સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શેતાનના ફાંદાથી ચેતો!

શેતાનના ફાંદાથી ચેતો!

શેતાનના ફાંદાથી ચેતો!

‘યહોવાહ પારધીના પાશથી કે શિકારીના ફાંદાથી તને બચાવશે.’—ગીતશાસ્ત્ર ૯૧:૩.

૧. ‘શિકારી’ કોણ છે? તે શું કરવા માગે છે?

 બધા જ ઈશ્વરભક્તોનો એક દુશ્મન છે. તે બહુ જ શક્તિશાળી, હોશિયાર ને ચાલાક. ગીતશાસ્ત્ર ૯૧:૩ તેને ‘શિકારી’ કહે છે. એ દુશ્મન કોણ? આ મૅગેઝિનનો જૂન ૧, ૧૮૮૩નો અંક તેને શેતાન તરીકે ઓળખાવે છે. શિકારી પોતાના શિકારને ફસાવે, તેમ તે કોઈ પણ હિસાબે ઈશ્વરભક્તોને મુઠ્ઠીમાં લેવા માગે છે.

૨. શેતાન કઈ રીતે શિકારી જેવો છે?

પહેલાંના જમાનામાં પક્ષીઓને પકડવામાં આવતાં. મીઠાં-મધુરાં ગીત સાંભળવાં, રંગબેરંગી પીંછાં માટે, ખોરાક માટે કે પછી બલિ ચડાવવાં પક્ષીઓનો શિકાર કરતા. તોપણ પક્ષીઓ ચાલાક હોવાથી જલદીથી હાથમાં આવતા નથી. એટલે જ શિકારીઓ પક્ષીઓ પર નજર રાખતા. પછી એ પ્રમાણે જાળ બિછાવતા. બાઇબલ શેતાનને શિકારી સાથે સરખાવે છે. તે શિકારીની જેમ દરેક પર નજર રાખે છે. આપણા સ્વભાવની સ્ટડી કરે છે. પછી એ પ્રમાણે જાળ બીછાવે છે, જેથી આપણને ફસાવી શકે. (૨ તીમોથી ૨:૨૬) એક વાર શેતાનના હાથમાં આવ્યા, એટલે આવી જ બન્યું સમજો. તે યહોવાહ સાથેનો આપણો નાતો તોડવા ગમે એ કરશે. પછી આપણે અમર જીવનનો આશીર્વાદ પણ ગુમાવી બેસીશું. તેથી, સારું છે કે આપણે ‘શિકારીની’ જુદી જુદી રીતો પારખીએ.

૩, ૪. શેતાનની ચાલાકી કઈ રીતે સિંહ જેવી છે? કઈ રીતે નાગ જેવી છે?

બાઇબલમાં એક કવિ જણાવે છે કે શેતાન સિંહ કે નાગ જેવી ચાલાકીઓ અજમાવે છે. (ગીતશાસ્ત્ર ૯૧:૧૩) સિંહની જેમ તે ઘણી વાર સીધેસીધો હુમલો કરે છે. સરકારનો સહારો લઈને યહોવાહના લોકોને સતાવે છે. (ગીતશાસ્ત્ર ૯૪:૨૦) એના લીધે કદાચ અમુક ભક્તો યહોવાહને છોડી પણ દે. મોટે ભાગે એવું બનતું નથી. એવા હુમલાથી તો યહોવાહના ભક્તોમાં હજુયે સંપ વધે છે. પણ શેતાનના નાગ જેવા છુપા હુમલાનું શું? એ કેવી રીતે પારખી શકીએ?

નાગ છાનો-માનો આવીને ડંખ મારે છે. શેતાન એવો જ લુચ્ચો છે. તે આપણા કરતાં વધારે શક્તિશાળી ને ચતુર છે. એનો ફાયદો ઉઠાવીને તે યહોવાહના અમુક ભક્તોનાં મનમાં ઝેર ભરવામાં કામયાબ થયો છે. તેઓ શેતાનની ચાલે ચાલ્યા અને પોતાના જ પગ પર કુહાડો માર્યો. કેવું સારું કે આપણે શેતાનની ચાલાકીઓથી અજાણ નથી. (૨ કોરીંથી ૨:૧૧) ચાલો આપણે શિકારી શેતાનના ચાર ફાંદા જોઈએ.

માણસની બીક

૫. “માણસની બીક” કેમ એક ફાંદો છે?

“માણસની બીક” એક ફાંદો છે. (નીતિવચનો ૨૯:૨૫) ‘લોકો શું કહેશે?’ એમ વિચારીને તેઓનું માનવા લાગીએ. યહોવાહને તો સાવ ભૂલી જ જઈએ. શેતાન એ જાણે છે. એનો ફાયદો ઉઠાવે છે. જો આપણે માણસની બીક રાખીએ તો ‘શિકારીની’ જાળમાં ફસાયા જ સમજો.—હઝકીએલ ૩૩:૮; યાકૂબ ૪:૧૭.

૬. યુવાનો કઈ રીતે ‘શિકારીની’ જાળમાં ફસાઈ જઈ શકે?

માનો કે એક યુવાનને સ્કૂલમાં ફ્રેન્ડ્‌ઝ સિગારેટ ઑફર કરે છે. તે સ્મોકિંગ કરી લે છે. તે જાણે છે કે તેને પોતાને નુકસાન છે, તોપણ યહોવાહની આજ્ઞા તોડે છે. (૨ કોરીંથી ૭:૧) તે કઈ રીતે ફસાયો? કદાચ તેણે સારા છોકરાઓની દોસ્તી કરી ન હતી. કે પછી એવી બીક લાગી હોય કે તેઓ મશ્કરી કરશે. યુવાનો, ‘શિકારીની’ જાળમાં ફસાતા નહિ! એમાં ફસાવું ન હોય તો, નાની નાની વાતમાં પણ ધ્યાન રાખો. એટલે જ બાઇબલ ચેતવે છે કે બૂરી સોબત ન કરો.—૧ કોરીંથી ૧૫:૩૩.

૭. અમુક માબાપને શેતાન કેવી રીતે પોતાની જાળમાં ફસાવી શકે?

યહોવાહની ભક્તિ કરતા માબાપ પૈસેટકે પોતાના કુટુંબની સારી રીતે સંભાળ રાખે છે. પોતાની જવાબદારી સારી રીતે ઉપાડે છે. (૧ તીમોથી ૫:૮) શેતાન એમાંય જાળ બિછાવે છે. અમુક વાર એવું થાય કે નોકરીધંધે બૉસ આપણને ઓવરટાઇમ કરવા કહે. ‘જો ના કહીશ તો જૉબ જશે,’ બૉસના એવા ડરથી આપણે કોઈ કોઈ વાર મિટિંગ ચૂકી જઈએ. અરે, ડિસ્ટ્રીક્ટ સંમેલન માટે પણ રજા ન માંગીએ, ભલેને સંમેલનના અમુક ભાગ ચૂકી જઈએ. પણ જરા વિચારો, આપણે બધાય યહોવાહના કુટુંબમાં છીએ. યહોવાહ પોતે પોતાના કુટુંબને પૂરું પાડવાની જવાબદારી લે છે. જ્યારે તમે અને તમારું કુટુંબ યહોવાહનું કહેવું માનો છો, ત્યારે શું તે તમારી સંભાળ નહિ રાખે? આપણે ‘યહોવાહ પર ભરોસો રાખીએ.’ તેમના પર શ્રદ્ધા રાખીએ. શેતાનની જાળમાં ન ફસાઈએ.—નીતિવચનો ૩:૫, ૬.

દોલતનો મોહ

૮. શેતાન પૈસાના પ્રેમની જાળ કેવી રીતે બિછાવે છે?

શેતાનની બીજી એક ચાલ દોલતનો મોહ છે. આ દુનિયા પૈસા પાછળ પાગલ છે. રાતોરાત કરોડપતિ બનવાનાં સપનાં બતાવે છે. યહોવાહના ભક્તો પણ છેતરાઈ જઈ શકે. કદાચ મંડળમાંથી કોઈ પોતાના ભાઈ-બહેનોનો ફાયદો ઉઠાવે અને કહે: ‘અરે યાર, જાત મહેનત ઝિંદાબાદ! થોડું બૅંક-બેલેન્સ તો ભેગું કર. પછી તું તારે પાયોનિયર બન, કોણ ના પાડે છે!’ જોજો ફસાતા નહિ. એ તો પેલા “મૂર્ખ” ધનવાન માણસના જેવા વિચારો છે, જેના વિષે ઈસુએ જણાવ્યું હતું.—લુક ૧૨:૧૬-૨૧.

૯. અમુક ભાઈ-બહેનો કઈ રીતે શેતાનના ઇશારે નાચે છે?

શેતાન દુનિયાને તેના ઇશારે નચાવે છે. લોકોને બસ એમ જ થાય કે ‘મને આ જોઈએ, પેલું જોઈએ.’ અમુક ઈશ્વરભક્તોને પણ એવું જ થાય છે. પછી ધીમે ધીમે તેઓ યહોવાહથી દૂર ચાલ્યા જાય છે. (માર્ક ૪:૧૯) બાઇબલ જણાવે છે કે આપણે થોડામાં પણ સંતોષ માનીએ, કેમ કે સંતોષી નર સદા સુખી. (૧ તીમોથી ૬:૮) એ સલાહ ન માનવાને લીધે ઘણા ‘શિકારીની’ જાળમાં ફસાઈ ગયા છે. શું એમ બની શકે કે દુનિયાના લોકો સાથે હળી-મળી જવાની તમન્‍ના હોય? કે પછી દુનિયાની ચીજ-વસ્તુઓ પાછળ પાગલ બનીને, યહોવાહની ભક્તિને બાજુ પર મૂકી દીધી હોય? (હાગ્ગાય ૧:૨-૮) અફસોસ કે અમુક ભાઈ-બહેનોએ એવું જ કર્યું છે. મુશ્કેલ સંજોગોમાં પોતાની લાઇફ-સ્ટાઇલ બદલવી ન પડે, એટલા માટે ભક્તિ પડતી મૂકી છે. એમાં જીત તો ‘શિકારી’ શેતાનની જ થઈ ને!

મોજશોખનો ફાંદો

૧૦. આપણે દરેકે શાનો વિચાર કરવાની જરૂર છે?

૧૦ આપણને ફસાવવા શેતાન બીજી કઈ રીત વાપરે છે? મોજશોખમાં ભલા-બૂરાની મર્યાદા ન રાખવી. ટીવીના સમાચાર જુઓ કે કોઈ મૅગેઝિન ઉપાડો. બસ, મારફાડ ને સેક્સની વાતો ચગી હોય. મોટે ભાગે આજે લોકો સદોમ અને ગમોરાહના લોકો જેવા બનતા જાય છે. ગમે તે મોજશોખ કરો, ‘ખરૂં-ખોટું પારખવાની’ આપણી સમજ જાણે બહેર મારી જાય છે. (હેબ્રી ૫:૧૪) પરંતુ, યહોવાહે પોતાના ભક્ત યશાયાહ દ્વારા કહ્યું કે ‘જેઓ ભૂંડાને સારૂં, અને સારાને ભૂંડું કહે છે, તેઓને અફસોસ!’ (યશાયાહ ૫:૨૦) વિચારો કે ‘મારા વિષે શું? શું શેતાને મને પણ એના ફાંદામાં ફસાવ્યો છે?’—૨ કોરીંથી ૧૩:૫.

૧૧. વૉચટાવર શા માટે જણાવે છે કે ટીવી સિરિયલોથી ચેતવું જોઈએ?

૧૧ પચીસેક વર્ષ પહેલાં, ધ વૉચટાવર મૅગેઝિને ઈશ્વરભક્તોને ટીવી સિરિયલો વિષે ચેતવણી આપી. * બધાને ગમતી સિરિયલોની અસર વિષે આમ કહેવામાં આવ્યું: “પ્રેમનો ભૂખ્યો માણસ કંઈ પણ કરે એ ચાલે. જેમ કે એક કુંવારી છોકરી મા બનવાની છે. તે પોતાની બેનપણીને કહે છે: ‘તો શું થઈ ગયું? વિવેક તો મારા દિલનો રાજા! તેના બાળકની મા બનવા તો હું કંઈ પણ કરવા તૈયાર છું.’ આ ડાયલોગ સાથે સાથે મન મોહી લેતું મ્યુઝિક વાગે છે. તમને પણ એ છોકરો-છોકરી ગમવા લાગે. તમને થાય કે ‘આજે તો એવું બધું ચાલે, એમાં શું?’ એવી સિરિયલો જોનારી એક બહેનને પછીથી ભાન થયું. તે કહે છે કે ‘સિરિયલોમાં તમે એટલા ડૂબી જાવ કે ભલા-બૂરાનું ભાન જ ન રહે. ભલે વ્યભિચાર પાપ છે, છતાંયે મને એમાં કંઈ ખોટું લાગતું ન હતું. હું એવા લોકોની દોસ્તી ચાહતીʼતી.’” આપણને એવી જ અસર ન થાય માટે ચેતીને ચાલીએ.

૧૨. ટીવી પ્રોગ્રામો વિષેની ચેતવણી આપણા ટાઇમમાં કેમ જરૂરી છે?

૧૨ એ લેખો છપાયાને ઘણો સમય થઈ ગયો. હવે તો દિલ-દિમાગને બગાડતા વધારે ને વધારે પ્રોગ્રામ જોવા મળે છે. અરે, ઘણી જગ્યાએ તો ચોવીસે કલાક. નાના-મોટા બધાયે એવા પ્રોગ્રામો જુએ છે. પણ શું આપણે એમાં ઍક્ટિંગ કરતા લોકોને ઘરે બોલાવીશું? તેઓની દોસ્તી કરીશું? કદી નહિ! તો પછી કઈ રીતે ટીવી દ્વારા તેઓને આપણા ઘરમાં બોલાવીને ટાઇમપાસ કરી શકીએ? તેઓની કંપનીમાં મજા લઈ શકીએ? આપણે કદીયે એવું ઘમંડ ન રાખીએ કે ‘મને કંઈ નહિ થાય.’ આપણે ગમે એ હોઈએ, એવી સિરિયલો ધીમે ધીમે આપણા સંસ્કારને કોરી ખાય છે.

૧૩, ૧૪. અમુકે ટીવી સિરિયલ વિષે શું કબૂલ કર્યું છે?

૧૩ ઘણા ભાઈ-બહેનોને ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરની’ આ સલાહથી ફાયદો થયો છે. (માત્થી ૨૪:૪૫-૪૭) અમુકે એના વિષે લખ્યું. * એક બહેને કબૂલ કર્યું કે ‘તેર તેર વર્ષથી હું ટીવી સિરિયલની જાળમાં ફસાયેલી હતી. હું મિટિંગ-પ્રચારમાં તો જતી હતી. એટલે થયું કે મને શું થવાનું? પણ . . . પણ હું ખોટી હતી. હું સિરિયલની દુનિયામાં જીવવા લાગી. મેં વિચાર્યું કે “જો પતિ જ એવો હોય તો હું શું કરું? મારો તો વિચાર જ ન કરે! તેનો જ વાંક છે.” એમ વિચારીને હું પરાયા પુરુષ સાથે સંબંધ બાંધી બેઠી. યહોવાહ સામે, મારા સાથી સામે પાપ કર્યું.’ એ બહેનને મંડળમાંથી કાઢી મૂકવી પડી. સમય જતાં તેને પોતાની ભૂલ સમજાઈ ને બહુ પસ્તાઈ. તેને મંડળમાં પાછી લેવામાં આવી. ટીવી સિરિયલો વિષેની ચેતવણી આપતા લેખોથી તેને ઘણી હિંમત મળી. એના લીધે તે યહોવાહ જે ધિક્કારે છે, એને ધિક્કારી શકી.—આમોસ ૫:૧૪, ૧૫.

૧૪ એક બીજા બહેને પણ જણાવ્યું કે ‘આ લેખો વાંચીને મારાથી રડી પડાયું. હું યહોવાહને પૂરા દિલથી ભજતી નʼતી. મેં તેમને વચન આપ્યું કે હવેથી હું ટીવી સિરિયલોની ગુલામ નહિ બનું.’ એક બહેને કબૂલ્યું કે પોતાને ટીવી સિરિયલોની જાણે લત લાગી ગઈ હતી. તે લખે છે: ‘એક બાજુ યહોવાહ અને બીજી બાજુ ટીવી સિરિયલના લોકો. એ બંને સાથે હું કઈ રીતે દોસ્તી રાખી શકું? એ શક્ય જ નથી!’ જો પચ્ચીસ વર્ષ પહેલાં ટીવી પ્રોગ્રામોની આટલી અસર હતી, તો આજના વિષે શું? (૨ તીમોથી ૩:૧૩) મારામારીની વીડિયો ગેમ્સ, ટીવી પર ગંદી ફિલ્મો અને ગીતો જોવાં. આ બધા શેતાનના ફાંદા છે!

મનદુઃખ થવું

૧૫. અમુક કઈ રીતે શેતાનનો શિકાર બન્યા છે?

૧૫ યહોવાહના આશીર્વાદથી તેમના ભક્તોમાં શાંતિ છે. સંપ છે. (ગીતશાસ્ત્ર ૧૩૩:૧-૩) પણ એ સંપ તોડવા, શેતાન મતભેદોની જાળ બિછાવે છે. મંડળમાં કોઈ પણ આ ફાંદામાં ફસાઈ શકે છે, ભલેને એ વડીલ હોય, પાયોનિયર હોય, બેથેલમાં હોય. અફસોસ કે અમુક શેતાનનો શિકાર બન્યા છે. પોતાનો જ કક્કો ખરો કરવા મંડળમાં અશાંતિ કરી છે. ભાગલા પાડ્યા છે.

૧૬. આપણો સંપ તોડવા હવે શેતાન કેવી ચાલ ચાલે છે?

૧૬ પહેલા વિશ્વયુદ્ધ વખતે, યહોવાહના લોકોને મિટાવી દેવા શેતાન તેઓ પર બહુ સતાવણી લાવ્યો. પણ તેની હાર થઈ! (પ્રકટીકરણ ૧૧:૭-૧૩) હવે તેણે ચાલ બદલી છે. તે આપણામાં ઝેર ફેલાવી સંપ તોડવા માગે છે. કઈ રીતે? માનો કે આપણને વાત-વાતમાં ખોટું લાગતું હોય. એમાં જ શેતાન ફાવી જાય. આપણે તો હેરાન થઈએ જ, મંડળમાં પણ બધાને હેરાન કરીએ. અરે, યહોવાહને પણ દુઃખી કરીએ. પછી મંડળમાં અને પ્રચારમાં બધાને તકલીફ. બસ, શેતાન ખુશ ખુશ!—એફેસી ૪:૨૭, ૩૦-૩૨.

૧૭. જો આપણને ખોટું લાગે તો શું કરવું જોઈએ?

૧૭ માનો કે કોઈક કારણે આપણું મન ઊંચું થઈ જાય, તો શું કરવું જોઈએ? દરેકના સંજોગો અલગ અલગ હોય છે. ભલે કોઈ પણ કારણે ખોટું લાગ્યું હોય, આપણે એનું કંઈક કરવું જોઈએ. (માત્થી ૫:૨૩, ૨૪; ૧૮:૧૫-૧૭) બાઇબલની સલાહ યહોવાહ પાસેથી આવે છે. એ કદીએ ખોટી ન હોય. એ પાળવાથી જીવન સુખી થાય છે, મનની શાંતિ મળે છે!

૧૮. યહોવાહને પગલે ચાલવાથી આપણને કઈ મદદ મળશે?

૧૮ યહોવાહ “ક્ષમા કરવાને તત્પર છે.” તે દિલથી “માફી” આપે છે. (ગીતશાસ્ત્ર ૮૬:૫; ૧૩૦:૪) આપણે તેમના જેવા બનીએ તો જ સાચા ભક્તો કહેવાઈએ. (એફેસી ૫:૧) માણસ માત્ર ભૂલને પાત્ર. બધાને યહોવાહની માફીની જરૂર છે. તો શું આપણે બીજાને માફી નહિ આપવી જોઈએ? ઈસુએ એક માણસનો દાખલો આપ્યો. તે માણસના માલિકે તેનું મોટું દેવું ખુશીથી માફ કર્યું. પણ તે માણસે પોતાના નોકરનું થોડુંક દેવું પણ માફ ન કર્યું. જ્યારે માલિકે એ સાંભળ્યું ત્યારે તેને પકડીને જેલમાં નાખ્યો. ઈસુએ એના પરથી શીખવ્યું કે “એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંતઃકરણથી માફ નહિ કરો, તો મારો આકાશમાંનો બાપ પણ તમને એમ જ કરશે.” (માત્થી ૧૮:૨૧-૩૫) વિચારો કે યહોવાહ આપણને કેટલી બધી વાર ખુશીથી માફ કરે છે! એનાથી એકબીજાને ખુશીથી માફી આપવા આપણને મદદ મળશે.—ગીતશાસ્ત્ર ૧૯:૧૪.

યહોવાહની છાયામાં સલામત

૧૯, ૨૦. આપણે યહોવાહની ‘છાયામાં’ કેમ રહેવું જોઈએ?

૧૯ શેતાનની જાળમાં ન ફસાવું હોય તો આપણે શું કરવું જોઈએ? બાઇબલ જણાવે છે: “પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે.”—ગીતશાસ્ત્ર ૯૧:૧.

૨૦ એનો અર્થ શું થાય? આપણે યહોવાહની સલાહ માનીએ. યહોવાહનો સાથ કદી ન છોડીએ, કેમ કે તે જ આપણને બચાવશે. (ગીતશાસ્ત્ર ૧૨૪:૭, ૮) આપણે યહોવાહની છાયામાં રહીએ, જેથી શેતાન આપણને ચપટીમાં મસળી ન નાખી શકે. ચાલો આપણે વિનંતી કરીએ કે ‘હે યહોવાહ, અમને શિકારીના ફાંદાથી બચાવો!’—માત્થી ૬:૧૩. (w07 10/1)

[Footnotes]

^ ડિસેમ્બર ૧, ૧૯૮૨નું ધ વૉચટાવર, પાન ૩-૭.

^ ડિસેમ્બર ૧, ૧૯૮૩નું ધ વૉચટાવર, પાન ૨૩.

આપણે શું શીખ્યા?

• “માણસની બીક” કેમ એક ફાંદો છે?

• શેતાન કઈ રીતે ધનદોલતના મોહની જાળ બિછાવે છે?

• શેતાને અમુકને કઈ રીતે મોજશોખના ફાંદામાં ફસાવ્યા છે?

• આપણો સંપ તોડવા શેતાન શું કરે છે?

[Study Questions]

[Picture on page 28]

‘માણસની બીકના’ લીધે અમુક ફસાયા છે

[Picture on page 29]

યહોવાહ જે ધિક્કારે છે એ તમને ગમે છે?