સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ત્યારે કોઈ આફત નહિ આવે!

ત્યારે કોઈ આફત નહિ આવે!

જો કોઈ તમને કહે કે ‘એવો સમય આવી રહ્યો છે જ્યારે કોઈ આફતો નહિ હોય,’ તો તમને કેવું લાગશે? તમે કદાચ કહેશો, ‘એવું તો શક્ય જ નથી. જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આફતો આવવાની.’ અથવા તમે વિચારશો ‘એવું થતું હશે!’

એવું લાગી શકે કે આફતો હંમેશા રહેવાની. પરંતુ આપણી પાસે સુંદર આશા છે કે એક સમય આવશે જ્યારે કોઈ આફતો નહિ હોય. પણ એ બદલાણ મનુષ્યો લાવી શકશે નહિ. કારણ કે, મનુષ્યો સ્પષ્ટ રીતે સમજી શકતા નથી કે શા માટે અને કેવી રીતે કુદરતમાં અમુક બાબતો થાય છે. એ જાણતા ન હોવાથી એના પર કાબૂ મેળવવા કે એને રોકવા કંઈ ખાસ કરી શકતા નથી. પ્રાચીન ઈસ્રાએલના રાજા સુલેમાન પોતાના જ્ઞાન માટે ખૂબ જાણીતા હતા. તેમણે લખ્યું: “પૃથ્વી ઉપર જે કામ થાય છે તેનો પત્તો માણસ મેળવી શકે નહિ; કેમ કે તેનો પત્તો મેળવવાને માણસ ગમે તેટલી મહેનત કરે તોપણ તેને તે મળશે નહિ; બલકે તે કોઈ બુદ્ધિમાન પુરુષ હોય, તોપણ તે તેની ખોજ કરી શકશે નહિ.”—સભાશિક્ષક ૮:૧૭.

જો મનુષ્યો કુદરતી આફતોને કાબૂમાં ન રાખી શકે, તો કોણ રાખી શકે? બાઇબલ જણાવે છે કે આપણા સરજનહાર આફતોને કાબૂમાં રાખી શકે છે. તેમણે આ પૃથ્વી અને એનાં ચક્રો બનાવ્યાં છે. દાખલા તરીકે, જળચક્ર. (સભાશિક્ષક ૧:૭) મનુષ્યો પાસે અપાર શક્તિ નથી જ્યારે કે ઈશ્વર પાસે અપાર શક્તિ છે. આ હકીકત જણાવતા પ્રબોધક યિર્મેયાએ કહ્યું: ‘હે પ્રભુ યહોવા! તેં તારા મહાન બળથી તથા તારા લાંબા કરેલા હાથથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં છે; તને કંઈ અશક્ય નથી.’ (યિર્મેયા ૩૨:૧૭) ઈશ્વરે આ ધરતી અને એમાંની વસ્તુઓ બનાવી છે. તેથી તે જાણે છે કે એને કાબૂમાં કેવી રીતે રાખી શકાય, જેથી લોકો સુખ-શાંતિમાં રહી શકે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૧; ૧૧૫:૧૬.

ઈશ્વર કઈ રીતે જરૂરી ફેરફાર લાવશે? આજે બની રહેલી ભયંકર બાબતો “નિશાની” આપે છે કે આ દુષ્ટ ‘જગતનો અંત’ પાસે આવ્યો છે. ઈસુએ કહ્યું: “આ સઘળાં થતાં જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ પાસે છે.” (માત્થી ૨૪:૩; લુક ૨૧:૩૧) ઈશ્વરનું રાજ્ય જે સ્વર્ગમાંથી રાજ કરે છે એ આ પૃથ્વી પર ઘણાં મોટા ફેરફારો લાવશે. અરે, તે કુદરતી પરિબળોને પણ કાબૂમાં કરશે. ઈશ્વર યહોવા આ કામ કરવા સક્ષમ છે, છતાં તેમણે પોતાના દીકરા ઈસુને એ કામ સોંપ્યું છે. એમના વિષે પ્રબોધક દાનીયેલે કહ્યું: “તેને સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં, કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેના તાબેદાર થાય.”—દાનીયેલ ૭:૧૪.

ઈશ્વરે પોતાના દીકરા ઈસુને શક્તિ આપી છે, જેથી જરૂરી ફેરફારો કરીને આ ધરતીને સુંદર બનાવે. ઈસુ કુદરતી પરિબળોને કાબૂમાં કરી શકે છે, એની ઝલક તેમણે બે હજાર વર્ષ પહેલાં આપી હતી. એક વખતે તે પોતાના શિષ્યો સાથે ગાલીલના સમુદ્રમાં હોડીમાં મુસાફરી કરી રહ્યા હતા. પણ “પવનનું મોટું તોફાન થયું, ને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી.” એટલે તેમના શિષ્યો ગભરાઈ ગયા. જીવ જોખમાશે એમ જાણીને તેઓએ ઈસુ પાસે મદદ માંગી. ત્યારે ઈસુએ શું કર્યું? તેમણે “પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું, કે છાનો રહે, શાંત થા. અને પવન બંધ થયો, ને મહા શાંતિ થઈ.” તેમના શિષ્યો ચોંકી ગયા અને અંદરોઅંદર પૂછવા લાગ્યા કે “આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?”—માર્ક ૪:૩૭-૪૧.

સ્વર્ગમાં ગયા પછી ઈસુને મોટી પદવી મળી છે. તેમને વધારે શક્તિ અને સત્તા આપવામાં આવી છે. તે ઈશ્વરના રાજ્યના રાજા છે. લોકો સુખ-શાંતિમાં જીવી શકે, એ માટે પૃથ્વી પર જરૂરી ફેરફારો લાવવાની જવાબદારી તેમની છે. એમ કરવા માટે તેમની પાસે પૂરી ક્ષમતા છે.

આજે ઘણી તકલીફો અને આફતો માણસોને લીધે આવી છે. લોકોના લોભી અને સ્વાર્થી સ્વભાવને લીધે આફતોથી ઘણું નુકસાન થયું છે. લોકો એવાં કામો કર્યાં કરે છે અને સુધારો કરવા માંગતા નથી. ઈશ્વરનું રાજ્ય તેઓનું શું કરશે? બાઇબલ જણાવે છે કે ‘પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્‍નિની જ્વાળામાં પ્રગટ થશે. જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.’ હા, સાચે જ “જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ” ઈસુ કરશે.—૨ થેસ્સાલોનીકી ૧:૭, ૮; પ્રકટીકરણ ૧૧:૧૮.

ત્યાર બાદ, ‘રાજાઓના રાજા’ ઈસુ ખ્રિસ્ત પૃથ્વીનાં પરિબળો પર પૂરેપૂરો કાબૂ રાખશે. (પ્રકટીકરણ ૧૯:૧૬) રાજ્યની પ્રજાને કોઈ પણ જાતની આફતનો સામનો કરવો ન પડે, એની તે પૂરી ખાતરી રાખશે. કુદરતી પરિબળો યોગ્ય રીતે ચાલે એ માટે તે પોતાની શક્તિનો ઉપયોગ કરશે. એનાથી વાતાવરણ અને ઋતુઓ મનુષ્યોના લાભ માટે કામ કરશે. યહોવાએ ઘણા સમય પહેલાં મનુષ્યોને વચન આપ્યું હતું: “હું તમને ઋતુએ વરસાદ આપીશ, ને ભૂમિ પોતાની ઊપજ આપશે, ને ખેતરમાંનાં વૃક્ષો પોતાનાં ફળ આપશે.” આ વચન પૂરું થશે. (લેવીય ૨૬:૪) બાઇબલ એ પણ વચન આપે છે કે લોકો “ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે.” (યશાયા ૬૫:૨૧) આ બતાવે છે કે લોકો પોતાના ઘર બાંધશે ત્યારે તેઓને આફતમાં ઘર ગુમાવવાનો કોઈ ડર નહિ હોય.

તમારે શું કરવાની જરૂર છે?

ચોક્કસ, તમને પણ બીજાઓની જેમ આ પૃથ્વી પર હંમેશ માટે રહેવું ગમશે, જેમાં કોઈ આફત ન હોય. એ માટે તમારે શું કરવાની જરૂર છે? જેઓ ‘ઈશ્વરને ઓળખતા નથી’ અને ‘ખુશખબર માનતા નથી,’ તેઓને સુંદર દુનિયામાં જીવવા નહિ મળે. એથી સાફ સમજાય છે કે આફત વગરની દુનિયામાં જીવવા માટે તમારે ઈશ્વર વિષે શીખવું જોઈએ. તેમ જ, પૃથ્વી પર તેમના રાજની ગોઠવણને સાથ આપવો જોઈએ. ઈશ્વર ચાહે છે કે આપણે તેમને ઓળખીએ. તેમના દીકરા દ્વારા જે રાજ્ય સ્થાપ્યું છે એ વિષે ખુશખબર સંભળાવીએ.

એ વિષે શીખવાની સૌથી સારી રીત છે કે બાઇબલનો ઊંડો અભ્યાસ કરીએ. એમાં આપેલી સલાહ આપણે પાળવી જોઈએ. એમ કરીશું તો, ઈશ્વરના રાજ્યમાં આ સુંદર પૃથ્વી પર જીવવા લાયક બનીશું. બાઇબલમાંથી શીખવા તમે યહોવાના સાક્ષીઓ પાસેથી મદદ મેળવી શકો છો. તમને ખુશી ખુશી મદદ કરવા તેઓ ઇચ્છે છે. તમે આ વાતની ખાતરી રાખી શકો: જો તમે ઈશ્વરને જાણવા અને તેમની ખુશખબર પ્રમાણે જીવવા પ્રયત્ન કરશો, તો નીતિવચન ૧:૩૩ના શબ્દો તમારા કિસ્સામાં સાચા પડશે. એ શબ્દો જણાવે છે કે “જે કોઈ મારું સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.” (w11-E 12/01)