લોકોને શાનો ડર છે?
લોકોને શાનો ડર છે?
“ફક્ત ધાર્મિક લોકો જ નહિ, બધા જ જોઈ શકે છે કે આપણા પર મોટી આફત આવી પડવાની છે.”—દક્ષિણ કૅલિફૉર્નિયાની યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીફન ઑલૈરી. *
શું તમને પણ એવું લાગે છે? લોકોને ભાવિનો ડર કેમ લાગે છે, એના વિષે પહેલા ત્રણ લેખો જોઈશું. એ પણ જોઈશું કે દુનિયાનો અંત નહિ આવે, એવો ભરોસો તમે કેમ રાખી શકો. આ લેખમાંની અમુક માહિતી વાંચીને કદાચ તમારી ચિંતા વધી જાય. પણ ગભરાશો નહિ, કેમ કે આશા રહેલી છે.
અણુયુદ્ધનો ખતરો. ૨૦૦૭માં ધ બુલેટિન ઓફ ધી એટોમિક સાયન્ટિસ્ટ્સએ આવી ચેતવણી આપી: “હિરોશિમા અને નાગાસાકી પર સૌથી પહેલા અણુબૉમ્બ નંખાયા ત્યારે જે ગભરાટ હતો, એવો જ ગભરાટ આજે પણ છે. લોકો જાણે કટોકટીના સમયમાં જીવે છે.” કેમ આટલો બધો ડર? ઉપર જણાવેલા બુલેટિન પ્રમાણે ૨૦૦૭માં લગભગ ૨૭,૦૦૦ અણુશસ્ત્રો હજુ પણ હતાં. એમાંનાં ૨,૦૦૦ તો “અમુક મિનિટોમાં જ વાપરવા માટે તૈયાર” હતાં. જો એમાંથી ફક્ત અમુક શસ્ત્રો પણ વપરાય, તો પૃથ્વીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચે!
૨૦૦૭ પછી શું અણુયુદ્ધનો ખતરો ઓછો થયો છે? અમેરિકા, ચીન, ફ્રાંસ, રશિયા અને યૂનાઇટેડ કિંગ્ડમ, એ પાંચ દેશો અણુશસ્ત્રો રાખવામાં આગળ પડતા છે. તેઓ ‘નવી જગ્યાએ અણુશસ્ત્રો ગોઠવી રહ્યા છે અથવા તો એમ કરવાનું જાહેર કર્યું છે,’ એવું સિપ્રી વાર્ષિક પુસ્તક ૨૦૦૯ જણાવે છે. * * પરંતુ, એ પુસ્તક એવો દાવો કરે છે કે ફક્ત આ દેશો જ અણુશસ્ત્રો ધરાવતાં નથી. સંશોધકોના અંદાજ પ્રમાણે ભારત, પાકિસ્તાન અને ઇઝરાયલ દરેકની પાસે પણ આશરે ૬૦-૮૦ અણુબૉમ્બ છે. તેઓ એમ પણ જણાવે છે કે આખી દુનિયામાં કુલ ૮,૩૯૨ અણુશસ્ત્રો ગોઠવી રાખવામાં આવ્યાં છે, જેથી એનો તરત ઉપયોગ કરી શકાય.
હવામાનમાં થતા ફેરફારથી વિનાશ આવી શકે. આગળ જણાવેલું બુલેટિન ઓફ ધી એટોમિક સાયન્ટિસ્ટ્સ આમ પણ કહે છે: “લગભગ અણુશસ્ત્રોના ખતરા જેટલો જ ખતરો હવામાનમાં થતા ફેરફારથી ઊભો થાય છે.” જાણીતા વૈજ્ઞાનિકોમાંના એક સ્ટીવન હોકિંગ કેમ્બ્રિજ યુનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસર છે. સર માર્ટિન રીસ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ટ્રીનીટી કૉલેજના ઉપરી છે. તેઓ પણ એ ખતરાની ચેતવણી આપે છે. તેઓનું માનવું છે કે ટેક્નૉલૉજીનો ખોટો ઉપયોગ અને હવામાનને થતું નુકસાન, ધરતી પરનું જીવન એટલું બગાડી નાખશે કે એમાં કોઈ સુધારો થઈ નહિ શકે. અરે, એનાથી આખી માણસજાતનો અંત પણ આવી શકે.
અંતની આગાહીથી લાખો લોકો ગભરાય છે. ઇન્ટરનેટ પર “દુનિયાનો અંત” અથવા વર્ષ “૨૦૧૨” ટાઇપ કરો તો, ઢગલાબંધ માહિતી મળશે. લોકોના અનુમાન પ્રમાણે ૨૦૧૨માં દુનિયાનો અંત આવશે. તેઓ કેમ એવું માને છે? જૂના જમાનામાં દક્ષિણ અમેરિકાની માયા સંસ્કૃતિનું કેલેન્ડર “લાંબા કાળક્રમ” તરીકે ઓળખાય છે. એ કેલેન્ડર ૨૦૧૨માં પૂરું થાય છે. ઘણાનું માનવું છે કે એ સમયે કોઈક રીતે દુનિયાનો અંત આવશે.
ઘણા ધાર્મિક લોકોના કહેવા પ્રમાણે બાઇબલ એવું શીખવે છે કે પૃથ્વીનો નાશ થશે. તેઓ માને છે કે ભગવાનને ભજતા લોકો સ્વર્ગમાં જશે અને બાકીના લોકો ધરતી પર પીડાશે અથવા તેઓને નરકમાં નાખવામાં આવશે.
શું બાઇબલ એવું કહે છે કે પૃથ્વીને એટલી હદે નુકસાન થશે અથવા એનો નાશ થશે? ઈશ્વરભક્ત યોહાને ચેતવણી આપી કે દરેક વાત ‘પર વિશ્વાસ ન રાખો,’ પણ એ ખરેખર ‘ઈશ્વર પાસેથી છે કે નહિ એ પારખી જુઓ.’ (૧ યોહા. ૪:૧) દુનિયાના અંત વિષે લોકો જે કંઈ કહે એ સ્વીકારી લેશો નહિ. તમે પોતે તપાસ કરો કે બાઇબલ એ વિષે શું કહે છે. તમે જે શીખશો એનાથી તમને નવાઈ લાગશે. (w10-E 08/01)
[ફુટનોટ્સ]
^ ‘આફતોને લીધે લોકો દુનિયાના અંતની આગાહી કરવા લાગ્યા છે’ વિષય પરના અંગ્રેજી લેખમાંનો વિચાર. એમએસએનબીસી (MSNBC) વેબ સાઇટ, ઑક્ટોબર ૧૯, ૨૦૦૫.
^ સિપ્રી એટલે કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ.
^ શેનોન એન. કીલએ સિપ્રી વાર્ષિક પુસ્તક ૨૦૦૯નો રિપોર્ટ લખ્યો. તે સંશોધક ટુકડીની ઉપરી છે. તેમ જ, ‘સિપ્રી’ અણુશસ્ત્રોના પ્રોજેક્ટની પ્રમુખ છે, જે શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખતો પ્રોગ્રામ છે. વીટાલી ફેડ્ચેનકો, જે ‘સિપ્રી’ શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખતા પ્રોગ્રામના સંશોધક છે; હાન્સ એમ. ક્રિસ્ટીનસન જે અમેરિકન સાયન્ટિસ્ટ ફેડરેશનના અણુ વિષેની માહિતીના પ્રોજેક્ટ ડાયરેક્ટર છે.
[પાન ૪ પર ચિત્રનું મથાળું]
Mushroom cloud: U.S. National Archives photo; hurricane photos: WHO/League of Red Cross and U.S. National Archives photo