સાસુ-સસરા સાથે સારો સંબંધ જાળવીએ
કુટુંબમાં પ્રેમ વધારવા બે બોલ
સાસુ-સસરા સાથે સારો સંબંધ જાળવીએ
જેની * કહે છે: મારી સાસુ તક મળતા જ મારો વાંક કાઢે અને કચકચ કરે. મારા મમ્મી-પપ્પા પણ મારા પતિ રાયન સાથે એવો જ વહેવાર કરે છે. જોકે, તેઓ બીજા કોઈ સાથે આવું વર્તન કરતા નથી! અમારા બેમાંથી કોઈના પણ મમ્મી-પપ્પાને મળવા જઈએ ત્યારે અમને ટેન્શન થઈ જતું.
રાયન કહે છે: મારી મમ્મીને લાગે છે પોતાના બાળકોના લગ્ન માટે કોઈ પણ વ્યક્તિ યોગ્ય નથી. એટલે મેં જેનીને પસંદ કરી ત્યારથી જ તે તેના વિષે કચકચ કરતી. જેનીના મમ્મી-પપ્પા પણ એવા જ હતા. તેઓ પણ તક મળતા જ મારી ભૂલો કાઢતા. પછીથી અમે આ બનાવની ચર્ચા કરતા ત્યારે પોત-પોતાના માબાપનો પક્ષ લેતા. છેવટે એકબીજાનો વાંક કાઢતા.
સાસુ અને સસરા વિષે ઘણા જોક્સ બનાવવામાં આવે છે. પણ હકીકતમાં સાસુ-સસરા સાથે તકરાર ઊભી થાય એ કોઈ મજાકની વાત નથી. ભારતમાં રહેતી રીના કહે છે, ‘ઘણા વર્ષો સુધી મારા સાસુ અમારા લગ્નજીવનમાં દખલ કરતા. સાસુને કંઈ કહી શકતી ન હોવાથી બધો ગુસ્સો મારા પતિ પર ઉતારતી. હંમેશા મારા પતિને જાણે પસંદ કરવું પડતું કે તે કોનો પક્ષ લેશે.’
શા માટે માતા-પિતા પોતાના બાળકોના લગ્ન જીવનમાં દખલગીરી કરે છે? જેનીને લાગે છે કે ‘માતા-પિતા માટે એ સ્વીકારવું અઘરું છે કે કોઈ બિનઅનુભવી વ્યક્તિ પોતાના દીકરા કે દીકરીની સારી રીતે કાળજી રાખી શકશે.’ રીનાનો પતિ દિલીપ કહે છે, ‘માબાપે ઘણા ભોગ આપીને બાળકોને મોટા કર્યા હોય છે. એટલે માબાપને ડર હોય છે કે લગ્ન પછી દીકરા કે દીકરી તેઓથી દૂર થઈ જશે. તેઓને એ પણ ચિંતા હોય છે કે લગ્નજીવન સફળ બનાવવા બાળક પાસે પૂરતી સમજણ નથી.’
જોકે હર વખત સાસુ-સસરાનો વાંક હોતો નથી. અમુક વખતે પતિ કે પત્ની વારંવાર પોતાના માબાપની સલાહ લેવા દોડી જતા હોય છે. દાખલા તરીકે, ઑસ્ટ્રેલિયામાં રહેતા માઈકલ અને લીઆનાનો વિચાર કરો. માઈકલ કહે છે, ‘લીઆનાના ઘરમાં બધાને એકબીજા માટે ખૂબ લગાવ છે. તેઓ દિલ ખોલીને વાત કરે છે. લગ્ન પછી પણ કોઈ નિર્ણય લેવાનો હોય તો, લીઆના તરત જ પહેલાં તેના પપ્પાને પૂછતી હતી. જોકે તેના પપ્પા ઘણા અનુભવી છે. પણ મને એ વાતનું દુઃખ થતું કે તે પહેલાં મારી પાસે કેમ નથી આવતી.’
ખરું કે, સાસુ-સસરા સાથે તકરાર થાય તો લગ્નજીવનમાં તણાવ ઊભો થાય છે. શું તમારા કિસ્સામાં એ બને છે? શું તમારું સાસુ-સસરા સાથે સારું બને છે? તમારા સાથીનો તમારા માબાપ સાથે કેવો સંબંધ છે? ચાલો આપણે બે મુશ્કેલીઓ જોઈએ અને એવા સંજોગોમાં તમે શું કરી શકો.
પહેલી મુશ્કેલી: લગ્ન પછી પણ તમારા સાથીને પોતાના માતા-પિતા સાથે વધારે પડતો લગાવ છે. સ્પેનમાં રહેતો લુઈસ કહે છે: ‘મારી પત્નીને તેના મમ્મી-પપ્પાની નજીક રહેવું હતું. દૂર રહેવા જવાથી જાણે તેઓને તરછોડી દીધા હોય એવું તેને લાગતું. જ્યારે કે અમને દીકરો થયો ત્યારે મારા મમ્મી-પપ્પા લગભગ દરરોજ ઘરે આવતા. એનાથી મારી પત્ની ઘણો તણાવ અનુભવતી. પરિણામે, અમારા વચ્ચે ઘણી વાર ઝગડા થતા.’
ધ્યાનમાં રાખીએ: તમને લાગે કે સાથી પોતાના માબાપને વધારે ધ્યાન આપે છે અને તમને નજરઅંદાજ કરે છે. ખરું કે પતિ-પત્નીએ પોતાના માતા-પિતાને માન આપવાનું જોઈએ. તેમ જ, તેઓની થોડી ઘણી સંભાળ પણ રાખવી જોઈએ. (એફેસી ૬:૨) પણ લગ્નની ગોઠવણ વિષે બાઇબલ જણાવે છે: “માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની વહુને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.” (ઉત્પત્તિ ૨:૨૪) ‘એક દેહ’ એટલે કે પતિ-પત્ની સાથે રહેશે. એટલું જ નહિ તેઓ એક નવું કુટુંબ ગણાય છે. પોતાના કુટુંબ કરતાં આ નવા લગ્ન જીવનને તેઓએ વધારે ધ્યાન આપવું જોઈએ.—૧ કોરીંથી ૧૧:૩.
તમે શું કરી શકો: તમારા સંજોગોનો વિચાર કરો. શું ખરેખર તમારા જીવનસાથીને પોતાના માબાપ માટે વધારે પડતો લગાવ છે? કે તમને તમારા માબાપ સાથે એટલો લગાવ ન હોવાથી જીવનસાથીને સમજી શકતા નથી? કે પછી તમારા ઉછેરના કારણે તમને એવું લાગે છે? અથવા તમારા સાથીનો તેના માબાપ સાથેના સંબંધથી તમને ઈર્ષા થાય છે?—નીતિવચનો ૧૪:૩૦; ૧ કોરીંથી ૧૩:૪; ગલાતી ૫:૨૬.
તમે આ પ્રશ્નો પર વિચાર કરી શકો. જો સાસુ-સસરાને લીધે તમારા બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હોય તો, તેઓના કરતાં વધારે વાંક તમારા બંનેનો છે.
લગ્નજીવનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે કેમ કે, પતિ-પત્નીના વિચારો સરખા હોતા નથી. શું તમે કોઈ બાબતને તમારા સાથીની નજરે જોઈ શકો છો? (ફિલિપી ૨:૪; ૪:૫) મૅક્સિકોમાં રહેતા એડ્રિયન નામના વ્યક્તિએ એવું જ કર્યું. તે કહે છે, ‘મારી પત્નીનો ઉછેર કજિયા-કંકાંસવાળા કુટુંબમાં થયો હતો જેની ખરાબ અસર તેના પર પડી હતી. એટલે મેં સાસુ-સસરા જોડે સંબંધ રાખવાનું ઓછું કરી દીધું. સમય જતાં, મેં તેઓ સાથે સંબંધ કાપી નાખ્યા. ઘણા વર્ષો સુધી આવું જ રહ્યું. પણ મારી પત્નીને તેના કુટુંબ સાથે અને ખાસ કરીને તેની મમ્મી સાથે સંબંધ રાખવા હતા. એ કારણે અમારા વચ્ચે ઘણા ઝઘડા થતા.’
સમય જતાં, એડ્રિયનને લાગ્યું કે તેણે પત્નીનો પણ વિચાર કરવો જોઈએ. તે કહે છે, ‘હું જાણું છું કે જો મારી પત્ની પોતાના માતા-પિતા સાથે વધારે સંબંધ રાખશે તો, તેની લાગણીઓ પર ખરાબ અસર પડશે. પણ જો તે જરાય સંબંધ નહિ રાખે તો, બીજી મુશ્કેલીઓ ઊભી થશે. એટલે બની શકે ત્યાં સુધી મેં મારા સાસુ સસરા જોડે સારાં સંબંધ જાળવી રાખવા પ્રયત્ન કર્યાં.’ *
આમ કરી જુઓ: તમે અને તમારા જીવનસાથી, સાસુ-સસરા વિષેની સૌથી મોટી તકલીફો અલગ અલગ પેપર પર લખી લો. એ લખતી વખતે ‘મને લાગે છે’ એમ કરીને શરૂ કરો. પછી તમે એકબીજાના પેપર જુઓ. તેમ જ, સાથે મળીને વિચારો કે એકબીજાની ચિંતાને કઈ રીતે દૂર કરી શકો.
બીજી મુશ્કેલી: તમારા લગ્ન જીવન વિષે સાસુ-સસરા હંમેશા સલાહ આપતા રહે. કઝાખસ્તાનમાં રહેતી નેલ્યા કહે છે, ‘લગ્ન જીવનના પહેલાં સાત વર્ષ મેં મારા પતિના કુટુંબ સાથે વિતાવ્યા. મારા અને સાસુ વચ્ચે હંમેશા બોલાચાલી થતી. મારે બાળકોને કઈ રીતે ઉછેરવા, કેવી રીતે રાંધવું, કેવી રીતે સાફસફાઈ કરવી
એ વિષે તે મને હંમેશા ટોક્યા કરે. મે મારા પતિ અને સાસુ સાથે એ વિષે વાત કરી. પણ એનાથી વાત વધારે બગડી.’ધ્યાનમાં રાખીએ: લગ્ન કર્યાં પછી તમે માબાપના હાથ નીચે રહેતા નથી. બાઇબલ જણાવે છે કે “દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે; અને સ્ત્રીનું શિર પુરુષ છે.” એટલે સ્ત્રીનો શિર પતિ છે. (૧ કોરીંથી ૧૧:૩) જોકે આપણે આગળ જોઈ ગયા તેમ પતિ-પત્નીએ પોતાના માતા-પિતાને માન આપવું જોઈએ. નીતિવચનો ૨૩:૨૨ કહે છે: “તારે પોતાના બાપનું કહેવું સાંભળ, અને તારી મા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.” પણ જો તમારા માતાપિતા કે સાસુ-સસરા તમારા પર પોતાના વિચારો થોપી બેસાડે તો, શું કરવું જોઈએ?
તમે શું કરી શકો: તેઓ શા માટે તમને સલાહ-સૂચનો આપે છે એ સમજવાની કોશિશ કરો. આગળ જણાવેલો રાયન કહે છે, ‘બાળકો માબાપને ભૂલે નહિ એટલા માટે માબાપ સલાહ-સૂચનો આપતા રહે છે.’ જો એમ હોય તો, તેઓ જાણીજોઈને તમારા લગ્નજીવનમાં દખલ કરતા નથી. આવા કિસ્સામાં જો તમને ખોટું લાગે તો, બાઇબલ કહે છે કે “એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો.” (કોલોસી ૩:૧૩) પણ જો તમારા સાસુ-સસરા એટલી હદે દખલ કરે કે એનાથી તમારા લગ્નજીવનમાં ઝઘડા થતા હોય તો શું કરી શકાય?
અમુક યુગલ માતા-પિતાનું કેટલું સાંભળશે એ પહેલેથી નક્કી કરે છે. યુગલ તરીકે તમે જે નક્કી કર્યું હોય એ તેઓને કડક શબ્દોમાં જણાવવાની જરૂર નથી. * મોટાભાગના કિસ્સામાં તમારે કાર્યોથી બતાવવું પડે કે તમે જીવનસાથીની ખુશીને વધારે મહત્ત્વની ગણો છો. જાપાનમાં રહેતા માસાયુકી નામનો પતિ કહે છે, ‘માતાપિતા કોઈ સલાહ સૂચન આપે તો, તરત જ એમ કરવા પગલાં ન ભરો. યાદ રાખો કે હવે તમારું પોતાનું પણ કુટુંબ છે. એટલે સૌથી પહેલાં તમારા જીવનસાથી સાથે એ સૂચનોની ચર્ચા કરો.’
આમ કરી જુઓ: તમારા સાથીને પૂછો કે ‘સાસુ-સસરાની કઈ બાબતને લીધે આપણા વચ્ચે તકરાર થાય છે?’ બંને સાથે મળીને લખો કે સાસુ-સસરાનું કેટલું સાંભળશો. તેમ જ, એ નિર્ણયને વળગી રહેતી વખતે સાસુ-સસરાને માન આપતા રહો.
સાસુ-સસરા સાથેની તકરારો કઈ રીતે ઓછી કરી શકાય? પહેલાં એ પારખો કે તેઓ શા માટે તમને સલાહ-સૂચનો આપે છે. બીજું, તેઓ ગમે તે કહે તોપણ એના લીધે જીવનસાથી જોડે ઝઘડો ન કરો. આ વિષે જેની કહે છે, ‘હું અને મારા પતિ સાસુ-સસરા વિષે ચર્ચા કરતા ત્યારે અમુક વાર બંને ટેન્શનમાં આવી જતા. અમે જોઈ શકતા હતા કે જો સાસુ-સસરાની ભૂલો કાઢતા રહીશું તો, એકબીજાને વધારે દુઃખ પહોંચાડીશું. છેવટે અમે શીખ્યા કે એમ કરવું સારું નથી. પણ અમારે પોતાના વચ્ચેની તકલીફ દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. એમ કરવાથી યુગલ તરીકે અમારા સંબંધો ગાઢ બન્યા છે.’ (w10-E 02/01)
[ફુટનોટ્સ]
^ આ લેખમાં નામ બદલવામાં આવ્યા છે.
^ જો ઘરમાં માતા કે પિતાને કોઈ ખરાબ આદત હોય તો, ઘર કજિયા-કંકાસવાળુ બની જશે. વ્યક્તિ જરાય પસ્તાવો ન કરે તો તેની સાથે તમે ઓછો સંબંધ રાખો એ સમજી શકાય.—૧ કોરીંથી ૫:૧૧.
^ અમુક વખતે તમારે સાસુ-સસરા કે માતા-પિતા સાથે દિલ ખોલીને વાત કરવાની જરૂર પડે. એમ કરો ત્યારે ખૂબ માન અને નમ્રતાથી વાત કરો.—નીતિવચનો ૧૫:૧; એફેસી ૪:૨; કોલોસી ૩:૧૨.
તમે પોતાને પૂછો . . .
▪ તમારા સાસુ-સસરામાં કયા સારા ગુણો છે?
▪ માતા-પિતાને માન આપવાની સાથે સાથે હું કઈ રીતે જીવનસાથીને માન આપી શકું?