‘પ્રભુમાં જે સેવા તમને સોંપેલી છે તે કરવાને સાવધ રહો’
‘પ્રભુમાં જે સેવા તમને સોંપેલી છે તે કરવાને સાવધ રહો’
“પ્રભુમાં જે સેવા કરવાનું કામ તને સોંપવામાં આવ્યું છે તે સંપૂર્ણ રીતે કરવાને તારે સાવધ રહેવું.”—કોલોસી ૪:૧૭.
૧, ૨. આપણા પર કઈ મોટી જવાબદારી છે?
‘મોટી વિપત્તિ’ ઝડપથી આવશે. લોકોએ એમાંથી બચવા હમણાં જ નિર્ણય લેવાની જરૂર છે. (પ્રકટીકરણ ૭:૧૪) એટલે આપણા પર એક મોટી જવાબદારી છે. નીતિવચનો લખનારે કહ્યું: “જેઓને મોતમાં ઘસડી લઈ જવામાં આવે છે તેઓને છોડાવ, અને જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું ચૂકતો નહિ.” જો આપણે ચેતવણી ન આપીએ અને કોઈ માર્યું જાય તો તેનું લોહી આપણે માથે. નીતિવચનોનો લેખક આગળ જણાવે છે: “જો તું કહે, કે અમે તો એ જાણતા નહોતા, તો જે અંતઃકરણોની તુલના કરે છે [પારખે છે] તે તેનો વિચાર શું કરશે નહિ? અને જે તારા જીવનો રક્ષક છે તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ?” આજે લોકો મોતના મોંમા જઈ રહ્યા છે. એવા સમયે આપણે કેવી રીતે કહી શકીએ કે ‘અમે જાણતા ન નથી!’—નીતિવચનો ૨૪:૧૧, ૧૨.
૨ ઈશ્વર યહોવાહની નજરે જીવન અનમોલ છે. તેમની દિલની ઇચ્છા છે કે પોતાના ભક્તો પણ જીવન બચાવવા બનતું બધું જ કરે. યહોવાહે બાઇબલમાં જીવન બચાવવા વિષે જણાવ્યું છે. આપણે એના વિષે દરેકને જણાવવું જ જોઈએ. એના માટે એક વૉચમૅનનો દાખલો લઈએ. તેને કોઈ પણ જોખમ દેખાય કે તરત જોર-શોરથી એની ચેતવણી આપશે. આપણે પણ એમ જ કરીએ. નહિ તો જેઓ માર્યા જશે તેઓનો જવાબ યહોવાહ આપણી પાસે માગશે. (હઝકીએલ ૩૩:૧-૭) ચાલો, ગમે એવા સંજોગોમાં પણ આપણે લોકોને ઈશ્વરનાં વચન જણાવતા રહીએ.—૨ તીમોથી ૪:૧, ૨, ૫ વાંચો.
૩. આ અને એના પછીના બે લેખો શાના વિષે વાત કરશે?
૩ ખરું કે એ સંદેશો જણાવવો આસાન નથી. આ લેખમાં આપણે શીખીશું કે કઈ રીતે એમાં આવતી તકલીફો સહી શકાય. કઈ રીતે હજુ વધારે ને વધારે લોકોને મદદ કરી શકાય. આના પછીનો લેખ જણાવશે કે લોકોને સરસ રીતે શીખવવા શું કરવું જોઈએ. એ પછીનો લેખ રિપોર્ટ આપશે કે આ રીતે લોકોને જણાવવાથી શું થયું છે. એ બધા વિષે જોતાં પહેલાં, ચાલો વિચારીએ કે કેમ આપણા ટાઇમમાં આટલી મુશ્કેલીઓ છે!
નિરાશાથી ઘેરાયેલી દુનિયા
૪, ૫. આજની દુનિયા કેવી છે? ઘણા પર શું વીતે છે?
૪ દુનિયાના બનાવો બતાવે છે કે આપણે ‘જગતના અંતમાં’ જીવી રહ્યા છીએ. ઈસુ અને તેમના શિષ્યોએ પહેલેથી જણાવ્યું હતું કે “છેલ્લા સમયમાં” કેવા કેવા બનાવો બનશે. આજે આપણે એવા જ બનાવો જોઈએ છીએ. યુદ્ધો, દુકાળ, ધરતીકંપોનો પાર નથી. આફતો ઉપર આફતો, દુઃખો ઉપર દુઃખો. આજે લોકો સ્વાર્થનાં સગાં, નીતિ-અનીતિની કોને પડી છે? ભગવાનની કોને પડી છે? અરે, ઈશ્વરભક્તોને પણ આવા ‘સંકટના વખતોમાં’ ઘણું સહેવું પડે છે.—માત્થી ૨૪:૩, ૬-૮, ૧૨; ૨ તીમોથી ૩:૧-૫.
૫ આજે મોટા ભાગના લોકો જાણતા નથી કે દુનિયા કેમ આવી છે. તેઓને પોતાની અને કુટુંબની ચિંતા કોરી ખાય છે. ઘણાને આફતોના એવા જખમ થયા છે કે રુઝાતા વર્ષો નીકળી જાય. અરે, મોત કોઈને છીનવી જાય ત્યારે તો લોકો લાચાર બની જાય છે. આવું બધું કેમ થાય છે, એ હકીકત ન જાણવાને લીધે લોકો નિરાશામાં ડૂબી જાય છે.—એફેસી ૨:૧૨.
૬. “મહાન બાબેલોન” કેમ લોકોને મદદ કરી શકે એમ નથી?
૬ દુનિયાના બધા ધર્મો જે યહોવાહને ભજતા નથી, એને બાઇબલ “મહાન બાબેલોન” કહે છે. એ ધર્મોએ લોકોને કોઈ આશા આપી નથી, પણ મૂંઝવી નાખ્યા છે. જાણે ‘દ્રાક્ષારસ’ કે દારૂ પીધેલાની જેમ લોકો આમથી તેમ ભટકે છે. એ ધર્મો ‘પૃથ્વીના રાજાઓને’ ખોટે માર્ગે ચડાવીને પોતાની મુઠ્ઠીમાં રાખે છે. ખોટા રીત-રિવાજો, વહેમ, અંધશ્રદ્ધાથી લોકોને પોતાને ઇશારે નચાવે છે. આમ, એ બધાને પોતાની માયાજાળમાં ફસાવી, સચ્ચાઈને બદલે જૂઠનું ઝેર ફેલાવે છે.—પ્રકટીકરણ ૧૭:૧, ૨, ૫; ૧૮:૨૩.
૭. મોટા ભાગના મનુષ્યોની આવતી કાલ કેવી છે? અમુકને કઈ રીતે મદદ કરી શકાય?
૭ ઈસુએ જણાવ્યું કે મોટા ભાગના મનુષ્યો નાશ તરફ જતા માર્ગે ચાલે છે. (માત્થી ૭:૧૩, ૧૪) અમુકે જાણ્યું છે કે બાઇબલ શું શીખવે છે. તોપણ, જાણીજોઈને તેઓ એ સત્ય માનવા તૈયાર નથી. જોકે, બીજા ઘણા એવા પણ છે કે જેઓને યહોવાહ વિષે કંઈ ખબર નથી. ક્યાં તો તેઓને છેતરવામાં આવ્યા છે કે પછી અંધારામાં રાખવામાં આવ્યા છે. જો એવા લોકોને સત્યનું જ્ઞાન મળે તો યહોવાહને માર્ગે ચાલે પણ ખરા! છતાંયે જેઓ જાણીજોઈને બાઇબલના જ્ઞાનને ઠુકરાવે છે અને ‘મહાન બાબેલોનને’ છોડતા નથી, તેઓને “મોટી વિપત્તિમાંથી” બચાવવામાં નહિ આવે.—પ્રકટીકરણ ૭:૧૪.
લોકોને કહેતા જ રહીએ
૮, ૯. પહેલી સદીમાં આકરી કસોટી થઈ ત્યારે શિષ્યોએ શું કર્યું? શા માટે?
૮ ઈસુએ જણાવ્યું હતું કે પોતાના શિષ્યો ઈશ્વરનાં વચન જણાવતા રહેશે. લોકોને યહોવાહના ભક્તો બનવા મદદ કરતા રહેશે. (માત્થી ૨૮:૧૯, ૨૦) યહોવાહના ભક્તોએ હંમેશાં ઈસુનું કહેવું માનીને પ્રચાર કર્યો. એનાથી તેઓની શ્રદ્ધામાં ઓર વધારો થયો. યહોવાહ સાથેનો તેઓનો નાતો પાકો બન્યો. તેઓએ આકરી કસોટીઓ સહીને પણ પ્રચાર કર્યો. “પૂરેપૂરી હિંમતથી” કહેવા યહોવાહ પર પૂરો ભરોસો રાખ્યો. યહોવાહે તેઓને હિંમત આપી. શક્તિ આપી. તેઓ કદીયે ચૂપચાપ બેસી રહ્યા નહિ.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૮, ૨૯, ૩૧.
૯ જોકે ધર્મગુરુઓને એ જરાય ગમ્યું નહિ. તેઓએ શિષ્યોને કેદ કરાવ્યા. ધમકીઓ આપી. માર મરાવ્યો. શું એનાથી ઈસુના શિષ્યો ડરી ગયા? ચૂપ થઈ ગયા? ના, જરાયે નહિ! તેઓએ ‘ઈસુ વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.’ તેઓ જાણતા હતા કે ‘માણસોના કરતાં ઈશ્વરનું વધારે માનવું’ જોઈએ.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૮, ૨૯, ૪૦-૪૨.
૧૦. આજે આપણા પર કેવી કસોટીઓ આવે છે?
૧૦ આજે પ્રચાર કરવાને લીધે માર પડ્યો હોય કે કેદ થઈ હોય, એવું બહુ થોડું બને છે. તોપણ, આજે આપણે જુદી કસોટીઓ સહન કરીએ છીએ. આપણે બાઇબલના સિદ્ધાંતો પાળતા હોવાથી દુનિયાની ચાલે ચાલતા નથી. એટલે સ્કૂલ કે નોકરી પર લોકોને લાગે છે કે આપણે કોઈ જુદી જ દુનિયામાં રહીએ છીએ. અરે અડોશી-પડોશીને પણ એવું લાગે. તોપણ, હિંમત ન હારો. યહોવાહને વળગી રહો. દુનિયા તો અંધકારમાં છે, જેમાં આપણે ‘જ્યોતિઓ જેવાં બની’ પ્રકાશ ફેલાવીએ. (ફિલિપી ૨:૧૫) કદાચ, એમ બને કે અમુક આપણા સારા સંસ્કાર જુએ અને યહોવાહની ભક્તિ કરવા લાગે.—માત્થી ૫:૧૬ વાંચો.
૧૧. (ક) આપણે પ્રચાર કરીએ ત્યારે અમુક શું કરશે? (ખ) પાઊલ પર કેવી કેવી કસોટીઓ આવી? તેમણે શું કર્યું?
૧૧ યહોવાહ વિષે બધાને જણાવતા રહેવા હિંમતની જરૂર છે. લોકો મશ્કરી કરશે, અરે સગાં-વહાલાં પણ મશ્કરી કરશે. (માત્થી ૧૦:૩૬) ઈશ્વરભક્ત પાઊલે પણ પ્રચાર કરવાને લીધે માર ખાવો પડ્યો. એક જ વાર નહિ, ઘણી વાર તેમને પકડવામાં આવ્યા. કપડાં કઢાવીને ફટકા મારવામાં આવ્યા. પછી જેલમાં પૂરી દીધા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૯-૨૪) તોયે તેમનું વલણ કેવું હતું? પાઊલે લખ્યું: ‘અમે પહેલાં દુઃખ તથા અપમાન સહ્યાં, તોપણ ઘણા કષ્ટથી તમારી આગળ સુવાર્તા પ્રગટ કરવાને આપણા ઈશ્વરથી હિંમતવાન થયા.’ (૧ થેસ્સાલોનીકી ૨:૨) પાઊલને શાનાથી હિંમત મળી? તેમના દિલમાં યહોવાહના કહેવા પ્રમાણે જ કરવાની લગન હતી.—૧ કોરીંથી ૯:૧૬.
૧૨, ૧૩. આપણામાંથી ઘણાને કેવી તકલીફો સહેવી પડે છે? તોપણ આપણે કેવા પ્રયત્નો કરતા રહેવું જોઈએ?
૧૨ માનો કે આપણે એવી ટેરેટરીમાં પ્રચાર કરતા હોય જ્યાં લોકો ભાગ્યે જ ઘરે હોય. અથવા તો બહુ ઓછા લોકો સાંભળતા હોય. એવા સંજોગોમાં પણ કેવી રીતે આપણે હોંશથી પ્રચાર કરી શકીએ? કદાચ આપણે ફક્ત ઘરે-ઘરે જ નહિ, પણ જ્યાં મોકો મળે ત્યાં વાત કરવાની તૈયારી રાખવી પડે. પ્રચારમાં જવાનો ટાઇમ બદલવો પડે. જ્યાં લોકો હોય, ત્યાં પ્રચાર કરવા વધારે પ્રયત્ન કરવો પડે.—વધુ માહિતી: યોહાન ૪:૭-૧૫; પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૩; ૧૭:૧૭.
૧૩ આપણામાંથી ઘણાને ઘડપણ અને તબિયતની મુશ્કેલીઓ હેરાન-પરેશાન કરી મૂકે છે. પ્રચારમાં જવાનું મન તો ઘણું હોય, પણ શરીર સાથ આપતું ન હોય. જો એમ હોય તો નિરાશ ન થાવ. યહોવાહ એ જાણે છે. એવા સંજોગોમાં પણ બનતું બધું જ કરો. એનાથી યહોવાહ બહુ રાજી થાય છે. (૨ કોરીંથી ૮:૧૨ વાંચો.) ભલે લોકો આપણું સાંભળે કે નહિ, ભલે ગમે એ બીમારી કે કસોટીઓ સહીએ, આપણે બનતું બધું જ કરીએ.—નીતિવચનો ૩:૨૭; વધુ માહિતી: માર્ક ૧૨:૪૧-૪૪.
‘પ્રચાર કામ પૂરું કરવા સાવધ રહેવું’
૧૪. પાઊલે કેવો દાખલો બેસાડ્યો? તેમણે શું સલાહ આપી?
૧૪ પહેલી સદીમાં ઈશ્વરભક્ત પાઊલે યહોવાહની ભક્તિમાં પોતાનું તન-મન રેડી દીધું. બીજા ભક્તોને પણ એવું જ કરવાનું ઉત્તેજન આપ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦, ૨૧; ૧ કોરીંથી ૧૧:૧) એવા એક ભાઈનું નામ આર્ખીપસ હતું. કોલોસીના મંડળને લખેલા પત્રમાં પાઊલે કહ્યું: “આર્ખીપસને કહેજો, કે પ્રભુમાં જે સેવા કરવાનું કામ તને સોંપવામાં આવ્યું છે તે સંપૂર્ણ રીતે કરવાને તારે સાવધ રહેવું.” (કોલોસી ૪:૧૭) આપણે આર્ખીપસ વિષે બહુ જાણતા નથી. પણ એક વાત ચોક્કસ કે તેમણે યહોવાહ વિષે પ્રચાર કરવાની જવાબદારી સ્વીકારી હતી. યહોવાહના ભક્ત બનીએ ત્યારે આપણે પણ ખુશીથી એમ જ કરીએ છીએ. શું આપણે એ જવાબદારી સારી રીતે ઉપાડી રહ્યા છીએ?
૧૫. બાપ્તિસ્મા પહેલાં યહોવાહને આપેલા વચનનો શું અર્થ થાય? કેવા સવાલોનો વિચાર કરવો જોઈએ?
૧૫ યહોવાહના ભક્ત બનવા બાપ્તિસ્મા લીધું એ પહેલાં, આપણે દિલોજાનથી ભક્તિ કરવાનું તેમને વચન આપ્યું. એ બતાવે છે કે તેમના કહેવા પ્રમાણે જ જીવવાનું આપણે નક્કી કર્યું. એટલે આપણે પોતાને પૂછીએ કે ‘શું હું યહોવાહની મરજી પ્રમાણે જ જીવું છું?’ ખરું કે કુટુંબની સંભાળ રાખવા જેવી બીજી જવાબદારી પણ યહોવાહે જ સોંપેલી છે. (૧ તીમોથી ૫:૮) તોપણ આપણો સમય અને શક્તિ કઈ રીતે વાપરીએ છીએ? આપણા જીવનમાં શું મહત્ત્વનું છે?—૨ કોરીંથી ૫:૧૪, ૧૫ વાંચો.
૧૬, ૧૭. યહોવાહની ભક્તિમાં વધારે કરવા યુવાનો શાનો વિચાર કરી શકે?
૧૬ આજે ઘણા યુવાનો બાપ્તિસ્મા લે છે. તેઓ યહોવાહને વચન આપે છે કે આખી જિંદગી તેમની ભક્તિ કરશે. યુવાનો, તમારા વિષે શું? શું તમે સ્કૂલ પૂરી કરીને કૉલેજ કે યુનિવર્સિટીમાં જવાનો વિચાર કરો છો? મોટે ભાગે હજુ તમારા પર કુટુંબની જવાબદારી નથી. શું તમે ભણી-ગણીને આરામની જિંદગી ચાહો છો કે પછી પાયોનિયર બનવા ચાહો છો? કેવા નિર્ણયો લઈને તમે બતાવી શકશો કે યહોવાહને આપેલું વચન તમે પાળો છો? ઘણા યુવાનોએ એવા પ્લાન કર્યા, જેથી તેઓ પાયોનિયર બન્યા. યહોવાહના આશીર્વાદોની તેઓના જીવનમાં કોઈ કમી નથી.—ગીતશાસ્ત્ર ૧૧૦:૩; સભાશિક્ષક ૧૨:૧.
૧૭ ફૂલ-ટાઇમ જૉબ કરતા યુવાનો વિષે શું? તમારે હજુ કોઈ મોટી જવાબદારી નથી. ખરું કે તમે સમય પ્રમાણે મંડળ સાથે બનતું બધું કરો છો. પણ, શું તમે વિચાર કર્યો છે કે યહોવાહની ભક્તિમાં બીઝી રહેવાથી કેવા કેવા આશીર્વાદો મળી શકે? (ગીતશાસ્ત્ર ૩૪:૮; નીતિવચનો ૧૦:૨૨) અમુક જગ્યાએ હજુ બધા લોકો યહોવાહ વિષે જાણતા નથી. શું તમે એવા એરિયામાં જઈ શકો? શું તમે તમારા જીવનમાં અમુક ફેરફાર કરી શકો?—૧ તીમોથી ૬:૬-૮ વાંચો.
૧૮. એક પતિ-પત્નીએ કેવા ફેરફારો કર્યા? એનાથી તેઓને કેવું લાગ્યું?
૧૮ અમેરિકાના કેવિન અને એલેનાનો વિચાર કરો. * તેઓ નવા-નવા જ પરણેલા છે. તેઓએ પોતાનો બંગલો લીધો. બંનેએ ફૂલ-ટાઇમ જૉબ તો કરવી જ પડે, જેથી સુખેથી જીવવા બધી ચીજો વસાવી શકે. તેઓ એ બધામાં એટલા ડૂબી ગયા કે માંડ માંડ પ્રચારમાં જઈ શકતા. તેઓને ભાન થયું કે પોતાનો બધો સમય ને શક્તિ પોતાની ચીજ-વસ્તુઓ પાછળ જાય છે. તેઓએ એક પાયોનિયર પતિ-પત્નીનું જીવન જોયું. સાદું ને સુખી! કેવિન-એલેનાએ પોતાના જીવનમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. યહોવાહને દિલથી પ્રાર્થના કરી મદદ માંગી. તેઓએ બંગલો વેચીને સસ્તો ફ્લૅટ લીધો. એલેનાએ નોકરી પરનો ટાઇમ ઘટાડી નાખ્યો અને પાયોનિયર બની. કેવિને પોતાની પત્ની પાસેથી સરસ અનુભવો સાંભળ્યા. એનાથી તેમની પણ હોંશ એટલી વધી કે ફૂલ-ટાઇમ જૉબ છોડીને પાયોનિયર બન્યા. અમુક સમય પછી, તેઓ દક્ષિણ અમેરિકાના એક દેશમાં ગયા. ત્યાં પ્રચાર કરવા વધારે ભાઈ-બહેનોની જરૂર હતી. કેવિન કહે છે કે ‘અમે પતિ-પત્ની બંને સુખી હતા. પણ સાથે મળીને યહોવાહની ભક્તિમાં વધારે સમય આપવાથી જે ખુશી અને સંતોષ મળે છે, એની તો વાત જ કંઈ ઓર છે!’—માત્થી ૬:૧૯-૨૨ વાંચો.
૧૯, ૨૦. યહોવાહ વિષે લોકોને જણાવવા જેવું કેમ બીજું કોઈ જ કામ નથી?
૧૯ આજે લોકોને યહોવાહ વિષે જણાવવા જેવું બીજું કોઈ જ કામ નથી. (પ્રકટીકરણ ૧૪:૬, ૭) એનાથી યહોવાહના નામનો જયજયકાર થાય છે. (માત્થી ૬:૯) દર વર્ષે હજારો લોકો બાઇબલનો સંદેશો માનીને જીવનમાં ફેરફારો કરે છે. એમાં તેઓનું જીવન બચી જવાની આશા છે. તોપણ પાઊલે પૂછ્યું હતું કે “ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે?” (રૂમી ૧૦:૧૪, ૧૫) તો પછી, ચાલો આપણે આજથી જ નક્કી કરીએ કે લોકોને યહોવાહ વિષે જણાવવા બનતું બધું જ કરીશું.
૨૦ જલદી જ યહોવાહ લોકોનો ન્યાય કરશે. લોકોના જીવન-મરણનો સવાલ છે. તેઓને આપણે બીજી કઈ રીતે મદદ કરી શકીએ? આપણી શીખવવાની કળામાં સુધારો કરીને! હવે પછીનો લેખ બતાવશે કે આપણે એમ કઈ રીતે કરી શકીએ. (w08 1/15)
[ફુટનોટ]
^ નામ બદલ્યાં છે.
આપણે કેવી રીતે સમજાવીશું?
• લોકો પ્રત્યે આપણી કઈ મોટી જવાબદારી છે?
• પ્રચારમાં આવતી મુશ્કેલીઓ કેવી રીતે સહન કરી શકીએ?
• આપણે જે જવાબદારી સ્વીકારી છે, એ કઈ રીતે પૂરી કરી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૯ પર ચિત્રો]
કસોટીમાં પણ પ્રચાર કરવા હિંમતની જરૂર છે
[પાન ૧૧ પર ચિત્રો]
તમારો પ્રચારનો એરિયા એવો હોય જ્યાં લોકો ભાગ્યે જ ઘરે મળે તો તમે શું કરી શકો?