કઈ રીતે યહોવા આપણી પાસે આવે છે
“તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” —યાકૂ. ૪:૮.
૧. દરેક મનુષ્ય શું ઇચ્છે છે અને એ ઇચ્છા કોણ કોણ પૂરી કરી શકે?
દરેક મનુષ્ય ઇચ્છે છે કે તેને હુંફ અને પ્રેમ મળી રહે. તેથી જ, કુટુંબ અને મિત્રો આપણને ચાહે, કદર કરે અને સમજે તો આપણને ઘણી ખુશી થાય છે. જોકે, આપણો સૌથી નજીકનો સંબંધ કોની સાથે હોવો જોઈએ? આપણા સર્જનહાર યહોવા સાથે.—સભા. ૧૨:૧.
૨. યહોવા આપણને કયું વચન આપે છે? પરંતુ, એ સ્વીકારવું ઘણા લોકોને શા માટે અઘરું લાગે છે?
૨ યહોવા પોતાના શબ્દ એટલે કે બાઇબલ દ્વારા આપણને પ્રેમથી “પાસે” બોલાવે છે. તેમ જ, વચન આપે છે કે જો આપણે તેમની પાસે જઈશું તો ‘તે પણ આપણી પાસે આવશે.’ (યાકૂ. ૪:૮) કેટલું ઉત્તેજન આપનારું વચન! જોકે, ઘણા માને છે કે ઈશ્વર આપણી પાસે આવે એવું ખરેખર શક્ય નથી. તેઓમાંના કેટલાક માને છે કે પોતે ઈશ્વર સાથે મિત્રતા કેળવવાને યોગ્ય નથી. જ્યારે કે, અમુકને થાય છે કે ઈશ્વર અને આપણી વચ્ચે આભ-જમીનનું અંતર છે. પરંતુ, શું ઈશ્વરની નજીક જવું ખરેખર અશક્ય છે?
૩. આપણે યહોવા વિશે કઈ ખાતરી રાખવી જોઈએ?
૩ હકીકત એ છે કે જેઓ યહોવાની નજીક જવા ચાહે છે ‘તેઓમાંના કોઈથી તે દૂર નથી.’ તેથી, તેમની નજીક જવું શક્ય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬, ૨૭; ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮ વાંચો.) આપણામાં પાપ હોવા છતાં યહોવાએ એવી ગોઠવણ કરી, જેથી આપણે તેમની નજીક જઈ શકીએ. વધુમાં તે આપણને મિત્ર બનાવવા તૈયાર છે અને ચાહે છે કે આપણે તેમના ગાઢ મિત્ર બનીએ. (યશા. ૪૧:૮; ૫૫:૬) એક ભક્તે પોતાના અનુભવ પરથી યહોવા વિશે આમ લખ્યું: ‘હે પ્રાર્થનાના સાંભળનાર, સર્વ લોક તમારી પાસે આવશે. જેને તમે પાસે લાવો છો, તેને ધન્ય છે.’ (ગીત. ૬૫:૨, ૪) બાઇબલમાં યહુદા રાજ્યના રાજા આસાનો અહેવાલ છે. એમાં જોવા મળે છે કે તે કઈ રીતે યહોવાની પાસે ગયા અને યહોવા તેમની પાસે કઈ રીતે આવ્યા. *
એક પ્રાચીન અહેવાલમાંથી શીખીએ
૪. યહુદાના લોકો માટે આસા રાજાએ કેવો દાખલો બેસાડ્યો?
૪ આસા રાજાએ સાચી ભક્તિ માટે સારો ઉત્સાહ બતાવ્યો. તેમણે દેશમાં ચારેય બાજુ ફેલાયેલી મૂર્તિપૂજાને અને મંદિરમાં થતાં અશ્લીલ કામોને દૂર કર્યાં. (૧ રાજા. ૧૫:૯-૧૩) આસા પોતે યહોવાની પાસે આવ્યા હતા અને તેમની આજ્ઞા પાળતા હતા. એ કારણે તે બીજાઓને પણ એમ કરવાનું ઉત્તેજન આપી શક્યા. તેમણે ‘યહુદા રાજ્યના લોકોને તેઓના પૂર્વજોના ઈશ્વર યહોવાની ઉપાસના કરવાનો અને નિયમ તથા આજ્ઞાઓ પાળવાનો હુકમ કર્યો.’ તેથી, યહોવાએ આશીર્વાદ આપીને આસા રાજાના રાજ્યમાં પ્રથમ ૧૦ વર્ષો પૂરેપૂરી શાંતિ-સલામતી આપી. આસાએ એ સફળતા માટે કોને શ્રેય આપ્યો? તેમણે લોકોને કહ્યું: ‘હજી દેશમાં આપણને કોઈનું નડતર નથી, કેમ કે આપણે આપણા ઈશ્વર યહોવાની ઉપાસના કરી છે. તેથી, તેમણે આપણને ચારેય તરફ શાંતિ આપી છે.’ (૨ કાળ. ૧૪:૧-૭) એ પછી શું બન્યું? ચાલો જોઈએ.
૫. કયા સંજોગોથી સાબિત થયું કે આસા રાજાનો ભરોસો યહોવામાં હતો? એમ કરવાનું શું પરિણામ આવ્યું?
૫ ધારો કે તમે આસા રાજાની જગ્યાએ છો. કૂશ દેશનો (ઇથિયોપિયાનો) સેનાપતિ ઝેરાહ તમારા દેશ વિરુદ્ધ ૧૦ લાખ સૈનિકો અને ૩૦૦ રથો લઈને આવી રહ્યો છે. (૨ કાળ. ૧૪:૮-૧૦) એ સૈન્ય તમારા સૈન્ય કરતાં બે ગણું મોટું છે. હવે, તમે શું કરશો? શું તમે એમ વિચારશો કે ઈશ્વર શા માટે એ હુમલો થવા દઈ રહ્યા છે? એ મુસીબતનો હલ કાઢવા શું તમે પોતાની બુદ્ધિ પર આધાર રાખશો? આસાએ એ મુસીબતને જે રીતે હાથ ધરી એ બતાવે છે કે યહોવા સાથેનો તેમનો સંબંધ ગાઢ હતો. તેમ જ, તેમને યહોવામાં પૂરેપૂરો ભરોસો હતો. તેમણે યહોવાને આજીજી કરી: ‘હે યહોવા અમારા ઈશ્વર, અમને સહાય કરો. અમે તમારા પર ભરોસો રાખીએ છીએ, તમારા નામે અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ. હે યહોવા, તમે અમારા ઈશ્વર છો, તમારી વિરુદ્ધ માણસ વિજયી થાય નહિ.’ યહોવાએ એ આજીજીનો કેવો જવાબ આપ્યો? ‘યહોવાએ કૂશીઓને હરાવી દીધા.’ એક પણ દુશ્મન બચ્યો નહિ!—૨ કાળ. ૧૪:૧૧-૧૩.
૬. આપણે કઈ રીતે આસા રાજાને અનુસરી શકીએ?
૬ શા માટે આસા રાજાને યહોવાનાં માર્ગદર્શન અને રક્ષણ પર પૂરો ભરોસો હતો? બાઇબલ જણાવે છે: “આસાએ યહોવાની દૃષ્ટિમાં જે સારું હતું તે કર્યું.” તેમ જ, “તેનું હૃદય યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું.” (૧ રાજા. ૧૫:૧૧, ૧૪) શું તમે પણ યહોવા સાથે ગાઢ સંબંધ માણવા ચાહો છો? એમ હોય તો પૂરાં હૃદયથી યહોવાની ભક્તિ હમણાં અને ભાવિમાં કરતા રહો. આપણને યહોવાએ પોતાની પાસે લાવવા પહેલ કરી છે અને એ સંબંધ જાળવી રાખવા મદદ પણ કરે છે. એ બધા માટે આપણે તેમના કેટલા આભારી છીએ! ચાલો હવે એ બે રીતો વિશે ચર્ચા કરીએ, જેનાથી યહોવા આપણને તેમની પાસે લાવે છે.
દીકરાના બલિદાનથી યહોવાએ આપણને પાસે ખેંચ્યા
૭. (ક) આપણને પ્રેમ બતાવવા યહોવાએ શું કર્યું છે? (ખ) આપણને પોતાની પાસે લાવવા યહોવાએ સૌથી મહત્ત્વનું શું કર્યું છે?
૭ મનુષ્યોને રહેવા સુંદર ધરતી આપીને યહોવાએ સાબિત કર્યું કે તેઓને પ્રેમ કરે છે. જીવન અને એની જરૂરિયાતો પૂરી પાડીને યહોવા આપણને પ્રેમ બતાવે છે. (પ્રે.કૃ. ૧૭:૨૮; પ્રકટી. ૪:૧૧) એ કરતાં પણ મહત્ત્વનું છે કે યહોવા આપણી ભક્તિની ભૂખને સંતોષે છે. (લુક ૧૨:૪૨) તે ખાતરી આપે છે કે તે પોતે આપણી પ્રાર્થના સાંભળે છે. (૧ યોહા. ૫:૧૪) જોકે, તેમણે એ બધા કરતાં કંઈક ખાસ કર્યું છે. તેમણે પોતાના દીકરાનું બલિદાન આપ્યું. (૧ યોહાન ૪:૯, ૧૦, ૧૯ વાંચો.) આપણને પાસે લાવવા યહોવાએ પોતાના એકનાએક દીકરાનું જીવન આપીને કિંમત ચૂકવી. એના લીધે જ આપણને પાપમાંથી છૂટવાની અને હંમેશ માટેના જીવનની આશા છે.—૧ યોહા. ૩: ૧૬.
૮, ૯. યહોવાનો હેતુ પૂરો કરવામાં ઈસુએ કેવો ભાગ ભજવ્યો છે?
૮ એ બલિદાન દ્વારા યહોવાએ ઈસુની અગાઉના લોકોનાં પાપ માટે પણ કિંમત ચૂકવી. એ કઈ રીતે શક્ય છે? યહોવાનો હેતુ અને વચનો ક્યારેય નિષ્ફળ જતાં નથી. તેથી, યહોવાએ જ્યારે મસીહ વિશે ભાખ્યું ત્યારે એ વચન પૂરું થયા સમાન હતું. આમ, યહોવાની નજરે એ કિંમત ચૂકવાઈ ગઈ હતી. (ઉત. ૩:૧૫) પ્રેરિત પાઊલે ‘ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે’ એની માટે ઈશ્વરનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ લખ્યું કે, ‘ઈશ્વરની સહનશીલતાથી અગાઉ થયેલાં પાપની દરગુજર થઈ.’ (રોમ. ૩:૨૧-૨૬) આપણે યહોવાની પાસે જઈ શકીએ માટે ઈસુએ કેટલો મહત્ત્વનો ભાગ ભજવ્યો!
૯ ઈસુને લીધે જ આજે નમ્ર લોકો માટે યહોવા સાથે ગાઢ મિત્રતા બાંધવી શક્ય બની છે. બાઇબલ જણાવે છે: ‘આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.’ (રોમ. ૫:૬-૮) આપણા માટે આટલી મોટી કિંમત કેમ ચૂકવવામાં આવી? શું આપણે એ માટે યોગ્ય છીએ એટલે? ના. એ કારણે નહિ, પણ આપણા પર પ્રેમ હોવાથી તેઓએ એમ કર્યું. ઈસુએ કહ્યું: ‘મારા પિતાના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી શકતો નથી.’ બીજા એક પ્રસંગે ઈસુએ જણાવ્યું કે ‘મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.’ (યોહા. ૬:૪૪; ૧૪:૬) યહોવા લોકોને પોતાની તરફ ઈસુ દ્વારા લાવે છે. એમ કરવા તે પોતાની પવિત્ર શક્તિનો ઉપયોગ કરે છે. તેમ જ, તેમના પ્રેમમાં રહેવા મદદ પણ કરે છે, જેથી હંમેશ માટેનું જીવન મેળવી શકાય. (યહુદા ૨૦, ૨૧ વાંચો.) હવે ચાલો જોઈએ કે આપણને તેમની નજીક લાવવા યહોવા બીજી કઈ રીત અપનાવે છે.
બાઇબલ દ્વારા યહોવા આપણને પાસે ખેંચે છે
૧૦. ઈશ્વરની પાસે જવા બાઇબલ આપણને કઈ રીતે મદદ કરે છે?
૧૦ આ લેખમાં અત્યાર સુધી બાઇબલનાં ૧૪ પુસ્તકોની કલમોનો ઉલ્લેખ થયો છે. યહોવાએ પોતાની પવિત્ર શક્તિ દ્વારા બાઇબલ લખાવ્યું છે. બાઇબલ વગર આપણે ઘણી માહિતી ન જાણી શક્યા હોત. જેમ કે, સર્જનહાર પાસે જવું આપણા માટે શક્ય છે. આપણા માટે કિંમત ચૂકવવામાં આવી છે. આપણે યહોવાની નજીક જઈ શકીએ માટે ઈસુએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઉપરાંત, બાઇબલમાંથી આપણે યહોવાના ગુણો અને તેમના મહાન હેતુ વિશે જાણી શકીએ છીએ. દાખલા તરીકે, નિર્ગમન ૩૪:૬, ૭માં યહોવાએ મુસાને જણાવ્યું કે, ‘પોતે દયાળુ, કૃપાળુ, મંદરોષી, અનુગ્રહ તથા સત્યતાથી ભરપૂર, હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન અને પાપની ક્ષમા કરનાર ઈશ્વર છે.’ આવા ઈશ્વરની પાસે જવા કોણ નહિ ચાહે! યહોવા જાણે છે કે આપણે બાઇબલમાંથી જેટલું વધુ શીખીશું એટલા તે નજીક લાગશે. તેમ જ, તે સાચે જ છે એવો આપણો ભરોસો મજબૂત થશે.
૧૧. આપણે શા માટે યહોવાનાં ગુણો અને ધોરણોને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૧ યહોવાની પાસે કઈ રીતે જઈ શકાય એ વિશે સમજાવતા ડ્રો ક્લોઝ ટુ જેહોવા પુસ્તકની શરૂઆતમાં કંઈક આમ લખ્યું છે: “ગાઢ મિત્રતા માટે જરૂરી છે કે આપણે મિત્રને સારી રીતે ઓળખીએ. તેમ જ, તેની ખૂબીઓ અને ખાસિયતોની કદર કરીએ. એવી જ રીતે, યહોવા સાથે ગાઢ સંબંધ બાંધવા તેમનાં ગુણો અને ધોરણો વિશે શીખવું જરૂરી છે. એની માટે બાઇબલનો અભ્યાસ કરવો મહત્ત્વનો છે.” યહોવાએ બાઇબલ એવી રીતે લખાવ્યું છે કે આપણે એને સમજી શકીએ. એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ!
૧૨. શા માટે યહોવાએ બાઇબલ લખાવવા મનુષ્યોનો ઉપયોગ કર્યો?
૧૨ બાઇબલ લખાવવા યહોવા સ્વર્ગદૂતોનો ઉપયોગ કરી શક્યા હોત. કારણ કે, તેઓને આપણામાં અને આપણાં કાર્યોમાં ઊંડો રસ છે. (૧ પીત. ૧:૧૨) એમાં કોઈ શંકા નથી કે યહોવાનો સંદેશો દૂતો લખી શક્યા હોત. પરંતુ, તેઓ મનુષ્યો કરતાં ઘણા અલગ છે. જો તેઓએ બાઇબલ લખ્યું હોત તો શું આપણી જરૂરિયાતો, ખામીઓ અને ઇચ્છાઓને પૂરી લાગણી સાથે વ્યક્ત કરી શક્યા હોત? ના. યહોવા તેઓની એ મર્યાદા જાણે છે. એ માટે બાઇબલ લખાવવા યહોવાએ મનુષ્યોનો ઉપયોગ કર્યો. એમ હોવાથી બાઇબલ લેખકોના અને એમાં ઉલ્લેખ થયેલા લોકોના વિચારો અને લાગણીઓને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તેઓની જેમ આપણે પણ નિરાશા, શંકા, ડર, ખુશી અને સફળતાની લાગણીઓ અનુભવીએ છીએ. બાઇબલ લેખકો અને બીજા ઘણા જેમ કે, પ્રબોધક એલીયા ‘સ્વભાવે આપણા જેવા જ હતા.’—યાકૂ. ૫:૧૭.
૧૩. યૂનાએ કરેલી પ્રાર્થના તમારા દિલને કઈ રીતે સ્પર્શે છે?
૧૩ યૂના પ્રબોધકનો વિચાર કરીએ. યહોવાએ જે સોંપણી આપી એ અઘરી લાગવાથી તે નાસી ગયા. શું તેમની એ લાગણી કોઈ સ્વર્ગદૂત પૂરેપૂરી રીતે સમજાવી શક્યા હોત? એ કેટલું સારું થયું કે યહોવાએ એ બનાવ લખવા યૂનાનો જ ઉપયોગ કર્યો! અરે, એ અહેવાલમાં તેમની એક લાગણીભરી પ્રાર્થનાનો પણ ઉલ્લેખ છે, જે યૂનાએ સમુદ્રના ઊંડાણમાંથી કરી હતી. તેમણે પ્રાર્થનામાં આમ કહ્યું હતું: ‘મારો જીવ ગુમાવી રહ્યો હતો, ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું.’—યૂના ૧:૩, ૧૦; ૨:૧-૯.
૧૪. યશાયાએ પોતાના વિશે જે લખ્યું એ આપણે કેમ સારી રીતે સમજી શકીએ છીએ?
૧૪ યશાયાએ પોતાના વિશે જે લખ્યું એનો પણ વિચાર કરો. તેમણે દર્શનમાં યહોવાનો મહિમા જોયો ત્યારે પોતાનામાં પાપ હોવા વિશે આમ લખ્યું: “અફસોસ છે મને! મારું આવી બન્યું છે; કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું; કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયો છે.” (યશા. ૬:૫) શું એક સ્વર્ગદૂત એવું કહી શક્યા હોત? ક્યારેય નહિ. જ્યારે કે, યશાયાની જેમ આપણામાં પણ પાપ હોવાથી તેમણે વ્યક્ત કરેલી એ લાગણી આપણે સમજી શકીએ છીએ.
૧૫, ૧૬. (ક) આપણે શા માટે બીજા ઈશ્વરભક્તોની લાગણીઓ સમજી શકીએ છીએ? ઉદાહરણ આપો. (ખ) યહોવાની નજીક જવા આપણને શું મદદ કરશે?
૧૫ યાકૂબ અને પીતર વિશે વિચારીએ. એક વાર યાકૂબે કહ્યું કે પોતે ‘યોગ્ય નથી’ અને પીતરે કબૂલ્યું કે ‘હું પાપી છું.’ (ઉત. ૩૨:૧૦; લુક ૫:૮) કોઈ પણ સ્વર્ગદૂત પોતાના વિશે એવું કહી શક્યા ન હોત. ઈસુના શિષ્યો કેટલીક વાર “બીધા.” શું સ્વર્ગદૂતો એવી રીતે ડરી શકે? પાઊલ અને બીજા ઘણાએ પ્રચારકાર્યમાં “હિંમતવાન” થવાની જરૂર હતી. (યોહા. ૬:૧૯; ૧ થેસ્સા. ૨:૨) શું શક્તિશાળી સ્વર્ગદૂતોએ હિંમતવાન થવાની જરૂર ખરી? ના. સ્વર્ગદૂતો તો કોઈ પણ ખામી વગરના અને ખૂબ જ શક્તિશાળી છે. જ્યારે કે, આપણે મનુષ્ય હોવાને કારણે એવી લાગણીઓ સહેલાઈથી સમજી શકીએ. તેથી જ, બાઇબલ વાંચીએ છીએ ત્યારે આપણે ‘આનંદ કરનારાઓની સાથે આનંદ કરી’ શકીએ છીએ અને ‘રડનારાઓની સાથે રડી’ શકીએ છીએ.—રોમ. ૧૨:૧૫.
૧૬ વફાદાર ભક્તો જોડે યહોવા જે રીતે વર્ત્યા, એના પર મનન કરવાથી યહોવા વિશે ઘણી અદ્ભુત બાબતો જાણી શકીશું. આપણે શીખી શકીશું કે એ બધા અપૂર્ણ માનવીઓ સાથે પણ યહોવા પ્રેમ અને ધીરજથી વર્તીને તેઓની પાસે આવ્યા. યહોવાને વધુ સારી રીતે ઓળખવાથી અને પ્રેમ કરતા રહેવાથી આપણે તેમની પાસે જઈ શકીશું.—ગીતશાસ્ત્ર ૨૫:૧૪ વાંચો.
ઈશ્વર સાથે અતૂટ મિત્રતા બાંધીએ
૧૭. (ક) પ્રબોધક અઝાર્યાહે આસા રાજાને કઈ સારી સલાહ આપી? (ખ) કઈ રીતે આસા રાજા એ સલાહ પ્રમાણે કરવાનું ચૂકી ગયા અને એનું શું પરિણામ આવ્યું?
૧૭ આસા રાજા પાસેથી બીજું પણ કંઈક શીખવા મળે છે. તેમણે કૂશી સૈન્ય હરાવી દીધું પછી, પ્રબોધક અઝાર્યાહે તેમને એક સારી સલાહ આપી. પ્રબોધકે કહ્યું હતું: ‘જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. જો તમે તેમને શોધશો, તો તે તમને મળશે. પણ જો તમે તેમને તજશો, તો તે તમને તજી દેશે.’ (૨ કાળ. ૧૫:૧, ૨) દુઃખની વાત છે કે સમય જતાં આસા, એ સલાહ પ્રમાણે કરવાનું ચૂકી ગયા. તેમના રાજ્ય પર ઈસ્રાએલનો રાજા આક્રમણ કરવા આવી રહ્યો છે, એ જાણીને આસા ડરી ગયા. તેમણે યહોવાની સલાહ પૂછવાને બદલે, મૂર્તિપૂજક દેશ અરામના (સિરિયાના) રાજાનો આશરો લીધો. યહોવાએ આસા રાજાને કહ્યું: “આમાં તેં મૂર્ખાઈ કરી છે; કેમ કે હવેથી તારે યુદ્ધો કરવાં પડશે.” યહોવાએ જે ભાખ્યું હતું, એ જ બન્યું. (૨ કાળ. ૧૬:૧-૯) એ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ?
૧૮, ૧૯. (ક) જો તમને લાગે કે ઈશ્વરથી દૂર થઈ ગયા છો તો શું કરવું જોઈએ? (ખ) આપણે યહોવાની નજીક કઈ રીતે જઈ શકીએ?
૧૮ આપણે યહોવાથી કદી દૂર થવું જોઈએ નહિ. પણ, શું તમને લાગે છે કે હાલમાં તમે યહોવાથી થોડા દૂર થઈ ગયા છો? એમ હોય તો, હોશીઆ ૧૨:૬ની આ સલાહ તરત લાગુ પાડવી જોઈએ: “તું તારા ઈશ્વરની પાસે પાછો આવ; કૃપાળુ થા, ને ન્યાયને માર્ગે ચાલ, ને નિરંતર તારા ઈશ્વરની સેવામાં રહે.” આપણા માટે યહોવાએ ચૂકવેલી કિંમત પર મનન કરતા રહીએ. તેમ જ, બાઇબલમાંનાં વચનોનો ઊંડો અભ્યાસ કરતા રહીએ. એમ કરીશું તો યહોવાની વધુને વધુ પાસે જઈ શકીશું.—પુનર્નિયમ ૧૩:૪ વાંચો.
૧૯ એક ઈશ્વરભક્તે લખ્યું: ‘ઈશ્વર પાસે આવવામાં મારું ભલું છે.’ (ગીત. ૭૩:૨૮) એમ કરવામાં આપણું પણ ભલું છે. ચાલો આપણે યહોવા વિશે નવી નવી બાબતો શીખવાનો ધ્યેય રાખીએ. એનાથી આપણને તેમને પ્રેમ કરવાનાં વધુ કારણો મળશે. આપણે ચાહીએ છીએ કે યહોવા હમણાં અને સદા માટે આપણી નજીક રહે!
^ ફકરો. 3 રાજા આસા વિશે વધુ જાણવા ઑગસ્ટ ૧૫, ૨૦૧૨ના ચોકીબુરજમાં (અંગ્રેજી) પાન ૮-૧૦નો લેખ જુઓ.