ઈશ્વરનું ડહાપણ પોકારે છે સર્જન!
ઈશ્વરનું ડહાપણ પોકારે છે સર્જન!
‘જે આપણને પશુઓના કરતાં વધારે શીખવે છે, અને પક્ષીઓના કરતાં વિશેષ જ્ઞાની કરે છે, તે સરજનહાર ઈશ્વર છે.’—અયૂબ ૩૫:૧૧.
પક્ષીઓ કેટલી સરસ રીતે છૂટથી ઊડે છે! તેઓની જેમ ઊડી શકે એવાં વિમાન હોય તો કેવું સારું. એવાં વિમાનો બનાવવાનાં સપનાં માણસો વર્ષોથી જુએ છે. અમુક પક્ષીઓ હજારો કિલોમીટર ઊડીને દરિયો પાર કરી જાય છે.
બીજો એક ચમત્કાર પક્ષીઓની બોલી છે. તેઓ જાતજાતના અવાજથી એકબીજા સાથે વાત કરે છે. ચાલો આપણે અમુક દાખલા જોઈએ, જે બતાવે છે કે ઈશ્વરની બુદ્ધિનો કોઈ પાર નથી.
પક્ષીની બોલી
અમુક પક્ષીઓ ઈંડાંમાંથી બહાર આવતા પહેલાં બોલે છે. તેતર જેવા પક્ષીનો (ક્વેલનો) વિચાર કરો. એ દરરોજ એક એમ આઠ દિવસમાં આઠ ઈંડાં મૂકે છે. એ જ ક્રમે જો એક પછી એક બચ્ચું રોજ બહાર આવે, તો માદા માટે મુશ્કેલી ઊભી થઈ જાય. તે કોને ખવડાવે ને કોને સેવે. એવું ન થાય માટે, આઠેય ઈંડાંમાંથી બચ્ચાં છએક કલાકમાં જ બહાર નીકળી આવે છે. એ કેવી રીતે બની શકે? અમુક એક્સપર્ટોનું માનવું છે કે બચ્ચાં ઈંડાંમાંથી એકબીજા સાથે વાતચીત કરે છે. તેઓ નક્કી કરે છે કે ક્યારે બહાર આવવું!
પક્ષી સરસ ગાઈ પણ શકે છે. મોટા ભાગે નરપક્ષી ગાય છે, ખાસ કરીને પ્રજનનના સમયે. એમ કરીને તે પોતાના વિસ્તારની હદ ઠરાવે છે અથવા માદાને આકર્ષે છે. પક્ષીની દરેક જાતિ પોતાની રીતે ગાય છે, જેથી પોતપોતાની જાતિના સાથીને સહેલાઈથી શોધી શકે.
મોટા ભાગે સૂરજ ઊગે કે આથમે ત્યારે પક્ષીઓ ગાતાં સંભળાય છે. એ સમયે પવન ઓછો હોય છે. અવાજ ઓછો હોય છે. ઍક્સ્પર્ટોને જાણવા મળ્યું છે કે દિવસ કરતાં સાંજ-સવારે પક્ષીનાં ગીત ૨૦ ગણા વધારે દૂર સંભળાય છે.
મોટે ભાગે નર પક્ષી ગાય છે. તોપણ નર અને માદા બંને જાતજાતના અવાજથી એકબીજાને સંદેશો આપે છે. દાખલા તરીકે, ચાફીંચ નામની ચકલી એવા નવ અવાજ કાઢે છે, જેનો જુદો જુદો અર્થ હોય છે. જેમ કે કોઈ બીજા પક્ષીનું જોખમ હોય તો એક અવાજ અને જમીન પરથી કોઈ જોખમ હોય તો બીજો અવાજ!
અજોડ આવડત
ઈશ્વરે પક્ષીઓને કેટલી સરસ રીતે બનાવ્યા છે. પણ વાતચીતમાં તેઓ કરતાં ઇન્સાનને ચડિયાતા બનાવ્યા છે. અયૂબ ૩૫:૧૧ કહે છે કે ઈશ્વરે ઇન્સાનને “પક્ષીઓના કરતાં વિશેષ જ્ઞાની” બનાવ્યા છે. એટલે આપણે વાણી અને હાવભાવથી કોઈ પણ વિષય સમજાવી શકીએ છીએ.
ઇન્સાન પાસે જન્મથી ભાષા શીખવાની આવડત છે. અમેરિકન સાયન્ટિસ્ટની વેબસાઇટ કહે છે: ‘બાળકના જન્મથી જ માબાપ તેની સાથે વાતચીત ન કરે તોપણ, તે ભાષા શીખી શકે છે. તે બહેરું હોય અને કુટુંબ સાઇન લૅંગ્વેજ ન જાણતું હોય, તોય બાળક પોતાની રીતે ઇશારાથી સમજાવતા શીખી જાય છે.’
ઈશ્વરે આપણને એવી રીતે બનાવ્યા છે કે આપણા વિચારો અને લાગણીઓ બોલીને કે ઇશારાથી સમજાવી શકીએ. અરે, આપણે ઈશ્વરને પ્રાર્થના પણ કરી શકીએ છીએ. ઈશ્વર પોતે એમ જ ચાહે છે. બાઇબલ કહે છે: ‘કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર માનીને તમારી અરજો ઈશ્વરને જણાવો.’—ફિલિપી ૪:૬.
ઈશ્વર ચાહે છે કે બાઇબલમાંથી આપણે તેમના વિચારો, શિક્ષણ અને સલાહ લઈએ. જીવનમાં કઠણ નિર્ણય લેતી વખતે પણ ઈશ્વરની મદદ માંગીએ. બાઇબલ કહે છે: ‘તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વેને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.’—યાકૂબ ૧:૫.
ઈશ્વર વિષે તમને કેવું લાગે છે?
કોઈ પક્ષીનું મધુર ગીત સાંભળીને કેવું લાગે છે? બાળકના પહેલા પહેલા કાલાઘેલા શબ્દો સાંભળીને કેવું લાગે છે? ઈશ્વરે બધું કેવું સરસ બનાવ્યું છે! ઈશ્વરનું સર્જન કેવું સુંદર છે! સાચે જ, ઈશ્વરની બુદ્ધિનો કોઈ પાર નથી!
અરે, માનવ શરીરની રચના વિચારો. બાઇબલના એક લેખકે ઈશ્વરને કહ્યું: “હું તમારી સ્તુતિ કરું છું કેમ કે તમે મારું અદ્ભુત સર્જન કર્યું છે. એ વિશે વિચાર કરતા હું આશ્ચર્ય અનુભવું છું. તમારી કારીગરી અતિસુંદર છે એ હું બહુ સારી રીતે જાણું છું.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪, IBSI) આખી સૃષ્ટિ ઈશ્વરના ડહાપણથી ભરેલી છે. એના પર વિચાર કરવાથી તમને ભરોસો થશે કે તે જ જીવનમાં ખરો માર્ગ બતાવશે. (w08 5/1)
[Blurb on page 5]
વાતચીત કરવી એ ઈશ્વરની ભેટ છે
[Picture on page 4]
© Dayton Wild/Visuals Unlimited