સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારવાર વિષે બાઇબલ શું કહે છે?

સારવાર વિષે બાઇબલ શું કહે છે?

સારવાર વિષે બાઇબલ શું કહે છે?

‘તારી પૂરી બુદ્ધિથી ને તારા પૂરા સામર્થ્યથી તારા ઈશ્વર પર તું પ્રીતિ કર.’—માર્ક ૧૨:૩૦.

૧. યહોવાહે માણસને કેટલું જીવવા બનાવ્યો?

 યહોવાહે મનુષ્યને બીમાર થઈને મરણ પામવા બનાવ્યો ન હતો. તેમણે તો આદમ અને હવાને સુંદર મજાના એદન બાગમાં રાખ્યા હતા. તેઓએ ‘એની સંભાળ રાખવાની’ હતી. ફક્ત ૭૦ કે ૮૦ વર્ષ માટે જ નહિ, પણ કાયમ માટે. (ઉત. ૨:૮, ૧૫; ગીત. ૯૦:૧૦) જો આદમ અને હવાએ યહોવાહની આજ્ઞા પાળી હોત, તો તેઓ કદી બીમાર ન થાત. મરણ પામ્યા ન હોત.

૨, ૩. (ક) સભાશિક્ષક ઘડપણનું કેવું વર્ણન કરે છે? (ખ) આપણાં દુઃખો માટે કોણ જવાબદાર છે? એની અસર કઈ રીતે દૂર કરવામાં આવશે?

આદમ અને હવાનો વારસો આપણને બધાને મળ્યો છે. સભાશિક્ષક બારમો અધ્યાય ઘડપણને ‘માઠા દિવસો’ કહે છે. (સભાશિક્ષક ૧૨:૧-૭ વાંચો.) એ સફેદ વાળને ‘બદામના ઝાડને આવતાં ફૂલો’ જેવા ગણે છે. પગ જાણે કે “બળવાન માણસો” જેવા છે, પણ એ ઘડપણમાં ડગુમગુ ચાલે છે. આંખો જાણે કે અજવાળું શોધવા બારી પાસે જતી સ્ત્રીઓ જેવી છે, જેઓને ઝાંખું દેખાય છે. દાંત જાણે કે “દળનારી સ્ત્રીઓ” છે, જેઓની સંખ્યા “થોડી હોવાથી” દળવાનું મુશ્કેલ થાય છે.

ઈશ્વરે માણસને એ રીતે બનાવ્યો ન હતો કે તે ઘરડો થાય. પગનું જોર જતું રહે. આંખ ઝાંખી પડી જાય. દાંત પડી જાય. છેવટે મરણ પામે. આ બધું તો ‘શેતાનનું કામ’ છે. પણ ઈસુ, યહોવાહના રાજ્ય દ્વારા ‘શેતાનના કામનો નાશ કરશે.’—૧ યોહા. ૩:૮.

તબિયતની ચિંતા તો થવાની જ

૪. આપણે કેમ તબિયતની ચિંતા કરીએ છીએ? પણ શું ન ભૂલવું જોઈએ?

આપણે પૂરા ‘સામર્થ્ય’ કે શક્તિથી યહોવાહની ભક્તિ કરવા ચાહીએ છીએ. (માર્ક ૧૨:૩૦) પણ બધાની જેમ આપણે બીમાર થઈએ છીએ, ઘરડા થઈએ છીએ. બને એટલી પોતાની સંભાળ રાખવા છતાં, તબિયત બગડે છે. એટલે અમુક હદે તબિયતની ચિંતા થાય એ સમજી શકાય. પરંતુ, એ ભૂલવું ન જોઈએ કે આપણે ઘડપણ કે અમુક બીમારી રોકી શકતા નથી.

૫. ઈશ્વરભક્તોએ બીમારી સહી એમાંથી આપણે શું શીખી શકીએ?

યહોવાહના ઘણા ભક્તોએ બીમારીઓ સહી છે. જેમ કે એપાફ્રોદિતસ. (ફિલિ. ૨:૨૫-૨૭) તીમોથીને પણ પેટની તકલીફ હતી. એટલે પાઊલે તેને દવા તરીકે ‘થોડો દ્રાક્ષારસ’ કે વાઇન પીવા કહ્યું. (૧ તીમો. ૫:૨૩) પાઊલને પણ “દેહમાં કાંટો” હતો. એ કદાચ આંખોની નબળાઈ કે બીજી કોઈ બીમારી હોય શકે. એ સમયે એના માટે કોઈ ઇલાજ ન હતો. (૨ કોરીં. ૧૨:૭; ગલા. ૪:૧૫; ૬:૧૧) એ તકલીફમાં રાહત મળે એ માટે, પાઊલે યહોવાહની વારંવાર મદદ માગી હતી. (૨ કોરીંથી ૧૨:૮-૧૦ વાંચો.) યહોવાહે કોઈ ચમત્કાર કરવાને બદલે, પાઊલને એ સહેવા શક્તિ આપી. પાઊલનો દાખલો બતાવે છે કે યહોવાહની શક્તિથી આપણે બીમારી સહી શકીએ છીએ.

તબિયતની વધારે ચિંતા ન કરો

૬, ૭. કેમ તબિયતની વધારે પડતી ચિંતા ન કરવી જોઈએ?

આપણે સારવાર આપતા બધા જ મેડિકલ સ્ટાફની કદર કરીએ છીએ. સજાગ બનો!માં ઘણી વાર સારવારને લગતા લેખો આવે છે. પણ આપણે એવું નથી કહેતા કે કઈ સારવાર બેસ્ટ છે. યહોવાહના સાક્ષીઓ તરીકે આપણે અનેક પ્રકારની દવા અને સારવાર લઈએ છીએ. પણ જાણીએ છીએ કે આપણને પૂરેપૂરી તંદુરસ્તી મળવાની નથી. એટલે એની પાછળ પાગલ થતા નથી. જ્યારે કે ઘણા પાસે ‘કોઈ આશા’ ન હોવાથી, અનેક જાતના ઇલાજ શોધે છે. (એફે. ૨:૨, ૧૨) પણ આપણે કાળજી રાખીએ કે ગમે એવી સારવાર લઈને, યહોવાહની કૃપા ન ગુમાવીએ. જો આપણે યહોવાહને વળગી રહીએ, તો જ આપણને અમર જીવન મળશે, જે ‘ખરું જીવન’ છે!—૧ તીમો. ૬:૧૨, ૧૯; ૨ પીત. ૩:૧૩.

બીજું કે પોતાની તબિયતની વધારે પડતી ચિંતા કરવાથી, આપણે સ્વાર્થી બનીશું. પાઊલે કહ્યું, ‘દરેકે પોતાના જ હિત પર નહિ, પણ બીજાના હિત પર ધ્યાન રાખવું.’ (ફિલિ. ૨:૪) પોતાની સંભાળ રાખવાની સાથે સાથે, ભાઈ-બહેનોનું પણ ધ્યાન રાખીએ. બધા લોકોને ‘રાજ્યની સુવાર્તા’ જણાવીને, તેઓનું પણ ધ્યાન રાખીએ.—માથ. ૨૪:૧૪.

૮. તંદુરસ્તીની જ ચિંતામાં ડૂબેલા રહીશું તો શું બની શકે?

આપણે તંદુરસ્તીની ચિંતામાં ડૂબેલા રહીશું તો શું બની શકે? યહોવાહની ભક્તિમાં પૂરું ધ્યાન આપી નહિ શકીએ. દવા, સારવાર કે ખોરાક વિષે બીજાઓને સલાહ આપવા લાગીશું. કદાચ તેઓના પર આપણા વિચારો ઠોકી બેસાડીશું. પણ પાઊલે મન લગાડીને યહોવાહની ભક્તિ કરવાની અરજ કરી. તેમણે કહ્યું, “જે શ્રેષ્ઠ [મહત્ત્વનું] છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દહાડા સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ.”—ફિલિ. ૧:૧૦.

શું વધારે મહત્ત્વનું છે?

૯. આપણા માટે સૌથી મહત્ત્વનું શું છે? શા માટે?

લોકોને યહોવાહ વિષે શીખવવું, એ આજે આપણા માટે સૌથી મહત્ત્વનું કામ છે. એનાથી લોકોને યહોવાહ સાથે નાતો બાંધવા મદદ કરી શકીએ. એમાં આપણું અને સત્ય શીખનારનું ભલું થશે. (નીતિ. ૧૭:૨૨; ૧ તીમો. ૪:૧૫, ૧૬) ચોકીબુરજ અને સજાગ બનો!માં મોટી મોટી બીમારીઓ સહન કરતા ભાઈ-બહેનોના અનુભવો આવે છે. * તેઓ સંજોગો પ્રમાણે પ્રચાર કરે છે. આમ બીજાને મદદ કરીને, તેઓ થોડો સમય પોતાની બીમારી ભૂલી જાય છે.

૧૦. આપણે કેમ સમજી-વિચારીને સારવાર પસંદ કરવી જોઈએ?

૧૦ દરેકે ‘પોતાનો બોજો ઊંચકવો પડશે.’ (ગલા. ૬:૫) એટલે કેવી સારવાર લેવી એ વ્યક્તિએ પોતે નક્કી કરવું જોઈએ. આપણે સારવારમાં કોઈ પણ રીતે લોહી લેતા નથી, કેમ કે આપણે યહોવાહને ખૂબ ચાહીએ છીએ. (પ્રે.કૃ. ૧૫:૨૦) એ જ રીતે એવી કોઈ સારવાર લઈશું નહિ, જેના લીધે યહોવાહ સાથેનો આપણો નાતો તૂટી જાય. અમુક લોકો બીમારી પારખવા અને સારવાર આપવા જંતરમંતર કે મેલીવિદ્યામાં ભાગ લે છે. યશાયાહના જમાનામાં અમુક ઈસ્રાએલીઓ યહોવાહને એક બાજુએ મૂકીને એવા લોકો પાસે ગયા. યહોવાહે કહ્યું: “તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ; તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી.” (યશા. ૧:૧૫) બીમારીમાંથી સાજા થવા એવું કંઈ ન કરીએ, જેનાથી યહોવાહ આપણી પ્રાર્થનાઓ ન સાંભળે.—યિ.વિ. ૩:૪૪.

સમજી-વિચારીને પસંદગી કરો

૧૧, ૧૨. આપણે કેમ સમજી-વિચારીને સારવાર પસંદ કરવી જોઈએ?

૧૧ એવી આશા ન રાખીએ કે હમણાં કોઈ ચમત્કારથી યહોવાહ આપણને સાજા કરે. પણ યોગ્ય સારવાર લેવા તે માર્ગદર્શન આપે છે. એ માટે બાઇબલના શિક્ષણ પર વિચાર કરીએ. સમજી-વિચારીને નિર્ણય લેવા પૂરતી માહિતી મેળવીએ. જરૂર હોય તો જુદા-જુદા ડૉક્ટરોની સલાહ લઈએ. નીતિવચનો ૧૫:૨૨ કહે છે: “સલાહ લીધા વગરના ઇરાદા રદ જાય છે; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.” પાઊલે ભાઈ-બહેનોને આગ્રહ કર્યો કે ‘હાલના જમાનામાં સંયમી તથા ભક્તિભાવ રાખીને વર્તો.’—તીત. ૨:૧૨.

૧૨ ઘણાના સંજોગો ઈસુના જમાનાની એક સ્ત્રી જેવા છે. માર્ક ૫:૨૫, ૨૬ કહે છે: “એક સ્ત્રી હતી કે જેને બાર વરસથી લોહીવા હતો, ને જેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું, ને પોતાનું સર્વસ્વ ખરચી નાખ્યું હતું, ને તેને કંઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઊલટું તે વધતી માંદી થઈ હતી.” ઈસુએ તેને સાજી કરી. (માર્ક ૫:૨૭-૩૪) આપણે પણ સારવાર માટે બધા પ્રયત્નો કરીએ છીએ. પણ ધ્યાન રાખવું જોઈએ કે ઉતાવળમાં કદાચ યહોવાહનો નિયમ તોડી ન બેસીએ.

૧૩, ૧૪. (ક) સારવારની પસંદગી કરતી વખતે શેતાન આપણને કઈ રીતે ફસાવી શકે? (ખ) મેલીવિદ્યાને લગતી કોઈ પણ બાબતોથી આપણે કેમ દૂર રહેવું જોઈએ?

૧૩ શેતાન બહુ જ કપટી છે. આપણી શ્રદ્ધા નબળી પાડવા તે માલમિલકત અને વ્યભિચારની જાળ પાથરે છે. બીમારી પારખવા અને સારવાર લેવા લલચાવીને, તે આપણને મેલીવિદ્યામાં ફસાવે છે. એટલે આપણે યહોવાહને પ્રાર્થના કરીએ: ‘ભૂંડાથી અમારો છૂટકો કરો’ અને ‘સર્વ અન્યાયથી અમારો ઉદ્ધાર કરો.’ આપણે ડગલે ને પગલે ચેતીને ચાલીએ. કોઈ પણ રીતે શેતાનના ફાંદામાં ન ફસાઈએ.—માથ. ૬:૧૩; તીત. ૨:૧૪.

૧૪ યહોવાહે ઈસ્રાએલીઓને મેલીવિદ્યાથી સાવ દૂર રહેવા જણાવ્યું હતું. (પુન. ૧૮:૧૦-૧૨) પાઊલે જણાવ્યું કે આપણે “જાદુ” જેવાં ‘કામોથી’ દૂર રહેવું જોઈએ. (ગલા. ૫:૧૯, ૨૦) ‘જાદુ કરનારાઓનો’ યહોવાહ જલદી જ નાશ કરશે. (પ્રકટી. ૨૧:૮) એ બતાવે છે કે યહોવાહ મેલીવિદ્યા, જાદુમંતર જેવી કોઈ પણ અંધશ્રદ્ધાને નફરત કરે છે.

બાઇબલના શિક્ષણ પ્રમાણે નિર્ણય લઈએ

૧૫, ૧૬. સારવાર માટે સારા નિર્ણયો કઈ રીતે લઈ શકીએ? પહેલી સદીમાં ગવર્નિંગ બૉડીએ શું કહ્યું?

૧૫ બીમારી પારખવા કે સારવાર કરાવવાની બધી રીત આપણે સમજાવી નથી શકતા. એનો અર્થ એવો નથી કે એમાં મેલીવિદ્યા સમાયેલી છે. પણ જો એવી જરાય શંકા હોય તો, એનો સાવ ઇન્કાર કરીએ. સારા નિર્ણયો લેવા બાઇબલના માર્ગદર્શનની જરૂર છે. યહોવાહની મદદની જરૂર છે. બાઇબલ જણાવે છે કે ‘તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આજ્ઞા સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે. જ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ; તો તેઓ તારું જીવન થશે.’—નીતિ. ૩:૫, ૬, ૨૧, ૨૨.

૧૬ આપણે દરેક બીમાર તો થવાના જ. ઘડપણ પણ આવવાનું જ છે. એવા સંજોગોમાં બને એટલી તબિયત સંભાળીએ. પણ એવી કોઈ સારવાર ન કરાવીએ, જેનાથી યહોવાહની કૃપા ગુમાવી બેસીએ. સમજી-વિચારીને બાઇબલના શિક્ષણ પ્રમાણે નિર્ણયો લઈએ. પહેલી સદીમાં ગવર્નિંગ બૉડીના ભાઈઓએ મંડળોને પત્ર લખ્યો. મૂર્તિપૂજા, લોહી અને વ્યભિચારથી દૂર રહેવાની આજ્ઞા આપી. પછી તેઓએ કહ્યું: ‘જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે.’ (પ્રે.કૃ. ૧૫:૨૮, ૨૯) એ સલાહ પાળવાથી, આજે આપણું કઈ રીતે ભલું થઈ શકે?

યહોવાહ સર્વ બીમારી મિટાવી દેશે

૧૭. બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવાથી કયા ફાયદા થાય છે?

૧૭ વિચારો કે લોહી અને વ્યભિચારથી દૂર રહીને, કેવા લાભો થયા છે? ‘દેહને મલિન’ કરતા તમાકુ કે નશીલા ડ્રગ્સ જેવી ચીજોથી દૂર રહીને, કેવા ફાયદા થયા છે? (૨ કોરીં. ૭:૧) યહોવાહના ઊંચાં ધોરણો પ્રમાણે જીવીને આપણે શરીર, કપડાં, ઘર ચોખ્ખાં રાખીએ છીએ. અનેક બીમારીથી બચી જઈએ છીએ. લિમિટમાં ખાવા-પીવાથી પણ અનેક ફાયદા થાય છે. (નીતિવચનો ૨૩:૨૦; તીતસ ૨:૨, ૩ વાંચો.) તંદુરસ્ત રહેવા આરામ અને કસરત પણ જરૂરી છે. બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવાથી, આપણને કેટલા બધા ફાયદા થાય છે!

૧૮. આપણા માટે સૌથી મહત્ત્વનું શું છે? ભાવિમાં આપણને કેવા આશીર્વાદો મળશે?

૧૮ આપણી તંદુરસ્તી કરતાં, યહોવાહ સાથેનો નાતો વધારે મહત્ત્વનો છે. યહોવાહ “જીવનનો ઝરો” છે. તે ફક્ત “હમણાંના” નહિ, પણ ભાવિના “જીવનનું પણ વચન” આપે છે. (૧ તીમો. ૪:૮; ગીત. ૩૬:૯) તે જલદી જ નવો યુગ લઈ આવશે. ત્યારે ‘“હું માંદો છું,” એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.’ (યશા. ૩૩:૨૪) એવા આશીર્વાદ મેળવવા આપણે શું કરવું જોઈએ? ઈસુની કુરબાનીમાં પૂરી શ્રદ્ધા રાખવી જોઈએ. તેમના દ્વારા જ ભૂલો અને પાપોની માફી મળે છે. ઈસુ આપણને “જીવનના પાણીના ઝરાઓ પાસે” દોરી જશે. યહોવાહ આપણાં દરેક દુઃખ દૂર કરશે. પછી બીમારી, ઘડપણ અને મરણનું નામ-નિશાન નહિ રહે.—પ્રકટી. ૭:૧૪-૧૭; ૨૨:૧, ૨.

૧૯. આપણે શાની ખાતરી રાખી શકીએ?

૧૯ જલદી જ યહોવાહ હરેક પ્રકારની બીમારી મિટાવી દેશે. ત્યાં સુધી તે બીમારીઓ સહેવા શક્તિ આપશે, કેમ કે ‘તે આપણી સંભાળ રાખે છે.’ (૧ પીત. ૫:૭) આપણે બધાય પોતાની તબિયતની બને એટલી સંભાળ રાખીએ. પણ બાઇબલના શિક્ષણ પ્રમાણે જ સારવાર પસંદ કરીએ. (w08 11/15)

[Footnotes]

^ એવા લેખોના લિસ્ટ માટે ચોકીબુરજ સપ્ટેમ્બર ૧, ૨૦૦૩, પાન ૧૭ પરનું બૉક્સ જુઓ.

કેવી રીતે સમજાવશો?

• બીમારી માટે કોણ જવાબદાર છે? એમાંથી આપણને કોણ આઝાદ કરશે?

• તબિયતની ચિંતા તો થાય, પણ શું ન કરવું જોઈએ?

• આપણે કેમ સમજી-વિચારીને સારવાર પસંદ કરવી જોઈએ?

• બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવાથી કયા ફાયદા થાય છે?

[Study Questions]

[Picture on page 23]

બીમારી છતાં, યહોવાહના ભક્તો પ્રચારનો આનંદ માણે છે