સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહને પૂરા દિલથી વળગી રહીએ

યહોવાહને પૂરા દિલથી વળગી રહીએ

યહોવાહને પૂરા દિલથી વળગી રહીએ

‘હે યહોવાહ, મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કર.’—ગીત. ૭:૮.

૧, ૨. આપણી શ્રદ્ધાની કસોટી શાનાથી થાય છે?

 ત્રણ બનાવોની કલ્પના કરો. સ્કૂલના છોકરાઓ એક છોકરા સાથે ઝઘડવા તેને ઉશ્કેરે છે. શું તે તેઓના જેવો જ થશે કે શાંતિથી ચાલ્યો જશે? બીજા બનાવમાં એક પતિ ઇન્ટરનેટ પર ઘરે રિસર્ચ કરી રહ્યો છે. અચાનક ગંદાં ચિત્રોની જાહેરાત આવે છે. શું તે વેબસાઇટ પર ગંદાં ચિત્રો જોશે કે એ તરત બંધ કરી નાખશે? ત્રીજા બનાવમાં એક બહેન બેનપણીઓ સાથે ગપ્પાં મારી રહી છે. ધીમે ધીમે એ વાત મંડળની એક બહેન વિષેની તારી-મારીમાં બદલાય જાય છે. શું તે એમાં જોડાશે કે પછી વિષય બદલી નાખશે?

એ ત્રણેય બનાવોમાં દરેકની શ્રદ્ધાની કસોટી થાય છે. આપણી શ્રદ્ધાની પણ ઘણી વાર એ રીતે કસોટી થતી હોય છે. જેમ કે, આપણે પોતાના દેખાવ અને તંદુરસ્તીનું ધ્યાન રાખીએ છીએ. રોજીરોટી કમાવાની ચિંતા હોય છે. સારા સંબંધો રાખવા મથીએ છીએ. અરે, પ્યાર-મહોબતનાં સપનાં પણ જોતા હોઈએ છીએ. પણ જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે? યહોવાહ આપણા દિલમાં શું શોધે છે? (ગીત. ૧૩૯:૨૩, ૨૪) એ જ કે આપણે પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ છીએ કે કેમ.

૩. યહોવાહે આપણને કેવી પસંદગી આપી છે? આ લેખમાં શાની ચર્ચા કરીશું?

આપણામાં જુદી જુદી આવડતો છે. અમુક હદે આપણે તંદુરસ્ત રહીએ છીએ. (૧ કોરીં. ૪:૭) એ માટે આપણે યહોવાહનો ઉપકાર માનીએ છીએ, કેમ કે તે ‘દરેક ઉત્તમ અને સંપૂર્ણ દાન’ આપે છે. (યાકૂ. ૧:૧૭) તોપણ યહોવાહ આપણને તેમની ભક્તિ કરવા અને સચ્ચાઈના માર્ગે ચાલવા બળજબરી કરતા નથી. તેમણે દરેકને પસંદગી આપી છે. (પુન. ૩૦:૧૯) યહોવાહની દિલથી ભક્તિ કરવા અને સચ્ચાઈને માર્ગે ચાલવા આપણે શું કરવું જોઈએ? ચાલો જોઈએ.

પૂરા દિલથી ભક્તિ કરીએ

૪. સચ્ચાઈથી ચાલવાનો મતલબ શું થાય છે? અર્પણો ચડાવવાના નિયમમાંથી શું શીખીએ છીએ?

ઘણા માને છે કે સચ્ચાઈથી ચાલવા ઇમાનદાર બનવું પડે. પણ એ તો સચ્ચાઈનું એક જ પાસું છે. બાઇબલની મૂળ ભાષામાં સચ્ચાઈથી ચાલવાનો મતલબ આમ થાય છે: નિર્દોષ, ન્યાયી અને પ્રમાણિક બનવું. કોઈ ખામી ન હોવી. યહોવાહને ચડાવવામાં આવતાં અર્પણો માટે પણ એવો કોઈક શબ્દ વપરાતો. ફક્ત ખામી વગરનાં અર્પણો જ યહોવાહને ચડાવાતાં હતાં. (લેવીય ૨૨:૧૯, ૨૦ વાંચો.) લૂલાં-લંગડાં, આંધળાં કે રોગી પ્રાણીના બલિદાનથી યહોવાહને બહુ નફરત હતી.—માલા. ૧:૬-૮.

૫, ૬. (ક) શું બતાવે છે કે આપણને કોઈ ખોટ વગરની ચીજો ગમે છે? (ખ) યહોવાહ આપણી પાસેથી શું ચાહે છે?

આપણે દરેકને એવી ચીજો ગમે છે, જેમાં કોઈ ખામી ન હોય. માનો કે એક માણસ કોઈ ખાસ પુસ્તકની શોધમાં છે. દુકાનમાં એ જોઈને રાજી થઈ જાય છે. પણ અફસોસ કે એના અમુક પાના ગુમ થાય છે! તે ભારે મનથી પુસ્તક પાછું મૂકે દે છે. હવે એક સ્ત્રીનો વિચાર કરો. તે દરિયાકિનારે જાતજાતનાં શંખલાં-છીપલાં જુએ છે. કેટલાં સરસ છે! પણ એમાંથી તે કયાં ભેગાં કરશે? આખાં હોય એ જ, તૂટેલાં નહિ. એ જ રીતે ઈશ્વર પણ પૂરા દિલથી ભક્તિ કરનારને શોધે છે.—૨ કાળ. ૧૬:૯.

આપણામાંનું કોઈ પણ યહોવાહના કહેવા પ્રમાણે સોએ સો ટકા જીવી નથી શકતા. કદાચ લાગે કે આપણે પેલા અધૂરા પુસ્તક કે ભાંગેલાં છીપલાં જેવાં છીએ. તોયે આપણે નારાજ ન થઈએ, કેમ કે યહોવાહ આપણને ફેંકી નહિ દે. તે આપણી પાસેથી ગજા ઉપરાંત આશા રાખતા નથી. * (ગીત. ૧૦૩:૧૪; યાકૂ. ૩:૨) દાખલા તરીકે, કોઈ વર પોતાની મંગેતર પાસેથી એવી આશા નહિ રાખે કે તે કદીયે ભૂલ ન કરે. પણ એવી આશા જરૂર રાખશે કે તે ફક્ત તેને જ પૂરા દિલથી ચાહે. એ જ રીતે ‘યહોવાહ આસ્થાવાન ઈશ્વર છે,’ એટલે તે એવું ચાહે છે કે આપણે ફક્ત તેમને જ ભજીએ. (નિર્ગ. ૨૦:૫) આપણે તેમની ભક્તિ પૂરા દિલથી કરીને સચ્ચાઈથી ચાલીએ.

૭, ૮. (ક) ઈસુએ કયો દાખલો બેસાડ્યો? (ખ) યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરવાનો શું અર્થ થાય?

ઈસુને એક વાર પૂછવામાં આવ્યું કે સૌથી મહત્ત્વનો નિયમ કયો છે. (માર્ક ૧૨:૨૮-૩૦ વાંચો.) ઈસુએ એનો જવાબ આપ્યો એટલું જ નહિ, પણ એ પ્રમાણે જીવ્યા. પૂરા તન-મનથી ભક્તિ કરીને દાખલો બેસાડ્યો. આપણે પણ ઈસુની જેમ પૂરા દિલથી, સચ્ચાઈથી યહોવાહની ભક્તિ કરીએ.—૧ પીત. ૨:૨૧.

એમ કરવા આપણે જીવનના દરેક પાસામાં યહોવાહનું જ કહેવું માનીએ. તેમની ભક્તિ જીવનમાં સૌથી પહેલા રાખીએ. બધી રીતે સચ્ચાઈથી વર્તીએ. એ કેટલું મહત્ત્વનું છે, એનાં ત્રણ કારણો જોઈએ.

૧. યહોવાહ વિશ્વના માલિક છે

૯. કઈ રીતે બતાવી શકીએ કે યહોવાહ જ આપણા માલિક છે?

યહોવાહ જ સાચા ઈશ્વર છે. પણ વિશ્વ પર રાજ કરવાના તેમના હક્ક પર શંકા ઉઠાવવામાં આવી. એનો જવાબ યહોવાહ પોતે જ આપશે. થોડા સમયમાં બધા જ સ્વર્ગદૂતો અને ઇન્સાન જાણશે કે યહોવાહ ઇન્સાફથી રાજ કરે છે. તેમના રાજ જેવું બીજું કોઈ રાજ નથી. કઈ રીતે બતાવી શકીએ કે યહોવાહ જ આપણા માલિક છે? પૂરા દિલથી તેમની ભક્તિ કરીને, સચ્ચાઈથી જીવીને અને તેમના રાજ્ય વિષે લોકોને શીખવીને!

૧૦. શેતાને કેવા આરોપ મૂક્યા છે? તમે એનો કઈ રીતે જવાબ આપશો?

૧૦ શેતાને આરોપ મૂક્યો કે કોઈ ઇન્સાન યહોવાહના રાજને ટેકો નહિ આપે. ઇન્સાન ફક્ત સ્વાર્થને કારણે જ યહોવાહને ભજે છે. અયૂબ વિષે જ નહિ, પણ સર્વ ઇન્સાન વિષે શેતાને ખુલ્લેઆમ કહ્યું કે “ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.” (અયૂ. ૨:૪) શેતાનને “ભાઈઓ પર દોષ મૂકનાર” પણ કહેવામાં આવે છે. (પ્રકટી. ૧૨:૧૦) તે રાતદિવસ એક જ મહેણું મારે છે કે યહોવાહના ભક્તો તેમને વળગી નહિ રહે. તેઓ પોતાનો જીવ બચાવવા યહોવાહને છોડી દેશે. હવે એ તમારા પર છે કે યહોવાહને વળગી રહેશો કે નહિ. જો વળગી રહેશો, તો શેતાનને જૂઠ્ઠો સાબિત કરશો.

૧૧, ૧૨. (ક) શું બતાવશે કે આપણે યહોવાહને વળગી રહીએ છીએ? દાખલા આપો. (ખ) યહોવાહને આનંદ થાય એ માટે આપણે શું કરીશું?

૧૧ યહોવાહને વળગી રહીએ છીએ કે નહિ એ આપણાં વાણી-વર્તન બતાવી આપશે. લેખની શરૂઆતના ત્રણ બનાવોનો વિચાર કરો. સ્કૂલના છોકરાઓ એક છોકરા સાથે ઝઘડવા તેને ઉશ્કેરતા હતા. તેઓને ચૂપ કરવાનું તેને બહુ જ મન થતું હતું. પણ તેણે આ કલમ યાદ કરી: “તમે સામું વૈર ન વાળો, પણ દેવના કોપને સારૂ માર્ગ મૂકો; કેમકે લખેલું છે, કે પ્રભુ કહે છે, કે વૈર વાળવું એ મારૂં કામ છે; હું બદલો લઈશ.” (રૂમી ૧૨:૧૯) એટલે તે છોકરો શાંતિથી ચાલ્યો ગયો. બીજા બનાવમાં પતિ ઇન્ટરનેટ પર રિસર્ચ કરતા હતા. અચાનક ગંદા ચિત્રની જાહેરાત આવી. તેમણે અયૂબના આ શબ્દો યાદ કર્યા: “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ?” (અયૂ. ૩૧:૧) તે એવા ઝેરી વિચારોથી મોં ફેરવી લે છે. ત્રીજા બનાવમાં એક બહેન બેનપણીઓ સાથે ગપ્પાં મારતી હતી. અમુકે તારી-મારી શરૂ કરી. બહેને આ શબ્દો યાદ કર્યા: ‘આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના ભલાને માટે ખુશી કરવો.’ (રૂમી ૧૫:૨) એ બહેન જાણતી હતી છે કે તારી-મારીથી કોઈનું ભલું થતું નથી. યહોવાહને એનાથી સખત નફરત છે. તેણે જીભ પર લગામ રાખીને, વાત બદલી નાખી.

૧૨ એ ત્રણેય બનાવોમાં યહોવાહના ભક્તો તેમને જ વળગી રહ્યા. તેઓ જાણે કહેતા હતા કે ‘યહોવાહ જ મારા ઈશ્વર છે. તેમના કહેવા પ્રમાણે જ હું કરીશ.’ શું આપણે તેઓની જેમ જ વર્તીશું? એમ કરીશું તો, નીતિવચન ૨૭:૧૧ના શબ્દો પાળીશું: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” એ કેવો મોટો આશીર્વાદ કહેવાય! ચાલો કોઈ પણ સંજોગોમાં આપણે યહોવાહને વળગી રહીએ.

૨. ઈશ્વર શાના પરથી ન્યાય કરે છે?

૧૩. યહોવાહ શાના પરથી ઇન્સાફ કરે છે?

૧૩ આપણી પ્રમાણિકતા, સચ્ચાઈ અને ભક્તિ પરથી, યહોવાહ ન્યાય કરે છે. (અયૂબ ૩૧:૬ વાંચો.) અયૂબ એ સારી રીતે જાણતા હતા કે ઈશ્વર ઇન્સાનનો ન્યાય “અદલ ત્રાજવામાં” કરશે. દાઊદે પણ કહ્યું: ‘યહોવાહ લોકોનો ન્યાય કરે છે; હે યહોવાહ, મારા ન્યાયીપણા પ્રમાણે, તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કર. કેમકે ન્યાયી ઈશ્વર હૃદયને તથા અંતઃકરણને પારખે છે.’ (ગીત. ૭:૮, ૯) યહોવાહ આપણાં ‘હૃદય અને અંતઃકરણને’ સારી રીતે પારખે છે. એટલે આપણે એ શુદ્ધ રાખીએ.

૧૪. શું ખાતરી છે કે આપણે યહોવાહને વળગી રહી શકીએ?

૧૪ આજે યહોવાહ અબજો લોકોનાં દિલ પારખે છે. (૧ કાળ. ૨૮:૯) બહુ થોડા લોકો સચ્ચાઈથી વર્તે છે, પૂરા દિલથી યહોવાહને ભજે છે. જોકે એ માટે સંપૂર્ણ હોવું જરૂરી નથી, કેમ કે પૃથ્વી પર આદમ, હવા અને ઈસુ સંપૂર્ણ હતા. તોયે આદમ અને હવા યહોવાહને બેવફા બન્યા. જ્યારે કે દાઊદ અને અયૂબ આપણા જેવા હતા. તોયે યહોવાહને વળગી રહ્યા. આજે લાખો લોકો એમ જ કરે છે.

૩. આપણી આશા નક્કર રાખીએ

૧૫. આપણી આશા પૂરી થાય એ માટે શું કરવું જોઈએ?

૧૫ દાઊદને આશા હતી કે ઈશ્વરની કૃપા તેમના પર કાયમ રહેશે. (ગીતશાસ્ત્ર ૪૧:૧૨ વાંચો.) તે જાણતા હતા કે પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરશે, તો જ એ આશા પૂરી થશે. દાઊદની જેમ આપણને પણ ધરતી પર અમર જીવવાની આશા છે. યહોવાહ સાથેનો નાતો વધારે પાકો બનાવવાની પણ આશા છે. એ માટે યહોવાહ આપણને શિક્ષણ આપે છે. માર્ગદર્શન આપે છે. આશીર્વાદ આપે છે. આપણી આશા પૂરી થાય માટે યહોવાહને વળગી રહીએ.

૧૬, ૧૭. (ક) શા માટે તમે યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરવા ચાહો છો? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૬ આપણને હમણાં પણ સુખી થવાની આશા હોવી જ જોઈએ. જીવનમાં મુશ્કેલ સંજોગમાં પણ ખુશ રહેવા એ મદદ કરશે. આપણાં દિલોદિમાગનું રક્ષણ કરશે. બાઇબલ આશાને ટોપ કે હેલ્મેટ સાથે સરખાવે છે. (૧ થેસ્સા. ૫:૮) યુદ્ધમાં હેલ્મેટ સૈનિકના માથાનું રક્ષણ કરે છે. એ જ રીતે આશા આ દુનિયાના ખોટા વિચારોથી આપણું રક્ષણ કરે છે. શું આપણને ભાવિની નક્કર આશા છે? એમ કરવા આપણે યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરીએ. સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહીએ. એ ન ભૂલીએ કે ફક્ત યહોવાહ જ આપણા ઈશ્વર છે. તેમને વળગી રહેવાથી આપણી આશા ચોક્કસ પૂરી થશે.

૧૭ સચ્ચાઈના માર્ગે ચાલવા શું કરવું જોઈએ? એમાંથી ભટકી ન જઈએ, એ માટે શું કરવું જોઈએ? જો ભટકી ગયા હોઈએ તો શું કરવું જોઈએ? હવે પછીનો લેખ એની ચર્ચા કરશે. (w08 12/15)

[Footnotes]

^ ઈસુએ કહ્યું, ‘તમારા આકાશમાંના બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થાવ.’ (માથ. ૫:૪૮) એનો અર્થ એવો નથી કે આપણે યહોવાહની જેમ બધી જ રીતે સંપૂર્ણ બની જઈશું. (ગીત. ૧૮:૩૦) ઈસુ જાણતા હતા કે ભલે આપણે ભૂલો કરીએ છીએ, તોપણ યહોવાહની જેમ બધાને પૂરા દિલથી પ્રેમ કરી શકીએ છીએ.

કઈ રીતે સમજાવશો?

• પૂરા દિલથી ભક્તિ કરવાનો અને સચ્ચાઈથી ચાલવાનો મતલબ શું થાય?

• કઈ રીતે સાબિત કરી શકીએ કે યહોવાહ જ આપણા માલિક છે?

• આપણી આશા નક્કર રાખવા શું કરવું જોઈએ?

[Study Questions]