સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુનિયાના વલણ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલીએ

દુનિયાના વલણ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલીએ

દુનિયાના વલણ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલીએ

‘આપણે દુનિયાનું વલણ નહિ પણ જે શક્તિ ઈશ્વર તરફથી છે એ પામ્યા છીએ. જેથી આપણે એ બાબતોને જાણી શકીએ જે ઈશ્વરે આપણને આપી છે.’​—૧ કોરીં. ૨:૧૨, NW.

૧, ૨. (ક) આપણી લડાઈ કોની સામે છે? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

 આપણે એક લડાઈમાં છીએ. આપણી સામે જે દુશ્મન છે તે બહુ જ ખતરનાક અને ચાલાક છે. તેણે એક હથિયાર વાપરીને ઘણા મનુષ્યને પોતાના કબજામાં કરી લીધા છે. જોકે આપણે ડરવાની જરૂર નથી. (યશા. ૪૧:૧૦) દુશ્મનના કોઈ પણ હુમલા સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ.

આપણી લડાઈ માણસો સામે નહિ, પણ શેતાન અને તેના દુષ્ટ દૂતો સામે છે. તે ‘દુનિયાના વલણને’ ખાસ હથિયાર તરીકે વાપરે છે. (૧ કોરીં. ૨:૧૨) જોકે ઈશ્વરની શક્તિથી આપણે શેતાન અને જગતના વલણનો સામનો કરી શકીએ છીએ. એ માટે આપણે ઈશ્વર સાથે ગાઢ સંબંધ જાળવી રાખવાની જરૂર છે. તેમની શક્તિ માગતા રહેવાની જરૂર છે. એની દોરવણી મુજબ સારા ગુણો કેળવતા રહેવાની જરૂર છે. (ગલા. ૫:૨૨, ૨૩) તો પછી આ જગતનું વલણ શું છે, જેની ઘણા લોકોને અસર થઈ છે? કેવી રીતે પારખી શકીએ કે આપણને એની અસર થઈ છે કે નહિ? ઈશ્વરની શક્તિથી ઈસુએ જે રીતે જગતના વલણનો સામનો કર્યો, એમાંથી આપણે શું શીખી શકીએ?

દુનિયાના વલણની કરોડો લોકો પર અસર

૩. જગતના વલણની લોકો પર શું અસર થઈ છે?

દુનિયાના વલણ પાછળ શેતાનનો હાથ છે, જેને “આ જગતનો અધિકારી” કહેવામાં આવે છે. એ વલણ યહોવાહની ઇચ્છા વિરુદ્ધનું છે. (યોહા. ૧૨:૩૧; ૧૪:૩૦; ૧ યોહા. ૫:૧૯) મોટાભાગના લોકોને જગતના વલણની અસર થઈ છે. તેઓ પણ શેતાનની જેમ ઈશ્વરની સામે થયા છે. તેઓ ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ કાર્યો કરે છે.

૪, ૫. શેતાને કઈ રીતે પોતાનું વલણ દુનિયામાં ફેલાવ્યું?

શેતાને કઈ રીતે પોતાનું વલણ દુનિયામાં ફેલાવ્યું? સૌથી પહેલા તો તેણે એદન બાગમાં એની શરૂઆત કરી. તેણે હવાને છેતરીને કહ્યું કે જો તે ઈશ્વરથી આઝાદ થશે તો વધારે સુખી થશે. (ઉત. ૩:૧૩) શેતાન હળહળતું જૂઠું બોલ્યો. (યોહા. ૮:૪૪) તેણે હવા દ્વારા આદમને પણ યહોવાહ વિરુદ્ધ જવા ફોસલાવ્યો. આ રીતે આદમ પાપી બન્યો. તેના સંતાનોને પણ પાપનો વારસો આપ્યો. આ વારસાને લીધે લોકો સહેલાઈથી શેતાનની અસર હેઠળ આવી જાય છે.​—એફેસી ૨:૧-૩ વાંચો.

શેતાને ઘણા દૂતોને પણ પોતાની તરફ કરી લીધા છે. (પ્રકટી. ૧૨:૩, ૪) જળપ્રલય થયો એ પહેલાં આ દુષ્ટ દૂતોએ યહોવાહને દગો દીધો હતો. કઈ રીતે? વધુ મઝા માણવાની લાલચમાં આવીને આ દૂતોએ શેતાનનું કહ્યું કર્યું. તેઓને લાગ્યું કે જો તેઓ સ્વર્ગમાંની જવાબદારી છોડીને સ્ત્રીઓ સાથે સંબંધ બાંધશે તો વધુ મઝા માણી શકશે. (યહુ. ૬) આ દુષ્ટ દૂતો હવે શેતાન સાથે મળીને “આખા જગતને ભમાવે છે.” (પ્રકટી. ૧૨:૯) દુઃખની વાત છે કે મોટાભાગના લોકો જાણતા નથી કે શેતાન અને તેના ચેલાઓ કઈ રીતે જગતને ભમાવે છે.​—૨ કોરીં. ૪:૪.

શું જગતનું વલણ તમને અસર કરે છે?

૬. શેતાનના હાથની કઠપૂતળી ન બનવા શું કરવું જોઈએ?

ઘણા લોકોને ખબર નથી કે શેતાન કઈ રીતે જગતને ભમાવે છે. પણ આપણને બાઇબલમાંથી શેતાનની ચાલાકીઓ વિષે જાણવા મળે છે. (૨ કોરીં. ૨:૧૧) જ્યાં સુધી આપણે શેતાનની સામે થઈએ, ત્યાં સુધી તેના હાથની કઠપૂતળી નહિ બનીએ. આપણે કેવી રીતે પારખી શકીએ કે ઈશ્વરની શક્તિથી કે જગતના વલણથી ચાલીએ છીએ? એનો જવાબ મેળવવા ચાલો ચાર પ્રશ્નોનો વિચાર કરીએ.

૭. આપણને ઈશ્વરથી દૂર લઈ જવા શેતાન શું કરે છે?

હું જે મનોરંજન પસંદ કરું છું એ મારા વિષે શું બતાવે છે? (યાકૂબ ૩:૧૪-૧૮ વાંચો.) શેતાન આપણને ઈશ્વરથી દૂર લઈ જવા માગે છે. એટલે તે આપણને હિંસાના શોખીન બનવા ઉશ્કેરે છે. તે જાણે છે કે જેઓ હિંસાના શોખીન છે તેઓને યહોવાહ નફરત કરે છે. (ગીત. ૧૧:૫) શેતાન ખાસ કરીને મારામારી અને અશ્લીલ પુસ્તકો, ફિલ્મો, સંગીત અને વીડિયો ગેઇમ દ્વારા આપણને ફસાવે છે. ભલે આપણે યહોવાહની ભક્તિ કરતા હોઈએ, જો આપણામાં થોડે અંશે પણ બૂરાઈ માટે પ્રેમ હશે તો શેતાન એમાં પણ ખુશ થશે.​—ગીત. ૯૭:૧૦.

૮, ૯. મનોરંજન વિષે આપણે કેવા સવાલોનો વિચાર કરવો જોઈએ?

જેઓ ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલે છે તેઓ સારા સંસ્કાર કેળવે છે. તેઓ શાંતિ અને દયાથી વર્તે છે. તમે આ સવાલ પર વિચાર કરી શકો: ‘હું જે મનોરંજન પસંદ કરું છું શું એ સારા ગુણો કેળવવા ઉત્તેજન આપે છે?’ જેઓ સારા સંસ્કાર અને શાંતિ વિષે પ્રચાર કરે છે, તેઓ હિંસક અને ગંદી ફિલ્મો જોતા નથી. તેઓ ઈશ્વર પાસેથી જ્ઞાન મેળવીને ભક્તિ કરવાનો દેખાડો કરતા નથી.

યહોવાહ ચાહે છે કે આપણે તેમને પૂરા દિલથી ભજીએ. જ્યારે કે શેતાન ચાહે છે કે આપણે થોડા અંશે પણ તેને ખુશ કરીએ. તેણે ઈસુને પણ થોડે અંશે તેની ભક્તિ કરવા લલચાવ્યા હતા. (લુક ૪:૭, ૮) તેથી આપણે આ સવાલોનો વિચાર કરીએ: ‘હું જે મનોરંજન પસંદ કરું છું, એનાથી દેખાય આવે છે કે હું યહોવાહને પૂરા દિલથી ભજું છું? શું એ પસંદગી મને દુનિયાના વલણથી દૂર રહેવા સહેલું બનાવે છે કે અઘરું? શું મારે પસંદગીમાં ફેરફાર કરવાની જરૂર છે?’

૧૦, ૧૧. (ક) ધન-દોલત વિષે દુનિયાના લોકો કેવું વલણ બતાવે છે? (ખ) બાઇબલ કેવું વલણ કેળવવા ઉત્તેજન આપે છે?

૧૦ ધન-દોલત વિષે હું કેવું વલણ બતાવું છું? (લુક ૧૮:૨૪-૩૦ વાંચો.) જગતનું વલણ “આંખોની લાલસા” ઉશ્કેરે છે, જે લોકોને લોભી બનાવે છે. (૧ યોહા. ૨:૧૬) ઘણા લોકો અમીર બનવા પૈસાની પાછળ પડે છે. (૧ તીમો. ૬:૯, ૧૦) તેઓ એવું કહેશે કે ઢગલો રૂપિયા હશે તો તમે સુખી થશો. (નીતિ. ૧૮:૧૧) પણ જો આપણે ઈશ્વરને બદલે પૈસાને વધારે પ્રેમ કરવા લાગીશું, તો શેતાન ફાવી જશે. એટલે પોતાને પૂછો કે ‘શું હું માલમિલકત ભેગી કરવા કે એશઆરામની પાછળ પડ્યો છું?’

૧૧ જોકે બાઇબલ આપણને પૈસા માટે યોગ્ય વલણ રાખવા કહે છે. કુટુંબની જરૂરિયાત પૂરી કરવા મહેનત કરવા પણ ઉત્તેજન આપે છે. (૧ તીમો. ૫:૮) જેઓ ઈશ્વરની શક્તિ મુજબ ચાલે છે, તેઓ યહોવાહની જેમ ઉદાર વલણ બતાવે છે. પોતાની ક્ષમતા પ્રમાણે તેઓ પાસે જે છે એ બીજાઓને રાજી-ખુશીથી વહેંચે છે. (નીતિ. ૩:૨૭, ૨૮) આવા લોકો ઈશ્વરની ભક્તિ છોડીને પૈસા પાછળ પડી જતા નથી.

૧૨, ૧૩. ઈશ્વરની શક્તિ કઈ રીતે આપણને મદદ કરે છે?

૧૨ હું કેવું વલણ બતાવું છું? (કોલોસી ૩:૮-૧૦, ૧૩ વાંચો.) દુનિયાનું વલણ આપણને પાપ કરવા ઉશ્કેરે છે. (ગલા. ૫:૧૯-૨૧) આપણે કઈ રીતે પારખી શકીએ કે કયું વલણ આપણને અસર કરે છે? જીવનમાં બધું ઠીક હોય ત્યારે એનો જવાબ નહિ મળે, પણ જ્યારે કોઈ તકલીફો આવે ત્યારે એનો જવાબ મળશે. જેમ કે કોઈ ભાઈ કે બહેન તમારી અવગણના કરે, દુઃખ પહોંચાડે, કે પછી તેમના પાપને લીધે તમારે પણ દુઃખ ભોગવવું પડે. આપણે ઘરે એકલા હોઈએ ત્યારે પણ જોઈ શકીએ કે કયું વલણ આપણને અસર કરે છે. એટલે વિચારો કે ‘છેલ્લા છ મહિનામાં તમારો સ્વભાવ ઈસુ જેવો વધારે થયો છે, કે પછી દુનિયાના લોકો જેવો?’

૧૩ ઈશ્વરની શક્તિ આપણને ‘જૂના માણસપણાને તેની કરણીઓ ઉતારીને નવું માણસપણું’ પહેરવા મદદ કરે છે. એના લીધે આપણે એકબીજાને વધારે પ્રેમ બતાવી શકીએ છીએ. ભલે કોઈની સામે ગુસ્સે થવાનું યોગ્ય કારણ હોય, ત્યારે પણ દિલથી માફ કરવા પ્રેરણા મળશે. અન્યાય થયો હોય એવું લાગે ત્યારે પણ ‘સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ તથા નિંદાથી’ બોલીશું નહિ. એના બદલે “કરુણાળુ” થઈશું.​—એફે. ૪:૩૧, ૩૨.

૧૪. બાઇબલ વિષે જગતના મોટાભાગના લોકો શું વિચારે છે?

૧૪ શું હું બાઇબલને માન આપું છું અને એના નીતિ-નિયમોને ચાહું છું? (નીતિવચનો ૩:૫, ૬ વાંચો.) જગતના ઘણા લોકો બાઇબલને મનફાવે એમ વાપરે છે. બાઇબલમાંથી તેઓને જે ગમે એ જ પાળે છે. તેઓને માણસોના રીતરિવાજો અને ફિલસૂફી વધારે ગમે છે. (૨ તીમો. ૪:૩, ૪) અમુક લોકો તો બાઇબલને જરાય માન આપતા નથી. તેઓ કહે છે કે બાઇબલ નકામું છે, એ ઈશ્વર પાસેથી આવતું નથી. આવું કહેનારા લોકો ધારે છે કે તેઓને બધું જ ખબર છે. તેઓ બાઇબલના નીતિ-નિયમો વિરુદ્ધ જઈને કહેશે કે વ્યભિચાર અને છૂટાછેડામાં કંઈ ખોટું નથી. અરે, સજાતીય સંબંધોમાં પણ કંઈ પાપ નથી. તેઓ “ભૂંડાને સારૂં, અને સારાને ભૂંડું કહે છે.” (યશા. ૫:૨૦) શું એવા વિચારો આપણને અસર કરે છે? મુસીબતો આવે ત્યારે કોના પર ભરોસો મૂકીએ છીએ​—પોતા પર અને બીજાઓ પર કે પછી બાઇબલની સલાહ પર?

૧૫. પોતા પર ભરોસો રાખવાને બદલે શું કરવું જોઈએ?

૧૫ ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલીશું તો આપણે બાઇબલને પૂરું માન આપીશું. ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું તેમ ઈશ્વરનું વચન આપણા પગોને માટે દીવારૂપ અને માર્ગને માટે અજવાળારૂપ છે. (ગીત. ૧૧૯:૧૦૫) પોતાના વિચારો પર ભરોસો મૂકવાને બદલે આપણે બાઇબલ પર પૂરો ભરોસો મૂકવો જોઈએ. એના દ્વારા આપણે ખરું-ખોટું પારખી શકીએ છીએ. બાઇબલને પૂરું માન આપવું જોઈએ અને એના નિયમો માટે પ્રેમ હોવો જોઈએ.​—ગીત. ૧૧૯:૯૭.

ઈસુના દાખલામાંથી શીખીએ

૧૬. “ખ્રિસ્તનું મન” કેળવવા શું કરવું જોઈએ?

૧૬ ઈશ્વરની શક્તિ મેળવવા આપણે “ખ્રિસ્તનું મન” કેળવવું જોઈએ. (૧ કોરીં. ૨:૧૬) “ખ્રિસ્ત ઈસુના જેવું વલણ” કેળવવા તેમના વિચારો અને કાર્યો પર મનન કરવું જોઈએ. (રૂમી ૧૫:૫, IBSI; ૧ પીત. ૨:૨૧) એ મુજબ આપણે ચાલવું જોઈએ. એ માટે ચાલો અમુક રીતો જોઈએ.

૧૭, ૧૮. (ક) પ્રાર્થના વિષે આપણે ઈસુ પાસેથી શું શીખી શકીએ? (ખ) ઈશ્વરની શક્તિ ‘માગતા’ આપણે કેમ થાકીએ નહિ?

૧૭ ઈશ્વરની શક્તિ માટે પ્રાર્થના કરીએ. પરીક્ષણ આવ્યા પહેલાં ઈસુએ ઈશ્વરની શક્તિ માટે પ્રાર્થના કરી. (લુક ૨૨:૪૦, ૪૧) આપણે પણ ઈશ્વરની શક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. જો આપણે પૂરી શ્રદ્ધાથી એ માંગીએ તો ઈશ્વર ઉદારતાથી આપશે. (લુક ૧૧:૧૩) ઈસુએ કહ્યું: “માગો, તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ઠોકો, તો તમારે સારૂ ઉઘાડાશે. કેમ કે જે હરેક માગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ઠોકે છે તેને સારૂ ઉઘાડવામાં આવશે.”​—માથ. ૭:૭, ૮.

૧૮ આપણે ઈશ્વરની શક્તિ માગતા થાકીએ નહિ. કોઈ વાર આપણે વધારે વાર વિનંતી કરવી પડશે. તો કોઈ વાર પ્રાર્થના માટે વધારે સમય આપવો પડશે. અમુક વાર યહોવાહ જવાબ આપતા પહેલાં એ જોવા માગે છે કે આપણામાં કેટલો વિશ્વાસ છે, અને મદદની કેટલી જરૂર છે. *

૧૯. ઈસુએ હંમેશાં શું કર્યું? આપણે શા માટે એમ કરવું જોઈએ?

૧૯ યહોવાહની આજ્ઞાઓ પૂરી રીતે પાડીએ. ઈસુએ હંમેશાં એવા કામો કર્યા, જેનાથી યહોવાહ ખુશ થાય. એક વખતે ઈસુને જે કરવું હતું એ યહોવાહની ઇચ્છાથી થોડું અલગ હતું, તોય તેમણે કહ્યું: ‘મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’ (લુક ૨૨:૪૨) પોતાને પૂછો કે ‘અઘરું હોય ત્યારે પણ શું હું ઈશ્વરની આજ્ઞા પાળું છું?’ આપણે તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ, કેમ કે તે આપણા સર્જનહાર છે. (ગીત. ૯૫:૬, ૭) ફક્ત તે જ આપણું જીવન ટકાવી રાખે છે. જો યહોવાહની આજ્ઞાઓ નહિ પાળીએ તો તેમની કૃપા ગુમાવી બેસીશું.

૨૦. ઈસુએ તેમનું આખું જીવન શામાં ગાળ્યું? આપણે કેવી રીતે ઈસુને અનુસરી શકીએ?

૨૦ બાઇબલને સારી રીતે જાણીએ. શેતાનની લાલચોનો સામનો કરતી વખતે ઈસુએ શાસ્ત્રનો ઉલ્લેખ કર્યો. (લુક ૪:૧-૧૩) જ્યારે ધર્મગુરુઓ વિરોધ કરતા ત્યારે તે શાસ્ત્ર પર ધ્યાન દોરતા. (માથ. ૧૫:૩-૬) ઈસુએ શાસ્ત્રને જાણવામાં અને યહોવાહના વચનો પૂરા કરવામાં આખું જીવન વિતાવ્યું. (માથ. ૫:૧૭) બાઇબલ આપણો વિશ્વાસ મજબૂત કરે છે, એટલે આપણે હંમેશાં એની તપાસ કરતા રહેવું જોઈએ. (ફિલિ. ૪:૮, ૯) અમુક માટે બાઇબલનો અભ્યાસ કરવા કે કુટુંબ તરીકે ભક્તિ કરવા સમય કાઢવો અઘરું હોઈ શકે. એટલે જરૂરી છે કે આપણે સમય મળે ત્યારે નહિ પણ એના માટે સમય કાઢીએ.​—એફે. ૫:૧૫-૧૭.

૨૧. બાઇબલને સારી રીતે જાણવા માટે કેવી ગોઠવણ કરવામાં આવી છે? આપણે કેવી રીતે એનો પૂરો લાભ મેળવી શકીએ?

૨૧ ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ ગોઠવણ કરી છે, જેથી વ્યક્તિગત રીતે કે કુટુંબ તરીકે ભક્તિ કરવા માટે એક સાંજ કાઢી શકીએ. (માથ. ૨૪:૪૫) શું તમે આ ગોઠવણનો પૂરો લાભ લઈ રહ્યા છો? એ સમયે ખ્રિસ્તનું મન કેળવવા કદાચ તમે ઈસુના શિક્ષણ વિષે અભ્યાસ કરી શકો. કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ પુસ્તકનો ઉપયોગ કરી શકો. એ પુસ્તક દ્વારા તમે અનેક બાબતો વિષે ઈસુનું મન જાણી શકો છો. ઉપરાંત ૨૦૦૬થી સજાગ બનો!માં “તમે કેવો જવાબ આપશો?” લેખો આવ્યા છે એ વાપરી શકો. કેમ નહિ કે કુટુંબ તરીકે ભક્તિ કરવા કોઈ કોઈ વાર એ લેખોનો ઉપયોગ કરીએ.

આપણે જગત પર જીત મેળવી શકીએ

૨૨, ૨૩. જગતના વલણ પર જીત મેળવવા શું કરવું જોઈએ?

૨૨ જગતના વલણ પર જીત મેળવવા ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલવું જોઈએ. જોકે એમ કરવું સહેલું નથી. (યહુ. ૩) પણ આપણે આ લડાઈમાં જીતી શકીએ છીએ! ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “જગતમાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; જગતને મેં જીત્યું છે.”​—યોહા. ૧૬:૩૩.

૨૩ ચાલો આપણે જગતના વલણથી દૂર રહીએ અને ઈશ્વરની શક્તિ મેળવતા રહીએ. એમ કરીશું તો જગત પર જીતી મેળવી શકીશું. ‘જો ઈશ્વર આપણા પક્ષે હોય તો આપણી સામે કોણ થઈ શકે?’ (રૂમી ૮:૩૧) ઈશ્વરની શક્તિ મેળવીને અને બાઇબલના માર્ગદર્શન મુજબ જીવીને આપણને સંતોષ, શાંતિ અને આનંદ મળશે. વળી, આવનાર નવા યુગમાં હંમેશ માટેનું જીવન મળશે. (w11-E 03/15)

[ફુટનોટ]

^ વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પાન ૧૭૦-૧૭૩ જુઓ.

તમને યાદ છે?

• જગતનું વલણ શા માટે બધે ફેલાઈ ગયું છે?

• કયા ચાર સવાલો પર વિચાર કરવો જોઈએ?

• ઈશ્વરની શક્તિ મેળવવા ઈસુ પાસેથી કઈ ત્રણ બાબતો શીખવા મળે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૪ પર ચિત્ર]

અમુક દૂતો કઈ રીતે દુષ્ટ બન્યા?

[પાન ૧૬ પર ચિત્ર]

જગતના વલણથી શેતાન લોકોને પોતાના હાથની કઠપૂતળી બનાવે છે, પણ એમાંથી આપણે છટકી શકીએ છીએ