સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘એ બધું ક્યારે થશે, એ અમને જણાવો!’

‘એ બધું ક્યારે થશે, એ અમને જણાવો!’

‘તમારી હાજરીની તથા દુનિયાના અંતના સમયની નિશાની શી હશે?’​—માથ. ૨૪:૩, NW.

૧. પ્રેરિતોની જેમ આપણે શું જાણવા આતુર છીએ?

 ઈસુનું પૃથ્વી પરનું પ્રચારકાર્ય પૂરું થવા આવ્યું હતું. એ સમયે તેમના શિષ્યો જાણવા માગતા હતા કે ભાવિમાં શું બનશે. ઈસુના મરણના અમુક દિવસો પહેલાં ચાર પ્રેરિતોએ તેમને પૂછ્યું, ‘એ બનાવો ક્યારે બનશે અને તમારી હાજરીની તથા દુનિયાના અંતના સમયની નિશાની શી હશે?’ (માથ. ૨૪:૩, NW; માર્ક ૧૩:૩) ઈસુએ જવાબ આપતા એક ભવિષ્યવાણી કરી જે મોટા પાયે પૂરી થવાની હતી. એ માથ્થી ૨૪ અને ૨૫ અધ્યાયમાં નોંધાયેલી છે. એ ભવિષ્યવાણીમાં, ધ્યાનમાં રાખવા જેવા ઘણા બનાવો વિશે ઈસુએ જણાવ્યું હતું. તેમની એ ભવિષ્યવાણી આજે આપણા માટે પણ ઘણી મહત્ત્વની છે. કારણ, ભાવિમાં શું બનશે એ સમજવા આપણે પણ આતુર છીએ.

૨. (ક) વર્ષો દરમિયાન કઈ બાબત વિશે સ્પષ્ટ સમજણ મેળવવા ભાઈઓએ પ્રયત્નો કર્યા છે? (ખ) આપણે કયા ત્રણ સવાલો પર ચર્ચા કરીશું?

આગેવાની લેનારા અભિષિક્ત ભાઈઓએ છેલ્લા દિવસો વિશેની ઈસુની ભવિષ્યવાણી પર વર્ષો દરમિયાન પ્રાર્થનાપૂર્વક અભ્યાસ કર્યો છે. તેમ જ, ઈસુના એ શબ્દો ક્યારે પૂરા થશે એની સ્પષ્ટ સમજણ મેળવવા તેઓએ પ્રયત્નો કર્યા છે. આપણી સમજણમાં કઈ રીતે સુધારો થયો છે, એ જાણવા ચાલો આ ત્રણ સવાલો પર ચર્ચા કરીએ: ક્યારે “મોટી વિપત્તિ” શરૂ થશે? ક્યારે “ઘેટાં” અને “બકરાં”નો ઈસુ ન્યાય કરશે? ક્યારે ઈસુનું આવવું થશે?​—માથ. ૨૪:૨૧; ૨૫:૩૧-૩૩.

ક્યારે “મોટી વિપત્તિ” શરૂ થશે?

૩. મોટી વિપત્તિ વિશે અગાઉ આપણી સમજણ શી હતી?

કેટલાંક વર્ષો સુધી આપણે માનતા હતા કે ૧૯૧૪માં પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થવાની સાથે મોટી વિપત્તિની શરૂઆત થઈ અને વર્ષ ૧૯૧૮માં યુદ્ધ બંધ થયું. યહોવાએ એ ‘દિવસો ઓછા કર્યા,’ જેથી બાકી રહેલા અભિષિક્તોને આખી દુનિયામાં ખુશખબર ફેલાવવાની તક મળે. (માથ. ૨૪:૨૧, ૨૨) એ પ્રચારકાર્ય પૂરું થયા પછી શેતાનના સામ્રાજ્યનો નાશ કરવામાં આવશે. તેથી, એવું માનવામાં આવતું કે મોટી વિપત્તિ ત્રણ ભાગમાં થશે: એની શરૂઆત થશે (૧૯૧૪થી ૧૯૧૮), એને અટકાવવામાં આવશે (૧૯૧૮થી) અને એનો અંત આર્માગેદનથી થશે.

૪. કઈ સમજણ મળવાથી છેલ્લા દિવસો વિશેની ભવિષ્યવાણી વધુ સ્પષ્ટ થઈ છે?

છેલ્લા દિવસો વિશેની ભવિષ્યવાણી પર વધુ અભ્યાસ કરવાથી સમજણ મળી કે એ ભવિષ્યવાણી બે વાર પૂરી થાય છે. (માથ. ૨૪:૪-૨૨) પ્રથમ વાર એ યહુદામાં ઈસવીસન ૩૩થી ૭૦ના સમયગાળામાં પૂરી થઈ. અને બીજી વાર, આપણા સમયમાં એ દુનિયા ફરતે પૂરી થશે. એ ઊંડી સમજણ મેળવવાથી ઘણી બાબતો સ્પષ્ટ થઈ છે. a

૫. (ક) ૧૯૧૪માં શાનો આરંભ થયો? (ખ) પ્રથમ સદીમાં એવાં જ “દુઃખો” કયા સમયગાળામાં આવી પડ્યાં હતાં?

આપણે એ પણ સમજી શક્યા કે મોટી વિપત્તિનો પહેલો ભાગ વર્ષ ૧૯૧૪માં શરૂ નહોતો થયો. કારણ, બાઇબલની ભવિષ્યવાણીઓ જણાવે છે કે મોટી વિપત્તિ, દેશો વચ્ચેના યુદ્ધથી નહિ પણ જૂઠા ધર્મો પરના હુમલાથી શરૂ થશે. તેથી, કહી શકાય કે મોટી વિપત્તિ વર્ષ ૧૯૧૪માં શરૂ થઈ ન હતી. પરંતુ, એ બધાં બનાવો તો “દુઃખોનો આરંભ જ” હતા. (માથ. ૨૪:૮) એવાં જ “દુઃખો” ઈસવીસન ૩૩થી ૬૬ના સમયગાળામાં યરૂશાલેમ અને યહુદા પર આવી પડ્યાં હતાં.

૬. મોટી વિપત્તિની શરૂઆતની નિશાની કઈ હશે?

  મોટી વિપત્તિની શરૂઆતની નિશાની કઈ હશે? ઈસુએ ભાખ્યું, “ઉજ્જડની અમંગળપણાની નિશાની જે સંબંધી દાનીયેલ પ્રબોધકે કહેલું છે, એને જ્યારે તમે પવિત્ર જગાએ ઊભેલી જુઓ (જે વાંચે તે સમજે), ત્યારે જેઓ યહુદાહમાં હોય તેઓ પહાડો પર નાસી જાય.” (માથ. ૨૪:૧૫, ૧૬) એ ભવિષ્યવાણી ૬૬ની સાલમાં નાના પાયે પૂરી થઈ. એમાં બતાવવામાં આવેલી ‘અમંગળ વસ્તુ’ પવિત્ર જગ્યાએ ઊભેલી દેખાઈ. કઈ રીતે? રોમન સૈન્યએ (અમંગળ વસ્તુએ) યરૂશાલેમ અને એના મંદિર પર હુમલો કર્યો (યહુદીઓની નજરે એ પવિત્ર જગ્યા હતી). એ જ ભવિષ્યવાણી મોટા પાયે પૂરી થશે. ક્યારે? સંયુક્ત રાષ્ટ્રસંઘ (હાલના સમયની અમંગળ વસ્તુ) જ્યારે ચર્ચ, એની સંસ્થાઓ (કહેવાતા ખ્રિસ્તીઓની નજરે જે પવિત્ર છે) અને મહાન બાબેલોનના બાકીના ભાગ ઉપર હુમલો કરશે ત્યારે એમ બનશે. પ્રકટીકરણ ૧૭:૧૬-૧૮ની કલમો પણ એ જ હુમલા વિશે જણાવે છે. મોટી વિપત્તિની શરૂઆત એ બનાવથી થશે.

૭. (ક) પહેલી સદીમાં અભિષિક્તો કઈ રીતે જીવન બચાવી શક્યા? (ખ) આપણે ભાવિમાં કઈ બાબતો બનવાની આશા રાખી શકીએ?

  ઈસુએ એમ પણ ભાખ્યું કે, “એ દહાડા ઓછા કરાશે.” ૬૬ની સાલમાં રોમન સૈન્યએ યરૂશાલેમ પર પોતાનો હુમલો અટકાવીને દિવસો ‘ઓછા કર્યા’ ત્યારે, એ ભવિષ્યવાણી નાના પાયે પૂરી થઈ. એ પછી, યરૂશાલેમ અને યહુદામાં રહેતાં અભિષિક્ત ખ્રિસ્તીઓ ત્યાંથી નાસી ગયાં, જેથી પોતાનું જીવન ‘બચાવી શકે.’ (માથ્થી ૨૪:૨૨ વાંચો; માલા. ૩:૧૭) તો પછી, આવનાર મોટી વિપત્તિ દરમિયાન આપણે કઈ બાબતો બનવાની આશા રાખી શકીએ? એ વખતે જૂઠા ધર્મ પર સંયુક્ત રાષ્ટ્રસંઘે કરેલા હુમલાના દિવસો યહોવા ‘ઓછા કરશે.’ આમ, જૂઠા ધર્મના નાશ સાથે સાચા ધર્મનો નાશ યહોવા થવા નહિ દે. એના લીધે યહોવાના ભક્તો બચી જશે.

૮. (ક) મોટી વિપત્તિના દિવસો ‘ઓછા કરાયા’ પછી કયા બનાવો બનશે? (ખ) ૧,૪૪,૦૦૦માંની છેલ્લી વ્યક્તિ ક્યારે સ્વર્ગનું ઈનામ મેળવશે? (નોંધ જુઓ.)

   મોટી વિપત્તિના પ્રથમ ભાગના દિવસો ‘ઓછા કરાયા’ પછી શું બનશે? ઈસુના શબ્દો પરથી પારખી શકાય કે, એક સમયગાળો હશે જેમાં કેટલાક બનાવો બનશે. એ પછી આર્માગેદન શરૂ થશે. હઝકીએલ ૩૮:૧૪-૧૬ અને માથ્થી ૨૪:૨૯-૩૧માં એ બનાવોનો ઉલ્લેખ થયો છે. (વાંચો.) b એ બનાવો પછી આપણે મોટી વિપત્તિના અંતિમ ભાગમાં આર્માગેદન જોઈશું. એની સરખામણી ૭૦ની સાલમાં થયેલા યરૂશાલેમના નાશ સાથે કરી શકાય. (માલા. ૪:૧) આવનાર મોટી વિપત્તિના અંત ભાગમાં આર્માગેદનનું યુદ્ધ થશે. એ એવો અજોડ બનાવ હશે, જે ‘જગતના આરંભથી તે હમણાં સુધી બન્યો નથી.’ (માથ. ૨૪:૨૧) એના પસાર થયા પછી ખ્રિસ્તનું હજાર વર્ષનું રાજ શરૂ થશે.

૯. મોટી વિપત્તિ વિશેની ભવિષ્યવાણીથી યહોવાના ભક્તો પર કેવી અસર થાય છે?

મોટી વિપત્તિ વિશેની ભવિષ્યવાણીથી આપણને હિંમત મળે છે. શા માટે? કારણ, એ આપણને ભરોસો આપે છે કે ભલે ગમે એટલી તકલીફો આવે, યહોવાના ભક્તો એક સમૂહ તરીકે મોટી વિપત્તિમાંથી બચી જશે. (પ્રકટી. ૭:૯, ૧૪) સૌથી મહત્ત્વનું એ છે કે, આર્માગેદન વખતે યહોવા સાબિત કરશે કે વિશ્વ પર રાજ કરવાનો હક તેમનો જ છે. તેમ જ, યહોવા પોતાનું પવિત્ર નામ મહિમાવંત કરશે. (ગીત. ૮૩:૧૮; હઝકી. ૩૮:૨૩) એ જાણીને આપણે કેટલા ખુશ છીએ!

ક્યારે “ઘેટાં” અને “બકરાં”નો ઈસુ ન્યાય કરશે?

૧૦. ઘેટાં અને બકરાંના ન્યાયના સમયગાળા વિશે અગાઉ આપણી સમજણ શી હતી?

૧૦ ઈસુની ભવિષ્યવાણીના બીજા ભાગમાં ઘેટાં અને બકરાંના ન્યાય વિશે દૃષ્ટાંત જોવા મળે છે. હવે ચાલો, એના સમયગાળાનો વિચાર કરીએ. (માથ. ૨૫:૩૧-૪૬) અગાઉ, આપણે માનતા હતા કે લોકો ઘેટાં જેવા છે કે બકરાં જેવા, એ ન્યાય ૧૯૧૪થી લઈને અંતના દિવસો સુધી ચાલશે. આપણે એવા તારણ પર આવ્યા હતા કે જેઓએ રાજ્યનો સંદેશો નકાર્યો અને જેઓ મોટી વિપત્તિ શરૂ થયા પહેલા મરણ પામ્યા, તેઓ બકરાં જેવા લોકો છે. તેઓ માટે સજીવન થવાની કોઈ આશા નથી.

૧૧. શા માટે કહી શકાય કે, લોકો ઘેટાં છે કે બકરાં એ ન્યાય કરવાનું ઈસુએ ૧૯૧૪માં શરૂ કર્યું નહોતું?

૧૧ વર્ષ ૧૯૯૫માં, ચોકીબુરજના લેખોમાં માથ્થી ૨૫:૩૧ની કલમ પર ફરીથી વિચાર કરવામાં આવ્યો હતો. એ કલમ જણાવે છે, “માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધાં આવશે ત્યારે, તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે.” ઈસુ વર્ષ ૧૯૧૪માં ઈશ્વરના રાજ્યના રાજા બન્યા હતા. પરંતુ, તે “સર્વ દેશજાતિઓ”નો ન્યાય કરવા હજી ‘મહિમાના રાજ્યાસન પર બેઠા’ ન હતા. (માથ. ૨૫:૩૨; વધુ માહિતી: દાનીયેલ ૭:૧૩) છતાં, ઘેટાં અને બકરાંના દૃષ્ટાંતમાં ઈસુને ખાસ કરીને ન્યાયાધીશ તરીકે દર્શાવવામાં આવ્યા છે. (માથ્થી ૨૫:૩૧-૩૪, ૪૧, ૪૬ વાંચો.) વર્ષ ૧૯૧૪માં હજી ઈસુ સર્વ દેશજાતિઓ પર ન્યાયાધીશ બન્યા નહોતા. તેથી, કહી શકાય કે એ વર્ષમાં તેમણે ન્યાય કરવાનું શરૂ કર્યું નહોતું કે લોકો ઘેટાં જેવા છે કે બકરાં જેવા. c તો પછી, તે ક્યારે ન્યાય કરવાનું શરૂ કરશે?

૧૨. (ક) ઈસુ ન્યાયાધીશ તરીકે સૌપ્રથમ ક્યારે સર્વ દેશજાતિઓનો ન્યાય કરશે? (ખ) માથ્થી ૨૪:૩૦, ૩૧ અને માથ્થી ૨૫:૩૧-૩૩, ૪૬ કલમોમાં કયા બનાવો નોંધવામાં આવ્યા છે?

  ૧૨ ઈસુ ન્યાયાધીશ તરીકે સૌપ્રથમ ક્યારે સર્વ દેશજાતિઓનો ન્યાય કરશે? છેલ્લા દિવસો વિશે તેમની ભવિષ્યવાણી બતાવે છે કે, જૂઠા ધર્મોના નાશ પછી તે એમ કરશે.  ફકરા ૮માં જોઈ ગયા તેમ, એ સમયમાં બનનાર અમુક બનાવો વિશે માથ્થી ૨૪:૩૦, ૩૧ની કલમોમાં નોંધવામાં આવ્યું છે. એ કલમો તપાસતા જણાય છે કે, એમાં ઈસુએ ભાખેલા બનાવો અને ઘેટાં તથા બકરાંના દૃષ્ટાંતના બનાવો મળતા આવે છે. જેમ કે, માણસનો દીકરો પોતાના મહિમામાં અને દૂતો સાથે આવશે; સર્વ દેશજાતિઓ અને કુળો ભેગાં કરવામાં આવશે; જેઓનો ઘેટાં તરીકે ન્યાય થશે તેઓ ‘માથાં ઊંચાં કરશે’ કેમ કે તેઓને હંમેશ માટેનું જીવન મળવાનું છે. d જેઓનો બકરાં તરીકે ન્યાય થશે તેઓ “શોક કરશે” કેમ કે, તેઓનો હંમેશ માટે નાશ થવાનો છે.​—માથ. ૨૫:૩૧-૩૩, ૪૬.

૧૩. (ક) લોકો ઘેટાં છે કે બકરાં, એ ન્યાય ઈસુ ક્યારે કરશે? (ખ) એ સમજણ પ્રચારકાર્ય માટે આપણા વલણને કઈ રીતે અસર કરે છે?

 ૧૩ એના પરથી, આપણે શું તારણ કાઢી શકીએ? મોટી વિપત્તિના સમયગાળામાં ઈસુ આવશે ત્યારે, સર્વ દેશના લોકોનો ન્યાય કરશે કે તેઓ ઘેટાં છે કે બકરાં. એ પછી, મોટી વિપત્તિના અંતિમ ભાગ આર્માગેદનમાં બકરાં જેવા લોકોનો હંમેશ માટે નાશ કરાશે. એ સમજણ પ્રચારકાર્ય માટે આપણાં વલણને કઈ રીતે અસર કરે છે? એનાથી સમજાય છે કે પ્રચારકાર્ય ઘણું મહત્ત્વનું છે. મોટી વિપત્તિ શરૂ ન થાય ત્યાં સુધી લોકો પાસે પોતાના વિચારો બદલવાની અને ‘જીવનમાં પહોંચાડતા’ સાંકડા માર્ગ પર ચાલવાની તક રહેલી છે. (માથ. ૭:૧૩, ૧૪) ખરું કે, હાલમાં લોકો ઘેટાં કે બકરાં જેવું વલણ બતાવતા હશે. છતાં, આપણે યાદ રાખવું જોઈએ કે, તેઓ ઘેટાં છે કે બકરાં એવો આખરી ચુકાદો મોટી વિપત્તિ વખતે અપાશે. એ સારા કારણને લીધે શક્ય હોય એટલા લોકોને રાજ્યનો સંદેશો જણાવીએ અને તેઓ એ સ્વીકારે માટે મદદ કરીએ.

મોટી વિપત્તિ શરૂ ન થાય ત્યાં સુધી લોકોને પોતાના વિચારો બદલવાની તક મળશે ( ફકરો ૧૩ જુઓ)

ક્યારે ઈસુનું આવવું થશે?

૧૪, ૧૫. કઈ ચાર કલમો ખ્રિસ્તના ન્યાયાધીશ તરીકે ભાવિમાં આવવાને લાગુ પડે છે?

૧૪ ઈસુની ભવિષ્યવાણી પર આપણે ઘણી મહત્ત્વની વિગતો જોઈ ગયા. હવે, સવાલ થાય કે, શું એના આધારે મહત્ત્વના બીજા બનાવોના સમયની આપણી સમજણમાં ફેરફાર થવો જોઈએ? એનો જવાબ ભવિષ્યવાણીમાં જ છે. ચાલો જોઈએ.

૧૫ ઈસુની ભવિષ્યવાણીનો ભાગ જે માથ્થી ૨૪:૨૯–૨૫:૪૬માં નોંધાયેલો છે, એમાં તે છેલ્લા દિવસોમાં બનનારી બાબતો અને આવનાર મોટી વિપત્તિ પર ખાસ ધ્યાન દોરે છે. એ કલમોમાં ઈસુ આઠ વાર પોતાના ‘આવવા’ વિશે જણાવે છે. મોટી વિપત્તિ વિશે જણાવતા ઈસુએ કહ્યું: ‘તેઓ માણસના દીકરાને આકાશના મેઘ પર આવતો દેખશે.’ ‘તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.’ ‘જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે.’ ઘેટાં અને બકરાંના દૃષ્ટાંતમાં ઈસુએ કહ્યું: ‘માણસનો દીકરો પોતાના મહિમામાં આવશે.’ (માથ. ૨૪:૩૦, ૪૨, ૪૪; ૨૫:૩૧) આ ચારેય કલમો ખ્રિસ્તના ન્યાયાધીશ તરીકે ભાવિમાં આવવાને લાગુ પડે છે. ઈસુની ભવિષ્યવાણીમાં બીજી કઈ ચાર કલમો તેમના આવવા વિશે જણાવે છે?

૧૬. બીજી કઈ ચાર કલમો ઈસુના આવવા વિશે જણાવે છે?

૧૬ વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર વિશે ઈસુએ કહ્યું, “જે ચાકરને તેનો ધણી આવીને એમ કરતો દેખે, તેને ધન્ય છે.” કુમારિકાઓના દૃષ્ટાંતમાં ઈસુએ જણાવ્યું, “તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો.” તાલંતના દૃષ્ટાંતમાં ઈસુએ કહ્યું, “અને લાંબી મુદ્દત પછી તે ચાકરોનો ધણી આવે છે.” ઈસુના એ જ દૃષ્ટાંતમાં માલિકે કહ્યું, ‘હું આવું ત્યારે મને મારું મળે.’ (માથ. ૨૪:૪૬; ૨૫:૧૦, ૧૯, ૨૭) ઈસુના આવવા વિશે એ ચાર કલમો કયા સમયને રજૂ કરે છે?

૧૭. માથ્થી ૨૪:૪૬માં ઉલ્લેખ કરેલા ‘આવવા’ વિશે આપણે અગાઉ શું જણાવ્યું હતું?

૧૭ અગાઉ, આપણાં સાહિત્યમાં એમ જણાવવામાં આવ્યું હતું કે એ છેલ્લી ચાર કલમો, ૧૯૧૮માં ઈસુના આવવાને લાગુ પડે છે. એ સમજવા ચાલો, ઈસુએ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વિશે કહેલા શબ્દોની નોંધ લઈએ. (માથ્થી ૨૪:૪૫-૪૭ વાંચો.) કલમ ૪૬માં “આવવા” વિશે જે જણાવ્યું છે, એ કયા સમયને લાગુ પડે છે? અગાઉ એમ લાગતું હતું કે, આ કલમ એ સમયને લાગુ પડતી હતી જ્યારે, અભિષિક્તો ભક્તિમાં કેવું કરી રહ્યા છે એ જોવા ઈસુ વર્ષ ૧૯૧૮માં આવ્યા. તેમ જ, એ સમયને લાગુ પડે છે જ્યારે માલિકની બધી સંપત્તિ પર ચાકરને ૧૯૧૯માં કારભારી ઠરાવ્યો. (માલા. ૩:૧) ઈસુની ભવિષ્યવાણી પર વધુ વિચાર કરતા ખ્યાલ આવ્યો કે, એ ભવિષ્યવાણીના સમય વિશેની સમજણમાં પણ સુધારો કરવો જરૂરી છે. શા માટે?

૧૮. ઈસુની આખી ભવિષ્યવાણી પર વિચાર કર્યા પછી તેમના આવવા વિશે શું તારણ કાઢી શકાય?

 ૧૮ માથ્થી ૨૪:૪૬ની અગાઉની કલમોમાં પણ “આવવા” વિશે જણાવ્યું છે. એ કલમો એવા સમયને રજૂ કરે છે જ્યારે ઈસુ મોટી વિપત્તિ વખતે ન્યાય જાહેર કરીને એને અમલમાં મૂકવા આવશે. (માથ. ૨૪:૩૦, ૪૨, ૪૪) ઉપરાંત,  ફકરા ૧૨માં આપણે ચર્ચા કરી તેમ, માથ્થી ૨૫:૩૧માં ઈસુના આવવા વિશે જે ઉલ્લેખ થયો છે, એ ભાવિમાં થનાર ન્યાયના સમયને રજૂ કરે છે. તેથી, તારણ કાઢી શકાય કે માથ્થી ૨૪:૪૬, ૪૭માં જણાવ્યા પ્રમાણે, ઈસુનું આવીને બુદ્ધિમાન ચાકરને પોતાની બધી સંપત્તિ પર કારભારી ઠરાવવું, એ પણ ભાવિમાં તેમના આવવાને લાગુ પડે છે, જે આવનાર મોટી વિપત્તિ વખતે થશે. ઈસુની આખી ભવિષ્યવાણી પર વિચારવાથી ખ્યાલ આવે છે કે, તેમના આવવા વિશેની એ આઠ કલમો ભાવિમાં થનાર ન્યાયના સમયને રજૂ કરે છે, જે મોટી વિપત્તિ વખતે થશે.

૧૯. સમજણમાં થયેલા કયા સુધારા વિશે આપણે ચર્ચા કરી? આવતા લેખોમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

૧૯ એ ચર્ચા પરથી આપણે શું શીખ્યા? લેખની શરૂઆતમાં આપણે ત્રણ સવાલો ઉઠાવ્યા હતા. પ્રથમ સવાલની ચર્ચામાં આપણે જોયું કે, મોટી વિપત્તિની શરૂઆત ૧૯૧૪માં થઈ ન હતી. એની શરૂઆત, મહાન બાબેલોન પર સંયુક્ત રાષ્ટ્રસંઘના હુમલાથી થશે. એ પછી, આપણે જોયું કે લોકો ઘેટાં છે કે બકરાં, એવો ન્યાય કરવાનું ઈસુએ ૧૯૧૪માં શરૂ કર્યું ન હતું. એ તો ઈસુ મોટી વિપત્તિ દરમિયાન કરશે. આખરે, આપણે એ પણ જોયું કે, વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરને ઈસુ પોતાની બધી સંપત્તિ પર કારભારી ઠરાવવા માટે આવે, એ કેમ ૧૯૧૯માં બન્યું ન હતું. પરંતુ, એ જવાબદારી તેઓને મોટી વિપત્તિ વખતે આપવામાં આવશે. તેથી, કહી શકાય કે એ ત્રણે સવાલોના જવાબ એક જ સમયને, એટલે કે ભાવિમાં થનાર મોટી વિપત્તિને દર્શાવે છે. તો પછી, સમજણમાં થયેલા આ સુધારાને લીધે વિશ્વાસુ ચાકરના દૃષ્ટાંતની આપણી સમજણ પર કેવી અસર પડે છે? તેમ જ, આ છેલ્લા દિવસોમાં પૂરાં થઈ રહેલાં ઈસુનાં બીજાં દૃષ્ટાંતો વિશેની આપણી સમજણ પર કેવી અસર થાય છે? એ મહત્ત્વના સવાલોની આવતા લેખોમાં ચર્ચા કરીશું.

 

a ફકરો ૪: વધુ માહિતી માટે ચોકીબુરજ, ફેબ્રુઆરી ૧, ૧૯૯૪, પાન ૧૮-૨૯ અને મે ૧, ૧૯૯૯, પાન ૮-૨૦ જુઓ.

b ફકરો ૮: આ કલમોમાં જણાવેલો એક બનાવ હશે: “પસંદ કરેલાઓને એકઠા” કરવું. (માથ. ૨૪:૩૧) તેથી, એમ લાગે છે કે, મોટી વિપત્તિનો પહેલો ભાગ પૂરો થયા પછી પણ અભિષિક્તો પૃથ્વી પર જ હશે. પરંતુ, આર્માગેદનનું યુદ્ધ શરૂ થતા પહેલા તેઓને કોઈક સમયે સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. ધ વૉચટાવર, ઑગસ્ટ ૧૫, ૧૯૯૦, પાન ૩૦નો લેખ, “વાચકો તરફથી પ્રશ્નો”માં જણાવેલી સમજણમાં આ સુધારો છે.

c ફકરો ૧૧: ચોકીબુરજ, ઑક્ટોબર ૧૫, ૧૯૯૫, પાન ૧૮-૨૮ જુઓ.

d ફકરો ૧૨: સરખો અહેવાલ લુક ૨૧:૨૮માં જુઓ.