ઈશ્વરની શક્તિ તથા કન્યા કહે છે, કે આવ
ઈશ્વરની શક્તિ તથા કન્યા કહે છે, કે આવ
‘ઈશ્વરની શક્તિ તથા કન્યા કહે છે, કે આવ. જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.’—પ્રકટી. ૨૨:૧૭.
૧, ૨. ઈશ્વરની ભક્તિ આપણા જીવનમાં કયા સ્થાને હોવી જોઈએ?
ઈશ્વરની ભક્તિ આપણા જીવનમાં કયા સ્થાને હોવી જોઈએ? ઈસુએ તેમના શિષ્યોને અરજ કરતા કહ્યું હતું, ‘તમે પહેલાં ઈશ્વરના રાજ્યને શોધો.’ પછી શિષ્યોને ખાતરી આપતા કહ્યું કે એમ કરશો તો ઈશ્વર તમને જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડશે. (માથ. ૬:૨૫-૩૩) તેમણે ઈશ્વરના રાજ્યને એક મોતી સાથે સરખાવ્યું. આ અનમોલ મોતી વિષે એક વેપારીને ખબર પડી ત્યારે “તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું.” (માથ. ૧૩:૪૫, ૪૬) આપણા વિષે શું? આ રાજ્ય વિષે લોકોને જણાવીને શિષ્યો બનાવવા, શું આપણા માટે સૌથી મહત્ત્વનું કામ ન હોવું જોઈએ?
૨ આપણે ગયા બે લેખોમાં જોઈ ગયા કે ઈશ્વરની શક્તિ પ્રચારમાં હિંમતથી બોલવા અને બાઇબલનો સારો ઉપયોગ કરવા મદદ કરે છે. ઈશ્વરની શક્તિ આપણને પ્રચારમાં નિયમિત રહેવા પણ મદદ કરે છે. ચાલો જોઈએ કે કઈ રીતે.
બધાને આમંત્રણ!
૩. બધા લોકોને કયું પાણી પીવાનું આમંત્રણ મળ્યું છે?
૩ ઈશ્વરે તેમની શક્તિ દ્વારા બધા લોકોને એક આમંત્રણ આપ્યું છે. (પ્રકટીકરણ ૨૨:૧૭ વાંચો.) એ આમંત્રણ છે: ‘આવો અને ખાસ પ્રકારના પાણીથી તમારી તરસ બૂઝાવો.’ આ કંઈ બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઑક્સિજનથી બનેલું સામાન્ય પાણી નથી. ખરું કે જીવન ટકાવવા પાણી બહુ જરૂરી છે. પણ ઈસુએ કૂવા પાસે એક સમરૂની સ્ત્રીને બીજા પ્રકારના પાણી વિષે જણાવ્યું હતું. તેમણે કહ્યું: “જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ; પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યાં કરશે.” (યોહા. ૪:૧૪) લોકોને એવું પાણી પીવાનું આમંત્રણ મળ્યું છે જેનાથી તેઓને અનંતજીવન મળે છે.
૪. જીવનના પાણીની કેમ જરૂર પડી? આ પાણી શાને બતાવે છે?
૪ આવા પાણીની જરૂર ક્યારથી ઊભી થઈ? આદમે તેની પત્ની હવાનું કહ્યું માનીને સરજનહાર યહોવાહની આજ્ઞા તોડી ત્યારથી. (ઉત. ૨:૧૬, ૧૭; ૩:૧-૬) આ યુગલ જે એદન બાગમાં રહેતું હતું ત્યાં જીવનનું વૃક્ષ પણ હતું. જો આદમ ‘હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય તો સદા જીવતો રહે.’ એમ ન થાય એ માટે યહોવાહે તેઓને એદન બાગમાંથી કાઢી મૂક્યા. (ઉત. ૩:૨૨) આદમ અને હવામાંથી આખી માણસજાત ઊતરી આવી. આદમ પાપ કરીને મરણ લાવ્યો, એટલે સર્વ મનુષ્યમાં પણ મરણ આવ્યું. (રૂમી ૫:૧૨) માણસને પાપ અને મરણમાંથી છોડાવવા ઈશ્વરે જીવનનું પાણી પીવા આમંત્રણ આપ્યું છે. જીવનનું પાણી યહોવાહની એ સર્વ ગોઠવણોને બતાવે છે, જે તેમણે સારા લોકોને પાપ અને મરણમાંથી છોડાવવા માટે કરી છે. આ ગોઠવણ દ્વારા માણસ સુંદર ધરતી પર અમરજીવન મેળવી શકે છે. ઈસુએ મનુષ્ય માટે પોતાનો જીવ આપી દીધો, એનાથી આ બધી ગોઠવણો શક્ય બની છે.—માથ. ૨૦:૨૮; યોહા. ૩:૧૬; ૧ યોહા. ૪:૯, ૧૦.
૫. ‘જીવનનું પાણી મફત લેવાનું’ આમંત્રણ કોના તરફથી છે? સમજાવો.
૫ ‘આવ, જીવનનું પાણી મફત લે.’ આ આમંત્રણ કોના તરફથી છે? ચાલો જોઈએ. બાઇબલ “સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી” વિષે જણાવે છે. આ નદી ઈસુ દ્વારા થયેલી જીવનની બધી ગોઠવણોને બતાવે છે, જેનો પૂરો લાભ માણસજાતને ઈસુના હજાર વર્ષના રાજમાં મળશે. આ નદી ‘ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળે’ છે. (પ્રકટી. ૨૨:૧) આ બતાવે છે કે જીવન આપતું પાણી યહોવાહ તરફથી આવે છે. તે જ આપણા જીવનદાતા છે. (ગીત. ૩૬:૯) “હલવાન” એટલે કે ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહ એ પાણી માણસજાતને આપે છે. (યોહા. ૧:૨૯) યહોવાહ આ નદી જેવી ગોઠવણ દ્વારા આદમના પાપથી થયેલું બધું નુકસાન ભરપાઈ કરી દેશે. આમ, ‘જીવનનું પાણી મફત લેવાનું’ આમંત્રણ ખુદ યહોવાહ તરફથી આવે છે.
૬. “જીવનના પાણીની નદી”એ ક્યારથી વહેવાનું શરૂ કર્યું છે?
૬ “જીવનના પાણીની નદી” પૂરી રીતે ઈસુના હજાર વર્ષના રાજમાં વહેશે. પણ એ નદીનું ઝરણું ‘પ્રભુના દહાડાʼથી ફૂટી નીકળ્યું છે, જેની શરૂઆત ૧૯૧૪માં થઈ હતી. ત્યારે “હલવાન” ઈસુ ખ્રિસ્તનો સ્વર્ગમાં રાજ્યાભિષેક થયો હતો. (પ્રકટી. ૧:૧૦) એ દિવસથી માણસજાતને પાણીની અમુક ગોઠવણોનો લાભ મળવા લાગ્યો છે. એ ગોઠવણોમાં બાઇબલનો સંદેશો પણ આવી જાય છે, કેમ કે એનો ‘જળ’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (એફે. ૫:૨૬) ‘આવો, જીવનનું પાણી મફત લો,’ આમંત્રણ સર્વ લોકો માટે છે. તેઓ રાજ્યની ખુશખબર સાંભળીને, સ્વીકારીને એનો લાભ લઈ શકે છે. પ્રભુના દિવસમાં આ આમંત્રણ કોણ આપી રહ્યું છે?
‘કન્યા કહે છે, કે આવ’
૭. ‘પ્રભુના દિવસʼમાં કોણે સૌથી પહેલા આમંત્રણ આપ્યું છે? તેઓએ કોને આમંત્રણ આપ્યું છે?
૭ આ આમંત્રણ સૌથી પહેલા તો કન્યા વર્ગના સભ્યોએ આપ્યું છે. કન્યા વર્ગ એટલે અભિષિક્તો. શું અભિષિક્તો પોતાને આ આમંત્રણ આપે છે? ના. તેઓ એવા લોકોને આમંત્રણ આપે છે જેઓને ‘સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ’ પૂરી થયા પછી અનંતજીવનની આશા છે.—પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬ વાંચો.
૮. શું બતાવે છે કે અભિષિક્તો છેક ૧૯૧૮થી લોકોને આમંત્રણ આપતા આવ્યા છે?
૮ ઈસુને પગલે ચાલનારા આ અભિષિક્તો છેક ૧૯૧૮થી આમંત્રણ આપતા આવ્યા છે. એ વર્ષે આ જાહેર પ્રવચન આપવામાં આવ્યું હતું: ‘આજે જીવંત કરોડો લોકો કદી મરશે નહિ.’ એનાથી લોકોને આશા મળી કે આર્માગેદનની લડાઈ પછી તેઓ સુંદર ધરતી પર કાયમ માટે સુખ-શાંતિમાં રહી શકશે. વર્ષ ૧૯૨૨માં અમેરિકા ખાતે ઓહાયોના સીડાર પોઈન્ટ શહેરમાં બાઇબલ સ્ટુડન્ટ્સે એક સંમેલન રાખ્યું હતું. એમાં એક પ્રવચનમાં શ્રોતાઓને અરજ કરવામાં આવી કે ‘રાજા અને તેમના રાજ્યને જાહેર કરો.’ આ ઉત્તેજન પછી કન્યા વર્ગના બાકી રહેલા સભ્યો જોઈ શક્યા કે વધુને વધુ લોકો સુધી આમંત્રણ પહોંચાડવાની જરૂર છે. માર્ચ ૧૫, ૧૯૨૯ના ધ વૉચટાવરમાં ‘બધા માટે આમંત્રણ’ વિષય પર એક લેખ હતો. એ પ્રકટીકરણ ૨૨:૧૭ને આધારે હતો. લેખમાં આમ જણાવ્યું હતું: ‘ધરતી પર બાકી રહેલો અભિષિક્ત વર્ગ પરાત્પર ઈશ્વર સાથે જોડાઈને સર્વ લોકોને આમંત્રણ આપે છે, “આવ.” આ સંદેશો એવા લોકોને જણાવવામાં આવશે જેઓને સત્ય અને ન્યાયી દુનિયા વિષે જાણવું છે. એ સંદેશો આજથી જ જણાવવો જોઈએ.’ કન્યા વર્ગ ત્યારથી લઈને હજી પણ લોકોને એ આમંત્રણ આપી રહ્યો છે.
“જે સાંભળે છે તે એમ કહે, કે આવ”
૯, ૧૦. આમંત્રણ સાંભળીને સ્વીકારે છે, તેઓને કેવું ઉત્તેજન આપવામાં આવ્યું?
૯ આમંત્રણ સાંભળીને સ્વીકારે છે તેઓ વિષે શું? તેઓને પણ ઉત્તેજન મળ્યું છે કે બીજાઓને એ આમંત્રણ આપે. દાખલા તરીકે, ઑગસ્ટ ૧, ૧૯૩૨ ધ વૉચટાવરમાં પાન ૨૩૨ પર આમ જણાવ્યું હતું: ‘અભિષિક્તો બીજાઓને ઉત્તેજન આપે કે તેઓ પણ રાજ્યની ખુશખબર જણાવવામાં ભાગ લે. પ્રભુનો સંદેશો જણાવવા માટે તેઓ અભિષિક્ત હોય એ જરૂરી નથી. યહોવાહના સાક્ષીઓને હવે એ જાણીને બહુ ખુશી થાય છે કે તેઓ લોકોને જીવનનું પાણી આપી શકે છે. એવા લોકોને કે જેઓ આર્માગેદન પાર કરીને પૃથ્વી પર અનંતજીવન પામવા યોગ્ય છે.’
૧૦ સંદેશો સાંભળે છે તેઓની જવાબદારી પર ભાર મૂકતા ઑગસ્ટ ૧૫, ૧૯૩૪ના ધ વૉચટાવરમાં પાન ૨૪૯ પર આમ જણાવ્યું હતું: ‘યોનાદાબ વર્ગના લોકોએ રાજ્યનો સંદેશો જણાવવા યેહૂ વર્ગના (અભિષિક્ત) લોકો સાથે જોડાવવું જ જોઈએ. પછી ભલે ને તેઓ યહોવાહના અભિષિક્ત સાક્ષીઓ ન હોય.’ ૧૯૩૫માં પ્રકટીકરણ માં જણાવેલ “મોટી સભા”ની ઓળખ આપવામાં આવી. એનાથી ઈશ્વરનું આમંત્રણ વધુને વધુ લોકો સુધી પહોંચવા લાગ્યું. ત્યારથી લઈને યહોવાહને ભજતી મોટી સભાની સંખ્યા દિવસે દિવસે વધતી જ ગઈ. આજે સિત્તેર લાખથી વધારે લોકો આમંત્રણ સ્વીકારીને મોટી સભાનો ભાગ બન્યા છે. રાજ્યનો સંદેશો આ લોકોએ દિલથી સ્વીકાર્યો છે. ઈશ્વરને પોતાનું સમર્પણ કરીને તેઓએ પાણીમાં બાપ્તિસ્મા લીધું છે. આ રીતે તેઓ કન્યા વર્ગ સાથે જોડાઈને બીજાઓને આમંત્રણ આપે છે કે ‘જીવનનું પાણી મફત લે.’ ૭:૯-૧૭
‘ઈશ્વરની શક્તિ કહે છે કે આવ’
૧૧. પહેલી સદીમાં પ્રચાર કાર્યમાં કઈ રીતે યહોવાહની શક્તિએ મોટો ભાગ ભજવ્યો હતો?
૧૧ નાઝારેથના એક સભાસ્થાનમાં ઈસુ પ્રચાર કરતા હતા ત્યારે, તેમણે યશાયાહ પ્રબોધકનું પુસ્તક ઉઘાડીને આ પ્રમાણે લખેલું વાંચ્યું: ‘પ્રભુ યહોવાહની શક્તિ મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારૂ તેણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દૃષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થએલાઓને છોડાવવા, તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા સારૂ તેણે મને મોકલ્યો છે.’ પછી એ શબ્દો પોતાને લાગુ પાડતા ઈસુએ કહ્યું: “આજ આ ધર્મલેખ તમારા સાંભળતાં પૂરો થયો છે.” (લુક ૪:૧૭-૨૧) સ્વર્ગમાં ચઢી જતા પહેલાં ઈસુએ તેમના શિષ્યોને કહ્યું હતું: ‘પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.’ (પ્રે.કૃ. ૧:૮) પહેલી સદીમાં પ્રચાર કાર્યને આગળ ધપાવવા યહોવાહની શક્તિએ મોટો ભાગ ભજવ્યો હતો.
૧૨. આજે લોકોને આમંત્રણ આપવા યહોવાહ પોતાની શક્તિ દ્વારા કઈ રીતે મદદ કરી રહ્યા છે?
૧૨ આજે યહોવાહ પોતાની શક્તિ દ્વારા કઈ રીતે લોકોને આમંત્રણ આપવા મદદ કરે છે? એ માટે કન્યા વર્ગના સભ્યોને બાઇબલનું સત્ય સમજવા યહોવાહ પોતાની શક્તિ આપે છે. એ સત્ય સમજીને તેઓને પ્રેરણા મળે છે કે સત્યના તરસ્યા લોકોને એ સંદેશો પહોંચાડે. સંદેશો સાંભળનારાને સુંદર ધરતી પર અનંતજીવનની આશા મળે છે. જેઓ સંદેશો સ્વીકારીને ઈસુના શિષ્યો બને છે, અને બીજાઓને પણ સંદેશો જણાવવા લાગે છે તેઓ વિષે શું? તેઓના કિસ્સામાં પણ યહોવાહની શક્તિ મદદ કરે છે. ‘પવિત્ર શક્તિને નામે’ બાપ્તિસ્મા લઈને તેઓ યહોવાહની પ્રેરણાથી બીજાઓને પણ સંદેશો જણાવે છે. તેઓ માર્ગદર્શન માટે યહોવાહ પર નિર્ભર રહે છે. (માથ. ૨૮:૧૯) અભિષિક્તો અને વધી રહેલી મોટી સભાએ જે સંદેશાનો પ્રચાર કર્યો છે એનો પણ વિચાર કરો. એ સંદેશો બાઇબલમાંથી છે. બાઇબલ યહોવાહની શક્તિથી લખાયું છે. એટલે આ આમંત્રણ યહોવાહ તરફથી છે. યહોવાહની શક્તિ આપણને બધાને દોરે છે એ જાણીને આપણા પર કેવી અસર પડવી જોઈએ? બીજાઓને આમંત્રણ આપવામાં શું આપણે પૂરતો સમય કાઢીએ છીએ?
તેઓ “કહે છે, કે આવ”
૧૩. ‘ઈશ્વરની શક્તિ અને કન્યા કહેતા રહે છે, કે આવ,’ આ શબ્દોથી શું જાણવા મળે છે?
૧૩ ‘ઈશ્વરની શક્તિ તથા કન્યા’ ખાલી એમ જ કહેતા નથી કે “આવ.” બાઇબલની મૂળ ભાષા પ્રમાણે તેઓ એમ સતત કહેતા રહે છે. એટલે જ ન્યુ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલમાં આમ ભાષાંતર થયું છે: ‘ઈશ્વરની શક્તિ અને કન્યા કહેતા રહે છે, કે આવ.’ આ બતાવે છે કે તેઓ ઈશ્વરનું આમંત્રણ સતત આપતા રહે છે. જેઓ એ સાંભળીને સ્વીકારે છે તેઓ વિષે શું? તેઓ પણ બીજાઓને આમંત્રણ આપતા રહે છે. ઈશ્વરભક્તોથી બનેલી મોટી સભા વિષે બાઇબલ કહે છે: ‘તેઓ યહોવાહના મંદિરમાં રાતદહાડો સેવા કરે છે.’ (પ્રકટી. ૭:૯, ૧૫) કયા અર્થમાં ‘રાતદહાડો સેવા’ કરે છે? (લુક ૨:૩૬, ૩૭; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૧; ૨ થેસ્સાલોનીકી ૩:૮ વાંચો.) વૃદ્ધ પ્રબોધિકા આન્ના અને પ્રેરિત પાઊલનો વિચાર કરો. તેઓ ભક્તિમાં રોજ લાગુ રહીને ‘રાતદિવસ સેવા’ કરતા.
૧૪, ૧૫. દાનીયેલે કઈ રીતે પોતાના દાખલાથી બતાવ્યું કે યહોવાહની ભક્તિમાં નિયમિત રહેવું મહત્ત્વનું છે?
૧૪ પ્રબોધક દાનીયેલે પણ પોતાના દાખલાથી બતાવ્યું કે યહોવાહની ભક્તિમાં નિયમિત હોવું કેટલું જરૂરી છે. (દાનીયેલ ૬:૪-૧૦, ૧૬ વાંચો.) દાનીયેલ વર્ષોથી “દિવસમાં ત્રણવાર” યહોવાહને પ્રાર્થના કરતા. એક મહિના માટે દાનીયેલનો જીવ જોખમમાં હતો ત્યારે પણ તેમણે રોજ ત્રણવાર પ્રાર્થના કરવાનું છોડ્યું નહિ. એ માટે તે સિંહોના બીલમાં નંખાવા પણ તૈયાર હતા. ત્યાં હાજર સર્વ જોઈ શક્યા કે દાનીયેલ માટે યહોવાહની નિયમિત ભક્તિ કરવા સિવાય બીજું કંઈ જ મહત્ત્વનું નથી!—માથ. ૫:૧૬.
૧૫ દાનીયેલે એ માટે સિંહોના બીલમાં એક રાત કાઢવી પડી. સવાર પડતા જ રાજા પોતે ત્યાં ઉતાવળે ધસી ગયો ને રડતે સાદે પોકારી ઊઠ્યો: “હે દાનીયેલ, જીવતા દેવના સેવક, શું તારો દેવ, જેની તું નિરંતર ઉપાસના કરે છે, તે તને સિંહોથી બચાવી શક્યો છે?” દાનીયેલે તરત જ રાજાને કહ્યું: “હે રાજા, સદા જીવતા રહો. મારા દેવે પોતાના દૂતને મોકલીને સિંહોનાં મોં બંધ કરાવ્યાં છે, ને તેઓએ મને કંઈ પણ ઈજા કરી નથી; કેમકે હું તેની નજરમાં નિર્દોષ માલૂમ પડ્યો; વળી, હે રાજા, મેં આપનો પણ કંઈ અપરાધ કર્યો નથી.” દાનીયેલ ‘નિરંતર ઉપાસના’ કરતા હોવાથી યહોવાહે તેમને સિંહોથી બચાવ્યા.—દાની. ૬:૧૯-૨૨.
૧૬. દાનીયેલનો દાખલો જોઈને આપણે પ્રચારમાં ભાગ લેવા વિષે કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૧૬ દાનીયેલ એક દિવસ માટે પણ યહોવાહની ભક્તિમાં કોઈ તડજોડ કરવા માગતા ન હતા. એ માટે તે મરવા પણ તૈયાર હતા. આપણા વિષે શું? આપણે નિયમિત રીતે ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા કેવો ભોગ આપીએ છીએ? આપણે કેવો ભોગ આપવા તૈયાર છીએ? યહોવાહ વિષે બીજાઓને જણાવવા માટે આપણે એકેય મહિનો ચૂકવા માગતા નથી! દર અઠવાડિયે પ્રચારમાં જવા બનતો બધો પ્રયત્ન કરીએ છીએ. શરીર સાથ ન આપતું હોય ત્યારે પણ આપણે મહિનામાં પંદરેક મિનિટ કાઢીને બીજાઓને યહોવાહ વિષે જણાવીએ. એનો પણ રિપોર્ટ આપીએ. એ બહુ જરૂરી છે, કેમ કે યહોવાહ અને કન્યા વર્ગ સાથે આપણે પણ અટક્યા વગર આમંત્રણ આપતા રહેવું છે. એટલે દર મહિને થોડો સમય કાઢીને પણ યહોવાહ વિષે લોકોને જણાવીએ. તેમની ભક્તિમાં નિયમિત રહેવા બનતું બધું કરીએ.
૧૭. લોકોને આમંત્રણ આપવા આપણે કેવી તકો ગુમાવવી ન જોઈએ?
૧૭ આપણે ખાલી પ્રચારની ગોઠવણમાં જ ભાગ લેવો ન જોઈએ. બીજી કોઈ પણ રીતે તક મળે ત્યારે સંદેશો જણાવીએ. જેમ કે, ખરીદી કરતી વખતે, મુસાફરીમાં, રજાઓ ગાળવા જઈએ ત્યારે, કામ પર કે સ્કૂલે જતી વખતે વગેરે. આવા સમયે તરસ્યા લોકોને જીવનનું પાણી મફત લેવા આમંત્રણ આપવું કેટલો મોટો લહાવો છે! સરકાર આપણા પ્રચાર કાર્ય પર પ્રતિબંધ મૂકી દે તો શું? ત્યારે આપણે સાવધ રહીને પ્રચાર કરતા રહીએ છીએ. આપણે કોઈ એક ઘરે સંદેશો જણાવીને બીજા વિસ્તારમાં બીજા કોઈ ઘરે જઈ શકીએ. અથવા તો ઘર ઘર સિવાય બીજી રીતોએ સંદેશો જણાવી શકીએ.
કહેતા રહો, કે “આવ!”
૧૮, ૧૯. ઈશ્વર સાથે કામ કરનારા તરીકે મળેલા લહાવાની આપણે કેવી રીતે કદર બતાવી શકીએ?
૧૮ જીવનના પાણી માટે તરસ્યા લોકોને છેલ્લા નેવું વર્ષથી આમંત્રણ મળી રહ્યું છે. યહોવાહની પ્રેરણાથી કન્યા વર્ગ તેઓને કહેતો આવ્યો છે: “આવ.” શું તમને પણ એ આમંત્રણ મળ્યું છે? તો પછી તમને પણ બીજાઓને એ આમંત્રણ આપવા અરજ કરીએ છીએ.
૧૯ આપણે જાણતા નથી કે યહોવાહનું પ્રેમભર્યું આમંત્રણ ક્યાં સુધી લોકોને આપતા રહીશું. પણ એ આપીને આપણે ઈશ્વર સાથે કામ કરનારા બનીએ છીએ. (૧ કોરીં. ૩:૬, ૯) આપણા માટે કેવો મોટો આશીર્વાદ છે! તો ચાલો ‘આપણે ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ નિત્ય કરીએ,’ એટલે કે પ્રચારમાં નિયમિત રહીએ. એમ કરીને બતાવીએ કે એ આશીર્વાદની આપણે કેટલી કદર કરીએ છીએ. (હેબ્રી ૧૩:૧૫) કન્યા વર્ગ સાથે મળીને પૃથ્વી પર રહેવાની આશા રાખનારા આપણે બધા ચાલો એમ કહેતા રહીએ, કે “આવ.” આપણી આશા છે કે વધુને વધુ લોકો જીવનનું પાણી મફત લે! (w10-E 02/15)
તમે શું શીખ્યા?
• “આવ,” આ આમંત્રણ કોને કોને આપવામાં આવ્યું છે?
• આ આમંત્રણ યહોવાહ તરફથી આવ્યું છે એમ આપણે શાને આધારે કહી શકીએ?
• આમંત્રણ આપવામાં ઈશ્વરની શક્તિ કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે?
• આપણે પ્રચારમાં નિયમિત રહેવા કેમ બનતી મહેનત કરવી જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૪ પર ચિત્રનું મથાળું]
કહેતા રહો, કે “આવ!”
૧૯૧૪
૫,૧૦૦ પ્રકાશકો
૧૯૧૮
સુંદર ધરતી પર ઘણા લોકોને અમરજીવનનો આશીર્વાદ મળશે
૧૯૨૨
“રાજા અને તેમના રાજ્યની જાહેરાત કરો, જાહેરાત કરો, જાહેરાત કરો”
૧૯૨૯
ધરતી પર બાકી રહેલા અભિષિક્તો કહે છે, “આવ”
૧૯૩૨
અભિષિક્તો ઉપરાંત બીજા લોકોને પણ “આવ” એમ કહેવાનું આમંત્રણ મળ્યું છે
૧૯૩૪
યોનાદાબ વર્ગને પ્રચાર કરવા આમંત્રણ મળ્યું છે
૧૯૩૫
“મોટી સભા” ની ઓળખ મળી
૨૦૦૯
૭૩,૧૩,૧૭૩ પ્રકાશકો