સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મંડળો વધારે દૃઢ થાય છે

મંડળો વધારે દૃઢ થાય છે

મંડળો વધારે દૃઢ થાય છે

‘ત્યારે મંડળી દૃઢ થઈને શાંતિ પામી.’—પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૧.

૧. ‘દેવની મંડળી’ વિષે કેવા પ્રશ્નો ઊભા થાય છે?

 પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં યહોવાહે એક નવી પ્રજાને પસંદ કરી. આ પ્રજા ઈસુના શિષ્યોથી બનેલી હતી અને એ “દેવના ઈસ્રાએલ” તરીકે ઓળખાઈ. (ગલાતી ૬:૧૬) આ ખાસ અભિષિક્ત લોકો પર યહોવાહનો આશીર્વાદ હતો. બાઇબલ તેઓને ‘દેવની મંડળી’ તરીકે પણ ઓળખાવે છે. (૧ કોરીંથી ૧૧:૨૨) પણ એનો અર્થ શું થાય? ‘દેવની મંડળીʼની ગોઠવણ કેવી રીતે કરવામાં આવી છે? એના સભ્યો પૃથ્વીના ખૂણે ખૂણે હોય તો એ કઈ રીતે એકમતે યહોવાહની સેવા કરી શકશે? આ મંડળની ગોઠવણ આપણા જીવનને કેવી રીતે અસર કરે છે? એનાથી આપણને શું લાભ થાય છે?

૨, ૩. ઈસુએ કેવી રીતે બતાવ્યું કે મંડળને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવશે?

આપણે પહેલા લેખમાં જોઈ ગયા કે ઈસુએ ભાખ્યું હતું તેમ અભિષિક્ત ખ્રિસ્તીઓનું મંડળ હશે. એના વિષે તેમણે પીતરને કહ્યું કે “આ પથ્થર [જે ઈસુ ખ્રિસ્ત છે] પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરૂદ્ધ હાડેસની સત્તાનું જોર નહિ ચાલે.” (માત્થી ૧૬:૧૮) ઈસુએ શિષ્યોને એ પણ જણાવ્યું કે નજીકમાં સ્થપાનાર આ મંડળમાં કેવી ગોઠવણો હશે ને કેવી રીતે કામ કરશે.

ઈસુએ પોતાના દાખલા અને શિક્ષણથી શીખવ્યું કે એ મંડળમાં અમુક ભાઈઓ આગેવાની લેશે. તેઓ એ મંડળના બીજા સભ્યોની સેવા કરશે, તેઓની સંભાળ રાખશે. ઈસુએ કહ્યું: “તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા કહેવાય છે, તેઓ તેમના પર ધણીપણું કરે છે; અને તેઓમાં જે મોટા તેઓ તેમના પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એમ નથી; પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય; અને જે કોઈ પ્રથમ થવા ચાહે તે સહુનો દાસ થાય.” (માર્ક ૧૦:૪૨-૪૪) આ કલમો બતાવે છે કે ‘દેવની મંડળી’ કંઈ આમતેમ વિખેરાયેલી નહિ હોય. ભલે એના સભ્યો એકબીજાથી દૂર રહેતા હોય, તોપણ તેઓ બધા સંપથી, એકમતે, ભેગા મળીને ઈશ્વરની સેવા કરશે. મંડળ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવશે.

૪, ૫. આપણને કેવી રીતે ખબર છે કે મંડળના સભ્યોને યહોવાહ અને બાઇબલ વિષે સત્ય શીખવવાની જરૂર પડશે?

ઈસુ ખ્રિસ્ત ‘દેવની મંડળીના’ શિર છે. તેમણે કહ્યું હતું કે તેમના હાથ નીચે શીખેલા અમુક શિષ્યોને એ મંડળમાં વધારે જવાબદારી મળશે. કેવી જવાબદારી? મંડળના બીજા સભ્યોને સત્યનું જ્ઞાન શીખવવાની. સજીવન થયા પછી ઈસુએ બીજા શિષ્યોની હાજરીમાં પીતરને કહ્યું: ‘યોહાનના દીકરા સીમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?’ પીતરે કહ્યું: ‘હા, પ્રભુ; તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું.’ ઈસુએ કહ્યું: ‘મારાં હલવાનોને પાળ. મારાં ઘેટાંને સાચવ. મારાં ઘેટાંને પાળ.’ (યોહાન ૨૧:૧૫-૧૭) પીતરને કેટલી મોટી જવાબદારી મળી!

ઈસુના શબ્દો પરથી આપણે સમજી શકીએ છીએ કે મંડળના સભ્યોમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પણ આવી જાય છે. ઈસુના એ શિષ્યો ઘેટાં તરીકે ઓળખાય છે. તેઓને યહોવાહ અને બાઇબલનું સત્ય શીખવવા, તેઓની સંભાળ રાખવા મંડળમાં અમુકને જવાબદારી મળવાની હતી. ઈસુએ એ પણ કહ્યું હતું કે મંડળના દરેક સભ્યોએ બીજા શિષ્યો બનાવવા કોશિશ કરવી પડશે. તેથી જેમ નવી વ્યક્તિઓ મંડળ સાથે જોડાઈ તેમ તેઓને પણ એ કામ નિભાવવા માટે શિક્ષણની જરૂર પડી.—માત્થી ૨૮:૧૯, ૨૦.

૬. યહોવાહે તેમના નવા મંડળમાં કેવી ગોઠવણ કરી હતી?

“દેવની મંડળી” શરૂ થઈ પછી એના સભ્યો નિયમિત રીતે શિક્ષણ ને ઉત્તેજન માટે ભેગા મળતા. બાઇબલ કહે છે કે ‘તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, જમવામાં તથા પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહ્યાં.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૨, ૪૬, ૪૭) આ અહેવાલમાં એક બીજી મહત્ત્વની વિગત પણ જોવા મળે છે. એ જ કે અમુક અનુભવી ભાઈઓને વધારે કામ સોંપવામાં આવ્યું હતું. મંડળના બધા ભાઈઓમાંથી કેમ અમુકને જ વધારે જવાબદારી મળી? શું તેઓનું ભણતર ને આવડત બીજા કરતાં વધારે સારા હતા એટલે? ના. એ માણસો “પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર” હોવાથી એ જવાબદારી મળી હતી. તેઓમાં એક સ્તેફનભાઈ હતા. બાઇબલ કહે છે કે તે “વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર” હતા. તેમના જેવા અનુભવી વડીલોની ગોઠવણને લીધે “દેવની વાતનો પ્રચાર થતો ગયો, અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ.”—પ્રેરિતોનાં કૃત્યો ૬:૧-૭.

યહોવાહ અમુક માણસોનો વધુ ઉપયોગ કરે છે

૭, ૮. (ક) જૂના જમાનામાં યરૂશાલેમના પ્રેરિતો અને અમુક વડીલો કઈ જવાબદારી નિભાવતા હતા? (ખ) મંડળોને સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું ત્યારે એનું શું પરિણામ આવ્યું?

પ્રથમ સદીમાં મંડળ શરૂ થયું ત્યારે એમાં અમુક પ્રેરિતોએ આગેવાની લીધી હતી. પછી બીજા ભાઈઓએ પણ એ જવાબદારી નિભાવી. એક વખત પાઊલ ને તેમના દોસ્તો અરામી અંત્યોખ પાછા ગયા. એના વિષે પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૭ કહે છે: “તેઓએ ત્યાં આવીને મંડળીને એકઠી કરીને જે જે કામ દેવે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, . . . બધું કહી સંભળાવ્યું.” તેઓ એ મંડળ સાથે સંગત રાખતા હતા એ દરમિયાન એક મોટો પ્રશ્ન ઊભો થયો. બિનયહુદીમાંથી ઈસુના શિષ્યો બન્યા હતા તેઓએ સુન્‍નત કરાવવી જોઈએ કે નહિ? આનો જવાબ મેળવવા, એ મંડળે પાઊલ અને બાર્નાબાસને “યરૂશાલેમમાંના પ્રેરિતો તથા વડીલો પાસે” મોકલ્યા. યરૂશાલેમમાં આ ભાઈઓનું ગ્રૂપ એ જમાનાની ગવર્નિંગ બૉડી હતી.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧-૩.

જ્યારે “પ્રેરિતોના વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા” ત્યારે ઈસુના સાવકા ભાઈ યાકૂબે એ મિટિંગ ચલાવી. તે મંડળના એક વડીલ હતા, પણ પ્રેરિત ન હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૬) યહોવાહનું માર્ગદર્શન ને ઘણી ચર્ચા પછી એ ગ્રૂપે એકમતે બાઇબલ મુજબ ફેંસલો લીધો. સર્વ મંડળને પત્ર દ્વારા તેઓએ ફેંસલો જણાવ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૨-૩૨) આ પત્ર વાંચીને મંડળના ભાઈ-બહેનોએ પૂરી રીતે જવાબ સ્વીકાર્યો. પરિણામે આખા મંડળનો વિશ્વાસ વધુ દૃઢ થયો અને બધાને ખૂબ ઉત્તેજન મળ્યું. એના વિષે બાઇબલ જણાવે છે કે “મંડળીઓનો વિશ્વાસ દૃઢ થતો ગયો, અને તેઓની સંખ્યા રોજ રોજ વધતી ગઈ.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૫.

૯. બાઇબલ મુજબ જે ભાઈઓ લાયક હતા, તેઓને કેવા પ્રકારની જવાબદારી મળી?

મોટી બાબતોમાં મંડળો ગવર્નિંગ બૉડીને પ્રશ્નો પૂછી શકતા. પણ મંડળની રોજ-બ-રોજની બાબતમાં કોણ ફેંસલા લેતું? ક્રીત ટાપુના મંડળોનો વિચાર કરો. એ ટાપુ પર રહેતા મોટા ભાગના લોકોના સંસ્કાર બગડેલા હતા. પણ અમુક લોકો પોતાનો સ્વભાવ અને સંસ્કાર બદલીને ખ્રિસ્તી બન્યા હતા. (તીતસ ૧:૧૦-૧૨; ૨:૨, ૩) તેઓ એ ટાપુના અનેક શહેરોમાં રહેતા હતા. મોટા ભાગના યરૂશાલેમની ગવર્નિંગ બૉડીથી ખૂબ દૂર હતા. તોપણ તેઓને પૂરતી મદદ ને માર્ગદર્શન મળતા. કઈ રીતે? બીજા મંડળોની જેમ, ક્રીતના દરેક મંડળમાં “વડીલો” કે અધ્યક્ષો નીમવામાં આવ્યા હતા. આ માણસો બાઇબલમાં જણાવેલી જરૂરિયાત મુજબ એ જવાબદારી નિભાવવા લાયક હતા. આ વડીલોની જવાબદારી હતી કે તેઓ ‘શુદ્ધ ઉપદેશ પ્રમાણે બોધ કરે અને વિરોધીઓની દલીલોને તોડી પાડે.’ (તીતસ ૧:૫-૯; ૧ તીમોથી ૩:૧-૭) બીજા ભાઈઓ મંડળમાં “સેવક” કે સેવકાઈ ચાકરો તરીકે સેવા કરતા હતા. તેઓમાં પણ બાઇબલ પ્રમાણેની લાયકાત હતી.—૧ તીમોથી ૩:૮-૧૦, ૧૨, ૧૩.

૧૦. માત્થી ૧૮:૧૫-૧૭ મુજબ એકબીજા વચ્ચે મોટી તકરાર ઊભી થાય તો એને કઈ રીતે સુધારવાની હતી?

૧૦ ઈસુએ કહ્યું હતું કે મંડળમાં આ રીતની ગોઠવણ હશે. માત્થી ૧૮:૧૫-૧૭નો અહેવાલ યાદ કરો. એમાં ઈસુએ જણાવ્યું હતું કે એક ઈશ્વરભક્ત બીજા ભક્ત વિરુદ્ધ ગુનો કે મોટી ભૂલ કરી બેસે તો શું કરવું. જેને મનદુઃખ થયું હોય તેણે સામેની વ્યક્તિને મળીને ‘તેનો દોષ તેને કહેવાનો’ હતો. આ ચર્ચા ફક્ત તેઓ બંને વચ્ચે જ થવી જોઈએ. જો એનાથી એકબીજાના સંબંધમાં સુધારો ન થાય, તો તે એક કે બે સાક્ષીને સાબિતી આપવા બોલાવી શકે. હજુ કોઈ સુધારો ન થાય તો શું? ઈસુએ કહ્યું: “જો તે તેઓનું ન માને, તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ.” ઈસુએ આ કહ્યું ત્યારે ત્યાંના યહુદીઓ હજુ ‘દેવનું મંડળ’ હતા. તેથી તેમના શબ્દો પ્રથમ યહુદીઓને લાગુ પડતા હતા. * પણ જ્યારે ખ્રિસ્તી મંડળ શરૂ થયું ત્યારે એ માર્ગદર્શન તેઓને લાગુ પડતું હતું. આ બીજો એક દાખલો બતાવે છે કે યહોવાહનું મંડળ સારી રીતે ગોઠવાયેલું હશે જેથી દરેક સભ્યને ઉત્તેજન અને શિક્ષણ મળે.

૧૧. મંડળમાં મુશ્કેલી ઊભી થતી ત્યારે વડીલોએ શું કરવાનું હતું?

૧૧ મંડળમાં કોઈએ પાપ કર્યું હોય કે પછી એકબીજા વચ્ચે ઝઘડો થયો હોય તો મંડળના વડીલો એને થાળે પાડતા. આ વડીલોનું ગ્રૂપ આખા મંડળને રજૂ કરતું. તીતસ ૧:૯ મુજબ યોગ્ય હોય એવા વડીલો જ એ જવાબદારી નિભાવતા. તીતસને તો પાઊલે મંડળોમાં ‘જે કામો અધૂરાં હતાં એને વ્યવસ્થિત કરવા’ મોકલ્યા હતા. જોકે તીતસ અને તેમના જેવા બીજા વડીલો પણ ભૂલને પાત્ર હતા. (તીતસ ૧:૪, ૫) આજે મંડળના ભાઈઓ કઈ રીતે વડીલ બનવા લાયક બની શકે? તેઓ ઘણા સમયથી તેઓની શ્રદ્ધા ને ભક્તિ સાબિત કરી રહ્યા હોવા જોઈએ. પછી મંડળના બીજા ભાઈ-બહેનો આ વડીલો પર પૂરો ભરોસો મૂકીને રાજી-ખુશીથી તેઓની આગેવાની સ્વીકારશે.

૧૨. મંડળમાં વડીલોની કઈ જવાબદારી છે?

૧૨ પાઊલે એફેસી મંડળના વડીલોને કહ્યું: “તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) આજે પણ મંડળના વડીલો પાસે ‘દેવની મંડળીનું’ પાલન કરવાની જવાબદારી છે. તેઓ એ કામ સાહેબ કે માલિકની જેમ નહિ, પણ નમ્રતાથી અને પ્રેમથી કરે છે. (૧ પીતર ૫:૨, ૩) વડીલોએ આખા ‘ટોળાંને’ સથવારો આપવા બનતું બધું કરવું જોઈએ.

મંડળ સાથે જોડાયેલા રહો

૧૩. અમુક વાર મંડળમાં શું થઈ શકે અને શા માટે?

૧૩ પ્રથમ સદીમાં ભલે મંડળોમાં પ્રેરિતો હતા, તોપણ અમુક સભ્યો વચ્ચે તકલીફો ઊભી થતી. આજે પણ દરેક મંડળના સભ્યો સમયે સમયે ભૂલો તો કરશે જ. ભલેને તેઓ વડીલ હોય. (ફિલિપી ૪:૨, ૩) તેથી એવું બની શકે કે કોઈ વડીલ કે ભાઈ-બહેન વગર-વિચાર્યું બોલે અને તમને ખોટું લાગે. અથવા તમને ગુસ્સો આવે. કે પછી તમે વિચારવા લાગો કે બાઇબલની વિરુદ્ધ મંડળમાં કંઈક થઈ રહ્યું છે, અને વડીલો એ જાણતા હોવા છતાં કંઈ કરતા નથી. પણ એવું નથી. બની શકે કે આપણી પાસે એના વિષે પૂરતી માહિતી નથી. અથવા એને થાળે પાડવા વડીલો બાઇબલ મુજબ કંઈક કરી રહ્યા છે. અને મંડળમાં બાઇબલ વિરુદ્ધ કંઈક થઈ રહ્યું હોય તોપણ આ દાખલા પર બે વાર વિચાર કરો: પ્રથમ સદીના કોરીંથ મંડળમાં એક સભ્ય ઘોર પાપ કરતો હતો. એ વખતમાં ખુદ યહોવાહ મંડળની દેખભાળ કરતા હતા. યહોવાહે યોગ્ય સમયે બાબતને સુધારી લીધી. (૧ કોરીંથી ૫:૧, ૫, ૯-૧૧) તેથી આ પ્રશ્ન પર વિચાર કરો: ‘જો હું એ મંડળમાં હોત અને મને એ ઘોર પાપ વિષે ખબર હોત, તો યહોવાહ એને સુધારે ત્યાં સુધી મેં શું કર્યું હોત?’

૧૪, ૧૫. અમુક શિષ્યોએ કેમ ઈસુને છોડી દીધા? એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૪ મંડળમાં હવે આ સંજોગનો વિચાર કરો. ધારો કે કોઈ વ્યક્તિ બાઇબલનું કોઈ શિક્ષણ સમજી શકતી નથી અને સ્વીકારી પણ શકતી નથી. તે બાઇબલ અને આપણાં બીજાં સાહિત્યમાં જવાબો મેળવવા અભ્યાસ કરે છે. બીજા અનુભવી ભાઈ-બહેનો અને વડીલોની મદદ પણ લે છે. તોપણ એ શિક્ષણ તેને ગળે ઊતરતું નથી. તેણે શું કરવું જોઈએ? ઈસુના મોતને એકાદ વર્ષ પહેલાં આવું જ કંઈક થયું હતું. ત્યારે ઈસુએ કહ્યું હતું કે ‘હું જીવનની રોટલી છું’ અને જેઓને સદા જીવતા રહેવું હોય, તેઓએ ‘માણસના દીકરાનું માંસ ખાવું, અને તેનું લોહી પીવું’ જોઈએ. આ સાંભળીને ઘણા શિષ્યોને આઘાત લાગ્યો. ઈસુ પર વિશ્વાસ રાખવા કે આના વિષે વધુ સમજવાને બદલે તેઓએ ‘ઈસુ સાથે ચાલવાનું’ છોડી દીધું. (યોહાન ૬:૩૫, ૪૧-૬૬) જો તમે ત્યાં હોત તો શું કર્યું હોત?

૧૫ આજે અમુક વ્યક્તિઓ મંડળને છોડી દે છે. કેમ કે તેઓને લાગે છે કે તેઓ પોતાની રીતે ઈશ્વરને ભજશે. તેઓ કદાચ કહેશે કે મંડળમાં કોઈએ તેમને બહુ દુઃખી કર્યા છે. અથવા મંડળમાં કોઈ મોટી ભૂલ થતી હતી ને કોઈ કંઈ કરતું ન હતું. અથવા તેઓ કોઈ નવી સમજણ સ્વીકારી જ નથી શકતા. શું તમને લાગે છે કે એ કારણોને લીધે મંડળ છોડી દેવું જોઈએ? બિલકુલ નહિ. ભલે દરેકે પોતે યહોવાહ સાથે નાતો બાંધવો પડે છે, પણ એનો અર્થ એ નથી કે મંડળની કોઈ જરૂર નથી. પ્રથમ સદીની માફક આજે પણ યહોવાહ દુનિયા ફરતેના મંડળો દ્વારા આપણને માર્ગદર્શન આપે છે. જેમ એ જમાનામાં વડીલો અને સેવકાઈ ચાકરોને નીમ્યા તેમ, તે આજે પણ આપણા લાભ માટે એવા યોગ્ય ભાઈઓને વધુ જવાબદારી સોંપે છે.

૧૬. જો વ્યક્તિને મંડળ છોડી દેવાનું મન થાય, તો તેણે શાના પર વિચાર કરવો જોઈએ?

૧૬ જો કોઈ પણ ખ્રિસ્તી માને કે તે મંડળને છોડીને એકલા હાથે યહોવાહ સાથે નાતો બાંધી શકે, તો એ ખોટું છે. કોઈ વ્યક્તિ કદાચ વિચારે કે ‘બીજી બે-ત્રણ વ્યક્તિ સાથે મળીને અમને ઠીક લાગે એમ ઈશ્વરને ભજી શકીએ.’ પણ એમાં વડીલો અને સેવકાઈ ચાકરોની ગોઠવણ ક્યાં છે? યહોવાહે જગતભરના મંડળોની આપણા લાભ માટે ગોઠવણ કરી છે. જો મંડળ સાથે જોડાયેલા ન રહીએ તો આપણે યહોવાહની ગોઠવણનો નકાર કરીએ છીએ. આ ખૂબ ગંભીર બાબત છે. એટલે પાઊલે કોલોસી મંડળને પત્ર લખીને કહ્યું કે ‘ખ્રિસ્તમાં તમારાં મૂળ ઊંડાં નાખો. તેમના પર તમારા જીવનનું બાંધકામ કરો.’ પાઊલે એ પણ અરજ કરી કે એ પત્ર લાઓદીકિયાના મંડળમાં પણ વાંચી સંભળાવવો જોઈએ. જેઓ મંડળને વળગી રહ્યા, તેઓને જ લાભ થયો. મંડળ છોડી દીધું હતું તેઓને નહિ.—કોલોસી ૨:૬, ૭, કોમન લેંગ્વેજ; ૪:૧૬.

સત્યનો સ્તંભ તથા પાયો

૧૭. પહેલો તીમોથી ૩:૧૫ મંડળો વિષે શું કહે છે?

૧૭ પાઊલે તેમના પહેલા પત્રમાં વડીલ તીમોથીને જણાવ્યું હતું કે ભાઈઓ કઈ રીતે મંડળમાં વડીલ કે સેવકાઈ ચાકરની જવાબદારી માટે લાયક થઈ શકે. એ જણાવ્યા પછી તેમણે કહ્યું કે “જીવતા દેવની મંડળી, સત્યનો સ્તંભ તથા પાયો છે.” (૧ તીમોથી ૩:૧૫) પ્રથમ સદીમાં અભિષિક્ત ભાઈ-બહેનોથી બનેલાં મંડળો ખરેખર પાયા જેવા હતા. કોઈ શંકા ન હતી કે ‘સત્ય’ શીખવા માટે દરેક વ્યક્તિએ મંડળ સાથે જોડાવું પડતું. એ મંડળોમાં તેઓ સત્ય વિષે શીખી શકતા અને પોતાની શ્રદ્ધા મજબૂત કરી શકતા.

૧૮. મંડળની મિટિંગોમાં જવું કેમ જરૂરી છે?

૧૮ આજે પણ જગતભરના હજારો મંડળો ઈશ્વરનાં મંદિર જેવાં છે. એ “સત્યનો સ્તંભ તથા પાયો છે.” મંડળને વળગી રહેવાથી, ત્યાં નિયમિત જવાથી અને મિટિંગોમાં ભાગ લેવાથી આપણને ઉત્તેજન મળે છે. યહોવાહ સાથે પાક્કો નાતો બાંધવા મદદ મળે છે. વળી, યહોવાહના કહ્યા મુજબ ચાલવા પૂરતું માર્ગદર્શન મળે છે. પાઊલે કોરીંથના એક મંડળને લખ્યું કે ત્યાં જે બાબતો શીખવવામાં આવે એ સરળ હોવી જોઈએ. સમજવામાં સહેલું હોવું જોઈએ જેથી દરેક સભ્યોની “ઉન્‍નતિ” કે લાભ થાય. (૧ કોરીંથી ૧૪:૧૨, ૧૭-૧૯) જો આપણે પૂરા દિલથી સ્વીકારીએ કે આપણા મંડળની ગોઠવણ યહોવાહે કરી છે, અને તે એને સાથ આપે છે, તો આપણને લાભ થશે.

૧૯. તમે મંડળનો એક ભાગ હોવા માટે કેમ આભારી છો?

૧૯ જો તમને ઉત્તેજન જોઈતું હોય, શ્રદ્ધાને વધુ મજબૂત કરવી હોય, તો જરૂર મંડળને વળગી રહો. ત્યાં તમે ખોટાં શિક્ષણથી દૂર રહી શકશો. તમે જોઈ શકશો કે યહોવાહ મંડળો દ્વારા તેમની સરકાર વિષેની ખુશખબરી જગતભરમાં ફેલાવે છે. ખરેખર, યહોવાહ તેમના મંડળો દ્વારા મોટા પાયે તેમની ઇચ્છા પૂરી કરી રહ્યા છે.—એફેસી ૩:૯, ૧૦. (w 07 4/15)

[Footnote]

^ બાઇબલ પ્રોફેસર આલ્બર્ટ બાર્ન્સ કહે છે કે ઈસુના એ શબ્દોનો શું અર્થ થઈ શકે. ‘મંડળીને કહો,’ આ શબ્દોનો અર્થ એમ થઈ શકે કે ‘ચર્ચના એવા આગેવાનોને જણાવો જેમની પાસે આવા સંજોગો સુધારવાની જવાબદારી છે. યહુદી સભાસ્થાનમાં અમુક વડીલો હતા જેમની આગળ મંડળના આવા કેસ રજૂ થતા.’

તમને યાદ છે?

• આપણે કેમ ખાતરી રાખી શકીએ કે યહોવાહ આજે મંડળોનો ઉપયોગ કરે છે?

• ભૂલને પાત્ર હોવા છતાં વડીલો મંડળ માટે શું કરે છે?

• મંડળને વળગી રહેવાથી તમને કેવા લાભ થયા છે?

[Study Questions]

[Picture on page 14]

યરૂશાલેમના અમુક વડીલો અને પ્રેરિતો એ જમાનાની ગવર્નિંગ બૉડીમાં સેવા આપતા હતા