શું સર્વ સારા લોકો સ્વર્ગમાં જાય છે?
શું સર્વ સારા લોકો સ્વર્ગમાં જાય છે?
ઈસુએ પોતાના મરણની આગલી રાત્રે શિષ્યો સાથે ભોજન લીધું હતું. ત્યારે તેમણે શિષ્યોને કહ્યું: ‘મારા પિતાના ઘરમાં રહેવાની જગ્યા ઘણી છે. હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું.’ (યોહાન ૧૪:૨) શા માટે ઈસુએ તેઓને સ્વર્ગમાં લઈ જવાનું વચન આપ્યું? સ્વર્ગમાં તેઓ શું કરવાના હતા?
ઈસુએ પોતાના શિષ્યો માટે ખાસ કામ રાખ્યું હતું. ઈસુએ તેઓને જણાવ્યું: ‘મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો. જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું.’ (લુક ૨૨:૨૮, ૨૯) ઈશ્વરે ઈસુને પોતાના રાજ્યના રાજા બનાવવાનું વચન આપ્યું છે. આ રાજ્ય લોકોની દુઃખ-તકલીફ દૂર કરશે. દુષ્ટ લોકોનો નાશ કરશે. લોકોને આવા જ રાજ્યની જરૂર છે. ઈસુનું રાજ્ય સ્વર્ગમાં હશે અને એ રાજ્યની પ્રજા ‘પૃથ્વી’ પર હશે.—ગીતશાસ્ત્ર ૭૨:૪, ૮; દાનીયેલ ૭:૧૩, ૧૪.
જોકે ઈસુ રાજ કરશે ત્યારે તેમની સાથે અમુક બીજા સાથીદારો પણ હશે. એટલે તેમણે પોતાના શિષ્યોને સ્વર્ગમાં લઈ જવાનું વચન આપ્યું. ‘તેઓ પૃથ્વી પર રાજ કરવા’ પસંદ કરાએલા પ્રથમ શિષ્યો હતા.—પ્રકટીકરણ ૫:૧૦.
તો પછી, સ્વર્ગમાં કેટલા લોકો જશે? એ સમજવા એક દાખલો લઈએ. જેમ પ્રજામાંથી અમુક લોકો જ સરકાર ચલાવે છે, તેમ સ્વર્ગના રાજ્યમાં અમુક લોકો જ હશે. જેઓ ઈસુને સાથ આપશે તેઓને તેમણે કહ્યું: ‘નાની ટોળી બીહો મા. કેમકે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.’ (લુક ૧૨:૩૨) આ ‘નાની ટોળીની’ સંખ્યા ૧,૪૪,૦૦૦ છે. (પ્રકટીકરણ ૧૪:૧) શા માટે એને નાની ટોળી કહેવાય છે? કેમ કે, પૃથ્વી પર હંમેશ માટે જીવનારા કરોડો લોકોની સરખામણીમાં એ સંખ્યા નાની છે.—પ્રકટીકરણ ૨૧:૪.
આ બતાવે છે કે બધા સારા લોકો સ્વર્ગમાં જશે નહિ. રાજા દાઊદનો વિચાર કરો. તે સારા માણસ હતા પણ તેમના વિષે પ્રેરિત પાઊલે આમ કહ્યું: “દાવિદ કંઈ સ્વર્ગમાં ગયા નહોતા.” (પ્રેષિતોનાં ચરિતો ૨:૩૪, સંપૂર્ણ) યોહાન બાપ્તિસ્મક પણ સારા માણસ હતા. તેમ છતાં ઈસુએ કહ્યું કે તે સ્વર્ગમાં જશે નહિ. તેમણે કહ્યું: “હું તમને કહું છું કે આજ સુધીમાં પૃથ્વી પર જન્મેલાંઓમાં યોહાન જેવો મહાન કોઈ થયો નથી. તો પણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે તે યોહાન કરતાં પણ મહાન છે.”—માથ્થી ૧૧:૧૧. IBSI
સારા લોકોને કેવો આશીર્વાદ મળશે?
સારા લોકોને પૃથ્વી પર હંમેશ માટે જીવવાનો આશીર્વાદ મળશે. એ મેળવવા વ્યક્તિએ શું કરવું જોઈએ? ઈસુએ કહ્યું: ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ દીકરા પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહાન ૩:૧૬) ઈશ્વરને માણસજાત માટે એટલો પ્રેમ છે કે તેમણે તેઓને હંમેશ માટે જીવવાનો મોકો આપ્યો છે. પણ એ મેળવવા ઈસુમાં “વિશ્વાસ” રાખવાની જરૂર છે.
વિશ્વાસ કેળવવા બાઇબલમાંથી જ્ઞાન લેવાની જરૂર છે. (યોહાન ૧૭:૩) એમ કરવાથી તમને જાણવા મળશે કે માણસો માટે ઈશ્વરનો હેતુ શું છે. તમારો વિશ્વાસ વધે તેમ ઈશ્વરને પસંદ પડે એવાં કાર્યો કરો. આમ તમે સારા વ્યક્તિ બનશો. પછી તમને ખાતરી થશે કે હંમેશ માટેનું જીવન મેળવવું શક્ય છે. (w10-E 02/01)
[પાન ૭ પર ચિત્રનું મથાળું]
બાઇબલ શું શીખવે છે?
સવાલ:
સારા લોકો ગુજરી જાય પછી તેઓનું શું થાય છે?
જવાબ:
“મૂએલા કંઈ જાણતા નથી.”—સભાશિક્ષક ૯:૫.
સવાલ:
ગુજરી ગએલા સારા લોકો માટે આપણે કેવી આશા રાખી શકીએ?
જવાબ:
‘એવી વેળા આવે છે કે ગુજરી ગયેલાઓ ઈસુની વાણી સાંભળશે’ અને સજીવન થશે.—યોહાન ૫:૨૮, ૨૯.
સવાલ:
સજીવન થયા પછી મોટા ભાગના લોકો ક્યાં જીવશે?
જવાબ:
‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.