ન્યાયીઓ હંમેશાં યહોવાહની સ્તુતિ કરશે
ન્યાયીઓ હંમેશાં યહોવાહની સ્તુતિ કરશે
‘ન્યાયીનું સ્મરણ સર્વકાળ રહેશે. તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’—ગીત. ૧૧૨:૬, ૯.
૧. (ક) ન્યાયીઓ માટે કેવું ભાવિ રહેલું છે? (ખ) કયો પ્રશ્ન ઊભો થાય છે?
જેઓને યહોવાહ ન્યાયી ગણે છે તેઓ કદી મરશે નહિ. તેઓ યહોવાહની સૃષ્ટિ વિષે અને તેમના ગુણો વિષે વધુને વધુ શીખતા રહેશે. ગીતશાસ્ત્ર ૧૧૨ જણાવે છે કે આપણે “ન્યાયીપણું” કેળવવું જ જોઈએ, કેમ કે યહોવાહ પવિત્ર અને ન્યાયી છે. પણ આપણે તો ડગલે ને પગલે નાની-માટી ભૂલો કરીએ છીએ. અમુક વાર પાપ કરીએ છીએ. તો પછી યહોવાહ કઈ રીતે આપણને ન્યાયી ગણે છે?—રૂમી ૩:૨૩; યાકૂ. ૩:૨.
૨. યહોવાહે પ્રેમના કારણે કયા બે ચમત્કારો કર્યા?
૨ આપણે ન્યાયી ગણાઈએ માટે, યહોવાહે પ્રેમથી આપણને મુક્તિદાતા આપ્યો. કઈ રીતે? પ્રથમ તેમણે સ્વર્ગમાંથી ઈસુનું જીવન ચમત્કારથી કુંવારી મરિયમની કૂખમાં મૂક્યું. (લુક ૧:૩૦-૩૫) ઈસુ આખું જીવન યહોવાહના કહ્યા પ્રમાણે જીવ્યા. દુશ્મનોએ તેમને મારી નાખ્યા ત્યારે, યહોવાહે ચમત્કાર કરીને ઈસુને સ્વર્ગમાં સજીવન કર્યા.—૧ પીત. ૩:૧૮.
૩. યહોવાહે શા માટે ઈસુને મોટું ઈનામ આપ્યું?
૩ યહોવાહે સ્વર્ગમાં ઈસુને એવું અમર જીવન આપ્યું જે પહેલાં ન હતું. (હેબ્રી ૭:૧૫-૧૭, ૨૮) શા માટે ઈસુને આવું મોટું ઈનામ આપ્યું? ઈસુ આકરી કસોટીમાં પણ યહોવાહને વફાદાર રહ્યાં. ઈસુએ બતાવ્યું કે માણસ સ્વાર્થના લીધે નહિ, પણ પ્રેમથી ઈશ્વરની ભક્તિ કરે છે. આમ શેતાનનો આરોપ ખોટો પડ્યો.—નીતિ. ૨૭:૧૧.
૪. (ક) ઈસુએ સ્વર્ગમાં જઈને શું કર્યું? યહોવાહે શું સ્વીકાર્યું? (ખ) યહોવાહ અને ઈસુએ જે કર્યું એના વિષે તમને કેવું લાગે છે?
૪ ઈસુ સ્વર્ગમાં ગયા પછી ‘પોતાનું રક્ત’ લઈને ‘ઈશ્વરની સમક્ષ હાજર થયા.’ ઈશ્વરે એ લોહીની કિંમત સ્વીકારી. આમ ઈસુ ‘આપણાં પાપના પ્રાયશ્ચિત્ત’ બન્યા. એટલે આપણને પાપની માફી મળે છે. “શુદ્ધ” દિલથી ‘ઈશ્વરને ભજી’ શકીએ છીએ. આપણે પણ ગીતશાસ્ત્ર ૧૧૨ ના આ શબ્દો પોકારવા જોઈએ કે “યહોવાહની સ્તુતિ કરો.”—હેબ્રી ૯:૧૨-૧૪, ૨૪; ૧ યોહા. ૨:૨.
૫. (ક) આપણે કઈ રીતે યહોવાહની નજરમાં ન્યાયી રહી શકીએ? (ખ) ગીતશાસ્ત્ર ૧૧૧ અને ૧૧૨ કઈ રીતે એકબીજાને મળતા આવે છે?
૫ આપણે કઈ રીતે યહોવાહની નજરમાં ન્યાયી રહી શકીએ? ઈસુની કુરબાનીમાં અતૂટ વિશ્વાસ રાખીએ. યહોવાહે આપણને પ્રેમ બતાવ્યો છે એનો દરરોજ ઉપકાર માનીએ. (યોહા. ૩:૧૬) દરરોજ બાઇબલ વાંચીએ. એ પ્રમાણે જીવવા બધું જ કરીએ. શુદ્ધ દિલથી યહોવાહની ભક્તિ કરીએ. એ માટે ગીતશાસ્ત્ર ૧૧૨ સરસ સલાહ આપે છે. એના વિચારો ગીતશાસ્ત્ર ૧૧૧ સાથે જોડાયેલા છે. મૂળ ભાષામાં બંને ભજનોની શરૂઆત ‘હાલેલુયાહથી’ થાય છે. એટલે કે “યહોવાહની સ્તુતિ કરો.” *
ખુશ થવાનું કારણ
૬. ગીતશાસ્ત્ર ૧૧૨ યહોવાહના ‘ભક્તનું’ કેવું વર્ણન કરે છે?
૬ “યહોવાહની સ્તુતિ કરો. જે માણસ યહોવાહનો ભક્ત છે, અને તેની આજ્ઞાઓ પાળવામાં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે. તેનાં સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે; યથાર્થીના [ન્યાયીના] વંશજો આશીર્વાદ પામશે.” (ગીત. ૧૧૨:૧, ૨) શરૂઆતમાં ગીતકર્તા અહીં એક જ “માણસ” વિષે વાત કરે છે. પછી બીજી કલમમાં તે ‘ન્યાયીના વંશજો’ એટલે ઘણા ઈશ્વરભક્તોની વાત કરે છે. એવું લાગે છે કે આ ભજન એક ગ્રૂપને લાગુ પડે છે. પાઊલે ગીતશાસ્ત્ર ૧૧૨:૯ ના શબ્દો પહેલી સદીના ખ્રિસ્તીઓને લાગુ પાડ્યા. (૨ કોરીંથી ૯:૮, ૯ વાંચો.) આ ભજન પ્રમાણે આજે ઈસુના ખરા શિષ્યો કેટલા આનંદથી યહોવાહની સેવા કરે છે!
૭. યહોવાહનો ભય રાખીને તેમના ભક્તો શું કરે છે? યહોવાહની આજ્ઞાઓ વિષે તમને કેવું લાગે છે?
૭ ગીતશાસ્ત્ર ૧૧૨:૧ પ્રમાણે ‘યહોવાહના ભક્તોને’ ખરા માર્ગે ચાલવાથી ખુશી મળે છે. તેઓ યહોવાહનો ભય રાખતા હોવાથી શેતાનના જગતની લાલચોનો સામનો કરી શકે છે. તેમ જ તેઓને ઈશ્વરની ‘આજ્ઞાઓ પાળવામાં બહુ ખુશી મળે છે.’ એ આજ્ઞાઓમાં યહોવાહના રાજ્યનો સંદેશો ફેલાવાનું કામ પણ આવી જાય છે. એનાથી તેઓ લોકોને ઈસુના શિષ્યો બનવા મદદ કરે છે. તેમ જ, દુષ્ટોને આવી રહેલા યહોવાહના ન્યાય દિવસની ચેતવણી આપે છે.—હઝકી. ૩:૧૭, ૧૮; માથ. ૨૮:૧૯, ૨૦.
૮. (ક) યહોવાહે પોતાના ભક્તોને કેવો આશીર્વાદ આપ્યો છે? (ખ) પૃથ્વી પર રહેનારાઓ માટે કયા આશીર્વાદો રહેલા છે?
૮ ખુશખબર ફેલાવાની આજ્ઞા પાળવાથી આજે દુનિયામાં સિત્તેર લાખ જેટલા યહોવાહના ભક્તો છે. તેઓ ખરેખર ‘પૃથ્વી ઉપર બળવાન થયા’ છે. (યોહા. ૧૦:૧૬; પ્રકટી. ૭:૯, ૧૪) ઈશ્વર પોતાનો મકસદ પૂરો કરશે તેમ તેઓ કેટલા ‘આશીર્વાદિત’ થશે! પૃથ્વી પર રહેનારાઓ ‘મોટી વિપત્તિમાંથી’ બચી જશે. તેઓ જાણે એક “નવી પૃથ્વી” બનશે. એ યુગમાં બધે ‘ન્યાયીપણું વસશે.’ પછી તેઓને વધારે ‘આશીર્વાદો’ મળશે. જેમ કે, તેઓ લાખો ને લાખો સજીવન પામનારાઓને આવકાર આપશે! જેઓ ‘ખુશીથી’ યહોવાહની આજ્ઞા પાળશે તેઓ કાયમ તંદુરસ્ત રહેશે. તેઓમાં પાપનો છાંટોય નહિ રહે. છેવટે તેઓ ‘ઈશ્વરનાં છોકરાં’ તરીકે મહિમા પામશે.—૨ પીત. ૩:૧૩; રૂમી ૮:૨૧.
યહોવાહની ભક્તિમાં ધનદોલત વાપરીએ
૯, ૧૦. સ્વર્ગમાં જનારાઓ અને પૃથ્વી પર રહેનારાઓ શું કરે છે? તેઓ કઈ રીતે “સર્વકાળ ટકશે”?
૯ “તેના ઘરમાં ધનદોલત થશે; અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકશે. યથાર્થીને [ન્યાયીને] સારૂ અંધારામાં અજવાળું પ્રગટ થાય છે; તે કૃપાળુ, રહેમી તથા ન્યાયી છે.” (ગીત. ૧૧૨:૩, ૪) જૂના જમાનામાં અમુક ઈશ્વરભક્તો ધનવાન હતા. પરંતુ ઈશ્વરની કૃપા પામનારા બધાય ધનવાન છે, ભલે તેઓ અમીર હોય કે ગરીબ. યહોવાહની ભક્તિમાં વધારે કરવા, ઘણા પૈસા પાછળ દોડતા નથી. એટલે લોકોની નજરમાં તેઓ મામૂલી છે. ઈસુના સમયમાં પણ એવું જ હતું. (લુક ૪:૧૮; ૭:૨૨; યોહા. ૭:૪૯) પણ ઈશ્વરનું જ્ઞાન લઈને, તેમના માર્ગે ચાલનારા, બધાય ધનવાન છે.—માથ. ૬:૨૦; ૧ તીમો. ૬:૧૮, ૧૯; યાકૂબ ૨:૫ વાંચો.
૧૦ સ્વર્ગમાં જનારાઓ અને પૃથ્વી પર રહેનારાઓ એ જ્ઞાન પોતાના પૂરતું જ રાખતા નથી. તેઓ જગતના ‘અંધકારમાં ન્યાયીઓને અજવાળું આપવા,’ સત્ય ફેલાવે છે. દુશ્મનો એ કામ બંધ કરાવવા ઘણા પ્રયત્નો કરે છે. પણ તેઓ એમ કરી શક્યા નથી. એ કામથી મળતા આશીર્વાદો ‘સર્વકાળ ટકે’ છે. આપણે પણ ગમે એવી કસોટીમાં યહોવાહને વળગી રહીશું, તો ‘સર્વકાળ ટકીશું.’
૧૧, ૧૨. યહોવાહના ભક્તો કેવાં કામોમાં પોતાની ધનદોલત વાપરે છે?
૧૧ સ્વર્ગમાં જનારા અને ‘મોટી સભાના’ ભક્તો બહુ ઉદાર છે. (પ્રકટી. ૭:૯) ઈસુના કહેવા પ્રમાણે એમ કરવાથી તેઓને ખુશી મળે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫; ૨ કોરીંથી ૯:૭ વાંચો.) ગીતશાસ્ત્ર ૧૧૨:૯ કહે છે: “તેણે મોકળે હાથે દરિદ્રીઓને આપ્યું છે.” યહોવાહના ભક્તો એકબીજાને જ નહિ, પાડોશીઓને પણ દુઃખમાં મદદ કરે છે. આફતોમાં પણ પૈસા અને જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે.
૧૨ યહોવાહના ભક્તો લોકોના ભલા માટે ચોકીબુરજ મૅગેઝિન પણ ૧૭૨ ભાષામાં બહાર પાડે છે. એનો કેટલો બધો ખર્ચ થાય છે! એ બ્રેઈલ અને સાઈન લૅંગ્વેજમાં પણ છે. ઘણા ગરીબ લોકોને આ મૅગેઝિન વાંચવા મળે છે.
ઉદારતાથી ને ઇન્સાફથી વર્તીએ
૧૩. ઉદારતાના સૌથી સારા દાખલા કોના છે? આપણે કઈ રીતે તેઓના જેવા બની શકીએ?
૧૩ “જે માણસ કૃપા રાખીને ધીરે છે તેનું ભલું થાય છે.” (ગીત. ૧૧૨:૫) ઘણી વાર લોકો ખુશીથી નહિ, પણ કચવાતા મનથી મદદ કરે છે. અમુક લોકો સામેવાળાને બોજ ગણીને મદદ કરે છે. પણ જો કોઈ રાજીખુશીથી મદદ કરે તો કેવું સારું લાગે! યહોવાહ સૌથી ઉદાર છે. (૧ તીમો. ૧:૧૧; યાકૂ. ૧:૫, ૧૭) યહોવાહની જેમ, ઈસુએ પણ લોકોને ઉદારતાથી મદદ કરી. (માર્ક ૧:૪૦-૪૨) આપણે પણ રાજીખુશીથી ને ઉદારતાથી લોકોને મદદ કરીએ. ખાસ કરીને રાજ્યની ખુશખબરી ફેલાવતી વખતે. આમ, આપણે યહોવાહની નજરે ન્યાયી બનીશું.
૧૪. “ડહાપણથી” વર્તવા શું કરવું જોઈએ?
૧૪ “તે પોતાનાં કામકાજ ડહાપણથી ચલાવશે.” (ગીત. ૧૧૨:૫) યહોવાહના ડહાપણથી વિશ્વાસુ ચાકર સર્વ માલમિલકતની સંભાળ રાખે છે. (લુક ૧૨:૪૨-૪૪ વાંચો.) તેઓ વડીલોને પણ યહોવાહનું માર્ગદર્શન આપે છે. આમ મંડળમાં કોઈએ મોટું પાપ કર્યું હોય તો, વડીલો ઇન્સાફ ને ડહાપણથી નિર્ણય લે છે. વિશ્વાસુ ચાકર સર્વ મંડળો, મિશનરિ હોમ અને બધા બેથેલને પણ માર્ગદર્શન આપે છે. તેઓ આપણને પણ માર્ગદર્શન આપે છે, જેથી બધાની સાથે ડહાપણથી વર્તીએ. વિશ્વાસુ ચાકર પૈસાની બાબતે પણ સારી સલાહ આપે છે.—મીખાહ ૬:૮, ૧૧ વાંચો.
આપણને મળતા આશીર્વાદો
૧૫, ૧૬. (ક) દુનિયાની હાલતની આપણા પર કેવી અસર થાય છે? (ખ) આપણે શું કરતા રહેવું જોઈએ?
૧૫ “તે કદી પણ ડગશે નહિ; ન્યાયીનું સ્મરણ સર્વકાળ રહેશે. તે માઠા સમાચારથી બીનાર નથી; તેનું હૃદય યહોવાહ પર ભરોસો રાખીને સુદૃઢ રહે છે. તેનું અંતઃકરણ સ્થિર છે, તેથી તે પોતાના શત્રુઓ પર ફતેહ મેળવતાં સુધી બીશે નહિ.” (ગીત. ૧૧૨:૬-૮) પૃથ્વીની રોનક બગડતી જાય છે. દિવસે દિવસે લોકો પણ બગડતા જાય છે. યુદ્ધો, આતંકવાદીઓ ને જાત-જાતના રોગો વિષે સાંભળવા મળે છે. ગુના અને ગરીબી વધતા જોવા મળે છે. એની આપણને પણ અસર થાય છે. તોપણ આપણે હિંમત હારતા નથી, કેમ કે જાણીએ છીએ કે જલદી જ યહોવાહની ન્યાયી દુનિયા આવશે. આપણી શ્રદ્ધા “સ્થિર” છે, કેમ કે યહોવાહનો આપણને સાથ છે. કોઈ આફત આવે તોપણ, યહોવાહ પોતાના ભક્તોને કદી ‘ડગવા દેશે નહિ.’ તે આપણને તકલીફો સહેવા શક્તિ આપશે.—ફિલિ. ૪:૧૩.
૧૬ આપણે નફરત ને વિરોધ પણ સહેવો પડે છે. તોપણ, દુશ્મનો કદીએ આપણને ચૂપ નહિ કરી શકે. આપણે યહોવાહનો સંદેશો ફેલાવતા રહીએ. શિષ્યો બનાવતા રહીએ. શેતાનના જગતનો અંત આવે તેમ, આપણી સતાવણી વધશે. છેવટે યહોવાહના સર્વ ભક્તો પર, માગોગનો ગોગ શેતાન હુમલો કરવા લાગશે. પણ યહોવાહ આપણા ‘શત્રુઓને’ ધૂળ ચાટતા કરશે. યહોવાહનું નામ મોટું મનાશે!—હઝકી. ૩૮:૧૮, ૨૨, ૨૩.
‘માનથી ઊંચા કરવામાં આવશે’
૧૭. યહોવાહના ભક્તો ‘માનથી ઊંચા’ કરાશે ત્યારે શું થશે?
૧૭ યહોવાહ વચન આપે છે કે તે પોતાના ભક્તોને ‘માનથી ઊંચા’ કરશે. (ગીત. ૧૧૨:૯) શેતાન ને તેના દુષ્ટ જગતની હાર જોઈને, યહોવાહના ભક્તો આનંદથી હરખાશે. આપણે એકરાગથી યહોવાહની ભક્તિ કરીશું. યહોવાહના ભક્તો સદાય તેમને ભજતા રહેશે.
૧૮. ગીતશાસ્ત્ર ૧૧૨ ના છેલ્લા શબ્દો કઈ રીતે સાચા પડશે?
૧૮ “એ જોઇને દુષ્ટોને સંતાપ થશે; તેઓ પોતાના દાંત પીસશે, અને સુકાઈ જશે; એમ દુષ્ટોની ધારણા નિષ્ફળ થશે.” (ગીત. ૧૧૨:૧૦) યહોવાહના દુશ્મનો નફરતથી બળ્યા કરશે ને “સુકાઈ જશે.” તેઓ ચાહે છે કે આપણો અંત આવે. એને બદલે, ‘મોટી વિપત્તિમાં’ તેઓનો જ અંત આવશે.—માથ. ૨૪:૨૧.
૧૯. યહોવાહમાં તમને કેવો ભરોસો છે?
૧૯ શું આર્માગેદનમાંથી બચીને તમે યહોવાહનો જયજયકાર કરવા ચાહો છો? ગુજરી જાવ તોપણ, “ન્યાયી” ભક્તોની સાથે સજીવન થાવ એવું ચાહો છો? (પ્રે.કૃ. ૨૪:૧૫) એવા આશીર્વાદ મેળવવા, ગીતશાસ્ત્ર ૧૧૨ પ્રમાણે ન્યાયથી ચાલો. યહોવાહના કહેવા પ્રમાણે કરો. ઈસુની કુરબાનીમાં વિશ્વાસ રાખો. (એફેસી ૫:૧, ૨ વાંચો.) યહોવાહ આપણને કદી ભૂલશે નહિ. તેમને આપણે ખૂબ વહાલા છીએ!—ગીત. ૧૧૨:૩, ૬, ૯. (w09 3/15)
[ફુટનોટ્સ]
^ ગીતશાસ્ત્ર ૧૧૧ અને ૧૧૨ના લખાણ અને વિચારો લગભગ સરખા છે. ગીતશાસ્ત્ર ૧૧૧ માં જે રીતે યહોવાહના ગુણો પર ભાર મૂકવામાં આવ્યો છે એ જ રીતે ૧૧૨માં પણ છે. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૧૧૧:૩, ૪ અને ગીતશાસ્ત્ર ૧૧૨:૩, ૪ જુઓ.
આ પ્રશ્નોનો વિચાર કરો
• આપણે કેમ ‘યહોવાહની સ્તુતિ કરીએ’ છીએ?
• આપણે કયા બનાવો જોઈને ખુશ થઈએ છીએ?
• કઈ રીતે આપણે યહોવાહ જેવા ઉદાર બની શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]