આવાં દુઃખો ઈશ્વર કેમ આવવા દે છે?
આવાં દુઃખો ઈશ્વર કેમ આવવા દે છે?
આજે બૂરાઈ ક્યાં નથી? જ્યાં જુઓ ત્યાં જોરજુલમ અને કાળાં કામો જોવા મળે છે. યુદ્ધોમાં નિર્દોષ લોકો માર્યા જાય છે, સૈનિકોના જીવન હોમાઈ જાય છે. ચારે બાજુ ગુનાખોરી અને હિંસા જોવા મળે છે. કદાચ તમે પોતે કોઈ અન્યાયનો ભોગ બન્યા હોવ. અરે, તમે ઉપરવાળાને ફરિયાદ પણ કરી હોય કે ‘હે ભગવાન, તું કેમ બૂરાઈ મિટાવી દેતો નથી?’
એવો જ સવાલ લગભગ ૩,૬૦૦ વર્ષ પહેલાં, અયૂબ નામના ઈશ્વરભક્તે પૂછ્યો હતો, “દુષ્ટો શા માટે જીવે છે?” (અયૂબ ૨૧:૭) લગભગ ૨,૬૦૦ વર્ષ પહેલાં બીજા એક ઈશ્વરભક્ત યિર્મેયાહને પણ બેહદ બૂરાઈ જોઈને થયું કે “દુષ્ટોનો માર્ગ શા માટે સફળ થાય છે? જેઓ અતિશય વિશ્વાસઘાત કરે છે તેઓ સર્વ શા માટે સુખી હોય છે?” (યિર્મેયાહ ૧૨:૧) અયૂબ અને યિર્મેયાહને પૂરી શ્રદ્ધા હતી કે ઈશ્વર અન્યાયી નથી. તોયે તેઓને થયું કે કેમ આટલી બૂરાઈ? ક્યાં સુધી આવું ચાલશે? કદાચ તમને પણ એવું થાય.
અમુક કહે છે કે ‘એ તો જેવી ભગવાનની મરજી!’ બીજા અમુક વિચારે છે કે ‘જો ઈશ્વર શક્તિશાળી હોય, જો તેમનો ઇન્સાફ અદલ ઇન્સાફ હોય તો કેમ આજ સુધી દુષ્ટતા છે? જો તે પ્રેમના સાગર હોય તો કેમ બૂરાઈ, દુઃખ-દર્દ મિટાવી દેતા નથી?’ હવે પછીનો લેખ આવા મહત્ત્વના સવાલોના જવાબ આપે છે. (w07 9/15)
[પાન ૩ પર ક્રેડીટ લાઈન]
AP Photo/Adam Butler