‘જેઓ તમારામાં મહેનત કરે છે તેઓની કદર કરો’
‘જેઓ તમારામાં મહેનત કરે છે તેઓની કદર કરો’
“જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે તેઓની કદર કરો.”—૧ થેસ્સા. ૫:૧૨.
૧, ૨. (ક) પાઊલે થેસ્સાલોનીકા મંડળને પહેલો પત્ર લખ્યો ત્યારે તેઓના સંજોગો કેવા હતા? (ખ) પાઊલે મંડળને કેવું ઉત્તેજન આપ્યું?
પહેલી સદીના થેસ્સાલોનીકાના મંડળનો વિચાર કરો. એ યુરોપમાં સ્થપાયેલા પહેલ-વહેલ મંડળોમાંનું એક હતું. પ્રેરિત પાઊલે ત્યાંના ભાઈબહેનોનો વિશ્વાસ મજબૂત કરવા સારો એવો સમય ગાળ્યો હતો. બીજા મંડળોની જેમ, તેમણે અહીંયા પણ અમુક વડીલોને નીમ્યા હશે. (પ્રે.કૃ. ૧૪:૨૩) જોકે મંડળ સ્થપાયું એ પછી ત્યાંના યહુદીઓએ ટોળું ભેગું કરીને પાઊલ અને સીલાસને શહેર બહાર કાઢી મૂક્યા. એ શહેરના ખ્રિસ્તીઓ જરૂર ડરી ગયા હશે અને એકલા પડી ગયા હોય એવું લાગ્યું હશે.
૨ થેસ્સાલોનીકા છોડ્યા પછી પાઊલને આ નવા શરૂ થયેલા મંડળની ઘણી ચિંતા હતી. તેઓએ ત્યાં પાછા જવાનો પ્રયત્ન કર્યો, પણ ‘શેતાને તેઓને અટકાવ્યા.’ એટલે પાઊલે એ મંડળને ઉત્તેજન આપવા તીમોથીને મોકલ્યા. (૧ થેસ્સા. ૨:૧૮; ૩:૨) તીમોથીએ પાછા આવીને એ મંડળ વિષે સારો અહેવાલ આપ્યો. એટલે પાઊલે થેસ્સાલોનીકાના ભાઈઓને પત્ર લખ્યો. એમાં તેમણે બીજી બાબતોની સાથે સાથે ‘જેઓ તમારામાં મહેનત કરે છે તેઓની કદર કરવા’ ઉત્તેજન આપ્યું.—૧ થેસ્સાલોનીકી ૫:૧૨, ૧૩ વાંચો.
૩. થેસ્સાલોનીકાના ભાઈ-બહેનો પાસે ત્યાંના વડીલોને અતિઘણું માન આપવાના કયાં કારણો હતાં?
૩ થેસ્સાલોનીકાના મંડળમાં જે ભાઈઓ આગેવાની લેતા હતા, તેઓ પાઊલ અને તેમના સાથીઓ જેટલા અનુભવી ન હતા. તેમ જ યરૂશાલેમના વડીલોની જેમ લાંબા સમયથી સત્યમાં પણ ન હતા. એનું કારણ એ હતું કે મંડળ સ્થપાયાને હજુ વરસ પણ થયું ન હતું. તેમ છતાં મંડળના સભ્યો પાસે વડીલોની કદર કરવાના ઘણાં કારણો હતાં. એ વડીલો મંડળમાં “આગેવાની” લેતા હતા, ‘મહેનતુ’ હતા અને “બોધ” આપતા હતા. સાચે જ ભાઈ-બહેનો પાસે ‘વડીલોને અતિઘણું માન આપવાʼના ઘણાં કારણો હતાં. આ બાબતો પર ધ્યાન દોર્યા પછી પાઊલે તેઓને ‘માંહોમાંહે શાંતિમાં રહેવા’ ઉત્તેજન આપ્યું. જો તમે એ મંડળમાં હોત, તો શું તમે ત્યાંના વડીલોની કદર કરી હોત? ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે તમારા મંડળમાં ‘માણસોમાં દાન’ આપ્યા છે, તેઓ માટે તમે કેવી લાગણી બતાવો છો?—એફે. ૪:૮.
‘મહેનતુ’ વડીલો
૪, ૫. પાઊલના સમયની જેમ આજે વડીલો શું કરે છે?
૪ પાઊલ અને સીલાસ, બેરીઆ ગયા પછી થેસ્સાલોનીકાના વડીલો ‘મહેનત કરતા રહ્યા.’ જરૂર તેઓએ પાઊલની જેમ મંડળને શાસ્ત્રમાંથી શીખવ્યું હશે. તમને સવાલ થાય કે ‘શું થેસ્સાલોનીકાના લોકોને શાસ્ત્ર માટે કદર હતી?’ કેમ કે બાઇબલ કહે છે કે બેરીઆના લોકો ‘થેસ્સાલોનીકાના લોક કરતાં અધિક ગુણવાન હતા. તેઓ નિત્ય ધર્મશાસ્ત્રમાંથી શોધ કરતા હતા.’ (પ્રે.કૃ. ૧૭:૧૧) અહીંયા જે સરખામણી કરવામાં આવી તે થેસ્સાલોનીકાના ખ્રિસ્તીઓ જોડે નહિ, પણ ત્યાંના સામાન્ય યહુદી લોકો જોડે હતી. એમાંથી જેઓ યહોવાહના ભક્ત બન્યા તેઓએ ‘ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું. એને માણસોના વચન જેવું નહિ, પણ ખરેખર ઈશ્વરનું વચન છે તેમ માનીને સ્વીકાર્યું.’ (૧ થેસ્સા. ૨:૧૩) ત્યાંના વડીલોએ ઘણી જ મહેનત કરી હશે, જેથી લોકોની ઈશ્વરના જ્ઞાનની ભૂખ સંતોષી શકે.
૫ આજે વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર ઈશ્વરના ટોળાંને “વખતસર ખાવાનું” પૂરું પાડી રહ્યો છે. (માથ. ૨૪:૪૫) તેઓના માર્ગદર્શન હેઠળ સર્વ વડીલો સખત મહેનત કરે છે, જેથી ભાઈ-બહેનોની ઈશ્વરના જ્ઞાનની ભૂખ સંતોષી શકે. આપણી પાસે મંડળમાં બાઇબલ આધારિત અનેક સાહિત્ય છે. અમુક ભાષાઓમાં તો વોચ ટાવર પબ્લિકેશન ઇન્ડેક્ષ અને સીડી-રોમમાં વોચટાવર લાઇબ્રેરી પણ છે. આપણી ભાષામાં ડિસેમ્બરના ચોકીબુરજમાં વિષયસૂચિ આપવામાં આવે છે. મંડળની ભૂખ સંતોષવા વડીલો ઘણા કલાકો સભાની તૈયારી કરવામાં ગાળે છે. આમ તેઓ ભાઈ-બહેનોને સારી રીતે શીખવી શકે છે. શું તમે કદી વિચાર્યું છે કે સભાઓ અને સંમેલનોના ભાગ તૈયાર કરવા વડીલો કેટલો સમયે કાઢે છે?
૬, ૭. (ક) પાઊલે થેસ્સાલોનીકાના વડીલો માટે સારો દાખલો બેસાડવા શું કર્યું? (ખ) અમુક વખતે વડીલો માટે પાઊલને અનુસરવું કેમ અઘરું લાગી શકે?
૬ ભાઈ-બહેનોની સંભાળ રાખવામાં પાઊલે જે સારો દાખલો બેસાડ્યો, એ થેસ્સાલોનીકાના વડીલોએ યાદ રાખ્યો. પાઊલે એ કામ ફક્ત કરવા ખાતર જ કર્યું ન હતું. આગલા લેખમાં શીખી ગયા તેમ પાઊલ ‘જેમ ધાવ મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ સાલસાઈથી વર્ત્યા’ હતા. (૧ થેસ્સાલોનીકી ૨:૭, ૮ વાંચો.) અરે તે ભાઈ-બહેનો માટે પોતાનો ‘જીવ પણ આપવા રાજી હતા.’ વડીલો પણ એમ જ કરવા તૈયાર હોવા જોઈએ.
૭ પ્રેમ બતાવવા વડીલો પાઊલની જેમ વર્તે છે. અમુક ભાઈ-બહેનો મળતાવડા હોતા નથી, છતાં વડીલો તેઓમાં રસ બતાવે છે. તેઓમાં જે સારું છે એ જુએ છે. ખરું કે બીજાઓ માટે હંમેશાં સારું વિચારવું વડીલો માટે અઘરું હોઈ શકે, છતાં તેઓ બધા સાથે પ્રેમથી વર્તવા પ્રયત્ન કરે છે. ઈસુની આગેવાની હેઠળ સારા પાળક બનવાનો પ્રયત્ન કરે છે. એ માટે શું આપણે તેઓનો આભાર માનવો ના જોઈએ!
૮, ૯. કઈ રીતે વડીલો આજે ‘આપણી ચોકી કરે છે’?
૮ વડીલોને “આધીન” રહેવા આપણી પાસે ઘણા કારણો છે. પાઊલે લખ્યું ‘તેઓ આપણી ચોકી કરે છે.’ (હેબ્રી ૧૩:૧૭) આ શબ્દો આપણને યાદ દેવડાવે છે કે જેમ ઘેટાંપાળક ઘેટાંનું રક્ષણ કરવા પોતાની ઊંઘ જતી કરે છે, તેમ વડીલો પણ ઘણી વાર પોતાની ઊંઘ જતી કરે છે. આમ તેઓ નિરાશ, બીમાર કે સત્યમાં ઢીલા પડી ગયેલા ભાઈ-બહેનોને મદદ કરી શકે. દાખલા તરીકે હૉસ્પિટલ લાઇઝન કમિટીના ભાઈઓને અડધી રાત્રે પણ ભાઈ-બહેનોને મદદ કરવા દોડી જવું પડે છે. શું આપણે દિલથી તેઓનો આભાર માનવો ન જોઈએ!
૯ બાંધકામ સમિતિ કે રાહત કામમાં વડીલો, ભાઈ-બહેનોને મદદ કરવા ઘણી મહેનત કરે છે. તેઓને પણ આપણે પૂરા દિલથી સહકાર આપવો જોઈએ. એક દાખલાનો વિચાર કરો. ૨૦૦૮માં મ્યાનમારમાં નરગીસ નામનું વાવાઝોડું આવ્યું હતું. ઇરાવદી નદીના મુખત્રિકોણ પ્રદેશમાં વધારે નુકસાન થયું હતું. ત્યાંના બોથિનગોન ગામના મંડળ સુધી પહોંચવા રાહત સમિતિના ભાઈઓને તબાહ થઈ ગયેલા અને લાશોથી ભરેલા રસ્તાઓમાંથી પસાર થવું પડ્યું. એ ગામમાં મદદ કરવા ભાઈઓની રાહત સમિતિ સૌથી પહેલા ત્યાં પહોંચી હતી. જ્યારે ત્યાંના ભાઈઓએ જોયું કે એ સમિતિમાં અગાઉના સરકીટ ઓવરસિયર પણ છે ત્યારે તેઓ પોકારી ઊઠે છે, ‘જુઓ એ આપણા સરકીટ ઓવરસિયર છે! યહોવાહે આપણને બચાવી લીધા છે.’ આવી રીતે વડીલો રાત-દિવસ જે મહેનત કરે છે, એની શું તમે કદર કરો છો? અમુક વડીલોને ખાસ સમિતિમાં નિમવામાં આવે છે, જેથી ન્યાય સમિતિના અઘરા કિસ્સાઓ હાથ ધરવા મદદ કરી શકે. પોતે જે કામ કરે છે એ માટે વડીલો બડાઈ હાંકતા નથી. તેઓના કામથી જેઓને મદદ મળી છે, તેઓ સાચે જ દિલથી તેઓનો આભાર માને છે.—માથ. ૬:૨-૪.
૧૦. વડીલો બીજા કયા કામો કરે છે, જે ભાઈ-બહેનો જોતા નથી?
૧૦ વડીલો બીજા અનેક કામો કરે છે જે ભાઈ-બહેનો જોતા નથી. દાખલા તરીકે વડીલોના સેવક દર અઠવાડિયાની સભાઓ માટે શેડ્યૂલ બનાવે છે. સેક્રેટરી દર મહિનાનો અને વર્ષનો પ્રચારનો રિપોર્ટ બનાવે છે. શાળા નિરીક્ષક શાળાનું શેડ્યૂલ તૈયાર કરે છે. નીમેલા વડીલ દર ત્રણ મહિને મંડળના હિસાબનું ઑડિટ કરે છે. વડીલો સંસ્થા તરફથી મળેલા પત્રોને વાંચીને, એમાં જણાવેલા સૂચનોને લાગુ પાડે છે. આમ તેઓ ‘વિશ્વાસમાં એકતા’ જાળવી રાખી શકે છે. (એફે. ૪:૩, ૧૩) આવા મહેનતુ વડીલોને લીધે જ “બધું શોભતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક” થાય છે.—૧ કોરીં. ૧૪:૪૦.
તમારા પર આગેવાની લે છે
૧૧, ૧૨. મંડળમાં કોણ આગેવાની લે છે? આગેવાની લેવામાં શાનો સમાવેશ થાય છે?
૧૧ પાઊલે થેસ્સાલોનીકાના મહેનતુ વડીલોને મંડળના ‘આગેવાન’ તરીકે વર્ણવ્યાં. (૧ થેસ્સા. ૫:૧૨) તે અહીં મંડળના બધા વડીલોની વાત કરતા હતા. આજે મોટાભાગના વડીલો સભાઓ ચલાવવા આગેવાની લે છે. વડીલોમાં કોઈ નાનું-મોટું નથી, એટલે આપણે થોડા વર્ષોથી “પ્રમુખ નિરીક્ષક”ને બદલે “વડીલોના સેવક” કહીએ છીએ. આ બતાવે છે કે બધા વડીલો સરખા છે, અને એકતામાં કામ કરે છે.
૧૨ મંડળમાં ‘આગેવાની’ લેવામાં શિક્ષણ આપવા કરતાં વધારે કરવાનો સમાવેશ થાય છે. ૧ તીમોથી ૩:૪માં ‘ચલાવનાર’ શબ્દ આગેવાની લેવા સાથે અમુક હદ સુધી જોડાયેલો છે. પાઊલે કહ્યું કે વડીલો ‘પોતાના ઘરનાંને સારી રીતે ચલાવનાર, પોતાનાં છોકરાંને પૂર્ણ ગાંભીર્યથી આધીન રાખનાર, એવા હોવા જોઈએ.’ અહીંયા ‘ચલાવનારʼનો અર્થ એ થાય કે કુટુંબનું શિર બાળકોને તો શીખવશે જ, સાથે સાથે કુટુંબને પણ ભક્તિમાં ચલાવશે. આવી રીતે તેમના ‘બાળકોને આધીન રાખનાર’ હોય છે. વડીલો મંડળમાં ભાઈ-બહેનોને દોરે છે, અને યહોવાહને આધીન રહેવા મદદ કરે છે.—૧ તીમો. ૩:૫.
૧૩. ચર્ચા કરતી વખતે બધા વડીલો એકબીજા સાથે સહમત ના હોય ત્યારે શું કરવું જોઈએ?
૧૩ મંડળની સારી રીતે સંભાળ રાખવા માટે મંડળની જરૂરિયાતો વિષે વડીલો એકબીજા સાથે ચર્ચા કરે છે. અમુક કહેશે કે જો એક જ વડીલ બધાં જ નિર્ણય લે, તો નિર્ણય લેવા માટે ઓછો સમય લાગશે. પણ વધારે સારું કે વડીલો પ્રથમ સદીના નિયામક જૂથનો દાખલો અનુસરે. તેઓની જેમ વડીલોએ સાથે મળીને ખુલ્લાં દિલે ચર્ચા કરવી જોઈએ. બાઇબલમાંથી માર્ગદર્શન શોધવું જોઈએ. મંડળની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવાનો ધ્યેય રાખવો જોઈએ. વડીલો જ્યારે કોઈ ચર્ચા માટે ભેગાં મળે એ પહેલાં તેઓ શું કરે છે? દરેક વડીલ બાઇબલ તેમ જ વિશ્વાસુ અને શાણા ચાકરે આપેલું માર્ગદર્શન તપાસે છે. જોકે એના માટે તેઓને ઘણો સમય આપવો પડે છે. પણ ચર્ચા વખતે બધા સહમતીમાં ન હોય ત્યારે શું કરવું જોઈએ? પ્રથમ સદીમાં સુનત વિષે સવાલ ઊભો થયો ત્યારે નિયામક જૂથે સમય લઈને શાસ્ત્રમાંથી વધારે સંશોધન કર્યું. આજના વડીલોએ પણ એવું જ કરવું જોઈએ, જેથી શાસ્ત્ર મુજબ સર્વસંમતિથી નિર્ણય લઈ શકે.—પ્રે.કૃ. ૧૫:૨, ૬, ૭, ૧૨-૧૪, ૨૮.
૧૪. વડીલો એકબીજા સાથે સંપીને કામ કરે છે એની શું તમે કદર કરો છો? તમે શા માટે એવું કહી શકો?
૧૪ જો કોઈ વડીલ પોતાના જ વિચારો બીજા પર થોપ્યા કરે તો શું થઈ શકે? અથવા જો કોઈ પ્રથમ સદીના દિયત્રેફેસની જેમ કુસંપના બી વાવે તો શું? (૩ યોહા. ૯, ૧૦) આવું થાય તો ચોક્કસ આખા મંડળે વેઠવું પડશે. જો શેતાને પહેલી સદીના મંડળોમાં કુસંપના બી વાવ્યા હોય, તો શું તે આજે પણ એવું નહિ કરે? તે કદાચ સ્વાર્થી ઇચ્છા જગાડવા કોશિશ કરે, જેથી વ્યક્તિને લાગે કે ‘હું જ કંઈક છું.’ એટલે ખૂબ જરૂરી છે કે શરીરના અંગોની જેમ, વડીલોના જૂથ એકબીજા સાથે એકતામાં કામ કરે. એ માટે નમ્રતાની જરૂર છે. જે વડીલો એકબીજા સાથે સંપ જાળવી રાખવા પ્રયત્ન કરે છે, તેઓની આપણે ચોક્કસ કદર કરીશું!
“તમને બોધ કરે” છે
૧૫. કોઈ ભાઈ કે બહેનને બોધ અને સલાહ આપતી વખતે વડીલોનો ઇરાદો શું હોવો જોઈએ?
૧૫ પાઊલે વડીલોની એક અઘરી પણ ખાસ જવાબદારી પર ભાર મૂક્યો. તેઓએ ભાઈ-બહેનોને બોધ કરવાનો હતો. ગ્રીક શાસ્ત્રમાં “બોધ” માટે વપરાયેલો ગ્રીક શબ્દ, ફક્ત પાઊલે વાપર્યો હતો. એનો અર્થ એ થાય કે મક્કમ રીતે સલાહ આપવી, પણ જેમતેમ કે તોછડી રીતે નહિ. (પ્રે.કૃ. ૨૦:૩૧; ૨ થેસ્સા. ૩:૧૫) દાખલા તરીકે, પાઊલે કોરીંથના મંડળને લખ્યું: “હું તમને શરમાવવા સારૂ આ વાતો લખતો નથી, પણ તમને મારાં પ્રિય બાળકો જાણીને બોધ કરૂં છું.” (૧ કોરીં. ૪:૧૪) પાઊલનો બોધ આપવા પાછળનો ઇરાદો, લોકો માટેનો પ્રેમ હતો.
૧૬. સલાહ આપતી વખતે વડીલોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૧૬ વડીલોએ હંમેશાં ખ્યાલ રાખવો જોઈએ કે તેઓની સલાહ આપવાની રીત સારી હોય. તેઓ પાઊલની જેમ વર્તીને એ સલાહ દયા અને પ્રેમથી આપે છે. જરૂરી હોય એવી જ સલાહ આપે છે. (૧ થેસ્સાલોનીકી ૨:૧૧, ૧૨) સલાહ આપે ત્યારે ‘વિશ્વાસયોગ્ય વચનોને દૃઢતાથી વળગી રહીને ઉપદેશ’ આપે છે.—તીત. ૧:૫-૯.
૧૭, ૧૮. જ્યારે વડીલો તમને સલાહ આપે, ત્યારે શું યાદ રાખવું જોઈએ?
૧૭ જોકે વડીલો પણ આપણા જેવા છે, એટલે કોઈ વાર બોલવામાં ભૂલ કરી બેસે છે. પણ પાછળથી તેઓને એનો પસ્તાવો થતો હોય છે. (૧ રાજા. ૮:૪૬; યાકૂ. ૩:૮) તેઓ એ પણ જાણે છે કે ભાઈ-બહેનોને સલાહ ‘આનંદકારક નહિ પણ ખેદકારક લાગે છે.’ (હેબ્રી ૧૨:૧૧) એટલે જ્યારે કોઈને સલાહ આપવી પડે, ત્યારે વડીલો પહેલાં ઘણું સંશોધન કરે છે અને પ્રાર્થનામાં મદદ માગે છે. જો કોઈ વડીલ પ્રેમથી પ્રેરાઈને સલાહ આપે, તો શું તમે તેમની કદર કરો છો?
૧૮ માની લો કે તમને કોઈ બીમારી છે, પણ કોઈ સમજાવી શકતું નથી કે એ બીમારી શું છે. છેવટે એક ડૉક્ટર બીમારી પારખે છે, પણ તમને એ સ્વીકારવું અઘરું લાગે છે. શું તમે ડૉક્ટર પર ગુસ્સે થશો, અને તેમની સલાહ નહિ માનો? ચોક્કસ એવું નહિ કરો. અરે, ઇલાજ માટે કદાચ તે ઑપરેશન કરવાનું કહે તોપણ તમે એ કરવા તૈયાર થશો. ડૉક્ટરે જે રીતે વાત કરી એ કદાચ તમને ન ગમે, પણ શું તેમનું કહ્યું અવગણશો? ના, તમે એવું નહિ કરો. એવી જ રીતે, જો વડીલોની સલાહ આપવાની રીત તમને ન ગમે, તો એની અવગણના ન કરો. યાદ રાખો કે તેઓ દ્વારા યહોવાહ અને ઈસુ તમને ભક્તિમાં ટકી રહેવા મદદ કરે છે.
યહોવાહની ગોઠવણ માટે કદર કરો
૧૯, ૨૦. ‘માણસોમાં દાનʼની કદર કરવા તમે શું કરી શકો?
૧૯ જો તમારો મિત્ર તમને કોઈ ખાસ ભેટ આપે તો તમે શું કરશો? તમે ચોક્કસ તેનો આભાર માનશો અને જરૂર એ ભેટ વાપરશો. એવી જ રીતે, યહોવાહે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને ‘માણસોમાં દાન’ એટલે કે વડીલો આપ્યા છે. એ દાન માટે કદર બતાવવા તમે શું કરી શકો? વડીલો જ્યારે સભામાં પ્રવચન આપે, ત્યારે ધ્યાનથી સાંભળો. તેઓએ જણાવેલા મુદ્દા જીવનમાં લાગુ પાડવા કોશિશ કરો. સભાઓમાં જવાબો આપો. વડીલો જે કામોમાં આગેવાની લે છે એમાં તેઓને સાથ આપો, જેમ કે પ્રચાર કામ. જો તમને કોઈ વડીલની સલાહથી લાભ થયો હોય, તો કેમ નહિ કે તેમને એ વિષે જણાવો. ભૂલીએ નહિ કે વડીલો સમય કાઢીને મંડળ માટે બહુ મહેનત કરે છે. તે એ સમય કુટુંબ સાથે વિતાવવાના સમયમાંથી કાઢે છે. એ કારણે કેમ નહિ કે તમે વડીલોના કુટુંબની પણ કદર કરો.
૨૦ વડીલોની કદર બતાવવાના આપણી પાસે ઘણાં સારાં કારણો છે. તેઓ મંડળના કામો માટે સખત મહેનત કરે છે, આગેવાની લે છે અને જરૂર પડે ત્યારે સલાહ આપે છે. ખરેખર વડીલો ‘માણસોમાં દાન’ છે. યહોવાહે આપેલી કેટલી પ્રેમાળ ગોઠવણ! (w11-E 06/15)
તમે કેવો જવાબ આપશો?
• થેસ્સાલોનીકાના ભાઈ-બહેનો પાસે ત્યાંના વડીલોની કદર કરવાના કયાં કારણો હતાં?
• તમારા મંડળના વડીલો તમને કેવી મદદ કરે છે?
• વડીલો આગેવાની લે છે, એનાથી તમને કેવો લાભ થાય છે?
• વડીલો સલાહ આપે ત્યારે શું યાદ રાખવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૩૧ પર ચિત્ર]
વડીલો અનેક રીતે મંડળની સંભાળ રાખે છે. શું તમે તેઓની કદર કરો છો?