એવી બીમારીનો ભોગ બન્યા. વધુમાં, યહોવાહે તેમને સજા કરી છે એવો ખોટો આરોપ મૂકવામાં આવ્યો. અયૂબે આ બધું કંઈ ચૂપચાપ સહન ન કર્યું. તેમણે પોતાના દુઃખનો વિલાપ કર્યો. અરે, તેમણે પોતાને પરમેશ્વર કરતાં વધારે ન્યાયી ગણ્યા. (અયૂબ ૩૫:૩) જો કે તેમણે વિશ્વાસ ગુમાવ્યો ન હતો. તે યહોવાહને વળગી રહ્યા. શેતાને યહોવાહને દાવો કર્યો હતો તેમ, અયૂબે પરમેશ્વરને શાપ આપ્યો નહિ. (અયૂબ ૧:૧૧, ૨૧) એનું શું પરિણામ આવ્યું? યહોવાહે અયૂબને “અગાઉના સમય કરતાં વધારે આશીર્વાદ પાછલા સમયમાં આપ્યો.” (યોબ ૪૨:૧૨, IBSI) યહોવાહે અયૂબની બીમારી દૂર કરી, બમણી ધન-દોલત આપી. યહોવાહે અયૂબનું ઘર ફરીથી ખુશીઓથી ભરી દીધું. તેમની બાકીની જિંદગી બાળકો સાથે આરામથી ગુજરી. અયૂબે યહોવાહને વળગી રહેવા ખૂબ સહન કર્યું હતું. એનાથી તે યહોવાહને વધારે સારી રીતે સમજી શક્યા.

૧૯. અયૂબે ધીરજથી સહન કર્યું એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૯ અયૂબે ધીરજથી સહન કર્યું, એનાથી આપણે શું શીખી શકીએ? અયૂબની જેમ આપણે પણ બીમારી કે બીજી મુશ્કેલીઓનો ભોગ બની શકીએ. એ વખતે કદાચ આપણને નહિ સમજાય કે શા માટે યહોવાહ આવી મુશ્કેલીઓ આવવા દે છે. તોપણ આપણે એક વાતની જરૂર ખાતરી રાખી શકીએ: આપણે યહોવાહને વળગી રહીશું તો, તે જરૂર આપણને આશીર્વાદ આપશે. યહોવાહને શોધીને તેમના માર્ગે ચાલનારાને તે જરૂર આશીર્વાદ આપે છે. (હેબ્રી ૧૧:૬) ઈસુએ કહ્યું: “અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે.”—માત્થી ૧૦:૨૨; ૨૪:૧૩.

‘યહોવાહનો દિવસ ચોક્કસ આવશે’

૨૦. યહોવાહનો દિવસ ચોક્કસ આવશે એની શું ખાતરી છે?

૨૦ યહોવાહ ધીરજ રાખે જ છે, સાથે સાથે ન્યાય કરનારા પરમેશ્વર પણ છે. તે હંમેશ માટે દુષ્ટતાને સહન નહીં કરે. તેમની ધીરજની પણ એક હદ છે. પીતરે લખ્યું: ‘પહેલાના જગતને પણ ઈશ્વરે શિક્ષા કરી હતી.’ ફક્ત નુહ અને તેમનું કુટુંબ બચી ગયું, બાકી આખી દુનિયા જળપ્રલયમાં તણાઈ ગઈ. એ પછી યહોવાહે સદોમ તથા ગમોરાહ શહેરોને બાળીને ભસ્મ કર્યાં. આ બનાવો દુષ્ટ લોકોને “ઉદાહરણ આપવા સારું” હતા. એનાથી આપણે ખાતરી રાખી શકીએ કે ચોક્કસ ‘યહોવાહનો દિવસ આવશે.’—૨ પીતર ૨:૫, ૬; ૩:૧૦.

૨૧. આપણે ધીરજ રાખીને કઈ રીતે સહન કરી શકીએ? આપણે હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૨૧ ચાલો આપણે પણ યહોવાહ જેવી ધીરજ બતાવીએ. લોકો આવનાર વિનાશમાંથી બચી શકે એ માટે તેઓને મદદ કરીએ, જેથી તેઓ પસ્તાવો કરે. આપણે પહેલાના ઈશ્વરભક્તોની જેમ ધીરજ રાખીને લોકોને રાજ્યનો સંદેશો જણાવીએ, ભલેને લોકો સાંભળે કે ન સાંભળે. અયૂબની જેમ દરેક મુશ્કેલીઓ સહન કરીને ઈશ્વરના માર્ગ પર ચાલતા રહીશું તો, યહોવાહ ચોક્કસ આપણા પર આશીર્વાદો વરસાવશે. પરમેશ્વરના લોકોએ આખી દુનિયામાં ખુશખબરી ફેલાવવા માટે જે મહેનત કરી છે એને યહોવાહે પુષ્કળ આશીર્વાદ આપ્યો છે. એના પર વિચાર કરીએ ત્યારે, આપણને યહોવાહની ભક્તિમાં ખૂબ આનંદ મળે છે. એ વિષે આપણે હવે પછીના લેખમાં ચર્ચા કરીશું. (w06 2/1)

શું તમને યાદ છે?

• યહોવાહ શા માટે ધીરજ રાખે છે?

• ઈશ્વરભક્તોની ધીરજથી આપણે શું શીખી શકીએ?

• અયૂબે કઈ રીતે સહનશીલતા બતાવી? અને તેમને શું લાભ થયો?

• આપણે કઈ રીતે જાણી શકીએ કે યહોવાહની ધીરજની પણ એક હદ છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૮ પર ચિત્ર]

ઈસુએ તેમના પિતા યહોવાહ જેવી જ ધીરજ બતાવી

[પાન ૨૦ પર ચિત્ર]

યહોવાહે યિર્મેયાહની ધીરજ માટે કેવો આશીર્વાદ આપ્યો?

[પાન ૨૧ પર ચિત્ર]

અયૂબે જે સહન કર્યું એનું યહોવાહે કેવું ઇનામ આપ્યું?