જીવન સફર
યહોવા પર ભરોસો રાખવાથી ઘણા આશીર્વાદો મળ્યા
કેટલીક વાર જીવનમાં એવા અણધાર્યા સંજોગો આવી પડે કે જીવવું મુશ્કેલ થઈ જાય. છતાં, જેઓ પોતાની સમજ પર નહિ પણ યહોવા પર ભરોસો રાખે છે તેઓને આશીર્વાદ મળે છે. એ બાબતને મેં અને મારા પત્નીએ અમારાં લાંબા અને સફળ જીવનમાં અનુભવ્યું છે. ચાલો, એના વિશે થોડું જણાવું.
વર્ષ ૧૯૧૯માં સીદાર પોઈન્ટ, ઓહાયો, અમેરિકામાં ઇન્ટરનેશનલ બાઇબલ સ્ટુડન્ટ્સનું સંમેલન યોજાયું હતું. ત્યાં પહેલી વાર મારાં માતા-પિતા એકબીજાને મળ્યાં હતાં. એ જ, વર્ષમાં તેઓએ લગ્ન કર્યું. મારો જન્મ ૧૯૨૨માં અને મારા ભાઈ પાઊલનો જન્મ એના બે વર્ષ પછી થયો. મારી પત્ની ગ્રેસનો જન્મ ૧૯૩૦માં થયો. તેનાં માતા-પિતા રોય અને રૂથ હાવલનો ઉછેર બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે થયો હતો. ગ્રેસનાં દાદા-દાદી પણ બાઇબલ વિદ્યાર્થીઓ હતાં અને ભાઈ ચાર્લ્સ ટેઝ રસેલનાં મિત્રો હતાં.
હું ગ્રેસને ૧૯૪૭માં મળ્યો અને જુલાઈ ૧૬, ૧૯૪૯માં અમે લગ્ન કર્યાં. અમારાં લગ્ન પહેલાં અમે અમારા ધ્યેયો વિશે સ્પષ્ટ ચર્ચા કરી લીધી હતી. અમે નક્કી કર્યું કે પૂરા સમયની સેવામાં લાગુ રહેવા બાળકોની જવાબદારીથી મુક્ત રહીશું. ઑક્ટોબર ૧, ૧૯૫૦માં અમે પાયોનિયરીંગ શરૂ કર્યું. પછી, વર્ષ ૧૯૫૨માં અમને સરકીટ કામ કરવા આમંત્રણ મળ્યું.
પ્રવાસી નિરીક્ષકનું કામ અને ગિલયડની તાલીમ
અમને બંનેને લાગ્યું કે નવી સોંપણી માટે અમને વધારે મદદની જરૂર છે. એના માટે મેં અનુભવી ભાઈઓ પાસે મદદ માંગી. હું ઇચ્છતો હતો કે ગ્રેસને પણ મદદ મળે. એટલે મેં વધુ અનુભવી પ્રવાસી નિરીક્ષક, ભાઈ માર્વિન હૉલીઍનને વાત કરી. અમારું કુટુંબ તેમને વર્ષોથી ઓળખતું હતું. મેં તેમને કહ્યું, ‘ગ્રેસ યુવાન હોવાથી તેને અનુભવ નથી. થોડી તાલીમ મળે એ માટે તે કોની સાથે કામ કરી શકે?’ ભાઈએ જણાવ્યું, ‘એડના વિન્કલ અનુભવી પાયોનિયર છે, જે ગ્રેસને ઘણી મદદ કરશે.’ એડના જોડે કામ કર્યા પછી ગ્રેસે જણાવ્યું, ‘તેમની મદદથી હું ઘર માલિક સાથે સહેલાઈથી વાત કરી શકું છું. કઈ રીતે વિરોધનો સામનો કરવો અને ઘર માલિકને ધ્યાનથી સાંભળીને યોગ્ય જવાબ આપવો, એ શીખી શકી છું. મને એવા જ સાથની જરૂર હતી.’
ગ્રેસ અને હું, આયોવા રાજ્યની બે સરકીટોમાં કામ કરતા હતાં. એમાં મિનેસોટા અને દક્ષિણ ડકોટા રાજ્યોના અમુક ભાગો પણ આવી જતા. પછી અમને ન્યૂ યૉર્ક સરકીટ ૧માં મૂકવામાં આવ્યાં. એમાં બ્રુકલિન અને ક્વીન્ઝના વિસ્તારોનો પણ સમાવેશ થતો હતો. એ સોંપણીમાં જે અનુભવો થયા,
એ કદી ભૂલાય નહિ એવા હતા. બ્રુકલિન હાઇટ્સ મંડળ પણ અમારી સરકીટનો ભાગ હતો. ત્યાંના ભાઈ-બહેનો બેથેલના રાજ્યગૃહમાં ભેગાં મળતાં અને બેથેલના ઘણા અનુભવી સભ્યો ત્યાં આવતા. જ્યારે મેં પહેલી સર્વિસ ટૉક એ મંડળમાં આપી, ત્યારે ભાઈ નાથાન નૉરે આવીને કહ્યું, ‘મેલકમ, તમે અમને સુધારો કરવા જે સલાહ આપી એ એકદમ યોગ્ય હતી. હંમેશાં યાદ રાખજો કે આવી નમ્ર રીતે સલાહ આપી અમને મદદ નહિ કરશો તો, તમે સંગઠનમાં ખાસ કોઈ યોગદાન નહિ આપી શકો. એ સારું કામ કરતા રહેજો!’ સભા પછી, મેં એ વાત ગ્રેસને જણાવી. ત્યાર બાદ, અમે અમારાં રૂમમાં ગયાં અને મળેલી જવાબદારીની ચિંતાને લીધે અમે બંને રડી પડ્યાં.‘હંમેશાં યાદ રાખજો કે આવી નમ્ર રીતે સલાહ આપી અમને મદદ નહિ કરશો તો, તમે સંગઠનમાં ખાસ કોઈ યોગદાન નહિ આપી શકો. એ સારું કામ કરતા રહેજો!’
અમુક મહિનાઓ પછી, ગિલયડ સ્કૂલના ૨૪મા વર્ગમાં તાલીમ લેવા અમને આમંત્રણ મળ્યું. એ વર્ગ ફેબ્રુઆરી ૧૯૫૫માં પૂરો થવાનો હતો. અમને અગાઉથી જણાવવામાં આવ્યું કે એ તાલીમ પછી જરૂરી નથી કે અમને મિશનરી કામ માટે જ મોકલવામાં આવે. એ તાલીમ અમને પ્રવાસી કામ સારી રીતે કરવામાં મદદ કરશે. એ શાળામાં અમને અદ્ભુત અનુભવ થયો. જોકે, અમને ખ્યાલ આવ્યો કે અમારે હજી ઘણું શીખવાનું છે.
એ તાલીમ પછી અમને ડિસ્ટ્રીક્ટ કામ સોંપવામાં આવ્યું. એમાં ઇન્ડિયાના, મિશિગન અને ઓહાયોના રાજ્યોનો સમાવેશ થતો હતો. પછી, એક દિવસે ડિસેમ્બર ૧૯૫૫માં અમને ભાઈ નૉરનો પત્ર મળ્યો. એમાં લખ્યું હતું, ‘જરા પણ અચકાયા વગર મને જણાવો કે તમે શું કરવા માંગશો. બેથેલમાં રહીને સેવા આપવા માંગો છો કે, થોડો સમય બેથેલમાં રહ્યા પછી બીજા દેશમાં જઈ સેવા કરવા ઇચ્છો છો કે પછી, ડિસ્ટ્રીક્ટ અથવા સરકીટ કામમાં લાગુ રહેવા માંગો છો?’ અમે જણાવ્યું કે જે કંઈ સોંપવામાં આવશે એ અમે રાજી ખુશીથી કરીશું. તરત જ, અમને બેથેલમાં બોલાવવામાં આવ્યાં.
બેથેલમાં રોમાંચક વર્ષો
બેથેલ સેવાનાં રોમાંચક વર્ષોમાં મેં આખા અમેરિકાનાં મંડળો અને સંમેલનોમાં પ્રવચનો આપ્યાં. મેં એવા યુવાન ભાઈઓને તાલીમ અને મદદ આપી, જેઓ પછીથી આપણા સંગઠનમાં ભારે જવાબદારીઓ ઉપાડવાના હતા. ત્યાર બાદ, મેં ભાઈ નૉરના સેક્રેટરી તરીકે તેમની ઑફિસમાં કામ કર્યું. ત્યાંથી દુનિયા ફરતેનાં પ્રચારકાર્ય પર દેખરેખ રાખવામાં આવતી.
સર્વિસ વિભાગમાં કામ કરવું મને ઘણું ગમતું હતું. ત્યાં મને ભાઈ ટી. જે. સુલીવાન સાથે કામ કરવાનો મોકો મળ્યો. તે ઘણાં વર્ષોથી એ વિભાગના નિરીક્ષક હતા. ત્યાં બીજા ભાઈઓ પણ હતા જેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું. એમાંના એક ભાઈ ફ્રેડ રસ્ક હતા, જેમણે મને તાલીમ આપી.
મને એક બનાવ યાદ કરતા આનંદ થાય છે, જ્યારે મેં તેમને પૂછ્યું હતું: ‘મારા અમુક પત્રોમાં તમે શા માટે ફેરફાર કરો છો?’ તેમણે હસતાં હસતાં સરસ વિચાર જણાવ્યો. તેમણે કહ્યું, ‘મોઢે કહેલી વાતને આપણે બીજા શબ્દોથી સમજાવી શકીએ છીએ. પણ, પત્ર લખીએ ત્યારે એ સ્પષ્ટ અને સચોટ હોવો જરૂરી છે. એમાંય, સર્વિસ વિભાગે તો ખાસ ધ્યાન આપવું જોઈએ.’ પછી, ભાઈએ ઉમેર્યું: ‘ચિંતા ન કરો, તમે સારું કરી રહ્યા છો, સમય જતા વધુ સારું કરી શકશો.’વર્ષો દરમિયાન બેથેલમાં ગ્રેસે જુદા જુદા વિભાગોમાં કામ કર્યું. એમાંનું એક હતું રૂમની સાફસફાઈ અને દેખરેખ રાખવી. એ કામ તેને ઘણું ગમતું હતું. એ સમયના અમુક યુવાન ભાઈઓને તેણે રૂમની દેખરેખ રાખવાનું શીખવ્યું હતું. આજે પણ એમાંના કોઈ ભાઈ મળે ત્યારે ગ્રેસને ખુશ થઈને જણાવે છે, ‘તમે જે શીખવેલી એવી પથારી બનાવતા જોઈને મારાં મમ્મી ઘણાં ખુશ થાય છે.’ ગ્રેસને મૅગેઝિન, પત્ર વ્યવહાર અને કેસેટ બનાવતા વિભાગમાં કામ કરવાનું પણ ગમતું. એ જુદી જુદી સોંપણીને લીધે તે શીખી શકી કે, યહોવાના સંગઠનમાં કોઈ પણ કામ કરવું એક લહાવો અને આશીર્વાદ છે. તે હજુ પણ એવું જ માને છે.
અમે ફેરફારો કર્યાં
આશરે ૧૯૭૫માં, અમને લાગ્યું કે હવે અમારાં વૃદ્ધ માબાપને કોઈકના સહારાની જરૂર છે. તેથી, અમારે એક મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો. અમને બેથેલ અને બીજા વહાલા ભાઈઓને છોડવાની જરાય ઇચ્છા ન હતી. છતાં, મને લાગ્યું કે અમારાં માબાપની કાળજી લેવી એ મારી જવાબદારી છે. તેથી, સંજોગો બદલાતા પાછા આવીશું, એવી આશા સાથે અમે બેથેલ છોડ્યું.
ગુજરાન ચલાવવા, હું ઇન્સ્યૉરન્સ એજન્ટ બન્યો. તાલીમ લેતી વખતે મૅનેજરે કહેલી વાત મને યાદ રહેશે. તેમણે કહ્યું હતું : ‘આ ધંધામાં સાંજનો સમય ખૂબ કીમતી છે. કેમ કે, મોટા ભાગે લોકો સાંજે જ ઘરે મળે છે. તેથી, તેઓને મળવા સાંજનો સમય ફાળવવા કરતાં બીજું કંઈ મહત્ત્વનું નથી.’ મેનેજરને મેં જણાવ્યું, ‘તમારા અનુભવથી તમે જે મને કહ્યું, એની હું કદર કરું છું. પરંતુ, ભક્તિને લગતી મારી અમુક જવાબદારીઓ છે, જેને મેં આજ સુધી નજરઅંદાજ કરી નથી અને કરીશ પણ નહિ. હું મંગળવાર અને ગુરુવાર સિવાય લોકોને સાંજે મળવા જઈશ. કારણ કે, એ દિવસોએ હું સૌથી મહત્ત્વની સભાઓમાં જઉં છું.’ નિયમિત સભાઓમાં જવા માટે મેં કામને આડે આવવા દીધું નહિ. તેથી, યહોવાએ મને ઘણો આશીર્વાદ આપ્યો.
જુલાઈ ૧૯૮૭માં મારી માતા હૉસ્પિટલમાં ગુજરી ગયાં ત્યારે, અમે તેમની પાસે જ હતાં. ત્યાંના હેડ નર્સે ગ્રેસને કહ્યું, ‘તમે હવે ઘરે જઈને શાંતિથી આરામ કરો. તમે તમારાં સાસુની ખૂબ સેવા કરી છે. તમે બનતું બધું જ કર્યું છે, એ અમે જાણીએ છીએ.’
ડિસેમ્બર ૧૯૮૭માં અમારી ગમતી જગ્યાએ એટલે કે, બેથેલમાં ફરી સેવા આપવા અમે ફૉર્મ ભર્યું. પણ, એના થોડા જ દિવસ પછી અમને ખબર પડી કે ગ્રેસને આંતરડાનું
કૅન્સર છે. ઑપરેશન પછી તે પૂરી રીતે સાજી થઈ ગઈ. અને કૅન્સર મટી ગયું છે, એમ ડોક્ટરે જણાવ્યું. એ સમય દરમિયાન બેથેલ તરફથી મળેલા પત્રમાં અમને સ્થાનિક મંડળમાં જ લાગુ રહેવાની સલાહ આપવામાં આવી. અમે ભક્તિમાં વધુ કરતા રહેવા માટે મક્કમ હતાં.ત્યાર બાદ ટૅક્સસમાં મને નોકરી મળી. ત્યાંનું હૂંફાળું વાતાવરણ અમારાં માટે સારું રહેશે એમ વિચારી અમે ત્યાં જવાનું નક્કી કર્યું, જે બરોબર હતું. ટૅક્સસમાં અમે છેલ્લાં ૨૫ વર્ષથી રહીએ છીએ. અહીં ભાઈ-બહેનો અમારી ખૂબ કાળજી રાખે છે અને તેઓ અમને ખૂબ વહાલાં છે.
અમે ઘણું શીખ્યાં
આંતરડાના કૅન્સર પછી ગ્રેસને થાઇરોઇડ અને હાલમાં સ્તન કૅન્સર થયું. આટલું બધું સહન કર્યાં છતાં, તેણે કદી ફરિયાદ કરી નથી. તે હંમેશાં શિરપણાના સિદ્ધાંતને આધીન રહી અને મને સહકાર આપ્યો. ઘણા તેને પૂછે છે કે, ‘તમારાં સુખી અને સફળ લગ્નજીવનની ચાવી શું છે?’ તે ચાર કારણો બતાવતાં કહે છે: ‘અમે સારા મિત્રો છીએ. અમે દરરોજ ખુલ્લાં મને વાતચીત કરીએ છીએ. અમને એકબીજા સાથે સમય વિતાવવો ખૂબ ગમે છે. તેમ જ, મતભેદ થયો હોય તો સમાધાન કર્યાં વગર ઊંઘતાં નથી. કોઈક વખતે એવું પણ બને કે અમે એકબીજાને દુઃખ પહોંચાડી બેસીએ. એવા કિસ્સામાં અમે માફ કરો અને ભૂલી જાઓનો સિદ્ધાંત યાદ રાખીએ છીએ, જે ખરેખર કામ આવે છે.’
‘હંમેશાં યહોવા પર ભરોસો રાખીએ અને તે જે ચાલવા દે છે, એનો સ્વીકાર કરીએ’
આટલું બધું સહન કર્યા પછી અમને આવી સરસ બાબતો શીખવા મળી છે:
-
(૧) હંમેશાં યહોવા પર ભરોસો રાખીએ અને તે જે ચાલવા દે છે, એનો સ્વીકાર કરીએ. પોતાની જ અક્કલ પર આધાર ન રાખીએ.—નીતિ. ૩:૫, ૬; યિર્મે. ૧૭:૭.
-
(૨) ગમે તેવા સંજોગો હોય, બાઇબલમાંથી જ માર્ગદર્શન મેળવીએ. યહોવા અને તેમના નિયમોને આધીન રહેવું ખૂબ જરૂરી છે. આપણે કોઈ એક જ બાબત પસંદ કરી શકીએ: તેમની આજ્ઞા પાળવી અથવા ન પાળવી.—રોમ. ૬:૧૬; હિબ્રૂ ૪:૧૨.
-
(૩) યહોવાની નજરમાં સારું નામ મેળવવા સિવાય જીવનમાં બીજું કંઈ મહત્ત્વનું નથી. જીવનમાં ધનદોલતને નહિ પણ, તેમની ઇચ્છાને હંમેશાં પ્રથમ રાખીએ.—નીતિ. ૨૮:૨૦; સભા. ૭:૧; માથ. ૬:૩૩, ૩૪.
-
(૪) યહોવાની સેવામાં વધુ કરતા રહેવા પ્રાર્થના કરીએ. આપણે જે કરી શકતા નથી એના પર નહિ પણ, જે કરી શકીએ છીએ એના પર ધ્યાન આપીએ.—માથ. ૨૨:૩૭; ૨ તીમ. ૪:૨.
-
(૫) આપણા સંગઠન સિવાય બીજા કોઈ પર યહોવાનો આશીર્વાદ અને કૃપા નથી.—યોહા. ૬:૬૮.
મેં અને ગ્રેસે ૭૫ વર્ષ યહોવાની સેવામાં વિતાવ્યાં છે. એમાંના, ૬૫ વર્ષ અમે યુગલ તરીકે સેવા કરી છે. આટલાં વર્ષો યહોવાની સેવા કરવામાં અમને ઘણો આનંદ મળ્યો છે. અમને આશા છે અને અમે પ્રાર્થના કરીએ છીએ કે બીજાં ભાઈ-બહેનોને પણ યહોવા પર ભરોસો રાખવાથી આવા જ આશીર્વાદોનો અનુભવ થાય.