ઈશ્વરનું નામ
ઈશ્વરનું નામ
માની લો કે તમે મોટી સત્તા કે હોદ્દો ધરાવતી વ્યક્તિને મળવા જાઓ છો. એ વ્યક્તિને માનવંત ખિતાબથી લોકો બોલાવે છે. જેમ કે, એ વ્યક્તિ દેશના વડા હોય તો, લોકો તેમને માનનીય વડાપ્રધાન કે આદરણીય રાષ્ટ્રપતિ કહીને સંબોધશે. હવે એ વ્યક્તિ તમને કહે છે કે ‘તમે મને નામથી બોલાવી શકો.’ એ સાંભળીને તમને કેવું લાગશે? તમે એને મોટો લહાવો ગણશો, ખરું ને!
વિશ્વના માલિક ઈશ્વરે બાઇબલમાં આપણને આમ કહ્યું છે: “હું યહોવાહ છું; એ જ મારું નામ છે.” (યશાયાહ ૪૨:૮) ખરું કે તે “સરજનહાર,” “સર્વશક્તિમાન” કે “સર્વોપરી પ્રભુ” જેવા અનેક ખિતાબોથી ઓળખાય છે. તોપણ તે પોતાના ભક્તોને એટલા ચાહે છે કે પોતાને “યહોવાહ” નામથી પોકારવા કહે છે.
દાખલા તરીકે, પયગંબર મુસાએ ઈશ્વરને નામથી પોકારીને કહ્યું હતું: “હે યહોવા.” (નિર્ગમન ૪:૧૦, ઈઝી ટુ રીડ વર્ઝન) યરૂશાલેમમાં બાંધેલા મંદિરનું સમર્પણ કરતી વખતે સુલેમાન રાજાએ ‘હે યહોવાહ’ કહીને પ્રાર્થનાની શરૂઆત કરી હતી. (૧ રાજાઓ ૮:૨૨, ૨૩) ઈસ્રાએલ પ્રજા વતી પયગંબર યશાયાહે ઈશ્વરને પ્રાર્થનામાં કહ્યું હતું: ‘હે યહોવાહ, તમે અમારા પિતા છો.’ (યશાયાહ ૬૩:૧૬) આનાથી જોવા મળે છે કે આપણે સરજનહારને નામથી બોલાવીએ એવું તે ચાહે છે.
ખરું કે ઈશ્વરને યહોવાહ નામથી સંબોધવા મહત્ત્વનું છે. પણ તેમને નામથી ઓળખવામાં બીજું ઘણું સમાયેલું છે. જે કોઈ તેમની દિલથી ભક્તિ કરે છે, તેમનામાં વિશ્વાસ કરે છે તેને યહોવાહ વચન આપે છે: ‘હું તેને બચાવીશ, કેમ કે તેણે મારું નામ જાણ્યું છે.’ (ગીતશાસ્ત્ર ૯૧:૧૪) આ બતાવે છે કે ઈશ્વરનું નામ જાણવામાં તેમને સારી રીતે ઓળખવાની જરૂર છે. તો જ આપણે તેમનું રક્ષણ કે કૃપા મેળવી શકીશું. તો પછી, યહોવાહને સારી રીતે ઓળખવા માટે તમારે શું કરવું જોઈએ? એ હવે પછીનો લેખ બતાવશે. (w10-E 07/01)