સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું

અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું

અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું

“યહોવાહના નામને ધન્ય હો.”—અયૂ. ૧:૨૧.

૧. અયૂબનું પુસ્તક કોણે લખ્યું હોઈ શકે અને ક્યારે?

 ફારૂનના ક્રોધમાંથી બચવા ચાલીસેક વર્ષના મુસા નાસી છૂટ્યા. તે મિસરથી નાસીને મિદ્યાન ગયા. (પ્રે.કૃ. ૭:૨૩, ૨૯) મિદ્યાનની નજીક ઉસ દેશમાં અયૂબ રહેતા હતા. મુસા મિદ્યાનમાં હતા ત્યારે કદાચ અયૂબ વિષે સાંભળ્યું હશે. વર્ષો પછી અરણ્યની લાંબી મુસાફરીને અંતે, મુસા ઈસ્રાએલીઓ સાથે ઉસ દેશ પાસેથી પસાર થયા. ત્યારે મુસાએ અયૂબના છેલ્લાં વર્ષો વિષે સાંભળ્યું હશે. યહુદીઓની માન્યતા પ્રમાણે અયૂબ ગુજરી ગયા પછી, મુસાએ અયૂબનું પુસ્તક લખ્યું.

૨. અયૂબનું પુસ્તક કઈ રીતે આપણને મદદ કરે છે?

અયૂબનું પુસ્તક કઈ રીતે આપણને મદદ કરે છે? એ સમજાવે છે કે સ્વર્ગમાં શું બન્યું હતું. યહોવાહના હક્ક સામે શેતાને કઈ રીતે ચેલેંજ ફેંકી. શા માટે યહોવાહ પોતાના ભક્તોને દુઃખ-તકલીફ સહેવા દે છે. અયૂબનો દાખલો આપણને શું શીખવે છે? એ જ કે આપણે ભૂલો કરીએ તોપણ, યહોવાહને વળગી રહેવા શું કરવું જોઈએ. સતાવણીમાં પણ શ્રદ્ધા જાળવવા શું કરવું જોઈએ. ચાલો અયૂબના પુસ્તકના અમુક બનાવોમાંથી શીખીએ.

શેતાને અયૂબની સતાવણી કરી

૩. અયૂબ કેવા હતા? શેતાન શા માટે તેમના પર સતાવણી લાવ્યો?

અયૂબ અમીર હતા. સંસ્કારી હતા. ગરીબોને મદદ કરતા. સમાજમાં તેમનું માન હતું. લોકો તેમની સલાહ લેતા. સૌથી મહત્ત્વનું તો, તે યહોવાહને ભજતા હતા. બાઇબલ કહે છે કે ‘તે નિર્દોષ અને પ્રામાણિક હતા, ઈશ્વરભક્ત અને ભૂંડાઈથી દૂર રહેનારા હતા.’ શેતાન શા માટે અયૂબ પર સતાવણી લાવ્યો? તેને જરાય ગમતું ન હતું કે અયૂબ યહોવાહને ભજતા હતા.—અયૂ. ૧:૧; ૨૯:૭-૧૬; ૩૧:૧.

૪. બાઇબલની મૂળ ભાષામાં પ્રમાણિકતાનો શું અર્થ થાય?

અયૂબનું પુસ્તક શરૂઆતમાં જણાવે છે કે બધા સ્વર્ગદૂતો યહોવાહ આગળ ભેગા થયા. શેતાન પણ ત્યાં આવી પહોંચ્યો. તેણે અયૂબ પર આરોપ મૂક્યા. (અયૂબ ૧:૬-૧૧ વાંચો.) શેતાને અયૂબની માલમિલકત વિષે જણાવ્યું, પણ મોટે ભાગે તેણે અયૂબની પ્રમાણિકતા પર શંકા ઉઠાવી. બાઇબલની મૂળ ભાષામાં પ્રમાણિકતાનો અર્થ થાય: સચ્ચાઈથી ચાલવું, નિર્દોષ, ન્યાયી હોવું, પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરવી.

૫. અયૂબ પર શેતાને કેવો આરોપ મૂક્યો?

શેતાને આરોપ મૂક્યો કે અયૂબ પ્રેમને લીધે નહિ, પણ સ્વાર્થને લીધે ઈશ્વરને ભજતા હતા. અયૂબને આશીર્વાદો અને રક્ષણ જોઈતું હતું. સચ્ચાઈનો પુરાવો આપવા, યહોવાહે અયૂબની સતાવણી થવા દીધી. શેતાન એક જ દિવસમાં અયૂબ પર એક પછી એક આફતો લઈ આવ્યો. અયૂબના બધા ઢોરઢાંકને ક્યાં તો કોઈ ચોરી ગયું કે પછી મારી નાખ્યા. તેમના મોટા ભાગના ચાકરોનું ખૂન થયું. તેમનાં દસેદસ બાળકો આફતમાં માર્યાં ગયાં. (અયૂ. ૧:૧૩-૧૯) શું અયૂબે યહોવાહને છોડી દીધા? ના, અયૂબે કહ્યું કે “યહોવાહે આપ્યું, અને યહોવાહે લઈ લીધું છે; યહોવાહના નામને ધન્ય હો.”—અયૂ. ૧:૨૧.

૬. (ક) બીજી વાર સ્વર્ગદૂતો ભેગા થયા ત્યારે શું બન્યું? (ખ) અયૂબની શ્રદ્ધા પર શંકા કરીને, શેતાન શું કહેવા માંગતો હતો?

એના થોડા સમય પછી, ફરીથી સ્વર્ગદૂતો યહોવાહ સામે ભેગા થયા. શેતાને ફરીથી અયૂબ વિષે કહ્યું: ‘ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે. પણ તારો હાથ લંબાવીને તેના હાડકાંને તથા તેના માંસને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચઢીને તને શાપ આપશે.’ હવે શેતાન ફક્ત અયૂબની જ વાત કરતો ન હતો, પણ સર્વ ‘માણસોની’ વાત કરતો હતો. તેણે કહ્યું કે “માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.” એટલે યહોવાહે અયૂબને એક પીડા આપતી બીમારી સહેવા દીધી, જે શેતાન લઈ આવ્યો હતો. (અયૂ. ૨:૧-૮) પણ અયૂબની સતાવણી પૂરી થઈ ન હતી.

અયૂબની શ્રદ્ધા ડગી નહિ

૭. અયૂબની પત્ની અને ત્રણ મિત્રોએ કઈ રીતે દુઃખમાં ઉમેરો કર્યો?

અયૂબ પર પરીક્ષણો આવ્યાં ત્યારે, તેમની પત્ની પણ ખૂબ દુઃખી થઈ. ઘર, માલમિલકત ગયા. અરે, બાળકો પણ માર્યાં ગયાં, એનાથી તેના દિલના ટૂકડે-ટૂકડા થઈ ગયા. પતિની બીમારી જોઈને જાણે બળતામાં ઘી હોમાયું. એટલે તેણે અયૂબને કહ્યું: ‘હજી સુધી તું તારા પ્રામાણિકપણાને વળગી રહ્યો છે? ઈશ્વરને શાપ દે, અને મરી જા.’ પછી અયૂબને દિલાસો આપવા તેમના ત્રણ મિત્રો અલીફાઝ, બિલ્દાદ અને સોફાર આવ્યા. પણ અયૂબનું દુઃખ હલકું કરવાને બદલે, તેઓ “કંટાળો ઊપજે એવો દિલાસો” આપવા લાગ્યા. બિલ્દાદે કહ્યું કે અયૂબનાં બાળકોએ કોઈ પાપ કર્યું હશે, એટલે મોતની સજા મળી. અલીફાઝે કહ્યું કે અયૂબે પોતે કોઈ પાપ કર્યું હશે. તેણે એમ પણ કહ્યું કે ઈશ્વરને પોતાના ભક્તોની કંઈ પડી નથી! (અયૂ. ૨:૯, ૧૧; ૪:૮; ૮:૪; ૧૬:૨; ૨૨:૨, ૩) તોયે અયૂબ યહોવાહને જ વળગી રહ્યા. પણ તેમણે એક ભૂલ એ કરી કે ‘પોતાને ઈશ્વર કરતાં ન્યાયી ઠરાવ્યા.’—અયૂ. ૩૨:૨.

૮. અલીહૂએ આપણા માટે કેવો દાખલો બેસાડ્યો?

અયૂબના મિત્ર અલીહૂ પણ તેમને મળવા આવ્યા હતા. અયૂબ અને પેલા ત્રણ મિત્રો બોલતા હતા, ત્યારે તેમણે ધીરજથી સાંભળ્યું. અલીહૂ તેઓથી નાના હતા, પણ વધારે બુદ્ધિશાળી હતા. તેમણે અયૂબ સાથે માનથી વાત કરી. તેમની શ્રદ્ધા માટે શાબાશી આપી. સાથે સાથે અયૂબની ભૂલ પણ બતાવી. યહોવાહની ભક્તિથી થતા લાભ જણાવીને, ઉત્તેજન પણ આપ્યું. (અયૂબ ૩૬:૧, ૧૧ વાંચો.) કોઈને માર્ગદર્શન કે સલાહ આપવાનું થાય ત્યારે, શું આપણે અલીહૂ જેવા બનીએ છીએ?—અયૂ. ૩૨:૬; ૩૩:૩૨.

૯. યહોવાહ કઈ રીતે અયૂબને મદદ કરી?

પછી ‘યહોવાહે વંટોળિયામાંથી અયૂબ સાથે વાત કરી.’ અમુક પ્રશ્ન પૂછ્યા. પ્રેમથી અયૂબના ખોટા વિચારો સુધાર્યા. અયૂબે નમ્રતાથી એનો સ્વીકાર કર્યો. તેમણે કહ્યું: ‘હું કંઈ વિસાતમાં નથી; ધૂળ તથા રાખમાં બેસીને હું પસ્તાવો કરૂં છું.’ અયૂબ સાથે વાત કર્યા પછી યહોવાહે પેલા ત્રણે નામ પૂરતા મિત્રોને સખત ઠપકો આપ્યો કેમ કે તેઓ ‘જે ખરૂં છે એ બોલ્યા ન હતા.’ તેમણે અયૂબને તેઓ માટે પ્રાર્થના કરવાનું કહ્યું. “જ્યારે અયૂબે પોતાના મિત્રોને સારૂ પ્રાર્થના કરી, ત્યારે યહોવાહે તેની દુર્દશા [હાલત] ફેરવી નાખી; અને અગાઉ હતું તે કરતાં યહોવાહે અયૂબને બમણું આપ્યું.”—અયૂ. ૩૮:૧; ૪૦:૪; ૪૨:૬-૧૦.

કસોટીમાં યહોવાહને વળગી રહીએ

૧૦. યહોવાહે કેમ શેતાનના આરોપોને ધ્યાન આપ્યું?

૧૦ યહોવાહ વિશ્વના માલિક છે. તોપણ તેમણે કેમ શેતાનના આરોપોને ધ્યાન આપ્યું? યહોવાહને ખબર હતી કે શેતાનને ધ્યાન ન આપે કે તેને મારી નાખે તોપણ તેણે ઊભા કરેલા પ્રશ્નો તો રહેશે જ. શેતાને આરોપ મૂક્યો કે યહોવાહ અયૂબની માલમિલકતનું રક્ષણ કરે છે એટલે અયૂબ તેમની ભક્તિ કરે છે. પરંતુ અયૂબે તો કસોટીમાંયે યહોવાહની ભક્તિ ન છોડી. એટલે શેતાને બીજો આરોપ મૂક્યો કે બીમારીમાં કોઈ પણ ભક્ત ઈશ્વરને ભૂલી જશે. અયૂબે એમાં પણ શેતાનને ખોટો સાબિત કર્યો. અયૂબ પણ આપણા જેવા મામૂલી માણસ હતા. શું તમે અયૂબની જેમ ગમે એવી કસોટીમાં યહોવાહને વળગી રહેશો?

૧૧. ઈસુએ કઈ રીતે શેતાનને જૂઠો સાબિત કર્યો?

૧૧ આપણે કોઈ પણ સતાવણીમાં યહોવાહને વળગી રહીએ. એમ કરીને, આપણે પણ શેતાનને જૂઠો સાબિત કરીશું. ઈસુએ પણ એમ જ કર્યું. ભલે મરવું પડ્યું તોપણ, યહોવાહનો સાથ ન છોડ્યો. આમ તેમણે શેતાનના બધા આરોપો ખોટા સાબિત કર્યા.—પ્રકટી. ૧૨:૧૦.

૧૨. આપણી પાસે કયો મોકો ને જવાબદારી છે?

૧૨ આજે પણ શેતાન યહોવાહના ભક્તોની કસોટી કરે છે. આપણે ગમે એવી કસોટીમાં યહોવાહને વળગી રહીએ. બતાવી આપીએ કે આપણે સ્વાર્થને લીધે નહિ, પણ પ્રેમને લીધે યહોવાહને ભજીએ છીએ. એ સાબિત કરવાનો આપણને સર્વને સારો મોકો છે. યહોવાહના ભક્તો તરીકે, એ આપણી જવાબદારી પણ છે. એમ કરવા યહોવાહ આપણને શક્તિ આપશે. તે આપણા પર એવી કોઈ કસોટી આવવા નહિ દે, જે સહી ન શકીએ.—૧ કોરીં. ૧૦:૧૩.

શેતાન, આપણો કટ્ટર દુશ્મન

૧૩. અયૂબનું પુસ્તક શેતાન વિષે શું શીખવે છે?

૧૩ હેબ્રી શાસ્ત્રવચનો બતાવે છે કે શેતાને કઈ રીતે યહોવાહનો વિરોધ કર્યો. કઈ રીતે ઇન્સાનને ખોટા રસ્તે ચડાવી દીધો. ગ્રીક શાસ્ત્રવચનો બતાવે છે કે એમ કરવા શેતાને બીજી કઈ કઈ રીતો વાપરી. પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે કે યહોવાહ કઈ રીતે સાબિત કરી આપશે કે તે જ વિશ્વના માલિક છે. શેતાનના નાશ વિષે પણ એ જણાવે છે. અયૂબનું પુસ્તક શેતાનના વિરોધ વિષે સમજણ આપે છે. દાખલા તરીકે, સ્વર્ગદૂતો યહોવાહની આગળ ભેગા થયા ત્યારે, શેતાન પણ આવ્યો. પણ તે યહોવાહની સ્તુતિ કરવા આવ્યો ન હતો. તેનું મન મેલું હતું. તેણે અયૂબ પર આરોપ મૂક્યો. અયૂબની કસોટી કરવાની રજા મળી કે તરત તે ‘યહોવાહની હજૂરમાંથી નીકળી’ ગયો.—અયૂ. ૧:૧૨; ૨:૭.

૧૪. અયૂબની વફાદારી જોઈને શેતાનને કેવું લાગ્યું?

૧૪ અયૂબનું પુસ્તક બતાવે છે કે શેતાન ઇન્સાનનો કટ્ટર દુશ્મન છે. અયૂબ ૧:૬ પ્રમાણે શેતાન યહોવાહ સામે આવ્યો ત્યારે, અયૂબ અમીર હતા. શેતાને તેમની કસોટી કરી, જેમાં તે યહોવાહને વળગી રહ્યા. એટલે યહોવાહે શેતાનને કહ્યું: ‘અયૂબને વિનાકારણ પાયમાલ કરવાને તેં મને ઉશ્કેર્યો હતો; તોપણ હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને વળગી રહ્યો છે.’ (અયૂ. ૨:૩-૫) અયૂબની શ્રદ્ધા જોઈને શેતાન ખુશ ન હતો. અયૂબ ૨:૧ પ્રમાણે શેતાન ફરીથી યહોવાહ આગળ આવ્યો ત્યારે અયૂબ સાવ ગરીબ, લાચાર હતા. શેતાને ફરીથી અયૂબની આકરી કસોટી કરવાની માંગ કરી. આ બતાવે છે કે યહોવાહના સર્વ ભક્તોને શેતાન નફરત કરે છે, ભલે તેઓ અમીર હોય કે ગરીબ.

૧૫. યહોવાહની ભક્તિ છોડીને તેમનો વિરોધ કરનારા કઈ રીતે શેતાન જેવા જ છે?

૧૫ યહોવાહનો વિરોધ કરવામાં શેતાન સૌથી પહેલો હતો. આજે યહોવાહની ભક્તિ છોડીને તેમનો વિરોધ કરનારા પણ શેતાન જેવા જ છે. તેઓ મંડળના ભાઈ-બહેનો, વડીલો કે ગવર્નિંગ બોડી વિષે સખત ફરિયાદ કરે છે. અમુકને જરાય ગમતું નથી કે આપણે યહોવાહનું નામ વાપરીએ છીએ. તેઓ યહોવાહને ભજવા માગતા નથી. શેતાનની જેમ જ, તેઓ યહોવાહના ભક્તોનો શિકાર કરવા નીકળે છે. (યોહા. ૮:૪૪) એના લીધે આપણે તેઓથી દૂર રહીએ છીએ.—૨ યોહા. ૧૦, ૧૧.

અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું

૧૬. દુઃખ-તકલીફમાં પણ અયૂબે શું કર્યું?

૧૬ અયૂબ ઈશ્વરને નામથી ઓળખતા. તેમણે હંમેશાં ઈશ્વરનું નામ મોટું મનાવ્યું. અયૂબને ખબર પડી કે તેમનાં બાળકો માર્યા ગયા ત્યારે, તે બોલી ઊઠ્યા કે જેવી ઈશ્વરની મરજી. પણ તેમણે કદીયે ઈશ્વરને બદનામ ન કર્યા. અયૂબે કહ્યું: “પ્રભુનો ભય તે જ જ્ઞાન છે; અને દુષ્ટતાથી દૂર રહેવું એ જ બુદ્ધિ છે.”—અયૂ. ૨૮:૨૮.

૧૭. સતાવણીમાં પણ અયૂબની શ્રદ્ધા કેમ અડગ રહી?

૧૭ સતાવણીમાં પણ અયૂબની શ્રદ્ધા કેમ અડગ રહી? સતાવણી પહેલાં તેમણે યહોવાહ સાથે પાકો નાતો બાંધ્યો હતો. અયૂબને શેતાનના આરોપ વિષે કંઈ ખબર ન પણ હોય. તોયે તેમણે કહ્યું: “મરતાં સુધી હું મારા પ્રામાણિકપણાનો ઇનકાર કરીશ નહિ.” (અયૂ. ૨૭:૫) અયૂબે કઈ રીતે યહોવાહ સાથે પાકો નાતો બાંધ્યો? તે ઈબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબ જેવા દૂરના સગાંના અનુભવમાંથી ઘણું શીખ્યા હશે. તે સૃષ્ટિમાંથી પણ યહોવાહ વિષે ઘણું શીખ્યા હશે.—અયૂબ ૧૨:૭-૯, ૧૩, ૧૬ વાંચો.

૧૮. (ક) અયૂબે કઈ રીતે પોતાની શ્રદ્ધાનો પુરાવો આપ્યો? (ખ) અયૂબ જેવા બનવા આપણે શું કરવું જોઈએ?

૧૮ ઈશ્વર વિષે શીખતા ગયા તેમ, અયૂબમાં વધારે ને વધારે ભક્તિ કરવાની તમન્‍ના જાગી. તે ઈશ્વરને નિયમિત બલિદાનો ચડાવતાં. શા માટે? એ માટે કે તેમનાં કોઈ બાળકે ‘પોતાના હૃદયમાં ઈશ્વરનો ઇનકાર કર્યો હોય’ તો માફી મળે. (અયૂ. ૧:૫) અયૂબ પર દુઃખો આવી પડ્યા ત્યારે પણ, તે યહોવાહની સ્તુતિ કરતા રહ્યા. (અયૂ. ૧૦:૧૨) અયૂબની જેમ આપણે પણ યહોવાહ અને તેમના મકસદ વિષે શીખતા રહીએ. નિયમિત બાઇબલ સ્ટડી કરીએ. મિટિંગ ન ચૂકીએ. પ્રાર્થના કરીએ. યહોવાહના રાજ્યનો સંદેશો જાહેર કરીએ. તન-મનથી તેમનું નામ જાહેર કરીએ. અયૂબની શ્રદ્ધાએ યહોવાહનું દિલ જીતી લીધું. આપણે પણ એવું જ કરીએ. હવે પછીનો લેખ એના વિષે વધારે શીખવશે. (w09 4/15)

તમને યાદ છે?

• શેતાન શા માટે અયૂબ પર સતાવણી લાવ્યો?

• અયૂબે કેવાં દુઃખ સહન કર્યાં? દુઃખોમાં પણ તેમણે શું કર્યું?

• આપણે કઈ રીતે અયૂબની જેમ અડગ રહી શકીએ?

• અયૂબના પુસ્તકમાંથી આપણને શેતાન વિષે શું શીખવા મળે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૨ પર ચિત્ર]

વિશ્વના માલિક કોણ છે, એ અયૂબનો અનુભવ કઈ રીતે બતાવે છે?

[પાન ૧૪ પર ચિત્ર]

તમારી કસોટી કયા સંજોગોમાં થઈ શકે છે?