સાથે મળીને આ જગતના અંતનો સામનો કરીએ
“આપણે એકબીજાના અવયવો છીએ.”—એફે. ૪:૨૫.
૧, ૨. યહોવા પોતાના લોકો પાસેથી કેવી ઉપાસના ચાહે છે?
યુવાનો, તમે યહોવાના દુનિયાભરના સંગઠનનો મહત્ત્વનો ભાગ છો. આજે ઘણાં દેશોમાં, બાપ્તિસ્મા લેનાર મોટા ભાગે યુવાનો છે. તેઓએ યહોવાની સેવા કરવાનો નિર્ણય લીધો છે. એ જોઈને કેટલું ઉત્તેજન મળે છે!
૨ એક યુવાન તરીકે, શું તમે મંડળના બીજા યુવાનોની સંગતનો આનંદ માણો છો? ખરું કે, આપણને પોતાની ઉંમરના દોસ્તો જોડે ઘણી મજા આવે. પરંતુ, યહોવા ચાહે છે કે આપણે યુવાન હોઈએ કે વૃદ્ધ, અમીર કે ગરીબ, કોઈ પણ જાતિ કે ભાષાના, આપણે બધા એકમતે તેમની ઉપાસના કરીએ. પ્રેરિત પાઊલે લખ્યું, ‘સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી ઈશ્વરની ઇચ્છા છે.’ (૧ તીમો. ૨:૩, ૪) પ્રકટીકરણ ૭:૯ પણ જણાવે છે કે યહોવાના સેવકો ‘દરેક દેશમાંથી આવેલા સર્વ કુળના, લોકના અને ભાષાના’ હશે.
૩, ૪. (ક) આજે દુનિયાના યુવાનોનું વલણ કેવું છે? (ખ) એફેસી ૪:૨૫માં પાઊલે મંડળને શાની સાથે સરખાવ્યું છે?
૩ યહોવાની સેવા કરતા યુવાનો અને દુનિયાના યુવાનોમાં આભ જમીનનો ફરક છે. દુનિયાના યુવાનોને ફક્ત પોતાની ઇચ્છા પૂરી કરવામાં રસ છે. કેટલાક સંશોધકોનું કહેવું છે કે પહેલાંની સરખામણીમાં આજના યુવાનો વધુ સ્વાર્થી છે. તેઓની વાતચીત અને પહેરવેશ પરથી દેખાઈ આવે છે કે તેઓને બીજાઓ પ્રત્યે આદર નથી. ખાસ તો, તેઓ વૃદ્ધોને માન આપતા નથી.
એફેસી ૨:૧-૩ વાંચો.) મંડળના યુવાનો એવા વલણથી દૂર રહે છે. એ ઘણી ખુશીની વાત છે. તેઓ પણ મંડળનાં ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરવા ઇચ્છે છે. તેઓ સમજે છે કે મંડળ એક શરીર જેવું છે, જેના ઘણા અવયવો છે. એ અવયવો સાથે મળીને કામ કરે છે. પ્રેરિત પાઊલે એ વિશે લખ્યું: “આપણે એકબીજાના અવયવો છીએ.” (એફે. ૪:૨૫) શેતાનના જગતનો અંત પાસે આવી રહ્યો છે, તેમ આપણું ભાઈ-બહેનો સાથે એકતામાં રહેવું ખૂબ જરૂરી છે. એને સમજવા, ચાલો બાઇબલમાંથી અમુક દાખલાઓ તપાસીએ.
૪ એવું વલણ ચારેય બાજુ જોવા મળે છે. તેથી, એવા વલણથી દૂર રહેવા અને યહોવાને ખુશ કરવા યુવાનોએ ઘણી મહેનત કરવી પડે છે. પહેલી સદીમાં પ્રેરિત પાઊલે પણ એવા વલણથી દૂર રહેવા વિશે ખ્રિસ્તીઓને ચેતવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એવું વલણ “આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે.” (તેઓએ એકબીજાનો સાથ છોડ્યો નહિ
૫, ૬. લોત અને તેમના કુટુંબ સાથે જે બન્યું એમાંથી આપણે શું શીખી શકીએ?
૫ બાઇબલ સમયમાં યહોવાના લોકોએ જોખમથી ભરેલા અમુક સંજોગોનો સામનો કર્યો હતો. એવા સંજોગોમાં તેઓ એકતામાં રહ્યા અને એકબીજાને મદદ કરી માટે યહોવાએ તેઓનું રક્ષણ કર્યું હતું. આપણે યુવાન હોઈએ કે વૃદ્ધ, બાઇબલના એ દાખલાઓમાંથી શીખી શકીએ છીએ. ચાલો, ઈશ્વરભક્ત લોતનો વિચાર કરીએ.
૬ લોત અને તેમનું કુટુંબ સદોમ શહેરમાં રહેતું હતું. યહોવા સદોમનો નાશ કરવાના હતા. તેથી, તેઓનું જીવન ખતરામાં હતું. યહોવાએ સ્વર્ગદૂત દ્વારા લોતને ચેતવણી આપી કે તેઓ શહેર છોડીને પહાડોમાં ‘પોતાનો જીવ બચાવવા નાસી જાય.’ (ઉત. ૧૯:૧૨-૨૨) લોત અને તેમની બે દીકરીઓએ એ આજ્ઞા માની. પરંતુ, દુઃખની વાત છે કે લોતનાં બધાં કુટુંબીજનોએ એ પ્રમાણે કર્યું નહિ. લોતની દીકરીઓ જોડે જે પુરુષો લગ્ન કરવાના હતા તેઓએ લોતની ચેતવણીને ગંભીરતાથી લીધી નહિ. તેઓને લાગ્યું કે લોત ‘મશ્કરી કરી’ રહ્યા છે. પરિણામે, બીજા કુટુંબીજનો સાથે તેઓનો પણ નાશ થયો. (ઉત. ૧૯:૧૪) જ્યારે કે, લોત અને તેમની દીકરીઓએ યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. તેઓએ એકબીજાનો સાથ ન છોડ્યો માટે બચી ગયાં.
૭. ઈસ્રાએલીઓ સમૂહ તરીકે સાથે રહ્યા ત્યારે યહોવાએ તેઓને કઈ રીતે મદદ કરી?
૭ ઈસ્રાએલીઓ ઇજિપ્તમાંથી જે રીતે નીકળી આવ્યા એનો વિચાર કરો. વચનના દેશ સુધી પહોંચવા તેઓ પોતપોતાના રસ્તે ન ગયા. પરંતુ, એ મુસાફરી દરમિયાન તેઓ એક સમૂહ તરીકે સાથે રહ્યા. યહોવાએ લાલ સમુદ્રના બે ભાગ કર્યા ત્યારે એમાંથી આખેઆખું રાષ્ટ્ર સાથે મળીને પસાર થયું. તેથી, યહોવાએ તેઓનું રક્ષણ કર્યું. (નિર્ગ. ૧૪:૨૧, ૨૨, ૨૯, ૩૦) કેટલાક બિનઈસ્રાએલીઓ પણ યહોવાની ભક્તિ કરવા ઇજિપ્ત છોડીને તેઓની સાથે આવ્યા હતા. તેઓએ પણ એ સમૂહનો સાથ છોડ્યો નહિ. (નિર્ગ. ૧૨:૩૮) એ સમયે જો અમુક યુવાનોએ પોતાની રીતે રસ્તો પસંદ કર્યો હોત, તો એ મૂર્ખતા ગણાત. અરે, કોઈએ પણ એમ કર્યું હોત તો યહોવા તરફથી મળતું રક્ષણ ગુમાવી દીધું હોત!—૧ કોરીં. ૧૦:૧.
૮. યહોશાફાટના સમયમાં યહોવાના લોકોએ કઈ રીતે એકતા બતાવી?
૮ હવે, રાજા યહોશાફાટના સમયનો વિચાર કરીએ. તેમના સમયમાં એક મોટી અને શક્તિશાળી ફોજ યહોવાના લોકો પર હુમલો કરવા આવી રહી હતી. (૨ કાળ. ૨૦:૧, ૨) ઈસ્રાએલીઓએ પોતાને દુશ્મનોથી ઘેરાયેલા જોયા ત્યારે તેઓએ શું કર્યું? તેઓએ યહોવામાં ભરોસો રાખ્યો અને પ્રાર્થના દ્વારા તેમનું માર્ગદર્શન માંગ્યું. (૨ કાળવૃત્તાંત ૨૦:૩, ૪ વાંચો.) તેઓએ પોતપોતાની રીતે ઉકેલ લાવવાનો પ્રયત્ન ન કર્યો, પણ તેઓ ભેગા મળ્યા. બાઇબલ જણાવે છે, “યહુદાહના સર્વ લોકો, તેઓનાં બાળકો, તેઓની સ્ત્રીઓ તથા તેઓનાં છોકરાં યહોવાની આગળ ઊભાં રહ્યાં.” (૨ કાળ. ૨૦:૧૩) આખા રાષ્ટ્રએ યહોવામાં ભરોસો રાખ્યો અને દરેક યુવાન તેમ જ વૃદ્ધે યહોવાના કહ્યા પ્રમાણે કર્યું. તેઓએ એકબીજાનો સાથ છોડ્યો નહિ માટે યહોવાએ તેઓને દુશ્મનોથી બચાવ્યા. (૨ કાળ. ૨૦:૨૦-૨૭) એ ઉદાહરણ શીખવે છે કે આપણે પણ સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કરીએ.
૯. પ્રથમ સદીના ખ્રિસ્તીઓ પાસેથી આપણને શું શીખવા મળે છે?
૯ પ્રથમ સદીમાં ખ્રિસ્તીઓએ પણ સંપ અને એકતાથી યહોવાની ભક્તિ કરી. દાખલા તરીકે, યહુદીમાંથી અને બીજી જાતિમાંથી ખ્રિસ્તી બનેલા ઈશ્વરભક્તો ભેગા મળીને “પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહ્યાં.” (પ્રે.કૃ. ૨:૪૨) સતાવણીના સમયમાં પણ ખ્રિસ્તીઓએ એકબીજાનો સાથ ન છોડ્યો. એ એવો સમય હતો જ્યારે તેઓને એકબીજાની ખાસ જરૂર હતી. (પ્રે.કૃ. ૪:૨૩, ૨૪) સતાવણીના સમયોમાં આપણે પણ એકતામાં રહીએ અને એકબીજાનો સહારો બનીએ.
યહોવાનો દિવસ આવે એ પહેલાં એકતામાં મજબૂત બનીએ
૧૦. આપણને એકતામાં રહેવાની સૌથી વધારે જરૂર ક્યારે પડશે?
૧૦ ટૂંક સમયમાં આપણે માનવ ઇતિહાસના સૌથી કપરા સંજોગોનો સામનો કરીશું. એ સમયને યોએલ પ્રબોધકે “અંધકાર તથા ગમગીનીનો દિવસ” કહ્યો છે. (યોએ. ૨:૧, ૨; સફા. ૧:૧૪) એ વખતે, ઈશ્વરના લોકોનું એકતામાં રહેવું સૌથી વધારે જરૂરી હશે. ઈસુએ કહ્યું હતું: ‘દરેક રાજ્ય જેમાં ફૂટ પડે, તે તૂટી પડે છે.’—માથ. ૧૨:૨૫.
૧૧. ગીતશાસ્ત્ર ૧૨૨:૩, ૪માંથી આપણને એકતામાં રહેવા વિશે શું શીખવા મળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૧ અંતના સમયમાં આપણને કેટલી હદે એકતા બતાવવાની જરૂર પડશે? એનો જવાબ મેળવવા ચાલો એક દાખલો જોઈએ. પ્રાચીન ઈસ્રાએલમાં ઘરો ખૂબ નજીક નજીક બાંધવામાં આવતાં. એક લેખકે આમ એનું વર્ણન કર્યું: ‘યરૂશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.’ એટલા નજીક રહેવાથી લોકો પોતાને સુરક્ષિત અનુભવતા. તેમ જ, એકબીજાને સહેલાઈથી મદદ અને રક્ષણ આપી શકતા. હારબંધ ઇમારતો જોઈને લેખકને કદાચ કંઈક બીજું પણ યાદ આવ્યું હશે. તેમને યહોવાની ભક્તિ કરવા ભેગા થયેલાં ઈસ્રાએલીઓનાં બધાં કુળો યાદ આવ્યાં હશે. (ગીતશાસ્ત્ર ૧૨૨:૩, ૪ વાંચો.) યહોવાના લોકો તરીકે આપણે પણ ‘યરૂશાલેમ નગર’ની જેમ એકતામાં રહીએ. હમણાં અને આવનાર મુશ્કેલ દિવસોમાં એમ કરવું ખૂબ જરૂરી છે.
૧૨. યહોવાના લોકો પર ગોગ હુમલો કરશે ત્યારે એમાંથી બચવા શું મદદ કરશે?
૧૨ ભાવિમાં આપણી એકતા શા માટે મહત્ત્વની હશે? હઝકીએલ અધ્યાય ૩૮માં ભાખવામાં આવ્યું છે કે “માગોગ દેશનો ગોગ” યહોવાના લોકો પર હુમલો કરશે. એ સમયે આપણામાં કોઈ પણ કારણસર ભાગલા ન પડવા જોઈએ. એમ ધારીશું કે શેતાનનું જગત આપણને કોઈ રક્ષણ આપશે તો, એ આપણી સૌથી મોટી ભૂલ કહેવાશે. તેથી, સારું રહેશે કે ભાઈ-બહેનો સાથે આપણી એકતા વધુ ગાઢ બનાવીએ. જોકે, ફક્ત સમૂહ તરીકે સાથે રહેવાથી આપણો બચાવ થશે નહિ. આપણે યહોવા પર ભરોસો રાખવો પડશે અને તેમના કહ્યા પ્રમાણે કરવું પડશે. એમ કરીશું તો જ યહોવા અને ઈસુ આપણને એ હુમલાથી બચાવીને નવી દુનિયામાં લઈ જશે. (યોએ. ૨:૩૨; માથ. ૨૮:૨૦) શું તમને લાગે છે કે જેઓ પોતાના માર્ગે જશે અને એકતામાં નહિ રહે તેઓને યહોવા બચાવશે?—મીખા. ૨:૧૨.
૧૩. જે ચાર દાખલાઓની ચર્ચા થઈ એમાંથી યુવાનો શું શીખી શકે?
૧૩ યુવાનો, આપણે શીખી ગયા તેમ, તમે પણ મંડળનાં ભાઈ-બહેનોનો સાથ ન છોડો. ફક્ત તમારી ઉંમરના લોકો સાથે જ સમય ન વિતાવો, બીજાં ભાઈ-બહેનોને પણ સમય આપો. નજીકના ભાવિમાં યુવાન તેમ જ વૃદ્ધ, આપણ દરેકને એકબીજાના સાથની જરૂર પડશે. તેથી, બધાં ભાઈ-બહેનો સાથેની તમારી દોસ્તીને ગાઢ બનાવો અને સાથે મળીને યહોવાની ઉપાસના કરવાનો આનંદ માણો. આવનાર સમયમાં યહોવાના લોકો સાથે એકતામાં રહેવાથી જ આપણું જીવન બચશે.
“આપણે એકબીજાના અવયવો છીએ”
૧૪, ૧૫. (ક) યહોવા આપણને એક થઈને રહેવાની તાલીમ શા માટે આપી રહ્યા છે? (ખ) સંપ જાળવી રાખવા યહોવા આપણને કઈ સલાહ આપે છે?
૧૪ મંડળનાં ભાઈ-બહેનો સાથે ‘એકમતે સેવા’ કરવા યહોવા આપણને મદદ આપે છે. (સફા. ૩:૮, ૯) યહોવા આપણને ભાવિના એ જીવન માટે તાલીમ આપી રહ્યા છે, જ્યારે ‘બધી વસ્તુઓ ખ્રિસ્તમાં એક કરાશે.’ (એફેસી ૧:૯, ૧૦ વાંચો.) યહોવાનો હેતુ છે કે સ્વર્ગમાંના દૂતો અને પૃથ્વી પરની બધી વ્યક્તિઓ એક કુટુંબ તરીકે તેમની ઉપાસના કરે. યહોવા પોતાનો એ હેતુ પૂરો કરશે જ એમાં કોઈ શંકા નથી. યુવાનો, તમે પણ હંમેશ માટે એ કુટુંબનો ભાગ બની શકો છો. શું તમે એમ કરવા ચાહશો?
૧૫ યહોવા હમણાં આપણને એકતામાં રહેવાની તાલીમ એ માટે આપી રહ્યા છે, જેથી નવી દુનિયામાં આપણે હળીમળીને રહી શકીએ. તે આપણને ‘એકબીજા માટે ચિંતા’ અને ‘ગાઢ પ્રેમ’ રાખવા સલાહ આપે છે. ઉપરાંત, ‘એકબીજાને ઉત્તેજન આપવાનું’ અને ‘દૃઢ કરવાનું’ શીખવે છે. (૧ કોરીં. ૧૨:૨૫; રોમ. ૧૨:૧૦; ૧ થેસ્સા. ૪:૧૮; ૫:૧૧) યહોવા જાણે છે કે આપણે અપૂર્ણ છીએ, તેથી સંપીને રહેવું આપણી માટે કાયમ સહેલું નથી. એટલે જ તે આપણને ‘એકબીજાને ક્ષમા કરવાની’ સલાહ આપે છે.—એફે. ૪:૩૨.
૧૬, ૧૭. (ક) મંડળની સભામાં જવાનું એક કારણ કયું છે? (ખ) ઈસુના દાખલામાંથી તરુણો અને યુવાનો શું શીખી શકે?
૧૬ મંડળની સભાઓ દ્વારા પણ યહોવા આપણને એકબીજાનો સાથ ન છોડવાનું શીખવે છે. હિબ્રૂ ૧૦:૨૪, ૨૫ યાદ અપાવે છે: ‘પ્રેમ રાખવા અને સારાં કામ કરવાં અરસપરસ ઉત્તેજન મળે માટે ભેગા થવાનું પડતું ન મૂકીએ.’ યહોવાનો દિવસ નજીક આવે તેમ આપણું ભેગા મળવું વધુને વધુ જરૂરી બનશે.
૧૭ ઈસુએ આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે. તેમને યહોવાના લોકો સાથે ભેગા મળવું ખૂબ ગમતું હતું. તે ૧૨ વર્ષના હતા ત્યારે તેમનાં માતાપિતા સાથે મંદિરમાં યોજાયેલી એક મોટી સભામાં ગયા હતા. ત્યાં એક સમયે તેમનાં માતાપિતાને લાગ્યું કે ઈસુ ખોવાઈ ગયા છે. શું ઈસુ બીજા તરુણો સાથે રમવા જતાં રહ્યા હતા? ના. તે જડ્યા ત્યારે માતાપિતાએ તેમને ધર્મગુરુઓ સાથે શાસ્ત્ર વિશે ચર્ચા કરતા જોયા.—લુક ૨:૪૫-૪૭.
૧૮. પ્રાર્થના દ્વારા કઈ રીતે આપણી એકતા મજબૂત થાય છે?
૧૮ ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાથી પણ આપણી એકતા મજબૂત થાય છે. તેઓને જેની જરૂર છે, એ મદદ યહોવા પૂરી પાડે માટે પ્રાર્થના
કરીએ. આપણી પ્રાર્થનાઓ પરથી ખ્યાલ આવશે કે આપણને બીજાઓ માટે કેટલી ચિંતા છે. ભાઈ-બહેનોને પ્રેમ કરવો, સભાઓમાં મળીએ ત્યારે ઉત્તેજન આપવું અને તેઓ માટે પ્રાર્થના કરવી બહુ જરૂરી છે. યુવાનો, શું તમે એમ કરો છો? શું તમે મંડળમાં દરેક સાથે સારી દોસ્તી કરવાનો પ્રયત્ન કર્યો છે? આ જગતના અંતમાંથી બચવા આપણે શેતાનના જગત સાથે નહિ, પણ મંડળનાં ભાઈ-બહેનો સાથે ગાઢ દોસ્તી કરવી જરૂરી છે.“આપણે એકબીજાના અવયવો છીએ” એની સાબિતી આપીએ
૧૯-૨૧. (ક) આપણે “એકબીજાના અવયવો” હોવાથી શું કરવાનું ઉત્તેજન મળે છે? દાખલા આપો. (ખ) આફતોમાં આપણાં ભાઈ-બહેનો જે રીતે એકબીજાને મદદ કરે છે એમાંથી તમને શું શીખવા મળે છે?
૧૯ આજે પણ યહોવાના લોકો “એકબીજાના અવયવો” છે, એની સાબિતી ઘણા કિસ્સામાં જોવા મળી છે. (રોમ. ૧૨:૫) જ્યારે ભાઈ-બહેનો પર આફતો આવી પડે છે ત્યારે તેઓનાં દુઃખમાં આપણે પણ દુઃખી થઈએ છીએ. આપણે તેઓને મદદ કરવા દિલથી ઇચ્છીએ છીએ. ડિસેમ્બર ૨૦૧૧માં ફિલિપાઇન્સના મિંદાનાઓ ટાપુ પર ધોધમાર વરસાદની સાથે એક મોટું વાવાઝોડું આવ્યું હતું. એક જ રાતમાં ૪૦,૦૦૦થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ત્યાં રહેતાં આપણાં ઘણાં ભાઈ-બહેનોનાં ઘરોમાં પણ પાણી ભરાયાં હતાં. ત્યાંની શાખા કચેરીનો અહેવાલ આવું કંઈક જણાવે છે: ‘આપણી રાહત સમિતિઓ મદદે આવે એ પહેલાં તો નજીકના વિસ્તારોનાં ભાઈ-બહેનોએ શાખા કચેરીના માર્ગદર્શન મુજબ મદદ આપવાનું શરૂ કરી દીધું.’
૨૦ પૂર્વ જાપાનમાં એક મોટા ધરતીકંપ અને સુનામીને લીધે આપણાં ઘણાં ભાઈ-બહેનોનાં ઘરબાર તબાહ થઈ ગયાં. તેઓ પાસે કંઈ બચ્યું નહિ. જેમ કે, યોશીકો નામનાં બહેને તેમનું ઘર ગુમાવ્યું. રાજ્યગૃહથી તેમનું ઘર આશરે ૪૦ કિ.મી. દૂર હતું. તે કહે છે, ‘ધરતીકંપના બીજા જ દિવસે સરકીટ નિરીક્ષક એક ભાઈ જોડે અમને શોધતા આવ્યા. એ જોઈને મને ખૂબ જ નવાઈ લાગી. શ્રદ્ધા અડગ રાખવા મંડળ તરફથી અમને જે ભરપૂર મદદ મળી એની અમે દિલથી કદર કરીએ છીએ. તેઓએ અમને બૂટ, કૉટ, બૅગ અને પાયજામા આપીને અમારી જરૂરિયાતો પણ પૂરી પાડી.’ રાહત સમિતિના એક ભાઈ જણાવે છે: ‘બીજાઓને મદદ કરવા જાપાનનાં બધાં ભાઈ-બહેનો એક થઈને કામ કરી રહ્યાં હતાં. અમુક ભાઈઓએ તો અમેરિકાથી આવીને મદદ આપી.’ એ ભાઈઓને પૂછવામાં આવ્યું કે તેઓ શા માટે મદદ આપવા આટલી દૂરથી આવ્યા ત્યારે, તેઓએ કહ્યું: ‘જાપાનના ભાઈઓ પણ અમારો જ ભાગ છે અને તેઓને હમણાં મદદની જરૂર છે.’ શું તમને એવાં સંગઠનનો ભાગ બનવાનો ગર્વ છે, જેના લોકો સાચા દિલથી એકબીજાને પ્રેમ કરે છે? જરા કલ્પના કરો કે આપણી એકતા જોઈને યહોવાને કેટલી ખુશી થતી હશે!
૨૧ જો આપણે હમણાં એકબીજાનો સહારો બનીશું, તો ભાવિમાં આવનાર મુશ્કેલ સંજોગોનો એક થઈને સામનો કરવા તૈયાર થઈ શકીશું. બની શકે કે, બીજા દેશોમાં રહેતાં ભાઈ-બહેનો સાથે આપણો સંપર્ક તૂટી જાય. પરંતુ, આપણા વિસ્તારનાં ભાઈ-બહેનોને પૂરો સાથ આપીશું. જાપાનમાં આવેલા એક વાવાઝોડામાંથી બચી ગયેલાં ફ્યુમિકો નામનાં બહેન કહે છે, ‘અંત ખૂબ જ નજીક છે. અને આપણે એવા ભાવિ માટે આશા રાખીએ છીએ જેમાં કોઈ આફત નહિ હોય. પરંતુ, એ સમય આવે એ દરમિયાન આપણે એકબીજાને સાથ-સહકાર આપતા રહીએ.’
૨૨. એકતા જાળવી રાખવાથી ભાવિમાં કઈ મદદ મળશે?
૨૨ યહોવાના મહાન દિવસ માટે હમણાંથી જ તૈયાર થઈએ. એ માટે ભાઈ-બહેનો સાથે એકતામાં રહેવા બનતું બધું જ કરીએ. શેતાનની દુનિયાનો નાશ થશે ત્યારે, અગાઉ પણ કર્યું હતું તેમ યહોવા પોતાના લોકોનો બચાવ કરશે. (યશા. ૫૨:૯, ૧૦) યુવાન હોય કે વૃદ્ધ, દરેકે એ વિનાશમાંથી બચવા યહોવાના લોકો સાથે સંપીને રહેવું જરૂરી છે. હવે પછીના લેખમાં જોઈશું કે આપણને અત્યાર સુધી જે મળ્યું છે એની કદર શા માટે કરવી જોઈએ.