સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કસોટીમાં પણ યહોવાહને જ વળગી રહીએ

કસોટીમાં પણ યહોવાહને જ વળગી રહીએ

કસોટીમાં પણ યહોવાહને જ વળગી રહીએ

“મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.”—નીતિ. ૨૭:૧૧.

૧, ૨. (ક) શેતાને કરેલી કઈ ચેલેંજ વિષે અયૂબનું પુસ્તક સમજાવે છે? (ખ) શું બતાવે છે કે શેતાન મહેણાં મારવાનું ચાલુ જ રાખે છે?

 યહોવાહ ઈશ્વરે પોતાના ભક્ત અયૂબની આકરી કસોટી કરવાની શેતાનને રજા આપી. શેતાને અયૂબના બધા ઢોરઢાંક મરાવી નાખ્યા. દીકરા-દીકરીઓ પણ જાનથી માર્યા ગયા. અરે, શેતાને અયૂબને પણ બીમારીથી રિબાવ્યા. આમ કરીને શેતાન આ દાવો સાચો ઠરાવવા માગતો હતો: “ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.” શેતાને એવી ચેલેંજ ફેંકી જે અયૂબને જ નહિ, બધા મનુષ્યને લાગુ પડે છે.—અયૂ. ૨:૪.

અયૂબની કસોટી થઈ એના લગભગ ૬૦૦ વર્ષ પછી, યહોવાહે પોતાના ભક્તોને આમ કહ્યું: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” (નીતિ. ૨૭:૧૧) શેતાન એ સમયે પણ યહોવાહને મહેણાં મારતો હતો. સદીઓ પછી ઈશ્વરભક્ત યોહાનને ભાવિનું સંદર્શન થયું. એમાં દેખાયું કે ઈશ્વરનું રાજ્ય શરૂ થશે, જે પછી ૧૯૧૪માં થયું. શેતાનને સ્વર્ગમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યો. એના પછીયે તેણે યહોવાહના ભક્તો પર આરોપ લગાવવાનું બંધ કર્યું નથી. આજે પણ શેતાન યહોવાહના ભક્તો તરફ આંગળી ચીંધે છે.—પ્રકટી. ૧૨:૧૦.

૩. અયૂબના પુસ્તકમાંથી આપણે શું શીખીશું?

ચાલો આપણે અયૂબના પુસ્તકમાંથી ત્રણ મહત્ત્વની બાબતો શીખીએ, જેથી યહોવાહના દિલને આનંદ પમાડી શકીએ. એક, અયૂબની કસોટી બતાવે છે કે શેતાન મનુષ્યનો કટ્ટર દુશ્મન છે. તે યહોવાહના ભક્તોની ખૂબ જ સતાવણી કરે છે. બીજું, યહોવાહ સાથેનો પાકો નાતો હશે તો, કોઈ પણ કસોટીમાં તેમને વળગી રહીશું. ત્રીજું, જ્યારે કસોટીઓ આવે ત્યારે યહોવાહ આપણને પણ અયૂબની જેમ પૂરો સાથ આપશે. આજે યહોવાહ આપણને પોતાના સંગઠન, શક્તિ અને બાઇબલ દ્વારા મદદ કરે છે.

શેતાન આપણો કટ્ટર દુશ્મન છે

૪. દુનિયાની હાલત પાછળ કોનો હાથ છે?

મોટા ભાગના લોકો જોઈ શકે છે કે દુનિયાની હાલત બગડી રહી છે. તોયે તેઓ પારખતા નથી કે એની પાછળ શેતાનનો હાથ છે. ખરું કે ઘણી તકલીફો માટે આપણે પોતે જવાબદાર છીએ. જેમ કે આદમ અને હવાએ પોતાની મરજીથી ઈશ્વરનો સાથ છોડ્યો ત્યારથી, દુનિયાની હાલત ખરાબ થતી ગઈ છે. પણ એ બધાનું મૂળ તો શેતાન છે. તેણે જ હવાને છેતરી. તે જ દુનિયાને પોતાની મુઠ્ઠીમાં રાખીને, પોતાને ઇશારે નચાવે છે. શેતાન ‘આ જગતનો દેવ’ છે. તેની દુનિયા પણ તેના જેવી જ છે. લોકોમાં ઘમંડ, કપટ, અદેખાઈ, ઝઘડા અને સત્તાનો વિરોધ દેખાઈ આવે છે. (૨ કોરીં. ૪:૪; ૧ તીમો. ૨:૧૪; ૩:૬; યાકૂબ ૩:૧૪, ૧૫ વાંચો.) રાજકારણ અને ધર્મને લગતી કેટલીય તકલીફો ઊભી થઈ રહી છે. લોભ અને ભ્રષ્ટતા રાજ કરે છે. એમાંથી એકબીજામાં નફરત જાગે છે.

૫. આપણે જે જાણ્યું છે એનું શું કરીશું?

આપણે જાણીએ છીએ કે શેતાન દુનિયાની હાલત માટે જવાબદાર છે. યહોવાહ, વિશ્વના માલિક જલદી જ શેતાનને ઠેકાણે કરશે. એ જાણવું એક મોટો આશીર્વાદ છે! એ જાણીને બેસી નહિ રહીએ, પણ દુનિયાના ખૂણે ખૂણે લોકોને જણાવીએ.

૬, ૭. (ક) યહોવાહના ભક્તોની સતાવણી પાછળ કોનો હાથ છે? (ખ) અલીહૂ જેવા બનવા શું કરવું જોઈએ?

યહોવાહના લોકોને થતા વિરોધ માટે પણ શેતાન જવાબદાર છે. તે આપણી આકરી કસોટી કરવા માગે છે. ઈસુએ પીતરને જણાવ્યું: “સીમોન, સીમોન, જો, શેતાને ઘઉંની પેઠે ચાળવા સારૂ તમને કબજે લેવા માગ્યા.” (લુક ૨૨:૩૧) ઈસુના શિષ્યો તરીકે આપણા દરેકની એક યા બીજી રીતે સતાવણી તો થશે જ. ‘શેતાન જે કોઈ મળે તેને ગળી જવાને શોધતા ફરનાર સિંહ’ જેવો છે, એવું પીતરે કહ્યું. પાઊલે પણ કહ્યું: “જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ.”—૧ પીત. ૫:૮; ૨ તીમો. ૩:૧૨.

મંડળમાં કોઈ ભાઈ-બહેનની કસોટી થાય ત્યારે આપણે શું તેઓથી દૂર દૂર રહીશું? ના, પણ અલીહૂની જેમ તેઓના જિગરી દોસ્ત બનીએ. શેતાન સામેની લડતમાં આપણે પણ જોડાઈએ. (નીતિ. ૩:૨૭; ૧ થેસ્સા. ૫:૨૫) આપણે ચાહીએ છીએ કે એ ભાઈ કે બહેન શેતાન સામે જીત મેળવીને, યહોવાહને જ વળગી રહે.

૮. અયૂબને યહોવાહની ભક્તિ કરતા શેતાન કેમ રોકી ન શક્યો?

ફરીથી અયૂબનો વિચાર કરો. તેમના ઢોરઢાંકથી કદાચ તેમનો વેપારધંધો ચાલતો હોઈ શકે. ખાસ તો અયૂબ એનો ઉપયોગ યહોવાહની ભક્તિમાં કરતા. અયૂબ પોતાના બાળકોને ‘તેડાવી ને પવિત્ર કરતા, પરોઢિયે ઊઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે દહનીયાર્પણ કરતા; તે કહેતા, કે કદાપિ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં ઈશ્વરનો ઇન્કાર કર્યો હોય. અયૂબ એ પ્રમાણે હંમેશ કરતા હતા.’ (અયૂ. ૧:૪, ૫) શેતાને સૌથી પહેલાં તેમના ઢોરઢાંક છીનવી લીધા. હવે અયૂબ પાસે યહોવાહની ભક્તિમાં આપવા કંઈ ‘દ્રવ્ય’ કે અર્પણ ન હતાં. (નીતિ. ૩:૯) તોપણ, યહોવાહ વિષે વાત કરતા તેમને કોઈ રોકી શક્યું નહિ.

યહોવાહ સાથે પાકો નાતો બાંધીએ

૯. આપણો સૌથી કીમતી ખજાનો કયો છે?

યહોવાહ સાથે બધા જ નાતો બાંધી શકે છે, ભલે ગરીબ હોય કે અમીર, યુવાન હોય કે ઘરડા, તંદુરસ્ત હોય કે બીમાર. યહોવાહ સાથેનો પાકો નાતો આપણો સૌથી કીમતી ખજાનો છે. એ હશે તો ગમે એવી કસોટીઓ આવે, આપણે તેમને જ વળગી રહીશું. તેમને દુઃખ થાય એવું કંઈ જ કરીશું નહિ. એટલે જ સત્ય વિષે થોડું જ જાણવા છતાં, યહોવાહને વળગી રહેવા ઘણાએ આકરી કસોટી સહી.

૧૦, ૧૧. (ક) વેલેન્ટીના કસોટીમાં પણ કઈ રીતે યહોવાહને વળગી રહી? (ખ) વેલેન્ટીનાએ શેતાનને કેવો જવાબ આપ્યો?

૧૦ આજે પણ અયૂબ જેવા ઘણા ભાઈ-બહેનો છે. રશિયાની એક બહેન વેલેન્ટીના ગાર્નોવસ્કાયાનો દાખલો લઈએ. ૧૯૪૫માં તે ૨૦ વર્ષની હતી ત્યારે, એક ભાઈએ તેની સાથે બાઇબલમાંથી વાત કરી. એવી તક બીજી બે વાર તેને મળી. પછી એ ભાઈ દેખાયા નહિ. વેલેન્ટીના હિંમત ન હારી, પણ પડોશીઓ સાથે સત્ય વિષે વાત કરવા લાગી. તેને પોલીસે પકડી અને આઠ વર્ષની કેદ થઈ. ૧૯૫૩માં તે છૂટી. તરત જ તેણે લોકો સાથે સત્યની વાત કરવાનું ચાલુ કર્યું. તેને પાછી પકડી લેવામાં આવી અને આ વખતે દસ વર્ષની સજા થઈ. એક જેલમાં થોડાં વર્ષો થયાં. પછી, તેને બીજી જેલમાં ખસેડવામાં આવી, જ્યાં આપણી બહેનો પણ હતી. તેઓ પાસે બાઇબલ હતું. એક બહેને વેલેન્ટીનાને એ બતાવ્યું. તેના માટે એ અજબની ઘડીઓ હતી! તેણે આ બીજી વાર બાઇબલ જોયું હતું. પહેલી વાર ૧૯૪૫માં પેલા ભાઈના હાથમાં હતું!

૧૧ ૧૯૬૭માં વેલેન્ટીનાને આઝાદી મળી, પછી તે બાપ્તિસ્મા પામી. ૧૯૬૯ સુધી યહોવાહ વિષે છૂટથી લોકોને જણાવી શકી. એ વર્ષે તેને પાછી પકડવામાં આવી અને ત્રણ વર્ષની સજા થઈ. તેણે કદીયે હિંમત હારીને, યહોવાહનો સંદેશો જણાવવાનું બંધ કર્યું નહિ. ૨૦૦૧માં તેનું મરણ થયું. તેણે ૪૪ લોકોને સત્ય શીખવ્યું. ૨૧ વર્ષ જેલમાં કાઢ્યાં. યહોવાહને વળગી રહેવા, તે બધુંય જતું કરવા તૈયાર હતી. મરતા પહેલાં વેલેન્ટીનાએ કહ્યું: ‘મારું પોતાનું ઘર નથી. મારી મિલકત ગણો કે જે કંઈ ગણો, બધુંય આ એક સુટકેસમાં છે. પણ હું યહોવાહની ભક્તિમાં એકદમ ખુશ છું. મને જિંદગીથી પૂરો સંતોષ છે.’ શેતાને ચેલેંજ ફેંકી હતી કે કોઈ પણ મનુષ્ય પર કસોટી આવે તો તે યહોવાહને છોડી જશે. વેલેન્ટીનાએ એનો જોરદાર જવાબ આપ્યો. (અયૂ. ૧:૯-૧૧) યહોવાહને તેના પર કેટલો ગર્વ થયો હશે, એનો વિચાર કરો! તે ગુજરી ગયેલા બીજા ઘણા ભક્તો સાથે વેલેન્ટીનાને પણ જલદી જ પાછા ઉઠાડશે.—અયૂ. ૧૪:૧૫.

૧૨. યહોવાહ સાથે નાતો બાંધવામાં પ્રેમ કઈ રીતે મદદ કરે છે?

૧૨ યહોવાહ સાથેનો આપણો નાતો પ્રેમ પર બંધાયેલો છે. પ્રેમ, દયા, કૃપા જેવા ગુણોને લીધે તેમની તરફ ખેંચાઈએ છીએ. તેમની ઇચ્છા પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે એ કોઈ શરત વગર, પોતાની મરજીથી કરીએ છીએ. એવો પ્રેમ કોઈ પણ કસોટીમાં ટકી રહેવા હિંમત આપશે. યહોવાહનું વચન છે કે તે ‘પોતાના ભક્તોના માર્ગનું રક્ષણ કરશે.’—નીતિ. ૨:૮; ગીત. ૯૭:૧૦.

૧૩. આપણે જે કંઈ કરીએ એ વિષે યહોવાહને કેવું લાગે છે?

૧૩ યહોવાહની ભક્તિમાં આપણે કેટલું કરીએ છીએ એ નહિ, પણ કેમ કરીએ છીએ એ મહત્ત્વનું છે. તે આપણા દિલની આરઝૂ જાણે છે. આપણે જે કરીએ એમાં યહોવાહનું નામ મોટું મનાવીએ. અયૂબ પર કેટલીયે તકલીફો આવી પડી. તોપણ, તે ચૂપ રહ્યા નહિ. તેમણે જણાવ્યું કે પોતે યહોવાહને કેટલા ચાહે છે. (અયૂબ ૧૦:૧૨; ૨૮:૨૮ વાંચો.) અલીફાઝ, બિલ્દાદ અને સોફાર પર યહોવાહ બહુ ગુસ્સે ભરાયા. એ ત્રણેય સાચું બોલતા ન હતા. યહોવાહે ચાર વખત અયૂબને “મારો સેવક” કહીને સાથ આપ્યો. અયૂબને તેમના કહેવાતા દોસ્તો માટે પ્રાર્થના કરવાનું પણ જણાવ્યું. (અયૂ. ૪૨:૭-૯) આપણે પણ એ રીતે જીવીએ કે યહોવાહ આપણા પર કૃપા વરસાવે.

યહોવાહ આપણને મદદ કરે છે

૧૪. યહોવાહે કઈ રીતે અયૂબને મદદ કરી?

૧૪ આપણા જેવા મામૂલી ઇન્સાન હોવા છતાં, અયૂબ યહોવાહને વળગી રહ્યા. અમુક વાર તેમણે યહોવાહની નજરે સંજોગો જોયા નહિ. જેમ કે તેમણે યહોવાહને ફરિયાદ કરી: ‘હું તને બોલાવું છું, પણ તું મને ઉત્તર દેતો નથી; તારા હાથના બળથી તું મને સતાવે છે.’ અરે, અયૂબે એમ પણ કહ્યું: ‘તું જાણે છે કે હું દુષ્ટ નથી. જોકે મારા હાથથી કંઈ હિંસા થઈ નથી, અને મારી પ્રાર્થના શુદ્ધ છે.’ (અયૂ. ૧૦:૭; ૧૬:૧૬; ૩૦:૨૦, ૨૧) યહોવાહે તેમને પ્રેમથી એક પછી એક સવાલો પૂછ્યા. અયૂબના વિચારોમાં ફેરફાર કરવા મદદ કરી. અયૂબે નમ્રતાથી મદદ સ્વીકારી અને પોતાનામાં સુધારો કર્યો.—અયૂબ ૪૦:૮; ૪૨:૨, વાંચો.

૧૫, ૧૬. યહોવાહ આપણને કઈ કઈ રીતે મદદ કરે છે?

૧૫ યહોવાહ આપણને પણ પ્રેમથી મદદ કરે છે. તેમણે ઈસુની કુરબાની આપી, જેનાથી આપણાં પાપોની માફી મળે છે. આપણે યહોવાહ સાથે નાતો બાંધી શકીએ છીએ. (યાકૂ. ૪:૮; ૧ યોહા. ૨:૧) ઈસુની કુરબાનીને લીધે જ, આપણે પ્રાર્થના કરીએ ત્યારે યહોવાહ પોતાની શક્તિ આપે છે. એનાથી કસોટીમાં સાથ મળે છે, હિંમત મળે છે. બાઇબલ વાંચીને એના પર મનન કરવાથી, આપણે કસોટી માટે તૈયાર થઈએ છીએ. એટલું જ નહિ, આ બે મુદ્દા સારી રીતે પારખી શકીએ છીએ: એક કે યહોવાહના હક્ક પર શેતાને કેવા આરોપ મૂક્યા. બીજો કે એની આપણા પર કેવી અસર થાય છે.

૧૬ યહોવાહ સાથે નાતો બાંધવા આપણને મિટિંગ પણ મદદ કરે છે. આખી દુનિયામાં લગભગ એક લાખ મંડળ છે, જેમાં યહોવાહનું જ્ઞાન મળે છે. યહોવાહ એ જ્ઞાન “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા આપે છે. (માથ. ૨૪:૪૫-૪૭) એનાથી કોઈ પણ કસોટીઓ માટે આપણે તૈયાર થઈએ છીએ. એ સમજવા આપણે જર્મનીમાં રહેતી શીલાનો અનુભવ લઈએ.

૧૭. શીલાનો અનુભવ કઈ રીતે મિટિંગનો ફાયદો બતાવે છે?

૧૭ શીલાના ટીચરે એક દિવસ જરા બહાર જવું પડ્યું. એટલે શીલાના ક્લાસને મજા પડી ગઈ. બધાએ વીજી બોર્ડ (મેલીવિદ્યાની રમત) રમવાનો વિચાર કર્યો. શીલા તરત ક્લાસમાંથી બહાર નીકળી ગઈ. પછીથી તેને જાણવા મળ્યું કે એ રમત રમતી વખતે, અમુક સ્ટુડન્ટને વિચિત્ર અનુભવ થયો. ત્યાં ખરાબ દૂતો હોવાને લીધે તેઓ ગભરાઈને નાસી છૂટ્યા. શીલા કેમ પહેલા જ ત્યાંથી નીકળી ગઈ? તે સમજાવે છે: “એ બનાવના થોડા વખત પહેલાં જ કિંગ્ડમ હૉલમાં વીજી બોર્ડના જોખમની ચર્ચા થઈ હતી. નીતિવચનો ૨૭:૧૧ પ્રમાણે હું ફક્ત યહોવાહને ખુશ કરવા ચાહું છું.” શીલા મિટિંગમાં ગઈ અને ધ્યાનથી સાંભળ્યું તો કેટલો ફાયદો થયો!

૧૮. આ લેખની ચર્ચા કરીને તમને શું કરવાનું મન થાય છે?

૧૮ ચાલો આપણે કદીયે યહોવાહના સંગઠનમાંથી આવતા માર્ગદર્શનને છોડીએ નહિ. કાયમ મિટિંગમાં જઈએ. બાઇબલ અને આપણાં પુસ્તકો વાંચીએ. પ્રાર્થના કરીએ. ભાઈ-બહેનો સાથે હળી-મળીને રહીએ. એનાથી આપણને યહોવાહનું માર્ગદર્શન અને સાથ મળે છે. યહોવાહને પૂરો ભરોસો છે કે આપણે કદીયે તેમનો સાથ નહિ છોડીએ. ચાલો આપણે યહોવાહનું નામ રોશન કરીએ અને તેમના દિલને આનંદ પમાડીએ. (w09 4/15)

આ સવાલોનો વિચાર કરો

• શેતાન શાને માટે જવાબદાર છે?

• આપણો અનમોલ ખજાનો કયો છે?

• યહોવાહ સાથે નાતો બાંધવાનું શાને લીધે શક્ય બન્યું છે?

• યહોવાહ આપણને કઈ કઈ રીતે મદદ કરે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર ચિત્ર]

સત્યનું અનમોલ જ્ઞાન બીજાને પણ જણાવીએ!

[પાન ૧૭ પર ચિત્ર]

યહોવાહને વળગી રહેવા ભાઈ-બહેનોને મદદ કરીએ

[પાન ૧૮ પર ચિત્ર]

યહોવાહને વળગી રહેવા વેલેન્ટીનાએ બધું જ જતું કર્યું