સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના રાજ્ય વિષે ઈસુએ શું શીખવ્યું?

ઈશ્વરના રાજ્ય વિષે ઈસુએ શું શીખવ્યું?

ઈશ્વરના રાજ્ય વિષે ઈસુએ શું શીખવ્યું?

‘તે શહેરેશહેર અને ગામેગામ ઉપદેશ કરતો અને ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ફર્યો.’—લુક ૮:૧.

આપણે મનપસંદ વ્યક્તિ, ચીજ કે શોખની વાતો કરતા કદીયે થાકતા નથી. ઈસુએ પોતે કહ્યું કે “હૈયામાં જે ભર્યું હોય છે તે જ હોઠે આવે છે.” (માથ્થી ૧૨:૩૫, સંપૂર્ણ) ઈસુ પૃથ્વી પર હતા ત્યારની તેમની વાતો પરથી એ જોઈ શકાય કે તેમના દિલોદિમાગમાં ઈશ્વરનું રાજ્ય ઘણું મહત્ત્વનું હતું.

ઈશ્વરનું રાજ્ય એટલે શું? રાજ્ય એટલે સરકાર, જેને રાજા હોય. ઈશ્વરનું રાજ્ય એટલે કે એવી સરકાર જે ઈશ્વરે પોતે પસંદ કરી હોય. એના વિષે ઈસુએ વારંવાર જણાવ્યું હતું. એ રાજ્ય તેમના સંદેશાનો મુખ્ય વિષય હતો. માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકોમાં એ રાજ્ય વિષે ૧૧૦થી વધારે વાર ઉલ્લેખ થયો છે. ઈસુની વાતોથી જ નહિ, તેમનાં કામોથી પણ શીખવા મળે છે કે ઈશ્વરનું રાજ્ય કેવું છે અને એ કેવા આશીર્વાદો લાવશે.

એ રાજ્યના રાજા કોણ છે? ઈશ્વરના રાજ્યના રાજાને માણસોએ નહિ, ખુદ ઈશ્વરે પસંદ કર્યા છે. ઈસુએ શીખવ્યું હતું કે ઈશ્વરે તેમને રાજા તરીકે પસંદ કર્યા છે.

ઈસુને ખબર હતી કે તેમના વિષે કયાં ભવિષ્યવચનો થયા છે. જેમ કે, મસીહ આવશે, જે હંમેશાં ટકનાર રાજ્ય પર રાજ કરશે. (૨ શમૂએલ ૭:૧૨-૧૪; દાનીયેલ ૭:૧૩, ૧૪; માત્થી ૨૬:૬૩, ૬૪) ઈસુએ જાહેરમાં ઓળખ આપી કે પોતે મસીહ છે. એમ કરીને ઈશ્વરે પસંદ કરેલા રાજા તરીકેની જવાબદારી તેમણે સ્વીકારી. (યોહાન ૪:૨૫, ૨૬) એટલે જ તેમણે કેટલીક વાર “મારૂં રાજ્ય” કહીને એનો ઉલ્લેખ કર્યો હતો.—યોહાન ૧૮:૩૬.

ઈસુએ એમ પણ શીખવ્યું કે એ રાજ્યમાં તેમની સાથે બીજા પણ રાજ કરનારા હશે. (લુક ૨૨:૨૮-૩૦) તેઓની સંખ્યા થોડી હોવાથી, ઈસુએ તેઓને “નાની ટોળી” કહ્યા. ઈસુએ તેઓને કહ્યું: ‘તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.’ (લુક ૧૨:૩૨) બાઇબલનું છેલ્લું પુસ્તક બતાવે છે કે ઈસુ સાથે રાજ કરનારાની સંખ્યા ૧,૪૪,૦૦૦ હશે.—પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧.

એ રાજ્ય ક્યાં હશે? ઈસુએ રોમન શાસક પંતિઅસ પીલાતને કહ્યું હતું કે “મારૂં રાજ્ય આ જગતનું નથી.” (યોહાન ૧૮:૩૬) ઈશ્વરનું રાજ્ય માણસો દ્વારા ધરતી પર રાજ નહિ કરે. એટલે જ ઈસુએ વારંવાર એને “આકાશનું રાજ્ય” કહ્યું. * (માત્થી ૪:૧૭; ૫:૩, ૧૦, ૧૯, ૨૦) આમ, એ રાજ્ય સ્વર્ગમાંથી રાજ કરશે.

ઈસુને પૂરેપૂરી ખાતરી હતી કે પૃથ્વી પર જીવ્યા બાદ, તે સ્વર્ગમાં પાછા જશે. તેમણે કહ્યું કે તે ત્યાં પોતાની સાથે રાજ કરનારા માટે, સ્વર્ગમાં જવાનો માર્ગ એટલે કે “જગા તૈયાર” કરવા જાય છે.—યોહાન ૧૪:૨, ૩.

ઈશ્વરનું રાજ્ય શું કરશે? ઈસુએ શિષ્યોને કહ્યું કે ઈશ્વરને આ રીતે પ્રાર્થના કરો: ‘તારૂં રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.’ (માત્થી ૬:૯, ૧૦) સ્વર્ગમાં તો ઈશ્વરની ઇચ્છા પૂરી થાય છે. પૃથ્વી પર પણ આ રાજ્ય દ્વારા તેમની ઇચ્છા પૂરી થશે. એ રાજ્યમાં પૃથ્વી પર મોટા મોટા ફેરફારો આવશે.

ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર કેવા ફેરફારો લાવશે? આજે ઘણા લોકો જાણીજોઈને દુષ્ટ કામો કરે છે. ઈશ્વરનું રાજ્ય દુષ્ટતાને જડમૂળથી કાઢી નાખશે. તેમ જ દુષ્ટ લોકોનો પણ નાશ કરશે. (માત્થી ૨૫:૩૧-૩૪, ૪૬) એનો અર્થ કે ભ્રષ્ટાચારનો સડો દૂર કરાશે. પછી પૃથ્વી પર “નમ્ર,” ન્યાયી, દયાળુ, શાંતિચાહક અને “મનમાં જેઓ શુદ્ધ છે” એવા લોકો જીવશે.—માત્થી ૫:૫-૯.

શું એવા ઈશ્વરભક્તોને પ્રદૂષિત થયેલી ગંદી પૃથ્વી પર જીવવું પડશે? ના. ઈસુએ વચન આપ્યું કે ઈશ્વરના રાજમાં પૃથ્વીમાં મોટા ફેરફારો કરાશે. ઈસુ વધસ્તંભે હતા ત્યારે તેમની બાજુના એક ગુનેગારે કહ્યું, “હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.” ઈસુએ જવાબ આપ્યો કે ‘હું આજે તને ચોક્કસ કહું છું કે તું મારી સાથે પારાદેશમાં હોઈશ.’ (લુક ૨૩:૪૨, ૪૩) પારાદેશ એક સુંદર બાગ કે વાડીને બતાવે છે. ઈશ્વરનું રાજ્ય આખી પૃથ્વીને શરૂઆતમાં એદન વાડી હતી, એવી જ સુંદર બનાવી દેશે.

ઈશ્વરનું રાજ્ય આપણા માટે બીજું શું કરશે? ઈશ્વરનું રાજ્ય જે આશીર્વાદો લાવશે, એ વિષે ઈસુએ ફક્ત વચનો જ આપ્યાં નહિ. તેમણે પોતાનાં કામોથી એ આશીર્વાદોની ઝલક પણ આપી. ઈસુએ ચમત્કાર કરીને ઘણા લોકોને સાજા કર્યા. એનાથી તેમણે થોડા પ્રમાણમાં બતાવી આપ્યું કે રાજા તરીકે પોતે સર્વ મનુષ્ય માટે શું કરશે. ઈસુએ કરેલા ચમત્કારો વિષે બાઇબલ આમ જણાવે છે: “ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં ઉપદેશ કરતો, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો, ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલીલમાં ફર્યો.”—માત્થી ૪:૨૩.

ઈસુએ જાતજાતની બીમારીથી પીડાતા લોકોને સાજા કર્યા. તેમણે “જન્મથી આંધળા માણસની આંખો” ઉઘાડી. (યોહાન ૯:૧-૭, ૩૨, ૩૩) એક કોઢિયા માણસને ઈસુએ પ્રેમથી સ્પર્શીને સાજો કર્યો. (માર્ક ૧:૪૦-૪૨) લોકો ‘એક બહેરા બોબડાને તેમની પાસે લાવ્યા’ ત્યારે ઈસુએ બતાવી આપ્યું કે “તે બહેરાઓને પણ સાંભળતા કરે છે, ને મૂંગાઓને બોલતાં કરે છે.”—માર્ક ૭:૩૧-૩૭.

અરે, ઈશ્વરે પસંદ કરેલા રાજા તો મરણ પર પણ વિજય મેળવે છે! બાઇબલ એવા ત્રણ બનાવો વિષે જણાવે છે, જ્યારે ઈસુએ ગુજરી ગયેલાને જીવતા કર્યા. તેમણે એક વિધવાના દીકરાને, બાર વર્ષની એક છોકરીને અને પોતાના જિગરી દોસ્ત લાજરસને મૂએલામાંથી જીવતા કર્યા.—લુક ૭:૧૧-૧૫; ૮:૪૧-૫૫; યોહાન ૧૧:૩૮-૪૪.

યહોવાહે આપણા માટે સુંદર ભાવિનું વચન આપ્યું છે. એના વિષે ઈસુએ ઈશ્વરભક્ત યોહાન દ્વારા આમ જણાવ્યું: ‘જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, ઈશ્વર તેઓની સાથે હશે. તેઓ તેના લોકો થશે અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓનો ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; કોઈ કદી મરશે નહિ; શોક કે રૂદન કે દુઃખ કદી થશે નહિ.’ એ બધું સદાને માટે જતું રહેશે. (પ્રકટીકરણ ૧:૧; ૨૧:૩, ૪) જરા એવી દુનિયાની કલ્પના તો કરો, જેમાં દુઃખનાં આંસુ નહિ હોય, દર્દ નહિ હોય, અરે કોઈ મરશે પણ નહિ! પછી તો ઈસુની પ્રાર્થના પ્રમાણે ઈશ્વરની ઇચ્છા જેમ સ્વર્ગમાં, તેમ પૃથ્વી પર જરૂર પૂરી થશે.

ઈશ્વરનું રાજ ક્યારે આવશે? ઈસુએ શીખવ્યું કે તેમના રાજની શરૂઆત થશે ત્યારે, એ વખતમાં ‘જગતના અંતનો’ સમયગાળો પણ શરૂ થશે. ઈસુએ એ સમય વિષે અનેક ભવિષ્યવચનો કહ્યાં. તેમણે જણાવ્યું કે એ સમયગાળામાં આખી દુનિયામાં તકલીફોનો પાર નહિ રહે. યુદ્ધો થશે. દુકાળ પડશે. ધરતીકંપો થશે. બીમારીઓ વધશે. ભ્રષ્ટાચાર અને ગુના વધતા જશે. (માત્થી ૨૪:૩, ૭-૧૨; લુક ૨૧:૧૦, ૧૧) ઈસુએ ભાખેલી એ બધી બાબતો ખાસ કરીને ૧૯૧૪થી જોવા મળે છે. એ જ વર્ષે પહેલું વિશ્વયુદ્ધ પણ ફાટી નીકળ્યું. એ સાબિતીઓ બતાવે છે કે ઈસુ હવે સ્વર્ગમાં રાજા છે. જલદી જ તે પૃથ્વી પર રાજ કરશે અને ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે. *

ઈશ્વરનું રાજ જલદી જ પૃથ્વી પર આવશે એ જાણીને તમારા પર કેવી અસર પડે છે? એ તમારા પર આધાર રાખે છે કે તમે ઈસુનો સંદેશો સાંભળીને શું કરશો. (w10-E 04/01)

[ફુટનોટ્‌સ]

^ “આકાશનું રાજ્ય” જેવા શબ્દો માત્થીના પુસ્તકમાં લગભગ ૩૦ વખત આવે છે.

^ એની વિગતવાર ચર્ચા માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૯, “શું દુનિયાનો ‘અંત’ નજીક છે?” જુઓ. એ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.