‘આહા! ઈશ્વરની બુદ્ધિ કેવી અગાધ છે!’
‘આહા! ઈશ્વરની બુદ્ધિ કેવી અગાધ છે!’
“આપણા ઈશ્વર કેવા અદ્ભુત છે! તેમની બુદ્ધિ અને જ્ઞાન કેવાં અગાધ છે! તેમના નિર્ણયો અને તેમના માર્ગો આપણે માટે કેવા અગમ્ય છે!”—રોમ. ૧૧:૩૩, IBSI.
૧. બાપ્તિસ્મા પામેલા ભક્તો માટે સૌથી મોટો લહાવો કયો છે?
તમને કયો સૌથી મોટો લહાવો મળ્યો છે? કદાચ કહેશો કે તમને મંડળમાં કોઈ જવાબદારી મળી છે. અથવા તમને સ્કૂલ કે નોકરી પર કોઈ ખાસ લહાવો મળ્યો છે. જોકે બાપ્તિસ્મા પામેલા ભક્તો તરીકે સૌથી મોટો લહાવો એ છે કે યહોવાહ સાથે નાતો બાંધી શકીએ છીએ. આ રીતે ઈશ્વર આપણને સારી રીતે “ઓળખે છે.”—૧ કોરીં. ૮:૩; ગલા. ૪:૯.
૨. યહોવાહ સાથે નાતો બાંધવો અને તે આપણને ઓળખે એને કેમ એક લહાવો ગણી શકાય?
૨ યહોવાહ સાથે નાતો બાંધવો અને તે આપણને ઓળખે એને કેમ એક લહાવો ગણી શકાય? કારણ કે વિશ્વમાં તે સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. એ ઉપરાંત, તે પોતાના ભક્તોના રખેવાળ છે. પ્રબોધક નાહૂમે ઈશ્વરની પ્રેરણાથી લખ્યું: “યહોવાહ સારો છે, સંકટસમયે તે ગઢરૂપ છે; અને તેના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે.” (નાહૂ. ૧:૭; ગીત. ૧:૬) જો આપણે સદા સુખ-ચેનમાં જીવવા ચાહતા હોઈએ, તો યહોવાહ અને ઈસુને સારી રીતે ઓળખવા બહુ જરૂરી છે.—યોહા. ૧૭:૩.
૩. ઈશ્વરને સારી રીતે ઓળખવામાં શું સમાયેલું છે?
૩ ઈશ્વરને ઓળખવા માટે તેમનું નામ જાણવું પૂરતું નથી. આપણે તેમને એક મિત્ર તરીકે ગણવા જોઈએ. તેમને શું ગમે છે, શું ગમતું નથી એ જોવું જોઈએ. જો ઈશ્વરના કહ્યા મુજબ જીવીશું, તો એનાથી દેખાય આવશે કે આપણે તેમને સારી રીતે ઓળખીએ છીએ. (૧ યોહા. ૨:૪) એ ઉપરાંત હજુ બીજું કંઈક કરવાની જરૂર છે. તેમણે ઇતિહાસમાં શું કર્યું, કઈ રીતે કર્યું અને શા માટે એમ કર્યું એ સમજવાની જરૂર છે. આપણે જેમ જેમ સમજતા જઈશું તેમ તેમ કહેવા પ્રેરાઈશું કે, ‘ઈશ્વરની બુદ્ધિ કેવી અગાધ છે!’—રૂમી ૧૧:૩૩.
યહોવાહ હેતુ પૂરો કરશે
૪, ૫. (ક) બાઇબલ મુજબ “હેતુ” શબ્દ શાને બતાવે છે? (ખ) દાખલો આપી સમજાવો કે હેતુ પૂરો કરવાની એક કરતાં વધારે રીતો છે.
૪ યહોવાહ જે કંઈ કરે, એની પાછળ કોઈ ખાસ હેતુ રહેલો છે. બાઇબલ ઈશ્વરના “સનાતન હેતુ” વિષે જણાવે છે. (એફે. ૩:૧૦, ૧૧, કોમન લેંગ્વેજ) બાઇબલ મુજબ “હેતુ” શબ્દ કોઈ ખાસ ઇરાદા કે ધ્યેયને બતાવે છે, જેને અનેક રીતે પૂરો કરી શકાય.
૫ એ સમજવા એક દાખલો લઈએ. એક વ્યક્તિને કોઈ ખાસ જગ્યાએ જવું છે. એ જગ્યાએ પહોંચવું એ તેનો ધ્યેય કે હેતુ છે. ત્યાં પહોંચવા તે જુદા જુદા વાહનો અને રસ્તાઓનો ઉપયોગ કરી શકે છે. મુસાફરી વખતે કદાચ તેને અમુક અણધાર્યા સંજોગોનો સામનો કરવો પડે. જેમ કે ખરાબ હવામાન, ટ્રાફિક કે બંધ કરેલા રસ્તાઓ. એ નડતરો આવે ત્યારે તે મંઝિલે પહોંચવા બીજો કોઈ રસ્તો લઈ શકે. ભલે ગમે તેવા ફેરફારો કરવા પડે, તે મંજિલ પહોંચે છે ત્યારે તેનો ધ્યેય કે હેતુ પૂરો થાય છે.
૬. યહોવાહે પોતાનો હેતુ પૂરો કરવા કેવો ફેરફાર કર્યો?
૬ યહોવાહે સર્વ મનુષ્ય અને સ્વર્ગદૂતોને નિર્ણય લેવાની છૂટ આપી છે. એટલે યહોવાહે પોતાનો “સનાતન હેતુ” પૂરો કરવા ઘણી વાર ફેરફાર કરવો પડ્યો છે. ચાલો જોઈએ કે યહોવાહે “સંતાન” વિષેનું વચન પૂરું કરવા શું કર્યું. મનુષ્યની શરૂઆતમાં યહોવાહે આદમ અને હવાને કહ્યું: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો.” (ઉત. ૧:૨૮) જ્યારે તેઓએ આજ્ઞા તોડી ત્યારે શું યહોવાહનો હેતુ ત્યાં જ રદ થઈ ગયો? જરાય નહિ! એ નડતરને આંબવા યહોવાહે થોડાં ફેરફાર કર્યા જેથી તેમનો હેતુ પૂરો થઈ શકે. તેમણે જણાવ્યું કે ભાવિમાં એક “સંતાન” આવશે. એદન બાગમાં આજ્ઞા તોડવાને લીધે આવી પડેલી દુઃખ-તકલીફોને તે દૂર કરશે.—ઉત. ૩:૧૫; હેબ્રી ૨:૧૪-૧૭; ૧ યોહા. ૩:૮.
૭. નિર્ગમન ૩:૧૪માં યહોવાહે પોતાનું જે વર્ણન કર્યું, એમાંથી આપણને શું શીખવા મળે છે?
૭ ભલે ગમે તેવા નડતરો આવે યહોવાહ પોતાનો હેતુ પૂરો કરવા ફેરફાર કરે છે. જેની સાબિત આપણને તેમના પોતાના શબ્દોમાં દેખાય આવે છે. તે મુસાને એક મોટી જવાબદારી સોંપે છે ત્યારે તે આનાકાની કરે છે. મુસાને હિંમત આપવા પોતાનું વર્ણન કરતા યહોવાહ કહે છે: “હું જે છું તે છું.” પછી તે આગળ જણાવે છે, “તું ઈસ્રાએલપુત્રોને કહેજે કે હું છું એ [ઈશ્વરે] મને તમારી પાસે મોકલ્યો છે.” (નિર્ગ. ૩:૧૪) “હું જે છું તે છું” માટે વપરાયેલ હેબ્રી શબ્દનો અર્થ થાય કે યહોવાહ પોતાનો હેતુ પૂરો કરવા જરૂર પડે એ ફેરફાર કરે છે. તે જે ધારે એ કરી શકે છે. આની સાબિતી રૂમીના ૧૧મા અધ્યાયમાં જોવા મળે છે. એમાં પાઊલે અમુક મહત્ત્વની બાબતો રજૂ કરવા એક જૈતુન વૃક્ષનું ઉદાહરણ આપ્યું. ભલે આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વી પરની, આ ઉદાહરણના અભ્યાસથી જોવા મળશે કે યહોવાહની બુદ્ધિ કેટલી અગાધ છે. તેમના માટે આપણી કદર વધશે.
વચન આપેલ સંતાન વિષે યહોવાહનો હેતુ
૮, ૯. (ક) જૈતુન વૃક્ષના દાખલાને બરાબર સમજવા કઈ ચાર વિગતો જાણવાની જરૂર છે? (ખ) કયા પ્રશ્નની ચર્ચા કરીશું? એનાથી શું જોવા મળશે?
૮ જૈતુન વૃક્ષના દાખલાને બરાબર સમજીએ એ પહેલાં અમુક વિગતો જાણવાની જરૂર છે. આવનાર સંતાન વિષેનો યહોવાહનો હેતુ કેવી રીતે પૂરો થશે એ વિષે ચાર વિગતો જોઈએ. પહેલી, યહોવાહે ઈબ્રાહીમને વચન આપ્યું કે તેના સંતાન એટલે વંશજોથી “પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે.” (ઉત. ૨૨:૧૭, ૧૮) બીજી, ઈબ્રાહીમથી આવેલી ઈસ્રાએલી પ્રજાને “યાજકોનું રાજ્ય” બનવાનો મોકો મળશે. (નિર્ગ. ૧૯:૫, ૬) ત્રીજી, જ્યારે મોટા ભાગના ઈસ્રાએલીઓએ મસીહનો નકાર કર્યો, ત્યારે ‘યાજકોના રાજ્યʼની સંખ્યા પૂરી કરવા યહોવાહે બીજા પગલાં લીધાં. (માથ. ૨૧:૪૩; રૂમી ૯:૨૭-૨૯) ચોથી, ઈબ્રાહીમના “સંતાન”નો મુખ્ય ભાગ ઈસુ છે, તો પણ બીજાઓને એ “સંતાન”નો ભાગ બનવાનો લહાવો મળશે.—ગલા. ૩:૧૬, ૨૯.
૯ આ ચાર વિગતો ઉપરાંત, પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે કે ૧,૪૪,૦૦૦ લોકો ઈસુ સાથે રાજ કરશે. તેઓ સ્વર્ગમાં ઈસુ જોડે રાજાઓ અને યાજકો બનશે. (પ્રકટી. ૧૪:૧-૪) તેઓને ‘ઈસ્રાએલપુત્રો’ કહેવામાં આવે છે. (પ્રકટી. ૭:૪-૮) તો પ્રશ્ન થાય કે એ ૧,૪૪,૦૦૦ શું ફક્ત પ્રાચીન ઈસ્રાએલીઓ કે યહુદીઓમાંના છે? ચાલો જોઈએ કે પાઊલે લખેલું રૂમીનું પુસ્તક કઈ રીતે આ પ્રશ્નનો જવાબ આપે છે. એ જવાબ બતાવશે કે યહોવાહે કઈ રીતે પોતાનો હેતુ પૂરો કરવા જરૂરી ફેરફાર કર્યા છે.
“યાજકોનું રાજ્ય”
૧૦. ઈસ્રાએલી પ્રજા પાસે જ કયો મોટો લહાવો હતો?
૧૦ આપણે જોઈ ગયા તેમ, ફક્ત ઈસ્રાએલી પ્રજા પાસે એક મોટો લહાવો હતો. એ પ્રજામાંથી અમુક લોકો “યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ” બનવાના હતા. (રૂમી ૯:૪, ૫ વાંચો.) પણ વચન આપેલું સંતાન આવ્યું ત્યારે શું બન્યું? શું ઈસ્રાએલી પ્રજામાંથી ૧,૪૪,૦૦૦ વ્યક્તિઓ “દેવના ઈસ્રાએલ” તરીકે પસંદ થયા? (ગલા. ૬:૧૬) શું તેઓ ઈબ્રાહીમના સંતાનનો બીજો ભાગ બન્યા?
૧૧, ૧૨. (ક) સ્વર્ગના રાજ્ય માટે સભ્યોની પસંદગી ક્યારે શરૂ થઈ? એ સમયના મોટા ભાગના યહુદીઓએ શું કર્યું? (ખ) યહોવાહે ઈબ્રાહીમના સંતાનની સંખ્યા કઈ રીતે ‘સંપૂર્ણ’ એટલે પૂરી કરવાના હતા?
૧૧ રૂમી ૧૧:૭-૧૦ વાંચો. પ્રથમ સદીમાં યહુદી પ્રજાએ એક રાષ્ટ્ર તરીકે ઈસુનો નકાર કર્યો. એના લીધે ઈબ્રાહીમના સંતાનનો ભાગ બનવાનો લહાવો બીજાઓને પણ મળ્યો. જોકે “યાજકોનું રાજ્ય”ના સભ્યોની પસંદગી પેન્તેકોસ્ત ૩૩માં શરૂ થઈ, એ વખતે નમ્ર દિલવાળા યહુદીઓએ આ આમંત્રણ સ્વીકાર્યું. આખી યહુદી પ્રજાની સરખામણીમાં આ ‘કેટલાક’ હજાર લોકો જ હતા.—રૂમી ૧૧:૫.
૧૨ તો પછી યહોવાહે કઈ રીતે સંતાનની સંખ્યાને ‘સંપૂર્ણ’ એટલે પૂરી કરી? (રૂમી ૧૧:૧૨, ૨૫) એનો જવાબ આપણને પાઊલના શબ્દોમાં મળે છે: “દેવની વાત જાણે કે વ્યર્થ ગઈ હોય એમ નથી. કેમકે જેઓ [પ્રાચીન] ઈસ્રાએલના વંશજો છે તેઓ સર્વ ઈસ્રાએલી નથી; તેમજ તેઓ ઈબ્રાહીમના વંશજો [સંતાન] છે તેથી તેઓ સર્વ તેનાં છોકરાં [વચન આપેલા સંતાન] છે, એમ પણ નથી. . . . એટલે જેઓ દેહનાં છોકરાં છે, તેઓ દેવનાં છોકરાં છે, એમ નહિ; પણ જેઓ વચનનાં છોકરાં છે, તેઓ જ વંશ ગણાય છે.” (રૂમી ૯:૬-૮) આ બતાવે છે કે સંતાન વિષેનું વચન પૂરું કરવા એ જરૂરી ન હતું કે સંતાનની સંખ્યા ઈબ્રાહીમના વંશજોમાંથી જ પૂરી કરવામાં આવે.
જૈતુન વૃક્ષનો દાખલો અને એનો અર્થ
૧૩. (ક) જૈતુન વૃક્ષ શાને દર્શાવે છે? (ખ) વૃક્ષનું મૂળ શાને બતાવે છે? (ગ) વૃક્ષનું થડ શાને રજૂ કરે છે? (ઘ) વૃક્ષની ડાળીઓ કોને રજૂ કરે છે?
૧૩ પાઊલ તેમના પત્રમાં આગળ જણાવે છે કે જેઓ ઈબ્રાહીમના સંતાનનો ભાગ બનવાના છે, તેઓ એક જૈતુન વૃક્ષની ડાળી જેવા છે. * (રૂમી ૧૧:૨૧) જૈતુન વૃક્ષ શાને દર્શાવે છે? એ ઈબ્રાહીમ સાથે કરેલા કરારને પૂરો કરવાના યહોવાહના હેતુને દર્શાવે છે. વૃક્ષનું મૂળ શાને બતાવે છે? એ પવિત્ર ભાગ છે અને યહોવાહને દર્શાવે છે, કેમ કે તેમના દ્વારા જ “દેવના ઈસ્રાએલ”ને જીવન મળે છે. (યશા. ૧૦:૨૦; રૂમી ૧૧:૧૬) વૃક્ષનું થડ શાને રજૂ કરે છે? એ ઈસુને રજૂ કરે છે, જે ઈબ્રાહીમના સંતાનનો મુખ્ય ભાગ છે. વૃક્ષની ડાળીઓ કોને રજૂ કરે છે? એ ઈબ્રાહીમના સંતાનના બીજા ભાગની ‘સંપૂર્ણ’ એટલે કે પૂરી સંખ્યાને રજૂ કરે છે.
૧૪, ૧૫. જૈતુન વૃક્ષમાંથી કોને “તોડી નાખવામાં” આવ્યા? એની જગ્યાએ કોની કલમ કરવામાં આવી?
૧૪ જૈતુન વૃક્ષના દાખલામાં જે ડાળીઓને “તોડી નાખવામાં” આવી, એ કોને દર્શાવે છે? (રૂમી ૧૧:૧૭) એ ઈસુનો નકાર કરતા ઈસ્રાએલમાંના યહુદીઓને દર્શાવે છે. તેઓએ ઈબ્રાહીમના સંતાનનો ભાગ બનવાનો લહાવો ગુમાવ્યો. આ યહુદીઓને ઘમંડ હતું કે ઈબ્રાહીમના વંશ હોવાથી તેઓ સિવાય બીજી કોઈ પ્રજા કે લોકોને એ લહાવો નહિ મળે. પણ યોહાન બાપ્તિસ્મકે પ્રથમ સદીમાં યહુદીઓને ચેતવણી આપી હતી કે જો યહોવાહ ચાહે, તો પથ્થરમાંથી ઈબ્રાહીમ માટે વંશજો પેદા કરી શકે છે. (લુક ૩:૮) તો એ યહુદીઓને બદલે કોને એ વંશનો ભાગ બનવાનો લહાવો મળ્યો?
૧૫ પોતાનો હેતુ પૂરો કરવા યહોવાહે શું કર્યું? પાઊલ સમજાવે છે કે જંગલી જૈતુન વૃક્ષમાંથી અમુક ડાળીઓ કાપીને પેલા વૃક્ષ પર કલમ કરવામાં આવી. આમ તોડી નાખેલી ડાળીઓની જગ્યાએ જંગલી વૃક્ષની ડાળીઓ ઊગવા લાગી. (રૂમી ૧૧:૧૭, ૧૮, વાંચો.) આ દાખલો બતાવે છે કે બીજી પ્રજાના અભિષિક્ત લોકોને ઈબ્રાહીમના સંતાનનો ભાગ બનવાનો લહાવો મળ્યો. જેમ કે રૂમી મંડળમાંના અમુક લોકો. સર્વ પ્રજાના અભિષિક્ત જનો જાણે જંગલી જૈતુન વૃક્ષની ડાળીઓ જેવા હતા. શરૂઆતમાં યહોવાહે ઈબ્રાહીમ સાથે કરેલા કરારમાં તેઓનો કોઈ ભાગ ન હતો. પણ યહોવાહે તેઓને “દેવના ઈસ્રાએલ” બનવાનો સુંદર મોકો આપ્યો.—રૂમી ૨:૨૮, ૨૯.
૧૬. દેવના ઈસ્રાએલની સ્થાપના વિષે સમજાવતા પીતરે શું કહ્યું?
૧૬ આ નવી પ્રજાની સ્થાપના વિષે સમજાવતા પીતર કહે છે: “તમો વિશ્વાસ કરનારાઓને [દેવના ઈસ્રાએલ જેમાં બીજી પ્રજાના લોકોનો સમાવેશ થાય છે] સારૂ તે [ઈસુ ખ્રિસ્ત] મૂલ્યવાન છે; પણ અવિશ્વાસીઓને સારૂ તો જે પથ્થરને બાંધનારાઓએ નકાર્યો હતો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે; અને ઠેસ ખવડાવનારા પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થયો છે; . . . પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો; તમે દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામ્યા છો.”—૧ પીત. ૨:૭-૧૦.
૧૭. યહોવાહે જે કર્યું એ કેમ “કુદરતથી વિરૂદ્ધ” ગણાતું?
૧૭ પોતાનો હેતુ પૂરો કરવા યહોવાહે એવું કંઈક કર્યું, જે લોકોએ કદીયે વિચાર્યું ન હતું. પાઊલ સમજાવે છે કે યહોવાહે જે કર્યું એ “કુદરતથી વિરૂદ્ધ” ગણાતું. (રૂમી ૧૧:૨૪) કઈ રીતે? જંગલી વૃક્ષની ડાળીની કલમ કોઈ સારા વૃક્ષ પર કરવી, એ તો વિચિત્ર અને અકુદરતી લાગે. પણ પ્રથમ સદીમાં અમુક ખેડૂતો એવું કરતા હતા. * એવી જ રીતે યહોવાહે જે કર્યું એ યહુદી લોકોના મને પણ વિચિત્ર હતું. તેઓ માનતા કે યહુદી સિવાય બીજી કોઈ પ્રજા કે જાતિના લોકો સારા ફળ પેદા કરી શકતા નથી. યહુદીઓએ જે લોકોને નકામા ગણ્યા તેઓને યહોવાહે એક “પ્રજા” સાથે ભેગા કર્યા, જેણે સારા ફળ આપ્યાં. (માથ. ૨૧:૪૩) ૩૬ની સાલમાં યહોવાહની શક્તિ કરનેલ્યસ પર આવી અને તે એક અભિષિક્ત જન બન્યો. * પ્રથમ સદીમાં જે લોકો સુનત કર્યા વગરના યહોવાહના ભક્તો બન્યા, તેઓમાં કરનેલ્યસ પહેલો હતો. ત્યાર પછી બીજા ઘણા સુનત કર્યા વગરના બિનયહુદી લોકો માટે એ નવી પ્રજાના સભ્યો બનવાનો માર્ગ ખુલ્યો.—પ્રે.કૃ. ૧૦:૪૪-૪૮.
૧૮. સાલ ૩૬ પછી, યહુદી પ્રજાના લોકો માટે હજી કઈ તક હતી?
૧૮ તો શું આનો અર્થ એ થાય કે ૩૬ની સાલ પછી યહુદી પ્રજામાંથી કોઈને ઈબ્રાહીમના સંતાન બનવાની તક ન મળી? ના, એમ નથી. પાઊલ કહે છે: “પણ જો તેઓ [ઈસ્રાએલી પ્રજામાંથી સભ્યો] પોતાના અવિશ્વાસમાં રહેશે નહિ, તો તેઓ કલમરૂપે મેળવાશે; કેમ કે દેવ તેઓને કલમરૂપે પાછો મેળવી શકે છે. કેમકે જે જૈતુનનું ઝાડ કુદરતથી જંગલી હતું તેમાંથી જો તને કાપી કાઢવામાં આવ્યો, અને સારા જૈતુનના ઝાડમાં કુદરતથી વિરૂદ્ધ તને કલમરૂપે મેળવવામાં આવ્યો; તો તે કરતાં એ અસલ ડાળીઓ પોતાના જૈતુનના ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય એ કેટલું વિશેષ શક્ય છે?”—રૂમી ૧૧:૨૩, ૨૪.
“તમામ ઈસ્રાએલ તારણ પામશે”
૧૯, ૨૦. જૈતુન વૃક્ષના દાખલા પ્રમાણે યહોવાહ પોતાનો હેતુ પૂરો કરવા શું કર્યું?
૧૯ “દેવના ઈસ્રાએલ” માટેનો યહોવાહનો હેતુ અજોડ રીતે પૂરો થઈ રહ્યો છે. (ગલા. ૬:૧૬) પાઊલે કહ્યું તેમ, “તમામ ઈસ્રાએલ તારણ પામશે.” (રૂમી ૧૧:૨૬) યહોવાહના નક્કી કરેલા સમયમાં “તમામ ઈસ્રાએલ” એટલે કે દેવના ઈસ્રાએલની પૂરી સંખ્યા (અભિષિક્ત જનો) સ્વર્ગમાં રાજાઓ અને યાજકો તરીકે સેવા કરશે. કોઈ પણ વ્યક્તિ યહોવાહના આ હેતુને પૂરો થતા રોકી શકશે નહિ!
૨૦ હજારો વર્ષો પહેલાં જણાવ્યા મુજબ ઈબ્રાહીમનું “સંતાન” એટલે ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ જનો, “પૃથ્વીના સર્વ લોક” પર અનેક આશીર્વાદો વરસાવશે. (રૂમી ૧૧:૧૨; ઉત. ૨૨:૧૮) આ ગોઠવણથી યહોવાહના સર્વ ભક્તોને ફાયદો થાય છે. જ્યારે વિચારીએ કે યહોવાહનો સનાતન હેતુ કઈ રીતે પૂરો થઈ રહ્યો છે, ત્યારે જરૂર પોકારી ઉઠીએ છીએ: ‘આહા! ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે!’—રૂમી ૧૧:૩૩. (w11-E 05/15)
[ફુટનોટ્સ]
^ જૈતુન વૃક્ષનો દાખલો પ્રાચીન ઈસ્રાએલને દર્શાવતું નથી. ખરું કે એમાંથી અમુક લોકો રાજા અને યાજકો બન્યા તોપણ એ પ્રજા, યાજકોનું રાજ્ય બની શકી નહિ. એનું કારણ એ હતું કે મુસાના નિયમ પ્રમાણે રાજાઓ, યાજકો બની શકતા ન હતા. એ સાબિત કરે છે કે જૈતુન વૃક્ષ, પ્રાચીન ઈસ્રાએલને રજૂ કરતું ન હતું. આ વૃક્ષના ઉદાહરણથી પાઊલ સમજાવતા હતા કે અભિષિક્ત જનો દ્વારા યહોવાહે કઈ રીતે “યાજકોનું રાજ્ય” વિષેનો તેમનો હેતુ પૂરો કર્યો. ઑગસ્ટ ૧૫, ૧૯૮૩ના વૉચટાવર પાન ૧૪-૧૯માં આપેલી માહિતી કરતાં આ હવે નવી સમજણ છે.
^ “જંગલી જૈતુન વૃક્ષની ડાળીઓની કલમ શા માટે કરવી?” બૉક્સ જુઓ.
^ યહુદીઓને “દેવના ઈસ્રાએલ”ના સભ્યો બનવાનો સાડા ત્રણ વર્ષ માટે જે મોકો મળ્યો હતો, એના અંતે આ બનાવ બન્યો. સિત્તેર અઠવાડિયાના વર્ષોની ભવિષ્યવાણીમાં ભાખ્યું હતું કે આવું બનશે.—દાની. ૯:૨૭.
તમને યાદ છે?
• યહોવાહ જે રીતે પોતાનો હેતુ પૂરો કરે છે, એમાંથી આપણને તેમના વિષે શું શીખવા મળે છે?
• રૂમીના અગિયારમા અધ્યાયમાં આ બાબતો શાને રજૂ કરે છે:
જૈતુન વૃક્ષ
મૂળ
થડ
ડાળીઓ
• કલમ કરવી કેમ “કુદરતની વિરૂદ્ધ” ગણાતું?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૬ પર બૉક્સ/ચિત્ર]
જંગલી જૈતુન વૃક્ષની ડાળીઓની કલમ શા માટે કરવી?
▪ પ્રથમ સદીનો લુસિયસ જુનિયસ મોડેરાટસ કોલોમેલા એક રૂમી સૈનિક અને ખેડૂત હતો. તે ખૂબ જાણીતો છે, કેમ કે તેણે ખેતી અને ગામડાંના જીવન વિષે ૧૨ પુસ્તકો લખ્યાં હતાં.
પાંચમા પુસ્તકમાં તેણે આ એક પ્રાચીન કહેવતનો ઉલ્લેખ કર્યો: ‘જૈતુન વૃક્ષની વાડીમાં જે વ્યક્તિ જમીન ખેડે છે, તે ફળ મેળવવાની માંગણી કરે છે. જે ખાતર નાખે છે તે ફળની ભીખ માગે છે. જે અમુક ડાળીઓ કાપી નાખે છે, તે જબરદસ્તીથી વૃક્ષ પર ફળ પેદા કરાવે છે.’
આ લેખક પછી જણાવે છે કે અમુક જૈતુન વૃક્ષ હર્યુંભર્યું હોય છે, છતાં એમાં ફળ લાગતા નથી. એવા કિસ્સામાં તે આવું કરવા કહે છે: ‘એ વૃક્ષની ડાળીને કોઈ સાધનથી કાણું પાડો. પછી એમાં જંગલી જૈતુન વૃક્ષની લીલી ડાળી એમાં બરાબર બેસાડો. આવી ડાળીની અસરથી આખું વૃક્ષ ફળ પેદા કરશે.’
[પાન ૨૫ પર ચિત્ર]
શું તમને ખબર છે કે જૈતુન વૃક્ષના દાખલાનો અર્થ શું થાય છે?