લગ્નમાં “ત્રેવડી વણેલી દોરી” તૂટવા ન દો
લગ્નમાં “ત્રેવડી વણેલી દોરી” તૂટવા ન દો
“ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી.”—સભા. ૪:૧૨.
૧. પહેલું લગ્ન કોણે કરાવ્યું?
યહોવાહ ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું. પહેલા ઇન્સાન આદમને બનાવ્યો. અમુક સમય પછી યહોવાહે આદમને ભરઊંઘમાં નાખ્યો. તેની એક પાંસળીનો ઉપયોગ કરીને પહેલી સ્ત્રી હવાનું સર્જન કર્યું. યહોવાહ હવાને આદમ પાસે લાવ્યા, જેને જોઈને તેણે કહ્યું, “આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે.” (ઉત. ૧:૨૭; ૨:૧૮, ૨૧-૨૩) યહોવાહે એ બંનેને લગ્નબંધનમાં જોડ્યા ને આશીર્વાદ આપ્યો.—ઉત. ૧:૨૮; ૨:૨૪.
૨. શેતાને કઈ રીતે પતિ-પત્નીના સંબંધમાં તીરાડ પાડી?
૨ પછી શું થયું? એક ખરાબ સ્વર્ગદૂતે હવાને છેતરીને યહોવાહની આજ્ઞા તોડાવી. યહોવાહનું માર્ગદર્શન સ્વીકારવાને બદલે, આદમ પણ તેની પત્નીનો થઈ ગયો. (ઉત. ૩:૧-૭) યહોવાહે પૂછ્યું કે ‘તમે આ શું કર્યું?’ બંને એકબીજાનો વાંક કાઢવા લાગ્યા. આદમે કહ્યું કે “જે સ્ત્રી તેં મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું, ને મેં ખાધું.” (ઉત. ૩:૧૧-૧૩) પેલા ખરાબ દૂત, શેતાને પતિ-પત્નીના સંબંધમાં તીરાડ પાડી!
૩. યહુદી ધર્મગુરુઓ શું ચલાવી લેતા?
૩ સદીઓથી શેતાને એવું જ કર્યું છે. અમુક વાર તે ધર્મગુરુઓને વાપરે છે. ઈસુના જમાનામાં યહુદી ગુરુઓ બધું ચલાવી લેતા. લગ્ન વિષે યહોવાહના વિચારો બાજુ પર મૂકીને, મન ફાવે એવા નિયમો બનાવતા. જેમ કે, રસોઈમાં વધારે નિમક પડી જાય, તો પતિ છૂટાછેડા આપી શકતો. પણ ઈસુએ કહ્યું કે “વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે.”—માથ. ૧૯:૯.
૪. આજે શેતાન લગ્નબંધન તોડવા શું કરી રહ્યો છે?
૪ આજેય શેતાન લગ્નબંધન તોડવા આકાશ-પાતાળ એક કરી રહ્યો છે. શેતાન એમાં સફળ થઈ રહ્યો છે. વિચાર કરો કે સમાજમાં શું ચાલે છે. પુરુષ-પુરુષ વચ્ચે, સ્ત્રી-સ્ત્રી વચ્ચે જાતીય સંબંધો. લગ્ન કર્યા વગર સાથે રહેવું. આસાનીથી મળતા છૂટાછેડા. (હેબ્રી ૧૩:૪ વાંચો.) મૅરેજ વિષે શેતાને જે ઝેરી વિચારો વહેતા મૂક્યા છે, એની અસર આપણને ન થાય એ માટે શું કરવું જોઈએ? પહેલા તો જોઈએ કે કેવું લગ્ન સુખી લગ્ન કહેવાય.
લગ્નમાં યહોવાહનો સાથ
૫. ‘ત્રેવડી વણેલી દોરીનો’ શું અર્થ થાય?
૫ બાઇબલ કહે છે કે “ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી.” (સભા. ૪:૧૨) એનો શું અર્થ થાય? લગ્નમાં ફક્ત પતિ-પત્ની જ નહિ, યહોવાહનો સાથ પણ હોવો જોઈએ. આમ એ ત્રણ વળથી વણેલી દોરી જલદી તૂટશે નહિ. જો પતિ-પત્ની યહોવાહનો સાથ લે, તો મૅરેજમાં આવતી મુશ્કેલીઓ સહન કરવા મદદ મળશે. તેમના માર્ગદર્શન પ્રમાણે જીવવાથી લગ્નજીવન સુખી બનશે.
૬, ૭. (ક) પતિ-પત્ની કઈ રીતે યહોવાહનો સાથ લઈ શકે? (ખ) એક પત્નીએ પોતાના પતિ વિષે શું કહ્યું?
૬ પતિ-પત્ની કઈ રીતે યહોવાહનો સાથ લઈ શકે? ઈશ્વરભક્ત દાઊદે કહ્યું, ‘હે મારા ઈશ્વર, તારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તારો નિયમ મારા હૃદયમાં છે.’ (ગીત. ૪૦:૮) તેઓ યહોવાહ પરનો પ્રેમ દિવસે દિવસે ખીલવા દે. તેમની દિલથી ભક્તિ કરે. પતિ-પત્ની એકબીજાને મદદ કરે, જેથી બંને યહોવાહ સાથે પાકો નાતો બાંધે.—નીતિ. ૨૭:૧૭.
૭ જો પતિ-પત્ની યહોવાહના નિયમ દિલમાં ઉતારે, તો સારા ગુણો કેળવી શકશે. જેમ કે શ્રદ્ધા, આશા, પ્રેમ. એનાથી લગ્નબંધન એકમેકમાં ગૂંથાતું જશે. (૧ કોરીં. ૧૩:૧૩) સાન્ડ્રા બહેનને લગ્ન કર્યાને ૫૦ વર્ષ થયાં. તેમના વિચારો સાંભળો: “મારા હસબન્ડ યહોવાહને મારા કરતાં પણ વધારે ચાહે છે. તે મને યહોવાહના વિચારો પરથી સલાહસૂચન આપે, એ બહુ જ ગમે છે.” પતિઓ, શું તમે પણ એમ જ કરો છો?
૮. મૅરેજમાં ‘સારૂં ફળ’ મેળવવા શું કરવું જોઈએ?
૮ શું તમે એકબીજાને ખરેખર જીવનસાથી માનો છો? શું તમે સાથે મળીને યહોવાહની ભક્તિ કરો છો? (ઉત. ૨:૨૪) રાજા સુલેમાને લખ્યું: “એક કરતાં બે ભલા; કેમકે તેમની મહેનતનું ફળ તેમને સારૂં મળે છે.” (સભા. ૪:૯) પતિ-પત્ની બંનેએ ઘણો પ્રયત્ન કરવાની જરૂર છે, જેથી ‘મહેનતનું સારૂં ફળ’ મળે. એ ‘ફળ’ શું છે? સુખી લગ્નજીવન. એ યહોવાહના આશીર્વાદથી, દિવસે દિવસે મહેકતું રહેશે.
૯. (ક) પતિ પર કઈ જવાબદારી રહેલી છે? (ખ) કોલોસી ૩:૧૯ પતિને શું કહે છે?
૯ પતિ-પત્ની જીવનમાં યહોવાહનો સાથ લે છે, એ શાના પરથી દેખાઈ આવે? તેઓ યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલવા કેટલો પ્રયત્ન કરે છે એના પરથી. પતિની એ જવાબદારી છે કે કુટુંબનું ભરણ-પોષણ કરે. કુટુંબને યહોવાહની ભક્તિમાં આગળ વધારે. (૧ તીમો. ૫:૮) પોતાની પત્ની સાથે પણ સમજી-વિચારીને રહે. કોલોસી ૩:૧૯કહે છે કે “પતિઓ, તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો, અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.” ‘કઠોર થવાનો’ મતલબ શું? બાઇબલનો એક સ્કૉલર કહે છે: ‘કડવી વાણીનો મારો ચલાવવો. મારઝૂડ કરવી. પ્રેમ ન રાખવો. સંભાળ ન રાખવી. રક્ષણ ન આપવું. મદદ ન કરવી.’ યહોવાહને એવાં કામોથી નફરત છે. જો પતિનો પ્રેમ વરસતો રહે, તો પત્ની ખુશીથી પડ્યો બોલ ઝીલશે.
૧૦. યહોવાહના માર્ગે ચાલનારી પત્નીઓ કેવી હોય છે?
૧૦ યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલવા પત્નીએ શું કરવું જોઈએ? પાઊલે લખ્યું: “પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. કેમકે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે.” (એફે. ૫:૨૨, ૨૩) શેતાને હવાને છેતરવા કહ્યું કે સુખી થવું હોય તો યહોવાહનું કહેવું માનવાની કંઈ જરૂર નથી. આજે પણ ઘણી પત્નીઓ પોતાના પતિનું માનતી નથી. પણ યહોવાહના માર્ગે ચાલનારી પત્નીઓ એવું કરતી નથી. તેઓ જાણે છે કે યહોવાહે હવાને પતિ માટે “સહાયકારી” બનાવી હતી. (ઉત. ૨:૧૮) જે પત્ની ડગલે ને પગલે પતિને સાથ આપે છે, તે તેના માટે “મુગટરૂપ” છે.—નીતિ. ૧૨:૪.
૧૧. એક ભાઈએ પોતાનું લગ્નજીવન કઈ રીતે સુખી બનાવ્યું?
૧૧ યહોવાહની મદદ મેળવવા હસબન્ડ-વાઇફે બીજું શું કરવું જોઈએ? સાથે બાઇબલ સ્ટડી કરે. જેરાલ્ડ ભાઈનો સંસાર ૫૫ વર્ષોથી સુખી છે. તેમનું કહેવું છે કે ‘સાથે બાઇબલ વાંચીને સ્ટડી કરવા જેવું બીજું કંઈ નથી. યહોવાહની ભક્તિમાં કંઈ પણ ભેગા મળીને કરવાથી, પતિ-પત્ની એકબીજાના ફ્રેન્ડ બને છે. ખાસ તો તેઓ યહોવાહના બેસ્ટ ફ્રેન્ડ બને છે.’ કુટુંબ ભેગા મળીને સ્ટડી કરે, એના બીજા કયા ફાયદા છે? આખું કુટુંબ યહોવાહ વિષે શીખે છે. તેમને સારી રીતે ઓળખે છે. તેમની ભક્તિમાં પ્રગતિ કરતું રહે છે.
૧૨, ૧૩. (ક) પતિ-પત્નીએ સાથે મળીને કેમ પ્રાર્થના કરવી જોઈએ? (ખ) બીજું શું કરવાથી લગ્ન સુખી બનશે?
૧૨ લગ્નબંધન અતૂટ બનાવવા પતિ-પત્ની સાથે મળીને પ્રાર્થના કરે. પ્રાર્થના કરીને તેઓ યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખે છે. રાજા દાઊદે યહોવાહ વિષે કહ્યું, “સર્વની દૃષ્ટિ તારી તરફ તલપી રહે છે.” (ગીત. ૧૪૫:૧૫) માનો કે પતિ-પત્ની વચ્ચે કોઈ મતભેદ ઊભો થાય. તેઓ યહોવાહના માર્ગદર્શન માટે પ્રાર્થના કરે. એ પછી એકબીજાને માફ કરવું સહેલું બને છે. (માથ. ૬:૧૪, ૧૫) તેઓ રાજી-ખુશીથી ‘એકબીજાનું સહન કરીને, ક્ષમા કરે છે.’ (કોલો. ૩:૧૩) આ રીતે સંજોગો પ્રમાણે, પતિએ યહોવાહની ‘આગળ હૃદય ખુલ્લું કરવું’ જોઈએ. (ગીત. ૬૨:૮) પ્રાર્થનામાં યહોવાહની મદદ માગીને ચિંતા ઘટી જાય છે, કેમ કે તે આપણી “સંભાળ રાખે છે.”—૧ પીત. ૫:૭.
૧૩ આજે શેતાન કુટુંબમાં ભાગલા પાડવા જાતજાતની ‘કુયુક્તિઓ’ કે ચાલાકીઓ વાપરે છે. (એફે. ૬:૧૧) એમાંથી પોતાના કુટુંબને બચાવવા હસબન્ડ-વાઇફે શું કરવું જોઈએ? તેઓ એકેય મિટિંગ ન ચૂકે. તેમ જ, બંને સાથે સાથે પ્રચારમાં જશે તો, યહોવાહની ભક્તિમાં “સ્થિર તથા દૃઢ” બનશે. તેઓનું લગ્નજીવન સુખી થશે.—૧ કોરીં. ૧૫:૫૮.
મુસીબતો આવે ત્યારે . . .
૧૪. લગ્નજીવનમાં શાને લીધે ટેન્શન આવી શકે?
૧૪ આ બધાં સૂચનો કંઈ નવા નથી. તોયે પતિ-પત્નીએ એની ચર્ચા કરવી જોઈએ. આપણે બધા કંઈને કંઈ સુધારો કરી શકીએ. ખરું કે લગ્નજીવનમાં યહોવાહનો સાથ લેવા છતાં, “શારીરિક દુઃખ થશે.” તકલીફો આવશે. (૧ કોરીં. ૭:૨૮) એનું કારણ કે આપણે દરેક ભૂલો કરીએ છીએ. શેતાનની દુનિયા આપણને અસર કરે છે. શેતાન પણ જાતજાતની ચાલાકી અજમાવે છે. એટલે આપણામાંના અમુકના લગ્નમાં ઘણું ટેન્શન આવે છે. (૨ કોરીં. ૨:૧૧) પણ યહોવાહ આપણને જરૂર મદદ કરશે. ઈશ્વરભક્ત અયૂબનો દાખલો લો. તેમની મિલકત લૂંટાઈ ગઈ. ચાકરો માર્યા ગયા. અરે, તેમનાં બધાંય બાળકો એકસાથે માર્યા ગયાં. તોપણ “એ સઘળામાં અયૂબે પાપ કર્યું નહિ, અને દેવને દોષ દીધો નહિ.”—અયૂ. ૧:૧૩-૨૨.
૧૫. ટેન્શનને લીધે કોઈ શું કરી બેસે? એવા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ?
૧૫ પણ અયૂબને તેમની પત્નીએ કહ્યું, “હજી સુધી તું તારા પ્રામાણિકપણાને [શ્રદ્ધાને] દૃઢતાથી વળગી રહ્યો છે? દેવને શાપ દે, અને મરી જા.” (અયૂ. ૨:૯) એક પછી એક તકલીફો માથે આવી પડે ત્યારે, મન કાબૂમાં નથી રહેતું. બાઇબલ કહે છે કે “જુલમ બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે.” (સભા. ૭:૭) જો તમારા પતિ કે પત્ની “જુલમ” કે કોઈ મુસીબતને લીધે જેમતેમ બોલવા માંડે, તો મગજ શાંત રાખો. નહિતર મોટી મુસીબત ઊભી થઈ જશે. (ગીતશાસ્ત્ર ૩૭:૮ વાંચો.) જો કોઈ ‘અવિચારી રીતે બોલી’ જાય તોપણ, ગુસ્સે ન થાવ.—અયૂ. ૬:૩.
૧૬. (ક) માત્થી ૭:૧-૫માંના ઈસુના શબ્દો કઈ રીતે લગ્નજીવનમાં મદદ કરે છે? (ખ) પતિ-પત્નીએ એકબીજામાં શું જોવું જોઈએ?
૧૬ પતિ-પત્નીએ એકબીજા વિષે મોટી મોટી આશાઓ ન રાખવી જોઈએ. તમારા સાથીની કોઈ આદતથી ચીડ હોય તો, એવું ન વિચારો કે ‘હું તેને બદલી નાખીશ.’ પ્રેમ અને ધીરજથી કદાચ અમુક હદે સુધારો થાય પણ ખરો. તોય ઈસુની આ વાત ન ભૂલો. બીજામાં ભૂલો શોધનાર જાણે કે “તણખલું” શોધે છે, પણ પોતાની આંખમાંનો “ભારોટિયો” જોતો નથી. ઈસુએ અરજ કરી કે “તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે.” (માત્થી ૭:૧-૫ વાંચો.) એનો અર્થ એવો નથી કે કોઈ મોટી ભૂલ કરે તોય ચલાવી લેવું. રોબર્ટ ભાઈના લગ્નને ચાળીસ વર્ષ થવા આવે છે. તેમનું કહેવું છે કે ‘એકબીજામાં સારું જોઈને શાબાશી આપો. ભૂલ જોઈને સુધારો. દરેકે સ્વભાવમાં સુધારો તો કરવો જ જોઈએ.’ જીવનસાથીમાં પોતાને ગમે એ જ શોધવાને બદલે, તેનામાં જે છે એની કદર કરો.—સભા. ૯:૯.
૧૭, ૧૮. મુસીબતો આવે ત્યારે, આપણે કોની પાસે દોડી જવું જોઈએ?
૧૭ બધાની જિંદગીમાં ચડતી-પડતી આવ્યા કરે છે. બાળકો થાય. કુટુંબમાં કોઈને મોટી બીમારી થાય. ઘરડાં માબાપની દેખરેખ રાખવાની હોય. છોકરા મોટા થઈને ઘરેથી દૂર રહેવા જાય. મંડળમાં વધારે જવાબદારી ઉપાડવાની થાય. આ બધાય સંજોગોમાં પતિ-પત્ની વચ્ચે થોડું-ઘણું ટેન્શન તો થવાનું જ.
૧૮ માનો કે ટેન્શન એટલું વધી જાય કે તમને લાગે, ‘હવે ભેગા નહિ રહેવાય.’ એવા વખતે તમે શું કરશો? (નીતિ. ૨૪:૧૦) હિંમત ન હારો! શેતાન ચાહે છે કે તમે યહોવાહને છોડી દો. એમાંય જો પતિ-પત્ની બંને એમ કરે, તો જાણે તેની જીત થઈ! એટલે જ લગ્નજીવનમાં યહોવાહનો સાથ લો. ત્રેવડી વણેલી દોરીની જેમ, લગ્નબંધન અતૂટ રાખો. બાઇબલ એવા ઘણા ભક્તોના દાખલા આપે છે, જેઓ મોટી મુસીબતોમાં પણ અડગ રહ્યા. દાઊદે યહોવાહને કહ્યું, ‘હે ઈશ્વર, તું મારા પર દયા કર, કેમકે માણસ મારા પર જુલમ કરે છે.’ (ગીત. ૫૬:૧) દાઊદને એ સહન કરવા ક્યાંથી મદદ મળી? તેમણે કહ્યું, “મેં યહોવાહની શોધ કરી, અને તેણે મને ઉત્તર આપ્યો, અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો.” (ગીત. ૩૪:૪) જો તમે પણ પારકા કે પોતાના કુટુંબ પાસેથી જુલમ સહેતા હોવ, તો દાઊદની જેમ યહોવાહની મદદ લો.
આશીર્વાદો પર આશીર્વાદો
૧૯. શેતાનને હરાવવા શું કરવું જોઈએ?
૧૯ આ દુષ્ટ જગતનો અંત નજીક છે. હસબન્ડ-વાઇફ બંનેએ ‘એકબીજાને દૃઢ કરીને’ ઉત્તેજન આપવું જોઈએ. (૧ થેસ્સા. ૫:૧૧) શેતાનનું કહેવું છે કે આપણે સ્વાર્થને લીધે જ યહોવાહને ભજીએ છીએ. પતિ-પત્નીને એકબીજાથી કે યહોવાહથી દૂર લઈ જવા, શેતાન ગમે એ કરશે. તેને હરાવવા આપણે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો મૂકીએ. (નીતિ. ૩:૫, ૬) પાઊલે લખ્યું કે “જે મને સામર્થ્ય [શક્તિ] આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિ. ૪:૧૩.
૨૦. લગ્નમાં યહોવાહનો સાથ પકડી રાખવાથી કયા આશીર્વાદો આવશે?
૨૦ લગ્નજીવનમાં યહોવાહનો સાથ લેવાથી, આશીર્વાદોનો કોઈ પાર નથી. જોયેલ ભાઈ અને તેમની પત્નીનો દાખલો લઈએ. તેઓ ૫૧ વર્ષો પહેલાં પરણ્યા હતા. ભાઈ કહે છે કે ‘મને આટલી સારી પત્ની મળી. એ માટે વારંવાર યહોવાહને થેંક્યું કહું છું. અમે હેપી છીએ. હંમેશાં એકબીજા પર પ્રેમ રાખવાનો, ધીરજ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ.’ આપણે બધાએ મૅરેજમાં એવો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. યહોવાહનો સાથ કદીયે ન છોડીએ. બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવીએ. એમ કરીશું તો લગ્નજીવન જાણે કે “ત્રેવડી વણેલી દોરી” જેવું બનશે, જે “જલદી તૂટતી નથી.”—સભા. ૪:૧૨. (w08 9/15)
આપણે શું શીખ્યા?
• લગ્નમાં યહોવાહનો સાથ લેવાનો શું અર્થ થાય?
• મુસીબતો આવે ત્યારે પતિ-પત્નીએ શું કરવું જોઈએ?
• યહોવાહ લગ્નજીવનમાં છે એ શાના પરથી દેખાઈ આવશે?
[Study Questions]