સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આર્માગેદનનું યુદ્ધ ક્યારે થશે?

આર્માગેદનનું યુદ્ધ ક્યારે થશે?

આર્માગેદનનું યુદ્ધ ક્યારે થશે?

‘મેં જોયું, તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ મોટી વિપત્તિમાંથી નીકળી આવ્યા છે.’—પ્રકટીકરણ ૭:૯, ૧૪.

આર્માગેદનના યુદ્ધની બધી તૈયારીઓ થઈ ચૂકી છે. કઈ રીતે?

હાલમાં દુનિયા ફરતે યહોવાની ભક્તિ કરનારા લોકોનું સંગઠન છે. તેઓ બાઇબલમાં જણાવેલા ઊંચા ધોરણો પ્રમાણે જીવવા બનતું બધું કરે છે. તેઓ જુદા જુદા દેશ, જાતિ અને ભાષાના લાખો લોકો છે. તેઓ ઈશ્વરની મદદથી હળીમળીને પ્રેમથી રહે છે. એવો ભાઈચારો યહોવાના સાક્ષીઓમાં જોવા મળે છે.—યોહાન ૧૩:૩૫.

જલદી જ શેતાન પોતાનું સૈન્ય ભેગું કરશે અને એ શાંતિચાહક અને નમ્ર લોકો પર મોટો હુમલો કરવા નીકળશે. (હઝકીએલ ૩૮:૮-૧૨; પ્રકટીકરણ ૧૬:૧૩, ૧૪, ૧૬) આપણે કઈ રીતે ખાતરીથી એમ કહી શકીએ? બાઇબલમાં અમુક ચોક્કસ બનાવો જણાવવામાં આવ્યા છે. એના આધારે આપણે પારખી શકીએ કે આર્માગેદનની લડાઈ ક્યારે થશે. બાઇબલમાં જણાવેલા ઘણા બનાવો બની ગયા છે.

બનાવો જે તમે પૂરા થતાં જોઈ રહ્યા છો

ઈસુના શિષ્યોએ ઈસુને પૂછ્યું હતું કે લોકોને કેવી રીતે ખબર પડશે કે ‘દુનિયાનો અંત’ નજીક છે. (માત્થી ૨૪:૩) એના જવાબમાં ઈસુએ તેઓને દુનિયાના અંત વખતે બનનારા બનાવો વિષે જણાવતા કહ્યું કે ‘પ્રજા પ્રજાની વિરુદ્ધ, તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુકાળો તથા મરકીઓ તથા ઠેર ઠેર ધરતીકંપ થશે. પણ એ બધાં તો દુઃખોનો આરંભ જ છે.’ (માત્થી ૨૪:૭, ૮) પ્રેરિત પાઊલે એ સમયગાળાને ‘છેલ્લા દિવસો’ કહ્યા. તેમણે એ પણ જણાવ્યું કે એ દિવસો ‘સંકટʼથી ભરેલા હશે. (૨ તીમોથી ૩:૧) શું એ નિશાનીઓ આજે પૂરી થઈ રહી નથી?

શા માટે એ સમયગાળો ખૂબ જ મુશ્કેલ હશે? પ્રેરિત યોહાન એનું કારણ આપે છે. તેમણે જણાવ્યું કે અંત આવવાને “થોડો જ વખત” રહેલો છે. એ સમયમાં શેતાન અને તેના દૂતોને પૃથ્વી પર ફેંકી દેવામાં આવશે. એટલે શેતાન ‘ઘણો ગુસ્સે’ ભરાયો છે. (પ્રકટીકરણ ૧૨:૭-૧૨) શું આજે તમે લોકોમાં ગુસ્સો અને હિંસા જોઈ શકો છો? શું એ વલણ ફક્ત તમારા જ વિસ્તારમાં છે કે આખી દુનિયા ફરતે જોવા મળે છે?

ઈસુએ એ પણ કહ્યું હતું કે આ મુશ્કેલ દિવસોમાં એક જોરદાર કામ પાર પાડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) આજે યહોવાના સાક્ષીઓ ૨૩૫ દેશોમાં રાજ્યની ખુશખબર ૫૦૦ કરતાં વધુ ભાષાઓમાં જણાવી રહ્યા છે. બાઇબલ આધારિત મૅગેઝિનો ચોકીબુરજ અને સજાગ બનો! તેઓ આખી દુનિયામાં આપે છે. યહોવાના સાક્ષીઓએ આશરે ૧૦૦ જેટલી ભાષાઓમાં બાઇબલ પણ ભાષાંતર કર્યું છે. આ બધું જ કામ તેઓ સ્વેચ્છાથી કરે છે. રાજીખુશીથી મળેલા દાનોમાંથી તેઓનું કામ ચાલે છે. આખી દુનિયામાં ચાલતા પ્રચાર કામથી સાબિત થાય છે કે ઈસુએ કરેલી ભવિષ્યવાણી સાચી પડી રહી છે.

બાઇબલ કેટલાક એવા બનાવો વિષે પણ જણાવે છે, જેના લીધે ઈશ્વર યહોવા અને તેમના વિરોધીઓ વચ્ચે યુદ્ધ થશે. ચાલો એવી ત્રણ ભવિષ્યવાણીઓ વિષે જોઈએ.

બનાવો જે તમે જલદી જ પૂરા થતા જોશો

ભવિષ્યવાણી ૧. બાઇબલ જણાવે છે કે દુનિયાની સરકારો “શાંતિ તથા સલામતી”ની ઘોષણા કરશે. તેઓને લાગશે કે જાણે તેઓએ દુનિયાની મોટી મોટી મુશ્કેલીઓ હલ કરી દીધી છે. પરંતુ, તેઓની એ ઘોષણા પછી, જે બનાવો બનશે એમાં ક્યાંય શાંતિ જોવા નહિ મળે.—૧ થેસ્સાલોનીકી ૫:૧-૩.

ભવિષ્યવાણી ૨. દુનિયાની સરકારો બધા ધર્મો કાઢી નાખવાનો નિર્ણય કરશે. બાઇબલ એ સરકારોને ‘જંગલી શ્વાપદ’ તરીકે ઓળખાવે છે. જ્યારે કે દુનિયાના જૂઠા ધર્મોને એક સ્ત્રી સાથે સરખાવે છે. તે સ્ત્રી જંગલી શ્વાપદ પર સવારી કરે છે. (પ્રકટીકરણ ૧૭:૩, ૧૫-૧૮) એ જંગલી શ્વાપદ અજાણતા ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે. તેમ જ, એ શ્વાપદ એવા ધર્મોનો નાશ કરશે, જે ઈશ્વરની ભક્તિ કરવાનો ખોટો દાવો કરે છે.

પ્રેરિત યોહાન આ બનાવોનું આ રીતે વર્ણન કરે છે: ‘તેં જે દશ શિગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્‍ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્‍નિથી તેને બાળી નાખશે. કેમ કે તેઓ ઈશ્વરની ઇચ્છા પૂરી કરે એવું ઈશ્વરે તેઓના મનમાં મૂક્યું છે.’—પ્રકટીકરણ ૧૭:૧૬, ૧૭.

ભવિષ્યવાણી ૩. ધર્મોનો નાશ થયા પછી શેતાન આ દુનિયાના રાજ્યોને યહોવાના ભક્તો પર હુમલો કરવા દોરશે.—પ્રકટીકરણ ૭:૧૪; માત્થી ૨૪:૨૧.

તમને કઈ રીતે અસર થશે?

જો તમને હજી બાઇબલનો અભ્યાસ કરવાની તક મળી ન હોય, તો ઉપરના બનાવોમાં વિશ્વાસ મૂકવો અઘરું લાગશે. પણ બાઇબલમાં જણાવેલા બનાવો નજીકના ભાવિમાં જરૂર પૂરા થશે. એમાં વિશ્વાસ કરવાનું એક ખાસ કારણ આ છે: બાઇબલમાં આપેલી ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ ચૂકી છે. *

યહોવાના સાક્ષીઓને પૂરી ખાતરી છે કે “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” ખૂબ જ નજીક છે. પણ આપણે એનાથી ડરવાની જરૂર નથી. યહોવાના સાક્ષીઓ શા માટે એમ માને છે? એ જાણવા કેમ નહિ કે તમે થોડો સમય કાઢો. તેઓ ખુશી ખુશી તમને જણાવશે કે યહોવાના રક્ષણ નીચે રહેવા તમારે શું કરવું જોઈએ. (પ્રકટીકરણ ૧૬:૧૪) તમે જે શીખશો એનાથી ભાવિ માટેના તમારા વિચારો કદાચ બદલાઈ જશે. (w12-E 02/01)

[ફુટનોટ]

^ બાઇબલની ભવિષ્યવાણીઓ સાચી પડી છે, એની સાબિતી મેળવવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું બીજું અને નવમું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૮ પર બ્લર્બ]

શું યહોવાના સાક્ષીઓનું કામ બાઇબલની કોઈ ભવિષ્યવાણી પૂરી કરે છે?