સૌથી સારું શિક્ષણ, યહોવાહનું શિક્ષણ
સૌથી સારું શિક્ષણ, યહોવાહનું શિક્ષણ
“ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું.”—ફિલિ. ૩:૮.
૧, ૨. યહોવાહના અમુક ભક્તોએ શું પસંદ કર્યું છે અને શા માટે?
રોબર્ટ ભણવામાં બહુ હોશિયાર. તે આઠ વર્ષનો હતો ત્યારે, તેની એક ટીચર ખાસ ઘરે મળવા આવી. ટીચરે તેને કહ્યું કે તે જીવનમાં કેટલો આગળ વધી શકે, એની કોઈ લિમિટ જ નથી. ટીચરે પોતાના દિલની વાત જણાવતા કહ્યું કે તે ડૉક્ટર બને એવી તેની આશા છે. હાઈસ્કૂલમાં રોબર્ટના એટલા સારા માર્ક્સ આવ્યા કે દેશની બેસ્ટ યુનિવર્સિટીમાં જવાના દરવાજા તેની સામે ખુલ્લા હતા. પણ રોબર્ટે રેગ્યુલર પાયોનિયર બનવાનું પસંદ કર્યું. ઘણાને લાગશે કે, તેણે જિંદગીની અજોડ તક ગુમાવી દીધી!
૨ રોબર્ટની જેમ યહોવાહના ભક્તોમાં ઘણા એવા છે, જેઓને દુનિયામાં આગળ વધવાની ઘણી તક મળે છે. અમુક લોકો એવી તક જતી કરવાનું પસંદ કરે છે, જેથી યહોવાહની ભક્તિમાં વધારે કરી શકે. (૧ કોરીં. ૭:૨૯-૩૧) એમ કરવા તેઓને રોબર્ટની જેમ શાનાથી પ્રેરણા મળે છે? ખાસ તો યહોવાહ માટેના પ્રેમથી અને તેમણે આપેલા શિક્ષણની કદર કરવાથી. શું તમે વિચારી જોયું છે કે જો સત્ય શીખ્યા ન હોત, તો જીવન કેવું હોત? એનાથી જોઈ શકીએ કે યહોવાહના શિક્ષણથી આપણને કેટલો બધો ફાયદો થયો છે. એમ કરવાથી આપણે યહોવાહનું જ્ઞાન મામૂલી નહિ ગણીએ. એ બધાને જણાવતા કદી થાકીશું નહિ.
યહોવાહ જેવા શિક્ષક કોને મળે?
૩. યહોવાહ આપણા જેવા મામૂલી ઇન્સાનને શીખવવા તૈયાર છે, એ કઈ રીતે જાણી શકાય?
૩ યહોવાહ આપણા જેવા મામૂલી ઇન્સાનને શીખવે છે, એ તેમની ભલાઈ છે. સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો વિષે, યશાયાહ ૫૪:૧૩માં ભવિષ્યવાણી થઈ હતી કે “તારાં સર્વ સંતાન યહોવાહનાં શિષ્ય થશે; અને તારાં છોકરાંને ઘણી શાંતિ મળશે.” એ આશીર્વાદનો લાભ ઈસુનાં ‘બીજાં ઘેટાંને’ પણ મળે છે. (યોહા. ૧૦:૧૬) આજે પૂરી થઈ રહેલી એક ભવિષ્યવાણી એની સાબિતી આપે છે. યશાયાહે સંદર્શનમાં જોયું કે યહોવાહની ભક્તિ કરવા બધી નાત-જાતના લોકો ભેગા થાય છે. તેઓ એકબીજાને કહે છે: “ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે, યાકૂબના દેવના મંદિર પાસે, ચઢી જઈએ; તે આપણને તેના માર્ગ શિખવશે, ને આપણે તેના રસ્તામાં ચાલીશું.” (યશા. ૨:૧-૩) ખુદ યહોવાહ પાસેથી શીખવું, એ કેટલો મોટો આશીર્વાદ છે!
૪. યહોવાહ પાસેથી શીખવા આપણે શું કરવું જોઈએ?
૪ યહોવાહ પાસેથી શીખવા આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો આપણે નમ્ર બનવું જોઈએ. દાઊદે લખ્યું કે ‘યહોવાહ ઉત્તમ તથા ન્યાયી છે. નમ્રને તે પોતાને માર્ગે ચલાવશે.’ (ગીત. ૨૫:૮, ૯) ઈસુએ કહ્યું હતું કે “ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તારી સ્તુતિ કરૂં છું, કે જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તેં એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે.” (લુક ૧૦:૨૧) યહોવાહ “નમ્ર માણસો પર કૃપા રાખે છે.” એનાથી યહોવાહ માટેનો આપણો પ્રેમ હજુયે વધે છે!—૧ પીત. ૫:૫.
૫. યહોવાહની ભક્તિ માટે આપણે કઈ રીતે ભેગા થયા છીએ?
૫ શું આપણે એમ કહી શકીએ કે આપણે પોતે જ સત્ય શીખી ગયા? ના, આપણે પોતાની જાતે જ કદીયે યહોવાહ વિષે શીખી શક્યા ન હોત. ઈસુએ જણાવ્યું કે “જે મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.” (યોહા. ૬:૪૪) યહોવાહ “સર્વ પ્રજાઓની કિંમતી વસ્તુઓ” એટલે કે નમ્ર લોકોને ભેગા કરે છે. (હાગ્ગા. ૨:૭) એ માટે યહોવાહ પોતાના ભક્તો દ્વારા ખુશખબર જણાવે છે. પોતાની શક્તિથી લોકોને સત્ય શીખવા મદદ કરે છે. જરા વિચારો કે યહોવાહે પોતાની ભક્તિ માટે જેઓને ભેગા કર્યા છે, તેઓમાંના તમે એક છો. એ કેવો મોટો આશીર્વાદ કહેવાય!—યિર્મેયાહ ૯:૨૩, ૨૪ વાંચો.
સારી વ્યક્તિ બનાવતું યહોવાહનું શિક્ષણ
૬. “યહોવાહના જ્ઞાનથી” લોકોના જીવનમાં કેવા ફેરફાર આવ્યા છે?
૬ યશાયાહ એક ભવિષ્યવાણીમાં સરસ શબ્દચિત્ર વાપરે છે. એ ભવિષ્યવાણી બતાવે છે આપણા સમયમાં પણ લોકોના સ્વભાવમાં કેવો સુધારો થાય છે. જેમ કે, પહેલાંના નિર્દય લોકો, નરમ દિલના બન્યા. (યશાયાહ ૧૧:૬-૯ વાંચો.) નાતજાત, ઊંચનીચ અને જુદા જુદા દેશને લીધે જાની દુશ્મન હતા, તેઓ સંપથી રહેવાનું શીખ્યા. તેઓએ જાણે કે “પોતાની તરવારોને ટીપીને કોશો” બનાવ્યા. (યશા. ૨:૪) આવા મોટા ફેરફારો કઈ રીતે થયા? લોકોએ ‘યહોવાહનું જ્ઞાન’ લીધું અને તેઓ એ પ્રમાણે જીવે છે. આપણે બધાય કંઈ કેટલીય ભૂલો કરીએ છીએ, તોપણ યહોવાહના ભક્તોમાં સંપ અને પ્રેમ છે. એ જોઈને દુનિયાભરમાં ઘણાને યહોવાહનું શિક્ષણ લેવું ગમે છે. તેઓ જોઈ શકે છે કે એનાથી કેટલો ફાયદો થાય છે. એ જ બતાવે છે કે યહોવાહનું શિક્ષણ અજોડ છે.—માથ. ૧૧:૧૯.
૭, ૮. (ક) એ ‘કિલ્લાઓ’ શું છે, જેમાંથી આઝાદ થવા યહોવાહનું શિક્ષણ મદદ કરે છે? (ખ) યહોવાહના શિક્ષણ કઈ રીતે તેમનું નામ રોશન કરે છે?
૭ ઈશ્વરભક્ત પાઊલે ખુશખબર જણાવવાની સરખામણી યુદ્ધ સાથે કરી. તેમણે લખ્યું કે ‘અમારી લડાઈનાં હથિયાર દુન્યવી નથી, પણ ઈશ્વરની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે; અમે ઈશ્વરના જ્ઞાનની વિરૂદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ.’ (૨ કોરીં. ૧૦:૪, ૫) આ ‘કિલ્લાઓ’ શું છે, જેમાંથી આઝાદ થવા યહોવાહનું શિક્ષણ મદદ કરે છે? એ જૂઠા ધાર્મિક શિક્ષણના કિલ્લાઓ છે, અંધશ્રદ્ધા અને દુનિયાની ફિલસૂફીના કિલ્લાઓ છે, જેને યહોવાહનું શિક્ષણ તોડી પાડે છે. (કોલો. ૨:૮) યહોવાહ જે શીખવે છે, એનાથી લોકો ખોટા રીત-રિવાજોથી મુક્ત થયા છે. તેઓએ અનમોલ મોતી જેવા ગુણો કેળવ્યા છે. (૧ કોરીં. ૬:૯-૧૧) કુટુંબમાં પ્રેમ અને સંપ લાવવા મદદ મળી છે. તેઓને જીવનનો મકસદ મળ્યો. આજે આપણને એવા જ શિક્ષણની જરૂર છે.
૮ યહોવાહનું શિક્ષણ લોકોને ઇમાનદાર બનવા મદદ કરે છે. (હેબ્રી ૧૩:૧૮) ચાલો એક અનુભવ જોઈએ. ભારતમાં એક સ્ત્રી બાઇબલ સ્ટડી કરવા લાગી. સમય જતાં, બીજાઓને શીખવવા લાગી. એક દિવસ તે કિંગ્ડમ હૉલના બાંધકામ માટે ગઈ હતી. ત્યાંથી ઘરે પાછા આવતા તેને બસ સ્ટૅન્ડ નજીક સોનાની ચેન મળી. એની કિંમત લગભગ ચાળીસ હજાર રૂપિયા (આઠસો ડૉલર) હતી! તે બહેન પોતે ગરીબ હોવા છતાં, એ ચેન પોલીસ સ્ટેશને લઈ ગઈ. પોલીસને તો એ માનવામાં જ ન આવ્યું. પછીથી એક ઑફિસરે તેને પૂછ્યું, “કેમ એ ચેન તેં ન રાખી લીધી?” બહેને કહ્યું કે “બાઇબલની મદદથી હું ઇમાનદાર બની છું.” તે બહેન સાથે એક વડીલ ભાઈ પણ હતા. એ ઑફિસરે ભાઈને કહ્યું, “આ રાજ્યમાં ત્રણ કરોડ એંસી લાખ લોકો રહે છે. એમાંથી દસ વ્યક્તિને જો તમે આ સ્ત્રી જેવા ઇમાનદાર બનાવો તો કેટલું સારું!” યહોવાહના શિક્ષણથી લાખો લોકોએ જીવનમાં એવા જ ફેરફાર કર્યા છે. સાચે જ, એનાથી યહોવાહનું નામ રોશન થાય છે!
૯. લોકો કઈ રીતે પોતાના જીવનમાં મોટા ફેરફારો કરી શકે છે?
૯ યહોવાહની શક્તિ અને બાઇબલ લોકોને જીવનમાં મોટા મોટા ફેરફારો કરવા મદદ કરે છે. (રૂમી ૧૨:૨; ગલા. ૫:૨૨, ૨૩) કોલોસી ૩:૧૦ કહે છે, “જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે” પહેરી લો. બાઇબલના સંદેશામાં એટલી શક્તિ છે, જેનાથી વ્યક્તિ જાણી શકે કે પોતાના દિલમાં શું છે. પછી વ્યક્તિ પોતે ચાહે તો પોતાના વાણી-વર્તનમાં સુધારો કરી શકે છે. (હેબ્રી ૪:૧૨ વાંચો.) બાઇબલનું શિક્ષણ લઈ અને યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ તો, આપણે તેમની સાથે પાકો નાતો બાંધી શકીશું. એનાથી આપણા માટે અમર જીવનનો માર્ગ પણ ખુલે છે.
આવનાર ભાવિ માટે તૈયારી
૧૦. (ક) કેમ યહોવાહ જ આપણને ભાવિ માટે સારી મદદ આપી શકે છે? (ખ) જલદી જ આખી પૃથ્વી પર શું થશે?
૧૦ યહોવાહ એકલા જ જાણે છે કે આ દુનિયાનું શું થવાનું છે. મનુષ્યોનું શું થવાનું છે. એટલે ભાવિ માટે તેમના જેટલી સારી મદદ બીજું કોઈ જ આપી ન શકે. (યશા. ૪૬:૯, ૧૦) બાઇબલની ભવિષ્યવાણીઓ સાબિતી આપે છે કે “યહોવાહનો મહાન દિવસ નજીક છે.” (સફા. ૧:૧૪) એ દિવસ વિષે નીતિવચનો ૧૧:૪ કહે છે, “ન્યાયના દિવસે તમારી સંપત્તિ કામ નહિ લાગે, તે વખતે તો કેવળ ન્યાયીપણું જ તમારો બચાવ કરશે.” (IBSI) શેતાનની દુનિયાનો ન્યાય થશે ત્યારે, ધનદોલત કંઈ કામ આવવાની નથી. યહોવાહ સાથે આપણો પાકો નાતો કામ આવશે. હઝકીએલ ૭:૧૯ કહે છે, “તેઓ પોતાનું રૂપું રસ્તાઓમાં ફેંકી દેશે, ને તેમનું સોનું અશુદ્ધ વસ્તુના જેવું થઈ પડશે.” એ જાણવાથી આપણને હમણાં સમજી-વિચારીને નિર્ણય લેવા મદદ મળે છે.
૧૧. યહોવાહનું શિક્ષણ કઈ એક રીતે આપણને ભાવિ માટે તૈયાર કરે છે?
૧૧ યહોવાહનું શિક્ષણ આપણને તેમના દિવસ માટે કઈ રીતે તૈયાર કરે છે? એક તો એ આપણને જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે, એ નક્કી કરવા મદદ કરે છે. પાઊલે તીમોથીને લખ્યું: ‘આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે, કે તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્ય પર નહિ, પણ ઈશ્વર પર આશા રાખે.’ ભલે ધનવાન ન હોઈએ તોપણ, આપણને એ સલાહ લાગુ પડે છે. કઈ રીતે? આપણે ધનદોલત કે માલમિલકત પાછળ પડવાને બદલે ‘ભલું કરીએ.’ ‘ઉત્તમ કામોથી’ ભરપૂર થઈએ. યહોવાહની ભક્તિ જીવનમાં પહેલી રાખીને, ‘ભવિષ્યને માટે સારો પાયો’ બાંધીએ. (૧ તીમો. ૬:૧૭-૧૯) એ રીતે જીવવામાં આપણું પોતાનું જ ભલું છે. ઈસુએ કહ્યું હતું કે “જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાનિ પામે, તો તેને શો લાભ થશે?” (માથ. ૧૬:૨૬, ૨૭) યહોવાહનો દિવસ એકદમ નજીક છે. એટલે ચાલો આપણે દરેક આ સવાલો પર વિચાર કરીએ: ‘હું મારી “સંપત્તિ” ક્યાં ભેગી કરું છું? હું ઈશ્વરની ભક્તિમાં ડૂબેલો છું કે પછી પૈસાનો ગુલામ બની ગયો છું?’—માથ. ૬:૧૯, ૨૦, ૨૪.
૧૨. યહોવાહ વિષે જણાવવાનું કામ અમુકને ન ગમે, એનાથી કેમ હિંમત ન હારવી જોઈએ?
૧૨ બાઇબલ પ્રમાણે, લોકોનું ‘ભલું કરવાની’ સૌથી સારી રીત કઈ છે? તેઓને યહોવાહના રાજ્ય વિષે જણાવીએ અને શીખવીએ. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) એમ કરીએ ત્યારે, પહેલી સદીની જેમ કદાચ અમુક લોકો આપણું અપમાન પણ કરે. (૧ કોરીંથી ૧:૧૮-૨૧ વાંચો.) પણ એનાથી આપણો સંદેશો કંઈ નકામો જતો નથી. હજુ સમય છે ત્યાં સુધી દરેકને યહોવાહની ભક્તિ કરવાની તક આપીએ, ભલે તેઓ એ સ્વીકારે કે ન સ્વીકારે. (રૂમી ૧૦:૧૩, ૧૪) લોકોને યહોવાહનું શિક્ષણ આપીએ તેમ, આપણને પોતાને પણ ઘણા આશીર્વાદ મળશે.
ભોગ આપવાથી યહોવાહ આપણને આશીર્વાદ આપશે
૧૩. પાઊલે યહોવાહનું શિક્ષણ લીધા પછી કેવો ભોગ આપ્યો?
૧૩ ઈસુના શિષ્ય બન્યા એ પહેલાં પાઊલનું જીવન કેવું હતું? તેમને યહુદી સમાજમાં આગળ વધવાનું શિક્ષણ આપવામાં આવ્યું. ફક્ત ૧૩ વર્ષની ઉંમરે પાઊલ તાર્સસ છોડીને યરૂશાલેમ ભણવા ગયા. ત્યાં કાયદાના જાણીતા શિક્ષક ગમાલીએલના હાથ નીચે તે ભણ્યા. (પ્રે.કૃ. ૨૨:૩) સમય જતાં પાઊલ બીજા કરતાં ચડિયાતા સાબિત થયા. જો તેમણે એ જ રસ્તો પકડી રાખ્યો હોત તો યહુદી ધર્મગુરુઓમાં મોટા માણસ બની જાત. (ગલા. ૧:૧૩, ૧૪) પરંતુ, પાઊલે યહોવાહનું શિક્ષણ લીધું. તેમણે બીજાઓને એ વિષે શીખવવાનું શરૂ કર્યું. એ સમયથી, બીજું બધુંય જતું કર્યું. પાઊલે એ ભોગ આપ્યો, એનો શું તેમને કદીયે અફસોસ થયો? ના. પાઊલે લખ્યું કે “ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું; એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું.”—ફિલિ. ૩:૮.
૧૪, ૧૫. યહોવાહની “સાથે કામ કરનારા” બનવાથી આપણે કેવા આશીર્વાદ અનુભવીએ છીએ?
૧૪ પાઊલની જેમ જ આજે યહોવાહના ભક્તો બીજાઓને શીખવવા જીવનમાં ઘણું જતું કરે છે. (માર્ક ૧૦:૨૯, ૩૦) શું આપણને એનો અફસોસ છે? ના, જરાય નહિ. આ લેખની શરૂઆતમાં આપણે રોબર્ટની વાત કરી હતી. રોબર્ટ કહે છે: “મને જરાય અફસોસ નથી કે હું યહોવાહની ભક્તિ પાછળ મોટા ભાગનો સમય કાઢું છું. એનો મને આનંદ છે, સંતોષ છે. એનાથી મેં ‘અનુભવ કર્યો કે યહોવાહ ઉત્તમ છે.’ યહોવાહની ભક્તિ માટે મેં જે કંઈ ભોગ આપ્યો હોય, એનાથી કંઈ કેટલાય વધારે આશીર્વાદ તેમણે મારા પર વરસાવ્યા છે. મેં જીવનમાં કંઈ જ ગુમાવ્યું નથી!” મોટા ભાગે આપણને પણ રોબર્ટ જેવું જ લાગે છે.—ગીત. ૩૪:૮; નીતિ. ૧૦:૨૨.
૧૫ કદાચ તમે પણ અમુક સમયથી લોકોને યહોવાહ વિષે શીખવી રહ્યા હશો. તમે પણ અનુભવ્યું હશે કે યહોવાહ કેટલા મહાન છે. શું એવું બન્યું છે કે કોઈને શીખવતી વખતે, તમે યહોવાહની મદદનો અહેસાસ કર્યો હોય? અથવા તો શું તમે જોયું છે કે યહોવાહે કોઈનું દિલ એવું ખોલ્યું હોય કે સંદેશો સાંભળીને તેની આંખોમાં ચમક આવી ગઈ હોય? (પ્રે.કૃ. ૧૬:૧૪) શું યહોવાહે તમારી કોઈ મુસીબતો સહન કરવા મદદ કરી છે, જેનાથી કદાચ તમે ખુશખબર જણાવવામાં વધારે સમય આપી શક્યા હોવ? કે પછી કદાચ સત્યના માર્ગમાં તમે સાવ થાકી ગયા હોવ, એવા સમયે યહોવાહે તમને સાથ આપ્યો? (ફિલિ. ૪:૧૩) લોકોને યહોવાહ વિષે શીખવતી વખતે તેમનો સાથ અનુભવીએ ત્યારે, આપણી શ્રદ્ધા ઓર ખીલી ઊઠે છે. આપણે જાણે યહોવાહની સાથે સાથે ચાલીએ છીએ. (યશા. ૪૧:૧૦) યહોવાહનું શિક્ષણ લોકોને આપવામાં, તેમની “સાથે કામ કરનારા” બનવાનો કેવો મોટો આશીર્વાદ છે!—૧ કોરીં. ૩:૯.
૧૬. યહોવાહનું શિક્ષણ બીજાને આપવા તમે જે કંઈ કરો છો, એના વિષે તમને કેવું લાગે છે?
૧૬ મોટા ભાગે લોકો જીવનમાં એવું કંઈક કરવા માગે છે, જે કાયમ ટકે. આપણે જોયું કે દુનિયામાં ગમે એવું મોટું કામ કર્યું હોય કે નામ કમાયા હોઈએ, એ જલદી જ ભૂલાઈ જાય છે. પરંતુ, યહોવાહનું નામ પવિત્ર મનાય, એ માટે તેમના ભક્તો જે કંઈ કરે છે, એ કદી નહિ ભૂલાય. યહોવાહના લોકોના ઇતિહાસમાં એ કાયમ માટે લખાઈ જશે. (નીતિ. ૧૦:૭; હેબ્રી ૬:૧૦) બીજાને યહોવાહનું અમૂલ્ય શિક્ષણ આપવાનું કામ હંમેશાં યાદ રહેશે. એ કામ કરવું, કેવો મોટો આશીર્વાદ છે! (w09 9/15)
આપણે શું શીખ્યા?
• યહોવાહ પાસેથી શીખવા માટે આપણે શું કરવાની જરૂર છે?
• યહોવાહના શિક્ષણથી લોકોનાં જીવનમાં કેવા ફેરફારો આવે છે?
• બીજા લોકોને યહોવાહના શિક્ષણનો લાભ ઉઠાવવા મદદ કરવાથી આપણને કેવા આશીર્વાદ મળે છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૬ પર ચિત્ર]
યહોવાહનું શિક્ષણ લેનારા આખી દુનિયામાં સંપથી રહે છે
[પાન ૨૭ પર ચિત્ર]
યહોવાહની “સાથે કામ કરનારા” બનવું કેવો મોટો આશીર્વાદ છે!