સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણો ઇતિહાસ

‘આકાશ તળે એવું કંઈ નથી જે તમને રોકી શકે!’

‘આકાશ તળે એવું કંઈ નથી જે તમને રોકી શકે!’

વર્ષ ૧૯૩૧ની વસંતઋતુનો એ સમય હતો અને જગ્યા હતી, પૅરિસનો પ્લેયેલ નામનો પ્રખ્યાત સંગીત સમારંભ હૉલ. એના પ્રવેશદ્વાર પર ૨૩ દેશોથી આવેલાં આપણાં ભાઈ-બહેનોનાં ટોળેટોળાં ઊમટી રહ્યાં હતાં. સરસ તૈયાર થયેલાં મુસાફરો મોટી-મોટી ટૅક્સીમાં આવતા અને હૉલના દરવાજા આગળ ઊતરતા. થોડી જ વારમાં સમારંભગૃહનો મુખ્ય હૉલ લગભગ ૩,૦૦૦ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો. એ બધા લોકો ત્યાં કોઈ સંગીતનો કાર્યક્રમ નહિ, પણ ભાઈ જોસેફ રધરફર્ડનું પ્રવચન સાંભળવાં આવ્યા હતા. ભાઈ રધરફર્ડ એ સમયે આપણા પ્રચારકાર્યની આગેવાની લેતા હતા. તેમના એ જોરદાર પ્રવચનનો અનુવાદ ફ્રેંચ, જર્મન અને પૉલિશ ભાષામાં કરવામાં આવ્યો હતો. ભાઈ રધરફર્ડના બુલંદ અવાજથી આખો હૉલ ગાજી ઊઠ્યો હતો.

ફ્રાન્સમાં થઈ રહેલાં પ્રચારકાર્યમાં એ સંમેલને લીધે એક મોટો વળાંક આવ્યો. ભાઈ રધરફર્ડે એ સંમેલનમાં જુદાં જુદાં દેશમાંથી આવેલાં ભાઈ-બહેનોને ફ્રાન્સમાં પાયોનિયર (કોલ્પોર્ચર) તરીકે સેવા આપવાનું ઉત્તેજન આપ્યું. ખાસ તો યુવાનોને એ ઉત્તેજન આપવામાં આવ્યું હતું. બ્રિટનના જૉન કૂક નામના એક તરુણ ભાઈ પણ એ સંમેલનમાં હાજર હતા. ભાઈ રધરફર્ડના આ ઉત્તેજનકારક શબ્દો તે ક્યારેય ભૂલ્યા નહિ: ‘યુવાનો, આકાશ તળે એવું કંઈ નથી જે તમને પાયોનિયર બનવાથી રોકી શકે!’ *

સમય જતાં, ભાઈ જૉન કૂક એક મિશનરી બન્યા હતા. તેમણે નિર્ણય લીધો તેમ, બીજાં ઘણાં ભાઈ-બહેનોએ પણ વધુ જરૂર હોય ત્યાં સેવા આપવાનો નિર્ણય લીધો. (પ્રે.કૃ. ૧૬:૯, ૧૦) વર્ષ ૧૯૩૦માં ફ્રાન્સમાં ૨૭ પાયોનિયર હતા. એક જ વર્ષમાં એ સંખ્યામાં જબરદસ્ત વધારો થયો અને ૧૯૩૧ સુધીમાં તો પાયોનિયરની સંખ્યા વધીને ૧૦૪ થઈ ગઈ. જોકે, એ સમયે મોટા ભાગના પાયોનિયરને ફ્રેંચ ભાષા આવડતી ન હતી. ઉપરાંત, તેઓએ એવા વિસ્તારોમાં સેવા આપવાની હતી, જ્યાં કોઈ સગવડો ન હતી અને સાક્ષીઓ પણ ન હતા. તો પછી, પડકારોની એ દીવાલને તેઓએ કઈ રીતે આંબી?

ભાષાનો પડકાર

બીજા દેશોમાંથી આવેલાં પાયોનિયર ભાઈ-બહનોને ખુશખબર જણાવવા માટે ટેસ્ટીમની કાર્ડ (બાઇબલનો ટૂંકો સંદેશો છાપેલાં કાર્ડ) પર નિર્ભર રહેવું પડતું. જર્મન ભાષાના એક ભાઈ, જે પૅરિસમાં હિંમતથી પ્રચાર કરતા, તે જણાવે છે: ‘અમને કોઈ શંકા ન હતી કે આપણા ઈશ્વર યહોવા સમર્થ છે. એટલે પ્રચાર કામમાં અમને માણસોની બીક ન લાગતી. જોકે, ફ્રેંચ ભાષામાં મોઢે કરેલું એક નાનું વાક્ય ક્યાંક ભૂલી ન જઈએ, એવા ડરથી અમારા ધબકારા વધી જતા. એ નાના વાક્યનો અર્થ થતો કે “કૃપા કરીને આ કાર્ડ વાંચો!” અમને ખાતરી હતી કે અમારું કામ ખરેખર બહુ મહત્ત્વનું છે.’

પહેલાંનાં પાયોનિયર ખુશખબર ફેલાવવા સાઇકલ અને મોટરસાઇકલનો ઉપયોગ કરતા

પાયોનિયર ભાઈ-બહેનો ફ્લેટ્સમાં ખુશખબર જણાવવા જતાં ત્યારે, ઘણી વાર ત્યાંના ચોકીદારો તેઓને ભગાડી મૂકતા. બ્રિટનનાં બે બહેનોનો સામનો એવા જ એક ઉદ્ધત ચોકીદાર સાથે થયો. આપણાં એ બહેનોને ફ્રેંચ ખાસ કંઈ આવડતું ન હતું. ચોકીદારે તેઓને ગુસ્સામાં પૂછ્યું, ‘કોને મળવું છે?’ આપણાં એક બહેને ત્યાં દરવાજા પર એક પાટીમાં એક નાનું લખાણ જોયું. એ લખાણ હતું, “તોર્નેઝ લે બુટોન.” બહેનને લાગ્યું કે એ ઘરમાલિકનું નામ હશે, એટલે તેમણે ચોકીદારને ઉમળકા સાથે કહ્યું: ‘અમે મેડમ તોર્નેઝ લે બુટોનને મળવાં આવ્યાં છીએ!’ ખરેખર તો એ કોઈ નામ ન હતું, એનો અર્થ “ઘંટડી વગાડો!” થતો હતો. હાસ્ય લાવનારા એવા બનાવોને લીધે બધા પાયોનિયરનો જોશ બની રહેતો!

ન સગવડનું સુખ, ન સાક્ષીઓનો સાથ

૧૯૩૦ના દાયકામાં ફ્રાન્સના મોટા ભાગના લોકોનું જીવન સગવડ વિનાનું હતું. બીજા દેશોથી ત્યાં આવેલાં પાયોનિયર ભાઈ-બહેનોએ પણ એ પડકારો ઝીલવા પડ્યાં. અંગ્રેજી ભાષા બોલતાં બહેન મોના બઝહૉસ્કા અને તેમના સાથી પાયોનિયર બહેને પણ એ બધું સહેવું પડ્યું. બહેન મોના કહે છે: ‘અમે જેટલાં પણ ઘરોમાં રહ્યાં, એ ઘરો સગવડ વિનાનાં અને સામાન્ય હતાં. અરે, શિયાળામાં રૂમ ગરમ રાખવાની પણ કોઈ સુવિધા ન હતી, જે એક મોટી સમસ્યા હતી. ઠંડાગાર રૂમમાં રહેવાં સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ ન હતો. પાણી ભરેલા જગમાં બરફનું થર જામી જતું. એટલે રોજ સવારે મોઢું ધોવા એ બરફ તોડીને પાણી વાપરતાં.’ કોઈ પણ સુવિધા ન હોવાને લીધે, શું એ બધા પાયોનિયર હિંમત હારી ગયા? ના, જરાય નહિ! તેઓની લાગણી એક ભાઈના આ શબ્દોમાં જોવા મળે છે, ‘અમારી પાસે કંઈ જ ન હતું, પણ અમને કદીયે કશાની ખોટ ન પડી.’—માથ. ૬:૩૩.

૧૯૩૧માં પૅરિસમાં યોજાયેલા સંમેલનમાં હાજર રહેલાં બ્રિટિશ પાયોનિયર બહેનો

સાક્ષીઓ ન હોય એવી જગ્યાએ સેવા આપવી પણ એક મોટો પડકાર હતો. એવી જગ્યાએ સેવા આપતા જોશીલા પાયોનિયર એકલા પડી જતા. ફ્રાન્સમાં ૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં રાજ્ય પ્રચારકોની સંખ્યા ૭૦૦ જેટલી જ હતી. એમાંય, મોટા ભાગના પ્રચારકો આખા દેશમાં વિખેરાયેલા હતા. એવા સંજોગોમાં પ્રચારકોને આનંદી રહેવા કઈ બાબતે મદદ કરી? ચાલો, ફરી એક વાર મોના બહેનનો દાખલો લઈએ. તેમણે અને તેમની સાથેના પાયોનિયર બહેને એવા પડકારનો સામનો કર્યો હતો. બહેન મોના જણાવે છે: ‘અમે એકલા ન પડી જઈએ એ માટે નિયમિત રીતે, સાથે મળીને આપણું સાહિત્ય વાંચતાં. એ સમયમાં ફરી મુલાકાત લેવામાં આવતી ન હતી કે બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવતા ન હતા. એટલે, સાંજે અમને કુટુંબીજનોને અને ખાસ તો, બીજાં પાયોનિયર ભાઈ-બહેનોને પત્ર લખવાનો સમય મળતો. એ પત્રોમાં અમે અમારા અનુભવો જણાવતાં અને એકબીજાને ઉત્તેજન આપતાં.’—૧ થેસ્સા. ૫:૧૧.

એવા પડકારો છતાં, આપણાં પાયોનિયર ભાઈ-બહેનોએ ત્યાગ કરવાની ભાવના અને કામમાં આનંદી વલણ જાળવી રાખ્યાં. દાયકાઓ પછી એ ભાઈ-બહેનોએ ફ્રાન્સની શાખાને લખેલા પત્રો પરથી તેઓનું એ વલણ સાફ દેખાઈ આવ્યું. આપણાં એક અભિષિક્ત બહેન ઍની ક્રૅજીનનો વિચાર કરીએ. તેમણે વર્ષ ૧૯૩૧થી ૧૯૩૫ દરમિયાન પોતાના પતિ સાથે ફ્રાન્સના મોટા ભાગના વિસ્તારોમાં સેવા આપી હતી. તે કહે છે: ‘અમારું જીવન ખૂબ જ રોમાંચક અને મજાનું હતું. પાયોનિયર તરીકે અમે બધાં એકબીજાને દરેક રીતે સાથ આપતાં. પ્રેરિત પાઊલે કહ્યું તેમ, “મેં રોપ્યું, આપોલસે પાણી પાયું; પણ ઈશ્વરે વૃદ્ધિ આપી.” એ જોવું એવા દરેક માટે ખૂબ રોમાંચક છે, જેઓએ વર્ષો અગાઉ અમારી જેમ સેવા આપી હતી.’—૧ કોરીં. ૩:૬.

જે લોકો યહોવાની સેવામાં વધુ કરવા ચાહે છે તેઓ માટે આપણાં એ પાયોનિયર ભાઈ-બહેનોએ સહનશીલતા અને જોશનો ખૂબ સારો દાખલો બેસાડ્યો છે. આજે ફ્રાન્સમાં આશરે ૧૪,૦૦૦ નિયમિત પાયોનિયર છે. તેઓમાંના ઘણા એવા છે, જેઓ બીજી ભાષા બોલતાં ગ્રૂપ કે મંડળોમાં સેવા આપે છે. * તેઓ પણ વર્ષો અગાઉના પાયોનિયરની જેમ સેવાકાર્યને આડે કંઈ આવવા દેતા નથી. સાચે જ, આકાશ તળે એવું કંઈ નથી જે તેઓને રોકી શકે!—ફ્રાન્સના આપણા ઇતિહાસમાંથી.

^ ફકરો. 4 ઘણા લોકો પોલૅન્ડથી જઈને ફ્રાન્સમાં વસ્યા હતા. એ લોકોમાં થયેલા આપણા કામ વિશે જાણવા, ઑગસ્ટ ૧૫, ૨૦૧૫ના ચોકીબુરજમાં લેખ “તમે સત્ય શીખો માટે યહોવા તમને ફ્રાન્સ લાવ્યા” જુઓ.

^ ફકરો. 13 વર્ષ ૨૦૧૪માં ફ્રાન્સની શાખાની દેખરેખ નીચે બીજી ભાષા બોલતાં ૯૦૦થી વધુ મંડળો અને ગ્રૂપ કામ કરતાં, જેઓ ૭૦ જુદી જુદી ભાષાના લોકોને સત્ય શોધવામાં મદદ આપતાં હતાં.