શીખવવાની કળા કેળવતા રહીએ
શીખવવાની કળા કેળવતા રહીએ
“તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો; એ તમે ખરૂં જ કહો છો.” (યોહા. ૧૩:૧૩) આમ કહીને ઈસુ પોતાના શિષ્યોને જણાવતા હતા કે પોતે ગુરુ છે. થોડા સમય પછી સ્વર્ગમાં ચડી જતાં પહેલાં તેમણે શિષ્યોને કહ્યું: ‘તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’ (માથ. ૨૮:૧૯, ૨૦) એ પછી પ્રેરિત પાઊલે પણ બાઇબલના સારા શિક્ષક બનવા પર ભાર મૂક્યો. તેમણે વડીલ તરીકે સેવા આપતા તીમોથીને ઉત્તેજન આપ્યું: ‘શાસ્ત્રવાચન પર, બોધ કરવા પર તથા શિક્ષણ આપવા પર ખાસ લક્ષ રાખજે. એ વાતોની ખંત રાખજે. તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે.’—૧ તીમો. ૪:૧૩-૧૫.
એ સમયની જેમ આજે પણ ઈશ્વર વિષે બીજાઓને શીખવવું સૌથી મહત્ત્વનું છે. પછી ભલેને કોઈને પ્રચાર કરતા હોઈએ કે મંડળમાં શીખવતા હોઈએ. શું કરવાથી આપણે સારા શિક્ષક બની શકીએ? બાઇબલના સારા શિક્ષક બનવા આપણને કઈ રીતે મદદ મળી શકે?
ઈસુની જેમ શીખવીએ
મોટે ભાગે બધાને ઈસુનો ઉપદેશ સાંભળવો ગમતો. નોંધ કરો કે નાઝરેથના સભાસ્થાનમાં ઈસુ ઉપદેશ કરતા હતા એની લોકો પર કેવી અસર પડી. એ વિષે ઈશ્વરભક્ત લુકે લખ્યું: ‘બધાએ તેને વિષે સાક્ષી આપી, અને તેના મોંમાંથી જે કૃપાની વાતો નીકળી એનાથી તેઓ અચરત થયા.’ (લુક ૪:૨૨) પછી શિષ્યો પણ ઈસુની જેમ શીખવવા લાગ્યા. પ્રેરિત પાઊલે પણ એ સમયના ભાઈ-બહેનોને ઉત્તેજન આપ્યું: “જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ.” (૧ કોરીં. ૧૧:૧) પાઊલે ઈસુની શીખવવાની રીત અપનાવી હોવાથી તે જાહેરમાં અને ‘ઘેરેઘેર’ સારી રીતે શીખવી શક્યા.—પ્રે.કૃ. ૨૦:૨૦.
બજારમાં શીખવ્યું
પાઊલ અજોડ રીતે જાહેરમાં ઉપદેશ આપતા હતા. એનો એક દાખલો આપણને પ્રેરિતોનાં કૃત્યો સત્તરમા અધ્યાયમાં જોવા મળે છે. એ જણાવે છે કે પાઊલે ગ્રીસના આથેન્સ શહેરની મુલાકાત લીધી ત્યારે શું બન્યું. શહેરના રસ્તાઓમાં કે જાહેર જગ્યાઓએ પાઊલ જ્યાં પણ નજર કરતા ત્યાં બધે જ મૂર્તિઓ દેખાતી. એ જોઈને તેમને ખૂબ જ અકળામણ થઈ. પણ તેમણે પોતાની લાગણીઓ કાબૂમાં રાખી અને લોકોને સંદેશો જણાવ્યો. ‘સભાસ્થાનમાં અને બજારમાં જેઓ પાઊલને મળતા તેઓની સાથે તે નિત્ય વાદવિવાદ કરતા હતા.’ (પ્રે.કૃ. ૧૭:૧૬, ૧૭) આપણા માટે કેટલો સરસ દાખલો! આપણે પણ કોઈનો ન્યાય કર્યા વગર બધી જાતિના લોકોને માનથી શીખવીએ. એમ કરીશું તો કદાચ અમુક લોકો આપણો સંદેશો સાંભળશે અને જૂઠા ધાર્મિક રીત-રિવાજોથી આઝાદ થઈ શકશે.—પ્રે.કૃ. ૧૦:૩૪, ૩૫; પ્રકટી. ૧૮:૪.
પાઊલ બજારમાં પ્રચાર કરતા હતા ત્યારે ઘણાને એમાં રસ ન હતો. તેઓમાં ઘણા ફિલસૂફ પણ હતા જેઓના વિચારો અને ઈશ્વરનું સત્ય જણાવતા પાઊલના વિચારોમાં આભ-જમીનનો ફરક હતો. તેઓ દલીલ કરવા લાગ્યા ત્યારે, પાઊલે તેઓનું ધ્યાનથી સાંભળ્યું. અમુક લોકોએ તેમને “લવરીખોર” કહ્યા. મૂળ ગ્રીક ભાષામાં એના માટે “બી ચણનાર” શબ્દ હતો, જે આમ-તેમથી જ્ઞાન લઈને વગર વિચાર્યે બકબક કરતા લોકો માટે વપરાતો. વળી બીજાઓએ તેમના વિષે આમ કહ્યું: “તે પારકા દેવોને પ્રગટ કરનારો દેખાય છે.”—પ્રે.કૃ. ૧૭:૧૮.
તેઓ પાઊલ વિષે ગમે તેમ બોલવા લાગ્યા એનાથી તે નિરાશ થયા નહિ. પણ જ્યારે તેમને સંદેશા વિષે સમજાવવા કહેવામાં આવ્યું ત્યારે, તેમણે એ મોકો ઝડપી લીધો. તેમણે પ્રવચન આપીને સારી રીતે સમજાવ્યું. એમાં તેમની શીખવવાની કળા દેખાઈ આવતી હતી. પ્રે.કૃ. ૧૭:૧૯-૨૨; ૧ પીત. ૩:૧૫) ચાલો તેમના પ્રવચનને ઝીણવટથી તપાસીએ, જેથી આપણે પણ શીખવવાની કળામાં સુધારો કરી શકીએ.
(લોકોને રસ પડે એવા વિષય પર વાત કરીએ
પાઊલે કહ્યું: ‘આથેન્સના સદ્ગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો. કેમ કે જે દેવદેવીઓને તમે ભજો છો તેઓને હું જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર અજાણ્યા ઈશ્વરના માનમાં એવો એક લેખ કોતરેલો હતો. માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરૂં છું.’—પ્રે.કૃ. ૧૭:૨૨, ૨૩.
પાઊલ આસપાસની વસ્તુઓ ધ્યાનમાં રાખતા હતા. એના પરથી તે જોઈ શકતા કે એ લોકો સાથે કેવા વિષયો પર વાત કરવી જોઈએ. પાઊલની જેમ આપણે પણ દરેક ઘરની આસપાસ કેવી વસ્તુઓ છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. દાખલા તરીકે, આંગણામાં રમકડાં, કોઈક નિશાની કે કોઈક લખાણ હોઈ શકે. એના પરથી ઘરમાલિક વિષે આપણને ઘણું જાણવા મળે છે. તે શું માને છે એ ખબર પડ્યા પછી તેમને રસ પડે એવા વિષય પર સમજી વિચારીને વાત કરવી જોઈએ.—કોલો. ૪:૬.
પાઊલ હંમેશા લોકોને ઉત્તેજન મળે એ રીતે વાત કરતા. તે જોઈ શક્યા કે આથેન્સના લોકો ઈશ્વરને ‘ભજે’ તો છે, પણ તેઓને ખરું જ્ઞાન નથી. પાઊલે સ્પષ્ટ જણાવ્યું કે તેઓ કઈ રીતે ખરા ઈશ્વરની ભક્તિ તરફ વળી શકે. (૧ કોરીં. ૧૪:૮) આપણે પણ વ્યક્તિ સમજી શકે અને તેને ઉત્તેજન મળે એ રીતે સંદેશો જણાવવો જોઈએ. એ ખૂબ મહત્ત્વનું છે.
ભેદભાવ વગર કુનેહપૂર્વક વાત કરીએ
પાઊલ આગળ કહે છે: ‘જે ઈશ્વરે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલાં મંદિરોમાં રહેતા નથી. તેમને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેમને કશાની ગરજ નથી. જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે.’—પ્રે.કૃ. ૧૭:૨૪, ૨૫.
પાઊલે કુનેહપૂર્વક તેઓનું ધ્યાન દોરતાં જણાવ્યું કે “આકાશ તથા પૃથ્વીનો પ્રભુ” તો યહોવાહ છે, તે સર્વને જીવન આપે છે. આપણી પાસે જુદા જુદા ધર્મ અને સમાજના લોકોને એ શીખવવાનો કેવો સરસ લહાવો છે કે યહોવાહ ઈશ્વર જીવનનો ઝરો છે!—ગીત. ૩૬:૯.
પછી યહોવાહ વિષે પાઊલે કહ્યું: ‘તેમણે માણસોની સર્વ પ્રજાઓને એકમાંથી ઉત્પન્ન કરી, અને તેમણે તેઓને સારું નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી. જેથી તેઓ ઈશ્વરને શોધે, કે કદાચ તેમને પામે. કેમ કે ઈશ્વર આપણામાંના કોઈથી દૂર નથી.’—પ્રે.કૃ. ૧૭:૨૬, ૨૭.
લોકોને જે રીતે શીખવીએ એના પરથી તેઓ જોઈ શકશે કે આપણે કેવા ઈશ્વરને ભજીએ છીએ. યહોવાહ કોઈ ભેદભાવ વગર ચાહે છે કે સર્વ દેશ કે જાતિના લોકો તેમને ‘શોધે અને પ્રાપ્ત કરે.’ એ જ રીતે આપણે પણ કોઈ ભેદભાવ વગર બધાને જણાવવું જોઈએ. જેઓ ઈશ્વરમાં માને છે તેઓને તેમની સાથે અતૂટ નાતો બાંધવા મદદ કરીએ, જેથી તેઓ પણ અમર જીવનના આશીર્વાદો પામે. (યાકૂ. ૪:૮) પણ જેઓ ઈશ્વરમાં માનતા નથી તેઓને કેવી રીતે મદદ કરી શકાય? પાઊલનો દાખલો અનુસરીને. નોંધ કરો કે તેમણે પછી શું કહ્યું.
‘તેમના દ્વારા આપણે જીવીએ છીએ, હાલીએ છીએ અને આપણું અસ્તિત્વ છે. જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાએકે કહ્યું છે, કે આપણે પણ તેનાં સંતાનો છીએ. હવે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ માટે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના, રૂપા કે પથ્થરના જેવો છે.’—પ્રે.કૃ. ૧૭:૨૮, ૨૯.
હેબ્રી ૩:૪) જેઓ ઈશ્વરમાં માનતા નથી એવા લોકો સાથે આ સાદો દાખલો વાપરીશું તો કદાચ તેઓ આપણી સાથે સહમત થશે. નોંધ કરો કે પાઊલે પોતાના પ્રવચનમાં બીજાઓને પ્રેરણા પણ આપી, જેથી તેઓ યહોવાહની ભક્તિ કરવા દોરાય. આ તેમની શીખવવાની બીજી એક રીત હતી.
પોતાનું પ્રવચન લોકો સાંભળે એ માટે પાઊલે આથેન્સના પ્રખ્યાત કવિઓના શબ્દો ટાંક્યા. આજે આપણે પણ એવા વિષયો પર વાત કરવી જોઈએ જેમાં લોકોને રસ પડે અને સાંભળે. દાખલા તરીકે, હેબ્રી મંડળને લખેલા પત્રમાં પાઊલે સરસ દાખલો વાપર્યો હતો, જે આપણે પણ વાપરી શકીએ: ‘દરેક ઘર કોઈએ બાંધ્યું છે; પણ સઘળી વસ્તુઓનો સરજનહાર તો ઈશ્વર છે.’ (સમય થોડો જ રહેલો છે એના પર ભાર મૂકીએ
પાઊલે જણાવ્યું: ‘માણસના અજ્ઞાનપણાના સમયોમાં ઈશ્વરે એ ચલાવી લીધું, પણ હવે તે સર્વ જગ્યાએ વસતા માણસોને પોતાના બધા દુષ્ટ માર્ગોથી પાછા ફરવા આજ્ઞા કરે છે. કારણ, તેમણે પસંદ કરેલા એક માણસ દ્વારા આખી દુનિયાનો અદલ ન્યાય કરવા માટે તેમણે એક દિવસ નક્કી કર્યો છે.’—પ્રેષિતોનાં કાર્યો ૧૭:૩૦, ૩૧, કોમન લેંગ્વેજ.
ઈશ્વરે સમજી વિચારીને થોડો સમય દુષ્ટતાને ચાલવા દીધી છે. એનાથી આપણને એ બતાવવાનો મોકો મળે છે કે આપણા દિલમાં ખરેખર શું છે. આપણે ભારપૂર્વક લોકોને જણાવવું જોઈએ કે દુષ્ટ દુનિયાનો અંત હવે નજીક છે. તેમ જ પૂરી શ્રદ્ધાથી ઈશ્વરના રાજ્યમાં મળનાર આશીર્વાદો વિષે જણાવવું જોઈએ.—૨ તીમો. ૩:૧-૫.
લોકો પર સંદેશાની અસર
‘જ્યારે તેઓએ મૂએલાંના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાએકે ઠઠ્ઠામશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું, કે અમે એ વિષે કોઈ બીજી વાર તારું સાંભળીશું. એટલે પાઊલ તેઓની પાસેથી ચાલ્યા ગયા. પણ કેટલાએક માણસોએ તેમની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો.’—પ્રે.કૃ. ૧૭:૩૨-૩૪.
એવું બની શકે કે આપણે જે સત્ય શીખવીએ એ અમુક લોકો તરત જ સ્વીકારી લેશે, જ્યારે કે બીજાઓને થોડો સમય લાગશે. ગમે એ હોય, આપણે સાદી અને સરળ રીતે બાઇબલનું સત્ય જણાવતા રહીએ. એ સાંભળીને કોઈ એક વ્યક્તિ પણ યહોવાહ અને ઈસુના માર્ગે ચાલવાનું પસંદ કરે ત્યારે આપણને ખૂબ આનંદ થાય છે. તે વ્યક્તિને મદદ કરવા યહોવાહે આપણો ઉપયોગ કર્યો એ જાણીને કેટલી ખુશી મળે છે!—યોહા. ૬:૪૪.
આપણે શું શીખ્યા?
પાઊલના પ્રવચન પર વિચાર કરવાથી આપણને ઘણું શીખવા મળે છે. જેમ કે, બાઇબલ સત્ય બીજાઓને કેવી રીતે સમજાવવું. મંડળમાં પ્રવચન આપવાનો મોકો મળે ત્યારે આપણે પાઊલની જેમ કુશળતાથી શીખવીએ. એમ કરીશું તો, યહોવાહને ભજતા નથી એવા લોકો પણ બાઇબલ સત્ય સહેલાઈથી સમજીને સ્વીકારશે. સ્પષ્ટ રીતે શીખવતી વખતે એ પણ ધ્યાન રાખીએ કે યહોવાહને ભજતા નથી તેઓની માન્યતાઓને તોડી ન પાડીએ. તેમ જ પ્રચાર કરતી વખતે લોકોને સમજાય, તેઓના દિલમાં ઊતરી જાય એ રીતે કુનેહપૂર્વક બાઇબલ સત્ય જણાવીએ. એમ કરીને બતાવીશું કે આપણે પાઊલની આ સલાહ પાળીએ છીએ: ‘શિક્ષણ આપવા પર લક્ષ રાખીએ.’ (w10-E 07/15)
[પાન ૨૨ પર ચિત્રનું મથાળું]
પાઊલે કુનેહપૂર્વક સાદી અને સરળ રીતે શીખવ્યું
[પાન ૨૩ પર ચિત્રનું મથાળું]
લોકોની લાગણી ધ્યાનમાં રાખીને પાઊલની જેમ પ્રચાર કરીએ