સમયના પાબંદી હોવું કેમ જરૂરી છે?
સમયના પાબંદી હોવું કેમ જરૂરી છે?
સમયના પાબંદી હોવું કે પછી કોઈ જગ્યાએ સમયસર પહોંચવું સહેલું નથી. એમાં રૂકાવટ લાવતી અનેક બાબતો છે. જેમ કે, અનેક જવાબદારીઓ, ભરચક ટ્રાફિક કે પછી લાંબી મુસાફરી. તોપણ સમયસર પહોંચવું મહત્ત્વનું હોય છે. દાખલા તરીકે, નોકરી પર સમયપાલન કરતી વ્યક્તિને મોટે ભાગે ભરોસાપાત્ર અને મહેનતુ ગણવામાં આવે છે. જ્યારે કે નોકરી પર મોડા પહોંચવાથી બીજાઓના કામ પર અને કોઈ વસ્તુ કે સેવાની ગુણવત્તા પર માઠી અસર પડે છે. સ્કૂલમાં વિદ્યાર્થી મોડો પહોંચે તો તે અમુક પિરિયડ ચૂકી જશે અને ભણતરમાં બીજાઓથી પાછળ પડી જઈ શકે. હૉસ્પિટલ કે દાંતના ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ લીધી હોય અને મોડા પહોંચીએ તો જોઈતી સારવાર કદાચ ન પણ મળે.
જોકે અમુક દેશોમાં લોકો સમયપાલનને મહત્ત્વનું ગણતા જ નથી. એવી જગ્યાએ મોડા પહોંચવાની સહેલાઈથી આદત પડી જઈ શકે. એવું હોય તો સમયસર પહોંચવાની ઇચ્છા કેળવવી ખૂબ જ જરૂરી છે. જો સમયના પાબંદી હોવાની આપણને કદર હશે તો સમયસર પહોંચવાની ખાસ તકેદારી રાખીશું. આપણે કેમ સમયના પાબંદી હોવું જોઈએ? આપણે કઈ રીતે સમયના પાબંદી બની શકીએ? તેમ જ સમયસર રહેવાથી આપણને કેવા ફાયદા થાય છે?
યહોવાહ સમયના પાબંદી છે
આપણે કેમ સમયના પાબંદી હોવું જોઈએ? એનું મુખ્ય કારણ એ છે કે આપણે યહોવાહ ઈશ્વરને અનુસરવા માગીએ છીએ. તે સમયપાલનમાં ચોક્કસ છે. (એફે. ૫:૧) યહોવાહે સમયપાલનમાં સૌથી સારો દાખલો બેસાડ્યો છે. તે કદી વિલંબ કરતા નથી. તે પોતાનો મકસદ પૂરો કરવા ચુસ્ત રીતે સમયને વળગી રહે છે. દાખલા તરીકે, યહોવાહે જ્યારે જળપ્રલય લાવીને દુષ્ટ લોકોનો નાશ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે નુહને કહ્યું: “તું પોતાને સારૂ દેવદારના લાકડાનું વહાણ બનાવ.” પ્રલય લાવવાનો સમય નજીક આવ્યો ત્યારે યહોવાહે નુહને વહાણમાં જવાની આજ્ઞા કરીને કહ્યું: “સાત દહાડા પછી હું પૃથ્વી પર ચાળીસ દહાડા તથા ચાળીસ રાત લગી વરસાદ વરસાવીશ; અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્ન કર્યાં છે, તેઓનો નાશ પૃથ્વી પરથી હું કરીશ.” યહોવાહે કહ્યું હતું તેમ: “સાત દહાડા પછી પૃથ્વી પર જળપ્રલય થયો.” (ઉત. ૬:૧૪; ૭:૪, ૧૦) હવે કલ્પના કરો કે નુહ અને તેમનું કુટુંબ જણાવેલા સમયે વહાણમાં ગયા ન હોત તો તેઓનું શું થયું હોત. તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની જેમ સમયપાલનમાં પાકા રહેવાનું હતું.
જળપ્રલયને ૪૫૦ વર્ષ વીતી ગયા પછી થઈ ગયેલા ઈબ્રાહીમનો દાખલો લઈએ. યહોવાહે ઈસ્રાએલીઓના કુળપિતા ઈબ્રાહીમને જણાવ્યું હતું કે તેને એક દીકરો થશે. પછી તેમના વંશમાંથી વચન આપેલ તારણહાર આવશે. (ઉત. ૧૭:૧૫-૧૭) યહોવાહે એમ પણ જણાવ્યું કે ઈસ્હાકનો જન્મ “આવતા વર્ષમાં ઠરાવેલે વખતે” થશે. શું એ સાચું પડ્યું? બાઇબલ કહે છે: ‘સારાહ ગર્ભવતી થઈ, ને તેણે ઈબ્રાહીમને સારું, તેના ઘડપણમાં, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું તેમ ઠરાવેલે સમયે દીકરાને જન્મ આપ્યો.’—ઉત. ૧૭:૨૧; ૨૧:૨.
યહોવાહ હંમેશાં સમયપાલન કરે છે એવા બાઇબલમાં અનેક દાખલા છે. (યિર્મે. ૨૫:૧૧-૧૩; દાની. ૪:૨૦-૨૫; ૯:૨૫) બાઇબલ જણાવે છે કે આવનાર સમયમાં યહોવાહ દુષ્ટ દુનિયાનો ન્યાય કરશે અને એ દિવસની આપણે આતુરતાથી રાહ જોવી જોઈએ. મનુષ્યની નજરે ભલે “વિલંબ” લાગે, પણ બાઇબલ આપણને ખાતરી આપે છે કે એ દિવસ લાવવામાં યહોવાહ જરાય “વિલંબ કરશે નહિ.”—હબા. ૨:૩.
ભક્તિમાં સમયસર હોવું મહત્ત્વનું છે
ઈસ્રાએલના સર્વ પુરુષોએ નક્કી કરેલી જગ્યાએ અને સમયે “યહોવાહનાં મુકરર પર્વો” ઊજવવા માટે ભેગા થવાનું હતું. (લેવી. ૨૩:૨, ૪) એ ઉપરાંત યહોવાહે એ પણ નક્કી કર્યું હતું કે કયા કયા સમયે શાનું અર્પણ ચડાવવું જોઈએ. (નિર્ગ. ૨૯:૩૮, ૩૯; લેવી. ૨૩:૩૭, ૩૮) આનાથી આપણને શું જોવા મળે છે? યહોવાહ ચાહે છે કે તેમના ભક્તો ભક્તિના સ્થળે હંમેશાં સમયસર પહોંચી જાય.
પહેલી સદીમાં પ્રેરિત પાઊલે કોરીંથ મંડળને પત્રમાં લખી જણાવ્યું કે સભાઓ કેવી રીતે ચલાવવી જોઈએ. તેમણે અરજ કરતા કહ્યું: “બધું શોભતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.” (૧ કોરીં. ૧૪:૪૦) તેથી નક્કી કરેલા સમય પ્રમાણે જ આપણી દરેક સભા શરૂ થવી જોઈએ. આજે પણ સમયપાલન કરવા વિષે યહોવાહના વિચારો જરાય બદલાયા નથી. (માલા. ૩:૬) સભાઓમાં મોડા ન પડીએ એ માટે આપણે શું કરી શકીએ?
સમયને વળગી રહેવાનાં અમુક સૂચનો
અમુક લોકોનું કહેવું છે કે કોઈ પણ જગ્યાએ જતા પહેલાં અગાઉથી તૈયારી કરશો તો સારું રહેશે. (નીતિ. ૨૧:૫) દાખલા તરીકે, તમારે કોઈ જગ્યાએ બપોરે બાર વાગે પહોંચવાનું છે. મુસાફરીમાં એક કલાક લાગે છે. જો તમે બરાબર એક કલાક પહેલાં મુસાફરી શરૂ કરો તો શું એ સારું કહેવાશે? ના. ત્યાં પહોંચવા જે સમય લાગતો હોય એનાથી થોડા વહેલા નીકળીએ એ સારું કહેવાશે. પછી રસ્તામાં કોઈ ‘અણધાર્યા સંજોગો’ ઊભા થાય તોપણ આપણે મોડા નહિ પડીએ. (સભા. ૯:૧૧, કોમન લેંગ્વેજ) “કોઈક જગ્યાએ પહોંચવા બધું મળીને કેટલો સમય લાગશે, એ ધ્યાનમાં રાખવાથી સમયસર પહોંચવા મદદ મળે છે,” એવું સમયના પાબંદી યોશૅ નામના યુવાને કહ્યું. *
અમુક ભાઈ-બહેનોએ કામેથી વહેલા નીકળવા પહેલેથી જરૂરી ગોઠવણો કરવી પડે છે જેથી સભામાં યોગ્ય સમયે પહોંચી શકે. ઇથિયોપિયાના એક ભાઈનો દાખલો લો. નોકરીએ અમુક શિફ્ટ પૂરી કરીને સભામાં જાય તો તે ૪૫ મિનિટ મોડા પડે. એવું ન થાય માટે તેમણે ગોઠવણ કરી કે સભા હોય એ સાંજે, પછીની શિફ્ટમાં કામ કરનાર તેમને વહેલા છોડે. એના બદલામાં આપણા ભાઈ પેલા કામદાર માટે સાત કલાકની શિફ્ટ ભરી આપતા.
કુટુંબમાં નાનાં બાળકો હોય તો સભામાં સમયસર પહોંચવું સહેલું નથી. મોટે ભાગે બાળકોને તૈયાર કરવાની જવાબદારી માતા પર આવી પડે છે. પરંતુ કુટુંબના બીજા સભ્યો મદદ કરી શકે છે. અને તેઓએ જરૂર મદદ કરવી જોઈએ. મેક્સિકોમાં રહેતી એસ્પારેન્ઝા બહેનનો અનુભવ લઈએ. તે એકલે હાથે પોતાનાં આઠ બાળકોની સંભાળ રાખે છે. હાલમાં એ બાળકોની ઉંમર પાંચથી ત્રેવીસ વર્ષની છે. આ બહેન જણાવે છે કે તેઓનું કુટુંબ સભામાં સમયસર પહોંચવા શું કરે છે: “મારી મોટી દીકરીઓ નાનાં બાળકોને તૈયાર થવા મદદ કરે છે. એ સમયે હું ઘરકામ પતાવીને તૈયાર થાઉં છું, જેથી સભામાં સમયસર પહોંચવા અમે નક્કી કરેલા સમયે ઘરેથી નીકળી જઈએ.” આ કુટુંબ નક્કી કરેલા સમયે ઘરેથી નીકળે છે અને એમ કરવા કુટુંબમાં બધા સાથ આપે છે.
ભક્તિમાં સમયસર હોવાના લાભ
સભામાં સમયસર પહોંચવાથી ઘણા લાભ થાય છે. એ લાભની કદર કરીશું તો ત્યાં સમયસર પહોંચવા આપણને મન થશે. તેમ જ મોડા ન પડવા બનતો બધો જ પ્રયત્ન કરીશું. યુવાન સાન્ડ્રાએ કાયમ સભામાં થોડા વહેલા જવાની આદત પાડી છે. તે કહે છે: “મને સભામાં વહેલા જવાનું બહુ ગમે છે. કેમ કે એનાથી હું ભાઈ-બહેનોને મળી શકું છું, વાત કરી શકું છું. તેઓને સારી રીતે ઓળખી શકું છું.” આપણે પણ સભામાં વહેલા જઈશું તો, ભાઈ-બહેનો સાથે વાત કરવાથી તેઓના અનુભવો જાણવા મળશે. યહોવાહની ભક્તિમાં હેબ્રી ૧૦:૨૪, ૨૫.
તેઓના દાખલાથી ઘણું ઉત્તેજન મળશે. થોડા વહેલાં જઈને ભાઈ-બહેનો સાથે ઉત્તેજનભરી વાતો કરવાથી બીજાઓ પર આપણા દાખલાની ઊંડી અસર પડશે. તેમ જ ‘પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવાને અરસપરસ ઉત્તેજન મળશે.’—સભાની શરૂઆતમાં ગવાતું ગીત અને પ્રાર્થના આપણી ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. (ગીત. ૧૪૯:૧) ગીતમાં આપણે યહોવાહના ગુણગાન ગાઈએ છીએ. એ યાદ અપાવે છે કે આપણે કેવા ગુણો કેળવવા જોઈએ. તેમ જ એ ગીતોથી આપણને રાજી-ખુશીથી ઈશ્વરનો સંદેશો ફેલાવવા ઉત્તેજન મળે છે. શરૂઆતની પ્રાર્થના વિષે શું? પ્રાચીન સમયમાં યહોવાહે તેમના મંદિરને “પ્રાર્થનાનું મંદિર” કહ્યું હતું. (યશા. ૫૬:૭) આજે આપણે સભામાં ભેગા મળીને યહોવાહને પ્રાર્થના કરીએ છીએ. શરૂઆતની પ્રાર્થનામાં આપણે યહોવાહની શક્તિની મદદ માગીએ છીએ. સભામાં જે માહિતીની ચર્ચા કરવામાં આવે એને સારી રીતે દિલમાં ઉતારવા પણ એ પ્રાર્થના આપણને તૈયાર કરે છે. તેથી શરૂઆતનું ગીત અને પ્રાર્થનામાં ભાગ લેવા આપણે દરેકે અગાઉથી પહોંચી જવા બનતો બધો જ પ્રયત્ન કરવો જોઈએ.
તેવીસ વર્ષની હૅલન જણાવે છે કે પોતે કેમ સભામાં વહેલી આવી જાય છે: ‘હું માનું છું કે વહેલા આવવાથી હું યહોવાહની ભક્તિ માટે પ્રેમ બતાવું છું. તેમણે જ તો સભામાં ચર્ચા થનાર માહિતી, ગીતો અને શરૂઆતની પ્રાર્થના વગેરેની આપણા માટે ગોઠવણ કરી છે.’ શું આપણે પણ આ બહેન જેવું ન વિચારવું જોઈએ? હા, જરૂર. તો ચાલો આપણે જીવનની દરેક પ્રવૃત્તિમાં સમયસર રહેવાની આદત પાડીએ. ખાસ તો યહોવાહની ભક્તિમાં આપણે સમયના પાબંદી બનીએ. (w10-E 08/15)
[ફુટનોટ્સ]
^ નામો બદલવામાં આવ્યાં છે.
[પાન ૨૬ પર ચિત્રનું મથાળું]
પહેલેથી સારી તૈયારી કરો
[પાન ૨૬ પર ચિત્રનું મથાળું]
કંઈક ‘અણધાર્યું બને’ તોય મોડા ન પડવા માટે પૂરતો સમય રાખો
[પાન ૨૬ પર ચિત્રનું મથાળું]
સભામાં વહેલા આવીને એનો લાભ લો