ઈસુ ખ્રિસ્ત ખરેખર કોણ છે?
‘જ્યારે તે યરૂશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે એ કોણ છે? ત્યારે લોકોએ કહ્યું કે ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાઝરેથના છે.’—માત્થી ૨૧:૧૦, ૧૧.
ઈસુ ખ્રિસ્ત * ૩૩ની સાલના વસંતઋતુમાં એક દિવસે યરૂશાલેમમાં આવ્યા. એ સમયે ત્યાં કેમ ખળભળાટ મચી જાય છે? લોકોએ ઈસુ અને તેમણે કરેલા મહાન કામો વિષે સાંભળ્યું હતું. એ વિષે તેઓ એકબીજા સાથે વાતો કરતા હતા. (યોહાન ૧૨:૧૭-૧૯) લોકોને કોઈ અંદાજ ન હતો કે તેઓ વચ્ચે જે માણસ છે તેમની અસર આખી દુનિયામાં ફેલાવાની હતી. અરે, આશરે બે હજાર વર્ષ એટલે કે છેક આપણા દિવસ સુધી એ અસર દેખાવાની હતી.
ચાલો અમુક દાખલાઓ જોઈએ, જે બતાવશે કે મનુષ્ય પર ઈસુની અસર કેટલી હદ સુધી થઈ છે.
દુનિયાના મોટાભાગના કૅલેન્ડર એ વરસના આધારે બનાવવામાં આવ્યા છે જે વરસમાં લોકોનું માનવું છે કે ઈસુ જન્મ્યા હશે.
આશરે બે અબજ લોકો એટલે કે દુનિયાના ત્રીજા ભાગના લોકો ખ્રિસ્તી છે.
આશરે એક અબજ મુસ્લિમ લોકો માને છે કે ઈસુ તો ‘ઈબ્રાહીમ, નુહ અને મુસાથી પણ મહાન પેગંબર છે.’
ઈસુએ કહેલા શબ્દો એક યા બીજી રીતે આપણી ભાષામાં આવી ગયા છે. જેમ કે:
કોઈ એક ગાલે મારે તો બીજો ગાલ ધરો.—માત્થી ૫:૩૯.
માગો, તો મળશે.—માત્થી ૭:૭.
લેવા કરતાં આપવામાં વધારે ખુશી મળે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
તમારૂં બોલવું તે ‘હાʼનું હા, ને ‘નાʼનું ના હોય.—માત્થી ૫:૩૭.
તમે જેવા વર્તનની ઇચ્છા રાખો છો, એવી જ રીતે બીજા સાથે વર્તો.—માત્થી ૭:૧૨.
કંઈ પણ કરતાં પહેલાં ખર્ચ ગણો.—લુક ૧૪:૨૮.
આ બતાવે છે કે ઇતિહાસમાં સાચે જ ઈસુની ઘણી અસર થઈ છે. તેમ છતાં લોકોના મનમાં ઈસુ વિષે ઘણા અલગ અલગ મંતવ્યો અને માન્યતા છે. એટલે તમને થશે કે ‘ઈસુ ખ્રિસ્ત ખરેખર કોણ છે?’ ફક્ત બાઇબલ જ આપણને જણાવે છે કે ઈસુ ક્યાંથી આવ્યા, કેવું જીવન જીવ્યા અને શા માટે મરણ પામ્યા. ઈસુ વિષે હકીકત જાણવાથી હમણાં અને ખાસ કરીને ભાવિમાં આપણા જીવનને ઘણી અસર થઈ શકે છે. (w11-E 04/01)
^ “ઈસુ” એ વ્યક્તિનું નામ છે, જે નાઝરેથના પ્રબોધક હતા. એ નામનો અર્થ થાય ‘યહોવા ઉદ્ધાર કરનાર છે.’ “ખ્રિસ્ત” શબ્દ એ ખિતાબ છે, જેનો અર્થ થાય ‘અભિષિક્ત વ્યક્તિ’ એટલે કે ઈશ્વરે પસંદ કરેલ વ્યક્તિ. એનાથી કહી શકાય કે ઈસુને ખાસ જવાબદારી ઈશ્વરે આપી હતી.